નારીવાદ: પુનર્વિચાર/એક પૌરુષસભર ક્રાઈસ્ટનાં સ્ત્રીત્વસભર પાસાં
એક પૌરુષસભર ક્રાઇસ્ટનાં સ્ત્રીત્વસભર પાસાં
જીન ડિસોઝા
ફૅકલ્ટી, એચ. એ. કૉલેજ ઑફ કોમર્સ, અમદાવાદ
મને કહેવામાં આવ્યું છે કે પુરુષ હોવા માટે માત્ર શિશ્ન ધરાવવા કરતાં કંઈક વધારેની આવશ્યકતા હોય છે. એમાં ‘પૌરુષ’, પુરુષાતન, મરદાનગીનો સમાવેશ થાય છે – અને એ શબ્દ જ્યારે બોલાય છે ત્યારે હું એ ખૂબ તાણ, દબાણ અને આંખોમાં એક ચમક સાથે સાંભળું છું. એક વાત કબૂલ કે પુરુષપણાનું આ છીછરું, અતિ-પ્રચલિત વર્ણન હોઈ શકે છે, પણ જિસસ ક્રાઇસ્ટને પુરુષ તરીકે જોતી વખતે ચોક્કસપણે આપણે માત્ર એમની શરીરરચનાને કારણે જ એમને એક પુરુષ તરીકે વર્ગીકૃત કરતા નથી. ક્રાઇસ્ટના વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ વડે એમની પુરુષતાનું વર્ણન એ હદે કરવામાં આવ્યું છે કે એમને પુરુષ સિવાય બીજું કંઈ પણ સમજવું એ સદંતર મૂર્ખામી જ લાગે. તે છતાં પણ ક્રાઇસ્ટના પૌરુષમાં એમની સેક્સ (લૈંગિક જાતિ) કરતાં ઘણું વધારે છે. આ પેપરમાં હું ક્રાઈસ્ટમાંના આ પૌરુષસભર / પુરુષનાં લક્ષણોની (મેસ્ક્યુલિન) ચર્ચા કરીને એ દર્શાવવા માગું છું કે આ લક્ષણો સિવાયનાં, બીબાઢાળ સ્ત્રીત્વસભર લક્ષણોને (ફેમિનાઇન) જ અનુકરણાત્મક આદર્શો તરીકે વફાદાર શ્રદ્ધાળુઓ સમક્ષ રજૂ કરવામાં આવે છે. ક્રાઇસ્ટ એક વિશિષ્ટ મર્દાનગીની સાથોસાથ એક મજબૂત નારીવાદ(ફેમિનિઝમ)ની પણ છબી રજૂ કરે છે, તે છતાં પણ સંસ્થા પર સત્તા ધરાવનારું માળખું માત્ર એને પોતાને ફાવે એ જ પ્રકારના ક્રાઇસ્ટના આદર્શોને અનુકરણ કરવા માટે આગળ ધરે છે. ગોસ્પેલ્સમાંના ક્રાઇસ્ટ મજબૂત, સત્તાવાહી, આકર્ષક, વિશ્વસનીય, જગજાહેર અને અધિકારયુક્ત છે – આમાંથી મોટા ભાગનાં લક્ષણો બીબાઢાળ રીતે પૌરુષસભર ગણાય છે. મેથ્યુ(૮:૨૨-૨૭)માં એમની સત્તા અને શક્તિ દેખાય છે, જ્યાં તેઓ તોફાની દરિયાની વચ્ચે એક નાનકડી, ખખડી ગયેલી હોડીમાં છે અને ત્યાં ઊભા થાય છે, “પવન અને દરિયાને ધમકાવે છે”, એના પરિણામે આશ્ચર્યજનક રીતે શાંતિ થઈ જાય છે. આ જ પ્રકારની નીડરતા અને અધિકાર વિવિધ ઘટનાઓમાં જોવા મળે છે, જ્યારે એ રાક્ષસો અને દુષ્ટાત્માઓને હાંકી કાઢે છે, ત્યારે એવી છાપ પડે છે કે જાણે બધાએ એમને સાંભળવા જ જોઈએ અને એમના આદેશનું પાલન કરવું જ જોઈએ. માઇકલ ફુકો ક્રાઇસ્ટના ઉપદેશો વિશેની ચર્ચા-વિચારણાઓમાં સત્તાને મુખ્ય અંગ ગણાવે છે. સત્તાને અંકુશ, નિયંત્રણ, માલિકી, ઉલ્લંઘન અને / અથવા પ્રતિબંધ માની લેવાને બદલે ફુકો વિશ્લેષણ કરે છે કે સત્તાને નિયંત્રિત કરીને વર્તણૂકનાં વિવિધ સ્વરૂપોમાં ફેરવી શકાય છે. ‘અવરોધક અનુમાન’ (રિપ્રેસિવ હાઇપોથિસિસ)ની ચર્ચા કરવા પહેલાં પરિચયમાં એ લખે છે : “....સત્તાનાં સ્વરૂપો શોધવા માટે, એ જે રસ્તાઓ અપનાવે છે અને વર્તણૂકની અત્યંત સૂક્ષ્મ અને વ્યક્તિગત રીતભાતો સુધી પહોંચવા માટે સત્તા જે ઉપદેશો પ્રસરાવે છે, એ શોધવા સાથે મારે મુખ્ય નિસ્બત છે... આ બધી આવશ્યક અસરો અસ્વીકાર, અવરોધ અને અપ્રમાણિત કરવાને કારણે હોઈ શકે છે, પણ સાથેસાથે એ ઉશ્કેરણી કે ઉગ્રતાને કારણે પણ હોઈ શકે છે.” (ફુકો, ૧૧). હિસ્ટ્રી ઑફ સેક્સ્યુઆલિટી(વૉલ્યુમ ૧)ના પહેલા વિભાગમાં આ કહીને ફુકો આગળ દર્શાવે છે કે કઈ રીતે સત્તા એક વ્યક્તિને એની ઇચ્છા મુજબ કરતાં રોકીને એની વર્તણૂકની શક્ય રીતભાતો પણ બદલાવડાવે છે. આ જ અર્થમાં, ક્રાઇસ્ટનાં અમુક કૃત્યો દ્વારા કદાચ સત્તાનું જ પ્રદર્શન થાય છે. સત્તાના આ ફળદાયક નમૂનાની સરખામણી જીનેસિસમાં બ્રહ્માંડના સર્જનાત્મક પ્રાણતત્ત્વ તરીકે જોઈ શકાય છે. “જીસસ ઇન ક્રિશ્ચિયન ડૉક્ટ્રિન”ના મથાળાવાળા નિબંધમાં એલન ટોરન્સ લખે છે :
- સૃષ્ટિના સર્જનની પ્રક્રિયામાં જેમ સંપૂર્ણ અંધાધૂંધી પર પરમેશ્વરે કાબૂ મેળવ્યો હતો (જેમાં ઉદાહરણ તરીકે પવન અને પાણીના પ્રતીકો લેવામાં આવ્યા છે), એમ જ જીસસે પણ એ જ પ્રકારની અંધાધૂંધી ફેલાવનારાં અમુક પ્રતીકો – જેવાં કે તોફાનને શાંત કરવા, દુષ્ટાત્માઓને હાંકી કાઢવા અને લોકોને શારીરિક અને આધ્યાત્મિક નિષ્ક્રિયતાથી ઉપર ઉઠાવવા માટે એવી જ સત્તાનો ઉપયોગ કર્યો છે. (ટોરન્સ, ૨૦૪)
આમ, સત્તા, તાકાત અને અધિકાર ક્રાઇસ્ટની પુરુષતા જરૂર ઉપસાવે છે, પણ એ જ ગુણો પિતૃસત્તાક લાક્ષણિકતાઓ બની જઈને એમને અવરોધક અને ઉલ્લંઘન કરનારા તરીકે દર્શાવતા નથી. ફુકોના શબ્દોમાં જોઈએ તો, ક્રાઇસ્ટની તાકાત અને એમનું પૌરુષ, એમનાં વર્તણૂક અને વિચારમાં ઉશ્કેરણી અને ઉગ્રતાનાં સ્વરૂપો દર્શાવતા હોય એમ લાગે છે. પોતાની પાસે જે કંઈ હતું એ બધું જ છોડીને જે બાર શિષ્યો ક્રાઇસ્ટની પાછળ ચાલી નીકળ્યા હતા, એ અનુઆધુનિક સમયની સમલૈંગિક ધારાની શક્યતા દર્શાવે છે. અત્યારે જ્યારે ક્રાઇસ્ટનું બ્રહ્મચર્ય પુરવાર કરી શકાતું નથી ત્યારે આ શક્યતા ઊપસી આવે છે. જોકે આ બાબતને સ્ત્રીઓને અવગણનારા એક પિતૃસત્તાક, ધૂની ધાર્મિક સંપ્રદાય તરીકે પણ જોઈ શકાય. પણ આપણને જ્યારે ક્રાઇસ્ટનાં સ્ત્રી-અનુયાયીઓ દેખાય ત્યારે આ વાર્તાનું જુદું જ સ્વરૂપ છતું થાય છે. જ્યારે સ્ત્રીઓને ક્રાઇસ્ટ આકર્ષક લાગે છે, ત્યારે એમના પૌરુષસભર ગુણો પર ભાર મૂકવામાં આવે છે. એમનાથી આકર્ષાયેલી ઘણી સ્ત્રીઓનાં ઉદાહરણો આપણી સમક્ષ છે – કૂવા પરની પેલી સેમેરિટન સ્ત્રી, જે પોતાની શરમાળ અને નખરાંબાજ વાતચીતથી ક્રાઇસ્ટને મોહી લેવા જાય છે, ત્યારે જાતે જ ક્રાઇસ્ટના વ્યક્તિત્વથી મોહિત થઈ જાય છે; આપણે મેરી મેગ્દેલિનનું ઉદાહરણ જાણીએ જ છીએ – એ પોતાની લાગણીઓને કાબૂમાં રાખવાને બદલે પોતાનાં આંસુ, વાળ અને સુગંધિત દ્રવ્યો વડે સઘળું જાહેર કરી દે છે; આપણી પાસે માર્થા છે, જે પોતે રસોઈ બનાવવામાં વ્યસ્ત હોય ત્યારે પોતાની બહેન મેરી ક્રાઇસ્ટની આટલી નજીક હોય એ સહન કરી શકતી નથી, કારણ કે કદાચ એને પણ એ જ કરવું હોય છે; અને આપણી પાસે કેટલીય નામી-અનામી સ્ત્રીઓ છે, જે ક્રાઇસ્ટની પાછળ-પાછળ ફરતી રહેતી હતી. અરે, જ્યારે ક્રાઇસ્ટ ગુજરી ગયા ત્યારે એમની આજુબાજુ માત્ર સ્ત્રીઓ જ હતી. જોકે અપવાદરૂપે એમનો એક જ પુરુષ-શિષ્ય જ્હોન ત્યાં હાજર હતો. ક્રાઇસ્ટનો વરરાજા તરીકે વારંવાર ઉલ્લેખ થતો રહે છે, જેની લંબાણપૂર્વક ચર્ચા ધ વુમન વિથ ધ એલેબેસ્ટર જારમાં માર્ગરેટ સ્ટારબર્ડે કરી છે. જોકે ધર્મશાસ્ત્રમાં ક્રાઇસ્ટની આ વરરાજાની છબીને સાચી નહીં પણ માત્ર પ્રતીકાત્મક ગણવામાં આવી હોવા છતાં એમની પ્રતિમામાં આ બાબત એક પૌરુષસભર આકર્ષણ અને પ્રભાવની આભા ઊભી કરે છે. આના વિશે આપણે પછીથી વિગતવાર ચર્ચા કરીશું. ક્રાઇસ્ટનો પ્રભાવ આપણને એમની પ્રતિમાના જગજાહેર પ્રકાર તરફ લાવે છે. તેઓ સ્ત્રીઓને મુગ્ધ કરી દેતા અને લોકોનાં ટોળેટોળાં એમની તરફ ખેંચાઈ આવતાં. ક્રાઇસ્ટનાં જાહેર પ્રવચનો અને ઉપદેશો, એમના ચમત્કારો, જે અતિરેકપૂર્વક તેઓ સમાજનાં દુષ્ટ તત્ત્વોને હાંકી કાઢતા અને જે રીતે તેઓ લોકોનાં ટોળાં સાથે કામ લેતા – એ સઘળું એમના પૌરુષની ભારપૂર્વક રજૂઆત કરે છે. એક અર્થમાં જોઈએ તો એનાથી એમની નીડરતા અને બહાદુરી વ્યક્ત થાય છે – માત્ર એમના સમયમાં જ નહીં, પણ પરંપરાગત રીતે પણ આ બંને પૌરુષનાં જ લક્ષણો ગણાય છે. કદાચ, એક ગુણના કારણે તેઓ લોકોમાં પ્રિય થયા હતા – જે લોકો તેમને તાબામાં લેવા માગતા હતા, એમની સામે તેઓ માથું ઊંચકી શક્યા હતા, અને આ દૃષ્ટિએ જોઈએ તો તેઓ એક ક્રાંતિકારી નેતા હતા. તેમણે માત્ર દોરડાના બનેલા એક ચાબુક વડે મંદિર પર હુમલો કરીને એમાંથી નાણાંની લેવડ-દેવડ કરનારાઓને હાંકી કાઢતી વખતે ત્રાડ પાડી હતી, “મારા પિતાના ઘરનો એક બજારની જેમ ઉપયોગ કરવાનું બંધ કરો.” અહીં એમની નીડર ક્રાંતિ સમજાય છે. અધિકારીઓની હાજરીમાં જ તેઓ પવિત્ર સૅબથનો ભંગ કરે છે, સમાજના અગ્રણીઓને તેઓ દંભી, ઝેરીલા સાપ જેવા દગાબાજ, શિયાળ વગેરે નામોથી પોકારે છે, દરેક સ્થાપિત કાયદાનો ભંગ કરે છે અને માનવતાને દરેક કાયદાથી ઉપર ઉઠાવે છે. ‘ધ ક્રુસીફાઈડ’માં ખલીલ જિબ્રાન (૧૯૭૪) લખે છે :
- નાઝરિન નબળા નહોતા! તેઓ શક્તિશાળી હતા અને શક્તિશાળી છે!... જીસસ ક્યારેય ડરની જિંદગી જીવ્યા નહોતા અને તેઓ પીડા પામીને કે ફરિયાદ કરીને મર્યા પણ નહોતા... તેઓ એક નેતાની જેમ જીવ્યા હતા; તેઓને એક જેહાદીની જેમ ક્રૉસ પર લટકાવવામાં આવ્યા હતા; તેઓ એક એવા શૌર્ય સાથે મર્યા કે જેનાથી એમને મારનારાઓ અને રંજાડનારાઓને ડર લાગ્યો હતો.
ક્રાઇસ્ટને ઈશ્વરના પુત્ર તરીકે પ્રસ્થાપિત કરનારા બધા જ પુરાવાઓ પર ગોસ્પેલ્સ ખૂબ ભાર મૂકે છે, પણ તેઓ પોતાની જાતને હંમેશાં મનુષ્યના પુત્ર, બીજા શબ્દોમાં એક માનવીય પુત્ર તરીકે જ સંબોધતા. ક્રાઇસ્ટ જે રીતે સત્તાના સ્થાપિત માળખાની સામે ઊભા થઈને એનો વિરોધ કરે છે, એ જોઈને જ એમને એક પુરુષ તરીકે વિચારી શકાય છે, કારણ કે એમણે બતાડવું હતું કે સામર્થ્ય, સત્તા અને પૌરુષના અન્ય નમૂનાઓ પણ હોઈ શકે છે. અને ચર્ચ જે ક્રાઇસ્ટની ચમત્કારી, દૈવી અને અધિમાનવની છબી ચીતરે છે, એના કરતાં મને તો આ પુરુષની છબી જ વધુ વાજબી લાગે છે. ક્રાઇસ્ટ ખરેખર એક પુરુષ જ હતા. ગોસ્પેલ્સ પ્રાથમિકપણે ભલે એમના દેવત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે, પણ ખાતરીપૂર્વક કહી શકાય કે બીજા ક્રમે તો એ એમના મર્દાનગી પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. પણ ગોસ્પેલ્સમાંથી એમની સેક્સ્યુઆલિટીને (લૈંગિકતા) બાકાત રાખવામાં આવી છે, એ બાબત ઊડીને આંખે વળગે એવી છે. જો ક્રાઇસ્ટની જેન્ડર (જાતિ) આટલી જડબેસલાક રીતે સ્થાપવામાં આવી છે, તો પછી એમની જીવનકથાઓમાંથી શા માટે એમનાં સેક્સ (લિંગ) અને સેક્સ્યુઆલિટીને દબાવી, સંતાડી, અરે સાવ બાકાત રાખવામાં આવ્યાં છે? ચર્ચ તો સ્પષ્ટપણે એમના બ્રહ્મચર્યનું જ પ્રતિપાદન કર્યા કરે છે, પણ ડેડ સી સ્ક્રોલ્સ અને નેગ હેમેડી નોસ્ટિક ગોસ્પેલ્સના સ્વરૂપે આજે જ્યારે વધુ ને વધુ પુરાવાઓ પ્રકાશમાં આવતા જાય છે, તેમ-તેમ ક્રાઇસ્ટના બ્રહ્મચર્ય વિશે શંકા પડવા લાગે છે. સ્ટારબર્ડ તો અતિ વિશ્વસનીય રીતે ક્રાઇસ્ટની સેક્સ્યુઅલ જિંદગીની અને મેરી મેગ્દેલિન સાથેનાં લગ્નની સંભાવના પર પ્રકાશ પાડે છે. જોકે ક્રાઇસ્ટના જીવનની કેટલીય અન્ય ઘટનાઓ / ચીજોની જેમ જ આ બાબત પણ ખરેખર પુરવાર થઈ શકે એમ નથી. જોકે નિર્દય અત્યાચારની સામે પણ સનાતની ખ્રિસ્તી માન્યતાનો વિરોધ કરનારી આ માન્યતા બે હજાર વર્ષ સુધી ટકી રહી છે, એનો અર્થ એ જ છે કે આ વાતમાં વ્યક્તિ બન્યા એ પહેલાંની એમની જિંદગી વિશે ચાર ગોસ્પેલ્સમાં આપણી પાસે ખૂબ અસ્પષ્ટ વિગતો છે, પણ તે છતાંય એમની માનવીય જિંદગીના વિવિધ તબક્કાઓ વિશેની માહિતી તો છે જ – એમના જન્મ પહેલાંની એમની માતાની ગર્ભાવસ્થાના તબક્કાની, એમનાં જન્મ અને બાલ્યાવસ્થા, એમનું બાળપણ / કિશોરાવસ્થા, એમની યુવાની, એમની જાહેર ચર્ચની પુરોહિતગીરી, એમની યાતના અને મૃત્યુ. જોકે અહીં બે તબક્કા મર્મભેદક રીતે ખૂટે છે – એમનાં લગ્ન / સેક્સ્યુઅલ પ્રારંભ અને વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થાની ગેરહાજરી તો સ્પષ્ટપણે સમજાવી શકાય, કારણકે હકીકતમાં તેઓને યુવાનીમાં જ મારી નાંખવામાં આવ્યા હતા. અને, કદાચ પેલી માન્યતા કે ‘ઈશ્વરના દીકરા’ને વદ્ધ થતો કે મરતો બતાવી ન શકાય. “જીસસના દેવત્વને પરિવર્તનશીલ, ચંચળ, નીતિભ્રષ્ટ થઈ શકનારી મરણશીલ માનવતા સાથે ગૂંચવી નાંખવાના ભય” તરીકે આ માન્યતાને એલન ટોરન્સ જુએ છે. (ટોરન્સ, ૨૧૦). સ્ટારબર્ડ એક સુમેરિયન રિવાજ વિશે લખે છે : રાજાને એની પ્રજાનું જ પ્રતિબિંબ ગણવામાં આવે છે, એટલે રાજા પર જુલમ કરવામાં આવે છે, એને મારી નાંખવામાં આવે છે, અને એ જ કારણસર એને વૃદ્ધ કે નબળો બનવા દેવામાં આવતો નથી. “જો એનાં સત્તા અને સામર્થ્યમાં ઓટ આવે, તો તેઓના (જીવન)-માં પણ એ જ આવે.” (સ્ટારબર્ડ, ૪૨). આ પ્રકારના વિચારથી ક્રાઇસ્ટના જીવનમાં વૃદ્ધાવસ્થાની ગેરહાજરી સમજાઈ શકે છે. પણ બીજી બધી રીતે સામાન્ય યુવાન જેવા જ આ સંપૂર્ણ લાક્ષણિકતાઓ ધરાવતા યહૂદી પુરુષની સેક્સ્યુઅલ જિંદગી વિશેના આ અકુદરતી નિરપવાદ મૌનને કઈ રીતે સમજાવી શકાય? આપણે જીસસને ખાવા, પીવા, આરામ કરવા, ડરવા, શાંત રહેવા જેવા અન્ય શારીરિક આવેગોને સંતોષતા જોઈએ છીએ. અહીં કોઈ જરૂર પૂછી શકે છે કે જો ઈશ્વર અમુક બાબતોમાં માનવતામાં ઊતરી શકે છે, તો પછી દરેક બાબતમાં કેમ નહીં ? આ બાબત જેક માઈલ્સ એમના પુસ્તક ક્રાઇસ્ટ : અ ક્રાઇસિસ ઇન ધ લાઇફ ઑફ ગૉડમાં બહુ યોગગ્ય રીતે મૂકે છે : “શું સેક્સનો અનુભવ જન્મના અનુભવ કરતાં ‘દરેક રીતે માનવ જેવા’ થવા માટે થોડો ઓછો યોગ્ય હોઈ શકે?” (માઈલ્સ, ૬૦) ચર્ચમાં અને એના દ્વારા સેક્સ્યુઆલિટીને બાકાત રાખવાનું મુખ્ય કારણ એ જ છે કે ચર્ચ એને અનિષ્ટ ગણે છે. ક્રાઇસ્ટની જિંદગીની ‘વાર્તામાં’ એનો ઉલ્લેખ ન કરવાની અન્ય શક્યતાઓ પણ છે. કદાચ ક્રાઇસ્ટનું ‘બ્રહ્મચર્ય’ દૈવી અને માનવીય દ્વિભાજન પર ભાર મૂકવા માટેનું હોવું જોઈએ. અહીં દૈવી એટલે સેક્સ્યુઆલિટી-રહિત અને માનવીય એટલે સેક્સ્યુઆલિટી-સહિત એવું સૂચન કરવામાં આવે છે. કદાચ એ સમયમાં પવિત્ર પુરુષો અને સાધુસંતો માટે બ્રહ્મચર્યનો કુદરતી અવસ્થા તરીકે સ્વીકાર થતો હશે. કદાચ એમ માનવામાં આવતું હશે કે ઈશ્વરની “કૌમાર્યાવસ્થા”નું એના દીકરામાં પ્રતિનિધિત્વ થવું જરૂરી છે. ખ્રિસ્તી ઈશ્વર એકલવાયો ‘પિતા’ છે, એને કોઈ સાથીદાર નથી, પણ એણે એક પસંદગી પામેલી જાતિ – ઇઝરાયેલને પ્રતીકાત્મક રીતે નવવધૂના સ્વરૂપમાં સ્વીકારી છે. ભલે મેરી ક્રાઇસ્ટની મા હોય અને ઈશ્વર એના પિતા હોય, પણ તે છતાંય મેરી ઈશ્વરની પત્ની કે સાથીદાર નથી. પણ આ બધી શક્યતાઓ કરતાં સૌથી મોટી શક્યતા એ છે કે ગોસ્પેલ્સની વાર્તાઓમાંથી કાપકૂપ કરીને જીસસની સેક્સ્યુઆલિટીને દૂર કરવામાં આવી હોય. આમ કેમ બને ? જ્યારે કોઈક અતિ મહત્ત્વની બાબત અભિવ્યક્ત ન કરવાની હોય ત્યારે એને નામશેષ કરવાના, ભૂંસી નાંખવાના તમામ પ્રયત્નો કરવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર દ્વારા સ્વીકૃત ગોસ્પેલ્સ જીસસની સેક્સ્યુઅલ જિંદગીની એક પણ સ્પષ્ટ નિશાની બતાવતા નથી, પણ જ્યારે ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર દ્વારા અસ્વીકૃત ગોસ્પેલ્સમાં ડોકિયું કરીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર શું દબાવી દેવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. મરીના વૉર્નરના પુસ્તક અલોન ઑફ ઑલ હર સેક્સ : ધ મિથ ઍન્ડ કલ્ટ ઑફ વર્જિન મેરીમાં અને માર્ગરેટ સ્ટારબર્ડ – આ બંને જણ ગોસ્પેલ ઑફ ફિલિપના આ લખાણ વિશે કહે છે: “લૉર્ડ સાથે ત્રણ જણ હંમેશાં ચાલ્યાં હતાં. મેરી – એમની મા, એમની બહેન અને મેગ્દેલિન, જેને એમની સાથીદાર કહેવામાં આવે છે. આમાં મેરી મેગ્દેલિનનું વર્ણન આ રીતે કરવામાં આવે છે... (જેમ કે) લૉર્ડની નિકટની જોડીદાર અથવા ‘સાથીદાર’, તેઓ જેને વારંવાર મુખ પર ચુંબન કરતા. (સ્ટારબર્ડ, ૫૩.) વૉર્નર તો મેરીના ગોસ્પેલ્સનો પણ ઉલ્લેખ કરે છે, જેમાં એને “ક્રાઇસ્ટનાં રહસ્યોનાં મંડાણ કરનારી અને અન્ય શિષ્યોની શિક્ષિકા તરીકે” ચીતરવામાં આવી છે. (વૉર્નર, ૨૨૯.) પણ ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર દ્વારા સ્વીકૃત ગોસ્પેલ્સમાં આમાંથી એકેયનો આડકતરો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. જોકે એક હકીકત તો રહે જ છે કે ક્રાઇસ્ટના દેવત્વને પ્રસ્થાપિત કરવા માટે એમના મનુષ્યત્વની કાપકૂપ કરીને એને સાવ અડધું કરી દેવામાં આવ્યું છે. ક્રાઇસ્ટની સેક્સ્યુઆલિટીને ઢાંકી દેનારા જાડા આવરણનો જાણે વિરોધ કરતી હોય એમ એમના વ્યક્તિત્વમાંથી ચોક્કસ પ્રકારની પુરુષતા બહાર ઝરે છે અને એને કોઈ રીતે અવગણી શકાતી નથી. જોકે આમ કહ્યા બાદ એ પણ કહેવું જરૂરી બને છે કે એમની માનસિકતામાં ચોક્કસપણે સ્ત્રી-ઉચિત લાગણીઓ વર્તાય જ છે. માઇલ્સ લખે છે: “અને ભલે એ એક પુરુષ તરીકે રહ્યા હોય, અને ભલે એમણે વિરલપણે બ્રહ્મચર્ય પણ પાળ્યું હોય, પણ અમુક ચોક્કસ ફરજો બજાવવામાં એમણે ચોક્કસપણે સ્ત્રીત્વનાં લક્ષણો દાખવ્યાં છે.” (માઇલ્સ, ૨૧૪.) આપણે જોઈએ છીએ કે એમના ગુણોના આ સ્ત્રીત્વસભર પાસાને એમના અનુયાયીઓને આદર્શ તરીકે પાળવા માટે આપવામાં આવે છે. ચર્ચ ક્રાઇસ્ટના અમુક ચોક્કસ ગુણોની ખાસ હિમાયત કરે છે, જેનું એક વફાદાર અનુયાયીએ અનુકરણ કરવું જ જોઈએ. આ બધી બાબતો પ્રાર્થના, ઉપદેશો, ખ્રિસ્તી ધર્મ શીખવનારા પ્રશ્નોત્તરવાળા પુસ્તક વડે શીખવવામાં આવે છે, પણ ચર્ચમાં ગવાતી સ્તુતિઓ વડે આ બાબતને વધુ અસરકારક બનાવવામાં આવે છે. અને મોટા ભાગે તો બીબાઢાળ રીતે સ્ત્રીઓ સાથે જોડોયલાં લક્ષણો જ એક આદર્શ ખ્રિસ્તીની નિશાની બની રહે છે. આ સ્તુતિઓ દ્વારા ક્રાઇસ્ટના અનુયાયીઓમાં અમુક સ્ત્રીત્વસભર ગુણોને કઈ રીતે ઉત્તેજન આપવામાં આવે છે એની નોંધ લેજો :
આ પૃથ્વી પર હું જે સઘળું ચાહું છું,
એનો અર્ક મારા લૉર્ડ પ્રત્યેનો પ્રેમ છે.
હું જે સઘળું સૌંદર્ય જોઉં છું, એ એણે મને આપ્યું છે
અને એ મૂક રહીને સૌમ્યતાથી આપે છે
દરરોજ, દર કલાકે દરેક ક્ષણે એના પ્રેમની તાકાતના આશીર્વાદ મને પ્રાપ્ત થયા છે.
ભરતીના દરેક વળાંક પર એ મારી સાથે જ છે
અને એનો સ્પર્શ મૌન જેટલો જ સૌમ્ય છે.
બીજા શબ્દોમાં કહીએ તો – એક વ્યક્તિએ મૌનનો માર્ગ જ અપનાવવો જોઈએ. મૌન અને સૌમ્યતા ક્રાઇસ્ટ જેવાં હોઈ શકે છે.
ઓ લૉર્ડ, મારી સ્વતંત્રતા લઈ લે અને મને સ્વીકારી લે.
મારી સઘળી ઇચ્છા, મારું મન,
મારી યાદશક્તિ લઈ લે.
તું જ મને માર્ગ બતાવ અને
નિયંત્રણ કર અને મને ઝુલાવ.
તું મને નમાવી દે;
તું હુકમ કર અને હું પાલન કરું.
પોતાની, ખુદની મરજી વિનાનું આજ્ઞાપાલન પણ પાછું એક બીબાઢાળ સ્ત્રીત્વસભર લક્ષણ જ છે, જે ક્રાઇસ્ટ પાસેથી શીખવાનું છે; કારણ કે સેન્ટ પોલ કહે છે, ક્રાઇસ્ટ મૃત્યુપર્યંત આજ્ઞાધીન બની રહ્યા હતા.
મને તારો દાસ બનાવ, વિનમ્ર અને આજ્ઞાંકિત બનાવ
લૉર્ડ, મને જેઓ નબળાં હોય તેમને ઊંચકવા દે
અને મારા હૃદયમાંથી માત્ર એક જ પ્રાર્થના નીકળે:
મને દાસ બનાવ, મને દાસ બનાવ,
મને આજે જ દાસ બનાવ!
ક્રાઇસ્ટના અનુયાયીએ એમની પાસેથી અન્ય બે ગુણો – વિનમ્રતા અને આજ્ઞાંકિતપણું – પણ શીખવા જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો, એક વ્યક્તિએ હંમેશાં કહ્યાગરા અને સંકોચશીલ - હળવા જ રહેવું જોઈએ.
જેમ એક બાળક એના પ્રિય પિતાનો વિશ્વાસ કરે છે
અને જે એમના સામીપ્યમાં આનંદ પામે છે,
જેમ એક બાળકના મનમાં કોઈ જ શંકા નથી હોતી
અને જેનું હૃદય ક્યારેય અહંકારી નથી હોતું,
ઓ લૉર્ડ, હું અહીં આવ્યો છું,
હું અહીં એક બાળકની જેમ આવ્યો છું.
ઓ લૉર્ડ, હું અહીં આવ્યો છું,
હું અહીં એક બાળકની જેમ આવ્યો છું.
એક બાળક પાસેથી શ્રદ્ધા શીખવી જરૂરી છે, કારણ કે ક્રાઇસ્ટને બાળકો ગમતાં હતાં. પણ આપણે કોઈ દિવસ કોઈ એવા બાળકને જોયું છે, જે સવાલો ન પૂછતું હોય ? કે જેના મનમાં કોઈ શંકા ન હોય ? તો પછી બાળક જેવી શ્રદ્ધા એ ખરેખર એક બાલિશ માન્યતા ગણી શકાય ?
જીસસે હંમેશાં એમનાં પોતાનાંને પ્રેમ કર્યો છે
અને એ એમણે સંપૂર્ણપણે દાખવ્યો છે.
એમણે આપણા માટે એક દાખલો બેસાડ્યો છે
કે એમણે જે કર્યું છે, એવું જ આપણે કરવું.
શું ક્યારેય કોઈ પણ સેવક એના માલિક, લૉર્ડ કરતાં વધુ મોટો હોઈ શકે ?
આપણે જો આ જાણી લઈએ અને એમ જ કરીએ (તો) આપણે સુખી થઈશું.
મારાં પ્રજાજનો, જાણી લો, મેં તમને શું કર્યું છે :
લૉર્ડ, તમે મને બોલાવો, હું એ જ છું.
તો પછી જો હું તમારો લૉર્ડ તમારા પગ ધોવાની કૃપા કરું તો તમારે પણ એમ જ કરવું જોઈએ અને એકબીજાના પગ ધોવા જોઈએ. વિનમ્રતા અને સેવા એકબીજાની લગોલગ રહેતી હોય છે. અહીં સેવાનો મતલબ એ છે કે સેવક બની જવું, અને એ પણ પાછો ગમે તેવો સેવક નહીં, પણ એવો સેવક જે વિનમ્ર અને આજ્ઞાંકિત હોય. બીજા શબ્દોમાં કહીએ તો પ્રતિકાર ન કરે એવો સેવક !
તમારા હાથ હળવેકથી અમારા પર મૂકો
એના સ્પર્શથી તમારી શાંતિ બક્ષી દો
એની સાથે તમારી ક્ષમા અને રૂઝવવાની ક્ષમતા આપો
તમારા હાથ મૂકો, હળવાશથી તમારા હાથ મૂકો.
સ્પર્શને પણ સ્પષ્ટપણે એક સ્ત્રીસહજ ગુણ જ ગણવામાં આવે છે. ક્રાઇસ્ટના એ ગુણને પૂજવામાં આવે છે. એમના સ્પર્શની – હળવા સ્પર્શની માગણી કરવી એ પણ કદાચ એમનું સ્ત્રીત્વસભર પાસું જ છે.
આ માણસ કરતાં વધુ પ્રેમ અને મૈત્રી કોઈ પાસે નથી, કારણ કે એ બીજા માટે મરે છે, બધા માટે એ પોતાની જિંદગી સમર્પી દે છે.
હવે પછીથી તમે સેવકો નથી. મેં તમને મિત્રો કહ્યા છે. મારા પિતાએ મને જે સઘળું કહ્યું હતું, એ મેં તમને જણાવ્યું છે
તમારા વિના હું કંઈ જ નથી.
મારી અશક્તિને તમારી શક્તિની જરૂર છે, માટે
(હે) લૉર્ડ, તમારા સેવક સાથે વાત કરો
હું તમારા શબ્દની રાહ જોઉં છું!
ક્રાઇસ્ટના જીવન પરથી પ્રેમનો પ્રાથમિક પાઠ ભણાવવામાં આવ્યો છે. પણ જે રીતે આ કાવ્યોમાં ઊર્મિ દર્શાવાય છે, એ રીતે કોઈ ‘પુરુષ’ પ્રેમ નથી કરતો. બાળકના જન્મસમયે માત્ર એક સ્ત્રી જ અન્ય માટે પોતાની જાત પાથરી દે છે. તો કદાચ આમ તો નહીં હોય ને? જ્યાં સુધી એક ઘઉંનો દાણો જમીનની અંદર પડતો નથી, ત્યાં સુધી એ માત્ર એક ઘઉંનો દાણો જ રહે છે. પણ જો એ પડે અને મરી જાય, તો એમાંથી ઘણા દાણા ઊપજે છે. માટે, જેઓ પોતાની જાતને મારામાં ખોઈ દે છે, એમનું પણ એવું જ છે. જે કોઈ પીડા સહન કરે છે, એ ક્રાઇસ્ટ બની જાય છે. આથી પીડા સહન કરવાનું મૂલ્યવાન - યોગ્ય બની જાય છે. પણ પીડા સહન કરવાની ઘટનાને ક્રાઇસ્ટમય બનાવીને ખરેખર તો શ્રદ્ધાળુઓ નિષ્ક્રિય અને પ્રારબ્ધવાદી અભિગમ લેતાં શીખે છે. મૌન (ચુપકીદી), આજ્ઞાંકિતપણું, પ્રેમ, પીડા સહન કરવી, બાલિશતા, સ્પર્શ અને સેવાના ગુણો ચર્ચ દ્વારા ચર્ચમાં જનારાંઓને શીખવવામાં આવે છે. આ બધા જ ગુણોનો સ્વભાવ બીબાઢાળ રીતે સ્ત્રીસહજ ગણાય છે. મારાં કારણોસર, અહીં બે મુદ્દા દર્શાવાયા છે. એક તો એ કે ક્રાઇસ્ટ એક પુરુષ હતા, જે સ્ત્રી-સહજ પાસાં - લક્ષણો ધરાવતા હતા, અને માટે જ તેઓ ક્યારેય એવા ‘પિતૃસત્તાક’ તો ન જ બની શકે, જે સ્ત્રીઓની અવગણના કરતા હોય. અને બીજું, એમની બંડખોરી, નીડરતા, શક્તિ અને સામર્થ્યના ઓઠા હેઠળ, શ્રદ્ધાળુઓનાં ટોળાંને આ સ્ત્રી-સહજ ગુણો શીખવવામાં આવે છે. ભલે આ ક્રાઇસ્ટના ગુણો ગણાતા હોય, પણ આમ જોવા જઈએ તો સંસ્થા વડે પ્રવચનો દ્વારા સામર્થ્યનો અમલ જ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો નાઝારેથના જીસસના જીવનમાં આપણે સત્તા, વ્યક્તિત્વ અને ખાતરીનો પરિચય પામીએ છીએ; પણ એથી ઊલટું, ધાર્મિક શ્રદ્ધામાં આજ્ઞાંકિતપણા અને અનુસરણના આદર્શોવાળા ક્રાઇસ્ટનું ચિત્રણ રજૂ કરવાનું ચર્ચ પસંદ કરે છે. અને આ રીતે ચર્ચ પોતાની તરફેણમાં સત્તાનું એક માળખું ખડું કરે છે અને ધાર્મિક શ્રદ્ધાળુઓને ક્રાઇસ્ટનું અનુસરણ કરવાની આજ્ઞા કરે છે. સાથોસાથ એના સ્વાભાવિક પરિણામસ્વરૂપે પેલા બીબાઢાળ ‘સ્ત્રી-સહજ’ ગુણો જ સર્વોચ્ચ નૈતિક મૂલ્યનું મૂર્ત સ્વરૂપ પામે છે અને એ બધા જ મનુષ્યોને ક્રાઇસ્ટની આજ્ઞાનું પાલન કરવા માટે નોતરે છે - અને ખાસ કરીને એના અધિકારીઓને પણ! પણ અહીં જ ધર્મશાસ્ત્ર અને વાસ્તવિક વહેવાર એકબીજાથી ખૂબ છેટાં રહી જાય છે. ધાર્મિક શ્રદ્ધાના ક્રાઇસ્ટ કંઈક અંશે નાઝારેથના જીસસ કરતાં જુદા છે. જોકે બેમાંથી એકેય સંપૂર્ણ રીતે સાચા નથી. જેમ ‘ધ ક્વેસ્ટ ફૉર ધ રિયલ જીસસ’ નામના નિબંધમાં ફ્રાન્સિસ વૉટ્સને કહ્યું છે કે “જીસસની છબીઓ વિશે હંમેશાં વાદવિવાદ થતો રહ્યો છે.” (વૉટ્સન, ૧૫૬). ક્રાઇસ્ટ ઈશ્વરના પુત્ર હતા, તેઓ મૃત્યુ પામ્યા અને મૃત્યુ પછી પાછા જીવંત થયા – એમ કહેવા માટે અને લગભગ ૩૦ એ.ડી.(ક્રાઇસ્ટના મૃત્યુ બાદ)ની આજુબાજુ જીસસ જીવ્યા હતા અને રોમન અધિકારીઓએ એમને મારી નાંખ્યા હતા – એમ કહેવા માટે અલગ-અલગ મનોદશા હોવી જરૂરી છે. જોકે ધાર્મિક શ્રદ્ધાના ક્રાઇસ્ટ કે નાઝારેથના જીસસ – એ બંનેમાંથી એકેયને જીસસની આજની છબી મુજબના સંપૂર્ણ સત્ય તરીકે સ્વીકારી શકાય નહીં. આ કદાચ ચર્ચે સર્જેલી ગેરસમજણપૂર્વકની કલ્પના છે. ‘મૅની ગોસ્પેલ્સ, વન જીસસ?” નામના નિબંધમાં સ્ટીફન સી. બાર્ટન કહે છે :
- ખ્રિસ્તી ધર્મશાસ્ત્રે ચાર ગોસ્પેલ્સને અડોઅડ ઊભાં રાખીને કબૂલ્યાં છે. એમાં એકેયને અન્યની સરખામણીમાં ગૌણ ગણવામાં આવ્યું નથી. આ બાબત જીસસ વિશેના સત્યને જાણવાનું આમંત્રણ આપે છે; અને ગોસ્પેલ્સ પણ એની સાક્ષી પુરાવે છે કે એ અસંગત અથવા સંપૂર્ણપણે અનુકૂલનક્ષમ બન્યા વિના, જરા પણ ઘટાડી ન શકાય એવું એકાધિક સત્ય છે. (વૉટ્સન, ૧૭૦)
એક સંસ્થા તરીકે ચર્ચે ઇરાદાપૂર્વક જીસસ ક્રાઇસ્ટની છબીનાં ચોક્કસ પાસાં પસંદ કરીને ચર્ચના સભ્યો સામે અનુકરણ કરવા માટે રજૂ કર્યાં છે; આ પરથી એમ લાગે છે કે પોતાના ઉદ્દેશોને માફક આવે એ મુજબ, પુરુષોની તરફેણ કરતું સ્તરીકરણ અને ચર્ચની નિરંકુશ સત્તા જાળવી રાખી શકાય એ માટે જ આમ કરવામાં આવ્યું છે. ક્રાઇસ્ટ એક એવા પુરુષ હતા, જે ચોક્કસ સ્ત્રી-સહજ લક્ષણો ધરાવતા હતા. શક્તિ, હિંમત, અધિકાર અને સામર્થ્યનાં પુરુષ-સહજ લક્ષણો અને પ્રેમ, ક્ષમા, સેવા અને વિનમ્રતાનાં સ્ત્રી-સહજ મૂલ્યો દ્વારા એમનો ઉભયલિંગી સ્વભાવ ઊપસી આવે છે. પણ એમની આ ઉભયલિંગી સંપૂર્ણતાને બદલે એમના વ્યક્તિત્વના અમુક ચોક્કસ ભાગનું જ દૈવીકરણ અને આદર્શીકરણ કરવામાં આવ્યું છે. આ અપૂર્ણતા ગોસ્પેલ્સના જીસસની ખોટી રજૂઆત કરે છે. કદાચ આ ઉભયલિંગી પૂર્ણતા વડે જ ક્રાઇસ્ટનું વ્યક્તિકરણ થવું જોઈએ અને એનું જ ધાર્મિક શ્રદ્ધાળુએ અનુકરણ કરવું જોઈએ અને બહોળા વિશ્વમાં પણ એમને આ જ રીતે ઓળખવા જોઈએ. ક્રાઇસ્ટ : અ ક્રાઇસિસ ઇન ધ લાઇફ ઑફ ગૉડ (૨૦૦૧) નામના જૅક માઇલ્સના પુસ્તકમાં સૂચન કરવામાં આવ્યું છે કે ક્રાઇસ્ટના અવતાર દ્વારા ઈશ્વરની પ્રતિમા કદાચ કંઈક કહેવા માગે છે. જે શબ્દ ‘માંસ’ બની ગયો, એ માત્ર કોઈ એક શબ્દને બદલે કંઈક વધુ હતું – એ એક ઘોષણા છે “.... જીસસમાં ઈશ્વરનાં કૃત્યોને વાચા મળતી હોય એમ જોવાનું છે; આ એક એવું કૃત્ય છે કે જેમાં બોલવા માટેનો ઇરાદો માત્ર દ્વિતીય કે આકસ્મિક નથી, પણ પ્રાથમિક અને રચનાત્મક છે.” (વૉટ્સન, ૧૬૧). કોઈ વ્યક્તિ ધાર્મિક શ્રદ્ધાની કઈ તરફ છે એના પર આધાર રાખીને આ કરારને ઈશ્વરના માનવતા પ્રત્યેના પ્રેમના કરાર તરીકે વાંચી શકાય, અથવા તો ઈશ્વર અને મનુષ્યજાતિના સંબંધની કટોકટી તરીકે જોઈ શકાય, જ્યાં જે ખોટું ચાલતું હતું એના શુદ્ધિકરણ કાજે આમ થયું હોય, અથવા માત્ર એક અવ્યવસ્થિત સમયગાળામાં થયેલા એક નિરુદ્દેશ જન્મનો સાદો વૈશ્વિક સંયોગ ગણી શકાય. જીસસ પણ એમનાં જીવન, કાર્યો, શીખ અને મૃત્યુ વડે એક ચોક્કસ વિધાન કરે છે. ક્રાઇસ્ટ તરીકેની એમની એક ઓળખ તેમ જ અન્ય સંભવિત ઓળખો – જેમ કે એક પયગંબર, એક નેતા, એક ક્રાંતિકારી, એક તારણહાર – જેમાં એ ‘ક્રાઇસ્ટ નથી’ એવા કોઈક – આ બંને પ્રકારની ઓળખો એમના જીવનના આ કરાર સાથે જોડાયેલી છે. ફરીથી કહીશ કે ક્રાઇસ્ટના જીવનના વાચનના અર્થઘટનનો આધાર એ વાંચનારના મનમાં ઇતિહાસકાર કે શ્રદ્ધાળુ સક્રિય છે – એના પર જ રહેલો છે. ઈશ્વર અને ક્રાઇસ્ટ – એ બંનેએ કરેલાં વિધાનોને ચર્ચ પોતાની રીતે વાંચે છે અને એનું અર્થઘટન પણ પોતાની રીતે જ કરે છે, જે ચર્ચના અનુયાયીઓ માટેના નિયમો અને કાયદામાં પરિણમે છે. આમ ચર્ચ પોતે જે અપનાવવાનું પસંદ કરે છે, એ મુજબ જ પોતાના નિવેદન અથવા જાહેરાત ઘડીને એની રજૂઆત કરે છે. અને માત્ર ચર્ચ જ મુક્તિનો માર્ગ છે. ક્રાઇસ્ટને માત્ર ચર્ચ થકી જ સમજી શકાય અને માત્ર એનો ‘ઈશ્વર’ જ એકમાત્ર સાચો ઈશ્વર છે, એમ કહીને અન્ય બાબતોની સાથે ચર્ચનું નિવેદન નિરંકુશ સત્તાવાદને માનનાર એકરાર તરીકે વંચાય છે. આથી આપણને એમ વિચારતા કરવામાં આવે છે કે ગોસ્પેલ્સમાંથી જ ક્રાઇસ્ટની છબીનું સર્જન કરવામાં આવ્યું છે, પણ એ તો સંપૂર્ણપણે એમના જેવું નથી લાગતું. ક્રાઇસ્ટનો અવતાર લઈને ઈશ્વરે કરેલાં નિવેદનો અને ક્રાઇસ્ટે જાતે પોતાના જીવનમાં કરેલાં નિવેદનો કંઈ ચર્ચે દર્શાવેલા કાયદા અને નિયમોના નિવેદનમાં પરિણમ્યાં નથી. ઈશ્વર અને ક્રાઇસ્ટના કરારમાંથી અન્ય તારણો પણ કાઢી શકાય છે. ગોસ્પેલ્સના જીસસ પણ વર્તણૂકના શક્ય પ્રકારો ઉઘાડી આપે છે; અને હા, આ પ્રકારના ‘જીસસ’ આપણને ચર્ચે દાખવેલા જીસસ કરતાં સાવ અનોખા જ લાગે છે. સિમોન વેઈલ લેટર ટુ અ પ્રીસ્ટ પુસ્તકમાં ચર્ચની ગેરસમજણની એ શક્યતા વિશે લખે છે કે જે કારણે એકમાત્ર સરમુખત્યારશાહી માળખાંની રચના થઈ, પરંતુ ગોસ્પેલ્સના જીસસ તો ક્યારેય કોઈ સત્તાકેન્દ્રી કે નિરંકુશ મૂલ્યોને અનુમોદન ન જ આપી શકે.
- જ્યારે ક્રાઇસ્ટે કહ્યું : “માટે તમે જાઓ અને દરેક રાષ્ટ્રને શીખવો અને આનંદની ભરતી લાવો.” એમણે એમના શિષ્યોને આનંદની ભરતી લાવવાનો આદેશ આપ્યો હતો, કોઈ ધર્મશાસ્ત્ર લાવવાનો નહીં. તેઓ જાતે પણ, એમના કહ્યા મુજબ, ‘માત્ર ઇઝરાયેલના ઘરનાં ઘેટાં માટે જ આવ્યા હતા’ અને એમણે આનંદની આ ભરતી ઇઝરાયેલના ધર્મમાં ઉમેરી હતી. પણ આ આદેશની ગેરસમજ થઈ હતી. (વેઇલ, ૧૬)
ગોસ્પેલ્સમાં દર્શાવેલા જીસસ પાસે એક ખુલ્લાપણું હતું, એક અમર્યાદિતતા હતી તથા દેવત્વ અને મનુષ્યત્વનું એક યોગ્ય સંતુલન હતું. એમનું આ સંતુલન એટલું યોગ્ય હતું કે દેવત્વ મનુષ્યત્વ કરતાં મહાન - વધારે હોય એમ માનવું પણ અશક્ય બની જાય છે. આ સંતુલનનું અર્થઘટન આપણે સ્ત્રી-ઉચિત સ્વીકાર અને સૌંદર્ય તથા પુરુષઉચિત સત્તા અને સામર્થ્ય સાથે તર્કસંગત કરી શકીએ છીએ. આ સંતુલન જોતાં એમ લાગે છે કે જાણે ક્રાઇસ્ટ પેલા એકેશ્વરવાદી ઈશ્વરની પિતૃસત્તાક છબીમાં સુધારો કરી રહ્યા છે. ક્રાઇસ્ટના સમય પહેલાં ભૂમધ્ય સમુદ્ર પ્રદેશના લોકોમાં ‘સ્ત્રીત્વસભર દેવત્વ’ની માન્યતા પ્રબળ હતી. પણ ત્યાર બાદ પુરુષજાતિના ઈશ્વરે કબજો જમાવી દીધો, અને જ્યારથી ક્રિશ્ચિયાનિટીએ એક સંસ્થાકીય ધર્મ તરીકે કબજો જમાવ્યો, ત્યારથી તો દેવીઓને પૂજવાનું સંપૂર્ણપણે કાઢી નાંખવામાં આવ્યું અને એની સાથેસાથે જ દેવીઓનું માંસમજ્જા અને સેક્સ્યુઆલિટીના સ્વરૂપમાં કરવામાં આવતું માનવીય વર્ણન તો પાપસભર અને અધાર્મિક ગણાવા લાગ્યું – જાણે એ બધું મનના તાર્કિક પ્રકારના ઉત્તમ ઇરાદાઓની વિરુદ્ધ ન જતું હોય! દેવીની સાથે સંકળાયેલા ગુણોને ઉતારી પાડવામાં આવ્યા અને જે ગુણો એની સાથે ન સંકળાયેલા હોય એમને વખાણવામાં આવ્યા – અને એ બધા જ ગુણો પુરુષજાતિના ઈશ્વરના ગુણો તરીકે ઓળખાવા લાગ્યા. સેક્સને પાપ ગણવાના પાયા તો ‘જૂના કરાર’માં જ નંખાઈ ગયા હતા, જ્યાં ‘બૂક ઑફ લેવિટિક્સ’ સૂચવે છે કે શરીરના કોઈ પણ ભાગમાંથી કોઈ પણ વ્યક્તિને પોતાની મરજી વિના કશુંક ફૂટી નીકળે અથવા જો શરીરમાંથી કોઈ ઉત્સર્ગ થતો હોય એવો રોગ થયો હોય તો એ વ્યક્તિ માટે ઘેટાનું બલિદાન આપવાનું ફરજિયાત બને છે. બીજા શબ્દોમાં કહીએ તો ચામડીમાંથી કશુંક ફૂટી નીકળે અથવા તો સેક્સ્યુઅલ ક્રિયાઓ સાથે સંકળાયેલ વિવિધ પ્રકારના ઉત્સર્ગ જેમ કે માસિક સ્રાવ, વીર્ય-પ્રસાર વગેરેનો આમાં સમાવેશ થઈ શકે. આ દર્શાવવા માંગે છે કે, માંસમજ્જાની આ પ્રકારની કુદરતી પરિસ્થિતિઓમાં જાણે કશુંક નૈતિક રીતનું ઘૃણાસ્પદ ન હોય! માનવતાની કોઈ પણ વશવર્તી અથવા અનિયંત્રિત પરિસ્થિતિમાં થનારા ‘પાપને દૂર કરવા’ માટે આમ ઘેટાનું બલિદાન આપવાનો એક રિવાજ બની ગયો હોય એમ લાગે છે. ‘નવા કરાર’માં ક્રાઈસ્ટને ‘ઈશ્વરનું ઘેટું’ કહેવામાં આવે છે, જેને આ વિશ્વનાં પાપો દૂર કરવા માટે મોકલવામાં આવેલ છે. સમગ્ર માનવતાને લાગુ પડતું આ પાપ, એ પેલું ‘મૂળ પાપ’ (original sin) જ છે, જે આદમ અને ઇવે કર્યું હતું, અને ત્યાર પછી મનુષ્યજાતિ એ પાપને આગળ વધારતી રહી છે – ‘જીનેસિસ’ આપણને કહે છે કે આ પાપ એ સેક્સ્યુઅલ જ્ઞાનનું ‘પાપ’ છે. ઈશ્વર ઈવને બાળકને જન્મ આપવાનો ‘શાપ’ આપે છે અને એને કામવાસના અનુભવવાની સજા કરે છે, કારણ કે સેક્સ્યુઆલિટી વિશે વધારે જાણવા માટે જ્યારે એ બંનેએ પેલા જ્ઞાનવૃક્ષમાંથી ફળ ખાધું હતું, ત્યારે ઈશ્વરની આજ્ઞાનો અનાદર કરવાનું પાપ થયું હતું. માનવતાના આ પાપને દૂર કરવા માટે આ શબ્દએ માંસસ્વરૂપ બનવું જરૂરી હતું. માનવતામાં પ્રવેશ કરીને જ તેઓ મનુષ્યજાતિને એના વારસાગત પાપીપણામાંથી બચાવી શક્યા. જો માત્ર ક્રાઈસ્ટ જ માનવતામાં પ્રવેશીને માનવીય પાપ ધોઈ શકતા હોય તો એવું સૂચન ન થઈ શકે કે જો ક્રાઇસ્ટ જાતે જ સેક્સ્યુઆલિટીમાં પણ પ્રવેશે તો એ પેલા ‘સેક્સ્યુઅલ પાપ’ને પણ ધોઈ જ શકે ને? માનવતા અને સેક્સ્યુઆલિટી એ બંને એક જ મૂળનાં વશવર્તી અને અનિયંત્રિત કારણો છે – મરણાધીન મનુષ્યોમાં સેક્સ્યુઅલ પુનર્જીવન; બંનેનાં મૂળ જીનેસિસના ઈડન ગાર્ડનમાં જ છે. અને જ્યારે પોતાની આજ્ઞાનો અનાદર થયો ત્યારે ઈશ્વરે એ બંનેને શાપ આપ્યો, ઈશ્વર મનુષ્યજાતિને એની મરણાધીનતામાંથી જાતે ઈશ્વર રહીને મુક્ત ન કરી શક્યો. એ જ રીતે ક્રાઇસ્ટ પણ ‘એસેક્સ્યુઅલ’ (એટલે કે સેક્સ્યુઅલ નહીં એવા) રહીને માનવતાને સેક્સ્યુઆલિટીથી મુક્ત ન જ કરી શકે. જો ક્રાઇસ્ટનો એક મનુષ્ય તરીકેનો જન્મ માનવતા પરના શાપને દૂર કરી શકે તો, ક્રાઇસ્ટની સેક્સ્યુઆલિટી પણ સેક્સ્યુઆલિટી પરના શાપને દૂર કરી જ શકે. લગ્નને ચર્ચ એક સંસ્કાર તરીકે જુએ છે, અને ખ્રિસ્તી નવવધૂઓ અને વરરાજાઓને ક્રાઇસ્ટ અને એમની નવોઢાની જેમ વર્તવાનું શીખવવામાં આવે છે. સામાન્ય રીતે સમગ્ર માનવજાતિએ લૉર્ડને, અને ખાસ કરીને ચર્ચને આધીન રહેવું જોઈએ, એ જ રીતે પત્નીઓએ એમના પતિને આધીન રહેવું જોઈએ.
- કારણ કે ક્રાઇસ્ટ ચર્ચના વડા છે અને એ સમગ્ર સમુદાયનું રક્ષણ કરે છે; એ જ રીતે, એક પતિ પણ એની પત્નીનો ઉપરી છે. અને જેમ ચર્ચ ક્રાઇસ્ટના શાસનને આધીન છે એમ જ પત્નીઓએ પણ દરેક બાબતમાં પતિના શાસનને આધીન રહેવું જરૂરી છે. પતિઓએ પત્નીઓને પ્રેમ કરવો જરૂરી છે, જેમ ક્રાઇસ્ટે ચર્ચને પ્રેમ કર્યો હતો અને એના માટે જરૂરી એવું બલિદાન પણ આપ્યું હતું.... આ જ કારણસર એક પુરુષ એનાં માતાપિતાને છોડી દે છે અને એની પત્ની સાથે જોડાય છે, અને પછી એ બંને ભેગાં થઈને એક માંસ બને છે. આ રહસ્યનું ખૂબ મહત્ત્વ છે, પણ આ બાબત હું ક્રાઇસ્ટ અને ચર્ચને જ લાગુ પાડું છું. (એફિસિયન્સ: ૫:૨૨-૨૫, ૩૧-૩૨)
કદાચ ચર્ચને ક્રાઇસ્ટની નવવધૂ ગણતી વખતે સમર્પણ અને આજ્ઞાપાલનનું સૂચન થતું હશે – કદાચ એ એમ શીખવે છે કે જેમ ચર્ચ ક્રાઇસ્ટની આજ્ઞાનું પાલન કરે છે, એમ જ શ્રદ્ધાળુએ ચર્ચની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, પણ ફરીથી અહીં તાકાતનું માળખું છતું થાય છે. જ્યારે પોતાનાથી વધારે ઊંચી - વધારે મહાન સત્તા સાથેના સંબંધને જોવામાં આવે છે, ત્યારે ચર્ચ નવવધૂ જેવા સમર્પણભાવપૂર્ણ અભિગમ દર્શાવતું હોય એમ લાગે છે; પણ જ્યારે ચર્ચ જેટલા શક્તિશાળી ન હોય એવા લોકોના સમૂહની વાત આવે છે ત્યારે એ જ ચર્ચ સ્તરીકરણ, સરમુખત્યારી અને નિરંકુશપણે સત્તાવાદી અભિગમ દર્શાવે છે. જેમને માત્ર એક જ વિશિષ્ટ ધાર્મિક શ્રદ્ધા વિશે, ચર્ચની એકમાત્ર સંસ્થા દ્વારા શીખવવાનું જરૂરી હોય એવા ચર્ચના સભ્યો સાથે ઘેટાંના ટોળાની જેમ વર્તતી વખતે આ ચર્ચ આમ સરમુખત્યારી અને નિરંકુશપણે સત્તાવાદી અભિગમ જ અપનાવે છે. ‘નવા કરાર’ના દરેક ભાગમાં ક્રાઇસ્ટની વરરાજા તરીકેની છબીને વારંવાર દોહરાવવામાં આવી છે. સ્ટારબર્ડ તો આ વરરાજાની છબીને ‘જૂના કરાર’માં પણ જુએ છે. આ વરરાજા ક્રાઇસ્ટના પ્રતીકના જે કોઈ સ્તર પર હોય, પણ એ લગ્ન અને એકાત્મતાના રૂપકનું ગર્ભિત સેક્સ્યુઅલ સૂચન – “અને એક માંસ બનો” – એમ તો રહે જ છે. આમ અહીં ફરીથી એક શક્યતાનો ઉઘાડ થાય છે – લૈંગિકતાના અનુભવધારી ક્રાઇસ્ટનો આ સરખામણીનું (બાઇબલના અંતિમ પુસ્તક) “બૂક ઑફ રિવિલેશન’માં વધુ મર્મભેદક રીતે વર્ણન થયું છે.
- ચાલો, આપણે સૌ ખુશ અને આનંદિત થઈને ઈશ્વરના કીર્તિગાન ગાઈએ, કારણ કે આ ઘેટાના લગ્નનો સમય છે. એની નવવધૂ તૈયાર છે, અને એણે પોતાની જાતને ઝળહળતા સફેદ શણનાં વણેલાં કપડાંમાં શણગારી છે, કારણ કે એના શણનું કાપડ સંતોનાં સત્કર્મોથી બનેલું છે. (રેવોલ્યુશન, ૧૯:૭-૯)
આ કિસ્સામાં મનુષ્યજાતિનું નવવધૂ તરીકે સૂચન કરવામાં આવ્યું છે. જૅક માઈલ્સ લખે છે :
- અને પછી એવું થયું કે જેમ અન્ય રમૂજકથાઓ પૂરી થાય છે, એમ જ એક ભવ્ય લગ્નપ્રસંગની સાથે જ ક્રિશ્ચિયાનિટીની રમૂજી મહાગાથા પણ પૂરી થઈ. અને છેલ્લે, વિજેતા ઘેટું એના લગ્નના દિવસે પહોંચે છે, અને પોતાની જાતને, સદાકાળથી ખાસ એના માટે જ પ્રયોજાયેલ મનુષ્યજાતિ પાસે પહોંચાડે છે. (માઇલ્સ, ૨૬૦)
બીજા શબ્દોમાં કહીએ તો, જો સેક્સ્યુઆલિટીના ‘શાપવાળા’ મૂળ પાપને ભૂંસી નાંખવામાં આવે તો જ માનવતાને બચાવવા માટે ઈશ્વરના જે ઘેટાએ મનુષ્યનું સ્વરૂપ લીધું હતું, એનું બલિદાન સિદ્ધ થાય. કદાચ ક્રાઇસ્ટ અને માનવતાનાં લગ્ન વડે જ સેક્સ્યુઅલ જ્ઞાનના એ મૂળ પાપનું નિરાકરણ થાય. ભલે કોઈ સેક્સ-રહિત (એટલે કે એસેક્સ્યુઅલ) ક્રાઇસ્ટમાં માનતું હોય, પણ સેક્સ્યુઅલાઈઝ્ડ (એટલે કે સેક્સ-સહિતની) માનવતા સાથેના એનાં લગ્નમાં જ્યારે “બે મળીને એક માંસ બને છે” ત્યારે નિર્વિવાદપણે કાં તો બંને એસેક્સ્યુઅલાઇઝ થઈ જાય અથવા તો બંને એકબીજાને સેક્સ્યુઅલાઈઝ કરી દે. અને, બાઇબલની કથાઓમાં પણ પહેલી શક્યતા દર્શાવવામાં આવી નથી, એટલે બીજી શક્યતાને સ્વીકારવી જ પડે. સમાપન કરતી વખતે એમ કહી શકાય કે શ્રદ્ધાના ક્રાઇસ્ટ ખરેખર તો એક ‘પુરુષ’ છે, જેમનામાં પુરુષોચિત લક્ષણો છે, એ વાત સાચી, પણ એ આપણે ખ્રિસ્તી ધર્મ દ્વારા સ્વીકૃત ગોસ્પેલ્સની વાર્તામાં વાંચેલા ‘જીસસ ઑફ નાઝરેથ’ પણ છે, જે એમની ક્રાંતિકારી વૃત્તિને કારણે, એમના જમાનાના બીબાઢાળ પુરુષોચિત નમૂનામાં ગોઠવાઈ શકે એવા નહોતા. આ બાબત સત્તા પર બિરાજેલા લોકોને બિલકુલ માફક આવે એવી છે : ક્રાઇસ્ટ એક પુરુષ હતા એવી દલીલ સાથે એક એવા પિતૃસત્તાક માળખાની સ્થાપના કરવી કે જેમાં પુરુષ છેક ટોચ પર હોય અને એ સ્ત્રીઓ કરતાં ચડિયાતો હોય. એની સાથેસાથે જ અનુયાયીઓનાં ટોળાંને એમના આજ્ઞાંકિતપણા અને સમર્પણભાવના સ્ત્રીઉચિત ગુણો પણ શીખવી શકાય, જેથી કરીને પુરુષના આધિપત્યવાળા માળખાને વધુ મજબૂત બનાવી શકાય. આ પિતૃસત્તાક બાઇબલ સ્ત્રી-ઉચિત ગુણો શીખવે છે ખરું, પણ માત્ર જ્યારે કોઈ એના ઊંડાણમાં ડોકિયું કરે ત્યારે જ! પણ શું આ બધાં માત્ર પુરુષના આધિપત્યનાં જ સાધનો છે? પુરુષની સત્તાવાળું માળખું ઊથલી પડે એના ડરથી જ શ્રદ્ધાળુઓનાં ટોળાં સામે આ અર્ધનારીશ્વર ક્રાઇસ્ટને પ્રગટ નહીં કરવામાં આવતા હોય કે શું?
Works Cited
Barton, Stephen C, 2001. “Many Gospels, One Jesus?” The Cambridge Companion to Jesus. Ed. Marcus Bock-muehl. Cambridge: Cambridge University Press.
Foucault, Michael, 1980. The History of Sexuality, Vol. 1: An Introduction. Trans. Robert Hurley. New York: Vintage Books.
Gibran, Kahlil, 1974. A Treasury of Kahlil Gibran. Trans. Anthony Rizcallah Ferris. Ed. Martin L. Wolf. Great Britain: Mandarin.
Miles, Jack, 2001. Christ: A Crisis in the Life of Christ. Lon-don: Arrow.
Starbird, Margaret, 1993. The Woman with the Alabaster Jar: Mary Magdalen and the Holy Grail, Vermont: Bear and Co.
The New Jerusalem Bible. Standard Ed. St. Paul’s Publica-tion.
Torrance, Alan, 2001. “Jesus in Christian Doctrine”. The Cambridge Companion to Jesus. Ed. Marcus Bock-muehl. Cambridge: Cambridge University Press, 2001.
Warner, Marina, 1976. Alone of Ail her Sex: The Myth and the Cult of the Virgin Mary, New York; Alfred A. Knopf.
Watson, Francis, 2001. “The Quest for the Real Jesus”. The Cambridge Companion to Jesus. Ed. Marcus Bockmuehl. Cambridge: Cambridge University Press.
Weil, Simone, 1951. Letter to a Priest. Trtans, A. F. Wills. London, New York: Routledge.
— 1989. With Joyful Lips. 12th Ed., Bombay: St. Paul’s Pub-lications.