નારીવાદ: પુનર્વિચાર/ભારતીય મીડિયામાં જાતિ-આધારિત રજૂઆત

From Ekatra Foundation
Jump to navigation Jump to search

ભારતીય મીડિયામાં જાતિ-આધારિત રજૂઆત: એક અનુનારીવાદી અભિગમ

શોભના નાયર
(ફૅકલ્ટી, એસ. આર. મહેતા કૉલેજ, અમદાવાદ)

પરિચય : નારીવાદ (ફેમિનિઝમ) અને
અનુનારીવાદ (પોસ્ટ-ફેમિનિઝમ)

નારીવાદી (ફેમિનિસ્ટ) માન્યતા માટે કેટલાય વિવિધ સૈદ્ધાંતિક અભિગમો અને સંજોગોને ધ્યાનમાં લેવામાં આવે છે, પણ ભલે એ સામાજિક - આર્થિક, માનસિક અથવા સાહિત્યિક હોય, મૂળ એને માત્ર બે જ બાબતો સાથે સંબંધ છે – સામર્થ્ય અને મુક્તિ. (જૈન, ૨૦૦૧ : ૮૨.) જૈન આગળ વધીને જણાવે છે કે નારીવાદી લડતનો ત્રણ તબક્કામાં અભ્યાસ કરવામાં આવ્યો છે : પહેલા તબક્કામાં સમાનતા અને રાજનૈતિક હક્કો આવે છે અને બીજામાં વૈકલ્પિક અભિગમો અને જ્ઞાનમીમાંસાની આવશ્યકતા વિશેની વાત થાય છે. પહેલામાં ‘પુરુષ’ને કેન્દ્રસ્થાને મૂકીને સ્ત્રી ‘પુરુષ નથી’, પણ તે છતાંય બંને એક થઈ જાય, એવી પરમ ઇચ્છા દર્શાવાય છે; જ્યારે બીજામાં માતૃત્વ તેમ જ ‘સ્વ’ જેવી ભિન્નતાઓના લાભ આગળ ધરવામાં આવે છે. અનુનારીવાદના ત્રીજા તબક્કામાં, એક સ્તરે, આ દ્વિગુણી, પરસ્પર-વિરોધી પરિસ્થિતિનો નાશ કરવાનો પ્રયત્ન છે; અને બીજા સ્તરે, સામર્થ્ય અને મુક્તિનું પુન: સ્પષ્ટીકરણ કરવાનો પ્રયત્ન થાય છે. સ્ત્રીની ભૂમિકાઓના ક્ષેત્રનું વિસ્સ્તરણ કરવાનો આ એક પ્રયત્ન છે, જે સ્વનું કોઈ અલગ અસ્તિત્વ જ નથી, એમ પ્રસ્થાપિત કરે. આ રીતે, અનુનારીવાદ શબ્દનો વિકાસ નારીવાદથી. સ્ત્રીવાદથી માનવતાવાદ સુધી થયો છે આ અન્યોન્ય ફેરફાર તરફની ગતિ છે. બે પ્રકારની પ્રગતિના સંદર્ભે, સ્ત્રીઓની ભૂમિકાઓમાં થયેલા વધારાને આ પેપરમાં ચકાસવામાં આવ્યો છે : ૧. ભારતીય મીડિયામાં જાતિ (જેન્ડર) મુજબની રજૂઆતમાં ધીમી ગતિએ ફેરફાર થઈ રહ્યા છે, ખાસ કરીને ટેલિવિઝનના મીડિયામાં; આ પેપરમાં એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ૨. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)ના માર્ગદર્શન મુજબ, યુનિવર્સિટીઓની છત્રછાયામાં વિમેન્સ ડેવલપમેન્ટ સેલ્સ(WDC)ની સ્થાપના

ભારતીય મીડિયામાં જાતિ-આધારિત રજૂઆત - સામાજિક સંદર્ભે મીડિયા :

મીડિયા આપણી જિંદગીનું અભિન્ન અંગ છે. કોઈ પણ સમાજમાં એ કેવો ભાગ ભજવે છે એ બાબતે આ જ કારણસર જાહેર જનતાને ખૂબ રસ પડે છે. આ દૃષ્ટિએ જોઈએ તો, રોજબરોજની જિંદગીના લગભગ દરેક પાસામાં મીડિયા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મીડિયા ખરેખર જે સંદેશ આપે છે, એની કરતાં કંઈ કેટલેય આગળ વધીને આપણે આપણી આજુબાજુના વિશ્વ વિશે કઈ રીતે જાણીએ છીએ અને એકબીજા સાથે કઈ રીતે વર્તન કરીએ છીએ, એ સંદર્ભે ડી. ક્રોટુ અને ડબ્લ્યુ. હોયન્સે (૨૦૦૩) મીડિયાના સામાજિક મહત્ત્વનો અભ્યાસ કર્યો છે. ટેલિવિઝન, રેડિયો અને પ્રિન્ટ મીડિયામાં આવનારા સામૂહિક સંદેશા, એના મોકલનાર અને સ્વીકારનાર વચ્ચે વ્યક્તિગત સંપર્કમાં કરી શકાય એવી અંગત ક્રિયા-પ્રતિક્રિયા કરવા દેતાં નથી. ક્રોટુ અને હોયન્સ (૨૦૦૩) દલીલ કરે છે કે આ સંદેશા સમજવા માટે શ્રોતાઓએ અન્ય સાધનસામગ્રી પર આધાર રાખવો પડે છે. અધિકૃત માન્યતાઓ પર ટેલિવિઝન કેટલી મહત્ત્વની અસર કરી શકે છે, એ ગૃહીત સિદ્ધાંતને ટેકો આપવા માટે આ પેપરના અંતમાં આપણે ફરી પાછા આ મુદ્દા પર આવીશું.

પાશ્ચાત્ય મીડિયામાં જાતિને બીબાઢાળ સ્વરૂપ અપાય છે

સૌપ્રથમ, એલિસ કર્ટની અને સેરા લોકેરેટ્ઝે છપાયેલી જાહેરખબરોમાં પુરુષો અને સ્ત્રીઓની હાજરીનું પૃથક્કરણ કર્યું હતું અને આ વિષયે ઊંડી તપાસ કરનારા અભ્યાસોમાં સૌથી વધારે આ જ પૃથક્કરણના દાખલા ટાંકવામાં આવે છે. આ લેખિકાઓ એક નિષ્કર્ષ પર પહોંચી હતી કે ૧૯૫૮, ૧૯૬૮ અને ૧૯૭૮નાં વર્ષોમાં, સામાન્ય રસના વિષયનાં આઠ મુખ્ય સામયિકોમાં સ્ત્રીઓનાં ચાર સર્વસામાન્ય બીબાં ઉપસાવવામાં આવ્યાં હતાં :

૧. સ્ત્રીનું સ્થાન ઘરમાં છે.
૨. સ્ત્રીઓ મહત્ત્વના નિર્ણયો લેતી નથી અથવા મહત્ત્વનાં કામ કરતી નથી.
૩. સ્ત્રીઓ આશ્રિત હોય છે અને તેઓને પુરુષોના રક્ષણની જરૂર હોય છે.
૪. પુરુષો મુખ્યત્વે સ્ત્રીઓને સંભોગની ચીજ ગણતા હોય છે.

ટેલિવિઝનની જાહેરખબરોની સામગ્રીનું પૃથક્કરણ કરતાં પણ આ જ પ્રકારનાં પરિણામો જોવા મળ્યાં હતાં.

૧. સ્ત્રીઓની ઘરની સંભાળ રાખનારી અને સૌંદર્યને લગતી ભૂમિકાઓ જ પ્રચલિત હતી.
૨. પુરુષો અને છોકરાંઓ કરતાં ઓછી વાર સ્ત્રીઓ અને છોકરીઓ જોવા મળતી.
૩. પુરુષો કરતાં સ્ત્રીઓને અલગ લક્ષણો ધરાવતી દેખાડવામાં આવતી (જેમ કે ઓછાં આધિપત્ય, નિર્ણાયક શક્તિ, સામર્થ્ય અને બુદ્ધિગમ્યતા)
૪. સ્ત્રીઓ ગૃહિણી હોય અથવા તો હલકા સ્તરના આજ્ઞાકારી વ્યવસાયો કરતી હોય.
૫. સ્ત્રીઓને પુરુષો કરતાં ઓછી બુદ્ધિશાળી ચીતરવામાં આવતી.

ભારતમાં જાતિ-આધારિત રજૂઆત : સામાજિક પરિમાણ

ભારત તો દેવીઓનું મૂળ ઘર છે, પ્રાચીન ભારતમાં ગાર્ગી, અનસૂયા અને મૈત્રેયી જેવી વિદુષીઓની હાજરીનાં બણગાં ફૂંકવામાં આવે છે અને નજીકના ભૂતકાળમાં જઈએ તો રાણી લક્ષ્મીબાઈ અને ઇંદિરા ગાંધી. આપણાં પુરાણો અને લોકકથાઓમાં પણ ભારતીય સ્ત્રીઓ પ્રત્યે પ્રશંસાત્મક સદ્ભાવ રાખવામાં આવતો હોવાનું દેખાય છે. પુરુષો અને સ્ત્રીઓને સમાન હક્કોની ખાતરી અપાતી હોવાને કારણે ભારતનું બંધારણ દુનિયાભરમાં ભલે સૌથી વધુ પ્રગતિશીલ ગણાતું હોય, પણ સત્તાવાર આંકડા તો એક વરવું ચિત્ર જ ખડું કરે છે.

૧. ભારતમાં સ્ત્રીઓ કરતાં પુરુષોની સંખ્યા વધુ છે.
૨. સ્ત્રીઓની પ્રજનનક્ષમતા અને પ્રજોત્પાદનને લગતા સ્વાસ્થ્ય ઉપર તેઓનો પોતાનો નહિવત્ કાબૂ હોય છે.
૩. ભારતમાં ૭૬% પુરુષોની સરખામણીમાં, માત્ર ૫૪% સ્ત્રીઓ જ શિક્ષિત છે.
૪. જે કામના બદલામાં પૈસા ચૂકવાતા હોય એવાં કામ કરનારી સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતાં ઓછી છે.
૫. શાસનવ્યવસ્થા અને નિર્ણાયક પદવીઓ પર સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ ઓછી માત્રામાં છે.

ભારતીય મીડિયામાં સ્ત્રીઓ :

ભારતીય મીડિયામાં જે રીતે જાહેરમાં સ્ત્રીઓની સમસ્યાઓનું ચિત્રણ કરવામાં આવે છે, એ મહદ્ અંશે ભારતીય સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ દર્શાવે છે. જાહેરખબર (હવે પછીથી, ટૂંકમાં આપણે જા.ખ. કહીશું) સમાજની વાસ્તવિકતાનું પ્રતિબિંબ છે. છેલ્લા દાયકામાં જાહેરાતોમાં સ્ત્રીઓને વિવિધ ભૂમિકાઓમાં ચીતરવામાં આવી છે. મોટા ભાગના ઉત્પાદકોએ પોતાની જાહેરાતોમાં સ્ત્રીઓનાં બે બિલકુલ સામસામેના છેડાનાં બીબાંઢાળ સ્વરૂપો દર્શાવ્યાં છે. આમાંનું સૌથી પહેલું અને સૌથી વધુ ટકાઉ સ્વરૂપ છે ગૃહિણીનું, જે ધૂળ-કચરો દૂર કરવા માટે ગાંડપણની હદ સુધી જાય છે, અને આખો દિવસ ઘૂંટણિયે પડીને બસ બાથરૂમની લાદીઓ જ સાફ કર્યા કરતી રહેતી હોય એવી ચીતરવામાં આવે છે. એના પ્રતિરૂપે એક બીજું સ્વરૂપ છે, અને એ ઓછું પ્રચલિત છે અને કંઈક અલગ જ જાતનું છે. એ સફળ થવા માટેની પોશાકસજ્જા કરે છે, એ એક જ દિશામાં વિચારનારી વ્યાવસાયિક સ્ત્રી છે, જેને પોતાની સ્વસ્થ વ્યાવસાયિક પ્રતિભા ટકાવી રાખવા માટે વાળના રંગ, ડિઓડરન્ટ, શેમ્પૂ અથવા સૌંદર્યસાબુની જરૂર છે. ત્યાર પછી તેઓ, જે સ્ત્રીઓને પોતાના વ્યવસાય અને ગૃહજીવન – એ બંનેમાંથી સંતોષ મળતો હોય, એમની પર નિશાન તાકે છે. આ નવી સ્ત્રી પોતાની જાતને પરંપરાગત ગૃહિણી કરતાં વધારે સારી રીતે જુએ છે, એનું મુખ્ય કારણ એ છે કે એ પોતાની નિજી અને વ્યાવસાયિક એ બંને જિંદગીઓને કુશળતાપૂર્વક જીવવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય જાહેરાતોમાં સ્ત્રીઓનું નબળી અને આશ્રિતમાંથી જે મજબૂત અને સ્વતંત્ર વ્યક્તિ તરીકેનું પ્રગતિશીલ ચિત્રણ કરવામાં આવ્યું છે એ મુખ્યત્વે નારીવાદી ચળવળને આભારી છે. જા.ખ.ની સંસ્થાઓનું નિયંત્રણ કરનાર પુરુષોના વર્ચસ્વવાળું સંગઠન સ્ત્રીઓની ચળવળના સિદ્ધાંત માટે નથી પ્રતિબદ્ધ કે નથી એનો વિરોધ કરતું. એ તો માત્ર લાભદાયકતા પૂરતું જ પ્રતિબદ્ધ છે. સ્ત્રી-ગ્રાહકોની સંખ્યા હવે વધી છે– એ હકીકત હોવાને કારણે તેઓના માટે હવે વધુ પ્રબુદ્ધ અભિગમ અપનાવવાની માગ ઊભી થઈ છે કારણ કે આનાથી આર્થિક લાભ થાય છે. સ્ત્રીઓનું ગૌરવવંતી ભૂમિકામાં ચિત્રણ થાય છે, એ કંઈ માત્ર સામાજિક જાગૃતિને કારણે નથી. અહીં માત્ર એક આશ્વાસન મળે છે કે સ્ત્રીઓની ચળવળથી પહેલાંના સમયગાળામાં સ્ત્રીઓનાં જે બીબાંઢાળ સ્વરૂપો ઘડવામાં આવ્યાં હતાં, એ ધીમેધીમે બદલાઈ રહ્યાં છે અને હકીકતમાં બદલાતા સમયમાં સ્ત્રીઓની ભૂમિકામાં આવેલા વૈવિધ્યની સાથે કદમ મિલાવી રહ્યાં છે. જાતીય સમાનતાના સંદર્ભમાં જૂનાં સ્વરૂપોનું ખંડન થવાથી અને અભિગમમાં પરિવર્તન આવવાને કારણે ભૂમિકાઓ ઊલટાઈ જવાનું નવું વહેણ આવ્યું છે. ઉદાહરણ તરીકે, વિક્સ વેપોરબની નવી જા.ખ.માં માની ગેરહાજરીમાં એક બાપને માંદા બાળકની કાળજી કરતા દેખાડવામાં આવે છે. જેમ વધારે ને વધારે વિભક્ત કુટુંબો ઊભાં થતાં જાય છે, તેમતેમ પારિવારિક જવાબદારીઓની વહેંચણીની વ્યાખ્યા બદલતી જાય છે.

ભારતીય જાહેરખબર-ઉદ્યોગનો પ્રતિભાવ

સામાજિક સ્તરે જાહેરખબર સમાજનું પ્રતિબિંબ છે અને સમાજ જાહેરખબરનું. આ પ્રકારના કેટલાય સ્વસ્થ ફેરફારોને જાહેરખબર દ્વારા પ્રોત્સાહિત કરીને મજબૂત બનાવવામાં આવે છે. આનાથી કામ કરતી મા અથવા તો ખાવાનું રાંધતો અને માની ફરજ બજાવતો પતિ જેવા આદર્શ નમૂના પણ ઘડાય છે. હજી થોડા જ સમયથી ભારતીય જાહેરખબરોમાં કામ કરતી સ્ત્રી અને અપરિણીત સ્ત્રીની ભૂમિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજની જાહેરખબરોએ ભારતીય નારીનું એક નવું જ ચિત્ર ખડું કર્યું છે, જે રાજકારણ, મૅનેજમેન્ટ, ટેક્નૉલોજી, સેલ્સ અને એડમિનિસ્ટ્રેશન જેવાં વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોમાં પ્રવેશી ચૂકી છે. આ બાબત જાતીય સમાનતાને માત્ર સ્ત્રીઓની જ સમસ્યા ગણવાને બદલે લોકોની સમસ્યા ગણાવવા તરફના આંદોલનને વધુ આગળ ધપાવશે.

ભારતીય નારીવાદની સરખામણીએ પાશ્ચાત્ય નારીવાદ

ધાર્મિક અને સાંસ્કૃતિક પરિબળોને કારણે ભારતીય નારીવાદે પાશ્ચાત્ય વહેણ સાથેનો સંબંધ તોડી નાંખ્યો છે. ભારતીય જીવનના કેન્દ્રમાં લગ્ન અને પરિવાર હોય છે, જે આપણા પાશ્ચાત્ય પ્રતિરૂપથી જુદું પડે છે. ભારત એક સંસ્થાન રાજ્ય હતું, એ એક રાજનૈતિક હકીકત હોવાને કારણે, પુરુષો અને સ્ત્રીઓ બંનેએ પોતાના હક્કો માટે લડવાની જરૂર ઊભી થઈ હતી. આ જ વાત પુરાવો આપે છે કે આઝાદીની લડતના સમયથી જ સ્ત્રીઓએ ખૂબ મોટો ફાળો આપ્યો છે. આઝાદી પહેલાંના સમયગાળામાં પણ ભારતીય સ્ત્રી નીતિમત્તા વિશે એક દૃઢ સમજણ ધરાવતી હતી. એ સ્વતંત્રપણે અને વ્યક્તિગત ધોરણે વિચારતી, તે છતાંય જા.ખ. ઉદ્યોગે આ ચિત્ર દર્શાવવામાં થોડો વધુ સમય લીધો, જ્યાં

૧. પુરુષોની માલિકીના ગણાતા ક્ષેત્રમાં જવા માટે સ્ત્રીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે.
૨. પરિવારની આવકમાં ટેકો આપવા માટે સ્ત્રીઓને કમાતી દેખાડવામાં આવે છે.
૩. સ્ત્રીઓને ઊંચી પદવી ગમે છે, કારણ કે નિર્ણય લેવાની કામગીરીઓમાં તેઓનો સમાવેશ કરવામાં આવે છે.

જીવનના કોઈ પણ ક્ષેત્રમાં પરિવર્તન અનિવાર્ય છે. ભારતીય જાહેરખબરો પણ આ હકીકતથી દૂર ન ભાગી શકે. માટે ભારતીય જાહેરખબરોમાં સ્ત્રીઓનું ચિત્રણ પણ આ નિયમમાં અપવાદ નથી. ભારતીય જાહેરખબરો સેલ્ફ-એનાલિસિસ અને સેલ્ફ-અવેરનેસમાંથી ધીમેધીમે બહાર આવી રહી હોવાને કારણે આ પરિવર્તન સહેલાઈથી આવ્યું નથી.

ભારતીય જાહેરખબરો પર એક ઊડતી નજર

આપણે આ પરિવર્તનની વાત કરીએ એ પહેલાં ભારતીય જાહેરખબર ઉદ્યોગ પર નજર ફેરવી લેવી યોગ્ય રહેશે. ૧૯૦૫માં દક્ષિણ મુંબઈના ગીરગામમાં, ભારતની પહેલી જા.ખ. કંપની, બી. દત્તારામ ઍન્ડ કંપનીની સ્થાપના થઈ હતી. એના અસ્તિત્વનાં ૧૦૦ વર્ષ પછી, આપણે જ્યારે પાછળ નજર કરીએ છીએ ત્યારે આશ્ચર્યજનક ફેરફારો ધ્યાનમાં આપ્યા વગર રહેતા નથી. આ ઉદ્યોગે ઘણી લાંબી અને ઘટનાપ્રચુર યાત્રા ખેડી છે. જ્યારે આપણે ભારતીય જા.ખ. ઉદ્યોગને ૧૮૭૧માં સ્થપાયેલા અમેરિકન જા.ખ. ઉદ્યોગ સાથે સરખાવીએ ત્યારે જોવા મળે છે કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ કરતા આપણો આ ઉદ્યોગ કંઈ બહુ પાછળ નથી. આ સમયગાળામાં ટેક્નૉલોજી, યોગ્યતાઓ અને જીવનશૈલી, સમજણ વગેરે જેવાં ઘણાં ક્ષેત્રોમાં મહત્ત્વના ફેરફારો થયા છે. ચોમેર થનારા વિકાસનો જા.ખ. ઉદ્યોગ કઈ રીતે વિરોધ કરી શકે? અગાઉનાં ૮૫ વર્ષ કરતાં, છેલ્લાં ૧૫ વર્ષમાં આ પરિવર્તન વધુ નજરે પડે છે. આ બધા ફેરફારો થવા છતાં, જા.ખ.ના સંદર્ભે એક દિશામાં સ્ત્રીઓની ભૂમિકાના બીબાઢાળ ચિત્રણમાં બહુ જ ધીમેધીમે ફેર પડ્યો છે. આ વરસો દરમિયાન આ મુદ્દા પર ચર્ચાઓ અને શોધખોળો કરવામાં આવી છે. જા.ખ.ના કાળજીપૂર્વકના અભ્યાસમાં, ઘણાં વરસો સુધી સાવ ઓછા બદલાયેલા બીબાઢાળ જાતીય સ્વરૂપોનું ચોક્કસ પ્રકારનું ચિત્રણ દેખાય છે. ઘણી જા.ખ.માં સ્ત્રીઓને નિષ્ક્રિય, બુદ્ધિગ્રાહ્ય ન હોય એવી અને બીજાની - ખાસ કરીને પુરુષોની ઇચ્છાને તાબે થઈ જનારી દેખાડવામાં આવી છે જ્યારે એની સામે પુરુષોનું ચિત્રણ રચનાત્મક, સામર્થ્યવાન, સ્વતંત્ર અને સિદ્ધિવાન તરીકે કરવામાં આવ્યું છે. ભારતીય જા.ખ.માં, ’૯૦ના દાયકાના અંત સુધી કોઈ ખાસ ફેરફાર વિના આ જ પ્રકારનાં ચિત્રણ થયા કરતાં હતાં.

અભ્યાસ :

જા.ખ.નું માધ્યમ સાંસ્કૃતિક સર્વમાન્ય માન્યતાઓ પર ઘેરી અસર કરી શકે છે, તેમ છતાંય ભારતીય જા.ખ. ઉદ્યોગમાં જાતિની રજૂઆતનો દેખાવ ખૂબ ધીરેધીરે બદલાયો છે, એ સિદ્ધાંત સમજાવવા માટે આ પેપરમાં બે મશહૂર ભારતીય બ્રાન્ડની ટેલિવિઝન જા.ખ.નો અભ્યાસ કરવામાં આવ્યો છે. (એક ઘણી જાણીતી સાબુની બ્રાન્ડ) સંતુર અને (લાંબા સમયથી પ્રસ્થાપિત ફર્નિચરની બ્રાન્ડ) ગોદરેજ સ્ટોરવેલની જા.ખ.માં છેલ્લાં બે દાયકાના ગાળામાં બીબાઢાળ જાતીય સ્વરૂપોમાં સાવ ઓછા ફરક સાથે ભૂમિકાઓનું ચિત્રણ બદલાયું છે. ચામડીની કાળજી માટે ઘણા સારા ગણાતા બે મહત્ત્વના ઘટકો - ચંદન અને હળદર સંતુરમાં નાંખવામાં આવે છે. સેંકડો વર્ષથી ચામડીની સંભાળ રાખવા માટે ભારતીય સ્ત્રીઓ ચંદન અને હળદરના લેપનો ઉપયોગ કરતી આવી છે. હકીકતમાં હોય એના કરતાં વધારે નાની ઉંમરની વ્યક્તિની ચામડીનો આભાસ દર્શાવવા માટે આ જા.ખ.ની કંપનીએ ૧૯૮૯માં ‘ઓળખમાં ભૂલ’નો માર્ગ અપનાવ્યો હતો. જોકે ભારતીય સ્ત્રીઓને જ લાગે છે કે તેઓએ યુવાન દેખાવું જોઈએ અને એ માટે બીજા લોકોએ એમની પ્રશંસા કરવી જોઈએ; પણ ખાસ વાત તો ત્યારે બને છે જ્યારે સ્ત્રીઓનું જ એક જૂથ એક બાળકની માને (જે વળી પાછી સ્ત્રીત્વની ઉચ્ચતમ સાબિતી ગણાય છે), એનાથી નાની કોઈ બીજી જ સ્ત્રી માની લે છે. ‘ઓળખમાં ભૂલ’વાળી રીત જ્યારે જુદીજુદી પરિસ્થિતિઓમાં - જગ્યાઓએ અપનાવવામાં આવે છે, ત્યારે જે પ્રેક્ષકોને નિશાન બનાવવાના છે તેઓ ખાસ આ પરિસ્થિતિ સાથે એકાત્મતા અનુભવે છે :

૧. પુસ્તકોની દુકાનમાં
૨. બંગડીની દુકાનમાં
૩. લગ્નમાં
૪. એરોબિક ક્લાસમાં.

પંદર વર્ષ પછી સંતુરની જા.ખ. એ જ ફાયદા દર્શાવે છે, પણ નીચે મુજબનાં કલ્પનો સાથે :

૧. એક મા અને એની દીકરી ઘાસના મેદાનમાં ક્રિકેટ રમે છે. એ સ્ત્રીને પાડોશીની બારીનો કાચ તોડતી દેખાડવામાં આવે છે.
૨. એક વ્યાવસાયિક ફૅશન ડિઝાઇનરને એના કૌશલ્ય માટે ઇનામ મળે છે. વાત જાણે સાબુના પેલા ઘટકોની અસરનો પુરાવો આપતી હોય એ જ રીતે, આ શ્રેણીમાં પણ ‘ઓળખમાં ભૂલ’નું તત્ત્વ આગળ ચાલે છે.

અહીં નીચે મુજબના સ્પષ્ટ ફેરફારો જોઈ શકાય છે :

૧. અહીં જા.ખ.માં સ્ત્રીઓની ભૂમિકા અને હોદ્દો બદલાવાના રૂપક તરીકે ખાસ પુરુષોની માલિકીની ગણાતી રમત ક્રિકેટનો ઉપયોગ થયો છે.
૨. આ બંને જા.ખ.માં સ્ત્રીને એના પરંપરાગત ઘરેલુ ક્ષેત્રમાંથી બહાર નીકળવાનું સાહસ કરતી દર્શાવાઈ છે.
૩. સૌથી છેલ્લી જા.ખ.માં એને વ્યાવસાયિક ડિઝાઇનર તરીકે બતાવાઈ છે, જે એની પોતાની પસંદગીના ક્ષેત્રમાં સ્વતંત્ર છે અને ખૂબ આગળ પણ વધી છે. આ સ્ત્રીને આશ્રિત કે પુરુષના રક્ષણને આધીન નથી દેખાડવામાં આવી.

સંતુરની બધી જ જા.ખ.માં એક સ્ત્રીને પુરુષો સાથે નહીં, પણ અન્ય સ્ત્રીઓ સાથે જ આપ-લે કરતી દેખાડાઈ છે. ખરેખર તો, છએ છ પ્રસંગોમાં, માત્ર ફૅશન ડિઝાઇનરવાળા પ્રસંગમાં જ, માત્ર એક જ ફ્રેમમાં, માત્ર એક જ પુરુષની હાજરી છે – એ પણ આ પ્રસંગની ફિલ્મ ઉતારનાર કૅમેરામેન જ. અહીં આ પ્રસંગની વ્યંગાત્મકતા ચૂકવા જેવી નથી. સમાજમાં સ્ત્રીની ભૂમિકા જરૂર બદલાઈ રહી છે, પણ ૨૦૦૪માં (જ્યારે આ જા.ખ. પ્રદર્શિત કરવામાં આવી હતી) ત્યારે પણ આ જા.ખ.ની કંપની કૅમેરા વાપરતી સ્ત્રીને નથી બતાવી શકી. ઉપર દર્શાવ્યા મુજબ, ભારતીય જાહેરખબરો જાતિના પ્રતિનિધિત્વના બદલાતા દેખાવ સાતે કદમ મિલાવવાનો પ્રયત્ન કરી રહી છે, પણ એની ગતિ ઘણી ધીમી છે અને જાહેરખબરોના આ ભાઈચારાએ (જાણીજોઈને મેં આ શબ્દ વાપર્યો છે, એની નોંધ લેશો) જીવનની સામાન્ય પરિસ્થિતિઓમાં વધુપડતી ‘છૂટછાટ લઈને’ અત્યાર સુધી ગોઠવાયેલા તખતાને ડહોળવો નથી. મારી દલીલને વધુ સધ્ધરતા બક્ષવા માટે હું બીજા દાખલા ટાંકીશ. આ દેશમાં ચાર દાયકાથીય વધુ લાંબો ઇતિહાસ ધરાવનારી ગોદરેજ સ્ટોરવેલ કંપનીની એક શ્રેણીની ત્રણ જા.ખ.નું હું પૃથક્કરણ કરીશ.

૧૯૮૦ : કલ્પના – “લગ્ન” : આ જા.ખ.માં એક નવી ‘વહુ’ એના પતિના ઘરમાં પહેલી વાર પ્રવેશે છે અને એને એના પોતાના ગોદરેજ સ્ટોરવેલની ચાવી આપવામાં આવતી હોય એવું દેખાડવામાં આવે છે.
૧૯૯૫ : કલ્પના – “ગર્ભવતી સ્ત્રી” : અહીં એક બીજો ભારતીય પારંપરિક રિવાજ દેખાડવામાં આવ્યો હતો – ‘ભવિષ્યની માતા’ની ઉજવણી – ભારતીય સમાજમાં માતૃત્વને સ્ત્રીત્વની ઉચ્ચતમ કસોટી સમજવામાં આવે છે. આ બે જા.ખ.ના આધારે જોઈ શકાય છે કે ૧૫ વર્ષના ગાળામાં સ્ત્રીની ભૂમિકાનું ચિત્ર નહીંવત્ બદલાયું છે.
૨૦૦૪ : કલ્પના – “યુવાન યુગલ” : અહીં આધુનિક જમાનાનાં એક યુવાન યુગલને બાંધકામ થતું હોય એ જગ્યાએ દેખાડવામાં આવ્યું છે. આ જા.ખ.માં પુરુષ અને સ્ત્રીએ જે પોશાક પહેર્યા છે, એના પરથી તેઓની યુવાન વય પારખી શકાય છે. અગાઉની જા.ખ.ના સાડી જેવા પારંપરિક પહેરવેશની જગ્યાએ આ નવી જા.ખ.માં બંને જણને સાદાં અને રોજબરોજનાં કપડાં પહેરેલાં દેખાડ્યાં છે. છોકરીએ ચમકતું લાલ ફ્રૉક પહેર્યું છે. આ જા.ખ.માં છતું થાય છે કે આ યુગલ તેઓનો ‘માળો’ બાંધવાની તૈયારીમાં છે. બેમાંથી કોઈનાં વડીલ અહીં હાજર નથી. જા.ખ.-ની શરૂઆત આ રીતે થાય છે, “આપણે અહીં આપણું સ્વર્ગ બનાવીશું” અને આગળ જતાં પુરુષને એની જોડીદારની આજુબાજુ નાચતો-કૂદતો બતાવે છે અને હજી બંધાવાનું બાકી હોય એવું એપાર્ટમેન્ટ બતાવાય છે. આ બ્રાન્ડનાં જ આગળનાં કલ્પનો કરતાં આ રજૂઆતમાં ધરમૂળથી ફરક આવ્યો છે. પણ તે છતાંય પુરુષ જ પરિવારની જરૂરિયાતો પૂરી પાડનાર વ્યક્તિ હોય, એવા મૂર્ત સ્વરૂપના આધાર ઉપર આ જા.ખ. ઊભી છે. જ્યારે સ્ત્રીનું સ્વરૂપ હજી પણ એના આત્મવિશ્વાસસભર બિનભારતીય પહેરવેશ સુધી જ મર્યાદિત રહે છે અને પછી એ પોતાના જોડીદારની ધમાલમસ્તીમાં જોડાઈ જાય છે.

નિષ્કર્ષો અને સૂચનો :

સાંસ્કૃતિક સર્વમાન્ય પરંપરાઓને અસર કરનાર મીડિયાના સામર્થ્ય વિશે આ પેપરના પરિચયમાં જણાવવામાં આવ્યું હતું. પણ આ પેપરમાં મુખ્યત્વે આપણે ટેલિવિઝન જેવા સામૂહિક મીડિયાનાં ખાસ લક્ષણો તપાસીએ છીએ, એ મીડિયાના સંદેશા સમજવા માટે અન્ય સાધનસામગ્રી પર આધાર રાખવો પડે છે. જીવનનાં વિવિધ ક્ષેત્રોના સભ્યો એકત્ર થઈને જે પ્રયત્નો કરે છે એ કારણે નારીવાદની ચળવળને ગતિ મળે છે. ભારતીય મીડિયામાં જાતીય પ્રતિનિધિત્વને યોગ્ય દિશા દાખવીને, આ આવેગને ટેકો આપવાની જરૂર છે. આ પેપરમાં જણાવ્યા મુજબ ધીમેધીમે ફરક પડી રહ્યો છે. આ પેપરમાં આગળ જણાવ્યા મુજબ પહેલાં ૮૫ વર્ષ કરતાં આ છેલ્લાં ૧૫ વર્ષમાં વધુ ફરક પડ્યો હોય એમ દેખાઈ આવે છે.

વિમેન્સ ડેવલપમેન્ટ સેલ

આ પેપરની શરૂઆતમાં જે બીજા પ્રકારના વિકાસનો મેં ઉલ્લેખ કર્યો હતો એના તરફ હવે નજર નાંખીએ : ભારતીય યુનિવર્સિટીઓમાં, UGCએ જાતીય સમાનતા માટે, ગૌરવપૂર્વક કામ કરવા માટે જાતીય સતામણી અને અત્યાચારથી સુરક્ષિત વાતાવરણવાળાં કાર્યસ્થળ તથા સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના સંદર્ભે યોગ્ય પરિસ્થિતિ ધરાવતાં કાર્યસ્થળ માટેના સ્ત્રીઓના હક વિશેના સુપ્રીમ કૉર્ટના ચુકાદાનું અનુસરણ કરવા માટેનો આરંભ કરનારા પલગાં લીધાં છે.

ઉત્પત્તિ :

‘વિશાખા’ અને અન્ય વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય અને અન્યના કેસમાં સુપ્રીમ કૉર્ટે આપેલ ચુકાદો, જેની નોંધ ૧૯૯૭(૬) SCC ૨૪૧ મુજબ કરવામાં આવી છે, એમાં દરેક કાર્યક્ષેત્રના માલિક અથવા જે-તે સ્થળના ઉપરીને આદેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ જાતની સતામણી – જેમાં જાતીય સતામણીનો સમાવેશ થાય છે – નિવારવી અને અટકાવવી અને દરેક જાતનાં પગલાં ભરીને જાતીય સતામણીની સમસ્યાનો ઉકેલ લાવવો, એને માટેનાં કાયદેસરનાં પગલાં ભરવાં. આ ચુકાદાનું પાલન કરવા UGCએ બધી જ યુનિવર્સિટીઓને, યુનિવર્સિટી અને કૉલેજ – એમ બંને સ્તરે વિમેન્સ ડેવલપમેન્ટ સેલ્સ (WDC) બનાવવાનો આદેશ આપ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં ઑક્ટોબર ૨૦૦૫માં સ્થપાનારા WDCનાં કાર્યક્ષેત્ર અને હેતુઓ નીચે મુજબ છે :

  • કેટલીક કૉલેજોના WDC સાથે એની જ છત્રછાયા હેઠળ એ મધ્યવર્તી સંસ્થા તરીકે કામ કરશે.
  • ‘જાતીય સમાનતા’ અને ‘જીવન અને સ્વતંત્રતાના હક’ જેવી મૂળભૂત બાબતો ગુજરાત યુનિવર્સિટી અને એને સંલગ્ન કૉલેજો તેમ જ અન્ય સંસ્થાઓના મૅનેજમેન્ટ માલિકો તેમ જ વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને લાગુ પડી શકશે.

રેડી રેકનરમાં દર્શાવ્યા મુજબ, WDC(ગુજરાત યુનિવર્સિટી)ની સત્તા અને કાર્યવાહી નીચે મુજબની છે :

  • યુનિવર્સિટી અને એના જે અન્ય વિભાગોને આ નીતિ લાગુ પડતી હોય, તેમણે એનો અમલ કરવો.
  • કૉલેજો અને અન્ય સંસ્થાઓમાં WDCની નીતિનો અમલ કરાવવાની ખાતરી કરવી.
  • કૉલેજો અને અન્ય સંસ્થાઓમાં WDCએ લીધેલા નિર્ણયો સામેની અપીલો પર કામ ચલાવવાની ભૂમિકા ભજવવી.
  • આ નીતિના હેતુઓ પાર પાડવા બધું જ કરવું, જેમાં પ્રકાશનો, કાર્યક્રમો, તાલીમ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ (WDC રેડી રેકનર, ૨૦૦૪)

મારું સૂચન છે કે WDCએ ઉપર દર્શાવેલા છેલ્લા મુદ્દા એટલે કે આ પ્રકારની સંસ્થાની કાર્યવાહીમાં આગોતરી ભૂમિકા ભજવવી. (ગુજરાત યુનિવર્સિટીની) WDCની એડવાઇઝરી કમિટીમાં મહત્ત્વના સભ્યો છે, જેવા કે એક ગવર્મેન્ટ પ્લીડર અને પબ્લિક પ્રોસિક્યુટર, બે ભૂતપૂર્વ લૉ સેક્રેટરી, મુંબઈ યુનિવર્સિટીના એક આગળ- પડતા શિક્ષણશાસ્ત્રી અને સ્ત્રીઓને સમર્થ બનાવનાર એક મહત્ત્વની NGO અમદાવાદ વિમેન્સ ઍક્શન ગ્રૂપના સ્થાપક. યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્રીઓ અને જાણીતા લોકો બૉર્ડ પર હોવાને કારણે, મને લાગે છે કે જાતીય સમાનતા જેવા મુદ્દાઓમાં, ખાસ કરીને મીડિયાના જાતિ-પ્રતિનિધિત્વ જેવી બાબતોમાં WDCની એડવાઇઝરી કમિટીના ઉચ્ચ મૅનેજમેન્ટની ભૂમિકા વધુ મોટી રહેશે.

WDCની આગોતરી ભૂમિકા :

સમગ્ર દેશની યુનિવર્સિટીઓમાં WDCની નવી સંસ્થાઓ બનાવવામાં આવી છે. તેઓએ દેશમાં જાતિ પ્રતિનિધિત્વમાં ફેરફાર લાવવા માટે, ઉદ્દીપકની ભૂમિકા ભજવવી જોઈએ, એવું સૂચન કરવામાં આવે છે. ભારતીય પટ પર ભૌગોલિક, વિશિષ્ટ સામુદાયિક અને આર્થિક વિવિધતાઓ હોવાને કારણે ટેલિવિઝન જેવાં સામૂહિક મીડિયા ઢચુપચુ જ રહેવાનાં. પરિણામે, તાજેતરમાં UGCએ સ્પષ્ટ કરેલી ભૂમિકા ઉપરાંત WDCએ મીડિયા અને પ્રજાની વચ્ચે એક સેતુ બનવાની વધુ મોટી અને આગોતરી કામગીરી કરવી પડશે, એવું મને લાગી રહ્યું છે. એક રીતે, WDC વધુ સારા, વાસ્તવિક અને નૈતિક જાતિ-પ્રતિનિધિત્વ માટે મીડિયા ઉદ્યોગને હિમાયત કરવા માટેની ભૂમિકા ભજવી શકે. બીજી રીતે, આ સંદેશાઓનું એ પ્રજા પાસે જઈને એ રીતે અર્થઘટન કરે કે સમાજમાં જાતિ-આધારિત ભેદ ઓછો થાય. મને ખાતરી છે કે WDCના ઘડતરમાંથી જ એની આ મોટી ભૂમિકાનો ઉદ્ભવ થાય છે : ઉચ્ચ શિક્ષણશાસ્ત્રીઓનો સમૂહ સમાજના વિવિધ સ્તરો પાસેથી અધિકારપૂર્વક માન મેળવી શકે છે. તેમ જ આ શિક્ષણશાસ્ત્રીઓ અને રિસર્ચરો, તેઓની ફરજના જ ભાગરૂપે, જાતિવિષયક અભ્યાસમાં થતા વિકાસને સમજવા માટે સજ્જ હોય છે. આમ WDCની ભૂમિકામાં દર્શાવ્યા મુજબ, પ્રકાશનો, કાર્યક્રમો, સેમિનાર વગેરે કરીને, જેમના સુધી આ માહિતી પહોંચાડવાની છે, તેમને પહોંચાડી શકશે.

Narivad Image 1.jpg

મીડિયા અને સામાન્ય જનતા – એ બંનેને પોતાની વાત આસાનીથી સમજાવી શકનાર આ પ્રકારની કમિટી મીડિયા અને સમાજની વચ્ચે એક સેતુની ભૂમિકા ભજવી શકે છે.

સફળતા માટેની ગોઠવણ :

WDCની આ વધુ મોટી ભૂમિકાની જે કલ્પના કરવામાં આવી છે એને ફળીભૂત કરવા માટે બે સ્તરનું માળખું હોઈ શકે. UGCએ ઘડેલી યુનિવર્સિટીની ગોઠવણમાં, નીચલા સ્તરે, રોજબરોજની કાર્યવાહીની દેખરેખ થઈ શકે. જ્યારે યુનિવર્સિટીની એડવાઈઝરી કમિટી સાથે વિવિધ ડિપાર્ટમેન્ટો - ફૅકલ્ટીમાંથી, ઉપરના દરજ્જાના સભ્યોમાંથી પસંદ કરીને ઉપલો સ્તર બનાવી શકાય, જે જરૂરિયાતમંદો માટે સલાહકારની ભૂમિકા ભજવે અને મીડિયાને જાતીય સમાનતાની હિમાયત કરે. આ બીજો સ્તર શિક્ષણવિદો, મીડિયા અને સમાજ વચ્ચેના સેતુની મહત્ત્વની ભૂમિકા ભજવી શકે – એક એવી અર્થપૂર્ણ ભૂમિકા, જે આ પેપરના પરિચયમાં દર્શાવેલી અનુનારીવાદની ચળવળના પ્રયત્નોને વાજબી ઠેરવે.

Works Cited

Croteau, D. and W. Hoynes. ૨૦૦૩. Media Society. Califor-nia: Sage.Jain, Jasbir. ૨૦૦૧. Indian Feminisms. New Delhi: Creative Books.
Lobo, A. One Hundred Years of Advertising. LISP Age. December ૨૦૦૪.
Menon-Sen, K. and A. Shivakumar. ૨૦૦૧. Women in India: How Free? How Equal? ૨nd ed., New Delhi: United Nations Resident Coordinator.
Meyers, W. ૧૯૮૪. The Image Makers: Secrets of Successful Advertising. London: Oibis.
Parameswaran, M.G. ૨૦૦૧. FCB-ULKA Brand Building Ad-vertising. New Delhi; TMH.
Shields, V.R. ૨૦૦૩. The Less Space We Take the More Powerful We’ll Be. In A.N. Valdivia (ed.), A Companion to Media Studies. MA: Blackwell Publishing.
WDC. ૨૦૦૫. WDC: A Ready Reckoner. Ahmeda-bad: Gujarat University.