નારીવાદ: પુનર્વિચાર/સિરિયલમાંની સ્ત્રીઓ: દેવી, ડાકણ, કે?
સિરિયલમાંની સ્ત્રીઓ : દેવી, ડાકણ કે ?
ઇન્દિરા નિત્યનંદમ્
ફૅકલ્ટી, એસ. આર. મહેતા આટ્સ કૉલેજ, અમદાવાદ
તેઓ પૈસાદાર છે, સુંદર છે. તેઓ ભપકાદાર કપડાં પહેરે છે – કોઈકોઈ વાર તો ડિઝાઈનર કપડાં પણ પહેરે છે. આ કપડાં પાશ્ચાત્ય અથવા ભારતીય ઢબનાં હોય છે. એ લોકોનાં ઘરેણાં વજનદાર અને લાંબાં, લટકતાં હોય છે - એવાં કે જેમને જોઈને આપણી મધ્યકાલીન રાજકુમારીઓને પણ ઈર્ષ્યા આવે. એ લોકોનાં ઘર રાજમહેલ જેવાં હોય છે એ લોકો એશઆરામની જિંદગીમાં આળોટતા હોય છે. આપણામાંનાં ઘણાં દર્શકોને એમ લાગતું હોય છે કે એ લોકો પાસે બધું જ છે (ખાસ કરીને સ્ત્રી દર્શકોને, કારણ કે દરરોજ જેટલી વાર આ સિરિયલોનું પ્રસારણ થાય એટલી વાર તેઓ ટેલિવિઝનની સામે ચોંટી રહેતાં હોય છે.) પણ જો જરાક બે ઘડી અટકીને વિચારીએ તો આપણને પ્રશ્ન તો થાય જ કે એ લોકો કેટલા વાસ્તવિક છે? એ લોકો પોતાના તત્કાળ મર્યાદિત રસ સિવાય અન્ય કોઈ બાબતમાં રસ લે છે ખરા - પોતાનાં કપડાંમાં? પોતાનાં ઘરમાં? પોતાનાં બાળકોમાં? બહારના વિશ્વ વિશે એ લોકો કંઈ પણ જાણે છે ખરા ? તેઓની સાવ નજીકના પાડોશમાં શું થાય છે એ વિશે તે લોકો જાગૃત છે ખરા? એ લોકોના શહેરમાં કે દુનિયામાં શું ચાલી રહ્યું છે એનાથી તેઓ વાકેફ છે ખરાં? ભાગ્યે જ કોઈક એકાદ સિરિયલમાં કદાચ કોઈક એકાદ સફળ ડૉક્ટર કે એક્ઝિક્યુટિવ હશે, બાકી મોટા ભાગની સિરિયલોમાં તો તેઓ તેમના જેવી જ સાવ જૂઠી અને માનવામાં પણ ન આવે એવી જ દુનિયામાં જીવ્યે જતી માત્ર શણગારેલી કઠપૂતળી જેવી જ હોય છે! એમાંથી મોટા ભાગની સ્ત્રીઓએ સમાનતા, જાતિ (જેન્ડર) પ્રત્યેના પૂર્વગ્રહ, નારીવાદ, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો અથવા સશક્તિકરણ જેવા શબ્દો પણ નહીં સાંભળ્યા હોય. પોતાની જિંદગી કઈ રીતે જીવવી જોઈએ, એ બાબતે એ લોકોના મતને ધ્યાનમાં લેવામાં આવતો હશે ખરો? એમને સાવ સીધી રીતે લાગુ પડતી કોઈ પણ બાબત વિશે એમને પૂછવામાં આવતું હશે? એમને કઈ રીતે જીવવું છે કે નથી જીવવું, એ વિશે એમને પૂછવામાં આવતું હશે? એમનાં બાળકોનાં જીવન વિશે કંઈ પુછાતું હશે? આ બધી જ બાબતોથી સાવ અજ્ઞાત એવી મોટા ભાગની આ સ્ત્રીઓ કંઈ જ જાણતી હોતી નથી; અને એટલે જ એમની પાસે કોઈ સત્તા હોતી નથી. આ સિરિયલો દર્શકોને કયા પ્રકારનો સંદેશ આપવા ઇચ્છે છે? કે પછી કયો સંદેશ પહોંચાડવામાં સફળ થાય છે? જે પ્રકારની સ્ત્રીઓ સુધી તેઓ પહોંચવા માગે છે, એમનામાં તેઓને રસ છે ખરો? જેને સ્ત્રીઓનું સશક્તિકરણ કરનારી પ્રક્રિયા કહી શકાય એવી કોઈ સામાજિક ફરજ તેઓ નિભાવી રહ્યા છે ખરા? જીલ એમ. બિસ્ટીડિએન્ઝસ્કીના શબ્દોમાં હું સ્ત્રીઓના સશક્તિકરણની સરળ વ્યાખ્યા આપવાનું પસંદ કરું છું : “સશક્તિકરણ એટલે એક એવી પ્રક્રિયા... કે જેના વડે લોકો તેઓને સીધી રીતે લાગુ પડતી પ્રવૃત્તિઓ અને માળખામાં વધારે રસ લઈ શકીને અન્ય વ્યક્તિઓ સાથે વિકાસ કરીને પોતાના જીવન પર નિયંત્રણ મેળવી શકે છે.” (૪૨). તો પછી, કઈ હદ સુધી આ સ્ત્રીઓ આ બાબતનું પ્રતિનિધિત્વ કરી શકે છે? સૌથી પહેલાં આપણે આ સિરિયલ બનાવનારાઓના હેતુઓ પર ધ્યાન આપીએ. મારી અમુક દલીલો સાવ સરળ લાગશે, પણ જે નુકસાન થવાનો ભય છે, એના પ્રત્યે ધ્યાન દોરવાની હું આશા રાખું છું. મારા મત મુજબ, તેઓનો એકમાત્ર હેતુ તો ધ્યાન ખેંચવાનો જ છે. મીડિયા સંસ્કૃતિમાં દર્શકોનું ધ્યાન ખેંચવાની વાત જ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હોય છે. એમાં ધ્યાન દોરવાનો, ધ્યાનમાં ઊંડા ઊતરવાનો અને દર્શકોને ધ્યાનપૂર્વક જકડી રાખવાનો સમાવેશ થાય છે. અહીં ધ્યાનની ગુણવત્તાને ક્યારેય મહત્ત્વ અપાતું નથી, કારણ કે કોઈ પણ કાર્યક્રમ અહીં આપણે જેની વાત કરીએ છીએ એ સિરિયલને જોવા માટે દર્શકો કેટલો સમય આપે છે, એની જ ગણતરી કરવામાં આવે છે. એક વાર દર્શકોને પોતાની સિરિયલથી વશ કરી લીધા બાદ એમ લાગે છે કે એ સિરિયલ બનાવનાર સ્ત્રી કે પુરુષનો વશીકરણ કરવાનો હેતુ તો પાર પડી જ જાય છે. આપણે એક પ્રશ્ન પૂછવો જરૂરી છે કે શું પ્રસારિત કરવામાં આવે છે? આ કેવા પ્રકારની સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવે છે? અને દર્શકો એને કઈ રીતે ગ્રહણ કરે છે? ચાલો, આપણે એક ઉક્તિને માની પણ લઈએ કે ન મામા કરતાં કહેણો મામો સારો – એટલે કે સંસ્કૃતિના સાવ અભાવને બદલે જે થોડીઘણી સંસ્કૃતિ મળી જાય એ સારું; પણ જો એમ જ હોય તો-તો આપણે ધ્યાન આપવું ખાસ જરૂરી બને છે. મોટે ભાગે તો આ સિરિયલોમાં સંસ્કૃતિની ગેરહાજરી જ હોય છે અને હલકી સનસનીખેજ બાબતોને મનોરંજનના નામે ખપાવી દેવામાં આવે છે. હું વારંવાર એ જ સિરિયલોની વાત કરું છું, જેમાં ઘણી બધી સ્ત્રીઓને રજૂ તો કરવામાં આવે છે, પણ એ હકીકતમાં જેવી હોય એવી કે હકારાત્મક રીતે નહીં. સ્ત્રીઓનો જાણે રાફડો ફાટી નીકળ્યો હોય એમ આજની આપણી સિરિયલોમાં બધે સ્ત્રીઓ જ દેખાય છે. જોકે આ આંકડાઓનો કોઈ જ અર્થ સરતો નથી, કારણ કે આ સ્ત્રીઓ માત્ર દેખાય જ છે, પણ એમનો ‘અવાજ’ ક્યાંય સંભળાતો નથી. દેખાવાનો સીધેસીધો અર્થ ‘સંભળાવું’ એવો નથી થતો. એકની એક રીત કરતાં અન્ય બીજી રીતે પણ આ સ્ત્રીઓને મંચ પર કેન્દ્રસ્થાને આવવા દેવી જોઈએ. ભલે તેઓને માત્ર જાતિની ઓળખ દ્વારા જ પ્રતિષ્ઠિત કરવામાં આવી હોય, પણ તે છતાંય કોઈ પણ મહત્ત્વની બાબતમાં સ્ત્રીઓનો મત લેવામાં આવતો નથી; અને એટલે જ સ્ત્રીઓ આર્થિક સશક્તિકરણની સ્વતંત્રતાથી છેટી જ રહી છે. આ સિરિયલોમાં જો થોડુંઘણું પણ વાર્તાતત્ત્વ મોજૂદ હોય, તોપણ દર વખતે એ એકસરખું જ હોય છે – સાવ ખરાબ પ્રકારની ખલનાયકી સાથે સત્તાની સાઠમારી. મોટા ભાગે કોઈ એક કંપનીના ૫૧ ટકા શેર મેળવવા, પ્રતિસ્પર્ધી કુટુંબને વેરવિખેર બનાવી દેવા કે પછી પોતાના પ્રતિસ્પર્ધીને એના ધ્યેય સુધી પહોંચવા ન દેવાની ખાતરી કરવા જેવાં ધ્યેય પાર પાડવા માટે ટી.વી. સિરિયલનાં આ પાત્રો માટે ખૂન કે માનવહત્યા પણ ગુના ગણાતાં નથી. છેતરપિંડી અને બદનક્ષી કરીને આ બધું પાર પાડવામાં આવે છે, અને કોઈ વ્યક્તિ (ખાસ કરીને આ સિરિયલ બનાવનાર) વિચારી કે કલ્પી જ શકે એવી ગેરકાનૂની, અનૈતિક રીતો અપનાવવામાં આવે છે. અહીં જો સાધ્ય વડે સાધનને ઉચિત ઠરાવવાનો પ્રયત્ન થતો હોય, તોપણ બેમાંથી એકેય વાજબી લાગતાં નથી. જોકે ટી.વી. મનોરંજનની શરૂઆતમાં આપણને સ્ત્રીઓ દ્વારા સ્ત્રીઓ માટેના કેટલાક અર્થપૂર્ણ કાર્યક્રમો જોવા મળ્યા હતા, એ જાણવું રસપ્રદ રહેશે. ઉદાહરણ તરીકે ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં ભારતીય ટી.વી. પ્રેક્ષકોમાં સામૂહિક જાગૃતિ પ્રેરે એવા કેટલાક કાર્યક્રમો આપણને જોવા મળતા, જેમાં સ્ત્રીઓને માત્ર સ્વ-ઓળખરહિત માતાઓ કે રમકડાં જેવી દેખાડવાને બદલે તેઓની સાચી ઓળખ દર્શાવવામાં આવતી. અધિકાર (સ્ત્રીઓના કાયદેસરના હક્ક વિશે), ઔર ભી હૈં રાહેં (સ્ત્રીઓની કારકિર્દીની તકો વિશે), ઉડાન (એક મહિલા પોલીસ વિશે) અને કશ્મકશ (સ્ત્રીઓએ ઉઠાવવી પડતી જહેમત વિશે) જેવી સિરિયલોની અહીં ગણતરી કરી શકાય. જોકે જે સમયે સૌથી વધુ લોકો સિરિયલો જોતા હોય એ સમયગાળામાંથી આ પ્રકારની સિરિયલોને દૂર કરી દેવામાં આવી છે, એનાં કારણોની ચર્ચા કરવી છોડી દઈએ એ જ સારું રહેશે. આપણી સિરિયલોનાં અમુક સ્ત્રીપાત્રો પર હું હવે નજર નાંખવા માગું છું. એ પ્રતિભાશાળી દેવી હોય અને કાં તો પછી એ ડાકણનો અવતાર હોય. જાતિની અસમાનતાનાં મૂળ પરિવારની અંદર જ પડેલાં છે અને મોટા ભાગની સિરિયલો પરિવારગાથાઓ જ હોવાને કારણે વારંવાર આ વાત ઠોકી બેસાડવામાં આવતી હોય છે. મારે કોઈ સિરિયલ કે એમાંનાં પાત્રોનાં નામ નથી લેવાં પણ હું કોની વાત કરું છું એ આસાનીથી પારખી શકાશે, કારણ કે એ લોકોનું પાત્રાલેખન ઉઘાડે છોગ એ જ રીતે કરવામાં આવે છે. જોકે મારી જેમ તમારામાંથી પણ ઘણાંને ખાતરી થઈ જ ગઈ હશે કે આ રીતે માત્ર એકતરફી લાક્ષણિક રજૂઆત કરવામાં આવે છે – અને હવે હું કહીશ કે એમને પાશ્ચાત્ય તેમ જ ભારતીય પૌરાણિક કથાઓનાં જાણીતાં પાત્રોની સાથે સરખાવવામાં આવ્યાં છે. માટે, અહીં એક આધુનિક ‘સાવિત્રી’ છે, જે એકલે હાથે કોઈ પણ યુદ્ધ લડવા જાય છે. જો એ પૌરાણિક સાવિત્રીએ એક વાર યમનો સામનો કર્યો હોય અને યમને એના મૃત પતિને પાછો આપવા માટે મજબૂર કરી દીધા હોય, તો આ આધુનિક સાવિત્રીએ સેંકડો યમનો સામનો કરવો પડે છે, જેમાં એના પરિવારના સઘળા પુરુષો માત્ર અવાચક બનીને જોઈ રહે છે; અને એ સોએક હપ્તા પછી એના પતિને પાછો જીવતો કરે છે (એ સ્ત્રીને એનો પતિ પાછો જોઈએ છે એટલા માટે નહીં, પણ પ્રેક્ષકો એના મૃત્યુને સ્વીકારતાં નથી માટે). એ ખલનાયકોને એમના જ ક્ષેત્રમાં જઈને મળે છે, કોઈ પણ પ્રકારના વિરોધના સૂરને એ સ્ત્રી ચૂપ કરી દે છે, અને આ બધું જ થાય ત્યારેય જરા પણ વિખેરાયા વિનાનું એનું અડધો સેન્ટિમીટર જેટલું સિંદૂર અને ગળામાં લટકતું લાંબું મંગળસૂત્ર એના સદા-સોહાગણ-સ્વરૂપને સતત દર્શાવ્યા કરે છે. આપણી પાસે સીતા છે – જે મૂંગા મોંઢે બધું સહન કર્યા કરે છે, એ બલિદાનને સ્ત્રીના સૌથી મોટા ગુણના પ્રતીક તરીકે જોવામાં આવે છે. એની અમર્યાદ ધીરજને વખાણવામાં આવે છે, કારણ કે પિતૃસત્તાક પરંપરામાં એ બંધબેસતું આવે છે, એની પીડા રોજબરોજની હકીકત છે. સમાનતા તો જાણે સાવ અસંગત બાબત છે. આધુનિક સંદર્ભમાં જ્યારે પણ એનો પતિ પાછા ફરવાનું નક્કી કરે, ત્યારે એને તે સ્વીકારી લે છે, પછી ભલે એ ગમે એટલી વાર અને ગમે તે રીતે મર્યાદાનું ઉલ્લંઘન કર્યા કરતો હોય. એ પોતાની જાતને બીજાના પગ તળે કચદાવા દે છે અને એને સવાલ પૂછનારા કોઈને પણ એ સામો સવાલ કરતી નથી. એ આર્થિક રીતે સ્વતંત્ર હોય કે નહીં, એનાથી એના વ્યક્તિત્વમાં કોઈ જ ફરક પડતો નથી. એ તો મીઠડી, જેને જેમ ટીપવી હોય એમ ટિપાવા તૈયાર એવી એક આદર્શ પતિવ્રતા જ બનીને રહે છે. આપણી વર્તમાન હિંદી સિરિયલો પાશ્ચાત્ય અને એમાંય ખાસ કરીને ગ્રીક અને રોમન પૌરાણિક કથાઓ સાથે સરખાવવા જેવી છે. જેમ કે લિડાના કિસ્સામાં એ ઓળખાઈ ન જાય એટલે એને એક હંસ બનાવી દેવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ પોતાની ઓળખ છુપાવવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવે છે. લિડાને બે જોડકાં બાળકો છે, કારણ કે એણે એક જ રાતમાં બે પુરુષોનો - ઝ્યુસ અને એના મરણાધીન પતિનો – સમાગમ કર્યો હતો. આપણા નિર્માતાઓ નક્કી કરે એ મુજબ આપણાં કેટલાંક સ્ત્રીપાત્રોને છેતરીને બાળકો પધરાવી દેવામાં આવે છે. આપણી સિરિયલોમાં બાળકનો પિતા કોણ છે એવા પ્રશ્નો ઊઠે છે. અરે, કેટલીય વાર તો માતા કોણ છે એની પણ શંકા પડે છે! જે પુરુષ એને શરતમાં હરાવી શકે એની સાથે જ જેમ એટલાન્ટા પરણવાની હતી, તેમ જ આપણાં સ્ત્રીપાત્રો પણ પોતાને માટે યોગ્ય પુરુષ શોધવા માટે આવી પરીક્ષાઓ યોજે છે. જેમ એટલાન્ટાનું ધ્યાન ચૂકવવા માટે પેલાં ફેંકાયેલાં સફરજન લેવા એ ગઈ હતી, એમ જ આ સ્ત્રી પણ, એ ગમે એટલી બુદ્ધિશાળી હોય તોપણ, એની છેતરપિંડી કરનારા પેલા મુરતિયાઓને એ જોઈ શકતી જ નથી. વધારામાં આ સ્ત્રીઓ પણ પેલા મુરતિયાઓને છેતરતી હોય ત્યારે માત્ર એ મુરતિયો જ એ નથી જોઈ શકતો. એક કરતાં વધારે સિરિયલોમાં એકાદી સ્ત્રી સાવ કપટી હોય છે, જેને જોઈને જ ઘૃણા ઊપજે છે – પણ આખી સિરિયલમાં જાણે એવું જ દેખાયા કરે છે કે એના કરતાં વધારે કોઈ બીજું બુદ્ધિશાળી હોઈ જ ન શકે. આપણી સિરિયલોમાં પૌરાણિક પેન્ડોરાને પણ આપણા સંદર્ભ મુજબ રજૂ કરવામાં આવે છે. એને ના પાડવા છતાં એ પટારો ખોલે છે અને જગતભરમાં દુષ્ટ તત્ત્વ ફેલાઈ જાય છે. આ આધુનિક પેન્ડોરા જે ખોલે છે એનાથી દુષ્ટ તત્ત્વને બહાર આવવાનો માર્ગ કરી આપે છે, અને એની પાસે આટલા બધા પ્રકારનાં દુષ્ટ તત્ત્વો મોજૂદ પણ હોય છે. એ પોતે જ એટલાં બધાં ખરાબ કામો કરે છે, પણ તે છતાંય એને ક્યારેય પોતાનાં પાપ કે ગુના, પોતાની યુક્તિ-પ્રયુક્તિઓ અને કાવતરાં માટે કોઈ દિવસ કંઈ ચૂકવવું પડતું નથી. એ સારામાં સારી વ્યક્તિઓને ઈજા પહોંચાડે છે, પણ તે છતાં પણ એ બધામાંથી બહાર નીકળી જઈ શકે છે. આમાંનું કંઈ પણ ક્યારેય બદલાઈ શકે એવી આશા પણ પ્રેક્ષકો રાખી શકે એ શક્ય જ નથી. હું હજી પણ આવા કેટલાય દાખલા આપી શકું એમ છું, પણ મારે જે મુદ્દા પર ભાર મૂકવો છે એના માટે આટલાં ઉદાહરણો જ પૂરતાં છે. સ્ત્રીઓનું આ પ્રકારનું ચિત્રણ કરનારી સિરિયલો જોવા માટે પણ ટી.વી.ની સામે ચીટકી રહેનારાં પ્રેક્ષકોનાં લક્ષણો કેવાં હોઈ શકે? શું તેઓ બધાં એકસરખા સ્થાનનાં, સામાજિક સ્તરનાં કે પછી કોઈ એક ચોક્કસ રાજકીય દૃષ્ટિકોણ ધરાવનારાં કે એકસરખી રુચિ ધરાવનારા હોય છે? આ બધાં જ સવાલોનો જવાબ ‘ના’ છે. પણ તે છતાંય એ બધાં હંમેશાં એની એ જ સિરિયલો જોવાનું છોડી જ ન શકે એવી પ્રકૃતિ ધરાવતાં હોય છે. જોકે પ્રસારણ-માધ્યમોના થિયરિસ્ટોનું એવું માનવું છે કે વધતાઓછા અંશો તેઓ પણ એમાં ભાગ ભજવે છે. વર્તમાન પરિસ્થિતિમાં એ લોકો ત્રણ સ્તરના હોય છે:
૧. ટી.વી. સેટ ધરાવનાર બધા જ લોકો (એમાંથી બધા જ કંઈ પેલી ચોક્કસ સિરિયલ જોતા હોતા નથી.)
૨. જે લોકો ખરેખર પેલી ચોક્કસ સિરિયલ જોતા હોય.
૩. જે લોકો એ બધું જોયા પછી એને પોતાની અંદર ઉતારતા હોય. સમાજને આ ત્રીજા સ્તરના લોકોના સમૂહ વિશે ચિંતા થવી જરૂરી છે.
સ્ત્રીઓ આ સિરિયલો વધુ ને વધુ પસંદ કરી રહી છે, કારણ કે આ દર્શકવર્ગમાં એક જાતિની ઓળખ ઊભી થઈ રહી છે. મોડેલ્સ્કી (૧૯૮૨) દલીલ કરે છે કે સિરિયલો જોવાથી સ્ત્રીઓને બેધ્યાનપણાની અને ટુકડામાં વિભાજિત થવાની ટેવ પડે છે. ફાલતુ વાતો વારંવાર કહેવાતી હોવાને કારણે જ આ ભાગમાં જોવાનું શક્ય બને છે. હોબ્સન(૧૯૮૨)નો એવો મત છે કે આ સિરિયલો લંચટાઇમ અને કીટી પાર્ટીઓમાં ચર્ચાનારો મહત્ત્વનો વિષય હોવાને કારણે જ ઘણી સ્ત્રીઓ એ જોતી હોય છે. એનાથી દૂર રહેવાની અને એમાં ઓતપ્રોત થઈ જવાની સ્થિતિઓ વચ્ચે સ્ત્રીઓ લોલકની જેમ ઝૂલતી રહે છે, જેનાથી આડકતરી રીતે તેઓને પોતાની વાત કરવાની તક મળે છે. પ્રેક્ષકને આગળ જતાં શું બનશે એ જણાવવાનું શક્ય બની જતાં અહીં ભગવાન જેવા સર્વજ્ઞાતા બનવાનું શક્ય બની જાય છે. એમ પણ કહેવામાં આવે છે કે સિરિયલો જોવાથી વધુ મનોરંજન મળે છે, કારણ કે એનાથી આપણને ‘બીજા કરતાં કંઈક વધારે જાણીએ છીએ’ એવી ભાવના ઊભી થાય છે, કારણ કે પ્રેક્ષક તરીકે આપણે (પાત્રો કરતાં) બધું જ કંઈક વધારે સારી રીતે જાણતાં હોઈએ છીએ કે કોણ, ક્યારે, કોને અને શા માટે શું કરે છે અને અમુક પાત્રે શો નિર્ણય લેવો જોઈએ એના લેખાંજોખાં પણ કરી શકીએ છીએ અને એમ કરવાનાં શું પરિણામ આવી શકે એ પણ ધારી શકીએ છીએ. સ્ત્રીઓને આ સિરિયલો જોવાનું કેમ વધારે ગમે છે એનું એક અન્ય કારણ પણ સૂચવવામાં આવે છે : “સિરિયલોની આ ‘ભાગમાં ચાલતી વાત’ એક સ્ત્રીના જીવનનો જ પડઘો પાડે છે. સિરિયલના કથાવસ્તુમાંની દ્વિધા અને વિરોધાભાસના ઘણા અર્થ કાઢી શકાય છે. આ સિરિયલોમાં ઘણીબધી વાર્તાઓ જોડેલી હોવાને કારણે એમાં કોઈ માત્ર એક કહાણી હોતી નથી અને એમાં કોઈ એકસૂત્રતા પણ ન હોવાને કારણે સ્ત્રીઓ ગમે ત્યારે એમાં જોડાઈ શકે છે. આ સિરિયલોને લગતા બીજા ઘણા પ્રકારના કાર્યક્રમો પણ આવે છે, પણ આજના સમયમાં આ સિરિયલોનો પ્રકાર સ્ત્રીત્વસભર લક્ષણોવાળો જ ગણી શકાય, કારણ કે : (૧) આ સિરિયલોમાં કોઈ પણ અંતિમ નિર્ણય લેવાનું ટાળવામાં આવે છે અને ક્યારેય કોઈ પણ મુદ્દાનો અંત આવ્યો હોય એવું લાગતું જ નથી. (૨) એમાં ખાસ કંઈ બનતું હોતું નથી. (૩) એમાં કોઈ એક મુખ્ય નાયક હોતો નથી. (૪) સંવાદો ધૂંધળા થઈ જાય છે અને લંબાયા કરે છે. આ પ્રકારની ટીકા કરવાનો અર્થ જાણે ‘સાંસ્કૃતિક નેતાગીરી’ કરતા હોઈએ એવો થાય છે. આ દરેક સિરિયલ એક ગળણીનું કામ કરે છે, જેમાં નિર્માતા-નિર્દેશકને પ્રેક્ષકોને જે બતાવવું હોય એ જ બતાવવામાં આવે છે અને આ જ કારણસર આજના સમાજની સ્ત્રીનું એમાં ખરું ચિત્રણ થતું નથી. માટે ફરી-ફરીને આ સિરિયલો પુરવાર કરવા માગે છે કે પ્રસારમાધ્યમો વધુપડતું સરળીકરણ કરવાના શોખીન છે. સ્ત્રીઓ માટેના ખાસ શબ્દકોશમાં મુક્તિ અને સ્વાતંત્ર્ય જેવા શબ્દો જ જાણે ગેરહાજર છે. આપણા દેશમાં વિવિધ ભાગોમાં ચાલુ થયેલી સ્ત્રીઓની મૂળ ચળવળોને આ સિરિયલોમાંની અભિન્ન ભાવોત્તેજક પરિસ્થિતિ બેશરમીપૂર્વક ઉથલાવી પાડે છે. સાવ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો જાહેરમાં જે વાતને આપણે વખોડતાં હોઈએ છીએ, એ જ વાતનો ચોરીછૂપીથી આનંદ ઉઠાવવામાં આવે છે. પુરુષોને જે જોઈતું હોય એ જ સ્ત્રીઓને પણ જોઈતું હોય છે – એ રીતે એમને કેળવવામાં આવે છે; પણ શું આજના પુરુષોને આ જોઈએ છે ખરું ? આનાથી આપણને એક વાતનું આશ્ચર્ય થાય છે કે આવું સાચું ન હોય એવું ચિત્રણ કોને જોઈએ છે ? આ હકીકત નથી, પણ એને ઘડવામાં આવ્યું છે. કોઈ પણ સિરિયલ પાસેથી ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા રાખી જ શકાય ને કે એમાં પ્રમાણભૂત રીતે સાચી વિગતો રજૂ કરવામાં આવતી હોય, એમાં સમાજની સાચી પરિસ્થિતિનું પ્રતિબિંબ દેખાડવામાં આવતું હોય, એમાં કંઈક ઊંડાણ તેમ જ મૌલિકતા જોવા મળે અને એમાં પ્રેક્ષકો સાથે ચાલાકી ન કરવામાં આવતી હોય. અને તે છતાં પણ, આપણે રોજબરોજ એક પછી એક સિરિયલોમાં જે જોઈએ છીએ એ સંપૂર્ણ વિકૃત દેખાવ જ છે, માત્ર ઉત્તેજનાત્મક બનાવવા માટે જ સ્ત્રીઓને જેવી છે અથવા તો જેવી હોવી જોઈએ એના કરતાં સાવ ખોટી રીતે પૂર્વગ્રહયુક્ત, પીછેહઠ કરતી બતાવવામાં આવતી હોય છે. એમાંથી એક પણ સિરિયલમાં એક સ્ત્રીની સાચી વ્યાખ્યા ઘડી શકે અથવા એનાં અભિગમો અને દૃષ્ટિબિંદુઓનું પ્રતિનિધિત્વ કરી શકે એવો મંચ પૂરો પાડવામાં આવતો નથી. દેશના સામાજિક સ્વાસ્થ્ય ઉપર આ પ્રકારના ચિત્રણની શી અસર પડી શકે? શું મહિલા-પ્રેક્ષકો આ પ્રકારના ચિત્રણ સામે સવાલ ઉઠાવે છે ખરાં? શું તેઓ આવા ચિત્રણનો વિરોધ કરવા માટે ‘અવાજ’ ઉઠાવે છે ખરાં? આ સિરિયલોની લોકપ્રિયતા દર્શાવતી સંખ્યા તપાસવાથી આ બાબતનો જવાબ બુલંદ અવાજે ભારપૂર્વક પાડવામાં આવતી ‘ના’માં મળે છે. હાલના દેખાવ મુજબ તાત્કાલિકપણે એક પ્રશ્ન ઉઠાવવો જોઈએ, “આ પ્રકારના સ્ત્રીના સમર્થન માટે હાનિકારક ચિત્રણને આપણે (સ્ત્રી તરીકે) કેવી રીતે બદલી શકીએ?” સમાજની ‘દૃષ્ટિ’ બદલવાની જરૂરિયાત આપણી જાતના પુન: સ્પષ્ટીકરણ કરવા જેટલી જ મહત્ત્વપૂર્ણ છે. સ્ત્રીઓના શિક્ષણથી થોડુંક પરિવર્તન લાવી શકાય. સ્ત્રીઓના શિક્ષણ વડે તેઓને નિર્ણય લેવામાં, પસંદગી કરવામાં અને પોતાની જિંદગીની દિશા નક્કી કરવા માટે સમર્થ બનાવી શકાય, જેનાથી સ્ત્રીઓ પોતાની જાતને ‘અન્ય’ તરીકે જોતી બંધ થાય. માત્ર એક ‘ચીજ’ બની રહેવાને બદલે ‘અસરકારક’ બનવું જરૂરી છે. સ્ત્રીને સ્વતંત્ર વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત કરનારી સ્ત્રીઓની ચળવળની પ્રક્રિયામાં જાતિ-આધારિત પૂર્વગ્રહો અવરોધો ઊભા કરી શકે છે. પિતૃસત્તાક સમાજના સામાન્ય નિયમો અવગણવાના ડરથી ઊભા થયેલાં ભય અને અસલામતી દૂર કરીને એક સ્ત્રી તરીકે બોલવા-ચાલવાની હિંમત કેળવવાની જરૂર છે. માટે જ, આ સિરિયલોએ જરીપુરાણા વિચારોની ટીકા કરીને પરિવર્તન માટે વાતાવરણ પૂરું પાડવું જોઈએ. સ્ત્રીઓ દ્વારા સ્ત્રીઓ માટે બનાવાતી અમુક સિરિયલોમાં નારીવાદી મુદ્દાને સ્થાન આપવું જોઈએ. જો સ્ત્રીઓએ પોતાના જીવનને અર્થપૂર્ણ બનાવવું હોય તો તેઓએ પોતાની શરતો મુજબ પોતાનું પુન: સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે.
Works Cited
Hobson, Dorothy, 1982. Crossroads: The Drama of a Soap. London: Me theun n.
Leslie, Julia and Mary McGee (Eds.), 2000. Invented Identi-ties. New Delhi: OUP.
Macdonald, Myra, 2001. Representing Women. London: Hodder Headline.
Mcquail, Denis, 1987. Mass Communication Theory. Lon-don: Sage.
Modleski, Tania, 1982. Loving with a Vengeance: Mass Produced Fantasies for Women. Hamden: Archon.
Oakley, Ann and Juliet Mitchell (Eds.), 1997. Who’s Afraid of
Feminism. London: Hamish Hamilton.