નારીવાદ: પુનર્વિચાર/III – પુનર્નિરીક્ષણ

III
પુનર્નિરીક્ષણ

પુનર્વિચારની જેમ જ, પુનર્નિરીક્ષણમાં પણ પાછળ ફરીને જ નજર નાંખવાની છે. આપણી સાંદર્ભિક રૂપરેખામાં, પુનર્વિચાર ધાર્મિક સૂત્રો અને રજૂઆતોને સવાલો કરે છે, જ્યારે પુનર્નિરીક્ષણ અનુભવોના વિવિધ ગોળાર્ધોને એકઠા કરીને એમને તપાસવાનો પ્રયત્ન કરે છે. આપણી આ પ્રક્રિયામાં પુનર્નિરીક્ષણ એ પુનર્વિચારને અસરકારક રીતે બેવડાવવાની પ્રક્રિયા છે અને આમ એ સમગ્ર સાહિત્ય અને સમાજને મૂલવવાના માર્ગે ચાલે છે. પુનર્વિચારવિભાગના એસ્થર ડેવિડના પૃથક્કરણનું પ્રતિબિંબ જીન ડિસોઝા ક્રાઇસ્ટના ફેમિનાઇન પાસાના અભ્યાસમાં દેખાડે છે, જેમાં તેઓ દલીલ કરે છે કે આ તો ચર્ચના પિતૃસત્તાક માળખાને ફાવે એ રીતનું અનુકૂળ ઘડતર છે. જીનના ધાર્મિક ઘડતર સામેના સવાલને બાલાજી રંગનાથન આગળ વધારે છે અને ૧૯મી સદીના ભારતની નવનિર્માણની ચળવળોનું પૃથક્કરણ કરે છે. દીપેશ ચક્રવર્તી અને પાર્થ ચેટરજીની દલીલોથી આગળ વધીને બાલાજી પોતાની દલીલોને સંસ્થાનવાદ અને આધુનિકતામાં બાંધી લે છે. આગળના વિભાગની એસ્થરની પૂછપરછને વૈજયંતી શેટે ભારતીય સંદર્ભમાં મૂકી આપે છે. ખજૂરાહો, મોઢેરા અને કોણાર્ક જેવાં મધ્યયુગનાં સ્થાનોમાં ફરીને તેઓ જણાવે છે કે ત્યાંની સ્ત્રીઓ વિવિધ કલાક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. ઇંદિરા નિત્યાનંદમ મીડિયામાં સાહિત્યિક બીબાઢાળ છબીઓના અપ્રામાણિક પુન:પ્રવેશની વાત આપણી નજર સમક્ષ લાવે છે. આ લેખ આગળના વિભાગમાં શોભનાએ કરેલી દલીલનો પૂરક બની રહે છે. આ બંને લેખિકાઓ આપણને દ્વિગુણી રીતને અતિક્રમી જવાનું કહે છે. ત્યાર પછીના લેખિકા, વિદ્યા રાવ મહિલા ખેલાડીઓનાં વ્યક્તિત્વ અને સ્થાનને સ્પષ્ટ કરનારી બીબાઢાળ છબીઓનું પૃથક્કરણ કરે છે. ઇંદિરાના પેપરની જેમ જ અહીં પણ એકીટસે જોનારી દૃષ્ટિ પર ધ્યાન કેન્દ્રિત થયું છે : “ટેનિસ કૉર્ટની બેઝલાઈન કરતાં સ્કર્ટની લંબાઈ કઈ લાઈન સુધી પહોંચે છે, એના પર હવે વધારે ધ્યાન રાખવામાં આવે છે.” આપણી પુનર્નિરીક્ષણની પ્રક્રિયાએ આ બીબાઢાળ છબીઓને પરખીને માત્ર સવાલો જ નથી કર્યા, પણ જિંદગીનાં વિવિધ સ્થાનોએ એ કેવી રીતે પરિવર્તિત થાય છે એ પણ દેખાડ્યું છે.