નારીવાદ: પુનર્વિચાર/કમલા દાસની કવિતામાં સ્વ-પરિચય માટે દર્પણનું રૂપક
કમલા દાસની કવિતામાં સ્વ-પરિચય માટે દર્પણનું રૂપક
જાવેદ ખાન
પ્રોફેસર ઑફ ઇંગ્લિશ ઍન્ડ ઑનરરી ડિરેક્ટર, સેન્ટર ફૉર ટ્રેનિંગ ઍન્ડ રિસર્ચ ઇન લૅન્ગ્વેજ ઍન્ડ કમ્યુનિકેશન
કમલા દાસની કવિતાઓમાંની સ્ત્રી વિદ્રોહી, કટ્ટર નારીવાદી છે જે શિશ્નકેન્દ્રી સૃષ્ટિવ્યવસ્થાની સામે બળવો પોકારવા ઊભી થઈ છે – એ દૃષ્ટિકોણનો ભાગ્યે જ કોઈ વાચક વિરોધ કરશે. એમની સામે અશ્લીલ ભાષા વાપરવાનો જે આરોપ મૂકવામાં આવ્યો છે, એનો વિરોધ તો એથી પણ ઓછા લોકો કરશે. એમના મોટા ભાગના વાચકો તેમ છતાં પણ કબૂલ કરશે કે જ્યારે એમની કવિતાઓ ઉપરછલ્લી રીતે જ વાંચવામાં આવે છે, ત્યારે જ એમના પર મુકાયેલા કામવાસનાના અતિરેકના આરોપને યોગ્ય ગણી શકાય. એનું કારણ એ જ છે કે એમની કવિતાની નાયિકા આડંબરી પ્રતિભા ધરાવતા પુરુષોની અસંસ્કારિતાની સામે ઘૃણા પ્રગટ કરે છે. જોકે એમની કવિતાઓને કાળજીપૂર્વક વાંચવામાં આવે તો એક સાવધ વાચક જરૂર સમજી શકે કે આ તો સ્ત્રી-પુરુષના સંબંધને બિલકુલ વ્યવસ્થિતપણે સમજવાનો પ્રયત્ન થયો છે, પછી ભલે એ થોડી કઠોર રીત લાગે. સ્વ-પરિચય પામવા માટે તેઓ શોધને રૂપક તરીકે વાપરે છે, જે એમની આજુબાજુના સંજોગો સાથે અવિચારીપણાની ભાવના ઊભી કરે છે. શબ્દાલંકાર તરીકે રૂપક એક અનૌપચારિક અને સૂચક સામ્ય દર્શાવે છે. માયર્સ અને સિમ્સ (૧૯૮૯) સમજાવે છે કે એ તો : “એક યા બીજી ચીજ વચ્ચેનાં સામ્ય અને ભિન્નતાની લાક્ષણિક અભિવ્યક્તિ, જેમાં અક્ષરશ: ન હોય એવી અદલાબદલી અથવા અભિન્નતા દર્શાવવામાં આવે છે.” જ્યારે કોઈ વ્યક્તિ ચોરી-છૂપીથી દર્પણમાં પોતાની જાતને અથવા એની સામે પડેલી અથવા એની નજીકની ચીજને જુએ છે, ત્યારે દર્પણ એનું પ્રતિબિંબ પાડે છે. દર્પણની બનાવટ, તેમ જ જે વ્યક્તિ પોતાની જાતને કે જે-તે ચીજને એમાં જોઈને હરખાતી હોય એના પર પ્રતિબિંબની પ્રકૃતિનો આધાર રહેતો હોય છે. દર્પણમાં ડોકિયું કરવાથી વ્યક્તિનું અહમ્ પોષાવાની શક્યતા ઊભી થાય છે, જે લક્ષણો પામવાની એણે જીવનભર ઝંખના રાખી હોય, એ એને મળે છે અથવા તો જે મુખવટો પહેરી રાખવાની એની વૃત્તિ હોય એને ઉતારી દઈને, એના વ્યક્તિત્વને ઉઘાડું પાડીને એક બરછટ આંચકો પણ આપી શકે છે. ભારતીય સંદર્ભમાં આપણાં વિવિધ સાહિત્યસ્વરૂપોમાં – જેમાં ગીતોનો પણ સમાવેશ થાય છે – ઘણી વાર દર્પણને મન અથવા ચિત્ત સાથે સરખાવવામાં આવે છે. જો આપણે જીવનનાં સત્ય કબૂલીએ, તો આપણે કેવાં છીએ, એનો અંદાજ દર્પણમાંની આપણી છબી આપણને આપી દે છે. (એ જ પુસ્તકમાં એ જ જગ્યાએ) માયર્સ અને સિમ્સ દલીલ કરે છે કે પ્રતિબિંબ અને સ્વ-પરિચયની સરખામણી કરવાની બાબતે નીચે દર્શાવેલી વિવિધ કક્ષામાંથી, આપણને જે મંજૂર હોય એ જ કક્ષા આપણે લાગુ પાડીએ છીએ : (i) જીનસ / સ્પિસીઝના વર્ગીકરણમાંથી ઍરિસ્ટોટલે આપેલાં વિવિધ રૂપકો, જેમ કે તુલનાત્મક અથવા યથા-પ્રમાણ રૂપકો અથવા (ii) ક્વિન્ટીલીયન વર્ણનાત્મક વ્યવસ્થા, ખાસ કરીને ચારેય કક્ષામાંથી પહેલી : જેમ કે વ્યક્તિ કે વસ્તુના એના પ્રતિબિંબવાળા કિસ્સામાં – સજીવ કે નિર્જીવ. (iii) ચોથી કક્ષા : પ્રતિબિંબ અને સ્વ-પરિચયની જેમ નિર્જીવથી નિર્જીવ – આપણને જે મંજૂર હોય એ રીતે જોવાના સંદર્ભમાં, કમલા દાસની કવિતા “ધ લૂકિંગ ગ્લાસ” (દર્પણ), ભારતીય સ્ત્રીત્વ અને નારીવાદી સંવેદનાના પ્રતિબિંબને વાચકો સમક્ષ રજૂ કરે છે. શરમ કે કચવાટની લાગણી વિનાની પરસ્પર વાસના – જે સ્ત્રી અને પુરુષના સંબંધની છેલ્લી કડીને તોડી નાંખનારી બની જાય છે – એના માટે કમલા દાસની કવિતાની સ્ત્રી વાજબીપણે પુરુષને જ દોષી ઠેરવે છે. પુરુષ સામેના એમના નિંદાત્મક શબ્દો મારે માટે ગૂંચવણ ઊભી કરે છે, પછી ભલે એમની કવિતાઓમાંની સ્ત્રીને સ્ત્રીત્વના પ્રતિનિધિ તરીકે એ જે કરે છે એ યોગ્ય જ લાગતું હોય; ખાસ કરીને એ એક વાત પર ધ્યાન દોરે છે કે આદિકાળથી પુરુષ અને સ્ત્રીના સંબંધો સ્પષ્ટપણે જાતિ(જેન્ડર)ની સમાનતા પર જ રચાયેલા હતા, અને એમને એવું લાગે છે કે એ સંબંધો એકાએક જ અસમાન થઈ ગયા છે. કમલા દાસની ઘણી કવિતાઓમાં આ બાબતનો ઉલ્લેખ થયો હોવા છતાં મેં “ધ લૂકિંગ ગ્લાસ” પર જ વિશેષ ધ્યાન આપ્યું છે. ૧૯૬૭માં એમના પહેલા કાવ્યસંગ્રહ ધ ડિસેન્ડન્ટ્સમાં આ કવિતા પહેલી વાર છપાઈ હતી. આ કવિતા મને કમલા દાસના હસ્તાક્ષર જેવી લાગી છે અને આ કવિતા એમને પોતાને પણ ખૂબ જ પ્રિય હોવી જોઈએ, કારણ કે ત્યાર બાદ, ૨૯ વર્ષ પછી ૧૯૯૬માં એમના કાવ્યસંગ્રહ ઓન્લી ધ સોલ નોઝ હાઉ ટુ સિન્ગમાં પણ આ કવિતા છપાઈ છે. અરીસો અથવા તો જેમાં પોતાની જાતને જોઈને પોતે કેવા દેખાય છે એ જાણવા માટેના સપાટ કાચને જુનવાણી શબ્દોમાં દર્પણ કહેવામાં આવતું. આ સંદર્ભે, “કોઈ ચીજનો અરીસો” – એ શબ્દસમૂહનો અર્થ એ થાય છે કે એ જે કોઈ ચીજ હોય, પણ એ કોઈ અન્ય વસ્તુ કે કોઈ અન્ય વ્યક્તિ જેવી દેખાય છે અને એમ કરવાની પ્રક્રિયામાં, આપણે કેવા દેખાઈએ છીએ કે કેવા છીએ, એનું જ્ઞાન પણ આપે છે. “ધ લૂકિંગ ગ્લાસ” શીર્ષક પરથી નાયિકાના આશયો સ્પષ્ટ થાય છે. આ શીર્ષકની મદદ લઈને એ વાચકોને પુરુષ-સ્ત્રીના સંબંધમાં, પુરુષની સાચી પ્રકૃતિનો પરિચય કરાવતું જ્ઞાન આપવાનો ઇરાદો ધરાવતી હોવાનું સૂચન કરે છે. આ કવિતાને જો માત્ર ઉપરછલ્લી રીતે જ વાંચીએ તો એમાંથી સ્ત્રીએ અનુભવેલું દુ:ખ છતું થાય છે. શરૂઆતમાં એ કહે છે કે એક સ્ત્રી માટે કોઈ પુરુષ એને પ્રેમ કરે (કે એની સાથે સંભોગ કરે) – એવું કરાવવું સરળ બની જાય છે, પણ એક શરતે કે એ સમયે એને પુરુષની એક સ્ત્રી માટેની જરૂરિયાત બાબતે એ સ્ત્રીએ બિલકુલ ઈમાનદાર હોવું જરૂરી છે. કાવ્યની નાયિકા અહીં મફત સલાહોની એક લાંબીલચક સૂચિ આપે છે. એ કહે છે કે નીચે મુજબની શરતો પાળવામાં આવે તો જ આ બધું શક્ય બને છે :
- પુરુષની સાથે સ્ત્રીએ અરીસાની સામે નગ્ન થઈને ઊભા રહેવું, જેથી કરીને પુરુષનું અહમ્ સંતોષાય, કારણ કે એને સમજાય કે એ બંનેમાં પુરુષ વધુ શક્તિશાળી છે અને સ્ત્રી વધુ મખમલી, વધુ યુવાન અને એના કરતાં વધુ સુંદર છે – અને આ બધી જ વાતો એ માનવા લાગે છે.
- સ્ત્રી એ પુરુષને અતિશય ચાહે છે એ વાતનો એકરાર કરવો.
- પુરુષના હાથ-પગ, નાહવાના ફુવારા હેઠળ લાલ થઈ જતી એની આંખો, બાથરૂમની ફર્શ પર એની ભીરુ ચાલ, પોતાની મર્દાનગી બતાવવા માટે જમીન પર ટુવાલ નાંખી દેવાની એની અદા, અને ઝટકા મારીને પેશાબ કરવાની એની રીત – એને પુરુષ બનાવનારી એની નાની-નાની ઘેલી વિગતો તેમ જ આ બ્રહ્માંડમાં એ સ્ત્રી માટે એ એક જ પુરુષ છે એની નોંધ લેવી.
- એ સ્ત્રીને એક સ્ત્રી બનાવનારી બધી જ ચીજોની ભેટ એ પુરુષને ધરાવવી – જેમાં એના લાંબા વાળની સુગંધ, એનાં સ્તન વચ્ચેના પરસેવાની તીવ્ર સોડમ, માસિક સ્રાવના રક્તનો ઉષ્ણ ઝટકો અને એની અંતહીન સ્ત્રી-લાક્ષણિક ભૂખનો સમાવેશ થાય છે.
અહીં “ઓહ યસ” શબ્દપ્રયોગ કરીને સ્પષ્ટપણે એક ઝટકો ઊભો કરવામાં આવ્યો છે. તેઓ જાણે આપણને એમ કહેવા માગે છે કે એક સ્ત્રી કોઈ પુરુષને પોતાને પ્રેમ કરતો કરી શકે છે. જોકે ત્યાર બાદ એ સ્ત્રીએ એના વગર જીવવાની શક્યતા માટે તૈયાર રહેવું જરૂરી છે. આ બાબતને એ પ્રાણ વિનાની જિંદગી ગણે છે, કારણકે એ હરતી-ફરતી રહે છે, અજાણ્યા લોકોને મળતી રહે છે અને એની દયાજનક આંખોએ એ પુરુષને શોધવાનું બંધ કરી દીધું છે. એના કાન માત્ર એ જ અવાજ સાંભળી શકે છે કે જ્યારે છેલ્લી વાર એ પુરુષે એનું નામ દઈને એને બોલાવી હતી, અને જે શરીર એ પુરુષના સ્પર્શથી તપ્ત બની રહેતું એ હવે મેલખાઉ અને નિરાધાર થઈ ગયું છે, એ જાણે હવે ફિક્કા પડછાયા જેવું બની ગયું છે. અહીં એક બાબત નોંધવાનું ચુકાતું નથી કે “if and only if”નો અર્થ અહીં ઉપસિદ્ધાંત તરીકે લેવામાં આવ્યો હોઈને આ એક શરતી વિધાન બને છે. અંગ્રેજી ભાષામાં આ ‘want’ શબ્દ અતિશય અસરકારક છે, અને જ્યારે એને નામ તરીકે વાપરવામાં આવે છે, ત્યારે એનો અર્થ થાય છે કે : કોઈ વ્યક્તિને કોઈ ચીજની જરૂર (Need) છે, અને એ ચીજની ઊણપ છે અથવા એ ચીજ એની પાસે નથી. આ કાવ્યના સંદર્ભે, કાવ્યની નાયિકા જ્યારે ‘Wants’ શબ્દ વાપરે છે, ત્યારે ખરેખર તો એ ‘needs’ની વાત કરતી હોય છે અને આ જ કારણસર અમુક ગંભીર સવાલો ઊભા થાય છે, જેવા કે : શા માટે એક સ્ત્રીએ જ એની ‘wants’ માટે ઈમાનદાર રહેવું જોઈએ? શું પુરુષોને પણ એવી જ ‘wants’ નથી હોતી? શું પુરુષે જ સમાન ચીજોને અસમાન નથી બનાવી? ત્યાર બાદની પંક્તિઓમાં સ્ત્રીએ પુરુષોનું અહમ્ પોષવા માટે જે અપમાનો સહન કરવાં પડે છે, એની પર ધ્યાન દોરતી નાયિકાનો ગુસ્સો સ્પષ્ટ થાય છે. અહીં ‘અરીસો’ (એટલે કે કોઈ ચીજનો અરીસો) શબ્દનો બીજો અર્થ પૂરેપૂરો સ્પષ્ટ થાય છે. આ જગ્યાએ વક્રોક્તિની નોંધ લેવાનું ચુકાતું નથી અને પેલા અંગ્રેજી શબ્દપ્રયોગ “ઓહ યસ”નો ઉપયોગ સમજાય છે – કોઈ વ્યક્તિ જે કંઈ વિચારતી હોય એ તીવ્ર લાગણીને ભારપૂર્વક દર્શાવવા માટે અને આગળ ઉપર જે કહેવામાં આવ્યું, એમાંની અમુક અથવા સઘળી બાબતો સાથેની વિનમ્ર નાસંમતિ સૂચવે છે. આમ, નાયિકાએ આગળ ઉપર જે કંઈ કહ્યું હતું, એ સઘળી બાબતો સાથે એ ભારપૂર્વક અસંમત થાય છે. માટે ત્યાર પછીની વાત : “.... એક પુરુષ પાસે પ્રેમ કરાવવો સરળ છે, પણ એ પુરુષ વિના જીવવાની પરિસ્થિતિનો સામનો કરવો પડે એવી શક્યતા છે.” (કડી ૧૬-૧૯). માટે “ધ લૂકિંગ ગ્લાસ” જેવી કવિતા સ્ત્રીઓને ચેતવણી આપે છે કે સ્ત્રીઓએ તેમના પુરુષો વગર જીવવાની નિશ્ચિત શક્યતાનો સામનો કરવાનો જ છે આ એ જ પુરુષો છે કે જેમની બધી માગણીઓને સ્ત્રીઓએ સ્વીકાર્યા કરી હતી, ત્યાં સુધી તેઓ સ્ત્રીઓના પડછાયાની જેમ જીવ્યા કરતા હતા. આ નાયિકા કહે છે કે સ્ત્રી માટે પહેલો પ્રેમ જ એનો સાચો પ્રેમ હોય છે. એની આંખો એના પહેલા પ્રેમીને શોધી રહી છે અને એના કાન માત્ર એ જ પુરુષે જ્યારે છેલ્લી વાર એના નામથી એને પોકારી હતી એ જ સાંભળે છે. બાકીની દુનિયાને એણે સાવ ભુલાવી દીધી છે. દરેક ચહેરામાં એને પેલો પ્રિય ચહેરો દેખાય છે અને દરેક ‘અવાજ’માં એને પેલા પરિચિત અવાજનો રણકો સંભળાય છે. ટૂંકમાં, પોતાના પ્રેમી દ્વારા ત્યજાયેલી આ સ્ત્રી, ભૂતકાળમાં જે પ્રેમ અને ચાહના પામી હતી, એની મૃતપ્રાય છબી બની ગઈ છે. એના અસ્તિત્વની આ દુ:ખદ હકીકતને કારણે એ કિન્નાખોર બની ગઈ છે, એ સ્પષ્ટ થઈ જાય છે, પણ આ જ વાત પેલો અહંકારી અને મિથ્યાભિમાની પુરુષ સમજી શકતો નથી. આ કારણસર એવી છાપ ઊભી થાય છે કે પુરુષ માટે તો સ્ત્રી સાથેનો સંબંધ માત્ર મૈથુનની અવધિ પૂરતો જ હોય છે, એ કમનસીબી છે, કારણ કે એ ભૂલી જાય છે કે સ્ત્રી માટે તો એ પ્રક્રિયા સંવેદનાત્મક એકતા હોય છે. એની ફરિયાદોમાં સંબંધોની આ અસમાનતા પ્રત્યે નિર્દેશ કરવામાં આવ્યો છે, કારણ કે ભારતીય પરંપરામાં રાધા-કૃષ્ણની ભાતમાં જે એકતાનું સૂચન થયું છે, એનું અહીં કઠોરપણે ખંડન થાય છે. પ્રેમ અને સંભોગને આ ભાતમાં જે રીતે દર્શાવાય છે, એ સતત સમર્પણ કરીને, એકબીજામાં ઓગળી જઈને એક અખંડ એકતા સર્જે છે. આમ, એકતા અને ભક્તિભાવના પ્રતીકરૂપે, એને લીલાના એક ભાગરૂપે જોવામાં આવે છે. કમલા દાસ જેને ‘થપસ્યા’ – હિંદીમાં ‘તપસ્યા’નું એક વાચિક રૂપ કહે છે, એના મૂળમાં આ જ વાત રહેલી છે, એ સમજવા માટે બહુ લાંબું વિચારવાની જરૂર રહેતી નથી. તપસ્યા એ તપ શબ્દનું સ્ત્રીલિંગ સ્વરૂપ છે; તપ શબ્દ કદાચ તપસ્માંથી ઉદ્ભવ્યો છે, જેનો અર્થ સાદાઈ, ઇન્દ્રિયદમન અને સંયમ થાય છે. આધ્યાત્મિક જ્ઞાન અને મોક્ષ પામવા માટે કરાતા પ્રાયશ્ચિત્ત અથવા ઇન્દ્રિયદમનનો અર્થ તપ થાય છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી રહેશે કે ભારતીય સંદર્ભમાં સંભોગનો નિષેધ નહોતો, ખાસ કરીને સર્જન કરવા માટે એ અત્યંત જરૂરી ભૂમિકા ભજવે છે માટે. શિવલિંગની પૂજા અને એના જેવી જ ગ્રીક રાજ્યોમાં થનારી ડાયોનિશિયન પરંપરા, જેમાં કાપણી / લણણીની મોસમમાં શિશ્નના પ્રતીકની પૂજા કરવામાં આવતી, આ વાત ગ્રીક પુરાણકથાઓમાં ઉત્સાહપૂર્વક કહેવામાં આવે છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે ભારતીય પરંપરામાં રતિક્રીડા માટે કોઈ છોછ નહોતો. માટે હું કહીશ કે કમલા દાસ પર મૂકવામાં આવેલ અશ્લીલતાનો આરોપ એ પુરુષોનું સર્વસામાન્ય વર્તન જ છે અને હું હિંમતપૂર્વક ધ્યાન દોરીશ કે કમલા દાસે જ્યારે બાથરૂમમાં ભીરુતાપૂર્વક ચાલવા જેવા પુરુષોના સર્વસામાન્ય વર્તનનો ઉલ્લેખ કર્યો છે, ત્યારે એણે આ મુદ્દાને વધુ આગળ લઈ જઈને મજબૂત જ બનાવ્યો છે. કમલા દાસે એક સ્ત્રી તરીકે પુરુષના મિથ્યાભિમાનને ભવ્ય, મદમસ્ત અને શેતાની અદાથી જવાબ આપતી વખતે નિખાલસતાપૂર્વક ચર્ચા કરીને અને સ્વસ્થતાપૂર્વક સંભોગની રજૂઆત કરીને ભારતીય ભાષાઓના સાહિત્યમાં વિકાસનું એક આવકારદાયક પગલું ભર્યું છે. હા, એક વાત સાચી છે કે આ કવિતાઓ કબૂલાતના સૂરમાં લખાયેલી છે, પણ એની સામે કોઈને શો વાંધો હોઈ શકે? અહીં રસ પડે એવી એક વાત છે કે ‘કબૂલાત’ શબ્દનો અર્થ માત્ર સત્ય, પાપ કે ગુનાનો એકરાર કરવો એ જ નથી થતો, પણ એનો અર્થ પોતાના સિદ્ધાંતોનું નિવેદન એવો પણ થાય છે. કદાચ એટલે જ આદિલ જુસ્સાવાલા(૧૯૭૩)નો મત છે કે કમલા દાસનાં પ્રેમ, રતિક્રીડા અને એકલતા વિશેનાં લખાણોમાં આગ્રહી પ્રતિપાદનનો સૂર હોય છે, “જેનો હેતુ વાચકના સુષુપ્ત મનને ક્યાંક સ્પર્શવા માટેનો હોઈ શકે છે” અથવા “એ એક જટિલ અંગત થેરપીનો અંશ હોઈ શકે છે” જે કારણે કવયિત્રીને સારું લાગતું હોય. જો એ ખરેખર એમ જ હોય તો કમલા દાસને હકીકતોનો સ્વીકાર કરનારાં અને જિંદગીના પોતાના સિદ્ધાંતોનું દૃઢપણે બયાન કરતાં જોઈ શકાય છે. આ પ્રકારની કબૂલાતો એક વાચકના સુષુપ્ત મનના ઊંડા ખૂણાને સ્પર્શવામાં અને એની અંગત થેરપીના ભાગરૂપે શી ભૂમિકા ભજવે છે એ સમજવાની અહીં જરૂરિયાત લાગે છે. આ કવિતાઓમાંની સ્ત્રી બધા જ મુખવટા ફગાવી દે છે અને વાચકો સમક્ષ એક એવું ચિત્ર ખડું કરે છે કે જેમાં સ્ત્રી હોવાની પીડાઓ દેખાય છે; પણ હવે એની હદ વટી ગઈ છે અને હવે વધારે સહન કરવાનો એ ઇન્કાર કરે છે. આજ સુધી જે પ્રેમને એ ઝંખતી આવી છે, એનાથી એને વંચિત રાખવામાં આવી છે, અને હવે એ નિર્વિવાદપણે એવી માગણી કરે છે કે પ્રેમસહિત તમામ બાબતોમાં સમાનતા પામવાની એની ઝંખનાનો સ્વીકાર થાય. એની સંવેદનાઓ ભારતીય છે, એ આધુનિક સમયની રાધા છે અને શક્ય હોય એ રીતે પોતાના કૃષ્ણને પુનર્જીવિત કરવા માગે છે. એના પુરુષમાં ભક્તિનો અભાવ છે, એના માટે એ શોક વ્યક્ત કરે છે અને એ પુરુષની વાસનાભરી માગણીઓના પ્યાદા તરીકે પોતે જે કઠોર અને સહાનુભૂતિ-રહિત વર્તન કરવું પડ્યું છે એના સંદર્ભમાં આ સમજવું જરૂરી છે કે પછી એ બળવાખોર ન બને તો શું કરે? એ બળવો કરે છે અને એય ખૂબ અસરકારક રીતે! આપણે સહેલાઈથી કહી શકીએ કે કમલા દાસ જાતે પણ એમની કવિતાની સ્ત્રીની જેમ જ બળવાખોર છે. એક પુરુષના એની સ્ત્રી સાથેના પરાવલંબીપણાને તેઓ ઉઘાડું પાડે છે. “ધ લૂકિંગ ગ્લાસ” દ્વારા તેઓે સ્ત્રી-જાતિને ઢંઢોળીને એક સંદેશો આપે છે કે પુરુષો સાથેના સંબંધોમાં સ્ત્રીઓ ઊભી થાય અને કઠોર વાસ્તવિકતાઓનો સામનો કરે. અહીં એક બીજો સંદેશો પણ છે, જેમાં તેઓ પુરુષોને ચેતવણી આપે છે કે તેમણે પોતાની રીતો સુધારીને એમની સ્ત્રીઓ સાથે સંવેદનાપૂર્ણ વર્તન કરવું, નહીંતર એમની સ્ત્રીઓ પ્રેમ મેળવવા માટે અનિવાર્યપણે બીજા પ્રત્યે વળશે. દાસની કવિતામાંની સ્ત્રી કદાચ પોતાના અનુભવના જોરે એમ માને છે કે પ્રેમ કરવો એ પુરુષના સ્વભાવમાં જ નથી. સ્ત્રીને માટે પ્રેમ એ એક અર્પણની ક્રિયા છે, અથવા પોતાના જીવનમાં રહેલા પુરુષ પ્રત્યેનું સમર્પણ છે, જ્યારે પુરુષ તો એ ક્રિયા કરવાને સ્ત્રી પ્રત્યે દયા ખાતો હોય એમ જ માને છે – આ હકીકતને કારણે એ સ્ત્રી ખૂબ ધૂંધવાય છે. પુરુષોએ પોતે ચઢિયાતા હોવાની જે ખોટી ભાવના મનમાં સંઘરી રાખી હોય છે એ કારણે આ અભિગમ જન્મ્યો હશે એમ લાગે છે. સ્ત્રી માટે પ્રેમ એક તપસ્યા છે અને એ સારસંભાળ સિવાય બીજું કંઈ જ ઇચ્છતી નથી. આમ “એ લૂઝિંગ બૅટલ”માંની સ્ત્રી એક નિષ્કર્ષ પર આવે છે : “પુરુષો નકામા છે. એમને સપડાવવા માટે સાવ સુલભ છટકું ગોઠવો, પણ ક્યારેય પ્રેમ ન કરશો.” (કડી ૩-૫). આગળ જઈને વાચકને સમજાય છે કે આ સાવ સુલભ છટકું તો “ધ રેપિંગ્ઝ ઑફ હેયરલેસ સ્કીન્સ” (વાળ વિનાનાં ચામડીનાં આવરણો) છે. ખરેખર તો અહીં સ્ત્રીની લૈંગિક શરીર-રચનાનું અશિષ્ટપણે વર્ણન કરવામાં આવ્યું છે. જેની ઉપેક્ષા થઈ છે, અથવા તો એનો પુરુષ ક્યારેય એને પ્રેમ કરશે એવી બધી જ આશા ગુમાવી બેસનારી એક સ્ત્રીના આ શબ્દોમાં સ્પષ્ટપણે વિરોધનો સૂર સંભળાય છે. એ જાણે આપણને એમ કહેતી હોય એવું લાગે છે કે પ્રેમ કે સંભોગ વખતે દયા ખાવાની પુરુષની ટેવનું કારણ પોતાની જાતને સ્ત્રી કરતાં ચઢિયાતા માનવાનું છે. બીજા શબ્દોમાં કહીએ તો પુરુષ જાતિની સમાનતાની વિભાવનાના સ્વીકારને નકારે છે. આ વિચારમાત્રથી એ સ્ત્રીને નફરત થઈ જાય છે અને એને આંચકો લાગે છે, અને એટલા માટે જ એ ‘નકામા’ શબ્દનો ઉપયોગ કરે છે અને આથી જ આ બાબત કેવળ કામવાસનાનું ઉદાહરણ બની રહે છે. પ્રેમ વિનાની જિંદગી અને આ સમગ્ર પ્રક્રિયાના ભાગરૂપે નિષ્ઠા, હિસ્સેદારી, સારસંભાળ, ઉત્તેજના અને વળગણ વિનાના સંભોગને એક યાંત્રિક વિધિ બનાવી દે છે, એ સંતોષની લાગણી અને એમાંથી અનિવાર્યપણે ઊપજનારા લાગણીના સમતોલનને છીનવી લે છે. પારસ્પરિક ન હોય એવા આ પ્રકારના પ્રેમમાંથી નીપજતાં અસંતોષ અને દર્દ વ્યક્તિને ચૂરચૂર કરી નાંખે છે. પુરુષો અને સ્ત્રીઓ તેમના શારીરિક બંધારણની બાબતે ભિન્ન છે, એ બાબતમાં જેટલું તથ્ય છે એટલું જ તથ્ય તેમની જરૂરિયાતો સરખી જ હોય છે એ બાબતમાં પણ છે. શારીરિક તફાવતોને ધ્યાનમાં ન લઈએ તોય જરૂરિયાતોના સામ્યને કારણે કંઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં ચઢિયાતી છે એમ તો ન કહેવાય, અને આ જ મુદ્દો આ સ્ત્રી સિદ્ધ કરવા માગે છે. ખ્રિસ્તી ફિલસૂફી સમજાવે છે કે પહેલી સ્ત્રી - ઇવનું સર્જન થયું ત્યારે એને પુરુષની ડાબી તરફની પાંસળીમાંથી સર્જવામાં આવી હતી. અહીં ભારતીય ફિલસૂફીની રાધા-કૃષ્ણની કથાનું સામ્ય પણ દેખાય છે, કારણ કે દૈવી પુરુષ કૃષ્ણે પોતાના શરીરનાં બે ફાડચાં કરીને રાધાનું સર્જન થવા દીધું હતું, એટલે રાધાનું શરીર કૃષ્ણની ડાબી બાજુમાંથી જ ઉદ્ભવ્યું હોવાને કારણે ‘અર્ધનારીશ્વર’ની વિભાવના પ્રચલિત બની છે. મનુષ્યના શરીરના ડાબા ભાગે હૃદય હોય છે, માટે જ સ્ત્રી હૃદયથી કામ લે છે અને એટલે જ એનો સ્વભાવ પ્રેમાળ અને સારસંભાળ કરવાનો હોય છે. મને લાગે છે કે આ સઘળી બાબતોમાંથી એક દર્દનાક સૂચન થાય છે કે પુરુષ પાસે લુચ્ચાઈ, કાવતરાખોરી, સ્વાર્થ વગેરે બાકી રહી જાય છે, જે કારણે પુરુષજાતિમાંના પ્રેમ અને સારસંભાળ કરનારાઓ તુચ્છ ગણાય છે. બે લૈંગિક જાતિઓની સમાનતા સ્વીકારવા માટેની પુરુષની નિષ્ફળતા માટે કમલા દાસ એના આ લક્ષણ તરફ ઇશારો કરે છે. “ઍન ઇન્ટ્રોડક્શન”માં બહુ જ સ્પષ્ટતાપૂર્વક તેઓ કહે છે, “દરેક પુરુષ જેવો એ પણ એક પુરુષ જ છે / એને સ્ત્રી જોઈએ છે / જેમ દરેક સ્ત્રી જેવી હું પણ એક સ્ત્રી જ છું / જે પ્રેમ ઝંખે છે” (કડી ૪૪-૪૬). પુરુષને જ્યારે સ્ત્રી જોઈએ છે, ત્યારે એને માત્ર સ્ત્રીના શરીરની જ ઝંખના હોય છે, નહીં કે એના પ્રેમની. જ્યારે બીજી બાજુનું ચિત્ર સાવ જુદું જ છે. પ્રેમની ઝંખના - શોધ કરતી વખતે સ્ત્રી એના પુરુષને સંપૂર્ણપણે – શરીર અને આત્માસહિત ઝંખે છે, જે પારસ્પરિક પ્રેમ માટે જરૂરી છે. જરૂરિયાત (want) અને શોધ (seek) – એ બે શબ્દોની ઊંડી તુલનાત્મક તપાસ કરવી જરૂરી છે. ‘જરૂરિયાત’ શબ્દ ખૂબ સબળ છે અને એમાં અધિકાર, સામર્થ્ય અને એકહથ્થુ હક્કની લગોલગ પહોંચી જાય એવી જરૂરિયાત દેખાય છે; જ્યારે ‘શોધ’ શબ્દ એનો એક નબળો પર્યાય છે, જેનો અર્થ થાય છે પૂરેપૂરી વિનમ્રતા અને સમર્પણના ભાવસહિત કશુંક શોધવા કે પામવાનો પ્રયત્ન કરવો. આ શોધ કરવાની ક્રિયાને કમલા દાસ ‘થપસ્યા’ કહે છે. ‘તપસ્યા’ માટે એના અપભ્રંશ ‘થપસ્યા’નો ઉપયોગ કમલા દાસ કરે છે – અને એનો અર્થ છે – ‘સ્વ-ઇન્દ્રિયદમન’ અથવા ‘આત્મસંયમ.’ એમના જીવનની ફિલસૂફીમાં આ શબ્દ પ્રેમને માટે જ વપરાતો બીજો શબ્દ છે. સ્વ-ઇન્દ્રિયદમન એટલે ખુદની લાગણીઓને દૂભવીને, શરમ, ગુસ્સો અને આત્મગૌરવ ગુમાવીને, કુદરતી લાગણીઓ પર કાબૂ મેળવીને, એક પ્રકારની થેરપી અજમાવીને શરીરને સ્વ-શિસ્ત દ્વારા જિંદગીનાં બધા જ સુખ-સગવડોથી વંચિત રાખવું, જેથી કરીને એ સડવા માંડે. આમ, ઇન્દ્રિયદમન એટલે સ્વાધિકારને જતો કરવાનો એક પ્રયત્ન અને જેઓ મોક્ષ કે નિર્વાણ શોધે છે, એટલે કે અવિરત ચાલનારા જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ ચાહે છે, એમના માટે આ જરૂરી છે. “ધ કોન્ફ્લેગેરેશન”માં આ વાતનું ઉદાહરણ જોવા મળે છે. આ કવિતામાંની સ્ત્રી રતિક્રીડાની ક્રિયામાંથી સ્ત્રીને મળતાં સુખ અને આનંદના વિચારને પડકારે છે. આપણા અસ્તિત્વના પરમ સત્યના અર્થઘટન વડે આ કવયિત્રી પ્રેમને મોક્ષના મૂળ તરીકે જુએ છે. ‘અર્ધનારીશ્વર’ની વિભાવનામાં પ્રતિબિંબિત થનારી, બંને સાથીઓને મળનારી પારસ્પરિક એકસરખી સારસંભાળ અને એકસરખી હિસ્સેદારી ન મળે તો, પુરુષો અને સ્ત્રીઓની આ ક્રિયાઓ માત્ર છેતરપિંડી જ બની રહે છે. ભારતીય ફિલસૂફીમાં શોધકને ‘સાધક’ કહેવામાં આવે છે અને એનો અર્થ થાય છે – એ વ્યક્તિ કે જે સ્પષ્ટપણે જાણવાની ઉચ્ચતમ કક્ષાએ પહોંચવા માટે આધ્યાત્મિક માર્ગ અપનાવે છે. પ્રેમની માગણી થઈ શકે છે, એના માટે અધિકાર પ્રદર્શિત કરાતો નથી. ફિલસૂફો અને દ્રષ્ટાઓએ પ્રેમ માટે ઘણાં પર્યાયી નામો વાપર્યાં છે : અન્ય માટે કાળજી, અન્ય સાથે વહેંચણી, બલિદાન, ઐક્ય અને સમાનતાની લાગણી – જ્યાં તાબેદારી નથી હોતી - ક્યારેય નહીં. એ એક એવી ક્ષણનો કેવળ આનંદ છે, જ્યાં એકબીજા સાથે ઐક્ય અનુભવાય છે – વૈશ્વિક ઐક્ય – ઓશો રજનીશ જેને એમના પુસ્તક ‘સંભોગ સે સાધના તક’માં સાધના તરીકે ઓળખાવે છે. એના બદલે જ્યારે કામવાસના હોય છે, ત્યારે એ દુ:ખનું મૂળ બની જાય છે. ઐક્ય અને સમાનતાની ભાવના વિનાનો સંભોગ કામવાસનાનું પરમ ઉદાહરણ છે. કામવાસનાને સંતોષવાથી શારીરિક છુટકારો મળે છે, પણ એનાથી પ્રેમને સંતોષવાની જે સંવેદનાત્મક સમાનતા મળે છે, ત્યાં સુધી નથી પહોંચાતું. કમલા દાસે કદાચ આટલી સ્પષ્ટતાપૂર્વક ન પણ કહ્યું હોય, પણ એમણે ઘણી કવિતાઓની પંક્તિઓમાં આ પ્રકારનો નિર્દેશ કર્યો છે. ઉદાહરણ તરીકે, “જયસૂર્યા”માં તેઓ કહે છે, “રક્ત બનાવવાની ઉજવણીમાં પ્રેમ મહત્ત્વનો નથી કે નથી તારા પર કામવાસનાની છાપ છોડી જનારો પેલો પુરુષ !” (કડી ૨૧-૨૩). આ કવિતાઓમાંથી સ્ત્રી ભક્ષક પ્રાણીઓ દ્વારા ફસાયેલા પ્રાણી જેવી જ ભયની લાગણીનો અનુભવ કરે છે. એના પરિણામે એના પર મૂંઝવણભરેલી આઘાતજનક અસર પડે છે. એ કહેવાતી અનુકંપાની લાગણી સામે વિરોધ કરે છે અને પ્રેમના આ શારીરિક સ્વરૂપને લાલ કપડાની સાંઢ પર થતી અસર સાથે સરખાવે છે. આ પરિસ્થિતિમાંથી વૈતરું - ગુલામીની બૂ આવે છે :
“આ માત્ર શારીરિક બાબત છે, એને અટકાવી દો
હું ચીસ પાડી ઊઠું છું, એને અટકાવી દો
અને ચાલો, આપણે મુક્ત થઈ જઈએ”
(“સબ્સ્ટીટ્યૂટ”ની કડી ૩૩-૩૬)
મૈથુનના સમયે એનો પુરુષ પ્રેમના બદલામાં એને પ્રેમ જ આપશે એવી ભ્રામક લાગણીની એ આશા રાખે છે, અને ત્યાર બાદ જ્યારે એ પડખું ફરી જાય છે, ત્યારે એની આ આનંદદાયક ભ્રમણા ભાંગીને ભૂકો થઈ જાય છે. અહીં પેલા દૈવી સંયોગનો સંપૂર્ણ અસ્વીકાર થયો હોય એવું આ સ્ત્રીને લાગે છે. એ કામાવેશ તો જાણે માત્ર શૃંગારિક જ હતો અને માટે જ એનાથી દૂર થઈ જવાની વાત એને અણગમો ઉપજાવે છે. અહીં કોઈને પણ નવાઈ લાગે એવી વાત છે. કદાચ એવું તો નહીં હોય ને કે પુરુષનું અહમ્ ક્ષણભર પણ એની સ્ત્રીને તાબે થવાની વાત સ્વીકારી શકતો નથી. જોકે આ કવિતાઓમાંની સ્ત્રી તો એને પોતાના પ્રેમની જરૂરિયાત સામેની એ પુરુષની નિર્દય લાપરવાહી જ સમજે છે. ત્યાર બાદ, બળવો કરવા માટે, એ હજુ માંડ પુખ્ત વયમાં પગ મૂકી રહેલા યુવાન છોકરાઓને હવાલે થઈ જઈને અવૈધ સંબંધો બાંધવાના પ્રયોગો કરે છે. કદાચ એણે એવું વિચાર્યું હશે કે એમની પાસેથી એને પ્રેમ મળશે, પણ અહીં પણ એને અસફળતા જ મળે છે, એટલે એ લોકોની પણ એ કટુ વચનો વડે તેમને માણસની ભલાઈ પ્રત્યે શંકાશીલ કહીને ટીકા જ કરે છે. એ જાતે કબૂલ કરે છે કે એ તો એમ જ થવાનું હતું, એ લોકો તો માત્ર અનુભવ મેળવવા પૂરતી જ વાસના ધરાવતા હતા! યુવાનીના ઉંબરે પગ મૂકી રહેલા મનુષ્યજીવોની કામવૃત્તિ બળવત્તર હોય છે, પછી ભલે એ પુરુષ હોય કે સ્ત્રી, ભલે એ કામુકતા અને અનુભવોના નવતર પ્રયોગો માટે હોય કે પછી આસપાસના લોકોમાં પોતાનું પુરુષત્વ કે સ્ત્રીત્વ પુરવાર કરવા માટેની તક હોય. માટે જ, આપણને જરાય નવાઈ ન લાગવી જોઈએ કે એક વાર એમની કામવાસના સંતોષાઈ જાય, એટલે આ બધા જ કિશોરોનું, પેલી સ્ત્રીના પ્રેમ માટેના પોકાર સામે, એકસરખું પોપટિયા રટણ ચાલુ થઈ જાય છે :
“હું પ્રેમ કરતો નથી, હું પ્રેમ કરી શકું જ નહીં,
પ્રેમ કરવાનું મારા સ્વભાવમાં જ નથી,
પણ હું તારી દયા ખાઈ શકું.” (‘ધ સનશાઈન કૅટ, કડી’ ૯-૧૦)
“I do not love, I can not love,
It is not in my nature to love,
but I can be kind to you”
અહીં ‘do not’ અને ‘is not’ જેવા સહાયક શબ્દખંડોનાં સ્વરૂપો વડે જે વાતનું ખંડન થાય છે, એ નકારથી જ ખાસી નવાઈ લાગે એ રીતે આ વાતને પ્રગટ કેર છે. જો પહેલા ઉચ્ચારણનું ઉદાહરણ લઈએ તો – ‘I do not love’ની ઊંડી તપાસ કરવાથી સમજાય છે કે એ નીચેની ચાર શક્યતાઓમાંથી કોઈ પણ એકનું સૂચન કરી શકે છે : (i) હું તને પ્રેમ કરતો નથી અથવા (ii) હું તને પ્રેમ કરતો નથી, પણ માત્ર મિત્રતા જ દાખવું છું (અહીં આપણે માની લઈએ છીએ કે ‘do not’ તો માત્ર ભાર મૂકવા પૂરતું જ વપરાયું છે) અથવા (iii) હું તો માત્ર મારી પાસે જે અપેક્ષા રાખવામાં આવી છે, એ જ કરું છું, અથવા (iv) મારે મન પ્રેમનો કોઈ જ અર્થ થતો નથી. આ બધામાંથી છેલ્લો અર્થ ‘It is not in my nature to love’ના ઉચ્ચારણ સાથે બંધબેસતો આવે છે. ‘But I can be kind to you’ – જેવા વિરોધાભાસી સહાયક શબ્દખંડના ઉપયોગ વડે આ પ્રગટીકરણ વધુ સ્પષ્ટ થાય છે. આ માણસની ભલાઈ પ્રત્યે શંકાશીલ લોકો માટે સંભોગ તો માત્ર દયા ખાવા માટેની એક ક્રિયા જ હતો - પેલા સાંઢ સામેના લાલ કપડા જેવી! એ પ્રક્રિયાની શારીરિકતા સામેના વિરોધની સાથોસાથ જો આને મૂકીએ તો કવિતામાંની સ્ત્રી તિરસ્કારપૂર્વક આ પ્રકારના પ્રેમને “ઍન ઇન્ટ્રોડક્શન”માં વર્ણવે છે : “મેં પ્રેમની માગણી કરી, કારણ કે બીજું શું માંગવું એની મને ખબર નહોતી; કારણ કે એ સોળ વર્ષની યુવાનીએ મારા શયનખંડમાં આવીને બારણાં બંધ કરી દીધાં” (કડી ૨૫-૨૦). અહીં આપણને અર્થ સમજાય છે. પછી જે થયું એ પ્રેમ હોવો જોઈતો હતો જાણે, “માત્ર એક જ પ્રકારનો પ્રેમ / એકબીજાના શરીર પર કુહાડી ચલાવવી / એક કેદીની જેમ કુહાડી ચલાવવી.” (“કન્વિક્ટ્સ”, કડી ૮-૧૦) અહીં ‘કુહાડી ચલાવવી’ એ સંજ્ઞાનો ઉપયોગ ભયાનક લાગે છે, કારણ કે એનો અર્થ થાય છે : કુહાડી વડે આડેધડ કાપવું. અહીં આ પ્રક્રિયા બિલકુલ હૃદયવિહોણી રીતે દર્શાવાઈ છે. લોકો લાકડાં પર કુહાડી ચલાવે છે, પણ જીવંત ચીજો પર કુહાડી ચલાવનારા તો હત્યારા - ખૂની કહેવાય છે. જ્યારે એમનો ગુનો પુરવાર થાય છે, ત્યારે કાયદાની રૂએ એમને સજા પણ થાય છે. હિંસક સંભોગ, જેમાં પ્રેમ નથી હોતો એ લાગણીઓના મૃત્યુમાં પરિણમે છે, કારણ કે એ કોઈ રીતે પરિપૂર્ણતા બક્ષતો નથી, એવું સૂચન અહીં કરવામાં આવે છે. એનાં પરિણામો આપણને “કન્વિક્ટ્સ”માં જોવા મળે છે કે એકબીજા પર કુહાડી ચલાવ્યા બાદ, “અમે પલંગ પર પડી રહ્યાં હતાં, ભાવશૂન્ય આંખો સાથે, થાકેલાં, મૃત બાળકોની પાસે પડી રહેલાં રમકડાં જેવાં.” (કડી ૧૩-૫). એ ક્રિયા કર્યા બાદ, આ કહેવાતાં પ્રેમી પંખીડાંઓની આંખોમાં એકબીજા માટેની કદર, પરિપૂર્ણતા, આનંદ જેવી ભાવનાઓ ગેરહાજર છે, ત્યારે તેઓ મૃત બાળકોની પાછળ પડી રહેલાં રમકડાં જેવાં દેખાય છે. અહીં ‘મૃત બાળકો’ની સંજ્ઞાનો ઉપયોગ કુતૂહલપ્રેરક છે. જીવંત, હસતાં-રમતાં બાળકો ક્યારેય પોતાનાં રમકડાં છોડતાં જ નથી. ત્યાર બાદ, “ધ પ્રાઉડ વન”માં કુદરતી વર્તન દેખાય છે કે “એને પ્રેમ કર્યો (તે છતાં પણ) / ત્યાર બાદ એના પ્રત્યે દયાળુ બનવાની હિંમત ન દાખવી.” (કડી ૯-૧૦). આ વાત સમજી શકાય એવી છે. દર્પણમાંથી આ પ્રકારની છબીઓ ઉદ્ભવે છે, જેનાથી વ્યક્તિને સ્વ-પરિચયની દિશામાં જવા મળે છે. જોકે એક હકીકત તો રહે જ છે : પ્રેમ કંઈ ધારી હતી એવી તપસ્યા નથી. આમ અહીં ‘અર્ધનારીશ્વર’ની વિભાવનાનો ભંગ થાય છે! ભારતીય ફિલસૂફીમાં ‘અર્ધનારીશ્વર’ની વિભાવના માન્ય રાખવામાં આવી છે અને પુરુષ અને સ્ત્રી એક જ ચીજના બે હિસ્સા છે, એ વાતનો આ સત્ય પુરાવો આપે છે. ભગવાન કૃષ્ણે જાતે કબૂલ કર્યું છે કે જેમ કૃષ્ણને સર્જન માટે રાધા જરૂરી છે, એમ દરેક રાધાને પણ કૃષ્ણની જરૂર છે. “ધ લૂકિંગ ગ્લાસ”માંનો પુરુષ આ હકીકતનો સ્વીકાર કરતો નથી અને અહીં જ જીવનની સૌથી મોટી વિપરીતતા છતી થાય છે, જે કમલા દાસની કવિતાની લાક્ષણિકતા દર્શાવે છે. કવિતામાંની સ્ત્રી પોતાને પ્રેમ કરવાવાળા એક પુરુષની અનિવાર્યતાનો સ્વીકાર કરે છે, પણ ત્યાર બાદ એના વિનાની જિંદગી જીવવાની શક્યતાને લઈને કલ્પાંત કરે છે, જે હકીકતમાં તો એક ડરાવણી કલ્પના જ છે! પોતાના પુરુષની સમજણના અભાવ બાબતે એ વિલાપ કરે છે. કમલા દાસની કવિતાઓ સામાન્ય સમસ્યાઓની વાત કરે છે, પણ એમાં દર્શાવાતી નાજુક સંવેદનાઓ કદાચ આપણા રોજબરોજના અનુભવો વિશે ન પણ હોય. એમના પર બધું જ ઉઘાડું પાડવાનો જે આરોપ મૂકવામાં આવ્યો છે, એ ગમી જાય એવો છે, પણ આપણે એ તરફ ઝોક ન દેવો જોઈએ, કારણ કે આપણે એક વાત તો કબૂલવી જ પડે કે એમની કવિતાઓ વાચકના મનમાં જાગૃતિનાં નવાં દર્શનો તો ઊભાં કરે જ છે. આપણે આપણી જાતને એક વાત યાદ કરાવવી જરૂરી છે કે કોઈ પણ કલાકૃતિ જેટલું ઉઘાડું પાડે છે, એટલું જ ઢાંકેલું પણ રાખે છે. અને એની આ પ્રકારની દ્વિમુખી પ્રતિભાને કારણે જ આપણને એ ગમતી હોય છે. એક કલાકારે પોતાનાં કલાત્મક સર્જનોમાં ‘પોતાની જાતની’ પૂરતી અભિવ્યક્તિ કરવા માટે પોતાની જાત સાથે સતત લડતાં રહેવું પડે છે : (અ) એનામાંનો કલાકાર સઘળું વ્યક્ત કરવા ઇચ્છે છે, (બ) એનામાંની અંગત વ્યક્તિ, જે ઉઘાડું પાડતા શરમાય છે. બધું જ ઉઘાડી રીતે કહી દેવા માટે કમલા દાસ પર અશ્લીલ હોવાનો આરોપ મુકાયો છે, પણ આ કલાકારના મનની અંદરના ગુપ્ત ભાગો પર આક્રમણ થાય છે, એ પ્રાગટ્યનો અનુભવ કરાવે છે. અહીં સમગ્ર સ્ત્રીજાતિની વેદના અને સંતાપની ગાથા રહેલી છે, જે એમણે જાતે ઊભી કરી નથી. અહીં બહુ આસાનીથી ભ્રમ ભાંગીને ચૂરચૂર થઈ જાય છે અને એક નચિંત અભિગમની તાણને કારણે એક નિરાશા ઊભી થાય છે કે “ખરેખર એમની અમુક કવિતાઓ છટકી ગઈ છે” – આ વાત પાર્થસારથિ ખૂબ સાવચેતીપૂર્વક નોંધે છે. ભારતીય સંદર્ભમાં જોઈએ તો આ નિખાલસ મુક્ત-માનસિકતા બેશક અસામાન્ય લાગે અને એથીય વધારે આ સર્જક-કલાકારના વ્યક્તિત્વનું બીજું પાસું જોઈએ તો એમ લાગવાનું કારણ દેખાશે કે એક અંગત વ્યક્તિ તરીકે એમણે ભારતીય સમાજની મોટા ભાગની પરંપરાઓને હૃદય-સરસી ચાંપી રાખી છે. આ બધી વાતના પરિણામે નીપજેલી ચીડને કારણે આ સ્ત્રી બધા જ પુરુષોને એકસરખા ગણે છે. એ સૂચવે છે કે પુરુષો તો હિંસક જાનવર, કામાતુર, વ્યભિચારી અને હૃદયવિહોણાં માનવેતર પ્રાણીઓ જ છે. કામવાસના ક્યારેય પ્રેમનું સ્થાન ન જ લઈ શકે કારણ કે એ બંને વિરોધી ચીજો છે. ખાસ કરીને, કામવાસનાને જ્યારે બેકાબૂ અથવા ખોટી ગણવામાં આવતી હોય ત્યારે એ શબ્દનો અર્થ – તીવ્ર કામુક ઇચ્છા એવો થાય છે. જ્યારે બીજી બાજુ, પ્રેમ એ અન્ય વ્યક્તિ, ખાસ કરીને એક પરિવારનાં સભ્યો અથવા વિરોધી લૈંગિક જાતિ ધરાવતી વ્યક્તિ માટેની હેતાળ તીવ્ર લાગણી છે. હેતની લાગણી હોવી એટલે ભલાઈપૂર્વક, કોમળતાથી અથવા નાજુકાઈથી કોઈને પ્રેમ કરવો. નિકટતાની ક્ષણમાં જ્યારે પ્રિયપાત્ર પ્રત્યે ભલાઈ, કોમળતા અને નાજુકાઈ નથી હોતી, ત્યારે પ્રેમ એનો ચળકાટ ખોઈ બેસે છે. અને ત્યાર પછી માત્ર તીવ્ર અને બેકાબૂ કામુક ઇચ્છા જ બાકી રહી જાય છે અને પછી એ ક્રિયાનો માત્ર એટલો જ હેતુ બચી રહે છે. પ્રેમને જેઓ ઈશ્વરે મનુષ્યજાતિને આપેલી સર્વોત્તમ ભેટ ગણતા હોય, તેઓનો અહીં તિરસ્કાર થાય છે! આ પ્રકારની કવિતાઓ લખવાની કમલા દાસને કેમ ફરજ પડી હશે એ આપણે જાણતા નથી અને આપણે એ જાણવાની જરૂર પણ નથી. એમની કવિતામાંનાં વિષયવસ્તુ કંઈ માત્ર એમના પોતાના જ અનુભવોમાંથી આવ્યાં હોય એ જરૂરી નથી. ગમે તેમ પણ તેઓ આ સ્વતંત્ર દેશનાં આદરણીય નાગરિક છે, જેમની પાસે એક સ્ત્રીને જે જોઈતું હોય એ બધું જ છે. ટી. એસ. એલિયટે ‘અવ્યક્તિકરણ’(depersonalization)ની થિયરી સમજાવતી વખતે સાચું જ કહ્યું છે કે આપણને કલાકારની નિજી જિંદગી સાથે નિસ્બત ન હોવી જોઈએ, પણ આપણે કૃતિની તપાસ કરવી જોઈએ. આપણે એમાંના કલાત્મક પ્રયત્ન અને એમાં છુપાયેલા સૌંદર્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હતાશાની ઊંડી લાગણીને કારણે આ સ્ત્રી માનવ-સંબંધોની જે ટીકા કરે છે, એના પર ધ્યાન આપવાની જરૂર નથી. અહીં ચોક્કસપણે વિપરીતતા દેખાય છે. જુનવાણી માનસિકતા ધરાવનારા લોકો સમજી શકતા નથી કે આ દુનિયા બદલાઈ ગઈ છે, આ બાબતનો આ કવિતામાંની નાનકડી છોકરી ઉપહાસ કરતી હોય એમ લાગે છે. યોગાનુયોગે, “પનિશમેન્ટ ઇન કિન્ડરગાર્ટન” અને સ્ટીવન સ્પેન્ડરની “માઈ પેરન્ટ્સ કેપ્ટ મી ફ્રૉમ ચિલ્ડ્રન વ્હુ વેર રફ”નું અનુભવવિશ્વ સરખું છે. જોકે બંને નાયિકાઓને જે આઘાત લાગ્યા છે એ જુદા પ્રકારના છે. બેથી પાંચ વર્ષની વયનાં બાળકોના વર્તનમાં જે અણસમજ અને બિનઅનુભવીપણું દેખાય છે, એને અહીં હુમલાનું પ્રતીક બનાવવામાં આવેલ છે. કમલા દાસ જાણે એમ કહેવા માગે છે કે બાળમંદિરની વેરવિખેર ગોઠવણની જેમ જ પુખ્ત વયના લોકો પણ બેજવાબદાર અને બેફિકરાઈપૂર્વક વર્તન કરતા હોય છે. આપણે જે દુનિયામાં રહીએ છીએ એ વિભાજકો, પરંપરાને વળગી રહેનારા રૂઢિવાદીઓથી ભરેલું છે. તેઓ અપેક્ષા રાખે છે કે દરેક વ્યક્તિએ એના માટે નિયત કરેલ સ્થાનમાં જ રહેવું જોઈએ. ઉદાહરણ તરીકે તેઓની ઇચ્છા મુજબ એક છોકરી “પત્ની બને, ભરતગૂંથણ કરે, રસોઈ કરે, ઘરનોકરો સાથે લડતી-ઝઘડતી રહે, સાનુકૂળ થઈને રહે, અરે, માલિકીની ચીજ બનીને રહે.” (“ઍન ઇન્ટ્રોડક્શન”. કડી ૩૪-૩૬). એ લોકોની માગ મુજબ એક છોકરીએ ‘સુસંગત થવું જોઈએ’, ‘માલિકીની ચીજ બનીને રહેવું જોઈએ’ અને આ વિભાજકોએ ઊભી કરેલી વ્યવસ્થાનો એક ભાગ બનીને રહેવું જોઈએ, એ વાત આ કવિતામાંની સ્ત્રીને મંજૂર નથી. અહીં ‘માલિકીની ચીજ બનીને રહેવું’ શબ્દપ્રયોગનો અર્થ ‘યોગ્ય હોવું’ અથવા ‘લાભદાયક અથવા યોગ્ય સ્થાને’ હોવું એવો થાય છે. રૂઢિવાદીઓની માન્યતા મુજબ, એક સ્ત્રી માટેનું યોગ્ય સ્થાન ચૂલો અને ઘર જ છે, કારણ કે તેઓ એમ માને છે કે સ્ત્રીનું સર્જન માત્ર એના માટે જ થયું છે. સ્ત્રીએ એના પુરુષને ખુશ રાખવો જરૂરી છે, અને એ સફળતાપૂર્વક કરવા માટે એ સ્ત્રીએ એના પુરુષની બે ભૂખ સંતોષવી આવશ્યક છે : એક ખોરાક માટેની અને બીજી સાથે રહેવા માટેની. લૈંગિક જાતિઓની સમાનતામાં માનવવાવાળા કટ્ટર નારીવાદીઓ અને તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરનારા લોકો આ વિચારને તિરસ્કારે એ બિલકુલ સ્પષ્ટ છે. આ વિભાજકો જ એમણે કાયમી બનાવેલી વ્યવસ્થાની અસમાનતાનું મૂળ કારણ છે. “પનિશમેન્ટ ઇન કિન્ડરગાર્ટન”માં પ્રણયચેષ્ટાનો ડોળ કરનારી શિક્ષિકા પેલી છોકરીને “અન્ય બાળકો સાથે ભળી જવાનું” કહે છે અને એ છોકરી એમ નથી કરતી, એટલે એ એની પર ગુસ્સે થાય છે. “તું કેમ બધાંની સાથે બળી જતી નથી? તું કેવી વિશિષ્ટ છોકરી છે?” (કડી, ૬-૭). એ શિક્ષિકા સાવ જ ભૂલી જાય છે કે આ નાનકડી છોકરી તો એ શિક્ષિકાની પાંખમાં ભરાઈને સહારો મેળવવા ઇચ્છતી હતી. પિકનિક પર સાથે આવેલા એના બૉયફ્રૅન્ડ સાથે પ્રેમાલાપ કરવામાં આ શિક્ષિકા એટલી વ્યસ્ત હોય છે કે એની પાસે પેલી છોકરી માટે કોઈ સમય હોતો નથી. (‘જૉઈન ધ અધર્સ’) ‘બીજાં સાથે ભળી જા’ – એટલે કે જે સામાન્યપણે બનતું હોય એ જ કરવાનું – એ તો રૂઢિવાદીઓનો પોકાર છે. જ્યારે કોઈ વ્યક્તિ અન્યોએ પાડેલા ચીલા પર ચાલે નહીં કે એમના ઢાંચામાં ગોઠવાઈ ન જાય, ત્યારે એ વ્યક્તિ કઢંગી ગણાય છે, પછી ભલે એ અપમાનજનક રીતે ન કહેવાયું હોય, પણ વિચિત્રના અર્થમાં તો કહેવાય જ છે. જોકે એ વ્યક્તિને ખુદને સમજાતું નથી કે આખરે તેઓ કહેવા શું માગે છે. એ છોકરી પોતાના માટે વપરાયેલા વિશેષણ ‘વિશિષ્ટ’નો અર્થ ‘વિચિત્ર’ અથવા ‘અસામાન્ય’ એવો કરે છે – ખાસ તો એ શબ્દની અર્થચ્છાયાને ‘તકલીફ આપવા’ કે ‘નાખુશ કરવા’ સાથે જોડે છે. જ્યારે કોઈ વ્યક્તિને એને ન સોંપાયેલી ભૂમિકા ભજવવાનું કહેવામાં આવે અને એ વિશે એને આગ્રહ પણ કરવામાં આવે, ત્યારે એના માટે ખરેખરી અણગમતી પરિસ્થિતિ સર્જાય છે. માટે, જ્યારે સ્ત્રીઓમાં અસામાન્ય હોય એવી આક્રમકતા દેખાય અને સ્ત્રીઓ જ્યારે સમાનતાની પુન: સ્થાપનાની માગણી કરતી એક સામાન્ય પુરુષને દેખાય, ત્યારે એ પુરુષ એ સ્ત્રી પ્રત્યે અણગમો દાખવે છે. હું માનું છું કે જાતિના સંઘર્ષ માટેનું આ જ કારણ છે અને મને ખાતરી છે કે દરેક ક્રાન્તિની જેમ જ આ લડત પણ નવી વિશ્વ-વ્યવસ્થાના આગમનની છડી પોકારશે. અહીં મને એ કહેવાની જરૂર લાગતી નથી કે એ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ભારતીય ફિલસૂફી મુજબ એવો વિચાર પ્રદર્શિત કરવામાં આવે છે કે ‘આત્મા’ અને ‘જીવ’ એકબીજા સાથે ભળીને ‘જીવાત્મા’ બનાવે છે, જે ‘પંચમહાભૂત’ તરીકે ઓળખાતાં પાંચ તત્ત્વો– આકાશ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને જળ –ને જોડે છે. જ્યારે મૃતદેહને બાળવામાં આવે છે, ત્યારે શરીરનું વિઘટન થાય છે અને આ તત્ત્વો છૂટાં પડીને પોતપોતાના મૂળમાં ભળી જાય છે. આ પ્રકારનું સત્ય પણ સમાનતાની કલ્પનાને ટેકો આપે છે. એક ‘જીવ’ માટે કોઈક ચોક્કસ પ્રકારની ઓળખ હોવી આવશ્યક છે, અને ‘મિથ્યા’ અને ‘માયા’ની આ દુનિયામાં એ જરૂરી પણ છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાતને ઓળખતાં શીખી જાય છે, ત્યારે એ પોતાની કામુકતાના નિર્ધારણમાં વિષમલિંગી (heterosexu-al) અથવા સમલિંગી (homosexual / lesbian) હોય છે, અને સશક્ત કે અશક્ત હોય છે. જ્યારે કોઈ પુરુષમાં કામેચ્છા નથી હોતી, ત્યારે સામાન્ય રીતે એને નપુંસક ગણવામાં આવે છે, કારણ કે એની જન્મજાત વૃત્તિ મરી પરવારી હોય છે. કમલા દાસની કવિતા “કૉમ્પોઝિશન”માંની સ્ત્રી પોતાની જાતને સવાલ કરે છે કે શું એ પોતે ખરેખર એક સામાન્ય, એટલે કે ‘વિષમલિંગી’ વ્યક્તિ છે? જો તે એ ન હોય તો પોતાની કામુક વર્તણૂકમાં જુદી પડતી હોઈને કાં તો લેસ્બિયન હોઈ શકે કાં તો પછી અતિશય ઠંડી. કમલા દાસની કવિતાઓને આસાનીથી ‘સ્વ-અભિવ્યક્તિ’ અથવા ‘સ્વ-પરિચય’ અથવા એ બંને માટેની મથામણનું પરિણામ ગણી શકાય. આ અભિવ્યક્તિમાંની સ્વયંસ્ફુરણાને કારણે એ કદાચ અશ્લીલ પણ લાગે, કારણ કે તેઓ પોતાના શબ્દોમાં નાજુકાઈનો ડોળ કરતાં નથી. પરંપરાઓને વળગી રહેવાના અને પરિવર્તન લાવવા માટેની અસરો ઊભી કરવાના પ્રયત્નો અહીં એકસાથે થયા છે અને એ જ બાબત આ કવિતાઓને ધાર બક્ષે છે. આ કવિતાઓમાં ડોકાતી દ્વિધા ભલે ઉપરછલ્લી લાગતી હોય, પણ એ જ આ કવિતાઓને વધુ આકર્ષક બનાવે છે. “ઍન ઇન્ટ્રોડક્શન”માંની “I” આપણું સૌનું પ્રતિનિધિત્વ કરે છે અને જો આપણે આ હકીકતનો સ્વીકાર કરી લઈએ તો, ફંટાવાનો ભય હોવા છતાં, પરિવર્તન માટેની આપણી ઇચ્છાને આપણે વધુ સારી રીતે સમજી શકીશું. ભારતીય મનોવૃત્તિ સામાજિક કાયદા મુજબ સ્પષ્ટ કરવામાં આવેલા સંબંધોમાં રતિક્રીડાને એક અવિભાજિત અંગ તરીકે સ્વીકારે છે. તે છતાંય, ૨૧મી સદીની શરૂઆતના નવા પ્રભાતે પણ જાહેરમાં એ વિષય પર મુક્ત ચર્ચા કરવાનો નિષેધ છે. જોકે આપણે સમજીએ છીએ કે આ માત્ર દંભ જ છે, કારણ કે રતિક્રીડા કંઈ માત્ર સર્જન કરવા માટે જ નથી, પણ એ તો દિવ્યત્વની લગોલગ લઈ જનારી આધ્યાત્મિક પરિપૂર્ણતા પણ છે. અજંતા અને ઇલોરાની ગુફાઓમાંની શૃંગારિક કલાકૃતિઓ પુરાવો આપે છે કે આપણા પૂર્વજો પ્રેમને કઈ રીતે કલા ગણતા. દર્પણ આત્મનિરીક્ષણનું પ્રતીક છે અને એ આપણને આપણે જે છીએ, એનું પ્રામાણિકપણે પુનર્મૂલ્યાંકન કરવાની તક આપે છે, કારણ કે કલા જીવનને પ્રતિબિંબિત કરે છે. આપણે એક કલાકાર પાસેથી બૌદ્ધિક પ્રામાણિકતાની આશા રાખીએ છીએ. સાચી વાત તો એ છે કે કલાકારે શિષ્ટાચારની મર્યાદામાં રહીને હકીકત તેમ જ વ્યક્તિગત સંવેદનાઓનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. જો સંપૂર્ણ યોગ્યતાપૂર્વક જોવામાં આવે તો સત્યની પ્રામાણિક અભિવ્યક્તિઓ ભાગ્યે જ અશ્લીલ હોય છે. નહીંતર, આપણી ગુફાઓમાંનાં ચિત્રો અથવા આપણાં સાંસ્કૃતિક વારસાનાં સ્થાનો, ગુફાઓ વગેરે પરના સ્તંભો અને ગુંબજો પરનાં શિલ્પો જે આપણા રાષ્ટ્રીય વારસા અને સ્વાભિમાનનાં પ્રતીકો છે, એ પણ અશ્લીલતાનો પ્રકાર જ ગણાત. પ્રેમની ખુલ્લી અભિવ્યક્તિને પ્રેમ કહેવાય અને પ્રેમ અને કામવાસના કઈ રીતે અલગ છે – આ મુદ્દા જ કમલા દાસની કવિતાઓને એ જે છે તે બનાવે છે. દર્પણમાંનું પ્રતિબિંબ કહે છે કે પ્રેમ તો તપસ્યા છે, નહીં કે “ધ ફ્રિક્સ”માંના પ્રેમીઓની કામવાસના; જેમનાં મન “પ્રેમ તરફ દોડવા ઇચ્છી રહ્યાં છે”, પણ એ દોડ તો આળસુપણે લથડિયું ખાઈને “વાસનાના ખાબોચિયામાં ગબડી પડે છે.” (કડી ૬-૯) પછી આવી દોડના પરિણામે “ચામડીની આળસુ ભૂખ” બેકાબૂપણે બહાર આવે છે, એ જાણીને નવાઈ લાગતી નથી. દર્પણમાંના પ્રતિબિંબમાંથી એક અન્ય વરવું સત્ય પણ બહાર આવે છે – પોતાના પુરુષને જકડી રાખવા માટે સ્ત્રી કંઈ પણ કરી છૂટે છે – એ ક્યારેય પૂરી ન થનારી બાબતનો આઘાત. પુરુષમાં રહેલ જાનવર એ સ્ત્રીને સતત ડરાવ્યા કરે છે કે જે ક્ષણે પેલી શાશ્વત “અન્ય સ્ત્રી” એની “ભપકાદાર વાસના” પ્રદર્શિત કરશે, ત્યારે એ જાનવર અવળે માર્ગે ચડી જશે, કારણ કે એ “અન્ય સ્ત્રી તો પેલા જાનવરની સિંહણ છે.” (“અ લુઝિંગ બૅટલ”ની કડી ૨-૩”). “ધ ફિક્સ”માંની નાયિકાની બરાબર સામે આ વાત મૂકીને જોઈએ તો કદાચ એનો પુરુષ એનાથી ભટકીને દૂર ન જતો રહે એના માટે, એની પાસે “સ્વ-બચાવ કરવા” માટે “ભવ્ય વાસનાના દેખાડાની” રોફ મારવાની કળા પર પ્રભુત્વ મેળવ્યા સિવાય બીજો કોઈ પર્યાય જ નથી.(કડી ૧૯-૨૦). અહીં આપણને ખબર પડે છે કે યુગોપુરાણી વ્યવસ્થા, જેને આપણે લગ્ન કહીએ છીએ, એ સ્ત્રીને ‘સુસંગત થવા માટે’ અને વિભાજકોની આજ્ઞા પ્રમાણે, એમની દુનિયાની “માલિકીની બનીને” રહેવા માટે કેવી રીતે કહ્યાગરી બનાવી દે છે; એટલે કે રૂપક તરીકેનું બાલમંદિર ! આ જ કારણસર ઓળખ બાબતે કટોકટી ઊભી થાય છે, જેમાં લૈંગિક ઓળખનો પણ સમાવેશ થઈ જાય છે. “ધ લૂકિંગ ગ્લાસ” કવિતાનો ઉપયોગ કમલા દાસના સ્વ-પરિચયના રૂપક તરીકે થયો છે એ વાતને અહીં આધાર મળે છે. એક હકીકતના કારણે કમલા દાસને યશ આપવો જ ઘટે. તેઓ કબૂલે છે કે ખોરાક, રહેઠાણ અને સલામતી વગેરેની જેમ રતિક્રીડા પણ સ્ત્રીની એક સામાન્ય જરૂરિયાત જ છે. દર્પણ ઘણી માન્યતાઓનો છેદ ઉડાડી દે છે. પહેલી તો એ કે સમાજ માને છે કે સ્ત્રી તો માત્ર નિષ્ક્રિયપણે ગ્રહણ કર્યા કરનારી ચીજ જ છે. સ્ત્રીએ પોતાના પુરુષને જકડી રાખવા માટે પોતાની બધી જ ખોટું-ખોટું શરમાવાની રીતોનો ડોળ કરવાની કળા પર પ્રભુત્વ મેળવવું જોઈએ. બીજું, સ્ત્રી આ બધાં જ અપમાનોને મૂંગે મોઢે સહન કરતી જ રહે છે, કારણ કે પુરુષે પણ આ બધી કસોટીઓમાંથી પસાર થવું જ પડે છે. ન્યાયી વહેવાર અને હોદ્દાની સમાનતા માગવામાં સ્ત્રીને વાજબી ઠેરવવામાં આવે છે, કારણ કે આત્માને કોઈ લૈંગિક જાતિ હોતી નથી, લૈંગિક જાતિ તો માત્ર એક બાયોલોજીકલ હકીકત છે. છેલ્લી માન્યતા એ કે બેમાંથી પુરુષ ચઢિયાતો છે, એ વાતનો હકીકતની સામે છેદ ઊડી જાય છે, કારણ કે પહેલા પુરુષનું સર્જન થવું, એ કદાચ એક આકસ્મિક ઘટના પણ હોઈ શકે છે. સર્જન માટેનું મુખ્ય તત્ત્વ તો સ્ત્રી જ ગણાય, કારણ કે એ ગર્ભનું ધારણ કરે છે. બધા જ ધર્મો આ સત્યનો સ્વીકાર કરે છે. કમલા દાસ નોંધે છે કે પ્રેમથી જીવન મળે છે અને એમાં પ્રાણ પુરાય છે; કારણ કે પ્રેમને આરોગ્યવર્ધક પણ ગણવામાં આવે છે. “ધ લૂકિંગ ગ્લાસ” પણ આ બાબતને પુષ્ટિ આપે છે. કમલા દાસની કવિતાઓમાંની સ્ત્રી ટકોર કરે છે કે રતિક્રીડા કંઈ શરીરોનું જ નહીં, પણ આત્માઓનું પણ મિલન છે અને દર્પણ આપણને આ સત્ય સમજવામાં મદદ કરે છે. જ્યારે “ધ ડાઉટ”ની નાયિકા લાંબી માંદગીમાંથી સાજી થતી હોય છે ત્યારે એને સમજાય છે કે એનો આત્મા એના પુરુષને ઝંખતો હતો, નહીં કે એનું કૃશ શરીર. આ હકીકત વિકૃત કામુક વર્તનની માન્યતાને ઉઘાડી પાડી દે છે, કારણ કે માનવીય સંબંધોના કેન્દ્રમાં કંઈ હંમેશાં રતિક્રીડા જ નથી હોતી. કમલા દાસ અહીં કબૂલ થાય છે, નૈતિકતાનો પ્રશ્ન લઈને એ આપણને પડકારે છે. નાયિકાનાં ભવાં ચડાવેલા મોંનું દર્પણ પ્રતિબિંબ પાડે છે, જાણે કે એ આપણને ઠપકો આપતી હોય કે જીવનની બધી જ ચીજો - એમાં સત્ય અને નૈતિકતાનો પણ સમાવેશ થઈ જાય છે - કઈ રીતે તુલનાત્મક હોય છે; દેશના જીવનમાં દરેક નવા યુગના આરંભે બદલતા સમયની બદલતી જરૂરિયાતો સાથે કદમ મિલાવવા માટે આ બાબતોનું પુન: સ્પષ્ટીકરણ થવું જરૂરી છે. કમલા દાસ નોંધે છે કે જીવનરૂપી નાટકમાં વ્યક્તિના હક્કોની સાથે સંબંધોને ઉપરતળે કરીને તપાસવા જરૂરી છે. દર્પણ આપણને વણસેલા સંબંધોનું ચિત્રણ કરી બતાવે છે, આવી દયામણી પરિસ્થિતિ માટે કારણભૂત પ્રસંગોની હારમાળા બતાવે છે અને આપણને ઊંઘમાંથી ઢંઢોળીને આપણાં મનને સમતોલ કરવામાં મદદ કરે છે. લગ્નવ્યવસ્થા સ્ત્રીને તાબેદારી કરાવવા માટે જ સર્જવામાં આવી હતી, એ મતને કમલા દાસ પુષ્ટિ આપે છે. દર્પણમાંનું પ્રતિબિંબ આ વાતને વધારે દૃઢ કરે છે અને “ધ સનશાઈન કૅટ...” અને “કૉમ્પોઝિશન”માંના અનુભવોને લઈને એ સિદ્ધાંતને માન્ય રાખે છે. માટે આ વાક્ય – “લગ્નમાંની ભૂમિકાઓની સૌથી વધુ હાસ્યાસ્પદ સ્વર્ગમાં જ ગોઠવણ થઈ હતી” – ભલે કટાક્ષ હોય, પણ એ ખરેખર સંભવિત હશે એમ લાગે છે. કમલા દાસ પુરુષોની માનસિકતામાં પરિવર્તન લાવવા વિશે સ્ત્રીઓની નિષ્ફળતાનો પણ એકરાર કરે છે. અહીં દર્પણ એક ધૂંધળું પ્રતિબિંબ દેખાડે છે. કમલા દાસની જેમ જ જ્યારે કોઈ વ્યક્તિ જીવનની હકીકતો સાથે બાંધછોડ કરી લે છે, ત્યારે ‘જોઈએ, હવે આગળ શું થાય છે’ જેવી રમતની માંડણી કરે છે. દર્પણ સ્ત્રીને સમય સાથે પરિવર્તન આવશે જ એવી ખાતરી આપતું હોય એવું લાગે છે. અત્યાર સુધીમાં એમણે સ્વ-પરિચય મેળવી લીધો છે અને પરિવર્તન માટે આપવામાં આવેલા વચન માટેની તૈયારી કરવાનો અમલ કરવા માંડ્યો છે.
References
Myers, jack and Michael Simms (eds.), The Longman Dic-tionary of Poetic Terms (New York and London: Long-man, 1989).
Rao, B. Sridhar, Sex Problems and Their Management (Bombay: Jaico Publishers, 1977).
Walsh, William (ed.), Readings in Commonwealth Literature (Oxford: Oxford University Press, 1973).