નારીવાદ: પુનર્વિચાર/પ્રસ્તાવના

પ્રસ્તાવના

‘નારીવાદો’ શબ્દનો પ્રયોગ અહીં બહુવચનમાં કરવામાં આવ્યો છે, જે માત્ર એક વૈચારિક યોજના જ છે. નારીવાદની ફિલસૂફી કંઈ ફક્ત જાતિ(જેન્ડર)ના તફાવત કે પછી ફક્ત સ્ત્રીઓને અનુભવાતા તફાવત પૂરતી જ મર્યાદિત નથી. નારીવાદો તો આ માનવ-વિશ્વને નવીન દૃષ્ટિકોણો વડે જુએ છે. પિતૃસત્તાક વ્યવસ્થાના તર્ક વડે જ સ્ત્રી શીખી છે કે ‘માનવ’ શબ્દનો ઉપયોગ સંકુચિતપણે અને અસમાવિષ્ટ કરીને જ કરવો. માટે જ નારીવાદો કબૂલ કરે છે કે એ એક પ્રકારના હોઈ જ ન શકે, એ તો માનવજાતિની આ દુર્દશાને વિવિધ દૃષ્ટિકોણ વડે જુએ છે. તદુપરાંત, જેમજેમ નારીવાદો સક્રિય બનતા જાય છે, તેમતેમ જ્ઞાનના ઘડતરની પ્રક્રિયા સતત વહેતી રહે છે. અન્ય લોકોના વિભિન્ન દૃષ્ટિકોણો બાકાત ન રહી જાય, એ માટે તેઓ જ્ઞાનવ્યવસ્થાને કોઈ એક ચોક્કસ આકાર આપી દેવા માગતા નથી. આપણી પાસે વિવિધ નારીવાદો હોવા છતાંય પુનર્વિચારની, પુનર્મૂલ્યાંકનની પ્રક્રિયા અટકી જતી નથી. એકેડેમિશિયન્સ તરીકે આપણે ઐતિહાસિક રીતે વિવિધ વિચારધારાઓ પર નજર નાંખીએ છીએ. ઉદારમતવાદી (લિબરલ), ઉગ્રમતવાદી (રેડિકલ), ફ્રેંચ, ઍંગ્લો–અમેરિકન, અસ્તિત્વવાદી (એક્ઝિસ્ટેન્શિયાલિસ્ટ), મનોવિશ્લેષક (સાઇકૉએનાલિટીક), માર્ક્સવાદી (માર્ક્સિસ્ટ), અનુસંસ્થાનવાદી (પોસ્ટ-કૉલોનિયલ), અનુઆધુનિક (પોસ્ટમૉડર્ન) ઇકો-ફેમિનિઝમ – આ સૂચિ પર નજર નાંખવાથી સાંસ્કૃતિક ઇતિહાસ સહિત વિવિધ શાખાઓનો ખ્યાલ આવશે. કોઈને કદાચ શંકા પણ થાય કે ઉપર દર્શાવેલ બધા જ નારીવાદો પિતૃસત્તાક વ્યવસ્થા મુજબના જ્ઞાનમાંથી આવ્યા હશે, પણ ઘણા સમય પહેલાં એ નડતરને નારીવાદોએ વટાવી દીધું છે. વિવિધ શાખાઓની અને તેમની પૂર્વધારણાઓની વિવિધ પ્રકારના નારીવાદોએ પોતપોતાના દૃષ્ટિકોણથી નિર્ણાયક તપાસ કરી જ લીધી છે. હકીકતમાં માર્ક્સવાદી જેવી અસરકારક દલીલને સૌથી પહેલાં નારીવાદીઓએ પડકારી હતી. ભાષાશાસ્ત્ર અને માનસશાસ્ત્રનો ચતુરાઈપૂર્વકનો ઉપયોગ નારીવાદના ક્ષેત્રમાં ઉમેરો કરે છે. આ બધી શરૂઆત 1975માં ‘વિમેન્સ યર’થી જ થઈ હતી એ દાવાને આપણે નકારીએ છીએ. ભારતમાં જ્યારે કોઈ નારીવાદનું પુન: સ્પષ્ટીકરણ કરે છે, ત્યારે એ અનુ-સાંસ્થાનિક, અનુ-આધુનિક પરિસ્થિતિમાં હોય છે. આ સામાજિક વ્યવસ્થા જ્ઞાતિ (વર્ણ - કાસ્ટ) અને જાતિ(જેન્ડર)ના સંબંધોનો કાળજીપૂર્વકનો અભ્યાસ માગી લે છે. આપણી આફ્રિકન-અમેરિકન બહેનોએ પાશ્ચાત્ય નારીવાદી વિચારધારા અને એની અભિવ્યક્તિને શ્વેત, મધ્યમવર્ગીય, યુરોસેન્ટ્રિક કહીને પડકારી હતી. ભારતમાં મુખ્ય પ્રવાહના નારીવાદને હવે આપણી દલિત બહેનો ‘બ્રાહ્મણી’ કહીને પડકારે છે. સ્ત્રીઓની આત્મકથાઓ, ખાસ તો દલિત સ્ત્રીઓએ લખેલી આત્મકથાઓ, પારંપરિક રીતે લખાયેલી આત્મકથાઓનાં સર્વસામાન્ય ધોરણોને પડકારે છે. ‘સ્વ’ અને ‘અન્ય’ વિશેની જાગૃતિ દર્શાવતો ભારતીય નારીવાદ ખાસ કરીને સ્ત્રી-સંતોનાં કાવ્યોમાં જોવા મળે છે. નારીવાદનો ઉપયોગ કરીને આપણે પૌરાણિક કથાઓનું અર્થઘટન કરીએ છીએ. વર્ણ (કાસ્ટ) અને વર્ગ (ક્લાસ) જ્યાં એકબીજાને સ્પર્શે છે, એ સ્થાનનો અનુભવ ડૉ. બાબાસાહેબ આંબેડકરે ખુદ કર્યો હતો. પણ તેમ છતાંય તેમણે જાહેર કર્યું હતું કે “સ્ત્રીઓ જ વર્ણવ્યવસ્થાનું મૂળ છે.” જોકે, તેઓ સ્ત્રીઓને જવાબદાર નહોતા ગણતા, પણ વર્ણની શુદ્ધિ માટેની ખાતરી આપનારી ચારિત્ર્યશુદ્ધિની વિભાવનાનો ઉપયોગ કરનારી વ્યવસ્થાને જવાબદાર ગણતા. ભારતીય પટ પર અન્ય વ્યક્તિઓ – જેવી કે જ્યોતિરાવ ફુલે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહાત્મા ગાંધી, વિનોબા ભાવે અને રામમનોહર લોહિયાએ પણ ચારિત્ર્યશુદ્ધિની સંસ્કૃતિનું અર્થઘટન કર્યું હતું. મનોબળની વિભાવના પર ગાંધીવિચારધારાએ ભાર મૂક્યો હતો. હવે ઑક્ટોબર 2005માં ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગે જે નૅશનલ કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું, એની વાત કરીએ. આ કૉન્ફરન્સનો મુખ્ય વિષય “રિ-ડિફાઇનિંગ ફેમિનિઝમ્સ” (નારીવાદોનું પુન: સ્પષ્ટીકરણ) હતો. કૉન્ફરન્સના આ મુખ્ય વિચારને ભારતીય પરિસ્થિતિ, સમકાલીનતા અને સૂક્ષ્મ સ્તરે સાંસ્કૃતિક વાસ્તવિકતાના સંદર્ભે જોવામાં આવ્યો હતો. આ કૉન્ફરન્સની વિવિધ રજૂઆતોમાં દૃશ્ય અને અભિનયની કળામાં પૌરાણિક કથાઓ, પુન: અર્થઘટન, રજૂઆતની શૈલીઓનું અર્થઘટન કરવાની નવી કાર્યપદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમુક લોકોએ સ્વાનુભવોનો ઉપયોગ કરીને જાગૃતિ વધારી હતી. યુનિવર્સિટીમાં થવાને કારણે અમુક રજૂઆતોમાં નારીવાદને ફિલસૂફીની જેમ જોવામાં આવ્યો હતો. આ કૉન્ફરન્સ દરમિયાન વર્ણ અને રાજનીતિની અસરો પણ તપાસવામાં આવી હતી. કૌટુંબિક હિંસા તેમ જ વર્ણને કારણે થનારી હિંસાની સમસ્યા પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. એશિયન મરદાનગીની સમસ્યાની શક્યતા પણ ચર્ચવામાં આવી હતી. અહીં એકૅડેમિક્સ અને સામાન્ય લોકો વચ્ચેનું યથાર્થ જોડાણ થયું હતું. આ નૅશનલ કૉન્ફરન્સના પરિણામ સ્વરૂપે બહાર પાડવામાં આવેલ આ ગ્રંથને પુનર્રચના (રિ-ડિઝાઇન) પુનર્વિચાર (રિ-થિંક), પુનર્નિરીક્ષણ (રિ-વ્યુ) અને પુનર્મૂલ્યાંકન (રિ-માર્ક) જેવા ચાર વિભાગોમાં વહેંચવામાં આવેલ છે, એ ખૂબ સૂચક છે. આ ચર્ચા-વિચારણાને કૉન્ફરન્સ પૂરી થયા બાદ, બહોળા વાચક વર્ગ સુધી લઈ જવા માટે તંત્રીઓ ડૉ. રંજના હરીશ અને ડૉ. વિ. ભારતી હરિશંકરે કરેલી વિચારશીલ પહેલને હું બિરદાવું છું. આશા રાખું છું કે વાચકોને આ પ્રકાશન અર્થપૂર્ણ લાગે.

– પુષ્પા ભાવે
ભૂતપૂર્વ પ્રમુખ, મરાઠી વિભાગ
એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, મુંબઈ
ડ્રામા ક્રિટિક, પીસ એક્ટિવિસ્ટ, ફેમિનિસ્ટ