નારીવાદ: પુનર્વિચાર/અનુવાદવેળાએ
નારીના એક અલાયદી વ્યક્તિ તરીકેના સ્વીકારના મૂળભૂત પાયા પર મંડાયેલ નારીવાદ ક્યારેય એકવચન ન હતો. પ્રારંભથી જ નારીવાદી વિચારધારા સ્થળ, કાળ તથા સમાજ પ્રમાણે વિવિધ સ્વરૂપે ઘડાતી રહી તથા વિવિધ વિશેષણો - સંજ્ઞાઓ પામતી રહી. પિતૃસત્તાક સમાજનો આક્રોશ વહોરીને નારીના હક્કની, તેના શિક્ષણની, તેના વ્યક્તિ તરીકેના સ્વીકારની ચિંતા કરનાર પાશ્ચાત્ય નારીકેન્દ્રિત વિચારધારાના પ્રણેતા તથા રાણી વિક્ટોરિયાના દરબારના રત્નસમા જે. એસ. મિલ તથા ભારતીય નારીવિમર્શના પુરસ્કર્તા રાજા રામમોહન રાયનું પ્રદાન પાછળથી ‘નારીવાદી’ વિશેષણથી નવાજાયેલું. પરંતુ આ બંને પુરુષોનો નારીવિમર્શ પણ અલગઅલગ હતો. વર્જિનિયા વુલ્ફ (‘અ રૂમ ઑફ વન્સ ઓન’: 1929) કે સાયમન દિબુવા(‘સેકન્ડ સેક્સ’: 1951)ના બે તદ્દન ભિન્ન નારીવાદ સાથે પણ પુરુષોનો એ નારીવિમર્શ કદમ મિલાવી શકે તેમ નથી. તો વળી ‘પોસ્ટ-ફેમિનિસ્ટ ગાયનોસેન્ટ્રિક’ કહેવાતો સમકાલીન નારીવાદ આ બધાથી તદ્દન ભિન્ન છે. 1950-70ના સમયગાળા દરમિયાન નારીવાદીઓમાં લોકપ્રિય બનેલ સ્ત્રી-પુરુષ-સમાનતાનો સિદ્ધાંત સમકાલીન નારીવાદીઓને સ્વીકૃત નથી. સ્ત્રી-પુરુષ જન્મે, પ્રકૃતિથી તથા ક્ષમતાની દૃષ્ટિએ ભિન્ન છે અને તેથી તેમની આ ભિન્નતાને અવગણીને સમાનતાની વાત કરવી આજના પોસ્ટ ફેમિનિસ્ટ ગાયનોસેન્ટ્રિક નારીવાદીઓના મતે વાજબી નથી. સ્ત્રી-પુરુષ-સમાનતાનો સિદ્ધાંત તેમને સ્વીકાર્ય નથી. પિતૃસત્તાનો પ્રતિકાર તથા વિદ્રોહ પણ તેમને ગ્રાહ્ય નથી. આમ ‘નારીવાદ’ સંજ્ઞા સમય, કાળ અને સમાજ સાથે જ નહીં, સમુદાયોની ત્વચાના રંગ સાથે, તેમની નાગરિકતા સાથે તથા અન્ય ઘણાં પરિબળો સાથે નવાં વિશેષણો - અર્થો ધારણ કરતી રહી છે. પરંતુ આ સઘળા વિવિધ નારીવાદોનું મૂળભૂત કેન્દ્ર, નારીવાદોની ક્રમિક વિકાસયાત્રાના સમગ્ર પટ પર સર્વસ્વીકૃત રહીને સતત ટકી રહે છે તે તત્ત્વ, તથા આ બધા વિવિધ અવતારોનું અંતિમ લક્ષ્ય, એટલે નારીનો સમાજ તથા તેના પોતાના દ્વારા એક અલાયદી આત્મનિર્ભર વ્યક્તિ તરીકે સ્વીકાર. સમાજ દ્વારા તેના શરીરની સુરક્ષા, લાગણીની માવજત તથા બુદ્ધિનો આદરપૂર્ણ સ્વીકાર અને તેના પોતાના દ્વારા આ ત્રણેયમાં અતૂટ શ્રદ્ધા - આ છે નારીવાદના સઘળા અવતારનું સર્વગ્રાહ્ય લક્ષ્ય. આ સિવાય વિવિધ સમયે પ્રગટેલા નારીવાદોના પિતૃસત્તાના પ્રતિકાર, વિદ્રોહ, સ્ત્રી-પુરુષ-સમાનતા, પુરુષસમોવડી બનવાની આંધળી દોટ, સ્ત્રી-પુરુષને સમાન તકો, સમાન વેતન, સ્ત્રી-દેહ પર સ્ત્રીનો અધિકાર, સ્ત્રીનું આર્થિક સ્વાવલંબન જેવાં લક્ષ્યો લાંબું ટકી શક્યાં નથી. તેમ છતાંય નોંધવું જોઈએ કે જે સમયે આ પ્રવાહો પ્રવર્તમાન હતા, તે સમયના તત્કાલીન નારીવાદી ચિંતનના વિકાસના એક તબક્કા તરીકે જે જરૂરી હતા અને તેમનું મહત્ત્વ પણ હતું. આ સત્ય અવગણી શકાય તેમ નથી. નારીવાદી ચિંતનની આવી વિવિધતાને અનુલક્ષીને જ પ્રસ્તુત પુસ્તકના શીર્ષકમાં બહુવચન સંજ્ઞા પ્રયોજાઈ છે. લિબરલ, રેડિકલ, ફ્રેન્ચ, ઍંગ્લો-અમેરિકન, એક્ઝિસ્ટેન્શિયલ, સાઈકૉ-એનાલેટિક, પોસ્ટ- કૉલોનિયલ, પોસ્ટ-મૉડર્ન, ઇકો-ફેમિનિસ્ટ, ગાયનોસેન્ટ્રિક, પોસ્ટ-ફેમિનિસ્ટ - નારીવાદના અવતારોની યાદી ઇચ્છો તેટલી લાંબી થઈ શકે તેમ છે. ભારતીય નારીવાદો પણ આવી વૈશ્વિક વિવિધતાઓ સાથે કદમ મિલાવતા રહ્યા છે. તેમણે પણ એક લાંબી મજલ સર કરી છે અને આજે તે ત્રિભેટે આવીને ઊભા છે. અહીંથી આગળ પગ માંડતાં પહેલાં સહેજ થોભીને, પાછળ નજર કરીને, સર કરેલ મજલને માપી લેવાનું, મૂલવી લેવાનું, જરૂરી છે. અને તેથી જ અમારી દૃષ્ટિએ નારીવાદની પ્રસ્તુત પુન: વ્યાખ્યાનું મૂલ્ય સવિશેષ છે. ‘પુન:’ શબ્દ સાથે જાણે સતત થતી ગતિ જોડાયેલી છે. પરિવર્તનશીલ નારી ચિંતનના વહેણમાં અનિશ્ચિતપણે તણાવા કરતાં સુનિશ્ચિતપણે તબક્કાવાર પગ માંડવા વધુ ઉચિત છે, તેમ અમારું નમ્ર મંતવ્ય છે. અને તેથી નારીવાદોની પુન: વ્યાખ્યાના અમારા પ્રયત્નને અમે નારીચિંતનની પ્રગતિનાં ચાર મુખ્ય સોપાનોમાં વહેંચ્યો છે. પુનર્રચના, પુનર્વિચાર, પુનર્નિરીક્ષણ અને પુનર્મૂલ્યાંકન. પુસ્તક ઉપરોક્ત ચાર વિભાગમાં વહેંચાયેલ છે. પ્રત્યેક વિભાગમાં સમાવાયેલ દરેક લેખ કોઈ એક વિચાર, ટેક્સ્ટ કે કૉન્ટૅક્ટ્સને ‘રી-ડિઝાઈન’ કરે છે. આ લેખોના વિષયનો વ્યાપ મોટો છે. મલ્ટિડિસિપ્લિનરી પણ ખરો. પ્રત્યેક વિભાગના પ્રારંભે અપાયેલ ‘નોંધ’ જાણે તે વિભાગનો ‘રોડ-મૅપ’ આપે છે, જેથી તેમાં પ્રસ્તુત લોખોનો તર્ક સુપેરે સમજી શકાય. દરેક લેખની વૈચારિક ભૂમિકા અને તર્કની ચર્ચા કરી પ્રત્યેક વિભાગમાં પ્રયોજાયેલ લેખોને એક વિચાર-ગુચ્છમાં બાંધવાનું કામ વિભાગના પ્રારંભે અપાયેલ આ ‘નોંધ’ કરે છે. અને આમ પ્રસ્તુત પુસ્તકના ચાર વિભાગના ચાર વિચાર-ગુચ્છ લઈ અમે ગુજરાતી વાચકો સામે પ્રસ્તુત છીએ. ‘રી-ડિફાઈનિંગ ફેમિનિઝમ્સ’ શીર્ષક અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગે ઑક્ટોબર - 2005માં યોજેલ રાષ્ટ્રીય પરિસંવાદની ફલશ્રુતિ એટલે પ્રસ્તુત અનુવાદનું મૂળ અંગ્રેજી પુસ્તક. એ પરિસંવાદમાં રજૂ થયેલ પેપર્સમાંથી ચુનંદા પેપર્સ અહીં સ્થાન પામ્યા છે. ડૉ. લક્ષ્મી કન્નન (દિલ્હી યુનિ.), પ્રો. સચ્ચિદાનંદ મોહંતી (હૈદરાબાદ સેન્ટ્રલ યુનિ.), પ્રો. જી. એસ. જયશ્રી (કેરળ યુનિ.), ડૉ. મંગાઈ તથા ડૉ. અનિરુદ્ધન(મદ્રાસ યુનિ.)ના લેખો આ પુસ્તકમાં આમંત્રિત લેખો તરીકે સ્થાન પામ્યા છે. આ બધા જ લેખકોએ ગુજરાતી અનુવાદની સંમતિ આપી તે બદલ અમે તેમના આભારી છીએ. ઉપરોક્ત પરિસંવાદ ગુજરાત યુનિવર્સિટીના ‘વિમેન્સ ડેવલપમેન્ટ સેલ’ની સ્થાપના પ્રસંગે કેન્દ્રીય માનવસંસાધન વિભાગના અનુદાન અન્વયે યોજાયેલ. તેથી જ્યારે આ પુસ્તક ગુજરાતીમાં અવતરે છે ત્યારે અમે માનવસંસાધન વિભાગ, દિલ્હી, ગુજરાત યુનિવર્સિટી તથા તત્કાલીન કુલપતિ શ્રી એ. યુ. પટેલના સહકારની સાભાર નોંધ લઈએ છીએ. મૂળ અંગ્રેજી પુસ્તક(2008, દ્વિતીય સંસ્કરણ-2010)-ના પ્રકાશક રાવત પબ્લિશર્સના શ્રી કૈલાસજી રાવત તથા શ્રી પ્રણીત રાવતની અનુમતિ માટે અમે તેમનાં આભારી છીએ. અમારા પરિવારોએ અમારાં બધાં જ વિદ્યાકીય કાર્યોમાં હંમેશ સાથ આપ્યો છે, જેનું અમને ઘણું મૂલ્ય છે, પણ ભાર નથી. ઋણસ્વીકારની આ યાદીનાં બે મુખ્ય નામ એટલે ગૂર્જર પ્રકાશનના શ્રી મનુભાઈ શાહ તથા શ્રી અમરભાઈ શાહ. આ બંનેનું ઋણ સ્વીકારવાનો અમને ખૂબ આનંદ છે. મૂળ પુસ્તકની નારીવાદી ‘ઇડિયમ’ભરી ‘સૉર્સ લૅન્ગ્વેજ’ અંગ્રેજીને ભેદીને, તેમાં અભિવ્યક્ત વિચારને આત્મસાત્ કરીને, તેને ટાર્ગેટ લેન્ગ્વેજ ગુજરાતીમાં અનૂદિત કરવાનું કામ પડકારભર્યું હતું. કૅનેડાના ટોરન્ટો નગરમાં સ્થિત અમારાં મિત્ર શ્રીમતી નીતા શૈલેશે ઉમળકાભેર, ખંતપૂર્વક તેમ જ સુયોગ્ય રીતે તે પાર પાડ્યું છે. વ્યવસાયે અનુવાદક એવાં શ્રીમતી નીતા શૈલેશને તેમના વ્યવસાયને કારણે વિવિધ નાગરિકતા ધરાવતા લોકોને મળવાનો અને સમજવાનો બહોળો અનુભવ છે, જે તેમને અનુવાદક માટે અપેક્ષિત એવો વૈચારિક ઉઘાડ પૂરો પાડે છે. વળી તેઓ જ્યારે પણ મૂંઝાય ત્યારે કૅનેડાથી ફોન કરીને અમારી સાથે ચર્ચા કરવાનું પણ ચૂક્યાં નથી. પુસ્તકના અનુવાદ માટેની તેમની પ્રતિબદ્ધતા અમે સતત અનુભવી છે. તેમને ખૂબખૂબ અભિનંદન. આશા છે આ પુસ્તક અમારા ગુજરાતી વાચકોને ઉપયોગી નીવડશે.
અમદાવાદ
વિજયાદશમી, 4-10-2014
– ડૉ. રંજના હરીશ
* પૂર્વ અધ્યક્ષ, અંગ્રેજી વિભાગ, ભાષાભવન,
ગુજરાત યુનિવર્સિટી
* સ્થાપક ચેરપર્સન, વિમેન્સ ડેવલપમેન્ટ સેલ,
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
E-mail: ranjanaharish@gmail.com
ડૉ. ભારતી હરિશંકર
અધ્યક્ષ, વિમેન્સ સ્ટડીઝ વિભાગ,
મદ્રાસ યુનિવર્સિટી, ચેન્નાઈ
E-mail: omkarbharthi@gmail.com