નારીવાદ: પુનર્વિચાર/દૃશ્ય અને સાહિત્યિક અભિવ્યક્તિમાં સ્ત્રીઓના સ્થાનનું સમરૂપ પ્રદર્શન
દૃશ્ય અને સાહિત્યિક અભિવ્યક્તિમાં સ્ત્રીઓના સ્થાનનું સમરૂપ પ્રદર્શન
વૈજયંતી ડી. શેટે
ફૅકલ્ટી ઑફ ફાઈન આટ્સ, એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા
ખજૂરાહો, મોઢેરા, કોણાર્ક જેવી મધ્યકાલીન જગ્યાઓમાં ફરીએ ત્યારે આ મંદિરોના પ્રાંગણમાં પુષ્ટ દેહયષ્ટિ ધરાવતી સ્ત્રીઓની મૂર્તિઓની ગોઠવણ જાણે પ્રેમની ભરતીથી કલામર્મજ્ઞોને લલચાવવા માટે જ કરવામાં આવી હોય એમ લાગે છે. અહીંની બહારી દીવાલો અતિ સંવેદનાત્મક અનુભવોનું પ્રદર્શન કરે છે, જેનાથી મુલાકાતીઓને આ સ્થાપત્યકલાના ક્ષેત્રમાં છલોછલ જીવનરસનો અનુભવ થાય છે. આ જગ્યાઓ માત્ર રોજબરોજના ઉપયોગની જગ્યાઓ કરતાં કંઈક વિશિષ્ટ છે. અહીં લાક્ષણિક ક્રિયામાં રત સ્ત્રીઓની હાજરી વડે સૌંદર્યશાસ્ત્રની સમજણ મળે છે; આ જગ્યા અરસપરસ રીતે અસરકારક પણ છે. આ બધી ઇન્દ્રિયવિષયગત, કામોત્તેજક મૂર્તિઓ ખરેખર તો હંમેશાં ધ્યાન ખેંચતી રહે છે. સદીઓ પહેલાં બંધાયેલાં મંદિરોની આ હૃદયસ્પર્શી કોતરણીઓ હકીકતમાં તો મહત્ત્વના કલાત્મક સ્મારકોના પુરાવા બની રહી છે. સ્પષ્ટ રેખાંકનો વડે કલાકારોએ આ મૂર્તિઓને જીવંત કરી દીધી છે. શૃંગારિકતાને પડકારતી આ મૂર્તિઓની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે, અલબત્ત, હંમેશાં પુરુષોની દૃષ્ટિએ જ જોવામાં આવતા વિવિધ સમૂહોના પ્રતિનિધિત્વ પર ધ્યાન આપવામાં આવે છે. એક ચોક્કસ પ્રવર્તમાન પ્રકાર અને માળખાની અંદર રહીને જ આ કલાકારોએ નવા વિચારો અપનાવ્યા છે, અને એ જ વિચારોને વારંવાર પ્રદર્શિત કર્યા છે. દર્પણમાં જોતી સ્ત્રી, પોપટ સાથે રમતી સ્ત્રી, દડા સાથે રમતી સ્ત્રી, એક આંખમાં કાજળ આંજતી સ્ત્રી, દ્વંદ્વયુદ્ધમાં ભાગ લેતી સ્ત્રી અને વિદ્યાર્થીને ભણાવતી સ્ત્રી – એક વિશિષ્ટ વિશ્વનું દર્શન કરાવે છે, જ્યાં એની કાર્યક્ષમતા અને બૌદ્ધિક ક્ષમતા પર વધુ પ્રકાશ પાડવામાં આવે છે. મંદિરની રોજબરોજની કામગીરીમાં સ્ત્રીની અમુક ચોક્કસ ધોરણ મુજબની પ્રસ્તુતિને ‘નારીયંત્ર’ અથવા ‘અલસકન્યાઓ’[1] તરીકે ઓળખવામાં આવે છે. મંદિરો પરના શિલ્પના એક ખૂબ વિશાળ તેમ જ ઉત્કૃષ્ટ વિભાગોમાં સ્ત્રીઓની અતિ આકર્ષક અને ભવ્ય મૂર્તિઓ જોવા મળે છે, જેનાથી એમ લાગે છે કે જાણે ખુદ સૌંદર્ય સ્ત્રીનું સ્વરૂપ લઈને અવતર્યું હોય. ખજૂરાહોની સ્ત્રીઓ લોભામણી[2] અને ઉત્તેજક છે. ભુવનેશ્વરની સ્ત્રી એનાં ઢબ અને દેહલાલિત્યની દૃષ્ટિએ શિષ્ટ લાગે છે.[3] અમુક મંદિરોમાં એ વધુ મજબૂત અને શક્તિશાળી દેહયષ્ટિ ધરાવે છે; જેવું કરવું જોઈએ એવું જ અતિ સામર્થ્ય પ્રદર્શિત કરે છે! કોણ છે આ અગણિત સ્ત્રીઓ? શું એમાંથી અમુક દેવીઓ જેવું પ્રદર્શન કરે છે? બાકીની સ્ત્રીઓ દેવોનું મનોરંજન કરનારી અપ્સરાઓ છે? તેઓ ત્યાં શું કરે છે? શું એ દેવદાસીઓ છે? શું તેઓ દેવતાઓની જરૂરિયાતો પૂરી પાડે છે? કે પછી તેઓ માત્ર સ્ત્રીઓ જ છે? ‘શિલ્પ’નાં લખાણોના સંગ્રહ વડે આપણે આ વિવિધ પ્રસ્તુતિઓને વિવિધ વિભાગોમાં વહેંચી શીકએ છીએ. ઘણાં જૂનાં લખાણો દ્વારા ‘શિલ્પપ્રકાશ’ આ દરેકની વ્યાખ્યા અને સમજૂતી આપે છે, જેમ કે અંજનધારિણી, શાલભંજિકા / દલમાલિકા, દર્પણા, નૂપુરા, શુકસારિકા, અખેટિકા, મુગ્ધા વગેરે. સેંકડો વર્ષોમાં કદાચ સ્ત્રીઓ વિશેના ખ્યાલો વિવિધ સ્તરે ગોપિત રીતે બદલાતા રહ્યા, એનામાં ઘણા ફેરફારો આવ્યા અને એમનો વિકાસ પણ થતો રહ્યો. અહીં સ્ત્રીઓની હાજરી વિપુલ પ્રમાણમાં એક યા બીજી રીતે પ્રદર્શિત થતી રહી છે. ચાલો, હવે આપણે સ્ત્રીઓના આ અવિસ્મરણીય પ્રદર્શનને બારીકાઈથી તપાસીએ ૧. સોલંકીયુગમાં ધાર્મિક અને પ્રતિમાત્મક રજૂઆતને બદલે ચૌલ કલાકારોએ અમુક અંશે ધર્મનિરપેક્ષ મુદ્દાઓને અદ્ભુત રીતે કોતરણીમાં આવરી લીધા છે. આપણા હેતુ ખાતર, દ્વંદ્વયુદ્ધ કરતી (કુસ્તીબાજ) સ્ત્રી અર્થસૂચક છે.[4] દ્વંદ્વયુદ્ધમાં આગળપડતો ભાગ ભજવનારી સ્ત્રી એક તદ્દન નવા જ ક્ષેત્રમાં નારીસામર્થ્યનું ઉદાહરણ પૂરું પાડે છે. એ ‘અખેટિકા’ તરીકે ઓળખાય છે. હોયસલા કળાકૃતિઓમાં પણ ઘણીબધી ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવી છે. આદિવાસી પહેરવેશવાળી, તીર તપાસતી એક સ્ત્રીને જોઈને કળાપ્રેમીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ પ્રકારની કૃતિઓ દ્વારા ખરેખરી લડાઈમાં સ્ત્રીઓ ભાગ લેતી હશે એ સમજાય છે. ૨. ઓરિસ્સાની કળામાં શિક્ષણપ્રવૃત્તિમાં ભાગ લેતી સ્ત્રીની રજૂઆત અનન્ય બની રહે છે.[5] એને ‘આચાર્યા’ કહી શકાય. મધ્યયુગમાં સ્ત્રીઓ શિક્ષણનો વ્યવસાય કરતી એમ સૂચવવા માટેનું આ એક રસપ્રદ ઉદાહરણ છે. ૩. કોણાર્કના મંદિરમાં પથ્થર કાપતી સ્ત્રીના એક શિલ્પનો સમાવેશ કરવામાં આવ્યો છે.[6] ૧૩મી સદીનાં શિલ્પીઓમાં એના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મંદિરોના બાંધકામ માટે કેટલા શિલ્પીઓને કામે લગાડવામાં આવ્યા હતા. એની અમૂલ્ય નોંધ ‘બાયા ચાકડા’માં કરવામાં આવી છે.[7] આ નોંધમાં આર્થિક નીતિઓ અને રચનાત્મક પ્રવૃત્તિઓ માટેનાં સિલક નાણાંની વહેંચણીની પણ નોંધ કરવામાં આવી છે. આ ધાર્મિક કાર્યક્રમમાં ૩૦૦થી પણ વધુ સ્ત્રીઓએ સખત મહેનત કરી હતી, જેમાં રાધીનું નામ ઊડીને આંખે વળગે છે! એ જોતાં રાધી એક મુખ્ય શિલ્પી હશે એવું લાગે છે. હોયસલા કળામાં પણ મહિષમર્દિનીની નોંધ છે, જે એક મશહૂર અને સફળ શિલ્પી હતી. હોયસલા કોતરણીઓમાં એના પરિવાર વિશે વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. આ જ રીતે સંગ્રહાલયમાં રાખવામાં આવેલી ક્ષત્રપકાળની પુરાતન કોતરણીઓ આપણને નાગનિકા નામની સ્ત્રી શિલ્પીની પ્રતિમા વિશે માહિતી આપે છે. તદુપરાંત, હોયસલા મંદિરમાં મૂર્તિમંત કરવામાં આવેલ શાંતલાદેવી, જે ૧૧મી સદીના રાજા વિષ્ણુવર્ધનનાં રાણી હતાં અને ખુદ નૃત્ય અને સંગીતમાં નિપુણ હતાં. જે રાણીઓ મંદિરોના બાંધકામને અનુમોદન આપતી, એમની પ્રતિકૃતિઓ ચૌલ કળાકારોએ કોતરી છે. ૪. ફરીથી એક યુવાન સ્ત્રીનું નવી જ રીતે અસામાન્ય પ્રસ્તુતિકરણ થયું છે. અહીં એક સંપૂર્ણ શણગાર કરેલી સ્ત્રી આતુરતાપૂર્વક એના પ્રેમીની રાહ જુએ છે અને એની દાસીને એના વિશે પૂછપરછ કરે છે. આ દૃશ્યની કલ્પના જ મંત્રમુગ્ધ કરી દે છે. એક લિંગરાજ મંદિર પરનું આ પ્રસ્તુતિકરણ આધુનિક અને ભવ્ય દેખાય છે. આ પ્રસ્તુતિકરણ નાયિકાના મનની સ્થિતિ અને વર્તનને પૂરક છે. રાજસ્થાની ચિત્રકારોની કૃતિઓમાં ઘણી વાર જોવા મળતા નાયક-નાયિકાવાળા કેન્દ્રવર્તી વિચારમાં પણ આ જ વાત ડોકાય છે.[8] ૫. પરમારોના યુગની આદર્શ પ્રતિમાત્મક કહાણીઓમાં પણ એક સંપૂર્ણપણે અસરકારક છાપ છોડી જાય એવું પ્રદર્શન કરવામાં આવેલ છે. સામાન્ય રીતે મુગ્ધ નાયિકા તરીકે ઓળખાતી ભોળી સ્ત્રીને અહીં દર્શાવવામાં આવી છે. પરમાર કળાકારોએ કાવ્યમાંથી કલાહંતરિતા નાયિકાને[9] ઉઠાવી છે, જે બીજું કશું જ નહીં પણ એક અલગ જ માધ્યમમાં કરાયેલ નાટ્યાત્મક પ્રદર્શન વિશેની ટિપ્પણી જ ગણી શકાય. એક રસપ્રદ પૃષ્ઠભૂમિ સર્જવા માટે રંગો સફળ નીવડ્યા છે, પણ આ પથ્થર કોતરનારાઓએ કેન્દ્રીય વિચાર તો એનો એ જ રાખ્યો છે. ૬. વધુમાં, નાયિકાના અન્ય મશહૂર સમૂહોને પરંપરાગત પરિમાણો મુજબ જ રાખવામાં આવ્યા છે. હંમેશાં આ કહેવાતી નાયિકાઓ વિશે બહારની દીવાલો પર જ અર્થઘટન અને સમજ આપવામાં આવ્યાં છે. તેઓને વિવિધ મુદ્રાઓમાં પ્રદર્શિત કરવામાં આવી છે. દર્પણ હાથમાં પકડીને ઊભેલી (દર્પણા), નૃત્ય કરતી કે પક્ષી સાથે રમતી (શુકા), વૃક્ષની ડાળી પર લટકી ગયેલી (શાલભંજિકા), એક આંખમાં કાજળ આંજતી, દડા વડે રમતી (કંદુક ક્રીડા), ફૂલો એકઠાં કરતી અને અન્ય ધ્યાનાકર્ષક ક્રિયાઓ કરતી સ્ત્રીઓની આ મૂર્તિઓ મુલાકાતીઓનાં મન પર વાચન જેવી જ અસર મૂકી જાય છે.[10] ૭. આ સમૂહ ઉત્તેજક હોવા છતાં પણ ખૂબ જ અસરકારક હોઈ, આપણને એના વિશે ઊંડા વિચારોમાં ધકેલી દે છે. જોકે તેમની ઉત્ક્રાંતિના વિકાસને સામાન્ય નિયમ મુજબ શારીરિક પ્રેમ અને મનોરંજન સાથે જ સાંકળી શકાય, પણ જો એનું જુદી દૃષ્ટિએ પૃથક્કરણ કરવામાં આવે તો સ્ત્રીઓની આ વિશિષ્ટ મૂર્તિઓ વિશે વધુ જાણકારી મળે છે. અહીં રસચિકિત્સા-વિદ્યાની મદદ લઈને અમુક વિવાદાસ્પદ મુદ્દાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જે-તે સમયમાં પ્રચલિત કેટલીક પરંપરાઓ, રીતરિવાજો, ધર્મ, તત્ત્વજ્ઞાન અને ટેકનૉલૉજી વગેરેને સ્થાપત્યકાળની ભાત અથવા મંદિરમાં થતી પ્રક્રિયાઓ સાથે વણી લેવામાં આવ્યાં છે. ધાર્મિક કોતરણીઓની સાથેસાથે જ યુદ્ધ, યોદ્ધાઓનાં સરઘસો, હયદળો, નૃત્ય અને સંગીતસમારંભો, શિષ્યો અને ગુરુઓના સમૂહો જેવી ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિઓ તેમ જ ઔપચારિક કામ, વૃક્ષો અને વનસ્પતિઓ, વિશિષ્ટ સામાજિક લાક્ષણિકતાઓનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. ૮. આમ, સ્પષ્ટીકરણ ખાતર, પારદ-શિલ્પ-વિશેષજ્ઞોનાં તાંત્રિક કર્મકાંડોથી આગળ વધીને કીમિયાગરી યુક્તિઓ અને પ્રયોગોના પ્રતીક તરીકે અંજનધારિણીને દર્શાવવામાં આવે છે. મધ્યયુગમાં, આયુર્વેદિક સારવારમાં ખનિજ-દ્રવ્યો અને ધાતુની સાથે વનસ્પતિ અને એના અર્કનો ઉપયોગ કરવામાં આવતો. આ મૂર્તિને ધ્યાનપૂર્વક જુઓ – એ અહીં એક આંખમાં કાજળ આંજે છે. રુદ્ર-યમલાતંત્ર પર આધારિત એક રસપુસ્તક ‘રસાર્ણવકલ્પ’માં[11] કાજળ બનાવવાની અમુક રીતો આપવામાં આવી છે. આ રીતમાં, તૃણ-જ્યોતિના છોડના મૂળમાંથી કાજળ બને છે. આ છોડના મૂળને દૂધ સાથે ઘસીને ભૃંગ અને માતુલિંગના રસ સાથે મેળવવામાં આવે છે. આ બધું ભેગું કરીને એનું પોચું મિશ્રણ બનાવવામાં આવે છે. અને આ જ પુસ્તકમાં સૂચવ્યું છે કે આ પ્રકારનું કાજળ વાપરવાથી અજાયબીપૂર્વક અદૃશ્ય થવાની શક્તિ મળે છે. આ જ રીતે, પીળા દેવદલી અને છાયાતરુના પદાર્થો વાપરવાથી પણ આવી જ અસર થાય છે. બીજી એક આશ્ચર્યજનક પરિસ્થિતિ તરફ પણ ધ્યાન ખેંચાય છે કે ઉચ્છટના છોડના મીઠા રસનો ઉપયોગ કરવાથી વિવિધ જગ્યાએ રાખવામાં આવેલા ખજાના જોઈ શકાય છે. આમ રસવાદીઓ વનસ્પતિ અને છોડવામાંથી બનાવેલ કાજળના ઉપયોગ કરવાના વિશિષ્ટ પ્રયોગો દર્શાવે છે. આ જ પદ્ધતિ મુજબ રચનાત્મક ક્ષેત્રમાં અને ત્યાંથી પછી કળાત્મક રીતે વ્યક્તિકરણ કરવાની અસાધારણ ઘટના જન્મી હશે. ૯. અહીં એક સ્ત્રી પોતાના હાથમાં દર્પણ રાખીને પોતાના કપાળ પર તિલક[12] કરતી હોય એવું પ્રદર્શિત કરવામાં આવ્યું છે. ફરીથી, ઉપર દર્શાવ્યા મુજબ, દેવદલીના છોડમાંથી બનાવેલ તિલકની રહસ્યમય અસરો વિશે આપણને જાગ્રત કરે છે. ખાસ કરીને કપાળ પર કરવામાં આવતા ચાંદલા વિશે એક સામાજિક માન્યતા છે કે એનાથી પુરુષનું વશીકરણ થાય છે. ૧૦. હવે પછીની મૂર્તિ પોપટ સાથે રમે છે. અહીં એવી માહિતી આપવામાં આવે છે કે શુક કંકુ અને હેમસંઘરીના છોડનો રસ પારા સાથે ઘસવામાં વપરાય છે. આ પારાને બગલા જેવા પક્ષીના પગના ખાડામાં મૂકવામાં આવે છે. પારાને મારવા માટે અન્ય એક રીતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મૃત પારાને પણ શેકવામાં આવે છે અને ત્યાર બાદ પોપટની ચાંચના ખાડામાં મૂકવામાં આવે છે. આવો પારો ક્ષારયુક્ત ધાતુઓનું કિંમતી ધાતુમાં રૂપાંતર કરે છે. અહીં એક વાત નોંધવી ઘટે છે કે મધ્યયુગમાં પણ એક ધાતુનું બીજી ધાતુમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા વિશે જાણકારી હતી. આમ આ ચોક્કસ પ્રસ્તુતિકરણ આ પ્રકારની પ્રક્રિયા વિશેની જાણકારી બાબતની માહિતી મનમાં ઠસાવે છે.[13] ૧૧. વધુ એક પ્રસ્તુતિકરણ, જે આમ જોઈએ તો માત્ર શૃંગારિક જ લાગે, પણ એમાં પણ પારાને બાંધવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. અહીં એક સ્ત્રી દેખાય છે, જેનાં સ્તનમાંથી દૂધની ધારાઓ વહેતી દેખાય છે. ચિકિત્સા માટેનાં રસાયણો બનાવવાની પ્રક્રિયામાં મનુષ્યના સ્તનમાં બનતું દૂધ એક મહત્ત્વનું ઘટક છે, કારણ કે પારા જેવી નક્કર ધાતુને મારવા માટે એનો ઉપયોગ થાય છે. માટે જ, રક્તકંચુકીના દળદાર મૂળ સાથે પારાને ઘસીને એને માનવદૂધ સાથે મેળવવામાં આવે છે. ત્યાર પછી આ પદાર્થને બંધ કૂલડીમાં શેકવામાં આવે છે, જેનાથી વશીકરણ થાય છે. માનવદૂધના ઉપયોગનો અન્ય ઉલ્લેખ પણ જોવા મળે છે, જેમાં શેકેલા પારાને માનવદૂધમાં વૃશ્ચિકના છોડનાં બી અને પાંદડાં સાથે દબાવીને એનો આંતરિક ભાગમાં ઉપયોગ કરવામાં આવે છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે રસચિકિત્સા-વિદ્યામાં પારાનો ઉપયોગ રોગમાંથી સાજા કરવા માટે થતો. આમ આ અસાધારણ પ્રસ્તુતિકરણમાં જાણકારી દર્શાવવા પ્રત્યેનું સૂચન થાય છે.
દર્પણા નાયિકા
દર્પણા નાયિકા
શાલભંજિકા
શાલભંજિકા
અંજનધારિણી
અંજનધારિણી
મુગ્ધા નાયિકા
પયોધરા
શુકસારિકા
૧૨. આ નાયિકા કંદુકની સાથે રમે છે. આ મશહૂર કાવ્યનું પ્રસ્તુતિકરણ છે.[14] સંસ્કૃત નાટકોમાં નાયિકા દડાથી રમે છે! ‘કંદુક’ શબ્દ વૈદકીય શાસ્ત્રમાં ધાતુને પ્રવાહી બનાવવા માટે વપરાતા કોઈક યાંત્રિક સાધન તરફ અંગુલિનિર્દેશ કરતો હોય એમ પણ બની શકે છે.[15] ૧૩. શાલભંજિકા – શાલના વૃક્ષની બાજુમાં ઊભી રહેલી સ્ત્રી તો સ્થાપત્યકળાની એક ભાત જ બની ગઈ હતી. એક વૃક્ષની ડાળી પકડીને ઊભેલી સ્ત્રીની મૂર્તિ દલમાલિકા તરીકે ઓળખાય છે. આ ભાત વડે કદાચ આયુર્વેદમાં થતા છોડના પદાર્થોના ઉપયોગનું સૂચન પણ થતું હોય; અહીં દર્શાવેલ વૃક્ષ પીળાં ફૂલો ધરાવતા દેવદલીનું સૂચન કરે છે. રસચિકિત્સામાં સરળ બાળજન્મ માટે એનું સૂચન કરવામાં આવ્યું છે. પ્રાચીન બૌદ્ધ શિલ્પોમાં પણ સામાન્યપણે દલમાલિકા જોવા મળે છે. રસવિદો અમુક ચોક્કસ છોડ અને એના અર્કને સૌથી વધારે અસરકારક ઘટક દ્રવ્યો ગણે છે. આ સમગ્ર ચર્ચાને રસવિદ્યાની જોડાજોડ મૂકીએ તો આપણને વિચાર કરતાં કરી મૂકે છે, તે છતાં પણ આ સંદર્ભ વિશે ઊંડો વિચાર કરવાની જરૂર તો છે જ. પ્રચલિત પરિભાષામાં આનું રહસ્ય છુપાયેલું છે, પણ એનો મૂળ ઉદ્દેશ ખોવાઈ ગયો છે. માટે, આ નાયિકાઓનો વ્યાપક માળખા સાથે વિસ્તૃત સંદર્ભ હોવો જોઈએ એમ દેખાય છે. ધાતુની બનાવટો, અસેન્દ્રિય મિશ્ર ધાતુઓ, પારાની બનાવટો વગેરેનો વૈદકીય સારવારમાં ઉપયોગ કરવાનું ક્યારે શરૂ થયું એ કહેવું અઘરું છે. પણ એક વાત ખૂબ જાણીતી છે કે રસાયણશાસ્ત્ર[16] અને વાયુરસાયણશાસ્ત્રના પુરોગામી તરીકે કીમિયાગરીશાસ્ત્ર સંબંધિત સંસ્કૃતિના ધાર્મિક-તાત્ત્વિક વિચારો સાથે છૂટું ન પાડી શકાય એ રીતે ભળી ગયું હતું. ભારતમાં કીમિયાગરીશાસ્ત્રનો વિકાસ થયો હોય એમ લાગે છે, કારણ કે તાંત્રિક ક્રિયાઓમાં એના પુરાવા મળે છે. માટે ઉપર ચર્ચવામાં આવેલ સ્ત્રીની મૂર્તિઓ વિવિધ શાખાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આમ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યારે નારીવાદનું પુન: સ્પષ્ટીકરણ કરવામાં આવે ત્યારે જ્ઞાનની અન્ય શાખાઓનો પણ વિસ્તૃત અભ્યાસ કરવો જરૂરી છે.
ટિપ્પણી :
- ↑ એલિસ બોનર અને સદાશિવરથ શર્મા (એડિટર્સ), ‘શિલ્પપ્રકાશ’.
- ↑ મારુતિનંદન તિવારી, ‘ખજૂરાહોંકી મધ્યકાલીન મૂર્તિકલા’ (હિંદીમાં), વિશ્વવિદ્યાલય પ્રકાશન, વારાણસી, ૧૯૯૧.
- ↑ લાલ કંવર, ‘ટેમ્પલ્સ ઍન્ડ સ્કલ્પ્ચર્સ ફ્રૉમ ભુવનેશ્વર’, દિલ્હી, ૧૯૭૬.
- ↑ સ્ટેલા ક્રમરીશ, ઇન્ડિયન સ્કલ્પ્ચર્સ, કલકત્તા, ૧૯૩૩.
- ↑ મારુતિનંદન તિવારી, પૂર્વોક્ત કૃતિ
- ↑ એન. કે. બોઝ, ‘ટેમ્પલ્સ ફ્રૉમ કોણાર્ક’, કટક, ૧૯૭૬.
- ↑ ‘બાયા ચાકડા’
- ↑ મારુતિનંદન તિવારી, પૂર્વોક્ત કૃતિ
- ↑ એ જ લખાણમાંથી
- ↑ સી. શિવરામમૂર્તિ, ‘મિરર્સ ઑફ ઇન્ડિયન કલ્ચર’, આર્કિઓલોજીકલ સર્વે ઑફ ઇન્ડિયા, નં. ૭૩, દિલ્હી, ૧૯૭૦.
- ↑ એ. રોય, ‘રસાર્ણવકલ્પ’.
- ↑ એ જ લખાણમાંથી
- ↑ સી. શિવરામમૂર્તિ, ‘મેડિઇવલ સ્કલ્પ્ચર્સ’, મદ્રાસ, ૧૯૭૧.
- ↑ ડી. એમ. બોઝ, ‘અ કન્સાઇઝ હિસ્ટ્રી ઑફ સાયન્સ ઇન ઇન્ડિયા’, ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી, ન્યૂ દિલ્હી, ૧૯૭૧.
- ↑ એ જ લખાણમાંથી
- ↑ એસ. કે. મેઇટી, ‘માસ્ટરપીસીઝ ઑફ હોયસલા આર્ટ’, તારાપોરવાલા, બૉમ્બે, ૧૯૭૮