નારીવાદ: પુનર્વિચાર/“આપણે શું (નથી) જાણતા?” વૈકલ્પિક પિતૃસત્તાક વ્યવસ્થાઓ
“આપણે શું (નથી) જાણતાં?” વૈકલ્પિક પિતૃસત્તાક વ્યવસ્થાઓ વૈકલ્પિક સ્ત્રી-કામુકતાઓ-તત્ત્વસાર-વિરોધી-વાદો
અનિરુદ્ધન વાસુદેવન
(ચેન્નાઈ-સ્થિત કલાકાર, રિસર્ચર, ઍક્ટિવિસ્ટ)
વૈકલ્પિક સ્ત્રી-કામુકતાઓ (ફિમેલ સેક્સ્યુઆલિટીઝ), જેવી કે લેસ્બિયનિઝમ (સ્ત્રી-સમલૈંગિકતા), બાઇ-સેક્સ્યુઆલિટી (ઉભયલૈંગિકતા) અને અન્ય નામરહિત કામેચ્છાઓ – નારીવાદ અને સમલૈંગિકતાના સિદ્ધાંતો અને વ્યવહારોને આત્મદર્શન અને પુનર્નિર્ધારણ કરવા માટે ફરજ પાડે છે. ખાસ કરીને તત્ત્વસારવાદની વિરુદ્ધના અને પિતૃસત્તાક વ્યવસ્થાઓ વિશેની વૈકલ્પિક વિચારધારા વિશેના અભિગમોના સંદર્ભે આ નિબંધ ‘શા માટે, કેવી રીતે અને શું’ જેવા પ્રશ્નો તપાસે છે. અરે! તું એ પુરુષની સામે કામાતુર નજરે કેમ જુએ છે? છી! હું કંઈ લેસ્બિયન નથી. બે કોઠીઓ (ભારતમાં સામાન્ય રીતે વપરાતી સંજ્ઞા) વચ્ચેની આ વાતચીત છે. કોઠી એટલે સ્ત્રૈણ પુરુષ, જે સંભોગ માટે અંદર પ્રવેશનાર મોટા ભાગે પૌરુષસભર સાથીદારો પસંદ કરે છે. આ વાતચીત માહિતીરહિત, ખોટી માહિતી-સભર અને ક્યારેક ગે પુરુષોમાં પ્રચલિત એવા નારીદ્વેષી અભિગમનું પ્રતીક દર્શાવે છે. ઉપર દર્શાવેલો જવાબ માત્ર વક્તાની સેક્સ્યુઅલ પસંદ તરફ નિર્દોષપણે અંગુલિનિર્દેશ નથી કરતો, પણ હકીકતમાં એ પુરુષ એમ પણ વિચારતો હોય છે કે બે ‘કોઠીઓ’ વચ્ચેનો પ્રેમ અયોગ્ય ગણાય છે અને સાથોસાથ એ લેસ્બિયન સંબંધની બરોબરીના સ્તરનો હોતો નથી. આ બાબત ગે અને લેસ્બિયન બંનેને ન્યાય કરતી નથી! એક કોઠી અને એક પંથી (પૌરુષસભર, સક્રિય, સંભોગ સમયે અંદર પ્રવેશ કરનાર સાથીદાર) વચ્ચેનો સંબંધ જ એકમાત્ર યોગ્ય ગે સંબંધ ગણાય છે અને બે સ્ત્રીઓ વચ્ચેના સંબંધોમાં આવા કોઈ ફરક હોતા જ નથી, એવી દ્રોહી માન્યતા ઊભી કરે છે. વધુ મચડ્યા વિના એમ કહી શકાય કે જાણે બધી જ સ્ત્રીઓ એકસરખા પ્રકારના સ્ત્રીત્વના જૂથની હોય એવો સિદ્ધાંત આગળ ધરવામાં આવે છે. એટલે, આ રીતનો ભેદભાવ એક પુરુષની પણ મર્યાદિત ઓળખ ઊભી કરે છે. કોઈ વાત વિશે, અમુક ચોક્કસ પ્રકારની સમજ(અથવા ગેરસમજ)ને કારણે આ પ્રકારની અસર થાય છે. અને અહીં જ્યારે હું સમજની વાત કરું છું ત્યારે અજાગૃત, આંતરિક અને બેધ્યાન ઉદ્દેશ વિશે કહેવા માગું છું. જેમ કોઈ પણ અન્ય શક્તિશાળી (જે હિંસક પણ હોઈ શકે એવા) અભિપ્રાયોને અવગણી ન શકાય, એમ જ આ પ્રકારના અભિપ્રાયોને પણ અવગણી શકાય જ નહીં. આ જાતની સમજ પર વળી સમજનાં બીજાં પડ ચડે છે. સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય તત્ત્વસારો સાથે બંધાયેલા ‘પુરુષ’, ‘સ્ત્રી’, ‘નરજાતિ’, ‘નારીજાતિ’ જેવા પ્રકારોને મુક્ત કરીને તત્ત્વસાર-વિરોધી નારીવાદી વિદ્વાનોએ સેક્સ, જેન્ડર અને સેક્સ્યુઆલિટી વિશેની વિચારણાઓને ધરમૂળથી બદલી નાંખી છે, એટલે કે અત્યાર સુધી આ બધા શબ્દો કોઈ પણ જાતની તકલીફ વિના જે રીતે વપરાયા કરતા હતા, એનાથી સાવ વેગળી દિશા તરફ લઈ જવા માટે, તત્ત્વસાર-વિરોધી અભિગમે નારીવાદને પ્રેરણા આપી છે. એનાથી ‘પુરુષ’, ‘સ્ત્રી’, ‘પૌરુષ’, ‘સ્ત્રીત્વ’ જેવા શબ્દોથી જે અમુક ચોક્કસ ઓળખ ઊભી થતી એ અટકી ગઈ છે અને જેન્ડર અને સેક્સ્યુઆલિટી – એ બંને વિશેના વિચારને સમજવા માટે હવે નવા જ સામાજિક માળખાની રચના કરવાનો અભિગમ જન્મ્યો છે. ઇવ કોસોફસ્કી સેજવિક ટૂંકમાં કહે છે :
- નારીવાદી વિચારે ‘સેક્સ’ અને કહેવાતા કોઈ શબ્દ ‘જેન્ડર’ વચ્ચેની એક ચોક્કસ જગ્યા ઊભી કરવા માટેનું સૌથી વધુ પ્રભાવક અને સફળ કામ માથે લીધું છે. એ જવાબદારીના કારણે XX અને XY રંગસૂત્રો ધરાવનારા હોમો-સેપિયન્સના પેટાપ્રકારો વચ્ચે બદલી ન શકાય એવા બાયોલોજીકલ ભેદ ધરાવતા સમૂહોને ઓળખાવનાર શબ્દને ‘સેક્સ’ના અર્થમાં જોવામાં આવતો હતો; પણ આ તો માત્ર ‘રંગસૂત્રોને લગતા સેક્સ’ સુધીની જ હદ નક્કી કરે છે. અને આ જ વિચારોનો કાચો માલ વાપરીને, સામાજિક રીતે ‘જેન્ડર’ શબ્દનું માળખું ઊભું થયું છે. પછી, જોઈએ તો ‘જેન્ડર’ તો આનાથી ઘણી વધારે વિસ્તૃત છે, સ્ત્રી અને પુરુષના વ્યક્તિત્વ અને વર્તન મુજબ વધારે પૂર્ણતાપૂર્વક અને સામાજિક જડતાપૂર્વક સ્ત્રી અને પુરુષનું વ્યક્તિઓ તરીકે દ્વિભાજન કરવામાં આવે છે. (સેજવિક, ૨૭)
ટૂંકમાં સેક્સ, જેન્ડર અને સેક્સ્યુઆલિટી વિશેની આપણી એક સીધી લીટી મુજબની આનુષંગિક માન્યતાઓને તોડવામાં તત્ત્વસાર-વિરોધી નારીવાદનું સૌથી વધુ સૈદ્ધાંતિક પ્રદાન રહ્યું છે. માટે તમે માત્ર એક સ્ત્રી અથવા પુરુષ છો, એનું કારણ કંઈ તમને એ બનાવનાર તમારી અંદર રહેલ કોઈ અનિવાર્ય તત્ત્વ નથી કે નથી તમારા પુરુષ કે સ્ત્રીનાં જનનાંગો, પણ એનું કારણ તો સમાજે સર્જેલાં સૈદ્ધાંતિક સંકેતો, કથાઓ અને લક્ષણો છે. ચોક્કસપણે કહી શકાય કે આ પ્રકારનો અભિગમ તાજી હવાની એક લહેરખી સમાન છે. સેક્સ્યુઆલિટી, જેન્ડર અને સેક્સના તત્ત્વસારી વિરોધ કરનારા આ જ બિંદુ પરથી લેસ્બિયન અને ગે થિયરીઓ ઊભી થાય છે. કોઈ ચોક્કસ જેન્ડરની વ્યાખ્યા જેના પર ઊભી કરવામાં આવી છે, એ પાયાઓ જ હચમચી ગયા હોવાને કારણે વિરુદ્ધ જેન્ડર સેક્સ માટેનું આકર્ષણ, હવે પહેલેથી ઠરાવ્યા મુજબ ‘કુદરતી’ વાસ્તવિકતા રહેતું નથી. હવે જ્યારે કોઈ વ્યક્તિની ઓળખનો મૂળ તત્ત્વસાર એનું સેક્સ નથી રહ્યું, જ્યારે જેન્ડર કોઈ ‘કુદરતી’ પ્રકાર નથી રહ્યો, ત્યારે હવે સેક્સ્યુઆલિટીને ‘કુદરતી’ રીતે બે વિરુદ્ધ જેન્ડર સેક્સ વચ્ચેના આકર્ષણ તરીકે આંકી શકાય નહીં. કોઈ વ્યક્તિની ઓળખની વ્યાખ્યા કરવા માટે, એ જેન્ડરના ‘કુદરતીપણા’ વિશે અને જે-તે સેક્સને નિશ્ચિત કરવા માટેના સામર્થ્ય સામે સવાલ ઊભા કરવામાં આવે છે. માટે પુરુષ કે સ્ત્રી હોવું અને સેક્સ્યુઆલિટી, કંઈ અનુક્રમે જેન્ડર / સેક્સ સાથે સીધો સંબંધ રાખતાં નથી. શું આ પ્રકારની મુક્તિનું પ્રદાન કરનારી જ્ઞાનમીમાંસા સમસ્યાજનક છે? ઓળખના જડ, અચલ, ગુણાતીત તત્ત્વસાર મુજબ આ પ્રકારની વ્યક્તિઓને જે રોજબરોજના જુલમ ભોગવવા પડે છે, એની પર શું કોઈ પણ રીતે અહીં ધ્યાન આપવામાં આવે છે? સ્ત્રી-પ્રકારમાંથી એ શબ્દનો અર્થ ખેંચી લેવાથી બધી જ સ્ત્રીઓ માટે સમસ્યા સર્જાય છે. પણ જે સ્ત્રીઓને પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટેની ફરજ પાડવામાં આવે છે, તેઓ માટે તો આ સમસ્યા ઔર વધી જાય છે. ઉદાહરણ તરીકે ધોળી નહીં એવી અન્ય રંગની સ્ત્રીઓ, મરદાના સ્ત્રીઓ (બુચ), લેસ્બિયન અને બાઈસેક્સ્યુઅલ સ્ત્રીઓ વગેરે. જ્યાં સુધી તેઓની ઓળખનો તત્ત્વસારવાદી વિરોધ કરવામાં આવ્યો નહોતો, ત્યાં સુધી તેઓ સલામત નહોતાં. વિષમલૈંગિક (હેટરોસેક્સ્યુઅલ) જગ્યાઓમાં હજી પણ તેઓના સ્ત્રીત્વની ઓળખને પડકારવામાં આવે છે.
અણસમજો અને સમજો – અનમેનિકિયન
એક બમ્પર સ્ટીકર પર વાંચ્યું હતું કે સમાજમાં સૌથી વધુ હિંસક તત્ત્વ છે અણસમજ. આ સત્ય ખૂબ બોલકું છે. કોઈ વાર અસંવેદનશીલતા અને અન્યાય દર્શાવવામાં આવતાં નથી, પણ માત્ર ન જાણવાને કારણે કરવામાં આવે છે. અણસમજ શબ્દ અમુક અંશે દયાને પાત્ર છે અને દરગુજર કરી દેવાને લાયક છે. ન જાણવું એ બાબત શબ્દો ચોર્યા વિના, આ સમસ્યાને ગળેથી ઝાલીને એના વિશે કશુંક કરવાનો અવકાશ ઊભો કરે છે. જ્યારે હું કંઈ ન જાણતો હોઉં, ત્યારે એ વિશે જાણવાની શરૂઆત કરી શકું. જ્યારે બીજી બાજુ, કોઈ પણ બાબતને માત્ર સૈદ્ધાંતિક રીતે જાણવાથી બધું જ સૈદ્ધાંતિક બની જતું નથી. એ પ્રકારની સમજણ (વ્યવસ્થા) અને સત્ય વચ્ચે મોટો ફરક હોઈ શકે છે. આ કારણે અત્યાચારને ફૂલવા-ફાલવાનો અવકાશ મળી રહે છે. સ્ત્રીઓ અને સમલૈંગિકોની ચળવળની અંદર ચાલનારી સ્ત્રીઓની વૈકલ્પિક કામુકતાઓના સ્થાનના સંદર્ભે, આ નિબંધમાં હું બે પ્રક્રિયાઓ તપાસી રહ્યો છું : ૧. સમલૈંગિક સમુદાયો અને એમાં ઓળખ, પરખ અને ફરક વિશેની ધારણાઓ અંગેના સવાલો સાથે બાથ ભીડવી. ૨. ઓળખ અને ઓળખના નીતિશાસ્ત્રની સામે તત્ત્વસાર વિરોધી નારીવાદે ખડી કરેલી સમસ્યાઓ. મુખ્યત્વે તો આ બંને જ્ઞાનમીમાંસા વિશેની સમજણના જ સવાલો છે – વ્યવસ્થિતપણે અને જાગૃતિપૂર્વક પેદા કરવામાં આવેલી સમજણો તેમ જ જન્મજાત અને ગર્ભિત લખાણોમાંથી આવેલી સમજણો વિશેના આ સવાલો છે. તત્ત્વસાર-વિરોધી નારીવાદના કિસ્સામાં, ‘હકીકતો’ સાથે સંબંધ રાખ્યા વિનાના માત્ર પુસ્તકિયા જ્ઞાનને કારણે અને સમલૈંગિક સમૂહોના કિસ્સામાં અણસમજને કારણે આ સમસ્યા સર્જાય છે. પણ ખરેખર તો “આ અણસમજો અજ્ઞાનના અંધકારમાંથી નહીં પણ અમુક ચોક્કસ જ્ઞાનમાંથી ઉદ્ભવી છે અને પછીથી હકીકત તરીકે વ્યવહારમાં પ્રચલિત બની ગઈ છે.” (સેજવિક, ૮)
“આપણે” કોણ છીએ ?
ગે પુરુષો જ્યારે અન્ય પુરુષોને જ પોતાના સેક્સ્યુઅલ અને રોમાન્ટિક જોડીદાર તરીકે પસંદ કરે છે, ત્યારે તેઓ સ્ત્રી-પુરુષ-સંદર્ભે જોવામાં આવતી પિતૃસત્તાક અને વિષમ-લૈંગિકતા(હેટરોસેક્સ્યુઆલિટી)ના તત્ત્વવાળી ‘કુટુંબ’ની પારંપરિક વ્યાખ્યાની બહાર રહી જાય છે. આ માળખાની બહાર નીકળી જવાનું પસંદ કરીને, સ્ત્રીઓ સાથેના પોતાના સંબંધોને તેઓ કઈ રીતે બદલી નાંખે છે? તેઓ વચ્ચેની સેક્સ્યુઅલ અત્યાચારની ગેરહાજરીને કારણે, ગે પુરુષો સ્ત્રીઓ સાથેના પોતાના અન્ય પારિવારિક, સામાજિક-વ્યાવસાયિક સંબંધોને શું ધરમૂળથી બદલી નાંખે છે? આ પુરુષોની સમાન સેક્સ માટેની પસંદ સમહિતવાદ અને સ્ત્રીદ્વેષી ભાવનાને પોષે છે? આ પુરુષોમાં પેલી પુરુષ-દૃષ્ટિ ન હોવાને કારણે શું તેઓ અમુક ફિલ્મોમાં દર્શાવ્યા મુજબના, સ્ત્રીઓના ચોક્કસ પ્રકારના મિત્રો હોય છે? સ્ત્રીઓની સમાન સેક્સ માટેની પસંદ બાબતે તેઓ કેટલા સમજદાર હોય છે? આ વૈકલ્પિક સમલૈંગિક સમુદાયોમાં પણ વિષમલૈંગિક સમુદાયોની જેન્ડર પ્રત્યેની વિસ્તૃત અસહિષ્ણુતા જોવા મળે છે? માત્ર લેસ્બિયન નારીવાદીઓ અને સમસૈંગિક-તરફી નારીવાદીઓ તરફથી જ નહીં, પણ દરેક પ્રકારના દમનનો વિરોધ કરનારાઓ તરફથી આ સવાલો સમલૈંગિક સમુદાયોમાં સહજપણે ઉદ્ભવે છે. આ નિબંધની શરૂઆતમાં મેં જે દાખલો ટાંક્યો હતો, એવા ઘણા દાખલા જોવા મળે છે. એ બધા જ દાખલાઓને સમજણના અભાવ અને સ્ત્રીઓ પ્રત્યેની દ્વેષભાવનાના પટ પર ગમે ત્યાં મૂકી શકાય એમ છે. અમુક કિસ્સાઓમાં, સ્ત્રીઓમાં રસ લેવાનો અભાવ, સ્ત્રીઓને લગતી બધી જ બાબતોમાં રસના અભાવ તરીકે છતો થાય છે. નીચે મુજબની સાયબર વાતચીત એનું ઉદાહરણ છે :
અ : મુંબઈના એક તામિલ સર્જકનો એક લેખ વાંચ્યો.
બ : એ પુરુષે કંઈ સારી વાત વિશે લખ્યું હોય તો સારું.
અ : અરે! તેં એમ કેમ માની લીધું કે એ ‘પુરુષ’ જ છે?
બ : સ્ત્રીને લગતી કોઈ પણ બાબતમાં મને રસ નથી.
હા, સ્ત્રીઓની ચળવળોમાં લેસ્બિયનિઝમ અને બાઈસેક્સ્યુઆલિટી (ઉભયલૈંગિકતા)એ પણ ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરવાનું બાકી જ છે, પરંતુ આ કારણસર સમલૈંગિક સમુદાયોએ, ગે પુરુષોના સ્ત્રીઓની માત્ર સેક્સ્યુઆલિટી જ નહીં, પણ તેઓના અસ્તિત્વની સમસ્યાઓ વિશેના રોગિષ્ઠ અભિગમો પર પણ ધ્યાન આપતાં અટકવાનું નથી. પુરુષો, અરે સમલૈંગિક પુરુષો પણ લેસ્બિયન અને સંભોગની મશ્કરી કરતી વખતે કહેતા સંભળાય છે કે એમાં કોઈ પ્રવેશ ન થતો હોવાને કારણે એ અધૂરો ગણાય છે. અગાઉ દર્શાવ્યા મુજબ, આ પ્રકારના અભિગમો અને ટિપ્પણીઓ બેનાળી વૃત્તિ ધરાવનારા છે. એમાં માત્ર સ્ત્રીઓની સમલૈંગિક પસંદ પ્રત્યેની અસંવેદનશીલતા નથી, પણ તેઓના પોતાના સંપૂર્ણ સંભોગ વિશેના આંતરિક વિચારો, જેમાં કયા પ્રકારનો સંભોગ કાયદેસરનો ગણાય અને કયો નહીં, એ વિશેની પણ વાત છે. અહીં જોખમી સ્તરીકરણ રચાય છે. આને હું વૈકલ્પિક પિતૃસત્તાક વ્યવસ્થા કહેવા લલચાઉં છું, જેને વિષમલૈંગિક પિતૃસત્તાક નહીં, પણ સમલૈંગિક પિતૃસત્તાક વ્યવસ્થા કહી શકાય. અહીં હું એ મુદ્દો ઊભો કરવા માગું છું કે આ બાબત જાતીય અત્યાચાર જેટલી જ, કદાચ એથીય વધારે ડરામણી છે. આ સમજ વડે થનારો અત્યાચાર છે – જ્યાં નબળી રીતે ઊભી કરાયેલી સમજણને હકીકતને માથે ઠોકી બેસાડવાનો અત્યાચાર થાય છે. આ સમજણનો પ્રશ્ન છે. લોકો શું જાણે છે ? જો LGBT (લેસ્બિયન, ગે, બાઇસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર્ડ) સમુદાયમાં, તેઓના પોતાના જ સભ્યો માટે, અંદરખાને જો આ સવાલ પૂછવામાં આવે તો એના જવાબો ચિંતા પ્રેરે એવા મળે છે. જો સમલૈંગિક સમુદાયો સામૂહિક નીતિશાસ્ત્રને ટકાવવાની જરૂરિયાતમાં શ્રદ્ધા ધરાવતા હોય, તો આવા સવાલો વારંવાર અને અટક્યા વિના થવા જોઈએ અને એની પર ધ્યાન આપવું જ જોઈએ. જો વૈકલ્પિક સમાજો તેઓને સર્વમાન્ય સ્તરીકરણના નમૂનાના કેન્દ્ર -પરિઘ કરતાં છેટા રાખીને અલગ દૃષ્ટિથી જોતા હોય, તો આમ કરવું આવશ્યક છે. કોઈ એક માળખાથી છૂટા પડીને વળી પાછી એ જ માળખાની પ્રતિકૃતિ ઊભી કરવી અર્થહીન છે. સામાન્ય રીતે અધિકૃત આત્મલક્ષી અને આદર્શ સિદ્ધાંતોની જેમ સેક્સ, જેન્ડર અને સેક્સ્યુઆલિટીને ગણવાના પરિણામે જ સમલૈંગિક સમુદાયોનો જન્મ થયો છે. આ વૈકલ્પિક સમુદાયોમાં પેલા સમુદાય જેવું જ અથવા એ જ આત્મલક્ષી લખાણો મુજબનું વર્તન કરવું, એ તો પોતાનો જ પરાજય કરવા જેવી વાત છે. અહીં સવાલ એ છે કે શું સમલૈંગિક ધારણાઓ ઓળખના નીતિશાસ્ત્રના મુદ્દાઓ સાથે પોતાને જરા પણ સાંકળવા માંગે છે કે નહીં. આગળ ઉપર આપણે આ નિબંધમાં જોઈશું કે સમલૈંગિક ધારણાઓ મૂળભૂત રીતે તત્ત્વસાર-વિરોધી ઢબે ચાલતી હોવાને કારણે એ ક્યારેય ઓળખના નીતિશાસ્ત્રને માન્ય રાખતી જ નથી. માટે અહીં વિરોધાભાસ વર્તાય છે. આદર્શ અને કુદરતી પરિસ્થિતિઓમાંથી સેક્સ્યુઆલિટીના પ્રકારોને મુક્ત કરવામાં માળખું વિચ્છિન્ન કરી દેવાથી મદદ મળે છે, પણ આમ કરવાથી આગળ જતાં, ઓળખના નીતિશાસ્ત્રના પાયા જ તૂટી પડે છે. જો આપણી ઓળખો મુક્ત રીતે વિહરનારાં સૂચનો મુજબની જ હોય અને જુદાજુદા સમયે, જુદાજુદા સંદર્ભોમાં જુદાંજુદાં એકાધિક સ્થાનો સાથે આપણે સંકળાયેલા હોઈએ, તો પછી શા માટે એક ચોક્કસ ઓળખ સાથે આપણો હક્ક જોડવાની જરૂરિયાત આપણે આગળ ધરીએ છીએ – ઉદાહરણ તરીકે એક શિક્ષક કે એક લેખક તરીકે ઓળખાવાને બદલે, એક સમલૈંગિક વ્યક્તિ અથવા તો એક સ્ત્રી તરીકે ઓળખાવાની જરૂર કેમ સમજીએ છીએ? અમર્ત્ય સેન આ રગ દબાવીને ટીકા કરે છે, ‘જે વર્ગીકરણને બૌદ્ધિક રીતે ન્યાય ન આપી શકાય, એને સામાજિક ગોઠવણો મુજબ ક્યારેય મહત્ત્વ આપી શકાતું નથી... માત્ર રચવા ખાતરની હકીકત વડે જ સામાજિક વિશ્વમાં ભેદભાવો ઘડાય છે.” (સેન, ૨૭). ઓળખના મુદ્દા તરફની સમલૈંગિક ધારણાઓ જો સમલૈંગિક નીતિશાસ્ત્ર સાથે સતત સુસંગતતા દર્શાવતી હોવી જોઈએ, તો એ “શુદ્ધ બૌદ્ધિકતાથી આગળ વધીને અનિશ્ચિત સામાજિક મહત્ત્વ સુધી જવી જોઈએ” અને તેઓએ “સામાજિક સંદર્ભની નોંધ લેવી જોઈએ અને એક અથવા બીજા પ્રકારના હોવાની સાથે અનિશ્ચિત રીતે સુસંગત રહેવું જોઈએ.” (સેન, ૨૭-૨૮) હું માનું છું; માટે તમે છો જ્યાં સુધી એ સ્ત્રીએ ભારપૂર્વક મને કહ્યું નહોતું, ત્યાં સુધી હું એક પુરુષ નહોતો. એક ‘પુરુષ’ મિત્રની ‘સ્ત્રી’ મિત્ર એને માત્ર ‘પુરુષ’ સિવાય બીજી કોઈ રીતે સ્વીકારવા તૈયાર જ નહોતી, ત્યારે એ આ નોંધપાત્ર વાક્ય બોલ્યો હતો. એણે હતાશાપૂર્વક જણાવ્યું કે એ સ્ત્રી એને માત્ર ‘ક્યારેય ન સુધરી શકનારા પુરુષ’ તરીકે જ જોવાનું પસંદ કરતી હતી. એ સ્ત્રીને માટે તો એ માત્ર જે વિચારતી હતી, એ જ હતો. હા, એ અન્યોન્ય વિચારવાની રીત પણ હોઈ શકે છે. લોકો એને કઈ રીતે જોવા માંગતા હતા, એની પર એ પુરુષનાં દેખીતાં અર્ધનારીશ્વર સ્વરૂપ અને સ્ત્રૈણ વ્યક્તિત્વ – એ બેમાંથી એકેની અસર પડતી નહોતી. આપણે આપણી જાતને કઈ રીતે જોવાનું પસંદ કરીએ છીએ અને મોટા ભાગના અન્ય લોકો આપણને કઈ રીતે જોવાનું ચાલુ રાખે છે – એ બેની વચ્ચેના નિર્ણાયક ગાળામાં અત્યાચાર થઈ શકે છે. તાજેતરમાં જ લખાયેલ પુસ્તક, આઇડેન્ટિટી ઍન્ડ વાયોલન્સ : ધ ઇલ્યુઝન ઑફ ડેસ્ટિનીમાં અમર્ત્ય સેન ઓળખના આ પાસાની વાત કરે છે :
- બીજા લોકો આપણને જે રીતે જોવા માગતા હોય, એના કરતાં આપણે કેટલા વધારે જુદા દેખાવું છે, ખાસ કરીને એ બાબતે એ લોકોને આપણે કેટલી હદ સુધી મનાવી શકીએ છીએ, એના પર ઘણાં અસ્વાભાવિક બંધનો હોય છે... અન્યની આંખે આપણી ઓળખ પસંદ કરવાની છૂટ કેટલીક વાર અતિશય મર્યાદિત હોય છે (સેન, ૩૧)
આ જ રીતે, જ્યારે જ્યુડિથ બટલર કહે છે કે “જો એક વ્યક્તિ સ્ત્રી ‘હોય છે’, તો એ માત્ર તે જ નથી; એ શબ્દ સંપૂર્ણપણે સઘળું સમાવિષ્ટ કરનારો નથી.” (બટલર, ૩) એ વાત જેટલી બીજા માટે તેટલી જ એ વ્યક્તિને ખુદને માટે પણ સમજી લેવી મહત્ત્વપૂર્ણ છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ તમને તમારા જેન્ડર અને સેક્સને કારણે એક સ્ત્રી તરીકે જુએ, ત્યારે તમારી પોતાની એનાથી વધુ જોઈ શકવાની કાબેલિયત પણ એમાં વધારે મદદરૂપ થઈ શકતી નથી. માટે જ, લેસ્બિયન અને બાઇસેક્સ્યુઅલ સ્ત્રીઓના કિસ્સામાં, એમનું સ્ત્રીત્વ પિતૃસત્તાક દૃષ્ટિ અને તત્ત્વસાર-વિરોધી અભિગમ મુજબના વિચારોમાં ખેંચાતાણીનો વિષય બની રહે છે. સેક્સ, જેન્ડર અને સેક્સ્યુઆલિટીનાં આ ઓળખચિહ્નો જ્યારે તત્ત્વસાર-વિરોધી સમજણના સંદર્ભે આપણને ખળભળાવી મૂકશે, ત્યારે સાવ સામે મોં ફાડીને ઊભી રહેલી આ વાસ્તવિકતાઓને આપણે ક્યાં મૂકીશું?
એકત્વ અને તફાવતો
નારીવાદી અને સમલૈંગિક વિદ્વત્તાઓને એકત્વ અને તફાવતના પ્રશ્નોએ વિવિધ રીતે ચિંતિત કર્યા છે. આપણી ચર્ચાના વિષયને સીધી અસર કરનારી અમુક પાયાની સમજણોનું વિહંગાવલોકન કરીએ. આ મુદ્દા નારીવાદ અને સમલૈંગિક અભ્યાસોમાંથી અને ક્યારેક તો એ બંને જ્યાં મળે છે, એ જગ્યાએથી પણ લેવામાં આવ્યા છે. જોકે તે છતાં પણ જે થિયરિસ્ટો અને ટિપ્પણીકારોની મેં અહીં ચર્ચા કરી હોય અથવા તો એમનો નામોલ્લેખ કર્યો હોય, એ બધા જ કંઈ આ વિષયનું પ્રતિનિધિત્વ કરતા નથી.
(તમે જે નથી તે) હું છું
ફ્રૉઈડની સમજણ મુજબ સ્ત્રીની સેક્સ્યુઆલિટીનું અસ્તિત્વ હોવા માટે એ હંમેશાં પુરુષની સેક્સ્યુઆલિટી પર આધાર રાખે છે; એ બાબતનું ખંડન કરનાર લુસ ઇરિગરેનો “ધિસ સેક્સ વ્હિચ ઇઝ નૉટ વન” લેખ અસરકારક છે. એ સ્ત્રીના આનંદને પુરુષની સેક્સ્યુઆલિટીથી સ્વતંત્ર રીતે સ્વીકારે છે, જેમાં સ્ત્રીની સેક્સ્યુઆલિટીને હંમેશાં પુરુષના સંદર્ભમાં દર્શાવીને, એક સંબંધિત પ્રકાર ગણાવવાને બદલે, ધરમૂળથી ફેરફાર કરીને સ્વ-કામોદ્દીપક એષણાઓ તરીકે દર્શાવવામાં આવી છે : “એક સ્ત્રી સતત પોતાની જાતને સ્પર્શતી રહે છે, એમ કરતાં એને કોઈ અટકાવી શકતું નથી, કારણ કે એનું સેક્સ તો સતત એકબીજાને બાહુપાશમાં જકડી રાખતા બે હોઠોથી ઘડાયેલું છે. આમ પોતાની જાત સાથે એ પહેલેથી જ બે છે – જેને ક્યારેય એક-એક ભાગમાં દ્વિભાજિત કરી શકતી નથી – જે સતત એકબીજાને ઉત્તેજ્યા જ કરે છે.” (ઇરિગરે, ૨૮). આમ, સ્ત્રીના આનંદ મેળવવાની થિયરીને પુરવાર કરવાથી, જેન્ડર અને સેક્સ્યુઆલિટી વિશેના વિચારોને તપાસીને ફરીથી સરખા કરવા પર અસર પડી છે.
તમે આ ક્રિયા કરો છો, માટે આ છો
કોઈ જેન્ડરની ક્રિયા કરવાની ઢબનો ફ્રેન્ચ-વિચાર ધ્યાનમાં લઈને જ્યુડિથ બટલર જેન્ડર ટ્રબલ : ફેમિનિઝમ ઍન્ડ ધ સબવર્ઝન ઑફ આઇડેન્ટિટીમાં ‘ઉપયોગિતા કરતાં રચના વધુ મહત્ત્વની છે’ એ સિદ્ધાંત મુજબ અચાનક હુમલો કરે છે. તેઓના પૃથક્કરણ મુજબ, જ્યારે લાંબા ગાળા સુધી કોઈ એક જેન્ડર વારંવાર અમુક શારીરિક ક્રિયાઓ કર્યા કરતી હોય, ત્યારે એ ક્રિયાઓ તે જેન્ડરની સ્વીકાર્ય સ્વરૂપમીમાંસા - આવશ્યક ઓળખનો એક ભાગ બની જાય છે. પોતાની જેન્ડર મુજબનું વર્તન કરવાનું જાગૃતિપૂર્વક અથવા મરજિયાત રીતે થતું નથી, એ વાત અહીં મહત્ત્વપૂર્ણ બની રહે છે. ફુકો જેને રેગ્યુલેટિવ ડિસકોર્સીસ કહે છે અને એને શિસ્ત અને સજા તરીકે ઓળખાવે છે, એના મુજબ આ ક્રિયાઓ નક્કી કરવામાં આવે છે. એકબીજા સાથે મળીને આ ક્રિયાઓ એક સ્થિર જેન્ડરની ઓળખનો આભાસ ઊભો કરે છે. માટે, ‘સેક્સ’ના ઓળખચિહ્ન પર ‘જેન્ડર’ની ઓળખ છવાઈ જાય છે.
હોમો / હેટરો
હેટરો / હોમોની બેલડી વડે જે ભેદ પ્રદર્શિત થાય છે, એને ઓગાળી દેવાથી સમલૈંગિકતા વિશેની સમજણની શરૂઆત થઈ હતી. એ જ સમયે, એની સામે ઇવ કોસોફસ્કી સેજવિકે પોતાના એપિસ્ટેમોલોજી ઑફ ધ ક્લોઝેટમાં અમુક મુદ્દા ઉઠાવ્યા હતા : ....હોમો / હેટરોસેક્સ્યુઅલની વ્યાખ્યા ગઈ સદીના પટ પર મહત્ત્વપૂર્ણ રીતે છવાયેલી હતી, જે (માત્ર હોમોસેક્સ્યુઅલ ઓળખ અને સંસ્કૃતિ માટે જ નહીં પણ) સમગ્ર પાશ્ચાત્ય ઓળખ અને સામાજિક સંસ્થાઓ તેમ જ પારંપરિક રીતે દેખાતા જેન્ડર, ક્લાસ અને રેસ(વંશ)ના કોયડા માટે પણ એકસરખું મહત્ત્વ ધરાવે છે (સેજવિક, ૧૧) સેજવિક અહીં દલીલ કરે છે કે આવી જ અન્ય દ્વિગુણી બેલડીઓ – ‘કુદરતી / અકુદરતી’, ‘સંપૂર્ણ / અપૂર્ણ’, ‘સમાન / અસમાન’, ‘દેશી / પરદેશી’ વગેરે વિશેની આપણી સમજણો અને એના પર થયેલ કામ – એ બધું જ હોમો / હેટરો સેક્સ્યુઅલની વ્યાખ્યાને ધ્યાનમાં લીધા વિના અધૂરા છે. તેઓ દલીલ કરે છે કે આ અન્ય પ્રકારો પર પણ હોમો / હેટરો સેક્સ્યુઅલની વ્યાખ્યા અમીટ ચિહ્નો અંકિત કરે છે. આ વાતને જેન્ડર, ક્લાસ અને રેસની લગોલગ મૂકીને, સેજવિકે હોમો / હેટરો બેલડીની રચનાને ન ઉકેલી શકાય એવી અસ્થિર દર્શાવી છે. આ પહેલું જરૂરી પગથિયું બની રહે છે.
અંદર આવો... બહાર રહો
ડાયના ફસ દ્વારા સંપાદિત ઇનસાઇડ / આઉટ-લેસ્બિયન થિયરીઝ / ગે થિયરીઝમાં આ દ્વિગુણિત વિરોધના અવકાશ વિશેની સમજણ પૂરી પાડે છે. હેટરો/ હોમો જેવા આ દેખીતાં મૂળભૂત તફાવતોની માળખાકીય સમાનતાઓ કઈ રીતે મર્યાદાઓ, હાંસિયાઓ, સરહદો અને સીમારેખાઓનાં તત્ત્વો પર આધારિત છે, એ બાબત તેઓ સમજાવે છે. (ફસ,૧). તેઓ દલીલ કરે છે કે સાંસ્કૃતિક અર્થઘટનો કઈ રીતે ઘડાય છે, એ સમજવા માટે આવાં વિશિષ્ટ વલણો નમૂનારૂપ બની રહે છે. “કોઈ પણ શબ્દનું સૂચન હંમેશાં એ શબ્દની બહાર શું છે એના પર આધારિત હોય છે. (ઉદાહરણ તરીકે હેટરોસેક્સ્યુઆલિટીની વ્યાખ્યા, એ જે નથી – એટલે કે હોમોસેક્સ્યુઆલિટી – પર આધારિત છે; જે નિર્ણાયક રીતે વિરુદ્ધ હોય છે. માટે જ, ચોક્કસ સ્વરૂપ અને એના અર્થ ઉપજાવવા માટે અંદર / બહારની સંજ્ઞા કામ આપે છે.” (ફસ, ૧) ડાયના ફસના મુદ્દા મુજબ આ પ્રકારની ધારણાઓ ઘડવાની ઘટનાઓ આપણને, સમાવિષ્ટ કરનારા અને એથી જ હંમેશાં બાકાત રાખનારાં સ્થાનો આંકીને, આવી વિરોધી બેલડીઓને સંપૂર્ણપણે ઓગાળી નાંખતાં અટકાવે છે અને સમજાવે છે કે શા માટે અમુક બાબત ‘અંદર રહે છે’ અને એના સિવાયનું ‘બહાર રહી જાય છે.’ આ પ્રકારનાં માળખાં ઓળખના નીતિશાસ્ત્રની સમસ્યાઓ સાથે કામ પાર પાડવાનું શક્ય બનાવે છે. આ કારણસર, ચેતવણીસૂચક ઘંટડી વગાડનારી સ્ટીવન ઇપસ્ટીનની ચર્ચા સરળ બની જાય છે : “જ્યાં સુધી ગે સમુદાય તેમની અંદર રહેલી અસમાનતાઓના દૂષણ પર ધ્યાન નહીં આપે, ત્યાં સુધી તેઓની ચળવળ અન્ય સામાજિક ચળવળો જેટલી અસરકારક નહીં બની શકે એ સ્પષ્ટ થઈ ગયું છે.” આ બાબતને આગળ વધારતાં, ઓળખના નીતિશાસ્ત્રને લગતી એક સામાન્ય કમનસીબ વાસ્તવિકતા તરફ અંગુલિનિર્દેશ કરતાં એડ કોહેન કહે છે : “ભલે આપણે ગમે તેટલા સંવેદનશીલ રહીએ, તોપણ ઓળખના નીતિશાસ્ત્ર માટે ‘તફાવતો’ને સ્વીકારવામાં મોટી તકલીફ પડે છે. (કોહેન, ૭૬) ખરેખર તો તેઓ એમ પણ કહે છે કે ઓળખના નીતિશાસ્ત્રનું પુન: સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે, અને એક ખાસ વાત યાદ રાખવાનું મહત્ત્વ પણ સમજાવે છે કે કોઈ પણ સામૂહિક ઓળખ “વારંવાર અને જાગૃતિપૂર્વક પોતાની જાતને શોધતી, વધતી અને એમાં ફેરફાર કરતી રહે છે.” (કોહેન, ૮૮)
કોની થિયરી ?
સુપર્ણા બાસ્કરન, કદાચ પોતાના નૃવંશીય ‘તફાવત’થી માહિતગાર થઈને, તત્ત્વસાર-વિરોધી વિચારધારા કઈ રીતે ઓળખના નીતિશાસ્ત્રના બધા જ પ્રકારોને નકારી કાઢે છે એ તરફ દૃષ્ટિપાત કરે છે અને એ જ રીતે પોતાની જાતને ઓળખાવે છે, અને કઈ રીતે ઓળખ-આધારિત અત્યાચારના મુદ્દાઓ પર દધ્યાન આપવામાં આ બાબત બાધારૂપ બને છે, એ પણ જુએ છે:
- જેન્ડર વિશેની અવઢવ જાણે એમ કહેવા માગતી હોય કે રોજબરોજના અત્યાચારો તો અમુક સ્ત્રીઓની જ સમસ્યા છે – જેમ કે ગરીબ સ્ત્રીઓ, જાડી સ્ત્રીઓ, વિવિધરંગી સ્ત્રીઓ, લેસ્બિયનો, અક્ષમ શરીર ધરાવતી સ્ત્રીઓ – પણ ઉપયોગિતા કરતાં રચનાને વધુ મહત્ત્વ આપનારા નારીવાદીઓની તાત્કાલિક સમસ્યા તો વિઘટન અને ભાષાકીય સ્વેચ્છાચાર વિનાની ધારણાઓને સમરૂપ કરવાની જ છે. (બાસ્કરન, ૧૯૨).
એમની દલીલ માત્ર જ્ઞાન-વાસ્તવિકતા વચ્ચેના અંતર તરફ જ અંગુલિનિર્દેશ નથી કરતી, પણ રોજબરોજના જીવનમાં જે પ્રકારની અસમાનતાથી આ ધારણાઓ આગળ વધતી રહે છે એની તરફ પણ છે. કોણ આ ઘડે છે અને કોને આ ગળે ઉતારવાનું પરવડતું નથી એ વિશે પણ સવાલો ઊભા કરે છે. જ્યારે આ સવાલો ઊભા થાય છે, ત્યારે એ વિશે ચર્ચા કરવાની, એની જવાબદારી લેવાની અને એ વિશેના મતભેદો ધ્યાન પર લેવાની શક્યતાઓ સર્જાય છે. ખાસ કરીને, આ નિબંધના સંદર્ભમાં સ્ત્રીની વૈકલ્પિક કામુકતાઓને ચોક્કસ સ્થાન આપવા, ચેશાયર કાલ્હુનનું નીચે મુજબનું પૃથક્કરણ આપણી ખાસ ચિંતા પર ધ્યાન આપે છે :
- .....વિસામાન્ય સેક્સ્યુઅલ વર્તન કરનારા લેસ્બિયનો અને ગેના એકસરખા હોદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે, લેસ્બિયનોના દમન અને સ્ત્રીઓના દમનને સાંકળતી કડી પર, ગે હક્કો માટેની ચળવળ કરનારાઓ ધ્યાન આપી શક્યા નથી... તેઓએ ગે એટલે માત્ર ગે પુરુષો એમ જ રાખ્યું છે અને આમ ગે માટેની ચળવળમાં, ખુદમાં રહેલ પિતૃસત્તાક અભિગમો પર ધ્યાન આપવામાં નિષ્ફળ ગયા છે. (કાલ્હુન, ૨૦૧)
મેરી ઈ. જ્હોન અને જાનકી નાયર પણ આ જ વાતનો પડઘો પાડે છે :
- સ્ત્રીઓના દમનના મૂળમાં હેટરોસેક્સ્યુઆલિટી જ છે, એવો અભિગમ અને વધુપડતી ઉદારમતવાદી ટિપ્પણીઓ, જે સેક્સ્યુઅલ અત્યાચારને અનુચિતપણે ખોટો ભય ફેલાવનારી બાબત તરીકે ગણતા હોય એ અભિગમ – એ બંને વચ્ચે એક ઘેરી ભેદરેખા દોરવાનો સમય થઈ ગયો છે, કારણ કે આ બંને અભિગમો સ્ત્રીના આનંદ વિશે વાત કરવામાં અવરોધ ઊભો કરે છે. (જ્હોન ઍન્ડ નાયર, ૫)
આ બાબત ક્યાં દોરી જાય છે? એક અર્થ કાઢીએ તો એ બિન-ઓળખના નીતિશાસ્ત્ર તરફ જ દોરી જાય છે, જ્યાં લેસ્બિયન અને બાઈસેક્સ્યુઅલ સ્ત્રીઓને – સ્ત્રીઓની ચળવળો કે સમલૈંગિક ચળવળો – એ બેમાંથી એકેય પૂરતી, હાંસિયા-રહિત જગ્યા પૂરી પાડી શકતા નથી. નારીવાદી અને સમલૈંગિક – એ બંને અભિગમોનાં છેદનબિંદુઓ પર ઉપર જણાવેલા વૈચારિક વિકાસ થયા છે. નસીબજોગે, જેન્ડર અને સેક્સ્યુઆલિટીના મુદ્દા, અનુક્રમે નારીવાદ અને સમલૈંગિક જેવા વિભાગોમાં વહેંચવામાં આવ્યા નથી. ભલે સેક્સ અને જેન્ડરને એક ન ગણવામાં આવતાં હોય, પણ આ અભિગમો લઈને, એ બંનેની શરતી અવિભાજ્યતા તો માન્ય રાખવામાં આવી જ છે.
સમલૈંગિક અને નારીવાદી અભ્યાસોનાં જોડાણો
“આજના સમયમાં, લેસ્બિયન હોવાનો અર્થ એ છે કે એક સમલૈંગિક તરીકે તેમ જ એક સ્ત્રી તરીકે પણ અત્યાચારના ભોગ બનવું.” “આજે લેસ્બિયન હોવું એટલે અદૃશ્ય હોવું... એકરંગી દૃષ્ટિ અને પિતૃસત્તાક વૃત્તિ ધરાવનારા વિશ્વમાં ગુપ્ત રહેવું; ભલે આપણે બહાર આવી ચૂક્યા હોઈએ અને શક્તિશાળી પણ હોઈએ, તે છતાં પણ પુરુષો વચ્ચેના સંબંધોથી ઘેરાયેલા વિશ્વથી ગુપ્ત જ રહેવું.” (વૈદ, ૭૯૯) નૅશનલ લેસ્બિયન કૉન્ફરન્સ, એટલાન્ટા, જ્યોર્જિયા(૧૯૯૧)માં ઉર્વશી વૈદે એમના ‘લેટ્સ પુટ અવર ઓન હાઉસ ઇન ઑર્ડર” વિશેના ભાષણમાં ઉપર મુજબ કહ્યું હતું. અહીં, આપણી સઘળી ચિંતાઓ આવરી લેવાઈ છે. આ મુદ્દાઓ પર કયા પ્રકારની જગ્યાઓએ ધ્યાન આપવામાં આવ્યું છે?
* મોટા ભાગે નારીવાદી અને સમલૈંગિક ચિંતાઓના વિષયોનાં છેદનબિંદુઓ પર
* જેન્ડરને કેન્દ્રમાં રાખનાર અને સેક્સ્યુઆલિટીને કેન્દ્રમાં રાખનારા કલ્પનાવાદોનાં છેદનબિંદુઓ પર
અહીં એવું કહેવામાં આવતું નથી કે આપણે નારીવાદી અને સમલૈંગિક પૃથક્કરણની વચ્ચે ‘અપરિપક્વ’ અને ‘પુન: એકત્રીકરણ કરીને’ કબજો જમાવવાની જરૂર છે. (સેજવિક, ૧૬). હવે આપણે માહિતગાર થઈ ગયાં છીએ કે “ભલે સેક્સ અને જેન્ડર એકબીજા સાથે સંકળાયેલાં હોય, પણ એ બંને એક જ ચીજ નથી” (રૂબિન, ૩૦૮). જોકે આ નિબંધ એક એવો દૃષ્ટિકોણ રજૂ કરે છે કે આધુનિક નારીવાદી અને સમલૈંગિક થિયરીઓ વચ્ચેના એક સ્વસ્થ છેદનબિંદુ વડે એક એવી જગ્યા આગળ ધરવામાં આવે, જ્યાં વૈકલ્પિક સ્ત્રી-કામુકતાઓ સામે ઊભા થનારા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવે અને હેટરોપેટ્રીઆર્કી (વિષમ-પિતૃસમાક), હેટરોનોર્માટિવીટી (વિષમ-આત્મલક્ષિતા), હોમોપેટ્રીઆર્કી (સમ-પિતૃસત્તાક) વગેરે જટિલ કામોને સમજવા માટેનું માળખું પૂરું પાડવામાં આવે.
મળવું કે ન મળવું :
એક બાજુ, આપણી પાસે ‘સમલૈંગિક’ શબ્દની ક્ષિતિજોને સતત વિસ્તારનારી સમલૈંગિક હોવા વિશેની અનંત યોજનાઓ છે, જે હેટરોસેક્સ્યુઅલ સામાન્યતાઓની પરિસ્થિતિઓ અને હાવભાવોને પડકારે છે. વધુ મોટા શબ્દભંડોળ સેક્સ્યુઆલિટી અને સેક્સ્યુઅલ પ્રવૃત્તિઓ વિશેની માન્યતાઓ અને ધારણાઓ વધારવા વિશેની જરૂરિયાતો પર ભાર મૂકવામાં આવ્યો છે. માત્ર આધિપત્ય ધરાવનારી સેક્સ્યુઅલ વ્યવસ્થાને અસ્થિર કરવાનું પૂરતું નથી, એ બાબત આપણે સમજી ચૂક્યા છીએ. જ્યારે બીજી બાજુ, કોઈ એક શબ્દનો એકસરખો જ અર્થ સમજી લેવાની વૃત્તિ, આંતરિક વિરોધો અને અસમાનતાઓનું અર્થઘટન કરવાનો અંદરથી જ વિરોધ કરવામાં આવે છે. બીજી તરફ આધુનિક નારીવાદની તત્ત્વસાર-વિરોધી સ્વચ્છંદતા છે, જે કોઈ પણ પ્રકારની ધારણાઓ પર ફરીથી કામ કરતા અટકાવે છે – જ્યાં ખરેખર તો, કોઈ એક પ્રકારનો અર્થ અને નીતિશાસ્ત્રના વિવિધ સ્તરે ઉપયોગ કરી શકાય. માત્ર સૈદ્ધાંતિક રીતે માન્યતાઓને ઘટાડી દેવાથી એક ચોક્કસ સ્થાન વિશેના અત્યાચારો ઓગળી જતા નથી. ઉદાહરણ તરીકે જ્યાં સુધી હેટરોસેક્સ્યુઅલ સ્ત્રીઓ અને પુરુષો, લેસ્બિયન અને બાઇસેક્સ્યુઅલ સ્ત્રીઓને ઊતરતી કક્ષાની ‘સ્ત્રીઓ’ તરીકે જોતા રહેશે – અને એટલે, જે પહેલેથી જ પુરુષો કરતાં ઊતરતો પ્રકાર ‘સ્ત્રી’નો છે, તેણે તો જો પોતાને જરૂર હોય તો, ત્યારે ફરીથી કામ કરીને એ હોદ્દો પાછો મેળવવા માટે ત્યાં જ ખોડાઈ રહેવું પડે છે. તત્ત્વસાર-વિરોધી અભિગમોના કારણે, વૈકલ્પિક કામુકતાઓ ધરાવતી સ્ત્રીઓને એકસાથે ફાયદો અને અત્યાચાર – એમ બંને અનુભવો થાય છે. જે ચીજ તેઓની કામુકતાને કાયદેસર બનાવવા તાકે છે, એના જ વડે તેઓની જેન્ડરની ઓળખ હચમચી જાય છે. માટે, તેઓની સેક્સ્યુઆલિટીનું પ્રમાણ મેળવવાની સાથેસાથે જ તેઓએ મૂળભૂત તત્ત્વસારવાદો પાસેથી પોતાના સ્ત્રીત્વને સતત પાછું મેળવવાની માગ કરતા રહેવું પડે છે. આ માત્ર લેસ્બિયન નારીવાદીઓની જ સમસ્યા નથી. ‘નારીવાદી અને સમલૈંગિક’ સિદ્ધાંતો અને વિદ્વત્તાઓ પોતાની જાતને વૈકલ્પિક સ્ત્રી-કામુકતાઓની સમસ્યાથી બહાર સમજે છે. તો શું આ નારીવાદી થિયરીઓ અને ચળવળોનો પ્રશ્ન છે, જે (પોતાના માળખાની અંદર પણ) હેટરોસેક્સ્યુઆલિટીના આધિપત્ય સાથે જોડાઈને પોતાની પિતૃસત્તાક વ્યવસ્થા (પોતાના માળખાની અંદર) સાથે કામ લેનાર સમલૈંગિક સિદ્ધાંત અને ચળવળો, જે હેટરોસેક્સ્યુઅલ સામાન્યતાની સામે લડત ચલાવે છે, એનો પ્રશ્ન છે. તત્ત્વસાર-વિરોધી નારીવાદ અને વૈકલ્પિક પિતૃસત્તાક વ્યવસ્થા, તદ્દન જુદી દેખાતી આ બંને પ્રક્રિયાઓને અને એ બંનેની વચ્ચે ગોઠવાયેલા વૈકલ્પિક કામુકતાના મુદ્દાઓને એક હકીકત સાંકળી રાખે છે – હું એ હકીકત પર ધ્યાન આપવા માગું છું કે સમલૈંગિક ધારણા અને નીતિશાસ્ત્ર – એ બંને તત્ત્વસાર-વિરોધી ઢબનાં છે; અને ખરેખર તો એ અરચનાત્મક પૃથક્કરણની પેદાશ છે. પણ, આપણે આ બાબતોને ગમે તેટલી ટાંકીએ કે ન ટાંકીએ, પણ આ હઠીલી, ભીષણ ‘હકીકતો’ પર અકાળે, સૈદ્ધાંતિક અભિગમો ઠોકી બેસાડવામાં પણ જોખમો તો છે જ. પણ અહીં જે રીતે દર્શાવ્યું એમ, નારીવાદી અને સમલૈંગિક – એ બંને સિદ્ધાંતો, વિદ્વત્તાઓ અને નીતિશાસ્ત્રો પોતાનાં પિતૃસત્તાક અને હેટરોસેક્સ્યુઅલ વલણો બાબતે પુનર્વિચાર કરવા તરફ ઢળ્યાં છે. સમજણની આ બંને વ્યવસ્થાઓના એક ઔર છેદનબિંદુ વડે આ મુદ્દાઓ, ખાસ કરીને વૈકલ્પિક સ્ત્રી-કામુકતાઓના સંદર્ભો પર પ્રકાશ પડશે. આ યોજનાઓની સામે જે સંકટો તોળાઈ રહ્યાં છે, એ મુખ્યત્વે સમજણના પ્રશ્નો છે – કંઈક જાણવું, કંઈક ન જાણવું, ચોક્કસ પ્રકારની સમજણ અને અનુભવ વચ્ચે જે અંતર ઊભું થાય છે, એને સમજવું.
Works Cited
Baskaran, Suparna. “Physical Subjectivity and the Risk of Essentialism”. Our Feet Walk the Sky: Women of South Asian Diaspora. Ed. Women of South Asian De-scent Collective. San Francisco: aunt lute books, 1993.
Butler, Judith. Gender Trouble: Feminism and the Subver-sion of Identity. New York and London: Routledge, 1990.
Calhoun, Cheshire. “Separating Lesbian Theory and Femi-nist Theory”. Feminist Soda! Thought: A Reader. Ed. Diana Tietjens. New York: Routledge, 1997, pp. 200-218.
Cohen, Ed. “Who are ‘We’? Gay ‘Identity’ as Political (E)motion - A Theoretical Rumination. Inside/out - Les-bian Theories, Gay Theories. Ed. Diana Fuss. New York and London: Routledge, 1991, pp. 71-92.
Epstein, Steven. “Gay Politics, Ethnic Identity : The Limits of
Social Constructionism”. Socialist Review 17. 3. May/August 1987, p. 19 (as quoted in Cohen)
Fuss, Diana. “Inside/Out.” Inside/Out - Lesbian Theo-ries/Gay Theories. Ed. Diana Fuss. New York and Lon-don: Routledge, 1991, pp. 1-10.
Irigaray, Luce. “This Sex Which is Not One”. This Sex Which is Not One. Tians. Catherine Porter. New York: Cornell University Press. 1985, pp. 23-33.
John, Mary E. and Janaki Nair. “A Question of Silence?” In-troduction. A Question of Silence?: The Sexual Econo-mies of Modern India. Ed. Mary E. John and Janaki Nair. New Delhi: Kali for Women, 1998, pp. 1-51.
Sedgwick, Eve Kosofsky. Epistemology of the Closet. Berke-ley: University of California Press, 1990.
Sen, Amartya. Identity and Violence: The Illusion of Destiny. London: Alien Lane, 2006.
Vaid, Urvashi. “Let’s Put Our House in Order.” We are Eve-rywhere:A Historical Source Book of Gay and Lesbian Politics. Ed. Mark Blasius and Shane Phelan. New York and London: Routledge, 1997, pp. 798-807.