નારીસંપદા : ટૂંકી વાર્તા/ડચૂરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ડચૂરો

નીતા જોશી

એ ધીમા પગલે બગીચાના ખૂણાના વળાંક પાસે ગુલમહોરની છાયામાં ઊભી રહી. છાપાના કાગળમાં વીંટાળેલી બૉટલમાંથી પાણી પીધું, તરસ તો જાણે બાઝી પડી હતી. ઘર અહીંથી ખાસ દૂર ન હતું પણ ઘરે પહોંચવાની ઉતાવળ નહોતી એટલે બપોરનો સૂનકાર નિરાંતે જોયા કર્યો. વીજળીના તારમાં એક ફાટેલી પતંગ ફડફડાતી હતી એટલું જ બાકી ચિત્તાની જેમ છલાંગતી બપોર ત્રાટકી હતી. રોજની માફક, આજે પણ ખૂણામાં બેસવા ટેવાયેલી ગાય કોથળી વાગોળતી હતી. હંમેશની જેમ બેસ્વાદ બધું ચાવ્યા કરતી, એના મોંની આસપાસ ફરી વળેલું ફીણ જોઈ એને ગુસ્સો આવ્યો. “રેઢિયાળ ગાયનું બધું આવું જ” બબડતી ઘર તરફ જવા આગળ વધી. ગલી, ખૂણો અને ઘર તરફનો વળાંક વળી ઘરના દરવાજા સુધી પહોંચી. ચોરસ ખોખા જેવું ઘર તડકામાં શેકાતું હતું. એણે પર્સમાંથી ચાવી કાઢી તાળું ખોલ્યું. દરવાજો ખોલી અંદર આવી. બારીઓ ખોલી, પરદાઓ ખસેડ્યા અને હીંચકા ઉપર બેસી પડી. બહારની લૂ ઘરની દરેક ચીજવસ્તુઓ ઉપર ફરી વળી, બારીના પરદાઓ સહેજ હલ્યા એટલું જ બાકી બધું સ્થિર રહ્યું. એણે હીંચકા ઉપર શરીર લંબાવ્યું, પછી બારીમાં મૂકેલા તાળા—ચાવીને ધારીને જોયા કરી. તાળું ખૂબ સુંદર હતું, નકશીદાર અને વજનવાળું. ચાવી પણ ઝીણી કોતરણીથી કોતરાયેલ, આંગળીમાં રમાડવી ગમે એવી. શું કામ આવી નાની-નાની વસ્તુઓનું વળગણ લઈને હજુ ફરે છે? શી જરૂર હતી આ ઘરમાં રહી જવાની! જે જમીનમાં એના પગ હજુ પણ ચોંટતા નથી, એ જમીન માટે સ્વમાન ગુમાવી બેસી? એણે વિચારો દબાવવા હાથ કપાળ ઉપર મૂકી દીધો, પરંતુ એ તો પાણીની જેમ જગ્યા કરી ફેલાતા ગયા. અજય જાણે ઉપકાર કરતો હોય એમ ચાવી સહિત ઘર સોંપી નીકળી ગયો. જાણે મશ્કરી કરવા જીવનમાં આવ્યો હોય એમ! ઘરની ઝંખના હતી એટલે જ ધીમાં પગલે આખા ઘરમાં ફરી વળાય એવું ઘર બનાવ્યા પછી નોકરીની ઈચ્છાઓમાંથી એ બહાર નીકળી ગઈ હતી. ઘરની એક—એક વસ્તુ જોવી અને સ્પર્શ કરવી ગમે એવું જ એ રાખવાનું પસંદ કરતી. લગ્ન પછી કચ્છના પ્રવાસે ગયેલાં ત્યારે અંજારના બજારમાં કંઈ કેટલાં ચપ્પુ—છરી—સૂડી—તાળા—ચાવી ધારી—ધારીને જોયાં હતાં. ઘર માટેનું આ તાળું ત્યારે જ ખરીદેલું. અજયે કહ્યું એક તાળા પાછળ આટલો ખર્ચ? પરંતુ એ માની નહોતી. “અજય, તાળું હાથમાં પકડીને બંધ કરવા કરતાં પણ ખોલવાની કેટલી મજા આવે! એ ખૂલે પછી ઘર ખૂલે!” અમસ્તું લટકતું હોય તોપણ જોવું ગમે એવું ત્રણ ચાવીવાળું, ઝીણી કોતરણીથી નકશીકામ કરેલું તાળું ખરીદેલું. એક ચાવી મારી, એક તારી અને એક ભવિષ્યમાં કામ આવશે એમ વિચારી ઉત્સાહ સાથે એણે પેક કરાવેલું. ત્રીજી ચાવીના ઉપયોગ સુધી પહોંચાય એટલી નિકટતા ક્યારેય આવી જ નહિ. ચાવીઓ યાદ આવતાં બાકીની બે ચાવી ક્યાં હશે એ યાદ કરવામાં ઊંડી ઊતરી ગઈ. કમ્પ્યુટરવાળા ટેબલના ખાનામાં હોવી જોઈએ. અજય એક ચાવી લઈ ગયો કે રાખીને, કાંઈ જ ખબર નથી. એ ચાવી સાથે લઈ જઈને કરે પણ શું ?

ઘર જાળવવું જ નહોતું તો બાંધ્યું શું કામ? એનું માથું ભમવા લાગ્યું, એ જેટલી તીવ્રતાથી વિચારોને ધક્કો મારી હડસેલતી એટલા બમણા વેગથી સામે ઊભા રહેતા. એને ચા પીવાની ઇચ્છા થઈ. એ ભરબપોરે પણ ચાનો કોઈ વિકલ્પ પસંદ કરતી નહીં. રસોડામાં દૂધ ગરમ કરવા મૂક્યું. ડબ્બામાં ચાય-પત્તી પૂરી થયેલી જોઈ એ અકળાઈ. સ્ટવ બંધ કરી એ બહાર નીકળી. રસ્તો હજુયે ખાલીખમ હતો. આ એ જ વિસ્તાર હતો, જ્યાં એ હજુ ત્રણ વર્ષ પહેલાં સાડી પહેરીને ઊતરી હતી, ભાડાના નહીં સીધા પોતાના જ ઘરમાં. ત્યારે તો અહીં ખુલ્લું મેદાન હતું. સોસાયટીના છોકરાઓ ક્રિકેટ રમતા હતા અને મેદાનના સામા છેડે વસતી ઝૂંપડપટ્ટીના છોકરાઓ લૂંટેલી પતંગ ઉડાડતા હતા, કેટલાક તૂટેલાં ટાયર દોડાવતા હતા. અત્યારે મેદાનના અર્ધા ભાગમાં લોખંડના સળિયાઓ અને ઈંટોનો ખડકલો થઈ ગયો છે. અજય સાથે પહેલા દિવરો જ દૂધ અને જરૂરી ચીજવસ્તુઓ લેવા નીકળી હતી, નવા વિસ્તારને ધારી ધારીને જોયા કરતી હતી. એ પછી ઘણી વાર સાંજે એકલી ચાલવા નીકળતી. બગીચામાં બાળકોને રમતાં જોતી, ફરફરિયાં ખરીદતાં જોતી ત્યારે અંદર એક ફરફરાટ ફરી વળતો, અજયને વળગી પડવાનું મન થઈ જતું પણ અજય તો સાવ સુસ્ત. એ અને એનો મોબાઈલ. જાણે કોઈ નામ મુઠ્ઠીમાં ભીંસીને પકડી રાખ્યું છે. મુઠ્ઠી ખૂલતાં જ ખાલીખમ સમયનો ઢગલો બની જતો. ઘરમાં બે વ્યક્તિની વચ્ચે તરતું કોઈ નામ અનુભવાતું અને એ ઉદાસ બની જતી. અજય એક અધૂરપ સાથે એનામાં ઉમેરાયો છે. કદાચ કોઈ મૂંઝવણ ભરેલી સ્થિતિમાં કે પછી કોઈએ આમ કરવા વિવશ બનાવ્યો હશે? હવામાં ફંગોળાતા નામને પકડવા એણે પ્રયત્ન શરૂ કરી દીધો. એક… બે… ત્રણ પુરાવાઓ જેમ મળતા ગયા એમ શિપ્રા નામનો ડચૂરો ગળે વધુ ને વધુ બાઝતો ગયો. ન ગળાની નીચે ઉતારી શકાય ન ફેંકી શકાય. અજયની કઈ મજબૂરી હતી? જ્યારે એના જીવનમાં શિપ્રા હતી તો શું કામ જોડાયો એની સાથે? આમ તો ભૂલ એની પોતાની જ હતી. જિંદગીમાં સુખ કે દુઃખની ઓછી જ આગાહી હોય? સાવ એવું નહોતું. એને આવનાર સંઘર્ષનો અણસાર મળ્યો જ હતો. ઘરમાં અજય મહેતાનું નામ બોલાતું થયું એ સાથે શિવાની હવે તું એક વાર અજ્યને જોઈ લે, વધારે મોડું નથી થવા દેવાનું. છોકરો નોકરી કરે છે. દેખાવમાં સારો છે અને નોકરીના બહાને સ્વતંત્ર રહેવાનું છે, આનાથી વધારે કેટલું જોવાનું? હવે સમય વધારે જાય એ સારું નહીં. આવી બધી ચર્ચાઓ પછી ઘરનાં વડીલોએ ટેલિફોન બિલ ભરવાને બહાને અજયને જોવા બી.એસ.એન.એલ.ની હેડ ઓફિસમાં મોકલી હતી. બિલ ભરવાના વારાની પ્રતીક્ષામાં ઊભી હતી. આગળ લાંબી લાઈન હતી. ઘડીક જમણા પગ ઉપર વજન દઈને, ઘડીક ડાબા પગ ઉપર વજન દઈને તો ઘડીક ટટ્ટાર ઊભી રહીને જોયા કરતી હતી. ઓફિસની અંદરનો માહોલ. ટેબલ ઉપર બેસેલા કર્મચારીઓના વ્યવહારો, દીવાલે લટકાવેલી જાહેરાતો, સ્ક્રીન ઉપર પીળી પટ્ટીમાં તરતી સૂચનાઓ. આ બધાં વચ્ચે અજય મહેતા નામનો યુવાન નજરે ન ચડ્યો. વચ્ચે દસ મિનિટના ચા—બ્રેકમાં આમથી તેમ નજર દોડાવી ત્યારે અંદરના કમ્પ્યુટર રૂમમાં ખડખડાટ હસતી બે વ્યક્તિ ઉપર નજર નાંખી. એ જ અજય હોવો જોઈએ. આખી ઑફિસમાં યુવાન એ એક જ દેખાતો હતો અને એની સાથે જુલ્ફો ઉછાળીને હસતી પેલી માયા કોણ હશે? ના ભાઈ ના, નહીં મજા આવે. એ એટલી સંકુચિત નથી એવી જાત સાથે દલીલો કર્યા પછી ફરી ઘરમાં કહ્યું, મને ત્યાં ઇચ્છા નથી. આ નિર્ણય ઘરમાં સંભળાવ્યો એ સાથે મહેણાં-ટોણાનો વરસાદ શરૂ થઈ ગયેલો. શિવાનીનાં નખરાં ખૂબ ! ક્યાંથી શોધવો એ ઇચ્છે એવો છોકરો? એને શી તકલીફ છે એની ખબર જ ક્યાં પડે છે?

બધી એની એ જ ચર્ચાને અંતે એણે કહ્યું સારું એક વાર મને મળી લેવા દો પછી નક્કી કરું, બસ! ફરી એક દિવસ ઓફિસ પાસેથી પસાર થઈ અજયને જોવાને બહાને જ. અજ્ય બાઈક ઉપર નીકળ્યો અને પાછળ ખભા પકડીને બેસેલી પેલી માયા પણ ખરી. ના, હવે તો નહીં જ. દેખાવડો અને નોકરિયાત હોય તો શું થઈ ગયું? ફરી ઘરનું વાતાવરણ તંગ થયું, પછીના બે દિવસમાં મુલાકાત ગોઠવાઈ. એ પણ કોઈ મજબૂર સમયનો ભોગ બનેલો હશે. વાત—ચીત ખાસ કાંઈ થઈ નહીં કેટકેટલા પૂછવાના પ્રશ્નો, કેટલું ખરાબ લાગશે એમ વિચારી અંદર ઘૂમરાતા રહી ગયા. થોડા દિવસોમાં એક અધૂરી મુલાકાત સગાઈમાં પરિણમી. સગાઈની પાર્ટીમાં આવેલ મિત્રોમાં ઊછળતી જુલ્ફો પણ સાથે હતી. અજયે પરિચય કરાવતાં કહેલું આ છે શિપ્રા ઐયર, મારી સહકર્મચારી અને સારી મિત્ર પણ ખરી. પગથી માથા સુધી એક ઝણઝણાટી પસાર થઈ પછી એને આખી ચકાસી. એ સમયે અજયની નિખાલસતા ઉપર ઓળઘોળ થઈ જવાયું હતું. સમય જતાં આ મિત્ર શબ્દની ઓથ નીચે સંબંધ ગોળગોળ ભમતો ગયો અને બન્ને વચ્ચેની તિરાડ પહોળી કરતો ગયો. અજયની સાથે ચર્ચાને અવકાશ જ નહોતો. તું સંકુચિત છે, તું શંકાશીલ છે, આવાં છીછરાં વિશેષણોથી ગુનેગાર એ જ સાબિત થતી. શિપ્રા પણ મોબાઈલ અને ઓફિસ સુધી સીમિત ન રહેતાં ઘરની નાનીમોટી વસ્તુઓની પસંદ-નાપસંદમાં સહભાગી થવા લાગી. બારીના પરદા હોય કે બેડશીટનો રંગ, ક્રોકરીની ડિઝાઈન હોય કે નાનું-મોટું ફર્નિચર શિપ્રાના અભિપ્રાય જ અંતિમ અને શ્રેષ્ઠ સાબિત થતાં. શિવાનીને થતું પોતાના ઘરમાં નહીં બીજાના ઘરમાં ઊભી છે. એ ગલીનો વળાંક વળી બગીચાના ખૂણા સુધી પહોંચી. ગાય હજુ પણ કોથળી વાગોળતી હતી. એને ડચકારી, પણ ઊભી ન થઈ. ભરબપોરે સંતાને ઉકરડો ફેંદતો જોઈ સંતા ઉપર અકળાણી, આમ તડકામાં શું કામ રખડે છે? સંતાએ બે હાથે કોથળો વધુ ટાઈટ પકડ્યો અને બોલ્યો "માસી, અટાણે કોથળો ન ભરું તો બીજું કોઈક ભરી જાય!” કોથળો આઇસકીમ, શ્રીખંડ, દહીંનાં ખાલી ડબ્બા-ડુબ્બીથી ભરાઈ ગયો હતો. “આજે તો તારા બાપુ ખુશ થઈ જશે નહીં?" "હા, બાપુએ કીધુસ, કોથળો ભરાઈ જાય તો વળતા લારીએથી વડા-પાવ લેતો આવજે." "અત્યારે કાંઈ ખાધું કે?" ‘ના’ “ઊભો રહેજે હું હમણાં આવું છું.” વળતાં ચાના પેકેટ સાથે પારલેજી બિસ્કિટ અને ચોકલેટ લઈ લીધાં. આ સંતો બહુ જીવરો છોકરો છે. રહે છે ઝૂંપડપટ્ટીમાં પણ કામ કર્યા વગરનું કશું લેતો નહીં. એની લખોટી જેવી આંખોમાં બહુ બધી વાતો હતી. એને પહેલી વાર જોયો ત્યારે જીઇબીના થાંભલાને અઢેલીને બ્રેડના ડૂચા મારતો હતો. કોરી બ્રેડ ગળે ન ઊતરી એટલે અંતરાસીને પરસેવે રેબઝેબ થઈ ગયેલો જોઈ હાથમાં ચા માટેની દૂધની કોથળી સંતાને આપી દીધી. એ એટલા ભાવથી જોતો રહ્યો. પછી તો જ્યારે નીકળવાનું થાય એટલે “માસી, કાંઈ કામ કરવા આવું?” આવે ત્યારે ફળિયું, અગાશી સાફ કરે. નાનાં-મોટાં કામ કરી આપે. સંતાને ખુશ રાખવામાં એને ખૂબ આનંદ મળતો.

સંતાની મા મરી ગઈ હતી, એ એની માની આંગળીએ આવેલો. અત્યારનો બાપ એનો સગો બાપ નહોતો. સંતો એના નવા બાપની કમાણીનું સાધન બની ગયો હતો. આ દશ-બાર વર્ષનો છોકરો ગમવાનું કારણ એક જ એ કામ કર્યા વગર એના બાપનું પણ ખાતો નહીં. સંતા જેવા છોકરાને જો મફતનું ખાવું પસંદ નથી તો પોતે શું કામ રહી ગઈ આ ઘરમાં? નીકળી જવું હતું ને! ક્યાં જવું એ મોટો પ્રશ્ન એની સામે હતો. એ દિવસે એ થોડું સહન કરી ગઈ હોત, અર્ધીરાત્રે ચાદરની અંદર ચળકતો મોબાઈલ સ્ક્રીન અને અપમાનિત ક્ષણો. એણે નક્કી કરી લીધું, આમ સાથે રહેવાનો કોઈ અર્થ નથી. અજય આપણે છૂટાં પડી જઈએ. મારી પાસે નોકરી નથી એનો અફસોસ છે પણ મારે તારું કાંઈ નથી જોઈતું, બસ. આમ મહેમાનની જેમ મારે નથી રહેવું. અજય ધાર્યા કરતાં વહેલો સહમત થઈ ગયો. એ મને રઝળતી મૂકીને નથી જતો એવું સાબિત કરવા ઘરની ચાવી સોંપી જરૂરી સામાન લઈને નીકળી ગયો. એ ક્યાં જવાનો હતો એ તો નક્કી જ હતું. એ ઊભી રહી ઘરની વચ્ચે એકલી ગુમસૂમ. જીવન આમ પોતાના પગ ઉપર આવે ત્યારે કેવો અંધારપટ છવાઈ જાય. ઘણા રઝળપાટના અંતે ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે જોડાણી. જીવન હવે જાતે જ ઊંચકવાનું હતું. હળવું હોય કે ભારે. કેટલીયે સાંજ કોરી બ્રેડ ખાઈને વિતાવી, ગળે ડચૂરો વળે તોપણ. સંતો એને ન મળ્યો હોત તો સ્વમાનને આટલું નજીકથી સમજી શકી ન હોત! હજુ ક્યાં મોડું થયું છે ? એ મક્કમ બની. બીજા દિવસે નકશીદાર તાળું અને એની ત્રણ ચાવી બૉક્સમાં બંધ કરી બી.એસ.એન.એલ.ની ઑફિસમાં પહોંચી. અજય મહેતાના ટેબલ ઉપર કાચની ગોળાકાર નાનકડી બારીમાંથી સરકાવી આંખ મિલાવ્યા વગર નીકળી ગઈ. હવે ક્યાં? પ્રશ્ન ગળે બાઝી પડ્યો, એક ઝાડ નીચે ઊભી રહી. બૅગમાંથી પાણી પીવા બૉટલ કાઢી ઢાંકણ ખોલ્યું. પાણી ગળા નીચે ઉતારી ન શકી. બાજુમાં તપતા પથ્થર ઉપર ધીમી ધારે ઢોળી ખાલી રસ્તો તાક્યા કરી ક્યાંય સુધી…

વાર્તા અને વાર્તાકાર :

નીતા જોશી (૦૧-૦૨-૧૯૭૦)

એક વાર્તાસંગ્રહ :

1. ખુલ્લી હવા : 21 વાર્તા

નોંધપાત્ર વાર્તાઓ :

નક્શો, ભાવુડીનો શો વાંક, અનુબંધ