નારીવાદ: પુનર્વિચાર/ત્રિભેટે
ત્રિભેટે
લક્ષ્મી કન્નન
નવલકથાકાર અને કવયિત્રી, દિલ્હી
જે લેખકો અને કલાકારો સ્ત્રી-જાતિ(જેન્ડર)નાં છે, તેઓને કદાચ અન્ય કોઈ પણ શબ્દની સરખામણીમાં નારીવાદ (ફેમિનિઝમ) શબ્દે સૌથી વધુ બેચેન બનાવ્યાં હશે. જે સ્ત્રીઓએ અભિનયને વ્યવસાય તરીકે અપનાવેલ છે, તેઓએ સફળતાપૂર્વક પોતાની જાતને માત્ર ‘કલાકાર’ તરીકે ઓળખાવીને ભલે જાતિનો સંકેત દર્શાવતી સંજ્ઞા ખેરવી નાંખી છે, પણ લેખકોએ હજી પોતાની જાતને પેલી વારંવાર વપરાતી સંજ્ઞામાંથી મુક્ત કરવાની બાકી છે. એક સ્ત્રી-લેખકને હજી પણ એક લેખિકા તરીકે જ ઓળખાવાય છે (જ્યારે ‘પુરુષ-લેખક’ એવું કોઈ બોલતું નથી) અને તેથીય વધુ જો એના અમુક કામમાં નારીવાદી (ફેમિનિસ્ટ) એજન્ડા ન હોય તો આ બાબત હજી વધુ જટિલ બને છે. એક લેખિકાની ‘નારીવાદી’ સંજ્ઞા પ્રત્યેની અસ્વસ્થતા સમજી શકાય છે, કારણ કે અમુક મુદ્દાઓનો અન્યથા સરળ અને રૂઢિ મુજબ નિયત કર્યા મુજબ જ ઉપયોગ થતો હોય છે, પણ એ જ સંદર્ભે નારીવાદના સિદ્ધાંતો જે વલણો અપનાવે છે, એ મુજબના સૂચિત નકશામાં પોતાની જાતને બંધબેસતી કરવા માટે એક સાંકડા બીબામાં એણે પોતાની જાતને બળજબરીપૂર્વક ઠાંસી દેવી પડે છે. આ જ કારણસર એક લેખિકા લડીને પણ એ સંજ્ઞાથી પોતાની જાતને મુક્ત કરે એ ન્યાયોચિત જ છે. કેટલીક વાર આ સંજ્ઞા અતિશય કુંઠિત કરી દેનારી અને વિભાગીકરણ કરતી હોય એમ જણાય છે અને જે લેખિકાએ મુખ્ય પ્રવાહમાં યોગ્ય રીતે પોતાનું સ્થાન જમાવ્યું હોય એને રૂંધી દે છે. સત્યનાં પરસ્પર વિરોધી જણાતાં બધાં જ પાસાંને એ પોતાની સર્જકતામાં સમાવી લે છે અને એ નારીવાદી ગણાય કે ન ગણાય એવા પુસ્તકિયા સ્પષ્ટીકરણને એ પડકારે છે. ઉદાહરણ તરીકે કોઈ લેખિકા પોતાની કલાત્મક પ્રામાણિકતા દર્શાવવા એની કૃતિના મુખ્ય પુરુષપાત્રનું સારું ચિત્રણ કરે તો એને કોઈ ચોક્કસ જાતિ પ્રત્યે ભેદભાવ ન હોય એમ પણ હોઈ શકે. અથવા તો એના કથાવસ્તુઓમાં સર્વસામાન્ય મુદ્દાનો જ વિસ્તાર કરવામાં આવ્યો હોય, ત્યાં બિલકુલ નારીવાદી વાત જ ન હોય. લેખિકાને જે રીતે સત્ય દેખાતું હોય, એ જ રીતે એનું ચિત્રણ કરવા માટે એ વચનબદ્ધ હોય છે, પછી ભલે ને એ ગમે તેટલું બરછટ કે પ્રતિકૂળ હોય, એને વિવિધ દૃષ્ટિકોણથી જોવું જ પડે. જો આ લેખિકા નારીવાદની બીજી બાજુ વિશે લખે અને એ બાજુની વરવી વાસ્તવિકતા ઉઘાડી પાડે તો? લોકો જે સામાન્ય મુદ્દાથી ટેવાયેલા હોય, એનાથી તદ્દન વિરોધી મુદ્દો ઉપસાવતા સત્ય વિશે એ કદાચ કહે પણ, કારણ કે એનું સત્ય એની કથાના મુખ્ય સ્ત્રીપાત્રનું ભૂંડું ચિત્રણ કરતું પણ હોય. આ પ્રકારના કિસ્સામાં આ બાબતો પર ધ્યાન આપવામાં આવતું નથી અથવા વણદેખ્યું કરવામાં આવે છે. અથવા સ્ત્રીઓની વિરુદ્ધ બોલવા માટે આ લેખિકાની ટીકા કરવામાં આવે છે. પ્રામાણિકપણે જોઈએ તો, જે લેખિકાઓ વયમાં મોટાં છે અને જેઓ છેલ્લા બેથી ત્રણ દાયકામાં ‘નારીવાદ’ કહેવાતી ચળવળના બળ પર ઊછર્યાં છે, તેઓ આ સૂચક સંજ્ઞાનો સંપૂર્ણપણે અસ્વીકાર કરવામાં શરમ અનુભવે છે, કારણ કે તેઓનું નામ અને સ્થાન આ ચળવળને કારણે જ છે. એવું નથી કે આ લેખિકા હવે એની સામેથી મોં ફેરવી લે છે. તેઓ તો હવે માત્ર આગળ વધી રહ્યાં છે, વિકસી રહ્યાં છે અથવા ચોખલિયા નારીવાદી અભ્યાસોના ઔપચારિક જડ સિદ્ધાંતોથી ઉપર ઊઠી રહ્યાં છે. સમયના આ તબક્કે હવે આપણને નારીવાદની એક નવી જ કાવ્યમયતા જોઈએ છે, જે ‘નારીવાદ પછીના સમય’(post-feminism)માંથી ‘પછીના’-વાળી (post) બાબતનો સામનો કરી શકે - એક એવી કાવ્યમયતા જે લેખિકાઓના સર્જનની ગૂઢતાની બરાબરી કરી શકે. એક નવી કાવ્યમયતા, જે જીવનના અર્કનો બેરોકટોક સામનો કરી શકે નવા વિચારોનો સ્વીકાર કરી શકે અને માનવીય અનુભવોને જુદા-જુદા સ્તરે વર્ણવી શકે. જો નારીવાદ આપણને દૂર સુધી લઈ ગયો હોય, તો એણે આપણને અડધે રસ્તે, ‘નારીવાદ પછી શું ?’ જેવા પ્રશ્ન સાથે છોડી પણ દીધાં છે. લખાણો અને કથાવસ્તુઓને આપણે સાવ નવી રીતે જોવાં જરૂરી છે, પણ એ જ જૂના, અતિપ્રચલિત શબ્દાડંબર સાથે નહીં. નારીવાદને હંમેશાં લેખિકાઓ પાસેથી જો સ્ત્રીઓનું ‘રૂપાળું ચિત્ર’ જ જોઈતું હોય તો લખાણોમાં જિંદગીના ઝાંખા કે ઝળહળતા રંગોની છટાની પૂર્ણતા કેવી રીતે દેખાશે ? કળાને કળા તરીકે જ જોવી જોઈએ. લખાણો કંઈ હંમેશાં નારીવાદી વિદ્વાનોના સુવ્યવસ્થિત આયોજન મુજબનાં નથી હોવાનાં, અને હું એવી કોઈ પણ સંવેદનશીલ લેખિકા વિશે વિચારી પણ શકતી નથી, જે એ પ્રમાણે કરવા માગતી હોય. જોકે આ ચળવળ ભારતના (અને બાકીની દુનિયાના પણ) સામાજિક પોતમાં ઘણા સ્વસ્થ ફેરફારો લાવવામાં અતિશય મદદરૂપ નીવડી છે, તે છતાં કોઈ પણ કૃતિને કળાની દૃષ્ટિએ જોવાની તૈયારી દાખવીને સામાજિક પરિકલ્પનોને જોવાનું નિર્ણાયક સાધન વિકસાવવાની જરૂર છે. આ લેખના અંતમાં હું સમજાવીશ કે જો નારીવાદી વિવેચન “શું નારીવાદી છે” અને “શું નથી” એવી પોતાની કાર્યસૂચિને જડતાપૂર્વક વળગી જ રહે તો, કેવી રીતે કોઈક વાર કોઈ લખાણનો સાર સંપૂર્ણપણે સમજવામાં અસફળ રહે છે; પણ એ પહેલાં આજે એક સ્ત્રીને કયાં બે મુખ્ય પરસ્પર વિરોધી પરિબળો વિશે દલીલ કરવી પડે છે, એ મને ટાંકવા દો. એક તો, મેં આગળ કહ્યા મુજબ, વિકાસ માટેની એક સ્ત્રીની શોધ, વિષયવસ્તુઓની ઊંડી તપાસ કરવા માટેનો એનો સાહસિક જુસ્સો – જે ઘણી વાર નારીવાદની ઔપચારિક જરૂરિયાતો કરતાં ભિન્ન પણ હોઈ શકે છે – જેથી કરીને એ પોતાને નિષ્પક્ષ અને કોઈ પણ જાતિ પ્રત્યેના પૂર્વગ્રહરહિત રાખે છે. પોતાના અંગત જીવનમાં ડગલે ને પગલે જાતિ પ્રત્યેના પૂર્વગ્રહની જે ખેંચતાણ એ અનુભવતી રહે છે, એ કારણે એની શોધમાં આડખીલી ઊભી થાય છે. અમુક જડ, દુન્યવી અનુભવોનું પુનરાવર્તન થતું રહે છે. એ કારણે એ સ્ત્રી આળી થઈ જાય એવા સ્ત્રીસહજ અનુભવો એને વારંવાર થતા રહે છે. એ કારણસર એને એમ માનવાની ફરજ પાડવામાં આવે છે કે અમુક ચીજો બદલાઈ જ નથી અને ઘણા લાંબા સમય સુધી એ બદલાવાની પણ નથી. એ આ અનુભવોને કોઈ રીતે ટાળી નહીં શકે જોકે એની પર એ કંઈક અંશે કાબૂ મેળવી શકે ખરી. જ્યારે નારીવાદના બીબાઢાળ નમૂનાને એ પડકારતી હોય ત્યારે જેને કશી જ લેવા-દેવા ન હોય એવું બાહ્ય વિશ્વ એને એ જ બીબાઢાળ અનુભવો તરફ ધકેલીને શિસ્તમાં આણવાનો પ્રયત્ન કરે અને એને બીજી સ્ત્રીઓનાં જીવન જેવું જ પોતાનું જીવન ત્રાસદાયક લાગવા માંડે. એ પોતે રૂઢિગત થઈ ગયેલી પરિસ્થિતિમાં આવી પડી હોય એમ લાગે, જેમાં રૂઢિગત થઈ ગયેલી કહેવત – “વ્યક્તિગત એ જ રાજનૈતિક” – એને પોતાને જ લાગુ પડતી હોય એમ દુ:ખદ રીતે પુરવાર થાય. પોતાની જાતને આ પ્રકારના અનુભવથી દૂર કરીને પોતે જે છે, એ જ રહેવામાં ઘણી મહેનત પડે. આ અનુભવ કદાચ ચુપકીદીમાં ઢંકાઈ જાય અથવા જ્યારે એને એના માટેનો યોગ્ય સંદર્ભ જડે, ત્યારે એને વાચા મળે અને ફરી પાછો આ સંદર્ભ તો ચોક્કસપણે નારીવાદી જ હોવાનો. એને લાગે કે આ તો ફરી પાછું એ જ ચક્ર પૂરું થયું. હું મારા પોતાના (અન્ય ઘણામાંથી) બે અનુભવો ટાંકી શકું, જેમને બીબાઢાળ તો નહીં પણ ‘લાક્ષણિક’ તો ગણી જ શકાય, કારણ કે એ અન્ય ઘણી સ્ત્રીઓને પણ થયા જ હશે. આ અનુભવોમાંના પહેલા અનુભવે, કહેવાતા શિક્ષિત પુરુષના ડોળનો પર્દાફાશ કરીને મનથી તો એ હજી પણ ગુફા-માનવ જ છે, એમ દર્શાવ્યું, પછી ભલે ને એ એક સહકાર્યકર્તા, પરદેશમાં યોજાનારા કાર્યક્રમમાં સહભાગી થનાર કે માત્ર વ્યાવસાયિક સમાનતા ધરાવનારના વેશમાં હોય. ચાર્લ્સ વૉલેસ ટ્રસ્ટ ફેલોશિપ હેઠળ, કેન્ટમાં યુનિવર્સિટી ઑફ કેન્ટરબરીમાં, એક રાઈટ-ઇન-રેસિડન્સ તરીકે મેં એક સત્ર પસાર કર્યું હતું, એ સમયે એ જ કૅમ્પસ પર, પણ જુદા પ્રોગ્રામના બે પુરુષો, જેઓ ભારતથી જ આવ્યા હતા, એમના સંપર્કમાં હું આવી. એ બંને જણ તામિલનાડુના અંધકારમય અંતરિયાળ પ્રદેશની અધોગામી માનસિકતા ધરાવનારા હોય એમ લાગતું હતું. મને મળીને જ્યારે એ લોકો વધુપડતા ખુશ થયા ત્યારે મને એમ થયું કે આ એકદમ બ્રિટિશ-પ્રચુર કૅમ્પસ પર તેઓને તામિલ ટહુકા સાંભળવા હશે. કેન્ટમાં તેઓના શૈક્ષણિક હોદ્દા વિશે મને ખબર નહોતી, પણ મને ખબર પડી કે હું જ્યાં રહેતી હતી એની સામે જ તેઓને સિંગલ રૂમ આપવામાં આવી હતી જ્યારે મને એક રેસિડન્ટ રાઇટરની રૂએ એક સંપૂર્ણપણે સજાવેલો ફ્લૅટ આપવામાં આવ્યો હતો અને એક ઘરકામ કરવાવાળી બાઈ પણ દર અઠવાડિયે બે વાર આવતી અને સાફસૂફ અને અન્ય કામમાં પણ મદદ કરવા લાગતી. એ પુરુષોને જ્યારે મારો ફ્લૅટ જોવા મળ્યો, ત્યારે પણ ફરી વાર તેઓ મારું સરસ સજાવેલું રસોડું જોઈને વધારે પડતા ખુશ થઈ ગયા હતા, અને એ જ સમયે મને તેઓના ઇરાદા વિશે શંકા પડવા માંડી હતી. થોડા જ વખતમાં મારી નઠારી શંકા સાચી પડી. એ બંને પુરુષો મારી પાસેથી એવી અપેક્ષા રાખતા હતા કે મારે નિયમિતપણે તેઓને મારા ફ્લૅટ પર તામિલ જમણ જમવા આવવાનું આમંત્રણ આપવું, કારણ કે તેઓ પોતાના ગોખલા જેવા ઘરમાં પોતાના માટે રાંધી શકતા નહોતા કે પછી રાંધવા માગતા નહોતા. એટલે જ હંમેશાં તેઓનાં મોં પર ભૂખડીબારસ જેવા ભાવ દેખાયા કરતા. મેં સાવધ રહેવાનું નક્કી કર્યું અને દેખીતી હકીકત પર ભાર મૂકીને કહ્યું કે હું ત્યાં એક પ્રોગ્રામ માટે આવી હતી અને મારા માથે કામના ઢગલા છે, જેમાં યુ.કે.ના વિવિધ ભાગોમાં મારાં પ્રવચનો અને વાચનો ગોઠવાયેલાં છે અને મારે વારંવાર મુસાફરી કરતા રહેવું પડશે. મેં તેમને કહ્યું કે મારી પાસે ખરેખર રસોઈ કરવા માટે સમય જ નથી, અને સામાન્યપણે હું સૅન્ડવિચ અને ફળફળાદિથી જ ચલાવી લઉં છું. જે દિવસે એ લોકોએ મને લગભગ કરગરીને તામિલ જમણ જમવા માટે આમંત્રણ આપવા કહ્યું, ત્યારે વળી પાછો મને ન ધાર્યો હોય એવો આંચકો લાગવાનો હતો. મેં રાંધેલું જમણ પેટ ભરીને જમ્યા પછી તેઓએ મારી દયા ખાતાં કહ્યું, “બહેનજી, અમને સમજાય છે કે તમે લગભગ પાંઉ અને ફળફળાદિ પર જ કેમ જીવો છો, કારણ કે જ્યારે કોઈ સ્ત્રીનો પતિ એની સાથે ન હોય ત્યારે એ માત્ર પોતાના માટે કેવી રીતે રાંધી શકે?” એ લોકો ખરેખર એવું માનતા હતા અથવા તો એવું માનવા ઇચ્છતા હતા કે હું એક આખુંય શૈક્ષણિક સત્ર માત્ર પાંઉ અને ફળફળાદિ પર જ રહીને જીવવા માગતી હતી, કારણ કે કોઈ સ્ત્રીનો પતિ જ્યારે એની સાથે હોય અથવા તો એ જ્યારે મહેમાનોને આમંત્રિત કરે ત્યારે જ એ રાંધી શકે પણ એ માત્ર પોતાના માટે ક્યારેય રાંધી ન શકે ! હવે મારે એ જણાવવાની જરૂર છે ખરી કે ત્યાર પછી મેં એ લોકોને દરવાજો જ બતાવી દીધો અને મનોમન ઇચ્છ્યું કે એ બ્રિટિશ કૅમ્પસ પરનું આ તેમનું છેલ્લું વ્યવસ્થિત તામિલ જમણ બની રહે! “સ્ત્રી એટલે ખોરાક” અથવા સ્ત્રીનું ભાષાંતર ખોરાક – એમ જ થાય છે. બસ, આ એક જ અભિગમ કોઈ પણ સ્ત્રીને નારીવાદી બનાવી દે છે, ભલે પછી એ સ્ત્રી એ શબ્દમાત્રથી સંકોચ અનુભવતી હોય. થોડાં વરસ પછી એ જ કંટાળાજનક નાટક વળી પાછું થયું. આ વખતે સિમલાની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝના સિલ્વન કૅમ્પસ પર જ્યાં એક ફેલો તરીકે એક પ્રોજેક્ટ પર મેં એક શૈક્ષણિક સત્ર માટે કામ કર્યું હતું. જોકે આ વખતે મારા પતિ મારી સાથે હતા. ફરી એક વાર અમને તામિલનાડુના અંતરિયાળ પ્રદેશનાં ગામડાં, જેવાં કે સેલમ, તાંજોર, મદુરાઈ અને અમુક તો ખૂબ જ નાનાં પણ શહેરીકરણ થઈ ગયું હોય એવાં ગામડાંના પુરુષો જોવા મળ્યા. અમે બધાં જે જનરલ મેસમાં બપોરે જમવા જતાં હતાં, ત્યાં તેઓએ મારા પતિનો સથવારો કરી લીધો. એ સાંજે મારા પતિએ કહ્યું, “તને ખબર છે, એ બધા તામિલ પુરુષોને હું ખૂબ નસીબદાર પુરુષ લાગું છું. જ્યારે મેં પૂછ્યું, હું શા માટે ‘નસીબદાર’ કહેવાઉં ? તેઓએ કહ્યું, ‘તમારી પત્ની અહીં છે અને એ દરરોજ રાત્રે સરસ મજાનાં પકવાન બનાવે છે.’ મેં એક જૂઠાણું ચલાવીને તરત જ એમને સુધાર્યા. મેં કહ્યું, ‘જરાય નહીં. એ અહીં એક ફેલો તરીકે કામ કરે છે, અને એને મળેલા ફ્લૅટમાં હું માત્ર એની સાથે રહું છું, એ કામમાં જ એટલી વ્યસ્ત હોય છે કે અમે મોટા ભાગે પાંઉ જ ખાતાં હોઈએ છીએ, બસ. ઘરમાં કોઈ રસોઈ જ થતી નથી. માટે, હવે તું ધ્યાન રાખજે.” એમણે મારાં સમય અને કાર્યશક્તિની ચિંતા કરતાં મને ચેતવણી આપી. લગભગ એક અઠવાડિયા પછી મારા પતિએ સમાચાર આપ્યા, “મારું નસીબ ઉલટાઈ ગયું છે. નસીબદાર ગણાવામાંથી હવે હું એક ‘કમનસીબ’ પુરુષ બની ગયો છું, અને શા માટે એની તને ખબર છે? એ જ તામિલ પુરુષો કહે છે, ‘બિચારો માણસ! એની પત્ની એને રાત્રે જમવામાં પાંઉ ખવડાવે છે! કેટલું દયાજનક...” જે બીજા અનુભવનું હું બયાન કરવાની છું, એને હું મનોરંજક તો નહીં જ કહું. કોઈ એક વ્યક્તિનાં ધર્મ અને સંસ્કૃતિ બાબતે એની પાસે નૈતિક નિયમોનું પાલન કરાવવાની જે રીત છે, એની આ વાત છે. આ અનુભવ એક સ્ત્રીને એના મૂળભૂત, પાયાના માનવહક્કો તરફ ઢસડી લઈ જાય છે – જે ધર્મમાં એનો જન્મ થયો હતો, જેમાં એનું હક્કપૂર્વકનું સ્થાન છે અને નાનપણથી સંસ્કાર સીંચીને પ્રાર્થના કરવા માટેનો જે હક્ક એને આપવામાં આવ્યો હતો એ વિશેની આ વાત છે. તામિલ હિંદુઓમાં કહેવાતા ‘ધર્મ’નો કબજો પુરુષોએ લઈ લીધો છે, જેમાં ઓછું આત્મ-સન્માન ધરાવતી સ્ત્રીઓ કુનેહપૂર્વક અથવા ખુલ્લેઆમ ટેકો આપીને પુરુષોની આ પિતૃસત્તાક પદ્ધતિને શાશ્વત બનાવી દે છે. કેરળના સબરીમાલા મંદિરમાં પુરુષોની કિલ્લેબંધી દ્વારા જાતિ પ્રત્યેના ભેદભાવવાળી બાબતે જે વિવાદ ઊઠ્યો હતો એને સમાચારમાધ્યમોમાં સ્થાન મળ્યું હતું. આ મંદિરનો વરવો ઇતિહાસ જોઈને નવાઈ જ લાગે, જે બાબતોને લઈને અદાલતે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો એ કારણે સબરીમાલામાં દરેક ઉંમરની સ્ત્રીને પ્રવેશ કરવાની મંજૂરી મળી હતી અને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક તાસીર ધરાવતા આ જમાનામાં હાસ્યાસ્પદ લાગે એવી “જીવવૈજ્ઞાનિક (બાયોલોજીકલ) અશુદ્ધિ” હવેથી પાયાવિહોણી ગણાશે. હજી પણ ઇસ્લામમાં આપણી બહેનો પોતાના ધાર્મિક હક્કો મેળવવા બાબતે ભારે જહેમત ઉઠાવી રહી છે, કારણ કે તેઓને માત્ર તેમના ઘરની ચાર દીવાલોની અંદર રહીને જ બંદગી કરવાની પરવાનગી છે. તેઓની તામિલ હિન્દુ બહેનો હજી પણ, અતિશિક્ષિત ઘરોમાંય, પ્રચ્છન્ન રીતે પણ, પિતૃસત્તાક વ્યવસ્થામાં બહિષ્કાર અનુભવે છે. આ બધું જ સામાન્ય હોવાના અંચળા હેઠળ, નાજુકાઈથી અને શાણપણપૂર્વક કરવામાં આવે છે. જે લોકો શિક્ષણ, આર્થિક પ્રગતિ, નજાકતભરેલા વર્તન અને સ્ત્રીઓને નામ પૂરતા અપાતા માનના મહોરાને અતિક્રમીને જોઈ નહીં શકે એ લોકોને આ વાત નહીં સમજાય. વૈધવ્યની સમસ્યા સામે ‘ધર્મ’ની નજરે ‘કાયદેસર’ પગલાં ભરવાની સત્તા આપનારાં અધોગામી તત્ત્વોનો મારે સામનો કરવો પડ્યો છે, આમાંની કોઈ પણ બાબત જે પુરુષોએ પોતાની પત્નીઓને ગુમાવી છે એમને લાગુ પડતી નથી. પહેલાંની માફક જ તેઓ પોતાની ધાર્મિક પ્રવૃત્તિઓ કરી શકે છે, એમના વર્તન પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવતો નથી. વ્યક્તિનાં શ્રદ્ધા, ધર્મ અને ભારતીયોના કિસ્સામાં – જ્ઞાતિના પ્રશ્ન – જે આ બાબતે લોકોમાં વધુ ગૂંચવાડો ઊભો કરે છે, એ બધા માટે મારે લંબાણપૂર્વક કહેવું છે. આપણે જો એમ કહીએ કે આપણા નવયુવાનોને એક જ્ઞાતિયુદ્ધ છૂટા પાડી રહ્યું છે, જેના કારણે તેઓ રસ્તા પર ઊતરી આવ્યા છે, શૈક્ષણિક સંસ્થાઓની અનામત- વ્યવસ્થાની સામે તેઓ લાઠીમાર અને ધરપકડનો પણ હિંમતપૂર્વક સામનો કરી રહ્યા છે; તો એક જ સરખી જ્ઞાતિની અંદરનું વાતાવરણ પણ ધૂંધળું જ છે, અને જ્ઞાતિના આ આંતરિક મુદ્દા આંતરજ્ઞાતીય લડાઈ કરતાં જરાય ઓછા તકરારી નથી. આપણો જન્મ એક ચોક્કસ ધાર્મિક શ્રદ્ધામાં થાય છે અને આપણું અનુકૂલન જ એવી રીતે થાય છે કે આપણે એને એક નિર્વિવાદ સત્ય તરીકે અપનાવી લઈએ છીએ, જે આપણને ‘સેરેલેક’ કે ‘ગ્લેક્સો’ કે કોઈ પણ પ્રચલિત શિશુઆહારની સાથોસાથ નાનપણથી જ અમુક ચોક્કસ સામાજિક રૂઢિઓ - વર્તન વડે પૂરું પાડવામાં આવે છે, એટલે આપણે આપણી જિંદગીમાં એને એક ‘વાજબી હોવાપણા’ની જેમ જ લઈ લઈએ છીએ. એ જ રીતે, મેં માત્ર હિંદુત્વ જ નહીં, પણ મારી જ્ઞાતિ – બ્રાહ્મણ, જે એની કઠોર રૂઢતા સાથે પણ એક ‘ઉચ્ચ’ જ્ઞાતિ ગણાય છે, એને સ્વીકાર્યા હતા. પછી એ છોકરી મોટી થાય છે, ભણતર મેળવે છે, ચોક્કસ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે વ્યાવસાયિક બને છે અને ‘સ્ત્રીઓની ચળવળ’ (વુમન્સ મુવમેન્ટ)) તરીકે ઓળખાનાર બહુ-આયામી અસ્તિત્વના દાયકાઓનાં પરિવર્તનો સાથે વિકાસ પામે છે. એ કારણસર જ જાતિ પ્રત્યેના પૂર્વગ્રહ વિશેની એની સંવેદનશીલતા ધારદાર બને છે. એને ઝડપથી સમજાઈ જાય છે કે જે ધાર્મિક શ્રદ્ધા(ધર્મ)માં એ જન્મી છે, એ દોષ ન સ્વીકારે એવી, નિશ્ચિતપણે, પિતૃસત્તાક જ છે. તે છતાં પણ, ‘એમાં શી મોટી વાત છે’ કહીને ખભા ઉલાળીને એ એમ કહીને ચલાવી લે છે કે પોતે બીજા લોકો દ્વારા જે અન્ય ધાર્મિક શ્રદ્ધાઓ વિશે ‘જાણે’ છે, એ બદી જ કોઈક ને કોઈક રીતે તો પિતૃસત્તાક જ છે. એ પોતાની જાતને કારણ આપે છે, “એ તો માણસો પર આધાર રાખે છે.” “તમારી અને તમારી શ્રદ્ધાની વચ્ચે માણસો આવી જાય છે.” એ લોકો ગાંડા કરી મૂકે એવું વિરોધાભાસી વલણ ધરાવતા હોય છે, તદ્દન અધોગામી પગલાં ભરે એવા હોય છે; પણ તે છતાંય “એ કંઈ મોટી વાત નથી” એમ વિચારે છે, કારણ કે સ્ત્રીઓએ અસમાન વિશ્વમાં પણ પોતાનો રસ્તો કાઢી જ લીધો હોય છે. એ આગળ વધે છે, એને સમજાય છે કે કોઈ વ્યક્તિની વારસાગત શ્રદ્ધાને કોરાણે મૂકવા કરતાં એની ચામડી ઊતરડીને દૂર ફેંકી દેવી એ વધારે સહેલું કામ છે. એની મર્યાદાઓ કે ખામીઓનાં કારણોમાં, ધાર્મિક ઇતિહાસ, સામાજિક – રાજકીય – સાંસ્કૃતિક – ભૌગોલિક પરિબળોને કારણે જે જુલમી રસ્તા અપનાવાય છે, એ હોઈ શકે છે, નહીં કે એની ધાર્મિક શ્રદ્ધા. એ પોતાની જાતને કારણ આપે છે કે પોતાની ધાર્મિક શ્રદ્ધાને ફગાવી દેવી, એ તો પેલી કહેવતના જેવું કૃત્ય છે કે બાળકને નવડાવ્યું હોય એ પાણીની સાથે બાળકને પણ ફેંકી દેવું જોઈએ. બધાં જ કારણો હોવા છતાંય, મારી સમગ્ર જિંદગીમાં સઘળી વસ્તુઓને જોડી રાખનારા એ પરમ બળની શોધમાં, હું મારા સાંસ્કૃતિક વારસાની પિતૃસત્તાક બાજુને ચાતરીને આગળ વધતાં શીખી. મને ખબર છે કે એ દંભી લોકોના બડબડાટની પાર એક સર્વશક્તિમાન બળનું અસ્તિત્વ છે, જે આપણી જિંદગીઓ પર શાસન કરે છે, અને મારે હંમેશાં એ બળ સાથે સૂર મેળવીને એની સાથે જોડાયેલા રહેવું છે. મારી સાંસ્કૃતિક રીતોમાં, ધાર્મિક દૃશ્યોને વધુ ઉલ્લસિત કરવા માટે અન્ય ચીજો પણ હોય છે – જેમ કે તહેવારો, ઉત્સવો અને આરતીઓ, જેમની સાથે કાવ્ય અને નાટક પણ આવે. જોકે એ નછૂટકે ધાર્મિક, અનેક-દેવવાદી કર્મકાંડો હોય, જે મોટા ભાગે માલ-મિલકત સાથે જોડાયેલાં હોય છે; અને એ સાથે જ આમાંથી હળવા-મળવા માટેના પ્રસંગો ઊભા થતા, જે અન્યથા સાવ સામાન્ય રોજબરોજની જિંદગીમાં ઉત્સાહપ્રેરક બની રહેતા. તે છતાં પણ, ચામડીની અંદર કંઈક ચોક્કસપણે ખટકતું – બ્રાહ્મણોમાં પ્રવર્તમાન રૂઢિચુસ્ત વલણ. આ જ્ઞાતિમાં જન્મેલ, પૂર્વગ્રહરહિત શિક્ષણ પામેલ, પ્રબુદ્ધ, દયાળુ વ્યક્તિમાં પણ આ વલણ આઘાતજનક હદે સપાટી પર આવી શકે છે અને એનું વિકૃત, મતાંધ માથું બહાર કાઢી શકે છે. જાણે કે એ કોઈ એવો હઠીલો રંગ કે ડાઘ હોય, જેને તમે ગમે એટલો ધુઓ કે ઇચ્છો, પણ એને દૂર જ ન કરી શકાય. શિષ્ટાચાર અને કર્મકાંડો પ્રત્યેનો આ એક ઝનૂની લગાવ હતો, જાણે કોઈ સરમુખત્યારની કડક આજ્ઞા ન હોય કે “આ રીતે જ કરો, નહિતર...” પછી ભલે ને એમ કરવામાં નિર્દયતાપૂર્વક કોઈને બાકાત કરી દેવાય અથવા એક સન્નિષ્ઠ, ખંતીલા મિત્રને ચાંદીનાં પારિવારિક પૂજાનાં વાસણોને સ્પર્શવા ન દેવાય, કારણ કે એ કહેવાતી ‘નીચલી’ જ્ઞાતિના હોય. એક સાથે વિશ્વની ઘણી વ્યક્તિઓને એક જ હોદ્દે બેસાડવાના વલણ સાથે આ એકમાત્ર વલણ કદમ મિલાવી શકે ખરું? - આ પ્રશ્ન મને હંમેશાં સતાવતો રહ્યો છે. જે હિંદુ સર્વદેવમંદિરો જોઈને હું મોટી થઈ છું, એમાં દેવ-દેવીઓનાં મોં હું જોઈ રહું છું. તેઓ સ્વસ્થ, ગૂઢ, હિતકારી દેખાય છે. ખાતરીપૂર્વક કહી શકાય કે તેઓ તો આવા દ્વેષભાવ ધરાવતાં બીબાં ન જ ઘડી શકે ને? તેઓ તો આવા ક્ષુલ્લક કે ક્રૂર ન જ હોઈ શકે ને ? પણ વક્રોક્તિ એ છે કે આ જ રૂઢિઓએ અસરકારક રીતે મને એક દિવસ સાક્ષાત્ ‘ઈશ્વર-રહિત’ એકલતામાં હડસેલી મૂકી અને એ પણ એક એવી કટોકટીભરી પરિસ્થિતિનો સામનો કરવાના સમયે કે જ્યારે મને મારા ભગવાનો, મારી શ્રદ્ધા અને મારા માણસોની અત્યંત જરૂર હતી. અને મારા અંગત અનુભવનું વિગતવાર બયાન કરીને જ આ બાબત સમજાવી શકાય – મારા પતિના અવસાન વખતે થયેલ અનુભવનું. મારા પતિનું લિવર કામ કરતું બંધ થઈ જવાને કારણે ઘણા વરસો તેઓ જીવલેણ બીમારીથી પીડાતા હતા, એમાં એન્સેફેલોપેથી નામની અતિ ગંભીર પરિસ્થિતિ સર્જાવાને કારણે વધુ ગૂંચવણો ઊભી થતાં, એમના મગજ, એમની દૃષ્ટિ, એમનું હલનચલન, ઇન્દ્રિયો, આવશ્યક ક્રિયાઓ કરવાની ક્ષમતા પર વિપરીત અસર થતાં તેઓ એક એવા શરીરમાં સપડાયેલા હતા, જે ત્યાર બાદ એમના માટે કશું જ કામ કરી શકે એમ ન હતું. તેઓ બિલકુલ અક્ષમ થઈ ગયા હતા. એમની ચામડી ભૂખરી પડી ગઈ હતી. એમના ચહેરા પર કરચલીઓ વળી ગઈ હતી અને ઘણી વાર માટે એમનું માથું એક તરફ ઢળી જતું હતું. હૉસ્પિટલ જ એમનું ઘર બની ગઈ હતી અને ICU જાણે એમનું શયનગૃહ. અમને તેમ જ એમને પણ ખબર પડી ગઈ હતી કે આ પૃથ્વી પર હવે તેમનો ઝાઝો સમય બચ્યો નહોતો. બ્રાહ્મણ જેવા લોકો એ જ પ્રમાણભૂત ખાતરીઓ આપ્યા કરતા હતા, જેની મને તો ખબર જ હતી : “ભગવાનમાં શ્રદ્ધા રાખો, પ્રાર્થના કરો, મંદિરનાં ટ્રસ્ટોને મોંઘાં દાન આપો (પછી ભલે ને તમારા હૉસ્પિટલનાં બિલો એટલાં ચડી ગયાં હોય કે હવે પછી તો તમારે ઘર જ વેચવું પડે એમ હોય), મંગળવારો, ગુરુવારો અને શનિવારોએ ઉપવાસ કરો (ખાધા-પીધા-સૂતા વગર એમની કાળજી કરવાથી થાકને કારણે તમે મરી જતાં હો તોય શું?), માત્ર તમારા પતિની લાંબી આવરદા માટે પ્રાર્થના કરો (ફરીથી, ભલે એમને પોતાને આવા નકામા શરીરમાં જીવવાનું અશક્ય લાગતું હોય, જેમાં ઠેરઠેર સોયો, નળીઓ અને બીજી ચીજો ભોંકાયેલી હોય, એ બધાનો કોઈ વાંધો નહીં), માત્ર એક જ વાત વધુ મહત્ત્વની છે કે તમારે ‘સુમંગલી’ રહેવાનું છે, એટલે કે ‘સોહાગણ’ – એ સ્ત્રી કે જેનો પતિ જીવિત હોય. એનો અર્થ એ જ થાય છે કે મારે મારા પતિની ‘પહેલાં’ જ જવું જોઈએ. એ સમયે આવી ભયંકર બીમારીમાં એમની દેખરેખ કોણ રાખશે? હું આપું છું એટલાં સમય, શક્તિ અને ધીરજ એમને કોણ આપશે? હું જે રીતે એમની સારવાર માટે આટલા બધા પૈસા ખરચું છું, એટલા પૈસા કોણ ખરચશે ? મને માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું, “શ...શ...શ... માત્ર પ્રાર્થના કરો, ઉપવાસ કરો, દાન આપો...” આ દરમિયાન મારા પતિ જાગ્રતાવસ્થાની ધાર પર ડગમગી રહ્યા હતા, જેમાં તેઓ એવી બેભાન અવસ્થામાં હતા, જ્યાં કાં તો તેઓ સાવ બેભાન હોય અથવા અર્ધ-બેભાન હોય, અને વળી પાછા બેભાન થઈ જાય અથવા તો ઘેનમાં સરી પડતા અને ICUમાં પણ એમની સતત દેખભાળ રાખવાની જરૂર પડતી. ઘ્રાણેન્દ્રિય તો તેઓ ગુમાવી જ ચૂક્યા હતા, પણ એકાએક થોડા કલાકો માટે એમની દૃષ્ટિ પણ જતી રહેતી. જો એમની નજીકમાં કોઈ વસ્તુને ઝાળ લાગી જાય અને એ બળી પણ જાય તોપણ એમના ધ્યાનમાં ન આવતું. એમની જિંદગીના છેલ્લા દિવસો તો તેઓ માત્ર ધર્માદા પર જ જીવ્યા, કારણ કે મિત્રો અને રેડક્રૉસ સોસાયટી દ્વારા ગોઠવણ કર્યા મુજબની અજાણી વ્યક્તિઓએ આપેલા અગણિત વારના રક્તદાનમાંથી મળેલા પ્લાઝમા પર જ તેઓ જીવતા હતા. પેલા બ્રાહ્મણિયાઓએ એમની અંતિમક્રિયાની ઉજવણીઓમાં હાજરી આપી હતી, વિધિપૂર્વકના ક્રિયાકાંડ મુજબ, ‘સાચી રીતે’ આ ઉજવણી થાય છે કે નહીં, એની ખાતરી કરવા માટે જ! અને મૃત્યુ પછી પણ જડતાપૂર્વક તેઓ પહેલા, બીજા, પછી પાંચમા, દસમા અને તેરમા દિવસની ગણતરી પણ કરતા રહ્યા – જે બધી જ વિધિઓ યોગ્ય રીતે કરવી જરૂરી હતી. ૧૩મા દિવસ પછી, તેઓ બધા જ પોતાના ઠામ-ઠેકાણાં દર્શાવ્યા વિના અલોપ થઈ ગયા! ત્યારે કોણ અલોપ થઈ ગયું ? પોતાની સાંસ્કૃતિક મહાનતા અને એકરૂપતાની દંભી માનસિકતા ધરાવનારા, રૂઢિઓથી ગ્રસ્ત, મતાંધતા ધરાવનારા પછાત બ્રાહ્મણોનું ટોળું. અને તેઓની સાથે જ તેઓ જે ભગવાનોના સમૂહ પાસે મને ‘સુમંગલી’ (સોહાગણ) રાખવાની આજીજી કરાવતા હતા એમને પણ અસરકારક રીતે લેતા ગયા, કારણ કે તેઓએ મને ખાસ તહેવારો અને અવસરોમાં શાણપણપૂર્વક બાકાત કરી દીધી, કારણ કે એ સંદર્ભમાં, હવે મારી હાજરી ‘અમંગળ’ ગણાવા લાગી. મને આશ્ચર્ય થયું કે શું ભગવાનો માત્ર તહેવારો પૂરતા જ મર્યાદિત છે ? અને આમ એકાએક એ બધામાં ભાગ લેવાનો મારો હક્ક કેમ જપ્ત થઈ ગયો ? એક મરતા માણસની સારવાર કરતાં-કરતાં જીવતા રહી જવાથી ? આ પછાતપણાની ‘ખામીઓ અને દોષો’ને ભરપાઈ કરી દેવા માટે મારો પરિવાર મને ઉષ્માપૂર્વક વીંટળાઈ વળ્યો. તેઓએ ભરપૂર રીતે મને ઘરેણાં, સૌંદર્યવર્ધક પ્રસાધનો, સુગંધી દ્રવ્યો, ફૂલો, રજાઓ અને કપડાંના એવા રંગોની છોળોથી છલકાવી દીધી કે જે મારાં ઉત્તમ વર્ષોમાં પણ મેં ક્યારેય નહોતાં વાપર્યાં. એ લોકોના મને ફરીથી ‘શણગારવા’ના અને મને શોકમાંથી બહાર કાઢીને સામાન્ય પ્રવાહમાં પાછી ખેંચી લાવવાના મરણિયા પ્રયત્નો જોઈને હું દ્રવી ઊઠી હતી. હળવેકથી, મારા પરિવાર અને મિત્રોએ મને ફરી પાછી મારી કલમ પકડવા અને ઘણા લાંબા સમય બાદ મારા કમ્પ્યૂટર સામે બેસવા માટે મનાવી લીધી. પણ પાછી પરિવાર અને મિત્રવર્તુળની બહારની પણ એક જિંદગી હોય છે. એક સ્ત્રીને, જે સમયે, સૌથી વધુ એની ધર્મનિષ્ઠાની જરૂર હોય છે, એ જ વખતે શું એ જ બાબત એની ઉપેક્ષા કરે છે ? ખરેખર જોવા જઈએ તો નહીં જ ! એ તો ફરીથી એ જ ‘માણસોની તકલીફ’ અને તેઓનો જાતિ પ્રત્યેનો ભેદભાવ. તે છતાંય, હું મારા જીવનના આ વિરેચક તબક્કા માટે આભારી છું, જે વખતે મારા ઘરની શાંતિમાં જ, પહેલી વાર મેં મારી અંદર ડોકિયું કર્યું અને તપાસ્યું કે કટોકટીની એ ક્ષણમાં, એક વિયોગી સ્ત્રીને આપવા માટે રૂઢ ધર્મ પાસે શું-શું છે. એ મારા જીવનમાં વળાંક લાવનાર બિંદુ હતું, ત્યારે ભલે એ વ્યંગાત્મક લાગે, પણ મારી શ્રદ્ધા વધવા લાગી હતી – મારી જાતમાં, મારા પરિવારનાં મારી કાળજી લેનારાં સભ્યોમાં અને વિવિધ ધર્મ– જેવા કે ખ્રિસ્તી, ઇસ્લામ, હિંદુ, જૈન, શીખ, બૌદ્ધ અથવા આર્યસમાજ-ની ભૂમિકા ધરાવનારા મારા મિત્રોમાં. આ લોકોનો ધર્મ માત્ર પ્રેમ જ હોય એમ લાગતું હતું, અને જે રીતે મને મારા જીવનની દુ:ખ, ડર, એકલતા અને વિખૂટા પડી જવાની સૌથી વધારે અંધારી ક્ષણોમાંથી બહાર કાઢવા માટે તેઓએ અમૂલ્ય સમય પસાર કરીને દેખરેખ રાખીને મારી કાળજી કરી, એ મને ખૂબ સ્પર્શી ગયું હતું. તેઓની મારા પ્રત્યેની કાળજી અને ચિંતા મારા અસ્તિત્વમાં ભળી ગઈ અને મને પાછી સંપૂર્ણ બનાવી. જે બળને હું હંમેશ શોધતી રહી હતી, એ પરમ બળ મને આ લોકોમાં સ્પષ્ટ દેખાયું. લોકોમાંની મારી શ્રદ્ધાને આ લોકોએ પુન: પ્રસ્થાપિત કરી. ભલે એ આશ્ચર્યજનક લાગે, પણ જુદાજુદા (અને એકબીજાને ઓળખતા પણ ન હોય એવા) મિત્રોએ એકસરખો સરસ વિચાર પ્રદર્શિત કર્યો : “લક્ષ્મી, સાંજ પડે, જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે મને તારા વિચારો આવે કે તારા ઘરમાં તું સાવ એકલી શું કરતી હોઈશ !” તેઓમાંનાં ઘણાંએ જ્યારે મને આમ જ કહ્યું, ત્યારે હું અવાક્ બની ગઈ અને મને આશ્ચર્ય થયું કે એકસરખા વિચારની કડીએ તેઓને સાંકળી દીધાં હતાં. પહેલી વાત તો એ જ કે કોઈ પણ ધર્મ એવો કઈ રીતે હોઈ શકે જે દયાળુ અને માનવીય ન હોય ? નસીબજોગે, મને એક આધ્યાત્મિક માર્ગ જડ્યો, જેને માણસ જેવો જ ચહેરો પણ છે – અને એ છે બૌદ્ધ ધર્મ. ત્યાર પછી, જિંદગીમાં જેમ નારીવાદ એક અનિવાર્ય ‘વાદ’ છે, એમ જ નારીવાદી દૃષ્ટિકોણ ઊભરે છે. જેમ આ માક્સવાદનો વિશ્વભરમાં અનિવાર્યપણે સ્ફોટ થયો હતો. એણે આપણને એક ચોક્કસ પ્રકારનો તીવ્ર દૃષ્ટિકોણ આપ્યો હતો, જેના પછી ક્યારેય પાછા ફરીને જોવાનું રહ્યું જ નહીં. જે વ્યક્તિ છેલ્લા ચાર દાયકાથી લખે છે, અને જે એક સ્ત્રી પણ છે, એની પાસેથી નારીવાદી દૃષ્ટિકોણ રાખવાની અપેક્ષા રાખવામાં આવે છે, આ માત્ર એક ધારા તરીકે નહીં, પણ સ્ત્રીઓ સામે થતા અત્યાચાર અને તેઓના માનવીય હક્કોના ઉલ્લંઘનની સામે જે જાગૃતિ આવી છે, એના કારણે છે. કારણ કે છેક મૂળમાં જઈને પાયાના સ્તરે જોઈએ તો નારીવાદ એ માનવીય હક્કો વિશેની જ વાત છે. માત્ર જ્યારે કોઈ પીડિત કે અસરગ્રસ્ત વ્યક્તિ સ્ત્રી હોય, ત્યારે જ એ મુદ્દાને ‘નારીવાદ’ ગણવામાં આવે છે. પ્રિન્ટ અને વિઝયુઅલ મીડિયાની મહેનતને આભારી ન્યાયવ્યવસ્થા, શૈક્ષણિક અને વ્યાવસાયિક સંસ્થાઓમાં પણ આ જાગૃતિ વ્યાપક અને તીવ્ર બની છે. આપણી આજુબાજુની બધી જ બિન-સરકારી સંસ્થાઓ – NGO વારંવાર છપાયેલાં અને દૃશ્ય-માધ્યમો સાથે કદમ મિલાવીને ચાલતી હોવાને કારણે, સ્ત્રીઓને લગતા કોઈ પણ મુદ્દા અને કોઈ સ્ત્રીને અન્યાય થતો હોય એવી ઘટના સામે તરત ‘અવાજ’ ઊઠે છે અને ત્વરિતપણે એ જાહેર જનતાના પોકારમાં ફેરવાઈ જાય છે. હમણાંથી જે રીતે છપાયેલાં અને દૃશ્ય-માધ્યમોમાં સ્વાસ્થ્ય, ચુસ્તી અને સમજણપૂર્વકના ખોરાક વિશે જેવી સામાન્ય જાગૃતિ જોવા મળે છે, તેવી જ રીતે આપણા અસ્તિત્વના ખૂણેખૂણામાં આ બાબતનાં પરિણામો ફેલાઈ ચૂક્યાં છે. તેઓ સ્વાસ્થ્ય વિશે સજાગ રહેવાનું શીખવે છે, ડાયાબીટીસ, રક્તના ઊંચા દબાણ અથવા હૃદયની બીમારીઓ સાથે કેવી રીતે કામ લેવું, એ સમજાવે છે. તેઓ માનસિક દબાણ સાથે કામ લેવા અને સમયનો સમજણપૂર્વક ઉપયોગ કરવા વિશે માનસિક કાઉન્સેલિંગ આપે છે. જ્યારે કોઈ વીમાની પૉલિસી દ્વારા છેતરપિંડી કરવામાં આવે, ત્યારે કૉર્ટને કઈ રીતે હલબલાવી દેવી, એ વિશે ગ્રાહકોને સલાહસૂચન આપે છે, વગેરે વગેરે. આપણે એક એવા વાતાવરણમાં જીવીએ છીએ, જ્યાં જીવનમાં પોતાના યોગ્ય હક્કો મેળવવા માટે જનતા ‘અવાજ’ ઉઠાવી શકે છે. જો ઇન્ડિયા ગેટમાં મીણબત્તીઓ લઈને, જાગરણ કરીને જનતાએ વિરોધ ન નોંધાવ્યો હોત તો જેસિકા લાલ, પ્રિયદર્શિની મટ્ટુ અને નીતીશ કટારા જેવા કિસ્સાઓમાં આપણી ન્યાયવ્યવસ્થા અને જનતાના સુષુપ્ત આત્માને જગાડી ન શક્યાં હોત. નારીવાદી વિદ્વાનો કેવી રીતે માત્ર પાઠ્યપુસ્તકો તરફ જ નજર રાખે છે અને સ્ત્રીઓના સમર્થન કાજે કેમ લડતા નથી, એ મુદ્દા તરફ હું પાછી જઉં. ઘણા વખતથી હું હેલ્પ-એજ ફાઉન્ડેશન સાથે જોડાયેલી છું અને વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતો, તેઓના સ્વાસ્થ્ય અને તેમની સામાજિક-આર્થિક તકલીફો વિશે જાગૃતિ ફેલાવવા માટે અને તેઓનાં જીવનની ગુણવત્તા કઈ રીતે સુધારી શકાય, એ માટેનાં ઘણાં સેમિનારો, વર્ક શોપ્સ અને કાર્યક્રમોમાં મેં ભાગ લીધો છે. જેમ સ્ત્રીઓ વિશેના અભ્યાસ કરનારા વિભાગોમાં સ્ત્રીઓની ડેમોગ્રાફિક પ્રોફાઈલ, તેઓ ગામડા કે શહેરની પશ્ચાદ્ભૂમિકા ધરાવે છે અને અન્ય લાગતી-વળગતી માહિતી મેળવાય છે, એમ જ જેના આધારે આગળ વધી શકાય એવી સ્વીકૃત માહિતી, આંકડા, કેસ-સ્ટડીઝ અને રિસર્ચ પછીની માહિતી અમે મેળવી છે. માટે જ, હેલ્પ-એજ સેમિનારોમાં અમે જે તારણ પર આવ્યાં છીએ એ કોઈનો ‘અભિપ્રાય’ નથી, પણ પ્રયોગાત્મક રીતે પુરવાર થયેલ માહિતી છે. આવી જ એક માહિતી એક ખળભળાવી મૂકે એવા સત્ય તરફ આંગળી ચીંધે છે કે જે વૃદ્ધો સ્વનિર્ભર રહીને જીવી શકવા માટે અતિશય વૃદ્ધ થઈ ગયાં હોય અને જેઓને પોતાના પુત્રો પાસેથી નાણાકીય મદદ મેળવવાની જરૂર પડે છે, તેઓને પોતાની પુત્રવધૂઓ તરફથી ખૂબ જ ખરાબ સમય વેઠવો પડે છે. એક સમયે મહત્ત્વપૂર્ણ વ્યાવસાયિક પદો ભોગવનાર શિક્ષિત વૃદ્ધો, જેઓ હવે સક્રિય સેવામાંથી નિવૃત્ત થઈ ચૂક્યા હોય, તેઓ માટે પણ આ બાબત સાચી ઠરે છે. જ્યારે NRI પુત્રો તેઓને પરદેશ લઈ જાય છે ત્યારે આ પરિસ્થિતિ વધુ વણસે છે, કારણ કે એમ કરવાથી ભારતમાંનાં તેમનાં સગાંસંબંધીઓ સાથેના તેમના સંબંધો કપાઈ જાય છે. એ લોકોને સારો ખોરાક મળતો નથી, અથવા પૂરતો ખોરાક મળતો નથી, તેઓને આરામદાયક જગ્યા ને ઓરડો મળતાં નથી અને મોટા ભાગે તેઓની અવગણના કરવામાં આવે છે અને એક વ્યક્તિ તરીકે તેઓને ભાગ્યે જ માન મળે છે. હકીકતમાં તો તેઓનો ‘વ્યક્તિ તરીકેનો દરજ્જો’ જ છીનવી લેવામાં આવે છે અને તેઓને એક અન્ય પાયરીના દરજ્જા પર ઉતારી મૂકવામાં આવે છે, જેમ કે માત્ર ‘દાદા-દાદી કે નાના-નાની’. તેઓની પોતીકી ઓળખને પણ નકારવામાં આવે છે. એની સરખામણીમાં, જે વૃદ્ધો પોતાની દીકરીઓ સાથે રહે છે, તેઓ વધુ સારી રીતે રહે છે. સંગ્રહિત માહિતીમાં દર્શાવ્યા મુજબ, એવું નથી કે સંતાન તરીકે દીકરી વધુ સારી હોય છે, પણ સામાન્ય રીતે જમાઈ, મા-બાપ અને દીકરીના સંબંધમાં માથું મારતા નથી, કાવાદાવા નથી કરતા, કાવતરાં ઘડીને વૃદ્ધોને ઇન્કાર અને વંચિતતાની પરિસ્થિતિમાં સપડાવી નથી દેતા. પુરુષો (આ કિસ્સામાં, જમાઈ) કામકાજમાં વ્યસ્ત હોય છે. જેના કેન્દ્રસ્થાને વૃદ્ધ પુરુષો કથાનાયક હોય એવી મારી બે વાર્તાઓ પ્રકાશિત થઈ છે અને આ બંને વાર્તાઓને મૂળ તામિલ તેમ જ અંગ્રેજી અને હિંદીમાં અનુવાદિત સ્વરૂપમાં ઘણા વાચકોએ વાંચી છે. એક વાર્તા લંડનમાં આકાર પામી છે, જેને તામિલમાં પ્રમુખપણે વિવેચકો તરફથી મળતો ‘ઇલાક્કિયા ચિંતનાઈ અવૉર્ડ’ મળ્યો છે. બીજી વાર્તા કાલ્પનિક સ્વરૂપોની મદદથી ઘડાઈ છે, જેમાં પક્ષીઓ, ખિસકોલીઓ, છોડવાં, ફૂલો અને વૃક્ષો એકબીજા સાથે અને આ વાર્તાના કેન્દ્રમાં રહેલ કથાનાયક સાથે પણ ‘વાતચીત’ કરી શકે છે. હિંદી વાચકોમાં આ વાર્તા પસંદગી પામી હતી. એક વખત જ્યારે એનું હિંદીમાં વાચન થતું હતું એ દરમિયાન શ્રોતાગણમાં હાજર રહેલ વિદ્વાનો અને સંસ્કૃતિથી પરિચિત લોકોએ ભારતીય ફૂલો અને વનસ્પતિની આજુબાજુ વીંટળાયેલી દંતકથાઓ અને લોકકથાઓ વિશે વાત કરીને એ વાર્તાને અલંકૃત બનાવી હતી. આ બંને વાર્તાઓમાં સ્ત્રીઓને, ઉદાહરણ તરીકે, ઘરની પુત્રવધૂઓને પોતાની જરૂરિયાતો બાબતે હિંસક, કર્કશ અને સ્વાર્થી બતાવાઈ છે. શારીરિક રીતે દુર્બળ, વૃદ્ધ પુરુષો સાથે તેઓ નીચ અને ક્રૂર વર્તન કરે છે. આ વાર્તાઓએ રસપૂર્વક શ્રોતાગણને જાણે બે બહોળા સમૂહો – સ્ત્રીઓ અને પુરુષોમાં વહેંચી દીધો! જ્યારે પુરુષોએ સોગંદપૂર્વક જણાવ્યું કે તેઓએ આવી વાત પોતાનાં કુટુંબોમાં બનતી જોઈ છે, ત્યારે સ્ત્રીઓએ વિરોધ કરીને મને સવાલ પૂછ્યો કે મેં શા માટે સ્ત્રીઓને આવી ભૂંડી ચીતરી છે? મને પૂછવામાં આવ્યું, “એક લેખિકા ઊઠીને સ્ત્રીઓનું આવું નકારાત્મક ચિત્રણ કેવી રીતે કરી શકે?” જવાબરૂપે મેં કહ્યું કે આપણાથી મનસ્વીપણે આમ ‘નકારાત્મક’ કે ‘હકારાત્મક’ ધ્રુવીકરણ ન કરી શકાય. સત્ય તો ક્યાંક અધવચ્ચે છે અને હેલ્પ-એજમાંની સંગ્રહિત માહિતી પણ એ જ દર્શાવે છે. ત્યાં અમુક સ્ત્રીઓએ કહ્યું કે “ધારો કે એવું હોય તોપણ એક લેખિકાએ આ રીતે એને જાહેરમાં લાવવું જોઈએ નહીં.” આ જ મુદ્દા પર ત્યાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે એક દ્વંદ્વયુદ્ધ છેડાઈ ગયું, અને હું તો માત્ર એક વામણી પ્રેક્ષક બનીને રહી ગઈ. એ વાર્તા ભુલાઈ ગઈ, એની લેખિકા ભુલાઈ ગઈ, અને સાચી જિંદગીનું નાટક ખેલાવા માંડ્યું, જેમાં પુરુષો બૂમબરાડા પાડીને કહેવા લાગ્યા, “મારા મોટા ભાઈના ઘરમાં આમ જ થાય છે. સ્ત્રીઓ પોતાના કપટી વર્તનથી ‘સત્યાનાશ’ વાળી દે છે!” અને સ્ત્રીઓએ આક્રમક રીતે પુરુષોનો વિરોધ કર્યો. હું શાંતિપૂર્વક બેસીને એ મોટો ઝઘડો જોઈ રહી હતી ત્યારે મને એ જોઈને વિચિત્ર આનંદ (મારી લાગણી પ્રદર્શિત કરવા માટે જો એ શબ્દ પૂરતો હોય તો) થયો કે મારી વાર્તા એ લોકોને એટલી ‘હકીકત’ લાગી હતી, કે તેઓ એના તરફી – અથવા એના વિરોધમાં ગરમાગરમ ચર્ચા કરવા લાગ્યાં હતાં. જ્યારે સમાજ – વૈજ્ઞાનિકો, રિસર્ચરો અને મીડિયા-રિપૉર્ટરો જે માહિતીને ‘સ્પષ્ટ હકીકત’ તરીકે નોંધતા હોય છે, ત્યારે એક લેખિકા, જે સ્ત્રી છે, એને પૂછવામાં આવે છે કે “તમે કેવી રીતે આ કરી શકો?” મને ખબર છે કે નારીવાદી વિવેચકો અને વિદ્વાનો મારી કાલ્પનિક વાર્તાઓ અને કવિતાની નાયિકાઓને લુચ્ચાઈપૂર્વક જુએ છે. સુવ્યવસ્થિત આયોજાયેલ નકશા મુજબના અનુભવો, જે ખરેખરી જિંદગી અને એમાં ઊભાં થનારાં આકસ્મિક આશ્ચર્યો સામે સાવ સુષ્ઠુસુષ્ઠુ લાગે એવી રીતે જોવાને બદલે જો તેઓ સંપૂર્ણપણે અવલોકન કરીને, જીવનની તાર્કિક સૂઝ વાપરીને, એના સ્વરૂપને વિસ્તારીને એક પડકારરૂપે જુએ તો સારું. નારીવાદને જો માનવીય હક્કો તરફ ધીમેથી ખસેડીને જોવામાં આવે તો એનો સ્વસ્થ વિકાસ થશે. વિવેચકો, વિદ્વાનો અને લેખકોને ‘સ્ત્રીઓ’ અને ‘પુરુષો’ની છાવણીઓમાં સતત વહેંચતા રહીને પુસ્તકિયા નારીવાદીઓ એક અન્ય ખાસ પ્રકારની તીવ્ર નકારાત્મક પ્રતિક્રિયા આપતા રહે છે. એક પ્રતિષ્ઠિત નારીવાદી સંસ્થાએ રાષ્ટ્રીય સ્તરના સેમિનાર માટે સમગ્ર દેશમાંથી તેમ જ પરદેશથી પણ થોડા પ્રતિનિધિઓને આમંત્રીને અમને બધાંને એકઠાં કર્યાં હતાં. સત્રો દરમિયાન ઘણી હૈયાવરાળ ઠલવાઈ હતી અને આવા જ એકાદ સત્રમાં, જે લેખિકાઓએ પ્રતિષ્ઠિત અને મહત્ત્વપૂર્ણ પુરુષ-વિવેચકો તરફથી વખાણ અને પ્રશંસા મેળવ્યાં હતાં, તેમને વખોડી કાઢવામાં આવ્યાં હતાં! “આનું કારણ શું છે ?” રોષે ભરાયેલા એક પ્રતિનિધિએ પૂછ્યું હતું, “આપણે આ લેખિકાઓનાં લખાણો ફરીથી ઝીણવટભરેલી નજરે તપાસવાં જોઈએ, અને તેઓ ક્યાંક પિતૃસત્તાક વૃત્તિનાં પ્યાદાં તો નથી બની ગયાં ને, એ જોવું જોઈએ.” જાણે કે એ લખાણો જ ખુદ કોઈક રીતે આરોપી ન હોય! તામિલનાડુ એક એવો વિસ્તાર છે, જ્યાંના લેખકો અને વિવેચકો પોતાના કાર્ય વિશે કઈ રીતે કામ કરે છે, એની મને જાણ છે અને અહીં દેખાડા અને દંભનું સામ્રાજ્ય ફેલાયેલું છે. હું ઘણી લેખિકાઓને ઓળખું છું, જેઓ પોતાનાં માનસ-પિતા – જે કોઈ મહત્ત્વપૂર્ણ લેખક હોય અથવા તો કોઈ પ્રતિષ્ઠિત સામયિકના તંત્રી હોય – એમની ખૂબ જ નજીક હોય છે. જ્યારે આ સ્ત્રીઓ પોતાના લખાણો છપાવતી હોય છે ત્યારે સાવધાનીપૂર્વક આ પુરુષો પાસે આમુખ લખાવવાનું ટાળતી હોય છે અને સાભાર-સ્વીકારમાં તેઓના નામનો ઉલ્લેખ સુધ્ધાં કરતી હોતી નથી. પુસ્તકમાં એક પુરુષના નામનો સમાવેશ કરવા દેવા માટે, વ્યાવસાયિક નારીવાદીઓ આ લેખિકાને એના પુસ્તક સાથે જ ફાડી ખાય. તેઓ જાતે ભલે ગળાં ફાડીને ‘જાતિ પ્રત્યે સંવેદનશીલતા’ અને ‘જાતિવિભાજન અને ભેદભાવ’ના રાગડા તાણ્યા કરે, પણ તે છતાંય સંપૂર્ણ કુશળતાપૂર્વક લુચ્ચાઈસભર દંભનો દેખાડો કરીને એ જ પ્રકારની ‘વિભાજન કરો અને સત્તા ભોગવો’-વાળી વાત સતત ચલાવ્યા કરે. મુખ્ય વાત એ છે કે નારીવાદ કે અન્ય કોઈ પણ ‘વાદ’ વિશે ચોક્કસપણે કોઈ કંઈ જ કહી શકે નહીં. જિંદગી બેકાબૂપણે વિપુલ પ્રમાણમાં આડેધડ ચાલતી રહે છે, માટે એક લેખિકા તરીકે એક સ્ત્રીએ ખુલ્લો અભિગમ રાખવો જોઈએ. આ પ્રક્રિયામાં, જો એણે દર્દનાક રીતે પણ નોંધવું પડે કે અમુક સ્ત્રીઓ, જે અન્ય સ્ત્રીઓ એમના કરતાં ઓછી નસીબદાર હોય કે પછી વૃદ્ધાવસ્થાને કારણે નબળી પડી ગઈ હોય, તેમની પર દાદાગીરી કરતાં ઝડપાઈ જાય છે, તો આ બાબતને પણ નારીવાદી કાવ્યાત્મકતાએ સમતાપૂર્વક પચાવવી જ પડે. અને એ જ પ્રક્રિયામાં, જો એ લેખિકા આનંદપૂર્વક નોંધ લે કે પોતે અમુક એવા પુરુષોને મળી છે, જેઓ સ્ત્રીઓના મિત્ર છે અને જેઓ મિત્રભાવે, એક સહકર્મચારી તરીકે અથવા તો એક પરિવારજન તરીકે સ્ત્રીઓને મદદ કરવા માટે સઘળું કરી છૂટે છે, તો આ બાબતને પણ નારીવાદી કાવ્યાત્મકતામાં સ્થાન મળવું જ જોઈએ. જો કોઈ લેખિકા પોતાના દરેક લખાણમાં થોડાંક જોખમો ન ઉઠાવે, તો એને સર્જનાત્મક અભિગમધારી કેવી રીતે કહી શકાય ? એણે પોતાની જાતને ચીલાચાલુ જડ પરિસ્થિતિઓની બેડીમાં જકડાઈ જવા દેવી ન જોઈએ, કારણ કે કોઈ પણ પ્રકારનું જોખમ લઈએ, એ સ્વાતંત્ર્ય, સાહસ અને અમુક પ્રકારના ભોળપણ તરફ છલાંગ મારવામાં જ પરિણમે છે.