નારીવાદ: પુનર્વિચાર/ભારતમાં સ્ત્રીઓએ લખેલી ટૂંકી વાર્તાઓ

From Ekatra Foundation
Jump to navigation Jump to search

ભારતમાં સ્ત્રીઓએ લખેલી ટૂંકી વાર્તાઓ: શરણાગતિનો અસ્વીકાર અને નાસંમતિ દર્શાવવાની હિંમતપ્રસ્તાવના

જી. એસ. જયશ્રી
અંગ્રેજીનાં પ્રોફેસર, કેરળ યુનિવર્સિટી, થિરૂવનન્થપુરમ અને તંત્રી: ‘સંયુક્તા’

પરંપરાગત રીતે જ સ્ત્રીઓ વાર્તા કહેનારી છે એમ જો કહીએ તો આપણે તરત જ એને જાતિ-વિશિષ્ટ (જેન્ડર-સ્પેસિફિક) ભાગ ભજવવા ગોઠવી દઈએ છીએ. એના વિરોધમાં તરત જ સવાલો ઉઠાવાશે કે શું પુરુષો વાર્તા નથી કહેતા (અહીં શબ્દશ્લેષ કરવાનો કોઈ જ ઇરાદો નથી) કે પછી શું શહેરઝાદે વાર્તાઓ કહીકહીને પોતાની જિંદગી નહોતી બચાવી? જોકે એ જે હોય તે, પણ આપણે સૌ સાહજિકપણે વાર્તા કહેવાનું અને સાંભળવાનું માણીએ છીએ. છેલ્લાં દોઢસો વર્ષમાં ભારતમાં સ્ત્રીઓ દ્વારા લખાયેલી ટૂંકી વાર્તાઓનું ટૂંકું અવલોકન આ પેપરમાં આપવામાં આવેલ છે. આમાં પ્રેમ અને કામવાસનાની, લોભની અને હિંસાની વાર્તાઓ છે. એમાંની કેટલીક આપણને ક્રૂર સચ્ચાઈની દુનિયામાં ઢસડી જાય છે, જ્યારે કેટલીક કલ્પનાની દુનિયાની પાર લઈ જાય છે. જે પ્રકારના પટનો આ વાર્તાઓ સમાવેશ કરે છે એ આશ્ચર્યજનક છે. જોકે સામાન્ય રીતે સમજાય એવી વાત છે કે દરેક સ્ત્રી કંઈ નારીવાદી (ફેમિનિસ્ટ) હોતી નથી, તે છતાંય અમુક લેખિકાઓ સ્ત્રીઓની વિરુદ્ધ થઈને પુરુષો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે એ નોંધતાં આપણને આશ્ચર્ય થાય છે. પણ આ બાબતને કંઈ સામાન્ય નિયમ તરીકે ન ગણી શકાય. હકીકતમાં તો સ્ત્રીઓએ લખેલી વાર્તાઓમાં બે લાક્ષણિકતાઓ વારંવાર દેખાયા કરે છે - એક તો જાતિના પદ વિશેની જાગૃતિ અને ઊતરતી પદવી હોવાની પરિસ્થિતિનું સતત પુનરુચ્ચારણ. સ્ત્રીઓ અને પુરુષોના બાયોલોજિકલ ફરકને લિંગ (સેક્સ) દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે ત્યારે જાતિ(જેન્ડર)નો સંબંધ મર્દાનગી અને સ્ત્રી-ઉચિત લક્ષણો સાથે હોય છે – અહીં જે-તે લિંગ સાથે સમાજે અમુક ચોક્કસ ભાગ ભજવવાની જે વ્યાખ્યાઓ ઘડી હોય તે મુજબ સ્ત્રીઓ અને પુરુષોની ઓળખ કરવામાં આવે છે. જોકે આમ પણ સમાજમાંના અંદરોઅંદરના સંબંધ વડે જ જાતિની યોગ્ય વ્યાખ્યા બંધાય છે, નહીં કે વારસાગત લક્ષણો કે સંપત્તિથી. એક જ ગૃહસ્થીમાં અને બહાર પણ, સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેના આ જ સંબંધોને કારણે જાતિએ ભજવવાના ભાગ વચ્ચેનો ફરક સમજાય છે. આ ફરક ગ્રહણશક્તિ, ભજવવાના ભાગ, તકો અને પસંદગીમાં પરાવર્તિત થાય છે. ભારત જેવા જટિલ સામાજિક પરિપ્રેક્ષ્યમાં આનો પડઘો સત્તા દર્શાવવા માટેની વાટાઘાટ કરવા પર પડે છે, જેમાં એનો સ્વીકાર અને અસ્વીકાર બંને થાય છે. કોઈ પણ સંબંધમાં, સત્તાનું સ્તરીકરણ અગણિત પરિસ્થિતિઓમાં નિરુપદ્રવી રીતોથી ધીમે-ધીમે સપાટી પર આવે છે. સ્ત્રીઓએ લખેલી ઘણી વાર્તાઓમાં આપણને સંબંધોમાં સત્તા દર્શાવવા માટે સાવ ક્ષુલ્લક ગણીને અથવા તો છેદ ઉડાડી દેવામાં આવતો હોય એવી બારીક ભાત ઊપસતી દેખાય છે. આ સંદર્ભમાં જાતિ પ્રત્યેની જાગૃતિ સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. અહીં જાતિને લગતા મુદ્દાઓની નકારાત્મક અસરો અને એનાથી ઊભી થતી અસમાનતા પર ધ્યાન આપવા વિશેની સમજનો સમાવેશ થાય છે. સમાજમાં સ્ત્રીઓ – સમાન સહભાગીઓ અને હિતાધિકારીઓ તરીકે મહત્ત્વનું પ્રદાન કરે છે, એનો અહીં સ્વીકાર થાય છે. આપણને સૌથી વધુ રસ પડે એવી બાબત તો એ છે કે સત્તાના આ રંગમંચ પર સ્ત્રીના ભાગે પોતાની ઊતરતી પદવી વિશે અનિવાર્ય સમજણ ઊભી થાય છે. આપણે જાણીએ છીએ કે નીચલા વર્ગોનો ઇતિહાસ સત્તાધારી વર્ગોના ઇતિહાસ જેટલો જ જટિલ છે. પણ સામાન્ય રીતે સત્તાધારી વર્ગોના ઇતિહાસને જ અધિકૃત માનવામાં આવે છે. આનું કારણ એ છે કે નીચલા સામાજિક વર્ગોનો ઇતિહાસ કુદરતી રીતે જ છૂટાછવાયા બનાવોથી ઘડાયેલો હોય છે, કારણ કે તેઓનો ઇતિહાસ ‘ઇતિહાસ’ તરીકે ઓળખાતો નથી. તેઓ તો હંમેશાં સત્તાધારી સમૂહોની પ્રવૃત્તિનાં ભોગ જ બનતા હોય છે. તેઓ બળવો કરે ત્યારે પણ સ્ત્રીઓએ કહેલી એક પછી એક વાર્તાઓમાં આપણને આના પુરાવા મળતા રહે છે. પોતાની મર્યાદાઓને અતિક્રમી જવા માટે સ્ત્રીઓએ કેટલા બહાદુર પણ દયા આવે એવા પ્રયાસો કર્યા છે. નિરાશાવાદી સૂર પુરાવવા માટે અમે આ બાબત પર ધ્યાન નથી દોર્યું, પણ અમે એ દર્શાવવા માગીએ છીએ કે પોતાના પ્રતિનિધિત્વ પર કાબૂ ધરાવવાની રીતો અને સાંસ્કૃતિક અને સામાજિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા સુધી સ્ત્રીઓ માંડમાંડ પહોંચી શકે છે. સત્તાધારી પ્રબળ મૂળભૂત સમૂહોએ સામાજિક જીવન જીવવા માટે જે વ્યાપક રાહ ચીંધ્યો હોય એને સ્ત્રીઓ તરત જ જે મંજૂરી આપી દે છે એના પ્રકાર અને એના માટેના કારણો ઘણી વાર્તાઓમાં તપાસવામાં આવ્યાં છે. અનિવાર્યપણે આ બાબતનું એ તારણ નીકળે છે કે ધન અને સંસ્કૃતિની આ દુનિયામાં પોતાનાં સ્થાન અને કાર્યને કારણે સત્તાધારી સમૂહ જે પ્રતિષ્ઠા અને એ કારણે મળતો જે આત્મવિશ્વાસ ભોગવે છે, એને લીધે ‘ઐતિહાસિક’ રીતે આ મંજૂરી મળી જાય છે – સ્ત્રીઓ શહેરી કે ગ્રામીણ, ગમે તે વિસ્તારમાંથી આવતી હોય, પણ તેઓને સત્તાની પ્રચલિત વ્યવહાર-પદ્ધતિમાં અર્થપૂર્ણ ભાગ ભજવવામાંથી પોતે બાકાત જ રહી ગઈ હોય એમ લાગે છે. તેઓ જ્યાંથી બોલી શકે એવું કોઈ સ્થાન જ એમની પાસે નથી હોતું. સ્ત્રીઓએ લખેલી વાર્તાઓ એમ પણ વાંચી શકાય કે સમાજમાં તેઓને જે નૈતિક અને બૌદ્ધિક નેતાગીરીનો કાર્યભાર સોંપવાનું પદ્ધતિસર નકારવામાં આવ્યું છે, એની સામે લડીને સ્થાન મેળવવાના પ્રયત્નો તેઓ લખાણ દ્વારા કરે છે. જ્યારે આપણે આ વાર્તાઓ, કયા મુદ્દાઓના આધારે સ્ત્રીઓને બાકાત રાખવામાં આવી છે એની વધુ સારી સમજણ મેળવવા માટે વાંચીએ ત્યારે આપણને જણાય છે કે અન્ય કોઈ પણ કરતાં વર્ણ (કાસ્ટ) અને વર્ગ(ક્લાસ)ના માળખાની સ્ત્રીઓનાં જીવન પર સૌથી વધુ નકારાત્મક અસર પડી છે. ભારતમાં વર્ણવ્યવસ્થા એ સામાજિક અસમાનતાની એક જડ, ઊંચ-નીચ દર્શાવતી એવી શ્રેણી છે, જેમાં કોઈ વ્યક્તિનું સ્થાન એના જન્મસમયે જ અંકિત થઈ જાય છે. વર્ણ અને અસ્પૃશ્યતા સેંકડો વર્ષોથી સામાજિક ઇતિહાસકારોને મૂંઝવી રહ્યાં છે. વ્યવસાયને લગતી જીવનની પ્રક્રિયાઓ, જેવી કે જન્મ અને મરણ તેમ જ મળ અને લોહી જેવા જીવોપયોગી પદાર્થો સાથેના કોઈ વ્યક્તિના સંપર્કને કારણે થતા એના ‘પ્રદૂષણ’ મુજબ એના વર્ણની કક્ષા નક્કી થાય છે. જેટલો એ વ્યક્તિનો પ્રદૂષણો સાથેનો સંપર્ક ઓછો, તેટલી એની કક્ષા ઊંચી. નીચલા વર્ણની વ્યક્તિના સ્પર્શને કારણે અન્ય વ્યક્તિની પવિત્રતા પર અવળી અસર પડી શકે અમુક કિસ્સાઓમાં તો સ્નાન અથવા કપડાં બદલવા જેવી વિધિસર ક્રિયાઓ કરવાની જરૂરિયાત ઊભી થઈ શકે. વધુ ગંભીર ભ્રષ્ટતાને કારણે કોઈને ન્યાતબહાર પણ મૂકી શકવામાં આવે. આંતરજ્ઞાતીય લગ્નોને તો જરાય પ્રોત્સાહન આપવામાં આવે નહીં. વર્ણ મુજબના સ્તરીકરણની ધારનો અનુભવ ગામડાંઓમાં વધુ તીક્ષ્ણ રીતે થાય. ‘નીચલા’ વર્ણના લોકોની સામે વારંવાર ભેદભાવ કરવામાં આવે, તેઓને અમુક જમીન પર ન જવા દેવામાં આવે, હલકી પરિસ્થિતિમાં કામ કરવાની ફરજ પાડવામાં આવે અને રોજબરોજ તેમની પર અત્યાચાર થાય. તેઓ ‘અસ્પૃશ્ય’ ગણાય અને ગામમાં તેઓના ભાગની જમીન અને ઉપલા વર્ણના લોકોની માલિકીની જમીન વચ્ચેની ભેદરેખા એ લોકો ઓળંગી ન શકે. તેઓ એના એ જ કૂવાઓનો ઉપયોગ ન કરી શકે એનાં એ જ મંદિરોમાં ન જઈ શકે ચાની લારીઓ પર એ જ કપમાં ચા ન પી શકે જે જમીન કાયદેસર તેઓની હોય તેની પર પણ હક્ક ન કરી શકે. ભારતની ‘ગુપ્ત રંગભેદ’ તરીકે ઓળખાતી આ નીતિને કારણે ઘણાં ભારતીય રાજ્યોમાં આખાં ગામનાં ગામ વર્ણના આધારે સંપૂર્ણ રીતે અલગ પડી ગયાં છે. નીચલા વર્ણના મોટા ભાગના લોકો અત્યંત ગરીબીમાં જીવી રહ્યા છે. એમની પાસે કોઈ જમીન નથી કે વધુ સારી નોકરી કે ભણતર માટેની તકો નથી. એ કહેવાની જરૂર જ રહેતી નથી કે આવી પરિસ્થિતિમાં સ્ત્રીઓએ સૌથી વધુ સહન કરવું પડે છે. વર્ણને કારણે જે અસમાનતાઓ ભોગવવી પડે છે એ અમુક વાર્તાઓમાં ઊભરી આવે છે. વર્ણનું મહત્ત્વ સમજવા માટે સ્ત્રી અને પુરુષજાતિના હોવાથી જે ફરક પડે છે એ બાબત જે ભાગ ભજવી જાય છે એની પર નારીવાદી (ફેમિનિસ્ટ) વિદ્વાનોએ પ્રકાશ પાડ્યો છે. વર્ણ અને વર્ગના પારસ્પરિક સમાવેશ ઉપર ઘણાએ ધ્યાન દોર્યું છે. કોઈ એક વર્ણના હોવાના ભાનનો સંબંધ વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ પર જ હોય છે. જાતિ-અસમાનતા અને પુરુષોના આધિપત્યની કેન્દ્રીયતાને પણ આ બેવડી જુલમી વ્યવસ્થામાં નોંધવામાં આવી છે. જો કોઈ ‘ખોટા’ વર્ગ, વર્ણ અને જાતિનું હોય તો એના પર જે જુલમ થાય એનાથી આ લેખિકાઓ વાકેફ છે. આ અસમાન વ્યવસ્થા માટે તેઓ વિવિધ કારણો આપે છે. સામાન્ય રીતે એમ માનવામાં આવતું કે વર્ણની સ્તરશ્રેણીનો આધાર વિધિસરની પવિત્રતા અને પ્રદૂષણ પર રહેતો હોય છે. પણ આ સમજણ બ્રાહ્મણો જે ભાગ ભજવે છે તેને અને તેમના વિચારોને વધુપડતું મહત્ત્વ આપી દે છે અને નીચલા વર્ણના વિરોધ તેમ જ અન્ય તળપદી વિચારસરણીઓને નકારી કાઢે છે. બ્રાહ્મણોના આ આદર્શો ઘણી વાર ખરેખરી વર્તણૂકથી છેક ફંટાઈ ગયેલા હોય છે, એ બાબત પણ ધ્યાનમાં લેવાતી નથી. એથીય વધુ આ માન્યતાઓ સમકાલીન ભારતમાં થઈ રહેલા ફેરફારો વિશે ઘણી ઓછી સમજ આપે છે. સૈદ્ધાંતિક રીતે વ્યક્તિઓ કે સમૂહો પોતાનો વર્ણ બદલી શકતા નથી, પણ હકીકતમાં આ શ્રેણીઓમાં ઘણું સામાજિક સ્થળાંતર થયું છે. જ્યારે કોઈ વર્ણ કે વંશના લોકો પાસે સંપત્તિ કે રાજકીય સત્તા આવે ત્યારે ખાસ કરીને આમ બનતું હોય છે. આર્થિક સમૃદ્ધિને પગલે સામાજિક સવલતો મળતી હોય છે. અમે જે અમુક વાર્તાઓ સમાવી છે એમાં વર્ણ અને વર્ગ કઈ રીતે એક સમગ્ર દેશની કલ્પનાશક્તિ પર ભરડો જમાવી શકે છે એનો ચિતાર મળે છે. સામાજિક અને આર્થિક વંચિતતાને વશ કરવા માટે અમુક વર્ણોએ ઊભા કરેલા તકરારી મુદ્દા વિશેની વાતો પણ અહીં કરવામાં આવી છે. પાશ્ચાત્ય સાહિત્ય એવો દાવો કરે છે કે શહેરો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓનું સામ્રાજ્ય હોય છે. ભારતની લેખિકાઓને આનાથી વિપરીત રીતે જણાયું છે કે ઔપચારિક જડતાઓ માટે શહેરનું વાતાવરણ વધુ અનુકૂળ હોય છે અને શહેરી વાતાવરણમાં પરંપરાઓ ઓછી જોવા મળે છે. જોકે શહેરી વાતાવરણ ઘણી વાર એમની પાસેથી ખૂબ મોટી કિંમત વસૂલે છે. પસંદગી પામેલી આ સૂચિમાં ગ્રામીણ ભારતની સામે શહેરી ભારતની છબીઓ ઉપસાવવામાં આવી છે. ગ્રામીણ ભારતની દુનિયામાં સંખ્યાબંધ ઔપચારિકતાઓ અને પરંપરાઓ પ્રચલિત છે. ગામડાંઓમાં જડબેસલાક વર્ણવ્યવસ્થા છે. ગરીબ ખેડૂતવર્ગ કારમી ગરીબીને કારણે શહેરો તરફ ધકેલાય છે. તે છતાંય ત્યાં તેઓ ક્યારેય ખુશ નથી હોતા અને ગામડાંની ઠંડક પમાડનારી હરિયાળી તરફ પાછા ફરવા માટે ઝંખતા રહે છે. ગ્રામીણ આસામના બાળમજૂરોનાં જીવન આલેખતી નિરુપમા બાર્ગોહેઇનની એક અત્યંત રસપ્રદ વાર્તા છે, જેમાં આ બાળમજૂરો નવા ઔદ્યોગિક શહેરમાં કામદારવર્ગના બની જાય છે. આ આર્થિક પેટા-માળખું ફ્રાન્ઝ ફેનનને જોઈતું હતું એવું ‘મહા-માળખું’ (સુપર સ્ટ્રક્ચર) બની જાય છે. આ સંદર્ભે સ્ત્રીઓની પરિસ્થિતિ વધુ સમસ્યાજનક બની જાય છે. આધુનિક શહેરી જીવનની બે લાક્ષણિકતાઓ - સ્થળાંતર અને એકલતાનાં મૂળ શોધવા માટેની ઝંખના જગાડે છે. આનું કારણ એ જ છે કે શહેરી વાતાવરણ સંબંધો જોડવાની પ્રેરણાને વારંવાર નિષ્ફળ બનાવ્યા કરે છે. એની તુલનામાં ગ્રામીણ સમાજની શક્તિ એના સામૂહિક સ્વભાવમાં રહેલી છે. એક સામાન્ય સિદ્ધાંત ઘડવા ખાતર કહી શકાય કે આ લેખિકાઓ કેન્દ્રવર્તી વિચારોની હારમાળાનો ઉપયોગ કરતી જોવા મળે છે, અને તેઓની વાર્તાઓમાંથી ઘણી સામાન્ય લાક્ષણિકતાઓ તારવી શકાય છે. ગ્રાહ્ય અનુભવોનું ચિત્રણ કરવા અને મન:પ્રદેશમાં વિહરવા માટે કાલ્પનિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંપરા અને સામાજિક રીતરિવાજોની ભુલભુલામણીમાંથી પોતાની જાતને પાછી મેળવવાનો પ્રયત્ન કરવા માટે મોટા ભાગની લેખિકાઓ લેખનનું માધ્યમ અપનાવે છે. આ લેખિકાઓ કેન્દ્રવર્તી વિચાર તેમ જ શૈલી તરીકે એમ બે રીતે, કાલ્પનિકતાનો ઉપયોગ કરે છે. હકીકત સાથે બાથ ભીડવા માટે ઘણી વાર કાલ્પનિકતાનો વિધ્વંસક શૈલીમાં ઉપયોગ કરાતાં, અમુક વાર્તાઓમાં એ કેન્દ્રવર્તી વિચાર બની જાય છે. સુમા જોસનની એક વાર્તા છે ‘ધ વિલેજ’, જેમાં કથાનાયકના મગજની અંધારી અને ડરામણી સંકુલ ભાષાના વિશ્વમાં વાચકને ફોસલાવીને લઈ જવાય છે. વાર્તાના લખાણનું ખરેખરું વાચન અને એક કાલ્પનિકતા કે ભ્રમના લખાણના વાચન વચ્ચે વાચકનું મન અવઢવ અનુભવ્યા કરે છે. કાલ્પનિકતાના મૂળમાં જ અનિશ્ચિતતા રહેલી હોય છે અને સુમા જોસનની વાર્તાનું ગામ માત્ર એક સ્વપ્ન તરીકે એક બાજુ પર રાખી શકાય એમ નથી, પણ એ તો સંભવિત અર્થો સાથેની એક ઝડપથી ફેલાતી દુનિયા બની જાય છે, જે ભયનું ઉદ્ગમસ્થાન બની જાય છે. આ ટૂંકી વાર્તામાં તમામ કાલ્પનિક લખાણો, વિચારો, વસ્તુઓ અને પરિસ્થિતિઓ, જેવાં કે દીવાલ, થર્મોસ ફ્લાસ્ક અને ગામડાની પેલી સ્ત્રી હવાતિયાં મારતા સંદર્ભોમાંથી માર્ગ કાઢતાં દેખાડાયાં છે. કથાકારની સાથેસાથે વાચકને પણ એ જ ચિંતા રહે છે કે જે સઘળી ખાતરી અને રાહત અનુભવાય છે, એ ભ્રામક છે કોઈ પણ જાણીતી ચીજ પણ ભયજનક સ્વરૂપ ધરી લઈ શકે છે એવી જાણમાંથી આ ચિંતા ઊભી થાય છે. ચિંતા અને અવઢવ વિચિત્ર અને ડરામણાં સ્વરૂપો ધરે છે - કેટલીક વાર તો મગજ સહન કરી શકે એથીય વધુ મોટાં. માટે જ વાર્તાને અંતે જ્યારે કથાકાર ગાંડપણને ઉંબરે આવીને ઊભો રહી જાય છે ત્યારે એનું આશ્ચર્ય નથી થતું. એંશીના દાયકા પછીની લેખિકાઓએ જે કેન્દ્રવર્તી વિચારો પસંદ કર્યા છે એમાં વિકૃત મનોદશા, કડવાશ, વેરવૃત્તિ, વિષયાસક્તિ, મૃત્યુ, વક્રોક્તિ, અનાદર, જાતિ વિશેની જાગૃતિ, અપૌરાણિકરણ, લગ્ન અને લગ્નવિચ્છેદની સાથોસાથ પ્રેમના પ્રતિનિધિત્વનો સમાવેશ થાય છે. માનવીય લાગણીઓમાંથી સૌથી વધુ ઉમદા આદર્શ તરીકે પ્રેમની ગણના થાય છે અને કેટલાય લેખકોએ પોતાનાં લખાણોમાં એને અમર બનાવી દીધો છે. કલ્પિત કથાઓમાં હજી પણ સૌથી વધુ પ્રચલિત કેન્દ્રવર્તી વિચાર તરીકે પ્રેમ જ છે, એના પરથી એક બાબત ફરીફરીને સમજાય છે કે ગમે તેટલું યંત્રીકરણ પણ જિંદગીના આ નાજુક પાસાનો નાશ કરી શકતું નથી. બધા જ સંબંધોનું મૂળ પ્રેમ છે અને એકબીજા પ્રત્યેની લાગણી અને પ્રતિબદ્ધતા જ કોઈ પણ સંબંધમાં સલામતી પેદા કરે છે. એક વાત જો ધ્યાનમાં લઈએ કે આ એવી લાગણી છે કે જે રાજા અને ભિખારી અથવા પુરુષ અને સ્ત્રી વચ્ચે કોઈ ફરક સમજતી નથી, તો એ જોવાનો રસ પડશે કે પ્રેમની વિવિધ છટાઓ, આધ્યાત્મિક અને શારીરિક, કલ્પિત કથાઓના કેન્દ્રવર્તી વિચાર તરીકે હોય છે. દુનિયા અને એમાં રહેનારાઓએ સત્તા, સંપત્તિ, અવિશ્વાસ અને ધિક્કારના નામે જે કોઈ ડખા ઊભા કર્યા છે, એ બધાનો એકમાત્ર રામબાણ ઇલાજ પ્રેમ જ છે. આ લાગણીનો સ્વભાવ જ છે કે એ વ્યક્તિને આપતાં શીખવે છે, નહીં કે ઝૂંટવતાં. આજની લેખિકાઓ એક સત્ય રજૂ કરે છે કે પુરુષો પણ અસલ, શુદ્ધ પ્રેમ કરી શકે છે - અમૃતા પ્રીતમની વાર્તા ‘સ્ટેન્ચ ઑફ કેરોસીન’ના એક પાત્ર માણેકની જેમ. વફાદારી અને પ્રેમની નિશાનીરૂપે પતિના એક ઉમદા નમૂનાની જેમ એ ઊપસી આવે છે. સમકાલીન સાહિત્યની ઘણી લેખિકાઓનાં લખાણમાં દાંપત્ય-પ્રેમ અને સમજણ એક મુખ્ય કેન્દ્રવર્તી વિચાર રહ્યાં છે. અહીં કુટુંબ એ છે જે આશ્વાસન અને દિલાસો આપે છે, બહારની દુનિયાનાં તોફાનોથી રાહત આપે છે. આ ભવ્ય ગુણથી વિપરીત એવા હિંસાના સૂરે પણ ઘણી લેખિકાઓનાં લખાણો પર કબજો જમાવ્યો છે. પરંપરાગત રીતે સ્ત્રીઓને હિંસા વેઠનારી અને નિષ્ક્રિયપણે સ્વીકારનારી દર્શાવાઈ છે. સમગ્ર ભારતની વાર્તાઓમાં સ્ત્રીઓને વેઠનું દર્દ વેંઢારનારી અને અસ્તિત્વનો વિજય દર્શાવનારી જ રજૂ કરાઈ છે. સ્ત્રીઓએ લખેલી કેટલીય વાર્તાઓમાં પુરુષો જે હિંસા સ્ત્રીઓ સાથે આચરે છે એ દૃશ્યો દર્શાવાયાં છે. પુરુષોના હિંસાના વિવિધ ગુના અને એની સર્વવ્યાપકતા એક સત્ય પર ભાર મૂકે છે કે સામૂહિક રીતે અને વ્યક્તિગત રીતે પુરુષો સ્ત્રીઓ પર જુલમ કરે છે. ઘણી વાર્તાઓમાં માનસિક હિંસા વિધ્વંસક રૂપે દેખાય છે. સ્ત્રીઓ માનસિક અને શારીરિક એ બંને પ્રકારની હિંસાનો ભોગ બને છે, પણ બળાત્કાર હિંસાનો એક એવો પ્રકાર છે, જે સ્ત્રીઓને શારીરિક અને માનસિક એ બંને રીતે અસર કરે છે. બળાત્કારમાં પુરુષોની જાતીય આવેગની વૃત્તિ નહીં, પણ પુરુષોની સ્ત્રીઓ પર કાબૂ મેળવીને આધિપત્ય જમાવવાની વૃત્તિ છતી થાય છે. એ કારણે સ્ત્રીઓને સતત ભયની સ્થિતિમાં રાખીને એમને તાબામાં રાખવામાં આવે છે. કાલ્પનિક કથામાં બળાત્કાર અને ઘરેલુ હિંસાનું પ્રતિનિધિત્વ સમસ્યા ખડી કરે છે, કારણ કે આ પ્રકારની અવગણનાની પ્રક્રિયાઓ સનસનીખેજ કે આકર્ષક ન બનાવવી જોઈએ. જે લેખિકાઓ ઉપર મુજબના કેન્દ્રવર્તી વિચારો સાથે કામ લે છે, તેઓ સ્ત્રીઓને જે શોષણ અને અત્યાચારના ભોગ બનવું પડે છે એની પર ખાસ ધ્યાન દોરે છે. બળાત્કારનો ભોગ બનનારીની લાગણીઓ અને એના માટેના પ્રત્યાઘાતો તથા પરિવારજનો તેમ જ સમાજનો પીડિતા પ્રત્યેનો અભિગમ – આ બધા જ મુદ્દા પર આ લેખિકાઓ ચિંતા વ્યક્ત કરે છે. આ લેખિકાઓનાં લખાણમાં ઘરેલુ હિંસાને પણ એક કેન્દ્રવર્તી વિચાર તરીકે લેવામાં આવેલ છે, કારણ કે પુરુષો જ્યારે સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે, ત્યારે પિતૃસત્તાક સામર્થ્ય જ છતું થાય છે. સ્ત્રીઓ જ્યારે ટૂંકી વાર્તા લખે છે, ત્યારે માનવીય સંબંધો અને માનવીય દુર્દશા એક મહત્ત્વના કેન્દ્રવર્તી વિચાર તરીકે આલેખાય છે. આમાંની અમુક વાર્તાઓમાં, શુદ્ધ નારીવાદી વલણથી એક વધુ સામાન્ય સામાજિક વલણ લેવા તરફની ગતિ થાય છે એ જોવું રસપ્રદ બને છે. અમુક લેખિકાઓ પુરુષ સાથેના સંબંધમાંથી ઊપજતી વિશિષ્ટ પરિસ્થિતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં કૌટુંબિક સ્તરે પિતા, પતિ, દીકરો અથવા કુટુંબના કોઈ અન્ય પુરુષ સભ્ય અને અધિકારીના સ્તરે કાર્યસ્થળે પુરુષ માલિક સાથેના સંબંધો ધ્યાનમાં લેવાય છે. સ્ત્રીને ભાગ્યે જ એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. આ રીતને કારણે સ્ત્રી પર માનસિક અસર પડે છે. બીજા લોકો એના માટે શું વિચારશે એ જ ધ્યાનમાં રાખીને પોતાના વિશે વિચારવાની એને ટેવ પડી જાય છે. આ બાબત હતાશાની પરાકાષ્ઠામાં પરિણમે છે, જે કારણે બીજા સાથેના સંબંધો નષ્ટ થઈ શકે છે. સ્ત્રીનું વલણ સંપૂર્ણપણે બદલાઈ જાય એનું સૌથી વધુ બોલકું ઉદાહરણ કદાચ લગ્ન છે, જ્યાં એની પોતાની અંગત બાબતોને પાછળ ધકેલી દેવામાં આવે છે. મોટા ભાગની લેખિકાઓએ સ્ત્રીના અસમાન હોદ્દા તરફ ધ્યાન દોરીને દેખાડ્યું છે કે પુરુષ જો થોડીક સંવેદનશીલતા દાખવે તો નબળા પડતા જતા સંબંધને પાછો સાચવી લેવામાં આશ્ચર્યજનક પરિણામો આવી શકે છે. મંજુ કપૂર જેવી લેખિકાએ સાચો જ અંગુલિનિર્દેશ કર્યો છે કે સંબંધોમાં પુરુષો વધારેપડતી માંગણી કરતા હોય છે અને તેઓની જાણબહાર જ સ્ત્રીઓની લાગણીઓને ઠેસ પહોંચાડતા હોય છે. અને આની સાથોસાથ જ જાણીબૂઝીને સ્ત્રીઓને ઈજા પહોંચાડનારા પુરુષોની વાત પણ આ લેખિકાઓની પસંદગીનો વિષય રહ્યો છે. જોકે આ તો ચિત્રની એક જ બાજુ છે. અમુક લેખિકાઓ આ મુદ્દાને છોડીને સમાજને નિષ્પક્ષપણે નીરખે છે. એવું પણ જોવા મળે છે. અહીં એવા સંબંધો ધ્યાનમાં લેવાયા છે, જ્યાં પુરુષોએ જ સતત સહન કરવું પડતું હોય અને સ્ત્રીઓ જાણ્યે અથવા અજાણ્યે પુરુષોને ઈજા પહોંચાડ્યા કરતી હોય. આ બાબત મોટા ભાગે કામ કરતા આધુનિક વર્ગને લાગુ પડે છે, જ્યાં સ્ત્રી અને પુરુષ બંને રોટલો રળવાનું કામ કરતાં હોય છે અને આર્થિક સ્વાતંત્ર્યને કારણે સ્ત્રીને એના સાથી સમોવડિયું જ સ્થાન મળે છે. સ્ત્રીઓ દ્વારા લખાયેલી ઘણી વાર્તાઓમાં સ્વતંત્ર સ્ત્રી પુરુષની ઉપેક્ષા કરતી હોય એવું ચિત્રણ રજૂ થયું છે. અહીં બંનેની ભૂમિકાઓ વિશિષ્ટ રીતે ઉલટસૂલટ થઈ જાય છે. અહીં સ્ત્રી જે ભાગ ભજવે છે એનું સાચું પ્રતિનિધિત્વ આ વાર્તાઓને પ્રમાણભૂત બનાવે છે. સમકાલીન ભારતમાં સ્ત્રીઓ પાશ્ચાત્ય અભિપ્રાયો અને જીવનપદ્ધતિથી પરિચિત છે અને બંને જણે એકસરખી જવાબદારીઓ ઉપાડવાની હોય છે એ બાબતનું આ વાર્તાઓ સાચું પ્રતિબિંબ દેખાડે છે. બહોળા સામાજિક સંદર્ભમાં આ લેખિકાઓએ વૃદ્ધાવસ્થાની કટોકટી વિશે ચર્ચા કરી છે. પરંપરાગત ભારતીય પરિવારોમાં આ બાબત ક્યારેય ગંભીર સમસ્યા ગણાતી નહોતી, જ્યાં બાળકો આપમેળે જ મા-બાપની કાળજી કરતાં. નકરા વ્યવસાયીકરણને કારણે વધુ નફાકારક સાહસોની શોધમાં લોકો પોતાના વતનથી દૂર ધકેલાય છે, એના પરિણામે વયોવૃદ્ધોની આ ભયંકર કટોકટી સર્જાય છે. આમ આધુનિક વાર્તાઓમાં વ્યાધિગ્રસ્ત અને વયોવૃદ્ધોની દુર્દશા મહત્ત્વનો કેન્દ્રવર્તી વિચાર બની ગઈ છે. પોતાની જાતને દુનિયા પરના નકામા બોજ તરીકે જોનારાં પાત્રો તેમ જ અમર આશા સાથે આપત્તિજનક પરિસ્થિતિઓનો સામનો કરી રહેલાં પાત્રોની વાર્તાઓ પણ છે. આ દુ:ખદ સામાજિક સમસ્યા સામે અંગુલિનિર્દેશ કર્યા બાદ, આ લેખિકાએ માંદા અને વૃદ્ધ લોકોએ આધુનિક જમાના સાથે કદમ મિલાવવા માટે અનુકૂલન કરીને બાંધછોડ કરવી જોઈએ એ બાબત પર પણ ભાર મૂક્યો છે. મોટા ભાગના ભારતીયો રોજબરોજની વાતચીત માટે દેશની વિવિધ પ્રાદેશિક બોલીઓ બોલતા હોય છે, જેમને ભાષાઓ કહી શકાય. અહીં એક વાત જણાવવી જરૂરી છે કે પ્રિન્ટેડ કે ક્લાસિકલ સાહિત્ય કરતાં જે-તે ભાષાઓનાં મૌખિક કથાવૃત્તાંતો અને લોકગીતો અને લોકભજવણીઓમાં સ્ત્રીઓના ‘અવાજ’નો વધુ પડઘો પડે છે. આ ભાષાઓમાં, જૂનામાં જૂના નોંધાયેલા ઇતિહાસથી શરૂ કરીને વર્તમાન સમય સુધી સ્ત્રીસાહિત્યની પરંપરાનો માર્ગ લગભગ એકસરખો અંકિત કરવાનું શક્ય બને છે. સ્ત્રીઓને હાંસિયામાં ધકેલી દેવાની બાબતનો અને પિતૃસત્તાક સંસ્થાઓનો છાનોછપનો અને ક્યારેક ખુલ્લેઆમ વિરોધ અહીં છતો થાય છે. ભારતની દરેક ભાષામાં આ લક્ષણ સ્પષ્ટ થાય છે એ ખાસ નોંધવાલાયક છે. ભારતની પ્રાદેશિક ભાષાઓના સાહિત્યમાં મૌખિક અને લેખિત પરંપરાઓ દ્વારા સ્ત્રીની વિશિષ્ટ ઓળખ ઊભી કરવા માટેના રસ્તા એકસરખા જણાયા છે. નારીવાદી ઇતિહાસલેખને ભલે હંમેશાં ક્રમાનુસાર એક સીધી લીટીમાં જ ગતિ કરી હોય, પણ તે છતાંય એક પ્રાથમિક પ્રયાસ તરીકે સમયદર્શક ધરી પર જો આપણે સ્ત્રીઓના લેખનના ઇતિહાસનાં લેખાં-જોખાં કરીએ તો એ વધુ મદદરૂપ થશે. ભારતમાં સ્ત્રીઓના લેખનનાં રૂપો દર્શાવતો જે કોઠો મલયાલમમાં ઉપલબ્ધ છે એના ઉપરથી આપણે નીચે મુજબનાં તારણો પર આવી શકીએ છીએ. ૧૯મી સદીની શરૂઆતથી જ્યારે લેખિત ગ્રંથો પ્રચલિત થવા માંડ્યા, ત્યારથી ભારતમાં સ્ત્રીઓનાં લખાણો તપાસીએ તો લગભગ ચાર તબક્કામાં થયેલો વિકાસ દેખાય છે, જેને નીચે મુજબનાં નામ આપી શકાય :

૧. શરણાગતિનો તબક્કો
૨. પ્રગતિશીલતાનો તબક્કો
૩. પીછેહઠનો તબક્કો
૪. સ્વમતાગ્રહનો તબક્કો

આ તો માત્ર પ્રયોગાત્મક વર્ગીકરણ જ છે અને જ્યારે પ્રાદેશિક ભાષાઓમાં અહીં દર્શાવાયેલા સમય કરતાં પણ આગળનાં સમયનું વધુ લખાણ પ્રાપ્ત થાય ત્યારે આમાં ફેરફાર કરી શકાય. આજુબાજુના વિશ્વ પ્રત્યે આ લેખિકાઓએ દાખવેલા અભિગમ પરથી આ વર્ગીકરણ માટેનો તાર્કિક આધાર નક્કી કરવામાં આવેલ છે. પોતાની વાતને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાની જરૂરિયાત અને ચૂપ રહેવા માટેનું સામાજિક દબાણ – આ બે બાબતો વચ્ચે ભીંસાતી સ્ત્રીએ સામાજિક રીતે અધિકૃત ધોરણો અને પરંપરાઓને ચાતરીને કુશળતાપૂર્વક યોજના ઘડવી પડતી. માટે કંઈ નહીં તોય શરૂઆતમાં તો એણે સમાજ અને સાહિત્યનાં માન્ય ધારાધોરણના સીમાડાઓની અંદર રહીને લખવાનો જ આશ્રય લેવો પડતો. ભારતમાં સ્ત્રીઓનાં લખાણના પહેલા તબક્કામાં તો કેન્દ્રવર્તી વિચારો અને શૈલીઓમાં ભાગ્યે જ કંઈ નાવીન્ય જણાતું. મોટા ભાગનાં લખાણોમાં અગાઉનાં લખાણોની નકલ અને ધાર્મિક ચુસ્તતા જોવા મળતી. સર્વસામાન્ય બાબતોથી જરાય ચીલો ચાતર્યા વિના સ્ત્રીઓ સ્તોત્રો લખતી અથવા રામાયણ કે મહાભારતની કથાઓ લખતી. સ્ત્રીઓનાં લખાણના આ તબક્કાને માત્ર શરણાગતિનું જ નામ આપી શકાય. ૨૦મી સદીના પ્રથમ ચાર દાયકામાં દેશમાં ફેલાઈ ગયેલી રાષ્ટ્રીયતામૂલક અને નવનિર્માણની ચળવળો પોતાની સાથે જ પિતૃસત્તાક વ્યવસ્થા અને જાતિવિષયક આદર્શોમાં પુન: ઘડતર પણ લાવી. આઝાદી અને ગુલામી એ બંને પર એકસાથે જોખમકારક બની જાય એ રીતે ભાર મૂકવામાં આવ્યો. બીજા તબક્કાની લેખિકાઓ પ્રગતિશીલ વિચારો દર્શાવે છે. કેટલીક વાર એક સ્ત્રી પોતાના વ્યવસાયનો ઉપયોગ કરીને કઈ રીતે પોતાનું નસીબ બદલી કે પછી સંપૂર્ણપણે પલટી શકે છે એનો તેઓ ઝીણવટપૂર્વક અભ્યાસ કરે છે. પ્રગતિશીલ તબક્કાની લેખિકાઓ પરદા અથવા તો અંત:પુરમાં સબડવાનાં અને વિધવા તરીકે ભોગવવી પડતી તકલીફોનાં દૂષણોનું ચિત્રણ આપે છે. બહોળો વાચકવર્ગ ઊભો કરી ચૂકેલાં સામયિકોમાં તેમનાં લખાણો છપાવાથી આ બાબતમાં તેમને મદદ મળી રહે છે. ભારતી અને બામાબોધિની પત્રિકા (બંગાળી), ધ ઇન્ડિયન લેડીઝ મૅગેઝિન (અંગ્રેજી), સાવિથ્રી (તેલુગુ), સ્ત્રીદર્પણ (હિન્દી), સુંદરીસુબોધ (ગુજરાતી), ઇસ્મત (ઉર્દૂ) અને વિદ્યાવિનોદિની, લક્ષ્મીબાઈ અને મંગલોદયમ્ (મલયાલમ) આમાં સૌથી વધુ મહત્ત્વનાં હતા. સ્ત્રીઓનાં લખાણનો ત્રીજો તબક્કો પ્રગતિશીલ આંદોલનને બદલે પીછેહઠ દર્શાવે છે, જેમાં લેખિકા પોતાની આજુબાજુની દુનિયાથી ચિંતિત થઈને પોતાની જાત અને પોતાના દુ:ખોની આજુબાજુ જ ફર્યા કરે છે. આઝાદી પછીના પ્રથમ ત્રણ દાયકામાં ફેલાયેલા સમયગાળામાં આ લેખિકાઓની આજુબાજુ એક નવું વિશ્વ ઊભું થાય છે અને એની સામે એમણે જે લડતો અને પ્રતિલડતો આપવી પડે છે એ બાબત પર તેમનાં લખાણો પ્રકાશ પાડે છે – આઝાદી પહેલાંના સમયગાળામાં આ સ્ત્રીઓની જે આશાઓ હતી એ આ વિશ્વ પૂરું પાડી શક્યું નથી. માત્ર કુશળ ગૃહિણીઓ અને શિક્ષિત માતા બનીને બેસી રહેવાથી તેમને સંતોષ થતો નથી. આ સમયમાં ઘણી સ્ત્રીઓએ ઘરની બહાર હૉસ્પિટલો, ઑફિસો અને કૉલેજોમાં કામ શોધી લીધાં હતાં. ઘણા મોરચા પર સ્ત્રીઓનું ભ્રમનિરસન કરનારો આ યુગ હતો. સ્ત્રીઓનાં લખાણના ચોથા તબક્કાને સ્વમતાગ્રહી કહી શકાય, કારણ કે માની ન શકાય એટલા આત્મવિશ્વાસ સાથે સ્ત્રીઓએ લખવાનું શરૂ કર્યું હતું. એમની પાસે વિવિધ શૈલીઓની હારમાળાનો આધાર હતો. સ્વમતાગ્રહના તબક્કાની લેખિકાઓ એક સ્ત્રીના દૃષ્ટિકોણ મુજબ અને સ્ત્રીઓને જ સૌથી વધુ લાગુ પડતા હોય એવા મુદ્દા વિશે લખતી હતી. શહેરોમાં અને પુરુષોએ ઘડેલા હુકમો - અરે ભાષા સુધ્ધાંમાં પણ સપડાયેલી સ્ત્રીઓનાં રેખાચિત્રો ૨૦મી સદીના છેલ્લા દાયકામાં લખાયેલી વાર્તાઓના મહત્ત્વના કેન્દ્રવર્તી વિચારો બની રહ્યા છે. આ લેખિકાઓ પોતાના ગ્રાહ્ય અનુભવોથી છેડો ફાડવા માટે ઘણી વાર માનસિક વાસ્તવવાદ અને કલ્પનાઓનો ઉપયોગ કરે છે. ભારતની પ્રાદેશિક ભાષાઓમાં સ્ત્રીઓના સાહિત્યના જે ચાર તબક્કા આપણે ગણતરીમાં લીધા છે, એ ૧૮૪૦થી આજ સુધીમાં એલન શોવાલ્ટરે અંગ્રેજીમાં સ્ત્રીઓની સાહિત્યિક પેટાસંસ્કૃતિમાં જે મહત્ત્વના તબક્કામાં વર્ણન કર્યું છે એનાથી સ્પષ્ટપણે જુદા છે. સ્ત્રીઓનાં લખાણોમાં તેઓએ દાખવેલા અભિગમનો આધાર લઈને આ વર્ગીકરણ કરવામાં આવેલ છે. અધિકાર દર્શાવતું મુખ્ય ધારાનું સાહિત્ય પિતૃસત્તાક રાજનીતિ અને બાહ્ય દેખાવ વડે જ સમજાય છે. શોવાલ્ટરે સ્ત્રીઓના સાહિત્યને એના વિરુદ્ધનું દેખાડ્યું છે. શોવાલ્ટર સ્ત્રીઓના સાહિત્યના પહેલા તબક્કાને સ્ત્રીસહજ નકલખોર તરીકે બીજા તબક્કાને ગુસ્સે ભરાયેલા નારીવાદી તબક્કા તરીકે અને ત્રીજા તબક્કાને નારીજાતિના પોતાની જાતને ઓળખવાને અગ્રેસરતા આપનારા તરીકે નોંધે છે. ભારતની પ્રાદેશિક ભાષાઓમાં સ્ત્રીઓનાં લખાણનો પહેલો તબક્કો નકલખોરી કરવા કરતાં વધુ શરણાગતિ સ્વીકારવાનો અભિગમ દર્શાવતો હોય એમ દેખાય છે. શરણાગતિ સ્વીકારીને સ્ત્રી ખાતરી કરી લે છે કે એ કારણે એને લખવા માટેની જરૂરી જગ્યા મળી રહેશે. આ માર્ગના બીજા છેડે સ્વમતાગ્રહનો તબક્કો આવે છે, જ્યાં એના અનુભવોનાં ખુલ્લેઆમ પૃથક્કરણો અને ચર્ચા થાય છે અને વાદવિવાદ અને લખાણો દ્વારા સ્ત્રીના ગુસ્સા અથવા અસંતોષને બહાર આવવા દેવાય છે. શરણાગતિથી, પ્રગતિશીલતાથી, પીછેહઠથી છેલ્લે સ્વમતાગ્રહ – આ સઘળું એક લેખિકાની સમજણના ફેરફારો પર આધારિત છે, કારણ કે મોટે ભાગે અભિગમ સમજણ મુજબ ઘડાય છે. પહેલા તબક્કાની કોઈક લેખિકા ભલે ઓળખ પામી શકી હોય, પણ એનું કારણ એની સામંતશાહી પશ્ચાદ્ભૂમિ હોઈ શકે છે, જેના કારણે એ સામાન્ય માણસો અને એમની સામાન્ય સમસ્યાઓથી ઘણી જુદી પડતી હોય; પણ પછીના તબક્કાની લેખિકાઓ પ્રચલિત માન્યતાઓ કરતાં જુદી રીતે લખતી થઈ અને તેઓ અમીર કે સામંતવર્ગની નહોતી, પણ ઉપલા કે નીચલા વર્ગની હતી. ૨૦મી સદીની શરૂઆતના દાયકાઓ દરમિયાન સમાજસુધારકો અને બુદ્ધિજીવીઓએ સ્ત્રીઓના શિક્ષણની હિમાયત કરી હતી અને આ શિક્ષિત મધ્યમવર્ગમાંથી સ્ત્રીસર્જકોનો વાચકવર્ગ ઊભો થયો હતો. સ્ત્રીઓએ વર્ગોના ભેદભાવોની પાર જઈને જે લખાણો લખ્યાં એ કારણે તેઓ માટે પોતાની જાતની અભિવ્યક્તિ કરવા માટે એક નવા જ વિશ્વનું નિર્માણ થયું.

શરણાગતિનો તબક્કો :

સ્ત્રીઓનાં લખાણનો આ પહેલો તબક્કો ચોક્કસ સમાન લક્ષણો પ્રગટ કરે છે. શરૂઆતના આ તબક્કાની લેખિકાઓ પોતાનાં લખાણો પ્રકાશિત કરાવવા બાબતે નસીબદાર હતી, કારણ કે તેઓ અમીર કુટુંબમાંથી આવતી હતી અને સંસ્કૃતના શિક્ષણ અને રાજ્યાશ્રયના લાભ પણ મેળવતી હતી. સાહિત્યક્ષેત્રમાં ભલે તેઓએ સિદ્ધિ મેળવી હોય, પણ તે છતાંય તેઓને મોટા ભાગે હાંસિયામાં જ ધકેલી દેવામાં આવતી અને તેઓનાં લખાણો પણ છૂટાંછવાયાં અને ખંડિત જણાય છે. ઘણાંબધાં લખાણો ‘નનામાં’ છે અને એમાંનાં મોટા ભાગનાં સ્ત્રી-સર્જકોનાં હોવાની શક્યતા છે. નીચલા વર્ણની સ્ત્રીઓની રચનાઓ તો મૌખિક પરંપરા થઈને જ રહેવા પામી છે, અને એમાંથી ભાગ્યે જ કોઈક જ છપાવા પામી હશે. મોટા ભાગની લેખિકાઓએ રૂઢિગત સાહિત્યપ્રકારો પર જ પસંદગી ઉતારી છે. આ સમયની સ્ત્રીઓએ લખેલી કવિતાઓમાં માર્મિક લય ડોકાય છે. આ તબક્કાની સૌથી વધુ મહત્ત્વપૂર્ણ લેખિકાઓમાં મનોરમા થમપુરટ્ટી, કિલીમાનુર ઉમાદેવી થમપુરટ્ટી, થોટ્ટાક્કાટ્ટુ ઇક્કાવમ્મા, કુટ્ટીકુંજુ થાનકાચી અને તારીગોન્ડા વેન્કમમ્બાનો સમાવેશ થાય છે.

પ્રગતિશીલ તબક્કો :

૧૯મી સદીના છેવટના ભાગમાં તો સ્ત્રીઓ માટેનાં સામયિકોનો રાફડો જ ફાટ્યો હતો, જેમાંનાં અમુકનું પ્રકાશન તો સ્ત્રીઓ જાતે જ કરતી. આ સામયિકોના ઘણા લેખોમાં પુરાણો અને ઇતિહાસોમાં દર્શાવાયેલી સ્ત્રીની છબીની ટીકા કરવાનો પ્રયત્ન થતો. સ્ત્રીની ઘરની દેવી અથવા દ્વિતીય કક્ષાની નાગરિક તરીકે અને સમાજમાં દુ:ખ અને બલિદાનની મૂર્તિની જે છબી હતી એની સામે ૧૯મી સદીમાં વિરોધ ઉઠાવાયો. ભારતમાં સ્ત્રીઓનાં લખાણોના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર સ્ત્રીઓએ પોતાની સામે થતા અન્યાય સામે વિરોધ નોંધાવ્યો. તેઓને વાચકવર્ગ મળ્યો હતો અને તેમણે એક ચોક્કસ પ્રકારની પોતાની ઓળખ પણ ઊભી કરી હતી. એ સમયગાળામાં બહાર પડનારાં સામયિકો વડે આ લેખિકાઓ શક્તિશાળી બની હતી; એના દ્વારા તેમને ખાતરી મળતી કે તેઓનો ‘અવાજ’ સાંભળવામાં આવશે અને તેઓનો અભિપ્રાય ગણતરીમાં લેવામાં આવશે. આ સામયિકોના તબક્કાનો સમયગાળો લગભગ રાષ્ટ્રીય ચળવળના તબક્કાના સમયગાળા સાથે અનુરૂપ હતો, જેમાં અહિંસક પદ્ધતિઓ વાપરીને રાજકીય સ્વાતંત્ર્ય મેળવવાના સુવ્યવસ્થિત પ્રયત્નો થયા હતા – સ્ત્રીઓને આ બાબત સ્પર્શી ગઈ હતી. એ સમયનાં સામયિકો અને અન્ય પ્રકાશનોમાં જે સ્ત્રીઓ લખતી હતી એમાંથી મોટા ભાગની સ્ત્રીઓ રાષ્ટ્રની સ્વાતંત્ર્યચળવળની અસર હેઠળ હતી. એમાંથી અમુક તો સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય રીતે ભાગ લેતી હતી. એ સમયના બધા જ લેખકો આદર્શવાદી હતા. તેઓને ચૂપ કરી દેવામાં આવ્યા હતા અથવા હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા, એ બાબતે તેઓ જાગૃત હતા. એ સમયની લેખિકાઓએ ખાસ જાતિને લગતા મુદ્દા ઉઠાવ્યા છે. આ લખાણોમાં સ્ત્રીની પોતાની જાત માટેની જાગૃતિ સ્પષ્ટપણે દેખાય છે. આ સંદર્ભમાં આપણે સરોજિની નાયડુ, લક્ષ્મીબાઈ તિલક, રમાબાઈ રાનડે, મોક્ષદાયિની મુખોપાધ્યાય, તારાબાઈ શિન્દે, લલિથામ્બિકા અન્થરાજનમ્ અને સ્વર્ણકુમારી દેવીનાં લખાણો વિશે વિચારી શકીએ.

પીછેહઠનો તબક્કો :

આઝાદી પછીનાં વર્ષોમાં સ્ત્રીઓનાં લખાણનો એક નવો તબક્કો ઉદ્ભવ્યો. આ સમયગાળા દરમિયાન જીવિત મોટા ભાગની લેખિકાઓએ આઝાદીની ચળવળમાં સૂચિત સંપૂર્ણ સ્વાતંત્ર્યનું વચન પાર ન પડવાને લીધે થયેલા ભ્રમનિરસનનો પડઘો પાડ્યો છે, કારણ કે સ્ત્રીઓ માટે સામાજિક આઝાદી આવી નહોતી. ઊલટાનું સ્ત્રીઓને વેંઢારવી પડતી ગુલામીમાં ઉમેરો થયો હોય એમ લાગતું હતું. આઝાદીની લડતમાં સ્ત્રીઓ પુરુષો સાથે ખભેખભા મિલાવીને લડી હતી, પણ આઝાદી મળ્યા પછી પણ સ્ત્રીઓનું સ્થાન તો એનું એ જ રહ્યું હતું. પોતાની આજુબાજુ પુરુષોનાં જે મિથ્યાભિમાન અને આધિપત્ય જોયાં તેનાથી અતિશય ગુસ્સે ભરાઈને વિરોધના વિધ્વંસક સાહિત્યસર્જનનો યુગ અસ્તિત્વમાં આવ્યો. સામાજિક નિષેધો અને ભયો એમને ન અવરોધી શક્યા. સુગથાકુમારી, રાજલક્ષ્મી કે સરસ્વતી અમ્મા, દુદલા સલમ્મા, શિવાની અને અચન્તા સારદા દેવી જેવી લેખિકાઓ આ ભ્રમનિરસનનું તત્ત્વ દાખવે છે.

સ્વમતાગ્રહનો તબક્કો :

૧૯૮૦ પછીના દાયકાઓમાં ભારતમાં સ્ત્રીઓનાં લખાણે એક નવો જ વળાંક લીધો. અત્યાર સુધીમાં સ્ત્રીઓનાં લખાણો પોતાના બળે ઊભાં રહેતાં થઈ ગયાં હતાં અને એક સામાન્ય સિદ્ધાંત સ્થાપવા માટે હવે કેન્દ્રવર્તી વિચારો અને શૈલીઓની એક આખી શ્રેણી ઉપયોગમાં લઈ શકાય એમ થયું. મોટા ભાગની લેખિકાઓ સામાજિક રિવાજો અને નિષેધોની જાળમાં ફસાયેલી પોતાની જાત પર ફરી પાછો કબજો મેળવવા માટે એક યાત્રા કરે છે. ‘અથિજીવન’નો આ તબક્કો અક્ષરશ: અસ્તિત્વનો તબક્કો જ છે, જેમાં આ લેખિકાઓ કેન્દ્રવર્તી વિચાર અને શૈલી એમ બંને પ્રકારનાં સ્વરૂપોનો ઉપયોગ કરે છે. મોટા ભાગની સમકાલીન લેખિકાઓએ ટૂંકી વાર્તાના સ્વરૂપમાં પોતાનો વધુ અર્થપૂર્ણ ફાળો આપ્યો છે. અંગ્રેજી ટૂંકી વાર્તાનાં લખાણો પર ઝડપથી નજર ફેરવી લઈએ તો આપણને આ સાહિત્યિક નમૂનો સમજવામાં મદદ મળશે. મહારાણીની અંગ્રેજી ભાષા ભારતમાં ભલે કારકુનોની જમાત ઊભી કરવા માટે દાખલ કરાઈ હોય, પણ ભારતીયોએ વિશ્વભરમાં ચોક્કસ સ્થાન મેળવવા માટે આ ભાષાનો ચબરાકપણે ઉપયોગ કર્યો છે. રામ મોહનરાય અંગ્રેજીમાં પ્રથમ વાર લખનારા ભારતીય હતા. ધર્મ પરનાં એમનાં લખાણો, ધ પ્રિસેપ્ટ્સ ઑફ જિસસ અને ધ ગાઈડ ટુ પીસ ઍન્ડ હૅપ્પીનેસ એમની ભાષાની અસ્ખલિતતાના પુરાવા છે. જોકે એમનાં લખાણો સર્જન કરતાં વધુ ઉપયોગિતા પર આધારિત જ છે. સૌથી પહેલી અંગ્રેજી નવલકથા લખનારા ભારતીય લેખક બંકિમચંદ્ર ચેટરજી હતા. રાજમોહન્સ વાઈફ એમની પહેલી નવલકથા હતી. ભારતીય અંગ્રેજી સાહિત્યના પટ પર સૌથી વધુ જાણીતી મહિલાઓ તરીકે તોરુ દત્ત અને સરોજિની નાયડુ હતાં. આ સંદર્ભમાં તોરુ દત્તની નવલકથા બિયાન્કા ઑર ધ યંગ સ્પૅનિશ મેઈડનનો ઉલ્લેખ કરી શકાય. ૧૯મી સદીનાં છેલ્લાં પચીસ વર્ષમાં પ્રસિદ્ધ થયેલાં એમનાં લખાણોએ ભારતીયકરણના તબક્કાની કેડી કંડારી. પોતાનાં કાવ્યોના એક જ પુસ્તકથી એમણે અંગ્રેજીમાં લખનારી ભારતીય સ્ત્રીઓની કતાર ખડી કરી દીધી અને એટલે જ અંગ્રેજીમાં લખાતા ભારતીય સાહિત્યની પહેલ કરનાર મહાન લેખિકા તરીકે એમની ગણના થાય છે. એમના પછી આવનારી જે સ્ત્રીઓએ શાશ્વતીનો દાવો કર્યો છે એ બધીનાં તેઓ પ્રતિનિધિ છે; આ સ્ત્રીઓએ લાંબી અને ટૂંપનારી પરંપરાઓએ તેમની કલ્પનાશક્તિને રૂંધનારી અને તેઓની સ્ત્રી તરીકેની ઓળખ પ્રત્યે શંકાશીલ બનાવનારી તીવ્ર અને વાસ્તવિક અડચણો સામે પડકાર ફેંક્યો છે; ભારતીયો તરીકે અને લેખિકાઓ તરીકે તેમણે એક એવી ભાષામાં લખ્યું છે, જેની પર એમણે સરળતાથી કાબૂ તો મેળવ્યો જ છે, પણ એને તેઓ પોતાની કહી શકતાં નથી. અંગ્રેજીમાં લખનારા જે ભારતીય લેખકોએ સંસ્થાનસ્થાપકોએ (કૉલોનાઈઝર્સ) પૂરા પાડેલા અંગ્રેજી ભણતરની અસર હેઠળ લખવાની શરૂઆત કરી હતી. તેઓ ઝડપથી રાષ્ટ્રીય જાગૃતિના એક એવા સ્તર પર પહોંચી ગયા કે તેઓએ પશ્ચિમમાં ભારતને અનિવાર્ય રીતે પ્રગટ કરી આપવાની સેવા બજાવી. જોકે લાંબા સમય સુધી સ્ત્રીઓનાં લખાણોની તો અછત જ રહી. આઝાદી પછીના સમયગાળામાં નવલકથા અને ટૂંકી વાર્તાના ઉત્પાદનમાં ગતિ આવી અને ભલે મોડી શરૂઆત થઈ, પણ માત્ર જથ્થામાં જ નહીં, ગુણવત્તામાં પણ કવિતા કરતાં ક્યાંય આગળ એ નીકળી ગઈ. શરૂઆતના તબક્કાના કલ્પનાકથાઓના સૌથી વધુ પ્રખ્યાત લેખકો ડી. એફ. કરાકા, મુલ્કરાજ આનંદ, રાજા રાવ અને આર. કે. નારાયણ છે અને ત્યાર બાદ કે. નાગરાજન, ભબાની ભટ્ટાચાર્ય, મનોહર માળગાંવકર, ખુશવંત સિંઘ અને અન્ય છે. અંગ્રેજીમાં કલ્પનાકથાઓ (ફિક્શન્સ) લખનારી નોંધપાત્ર લેખિકાઓની સૂચિ હવે ઘણી લાંબી છે અને એમાં જાઈ નિમ્બકર, કમલા માર્કણ્ડેય, અનીતા દેસાઈ, રૂથ પ્રોવર જ્હાબવાલા, નયનતારા સહગલ, નીના સીબલ, નમિતા ગોખલે, ચિત્રા બેનરજી, શશી દેશપાંડે, ગીતા મહેતા, શોભા ડે, ભારતી મુખરજી, અરુંધતી રોય અને અન્યોનો સમાવેશ થાય છે. જાઈ નિમ્બકરની પ્રથમ નવલકથા ઑરિયેન્ટ લૉન્ગમૅન દ્વારા ૧૯૭૪માં પ્રકાશિત થઈ હતી. એ જ કંપનીએ ૧૯૯૫માં એનું પુન: પ્રકાશન કર્યું હતું. તેઓ મરાઠી અને અંગ્રેજી એ બંને ભાષાઓમાં લખે છે. એમની અન્ય અંગ્રેજી નવલકથા કમ રેઈન ૧૯૯૩માં પ્રકાશિત થઈ હતી. નિમ્બકરે અંગ્રેજીમાં ટૂંકી વાર્તાઓના બે સંગ્રહ પણ પ્રગટ કર્યા છે. ૧૯૪૮માં વસવાટ કાજે લંડન રહેવા જવા પહેલાં કમલા પૂર્ણૈયા માર્કણ્ડેય ભારતમાં એક પત્રકાર હતાં. ત્યાં જઈને તેઓએ એક અંગ્રેજ પુરુષ સાથે લગ્ન કર્યાં હતાં. એમની પહેલી નવલકથા નેક્ટર ઇન અ સીવ ૧૯૫૪માં પ્રકાશિત થઈ હતી અને વિવેચકોએ એને વધાવી લીધી હતી. લોભામણા બૂકર પ્રાઇઝ માટેની ટૂંકાવેલી સૂચિમાં અનીતા દેસાઈનું નામ ત્રણ વાર આવી ચૂક્યું છે. ૧૯૮૦ અને ૧૯૮૪માં અનુક્રમે ઈન કસ્ટડી અને ક્લિયર લાઇટ ઑફ ધ ડે માટે અને ૧૯૯૯માં ફાસ્ટિંગ ઍન્ડ ફિસ્ટિંગ માટે. ફાયર ઓન ધ માઉન્ટન, ગેમ્સ બેટ ટ્વાઈલાઈટ અને ધ વિલેજ બાય ધ સી એમનાં અન્ય નોંધપાત્ર પુસ્તકો છે. રૂથ પ્રોવર જહાબવાલાનો જન્મ પોલિશ માતાપિતાને ત્યાં જર્મનીમાં થયો હતો અને ૧૨ વર્ષની વયે તેઓ ઇંગ્લૅન્ડ આવ્યાં હતાં. ત્યાર પછી તેઓ ભારતમાં સ્થાયી થયાં હતાં. ભારતની પશ્ચાદ્ભૂમિમાં લખાયેલ એમની ઘણી નવલકથાઓ, ટી.વી. અને સિનેમાની પટકથાઓ પ્રગટ થઈ છે. ૧૯૭૫માં એમને હીટ ઍન્ડ ડસ્ટ માટે બૂકર પ્રાઇઝ મળ્યું હતું અને એમની પટકથાઓ – અ રૂમ વિથ અ વ્યૂ અને હાવડ્ઝ ઍન્ડ માટે એમને બે વાર એકૅડમી અવૉર્ડ્ઝ પણ મળ્યા છે. એક રાજકીય પરિવારમાં નયનતારા સહગલનો અનન્ય ઉછેર થયો હતો, જેનો પડઘો એમની વાર્તાઓ તેમ જ રાજકીય લખાણોમાં પડે છે. પ્રિઝન ઍન્ડ ચૉકલેટ કેકના નામે તેમણે પોતાનાં સંસ્મરણો લખ્યાં છે. અ ટાઇમ ટુ બી હૅપ્પી, સ્ટોર્મ ઇન ચંદીગઢ, અ સિચ્યુએશન ઇન ન્યૂ દિલ્હી; રિચ લાઇક અસ અને મિસ્ટેકન આઇડેન્ટિટી જેવી એમની નવલકથાઓ મોટા ભાગે ભારતીય ઇતિહાસની પશ્ચાદ્ભૂમિમાં રચાઈ છે. શોભા ડેની સાત નવલકથાઓ પ્રગટ થઈ છે, જે બધી જ અતિ સફળ રહી છે. એમની નવલકથાઓના શૃંગારિક વિષયો ચર્ચાસ્પદ રહ્યા છે અને તેમના કામ વિશે મતમતાંતર પ્રવર્તે છે. સ્ત્રીસર્જકો માટે વર્જ્ય ગણાતા કેન્દ્રવર્તી વિચારોનાં ઉપયોગ કરવાનું સાહસ કરવા બદલ અમુક લોકો એમનો તિરસ્કાર કરે છે, જ્યારે બીજા એમનાં વખાણ કરે છે. ભારતી મુખરજીનાં લખાણો, “સ્થળાંતર(માઇગ્રેશન)ની ઘટના, નવા આ પ્રવાસીઓના મોભા (ઇમિગ્રન્ટના સ્ટેટસ) અને સ્વેચ્છાએ સ્વદેશત્યાગ કરનારા (એક્સપેટ્રિએટ્સ) લોકોને અનુભવાતા એકલપણાની લાગણી” તેમ જ ભારતીય સ્ત્રીઓ અને તેમની આગળ વધવા માટેની જહેમત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમનાં લખાણોમાં ધ ટાઇગર્સ ડૉટર, વાઇફ, ડાર્કનેસમાંની ટૂંકી વાર્તાઓ અને એમના પતિ સાથે મળીને લખેલી ધ સોરો ઍન્ડ ધ ટેરરનો સમાવેશ થાય છે. એમના ટૂંકી વાર્તાઓના સંગ્રહ ધ મિડલમૅન ઍન્ડ અધર સ્ટોરીઝને બેસ્ટ ફિક્શન માટેનો નૅશનલ બૂક ક્રિટિક્સ સર્કલ અવૉર્ડ મળ્યો છે. સાહિત્યવર્તુળમાં ઍંગ્લો-ઇન્ડિયન લખાણોને નવી ઊંચાઈ સુધી પહોંચાડવા માટે જે લેખકોને શ્રેય આપવું પડે, એમાં અરુંધતી રોયનું નામ લેવું જ રહ્યું. એમની પહેલી નવલકથા ધ ગૉડ ઑફ સ્મૉલ થિંગ્ઝ માટે ૧૯૯૬માં એમને પ્રતિષ્ઠિત બૂકર પ્રાઇઝ મળ્યું હતું. એક નાનકડા ભારતીય પ્રકાશન ગૃહ, ઇન્ડિયા ઇન્ક દ્વારા એમની નવલકથાનું પ્રકાશન કરવામાં આવ્યું હતું અને તેર દેશોમાં એની ૬૦ લાખથી પણ વધુ નકલો વેચાઈ ચૂકી છે. જે લોકોને ઓછા લાભ મળતા હોય એવા લોકો માટે હાલમાં તેઓ કામ કરી રહ્યાં છે. ગીતા મહેતાએ રાજ અને અ રિવર સૂત્ર જેવી નવલકથાઓ અને કર્મા કોલા અને સ્નેક્સ ઍન્ડ લેટર્સ જેવાં કથાવાર્તારહિત (નૉન-ફિક્શન) લખાણો લખ્યાં છે એમનાં લખાણોના તેર ભાષાઓમાં અનુવાદ થયા છે અને સત્યાવીસ દેશોમાં પ્રગટ થયા છે. ચિત્રા બેનરજી દિવાકરુણીની ગણના એક અન્ય મહત્ત્વનાં લેખિકા તરીકે થાય છે, જેઓ ૧૯૭૬માં ૧૯ વર્ષની ઉંમરે યુનાઇટેડ સ્ટેટ્સ જઈને વસ્યાં હતાં. ૧૯૯૫માં દિવાકરુણીએ ટૂંકી વાર્તાઓનો એક સંગ્રહ એરેન્જ્ડ મૅરેજ’ પ્રગટ કર્યો હતો. ૧૯૯૭માં તેમણે એમની પહેલી નવલકથા ધ મિસ્ટ્રેસ ઑફ સ્પાઇસીઝ લખી હતી. ૧૯૯૮માં પ્રગટ થયેલી સિસ્ટર ઑફ માઇ હાર્ટ દિવાકરુણીની તાજી જ લખાયેલી નવલકથા છે. ૨૦મી સદીનાં છેલ્લાં પચાસ વર્ષોમાં, નિયતકાલિક સામયિકોને મળેલી અભૂતપૂર્વ લોકપ્રિયતાએ અગાઉ ક્યારેય નહોતી એટલી ટૂંકી વાર્તાઓની માગ ઊભી કરી દીધી અને એના ઉત્તરરૂપે કેટલાય લેખકોએ સાહિત્યના આ પ્રકાર ઉપર હાથ હાથ અજમાવ્યો. ગીથા હરિહરન, સુમા જોસન, સુજાતા સન્ક્રાન્તિ, શશી દેશપાંડે, મંજુ કપૂર અને સુઝન વિશ્વનાથન જેવી આગળપડતી ભારતીય અંગ્રેજી ટૂંકી વાર્તાઓની લેખિકાઓએ તેમનાં પ્રતિભાસંપન્ન સર્જનોમાં કરુણા અને માનવતાવાદ મિશ્રિત કળાની તીવ્ર ચમત્કૃતિસભર અદ્ભુત વાર્તાઓ લખી છે, જેમાં વર્ણ, વર્ગ અને જાતિના નિષેધોને પડકાર ફેંક્યા છે. પૌરાણિક કથાઓ, રિવાજો અને પરંપરાઓ મુજબ જ ભારતીયોનું રોજબરોજનું જીવન ચાલે છે એમ ઘણી સમકાલીન લેખિકાઓ સમજી શકી છે. ઘણી સ્ત્રીઓ પોતાની જાતને આમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરે છે, પણ તે છતાંય આ બધી બાબતો તેમનામાં છેક ઊંડે સુધી ઊતરી ગઈ છે અને તેઓની માનસિકતા તેમ જ તેઓની વ્યક્તિગત, ધાર્મિક અને ભારતીય ઓળખનો એક ભાગ બની ચૂકી છે. સ્ત્રીઓએ લખેલી વાર્તાઓ નિરાડંબરી હોવા છતાંય નાટકીય છે. એમાંની મોટા ભાગની વાર્તાઓમાં સ્થાનિક રંગ ભળેલો હોય છે અને એમાંથી નિ:શંકપણે ભારતીય મિજાજ પણ ડોકાય છે. આ લેખિકાઓ સર્વસામાન્યપણે પોતાનાં પાત્રોને પરંપરાઓ સામે લડતાં દાખવે છે. તેઓ સહાનુભૂતિથી અને ચતુરાઈપૂર્વક વાર્તા કહે છે. ભારતીય સમાજમાં સ્ત્રીઓ પાસે મર્યાદિત પર્યાયો જ હોય છે; ખાસ તો એમણે પરંપરાગત રીતે જે ભૂમિકા ભજવવાની હોય, એનાથી દૂર જવાનું પગલું જો ભરાય તો એની મોટી કિંમત ચૂકવવી પડે છે, એની વાત કરે છે. શશી દેશપાંડે એક અનુભવી, ટૂંકી વાર્તાનાં લેખિકા છે. તેમણે ક્યારેય જાગૃતિપૂર્વક લેખિકા બનવા માટેનો નિર્ણય લીધો નહોતો. એમના કહેવા મુજબ લેખનવિશ્વમાં તો તેઓ અણધાર્યાં આવી પડ્યાં હતાં, પણ પછી એમને સમજાયું કે આ વ્યવસાય તો ક્યારનોય એમની રાહ જોઈ રહ્યો હતો. તેઓ કદાચ અન્ય લેખિકાઓ વતી પણ કહે છે કે “આપણા સમાજમાં સ્ત્રી હોવું એટલે શું એ વિશેની મારી ખુદની તીવ્ર અને લાંબા સમયથી દાબી રખાયેલી લાગણીઓમાંથી જ મારી વાર્તાઓ નીપજે છે; હું આ બધી ભૂમિકાઓના કુલ સરવાળા કરતાંય કંઈક વધુ અને જુદી છું, એની જાણ થવામાંથી આ નીપજે છે. મારી પોતાની એક માનવી હોવા વિશેની જાગૃતિ અને સમાજના મારા એક સ્ત્રી હોવા વિશેના ખ્યાલ – એ બંને વચ્ચેના સંઘર્ષમાંથી મારાં લખાણો બહાર આવે છે.” જે ભારતીયો અંગ્રેજીમાં લખે છે તેઓએ સર્જનની બે વાસ્તવિક અને ગંભીર સમસ્યાઓ સાથે બાથ ભીડવાની છે. પહેલી તો જે ભાષા વપરાય છે તે. બારતીયો, ખાસ તો એમાંનો સામાજિક અને બૌદ્ધિક રીતે ભદ્ર વર્ગ બૌદ્ધિક કારણોસર અંગ્રેજીનો ઉપયોગ કરે છે, પણ ભાગ્યે જ એ તેમની લાગણીઓની ભાષા બને છે. બીજી, મોટા ભાગના સર્જકોએ તેમનાં લખાણોમાં બિન-અંગ્રેજી બોલીની પરિસ્થિતિઓમાં અંગ્રેજી ન બોલનારા લોકો સાથે કામ લેવાનું હોય છે. સ્ત્રી-સર્જકો માટે આ બે ગોથાં ખવડાવે એવા અંતરાયો વધુ મહત્ત્વના બની જાય છે, કારણ કે તેઓ મોટા ભાગે વર્ણનાત્મક ભાષા ન વાપરનારા લોકો, એકલતા અનુભવતાં બાળકો, સ્ત્રીઓ – જુવાન અને વૃદ્ધ અને પ્રાણીઓ વિશે પણ વાત કહેતા હોય છે. તેઓ પારકી ભાષામાં લખે છે, પણ તેઓનાં લખાણનાં વિષયવસ્તુ અને પોત તો અચૂકપણે ભારતીય જ હોય છે. તે છતાંય, આ સ્ત્રીઓએ તેઓની બધી જ મર્યાદાઓને અતિક્રમીને એમના પર વિજય મેળવ્યો છે તેમ જ અદ્ભુત અને વખાણવાલાયક નામાંકિતતા મેળવી છે. સ્ત્રીઓએ લખેલી વાર્તાઓમાં ભારતીય સ્ત્રીઓના રોજબરોજના અનુભવોને જ્યાં વાચા મળે છે, ત્યાં જ ઘણી વાર્તાઓમાં નહીં લખાયેલી ઊંડી ચુપકીદીઓ પણ સંભળાય છે. આપણને જાણ થાય છે કે પરિવાર, શિક્ષણ અને ધર્મની સંસ્થાઓમાં રહેલા જડબેસલાક અંકુશોની સાથે આ લેખિકાઓએ બાંધછોડ કરવી પડે છે. આમાં સૌથી વધારે ખરાબ જાતિ વડે કરવામાં આવનારો અંકુશ છે. આધુનિક જ્ઞાનમાં ઊંડાં મૂળિયાં ધરાવનારા પુરુષોના આધિપત્યને આ વાર્તાઓ ગંભીરપણે પડકારે છે. સ્ત્રીશિક્ષણમાં પ્રગતિ અને ઉચ્ચ શિક્ષણ સુધીની પહોંચ હોવા છતાં પણ સ્ત્રીઓની જાગૃતિને હજી પણ મર્યાદિત રખાય છે, પિતૃપ્રધાન વ્યવસ્થા હજીય જડબેસલાક છે અને અગણિત રીતે સતત સર્જાતી જ રહે છે, એ વાત આ લખાણોમાં આલેખાય છે. જાતિને મર્યાદા માટે મુકાતી કાપકૂપ સાથે જોડનારાં બંધનો વિશેના પદાર્થપાઠો પણ અહીં છે. આ મર્યાદા માટેની કાપકૂપ પોતાની જાત, પરિવાર, સંસ્કૃતિ, ધર્મ અને શાસન તરફથી આવી શકે છે. હવે ઘણી વાર પરખાઈ જાય છે કે આખી જિંદગી કાપકૂપો સાથેના સંપાદન મુજબ ચાલ્યા બાદ, લગભગ સ્વયંસ્ફુરણાથી જ, કોઈ પણ જાગૃતિ વિનાના વિચાર અને આનાકાની કર્યા વિના જ, પ્રેમ અને વફાદારીના નામે, સ્ત્રીઓ પોતાનાં લખાણોમાં પોતાની જાતે જ કાપકૂપ કરી લે છે. હવે તેઓ મનોમન સમજી ગયાં હોય એમ લાગે છે કે તેમણે પોતાની પારિવારિક જિંદગી કે પોતાના ઓળખીતા લોકોની જિંદગીઓને પોતાનાં લખાણોમાં લાવવી જ નહીં, આમ કરવાથી પતિ અને બાળકો ઉઘાડાં પડે છે - અરે, તેઓ મશ્કરીનોય ભોગ બને છે, કારણ કે એક એવી માન્યતા છે કે સર્જક જ્યારે એક સ્ત્રી હોય ત્યારે તો એણે સર્જેલાં પાત્રો જરૂર એની અંગત જિંદગીમાંથી જ લેવાયેલાં હોય છે. આપણે જ્યારે એક પછી એક વાર્તા વાંચતાં જઈએ ત્યારે જોવા મળે છે કે કઈ રીતે સ્ત્રીઓ કેટલાંક દેખીતાં તો કેટલાંક વણદેખ્યા રિવાજો અને પ્રણાલિકાઓ સામે લડતી રહે છે. હકીકતમાં તો આ લેખિકાઓએ હિંમતપૂર્વક કઈ રીતે પોતાનો ‘અવાજ’ અને પોતાની જાતને પાછાં મેળવ્યાં છે એની જ આ બધી વાત છે.