નારીવાદ: પુનર્વિચાર/સર્જનાત્મક નારીલેખનની અસરકારક માનસિકતા: ગંગાસતી પર પુન: દૃષ્ટિપાત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૦
સર્જનાત્મક નારીલેખનની અસરકારક માનસિકતા : ગંગાસતી પર પુન: દૃષ્ટિપાત

દર્શના ત્રિવેદી
રીડર ઇન ઇંગ્લિશ, સ્કૂલ ઑફ લૅન્ગ્વેજીઝ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

અહીં રજૂ કરાયેલ પેપરને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. આ પેપરના પહેલા વિભાગમાં વિવિધ પાસાં તપાસવામાં આવ્યાં છે, જેમાં ગાયનોસેન્ટ્રીસીઝમ(સ્ત્રી-કેન્દ્રી / ગર્ભ-કેન્દ્રી)નો સમાવેશ થાય છે; જ્યારે બીજા વિભાગમાં, ગાયનોસેન્ટ્રીસીઝમને ધ્યાનમાં રાખીને મધ્યકાલીન ગુજરાતી કવયિત્રી ગંગાસતીનાં જીવન અને કવનનું પૃથક્કરણ કરવામાં આવ્યુ છે. ગંગાસતીની કવિતાઓનું પારંપરિક વાચન એમને એક ભક્ત કવયિત્રી જ ગણાવે છે, પણ અહીં એક બાબતની નોંધ લેવી રસપ્રદ થશે કે ગંગાસતીની કવિતાઓમાં ચોક્કસપણે ગાયનોસેન્ટ્રીસીઝમના અંશો જોવા મળે છે અને એય પાછું મધ્યયુગમાં, જ્યારે પાશ્ચાત્ય નારીવાદી વિવેચકોને કોઈ પણ પ્રકારની નારીવાદી થિયરી વિશે કંઈ ખબર જ નહોતી.

I

મશહૂર પુસ્તક એ લિટરેચર ઑફ ધેર ઓનમાં એલન શોવાલ્ટર સ્ત્રીત્વસભર (ફેમિનાઈન) નારીવાદી (ફેમિનિસ્ટ) અને સ્ત્રી (ફિમેલ) જેવા શબ્દોની વચ્ચેનો તફાવત સમજાવે છે. શોવાલ્ટરના મત મુજબ, સ્ત્રીત્વસભર અથવા અનુકરણીય તબક્કાનો સમયગાળો ૧૮૪૦-૧૮૮૦નો છે. આ ગાળાની લેખિકાઓએ પિતૃસત્તાક સમાજે સૂચવેલા ‘એક સારી સ્ત્રી’ના બીબામાં પોતાની જાતને અનુકૂળ કરી દેવાનો પ્રયત્ન કર્યો હતો. આ લેખિકાઓએ જે સ્ત્રીઓનું ચિત્રણ કર્યું છે, તેઓ ખુશીખુશી પોતાની ગૃહસ્થીની ફરજો બજાવે છે, લગ્ન માટે અભિલાષી બનીને પુરુષોને આકર્ષવા માટે સુંદર દેખાવાનો પ્રયત્ન કરે છે. આ લેખિકાઓ પાસે પુરુષોએ સૂચવેલ મર્યાદિત શૈલી, વિચારો, મૂલ્યો અને સંસ્કૃતિ છે. શોવાલ્ટર જેને નારીવાદી તબક્કો અથવા તો પ્રતિક્રિયાનો તબક્કો કહે છે, એ બીજા તબક્કાનો સમયગાળો ૧૮૮૦-૧૯૨૦નો છે. આ તબક્કો સ્થાપિત પિતૃસત્તાક વ્યવસ્થાનાં ધોરણો અને મૂલ્યો સામેના વિરોધનો તબક્કો છે. અહીં સ્ત્રીઓ તેમનાં હક્કો અને સ્થાન માટે મોઢું ખોલતી થઈ છે. પુરુષોની તાબેદારીમાંથી પોતાનાં મગજ અને શરીરની મુક્તિ માટે તેઓ આગ્રહ રાખે છે અને પુરુષોના હાથે એમણે જે શોષણ અને દમન સહ્યાં છે, એમને ઉઘાડાં પાડવાની શરૂઆત કરે છે. પિતૃસત્તાક વ્યવસ્થાએ એમના માટે જે ધોરણો અને સર્વસામાન્યતાઓ ઊભી કરી છે, એની સામે તેઓ સવાલ ઉઠાવે છે અને પહેલાં જે ક્ષેત્રોમાં સ્ત્રીઓને જવા માટે પ્રતિબંધ હતો, ત્યાં સાહસિકતાપૂર્વક જાય છે. અંતિમ તબક્કાને શોવાલ્ટર સ્ત્રીનો કહે છે, જે આત્મ-ખોજનો તબક્કો છે, જ્યાં સામેની લૈંગિક જાતિ (સેક્સ) પર આધાર રાખ્યા વિના સ્ત્રી પાછી ફરે છે અને પોતાની જાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અહીં સમાનતા માટે કોઈ આગ્રહ નથી, પણ “ભિન્નતાની કાવ્યાત્મકતા”નો સ્વીકાર છે. આ ત્રીજા તબક્કામાં ઓછેવત્તે અંશે ગાયનોસેન્ટ્રીસીઝમનાં લક્ષણો દેખાય છે. ગાયનોસેન્ટ્રીસીઝમનાં મૂળ પેટ્રીશીયા મેયર સ્પેક્સના પુસ્તક ધ ફિમેલ ઇમેજીનેશનમાં પડેલાં જોવા મળે છે. સ્પેક્સે કેટલીક નારીવાદી થિયરીઓની ચર્ચા કરી છે, જેમાં વર્જિનિયા વુલ્ફ, સિમોન દ બુવા, મેરી એલમેન અને કેટ મિલેટની થિયરીઓનો સમાવેશ થાય છે. ધ ફિમેલ ઇમેજીનેશન સાહિત્યિક ઇતિહાસ અને વિવેચનની દિશા બદલી નાંખે છે. સ્ત્રીઓના અનુભવો કઈ રીતે સ્ત્રીઓની સાહિત્યિક અભિવ્યક્તિનું ઘડતર કરે છે, એ વિશે એક નારીવાદી વિવેચકે પહેલી વાર પૃથક્કરણ કરવાનો પ્રયત્ન કર્યો છે. શોવાલ્ટરના કહેવા મુજબ, “આ પુસ્તકના પ્રકાશનથી નારીવાદી વિચારસરણીનું ક્ષેત્ર ‘સમાનતા’થી ‘ભિન્નતા’ તરફ ખસ્યું છે.” આ પહેલું પુસ્તક છે, જેના કેન્દ્રમાં સ્ત્રીઓ છે – અને એ સ્ત્રીઓને લેખિકાઓ તેમ જ વાચકો તરીકે સ્પર્શે છે. શોવાલ્ટરના ધ્યાનમાં આવ્યું કે આ પ્રકારના વિશિષ્ટ વિવરણને એક વિશિષ્ટ નામ આપવાની જરૂર છે. નારીવાદી વિવેચનના કેન્દ્રનું આ સ્થિત્યંતર, સ્ત્રીઓએ સર્જેલા સાહિત્યમાં સુધાર કરવાની નીતિની સ્થિતિ તરફથી કાળજીપૂર્વકની તપાસ કરવાની સ્થિતિ તરફ થયું હતું – નારીવાદી વિવેચનની આ બીજી રીત માટે શોવાલ્ટરે ‘ગાયનોસેન્ટ્રીસીઝમ’ શબ્દ ઘડ્યો. એમના મત મુજબ, નારીવાદી વિવેચનની આ બીજી રીત નીચે મુજબની છે :

સ્ત્રીઓના લખાણના ઇતિહાસ, શૈલી, વિષયો, પ્રકારો અને માળખાં; સર્જનાત્મક નારીલેખનની અસરકારક માનસિકતા; સ્ત્રીની વ્યક્તિગત કે સામૂહિક કારકિર્દીનો માર્ગ અને નારી-સાહિત્ય-સર્જનની પરંપરાની ઉત્ક્રાંતિ. આ પ્રકારના વિશિષ્ટ વિવેચનાત્મક વિવરણ માટે કોઈ અંગ્રેજી શબ્દ અસ્તિત્વમાં ન હોવાને કારણે મેં ‘ગાયનોક્રિટીસીઝમ’ (ગાયનોસેન્ટ્રીક વિવેચન) શબ્દ શોધ્યો છે. (શોવાલ્ટર, ૨૪૨)

ગાયનોક્રિટીક્સે (ગાયનોસેન્ટ્રીક વિવેચક) સ્ત્રીઓનાં લખાણને એક અનોખા સાહિત્યિક સમૂહ તરીકે જોવાની જવાબદારી ઉપાડી લીધી છે. સ્ત્રીઓ જે રીતે લખે છે, એની લાક્ષણિકતાઓ, અનોખાપણું અને સુસ્પષ્ટતા તપાસવા ઉપર તેઓ કામ કરે છે. ‘ગાયનોક્રિટીક્સ’ વિશે ચર્ચા કરતી વખતે, ફેમિનિસ્ટ લિટરરી સ્ટડીમાં કે. કે. રૂથવન લખે છે :

સામાન્યપણે એક વાત કબૂલવામાં આવે છે કે અંગત અને વ્યાપક સ્તરે સ્ત્રીઓની સામેના પુરુષોના વલણને નકારાત્મક રીતે ઉઘાડા પાડવાનું જે કામ થાય છે, એના કરતાં સ્ત્રીઓનાં લખાણની વિશિષ્ટતાઓ દર્શાવવાનું વિધેયાત્મક કાર્ય થવું જ જોઈએ. (રૂથવન, ૬૩)

આ ‘વિધેયાત્મક કાર્ય’ જ ગાયનોક્રિટીક્સનું દિશામાન છે. તેઓ ઍન્ડ્રોસેન્ટ્રીક (પુરુષકેન્દ્રી) સંસ્કૃતિને વેરવિખેર કરવાના કાર્યથી આગળ વધીને એનું પુન: સર્જન કરવાના હેતુ તરફ ડગ ભરે છે. ગાયનોક્રિટીક્સનો મુખ્ય પ્રયાસ “સમાનતા નહીં, પણ ભિન્નતા” શોધવાનો છે. શોવાલ્ટરના કહેવા મુજબ, ગાયનોક્રિટીક્સની મુખ્ય કાર્યસૂચિ નીચે મુજબની છે : ગાયનોસેન્ટ્રીક વિવેચનનું પહેલું કામ “સ્ત્રીઓની સાહિત્યિક ઓળખ પર ચોક્કસ સાંસ્કૃતિક રીતે ધ્યાન કેન્દ્રિત કરીને, એક સ્ત્રીના સાંસ્કૃતિક ક્ષેત્રને વ્યક્તિગત રીતે અસર કરનારાં પરિબળોનું વર્ણન કરવાનું છે.” (શોવાલ્ટર, ૨૦૦) એક સર્જક સ્ત્રીની ઓળખ માટેના પ્રસ્તુત મુદ્દાને ઘાટ આપનારાં સાંસ્કૃતિક અને સામાજિક નિર્ણાયક પરિબળોની ગાયનોક્રિટીક્સ વિગતવાર ગોઠવણ કરે છે. ગાયનોક્રિટીક્સની બીજી મહત્ત્વપૂર્ણ કાર્યસૂચિ એ છે કે વિવિધ આર્થિક, રાજકીય અને સામાજિક પરિબળો લેખનની પ્રક્રિયાને અસર કરે છે, માટે સાહિત્યિક સંસ્કૃતિનાં પરિવર્તનશીલ મૂલ્યોના આધારે ગાયનોક્રિટીક્સે આ લેખિકાઓનું સ્થાન નક્કી કરવું જોઈએ. ગાયનોક્રિટીક્સ અજ્ઞાન અને અવગણનાને લીધે કાળની ગર્તામાં ખોવાઈ ગયેલા, સ્ત્રીઓએ લખેલાં જૂનાં લખાણો, પાછા મેળવવાનો પ્રયાસ કરે છે. તેઓએ આ પ્રકારનાં લખાણો શોધીને એને સાહિત્યિક પરંપરામાં સ્થાન આપવાની ઇચ્છા રાખવી જોઈએ. આમ કરવાથી સાહિત્યિક પરંપરામાં, સ્ત્રી-સાહિત્યિક ઇતિહાસ, એની પરંપરા અને એ લેખિકાઓને આગળપડતું સ્થાન મળશે. ગાયનોક્રિટીક્સનું મુખ્ય કામ લેખિકાઓની વચ્ચે ‘ભગિનીભાવ’ અને ‘સામુદાયિક ભાવના’ને પ્રોત્સાહન આપવાનું છે. પિતૃસત્તાક વ્યવસ્થાના આધિપત્ય અને અતિ-દમનને કારણે સ્ત્રીઓને જે એકલતા અને અસમર્થતા અનુભવવી પડી છે, એને નકારવાના પ્રતીક તરીકે ‘ભગિનીભાવ’નો વિચાર ઉપયોગી છે. ગાયનોક્રિટીક્સ માને છે કે સ્ત્રીઓનું અનુભવ-વિશ્વ સાવ જુદું જ છે. અને એક સમુદાય તરીકે એ લોકો એકસરખો અનુભવ કરતાં હોય છે. સ્ત્રીઓએ સાથે મળીને પોતાનાં વિચારો અને સમસ્યાઓ વિશે વાતો કરીને પારસ્પરિક આધાર આપવો જોઈએ. “ભિન્નતાની કાવ્યાત્મકતા” જ ગાયનોક્રિટીસીઝમના મૂળમાં રહેલી છે. ગાયનોક્રિટીક્સ ક્યારેય ‘સેક્સ-રહિત લખાણ’ની ઇચ્છા ન રાખી શકે. ફેમિનિસ્ટ ક્રિટીસીઝમ ઇન ધ વિલ્ડરનેસમાં શોવાલ્ટર લખે છે :

....થોડાં વરસો પહેલાં નારીવાદી વિવેચકો એવું વિચારતા હતા કે આપણે એક એવી આશાસ્પદ સંભવિત દુનિયા તરફની યાત્રાએ નીકળ્યા છીએ કે જ્યાં બધાં જ લખાણો લૈંગિક જાતિરહિત અને સમાન હશે, દેવદૂતો જેવા, પણ જેમ વધુ ને વધુ ચોક્સાઈથી આપણે સ્ત્રીઓનાં લખાણોની ખાસિયતો સમજતા જઈએ છીએ, એમ આપણને સમજાય છે કે આ કંઈ લૈંગિક જાતીયતાના પરિણામે ઉદ્ભવેલી ક્ષણભંગુર બાબત નથી, પણ આ તો એક મૂળભૂત અને સનાતન નિર્ધારિત સત્ય છે, અને એનાથી વધારે સ્પષ્ટ થાય છે કે આપણે આપણી મંજિલને ખોટી રીતે સમજ્યા છીએ. કદાચ આપણે ક્યારેય એ આશાસ્પદ સંભવિત દુનિયા સુધી નહીં પહોંચી શકીએ, કારણ કે જ્યારે નારીવાદી વિવેચકો આપણા કામને નારીલેખનના અભ્યાસ તરીકે જુએ છે, ત્યારે આપણને ખબર પડે છે કે આપણને જે દુનિયાનું વચન આપવામાં આવ્યું હતું, એ કંઈ લખાણોની નિર્મળ ભેદ-ભાવ-રહિત સર્વસામાન્યતા નથી, પણ એ તો ભિન્નતાની જ ખળભળાવી દેનારી એક કારસ્તાની વેરાની છે. (શોવાલ્ટર, ૨૦૧)

ગાયનોક્રિટીક્સ ‘એક આશાસ્પદ સંભવિત દુનિયા’ની ઇચ્છા રાખે છે, જ્યાં તેઓ વ્યક્તિગત ધોરણે સ્વતંત્રતાપૂર્વક પાંગરી શકે.

II

મીરાંબાઈ, જનાબાઈ અને ક્રિષ્ણાબાઈ જેવાં સમકાલીનની જેમ ગંગાસતી પણ ભક્તિપરંપરાનાં જ ગણાય છે. બ્રાહ્મણ પૂજારીઓની નિષ્પ્રાણ રૂઢિઓ અને ઉપલા વર્ણના આધિપત્ય સામે બળવો કરવા માટે જ ભક્તિપરંપરા પાંગરી હતી. ભક્ત, કવિઓ ધોબી, ચમાર, ઘાંચી, પથ્થરફોડા, કુંભાર, વણકર, સોની જેવા નીચલા વર્ણના લોકો તેમ જ કારીગરો અને સ્ત્રીઓ હતા જેમણે બ્રાહ્મણોના વર્ચસ્વવાળાં પ્રચલિત માળખાંને પડકારવાનો નિર્ણય લીધો હતો. બ્રાહ્મણોને અપાતા મહત્ત્વની સામે ભક્તિ-ચળવળ એક ખુલ્લો પડકાર હતી. ભક્તિના માર્ગમાં વર્ણ કે લૈંગિક જાતિનાં કોઈ બંધન હોતાં નથી એ વિચાર જ ભક્તિપરંપરાના મૂળમાં હતો. સુસી થરૂ અને કે. લલિતા નોંધે છે :

ભક્તિપરંપરાની કવયિત્રીઓને પોતાની જાતની રજૂઆત કરવા માટે ધર્મ દ્વારા પૂરાં પાડવામાં આવતાં સંસ્થાકીય સ્થાનો શોધવા જવાની જરૂર નહોતી. આ સ્ત્રીઓની કવિતા રાજ્યદરબાર અને મંદિરમાંથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં, કામ કરવાનાં સ્થળોએ અને સામાન્ય સ્ત્રીઓનાં રસોડાંમાં પહોંચી ગઈ હતી. (થરૂ ઍન્ડ લલિતા, ૫૭)

સંસ્કૃત ભાષાના સાહિત્યિક અને ધાર્મિક પ્રભાવને જાણીજોઈને તોડી-ફોડીને આ ભક્તકવિઓએ પ્રાદેશિક ભાષાઓમાં લખ્યું. લોકો જે બોલતા અને સમજી શકતા, એ જ ભાષાઓમાં તેમણે તેમનાં મશહૂર ગીતો લખ્યાં. કબીર કહે છે : “સંસ્કૃત તો પ્રભુના ખાનગી કૂવાનું બંધિયાર પાણી છે, જ્યારે બોલ-ચાલની ભાષા તો વહેતા ઝરણાનું ખળખળતું પાણી છે.” (થરૂ, ૫૭) મોટા ભાગના પ્રાદેશિક સાહિત્યની શરૂઆત ભક્તકવિઓની કવિતાઓથી થઈ હોવાનું જણાય છે. મોટા ભાગના ભક્તોએ પોતાની કવિતાઓમાંના સંદર્ભો કામગારવર્ગના લોકોની રોજબરોજની જિંદગીની છબીઓમાંથી લીધા છે. એના પરિણામે, એ લોકોની કવિતાઓનાં મૂળ વેદોમાં નથી. એમની પંક્તિઓમાં કડવી અને બરછટ જણાતી સીધી-સટાક વાત હોય છે. અહીં એક આશ્ચર્યજનક મુદ્દો નોંધવો ઘટે છે કે આ ભક્તકવિઓમાંથી ઘણીબધી સ્ત્રીઓ હતી. મોટા ભાગના ભક્તકવિઓને ઘર-ગૃહસ્થી અને પરિવારનાં મહેણાં-ટોણાને કારણે ઘર્ષણ અનુભવવું પડ્યું હતું. લાલ દેદનાં ગીતોમાં એમનાં સાસુનાં મહેણાં-ટોણાનું અને ઘરકામની ક્ષુલ્લકતાનું વર્ણન કરવામાં આવ્યું છે. મીરાંબાઈ એમના પતિના ઘરનાં બંધનોની ભીંસ અનુભવે છે. આ ચળવળની પરંપરાની અંદર રહેલી સ્ત્રીઓએ પણ સ્વીકાર પામવા માટે મથામણ કરવી પડતી હતી. સ્ત્રી-સંતોએ પુરુષ નેતાઓ સાથે મોટી ચર્ચાઓમાં ઊતરીને પરીક્ષા આપવી પડતી. મોટા ભાગની કવયિત્રીઓએ પિતૃસત્તાક વ્યવસ્થામાં પોતાની ઓળખ સ્થાપવા માટે, સખત મહેનત કરવી પડી હતી. મધ્યકાલીન ગુજરાતી કવયિત્રી, ગંગાસતી આ પ્રકારના પ્રતિકૂળ વાતાવરણમાં જન્મ્યાં અને ઊછર્યાં હતાં. ગંગાસતીનો કિસ્સો એમનાં સમકાલીન મીરાંબાઈ, જાનાબાઈ, બહિણાબાઈ, રતનબાઈ અને ક્રિષ્ણાબાઈ કરતાં સહેજ જુદો હતો. ભલે મીરાંબાઈ સૌથી વધુ જાણીતા ગુજરાતી સંત-કવયિત્રી ગણાતા હોય, પણ ગંગાસતી અને રતનબાઈ જેવી અન્ય કેટલીક સ્ત્રીઓને પણ આ ભક્તિ-પરંપરાની જ ગણવામાં આવે છે. તેમણે તેમનાં ગીતો ગુજરાતી ભાષામાં રચ્યાં હતાં. ગંગાસતી, ભાઈજીભાઈ સરવૈયા અને રૂપાળીબાનાં સૌથી મોટાં દીકરી હતાં. તેઓ ભાવનગર જિલ્લાના પાલિતાણા નજીકના રાજપરામાં જન્મ્યા હતા. એમનું મૂળ નામ હીરાબા કે હીરબા હતું. ગંગાસતી કે ગંગાબાઈ એમનું મૂળ નામ નહોતું. એમની ભક્તિ જોઈને, એ સમાજના રિવાજો મુજબ ભક્તોએ એમને ગંગાસતી નામ આપ્યું હતું. પિતૃસત્તાક સમાજવ્યવસ્થાએ જેમ મીરાંબાઈ અને જનાબાઈને સંબોધન ખાતર નામ આપ્યાં હતાં, એ જ રીતે ગંગાસતી પણ એ જ પ્રકારનું એક સંબોધન જ છે. ગંગા કે સતી શબ્દોના રૂઢિગત અર્થ સાથે એને કોઈ સંબંધ નથી. આ નામ એમણે જાતે પસંદ કર્યું નહોતું, પણ ભક્તોએ માનાર્થે એમને જે નામ આપ્યું, એ એમણે સ્વીકાર્યું હતું. ગંગાસતી એક ખૂબ જ સંસ્કારી અને ધાર્મિક પરિવારનાં હતાં. એમણે વેદોમાં સૂચવાયેલા તેમ જ એ સિવાયના પણ ઘણા રિવાજોનું પાલન કર્યું હતું, જેમ કે વૃક્ષો વાવવાં, ગાયો સંભાળવી અને સંતો અને ગુરુઓને માન આપીને એમની સેવા કરવી. માટે, જ્યારે સમઢિયાળાના કહળસંગ કે કહળુભા સાથે તેઓ પરણ્યાં, એ પહેલાંથી જ તેઓ ખૂબ ધાર્મિક હતાં. ઘરકામમાં મદદ કરવા માટે તેઓ હમીરભાઈ ખવાસના દીકરી પાનકી કે પાનબાઈને સાથે લાવ્યાં હતાં. પાછળથી ગંગાસતી અને કહળસંગના દીકરા અજયસિંગ અથવા અજુભા સાથે પાનબાઈ પરણ્યાં હતાં. ગંગાસતી અને કહળસંગનું લગ્નજીવન તેમના સમયના બીજા લોકો કરતાં જુદુું હતું. કહળસંગ ગંગાસતીને પોતાના અર્ધાંગિની કે સહધર્મચારિણી, એટલે કે પોતાના જેવાં જ ગણતા અને પારિવારિક બાબતોમાં એમની સલાહ લેતા. નસીબજોગે ગંગાસતી એમના સાસરિયાની ક્રૂરતા કે અત્યાચારનો ભોગ બન્યાં નહોતાં. કહળસંગ અને ગંગાસતી, એ બંને ભક્તિના માર્ગે આગળ વધ્યાં હતાં. એમનું ઘર ધાર્મિક પ્રવચનો તેમ જ ધ્યાનયોગ અને સંતોને મળવાનું કેન્દ્ર બની ગયું હતું. જ્યારે કહળસંગે સમાધિ લેવાનો નિર્ણય કર્યો ત્યારે એમણે ગંગાસતીને શિખામણ આપી હતી :

તમે મારી સાથે જોડાઈ નહીં શકો. તમારે હજી પાનબાઈ પ્રત્યે ફરજ બજાવવાની છે. એને ભક્તિનું જ્ઞાન આપો. પહેલાં એને જ્ઞાન આપીને સશક્ત બનાવો અને ત્યાર બાદ તમારી ઇચ્છા હોય તો મારી પાછળ આવજો.

કહળસંગના આ શબ્દો પિતૃસત્તાક વ્યવસ્થામાં સ્ત્રી-સશક્તિકરણ માટેના જવલ્લે જ જોવા મળે એવા અને વિધેયાત્મક ટેકા સમાન છે. આપણે અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે કે ગંગાસતી એક રજપૂત પરિવારમાં જન્મ્યાં હતાં, જ્યાં દીકરીઓના જન્મને આજે પણ અભિશાપ ગણવામાં આવે છે. ગંગાસતી – એક સાસુ-પતિના શબ્દો સાંભળીને, પાનબાઈ – એક પુત્રવધૂને શબ્દો થકી મજબૂત બનાવવાનો નિર્ણય કરે છે. ગંગાસતી અને પાનબાઈ વચ્ચેનો આ સંબંધ, ભારતમાં સાસુ-વહુ વચ્ચેનું એક અનોખું ઉદાહરણ છે. સત્તાના માળખાની મર્યાદામાં રહીને સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા માટેનું પણ ગંગાસતી એક ઉદાહરણ બની રહે છે. તેઓ પોતાની પુત્રવધૂને જ્ઞાનની સમૃદ્ધિ આપવાનો નિર્ણય કરે છે, જેનાથી જીવનની ગૂંચવણ-ભરેલી સમસ્યાઓનો ઉકેલ આવે છે. અહીં તેઓ દેરીદાની મૌખિક પરંપરાની શૈલીનું પણ ઉદાહરણ બની રહે છે. પતિની સમાધિ પછી ગંગાસતીએ બાવન (કેટલાક વિદ્વાનો ચાલીસનો આંકડો માન્ય રાખે છે) ભજનો લખ્યાં, જેમાંનાં એકેએક પાનબાઈને સંબોધીને લખાયેલાં છે. એમનાં ભજનોને વિવેચકો ‘ગ્રામોપનિષદ’ એટલે કે ‘ગામઠી ભાષાનાં ઉપનિષદો’ ગણે છે. અહીં એક સ્ત્રી બીજી સ્ત્રીને સ્ત્રીની જ ભાષામાં સંબોધે છે. આમ, ગંગાસતીએ મધ્યકાલીન સમાજમાં ‘સ્ત્રી’પરંપરા પ્રસ્થાપિત કરી છે. ભક્તિના અનુભવમાં ભક્તો જે રીતે આગળ વધે છે, એ જ રીતે તેઓ પાનબાઈને એ જ પગલે આગળ વધારવા માંગે છે, એ સ્તરોને એમનાં ભજનોમાં આંકવામાં આવ્યાં છે. ગહન અનુભવની પ્રાપ્તિ કરવા માટે યોગની પદ્ધતિ અપનાવવા પર ગંગાસતી આધાર રાખે છે. ગંગાસતીના પ્રખ્યાત ભજનમાં, તેઓ પાનબાઈને મજબૂત મન અને મજબૂત આત્મબળ ધરાવતી સ્ત્રી બની રહેવા માટે કહે છે :

મેરુ રે ડગે પણ જેનાં મનડાં ડગે નૈ પાનબાઈ,
મરને ભાંગી પડે ભરમાંડ રે...
વિપત પડે તોયે વણસે નહીં ઇ તો,
હરિજનનાં પરમાણ રે...
હરખ ને શોકની આવે નૈ હેડકી ને,
જેણે શીશ તે કર્યાં કુરબાન રે...

ગંગાસતીનાં સમકાલીનો મીરાંબાઈ અને રતનબાઈ કરતાં એમની ભક્તિ જુદી છે. મીરાં કૃષ્ણને પતિના રૂપે ભજે છે અને સામંતશાહી વ્યવસ્થા કબૂલ રાખે છે, જ્યારે ગંગાસતી સગુણ ભક્તિને નકારીને નિર્ગુણ નિરાકારને ભજે છે. ગંગાસતી ‘વર્ણાશ્રમ’માં માનતાં નથી. તેઓ એને પતિની સાથે ખુલ્લેઆમ નીડરતાપૂર્વક પડકારે છે :

મન સ્થિર કરીને તમે આવો મેદાનમાં
મિટાવું સરવે ક્લેશ રે
હરિના દેશ તમને એવા રે દેખાડું
જ્યાં નહીં વરણ કે વેશ રે

ગંગાસતી પાનબાઈને સમાન મનુષ્યજીવન તરીકે માન આપે છે. માત્ર એટલું જ નહીં, પણ તેઓ પાનબાઈને એક એવા સમયગાળામાં વિદ્યાનો અવતાર માને છે કે જ્યારે સ્ત્રીઓને અવિદ્યા(અજ્ઞાન)નો અવતાર ગણવામાં આવતી હતી. તેઓ પાનબાઈને સતત શીખતાં રહેવાની સલાહ આપે છે : “સતત શીખતાં અને ધ્યાન ધરતાં રહેવું.” ગંગાસતી ધીરેધીરે પાનબાઈને જ્ઞાન, ભક્તિ અને કર્મયોગ શીખવે છે. તેઓ માને છે, “સ્ત્રીઓનું સ્વાતંત્ર્ય માત્ર સ્વ-સશક્તિકરણથી જ શક્ય છે. માત્ર જ્ઞાનથી જ સ્વ-શક્તિકરણ આવે છે.” (જાડેજા, ૨૫) તેઓ પાનબાઈને કહે છે : “માત્ર જ્ઞાન જ અંધકારથી ઉજાસ તરફ, મૃતથી અમૃત તરફ લઈ જશે.” (જાડેજા, ૨૫). તેઓ પાનબાઈને જીવનની એકેએક ક્ષણનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. જીવનની ક્ષણભંગુરતા વિશે વાત કરતી વખતે ગંગાસતી કહે છે :

વીજળીને ચમકારે મોતીડાં પરોવો ને પાનબાઈ,
અચાનક અંધારાં થાશે રે...
જોત રે જોતાંમાં દિવસ વયા રે ગયા ને પાનબાઈ !

ગંગાસતી પાનબાઈને સાયુજ્ય મુક્તિનો બોધ આપે છે. એમની શિક્ષાના અંતે પાનબાઈ સમર્થ બને છે અને ગંગાસતીના આશીર્વાદથી કવિતાઓ રચવાનું શરૂ કરે છે. તેઓ લખે છે :

જ્યાં રે જોવે ત્યાં હરિહરિ ભાળ્યા
રસ પીધો અગમ અપાર રે,
નવધા ભક્તિને સાધતાં
મળી ગયો તુરીયામાં તાર રે – સતી.
એટલામાં અજોભા આવિયા
તેને કરાવ્યો સત્સંગ રે;
ગંગાસતી પ્રતાપે પાનબાઈ બોલિયાં રે
હવે કોણ ચડાવે પૂરણ રંગ રે – સતી.

છેલ્લું ભજન ગંગાસતી અને પાનબાઈ વચ્ચે રચાતા સ્ત્રીસખ્યનું female-bondingનું ઉદાહરણ છે, જેના વડે પાનબાઈ ગંગાસતીએ સ્થાપેલી પરંપરાને ચાલુ રાખીને એને આગળ વધારશે. ગંગાસતીનું જીવન અને તેમનું કાર્ય આપણને દાખવે છે કે પિતૃસત્તાક વ્યવસ્થામાં એમણે પોતાનું સ્થાન અને પોતાની ઓળખ કેવી રીતે કંડાર્યાં. પરિવારના માળખામાં રહીને તેમણે પોતાનું ‘સ્ત્રી’ તરીકેનું સ્થાન સ્થાપ્યું. એમનો નારીવાદ ‘પુરુષ-વિરોધી’ કે ‘પિતૃસત્તાક વ્યવસ્થા-વિરોધી’ નથી, પણ તેઓ ‘ભિન્નતાનો ઉત્સવ’ કરનાર એક કવયિત્રી તરીકે પાંગરે છે. સાહિત્યિક પ્રત્યાયન વડે તેઓ પોતાની પુત્રવધૂને સશક્ત- સમર્થ બનાવવામાં મદદ કરે છે. પુરુષોના નિશ્ચયાત્મક દાવાના પ્રત્યુત્તરરૂપે તેમણે એક સુસ્પષ્ટ ‘સ્ત્રી’ સાહિત્યિક પરંપરા સ્થાપી છે, જે તેમને ગાયનોસેન્ટ્રિક બનાવે છે.

  • ગંગાસતીના જીવન વિશેની અમુક માહિતી રિટાયર્ડ IPS ઑફિસર શ્રી મજબૂતસિંઘ જાડેજાની રિસર્ચ પર આધારિત છે.
  • અમુક વિદ્વાનો માને છે કે ગંગાસતી વાઘેલા કે ઝાલા પરિવારનાં હતાં.
  • અમુક વિદ્વાનોના મત મુજબ, ગંગાસતીનું જન્મસ્થળ લીમડી હતું, પણ શ્રી જાડેજાની રિસર્ચ મુજબ એ પાલિતાણાનું રાજપરા ગામ જ હતું.
  • અમુક અભ્યાસોમાં કહેવામાં આવ્યું છે કે પાનબાઈ ગંગાસતીના સગપણમાં નહોતાં. તેઓ તો માત્ર એક સાથીદાર તરીકે જ સમઢિયાળા આવ્યાં હતાં. પાનબાઈ કુંવારાં હતાં અને હમીરભાઈ ખવાસનાં પુત્રી હતાં.
  • ગંગાસતીનો સમય ૧૮૪૩-૧૮૯૪ની વચ્ચેનો હતો.
  • ગંગાસતીનાં ભજનનાં વિવિધ પાઠાંતરો વિવિધ આવૃત્તિઓમાં જોવા મળે છે. તે શ્રુતિપરંપરા(મૌખિક પરંપરા)નાં હોવાને કારણે આપણી પાસે ગંગાસતીનાં ભજનોની કોઈ પ્રમાણભૂત આવૃત્તિ નથી.

Works Cited

Buddha, Dhairyachandra, 2003. Gangasati ni Bhajan Gan-ga. Ahmedabad: R.R.Sheth & Co.
Jadeja, Majboot Singh, 1994. Kahal Sangh, Gangasati ane Panabi Ni Jivan Katha. Bhavnagar: Pravin Press.
Meghani, Zaverchand (ed.) 1987. Sorthi Sant-vani, Bhav-nagar:
Prasar Press.
Rich, Adriene, 1997. Of Woman Born: Motherhood as Expe-rience and Institution. New York: W. Norton & Co.
Ruthven, K.K., 1984. “The Gendering of Critical Discourse in Gynocritics.” Feminist Literary Studies. Cambridge: University of Cambridge Press.
Sayalkar, Keshvlal, 1995. Gangasati Akhyan. Ahmedabad: Shree
Pustak Mandir.
Showalter, Elaine, 1977. A Literature of Their Own: British Women
Novelists from Bronte to Lessing, Princeton: Princeton University Press.
—, 1979. “Towards a Feminist Poetics”. In Mary Jacobus (ed.), Women Writing and Writing About Women. London: OUP.
Spacks, Patricia Mayer, 1976. Imagining A Self: Autobiog-raphy and Novel in Eighteenth Century England. Cam-bridge:” Harvard University Press.
Tharu, Susie, and K. Lalita (eds.), 1995. Women Writing in India, Vol. I. Bombay: OUP.
Vohra, Sunanda, 1995. Gangasati Em Boliya. Ahmedabad; Ahmedabad Jilla Kalyan Sangh