નારીસંપદા : ટૂંકી વાર્તા/ત્રિકમ તંબૂરો
દીપા રાજપરા
તે દિવસે પીણાઓ ટેબલ પર પહોંચતા કરવાનો ઓર્ડર મળતા તૈયાર જ રાખેલી સર્વિંગ પ્લેટ હાથમાં લઈને જેવો હું અંદર પ્રવેશ્યો કે ત્યાંનું દૃશ્ય જોઈ સમજી ગયો કે બાજી બરાબર ગરમી પકડી ગઈ છે. ત્રાસી નજરે પરિસ્થિતિનો ક્યાસ કાઢતો હું ચૂપચાપ બન્ને પાર્ટી માટે કાચના પ્યાલામાં પેગ તૈયાર કરવા લાગ્યો. આમ તો, પાંચેક વર્ષની મારી વેઇટરની નોકરીમાં આવા દૃશ્યો મારા માટે રોજિંદા હતાં. કહેવાય છે કે મહાનગરોમાં રોટલો મળે પણ ઓટલો મળવો મુશ્કેલ.. એટલે છેક વતનથી અહીં આવ્યો ત્યારે મેં નક્કી જ કરી લીધેલું કે જે નોકરી મળે એ સ્વીકારી લેવી. અહીં વેઇટરની નોકરી આમ તો મને એક અર્થમાં ફળી જ હતી કેમકે અહીં આવતા નબીરાઓની ચાકરી જો સરખી કરો તો ખુશ થઈને ટીપમાં હજારોનાં બંડલ ફેંકી દેતા સહેજે વાર ન લાગે. આપણુંય ગાડું થોડુંક ઝડપ પકડી ગબડવા લાગે એમાં ખોટું શું, બરાબરને ! એમાંય કોને ખબર કેમ પરંતુ ત્રિકમ તંબુરાને હું એનું સદ̖નસીબ લાગતો તે એની ગંજીફાની બાજી પર મારો જમણા હાથનો પંજો મુકાવડાવે. નસીબનું કરવું કે એની જે બાજી પર મારો હાથ અડ્યો હોય તે હમેંશા ત્રિકમ જીતી પણ જતો. વિચિત્ર ઠહાકાઓ મારી હસતો ત્રિકમ તંબુરો ગેલમાં આવી મને વાંસામાં એકાદ ધબ્બો પરખાવે ત્યારે આમ તો મને મનોમન ચીડ ચડે પરંતુ રાજી થયેલો શેઠ જીતેલી રકમમાંથી અડસટે કેટલીક નોટો મારા હાથમાં થમાવી દયે એટલે ચૂપ રહી જવામાં મને સમજદારી લાગતી ! "નોરબુ, પેગ પછી ભરજે, પહેલાં આ પાનાઓ પર તારો હાથ અડાડ." ત્રિકમ તંબુરો મારી તરફ ફરીને બોલ્યો. ખી..ખી..ખી.. કરતો સામે બેઠેલો ગુરુ ખંધુ હસ્યો અને બોલ્યો, "કેમ..તારા નસીબ પર તને ભરોસો નથી? બીજાની મદદ લેવી પડે છે? આજે નોરબુ તો શું ઉપરથી વિધાતા ય નીચી આવીને તારા પતાને હાથ અડાડે તો ય તું તો ગયો જ સમજી લેજે તંબુરા ! લે.. બે ની પાછળ ત્રણ મીંડાવાળા બબ્બે બંડલની મારી ચાલ !" આમ કહી ગુરુએ બે બંડલ ટેબલ વચ્ચે ફેંક્યા. હું થોડો ખસીને પાછળ જવા ગયો કે... "ક્યાંય જવાની જરૂર નથી નોરબુ, અહીં જ ઊભો રહે" બોલીને ત્રિકમ તંબુરાએ મારો હાથ પકડ્યો. પેગ ઉપર પેગ ચડાવ્યે જતી અને મોટી કિંમતનાં બંડલોના ખડકલા ઊંચા કર્યે જતી બન્ને પાર્ટીને ખરેખર તો નશો ચડી રહ્યો હતો કે બાજી જેમ આગળ વધતી હતી તેમ નશો ઊતરી રહ્યો હતો એ સમજવું મુશ્કેલ હતું. બન્નેના પાળીતા કૂતરા જેવા બાઉન્સર્સ પણ બન્નેની તહેનાતમાં આજુબાજુથી ઘેરીને ઊભા ઊભા બધો તાલ જોઈ રહ્યા હતા. એવામાં.. "તને કહું છું ને, હાથ અડાડ નોરબુ..." ત્રિકમ તંબુરાએ ત્રાડ પાડીને મારો પકડેલો હાથ ખેંચ્યો કે હું લગભગ લથડીયું ખાઈ જ ગયો. ગુરુ પણ હવે હસવાના મૂડમાં નહોતો લાગતો એટલે કંટાળતો મારી તરફ ફરીને તાડુક્યો, "હવે મૂકને હાથ પતા ઉપર એટલે આ પંતુજી આગળ વધે." “એય... પંતુજી કોને કહેશ હે... તારો દમ બધો બાજીમાં દેખાડ... શું સમજ્યો...? બાકી ફેંકી દે પતા... આ બાજી તો હવે મારી જ છે... અને તું હાથ અડાડ પાનાને... નોરબુ...!" ત્રિકમ તંબુરો બહુ મોટો હાકોટો પાડી બોલ્યો કે બન્ને તરફના બાઉન્સર્સ પણ સજગ થઈ ઊંચા નીચા થતા એકદમ અક્કડ થઈ ગયા. હું પણ ભયથી ધ્રુજી ઊઠ્યો અને ફટાફટ ત્રિકમની બાજી પર મારો જમણા હાથનો પંજો મૂકી દીધો. આ બધી બોલાચાલીનો અવાજ અને ત્યાં લગાવેલા સી. સી. ટીવી કેમેરામાં દૃશ્યો નિહાળી આજુબાજુ જ નહીં, આખી કલબમાં પહેલા તો આછો ગણગણાટ અને પછી ટાંકણી પડે તો ય સંભળાય એવો સોપો એકાએક પડી ગયો. સીટી સાઈડ કલબનાં આઠ બાય આઠની સાઈઝનાં ક્યુબીકલ તેત્રીસમાં ગોઠવેલા સીસમનાં ટેબલ ખુરશી પર સામસામે ગોઠવાયેલા ત્રિકમ અને ગુરુ વચ્ચે આજે કંઈક અલગ જ હદની જ ઘટના આકાર લઈ ચૂકી હતી. બન્નેમાંથી અત્યારે કોઈ નમતું જોખવાના મૂડમાં નહોતા. મામલો એ હદની રસાકસીએ પહોંચી ગયો અને ધીરે ધીરે ચાલી રહેલી બાજી એકાએક એવી ગરમાઈ ગઈ હતી કે સીટી સાઈડ ક્લબનાં બધાં જ ક્યુબીકલ્સમાં વાયુવેગે વાત પહોંચી ગઈ અને હવે એ બીજા બધાં ટેબલ પરની કોઈની પણ રમત એટલું પણ મહત્ત્વ નહોતી રાખતી કે આગળ ચાલુ રહી શકે ! ટૂંકમાં બધાં ટેબલ સમયની પહેલા અને અધવચ્ચે રમત પડતી મૂકીને આટોપાઈ ગયાં. દેશી વિદેશી શરાબોથી લબાલબ બારના કાઉન્ટર પર સતત ઝડપથી છલકાતા જતા એક પછી એક જામ આ ઘડીએ તો પાણી જેવા બેઅસર થઈ ગયા હતા અને જેણે જેણે પેટમાં પધરાવી દીધા હતા એ લોકોનો નશો પણ એ સમયે તો હવા થઈ ગયો ! ડી.જે. પર વાગતા પાશ્ચાત્ય સંગીતને તાલે ચેનચાળા કરી નૃત્ય કરતી લલનાઓ સંગીત બંધ થઈ જતાં થંભી ગઈ. શું થઈ રહ્યું છે? એ જ ન સમજાતા બહેર મારેલા મગજ અને બઘવાયેલા ચહેરાવાળી તંગ સ્થિતિ ત્યાં ક્યુબીકલ તેત્રીસને ફરતું ઘેરી ઊભા રહી ગયેલા સૌ કોઈનાં મો પર આ ગરમાઈ ગયેલું દૃશ્ય જોઈ જામી ગઈ. અહીં ત્રિકમ તંબુરો અને ગુરુ, એ બન્નેએ એકદમથી ફરી અઠંગ સ્વસ્થતા ધારણ કરી પોતપોતાના ચહેરાની એકોએક રેખાઓને જાણે સતર્કતાથી પોતાના બાનમાં જ લઈ લીધી જેથી સામે બેઠેલી વ્યક્તિની સમક્ષ પોતાના ચહેરાની એકેય કરચલી જરા અમથી પણ આડી અવળી ખસીને કોઈ વાતનો ભેદ ન ખોલી નાખે ! આ ક્ષણે તો એમની આંખો પણ પથ્થરની બની હોય એવી ભાવવિહીન થઈ એકબીજાને તાકી રહી હતી. જોકે પરિસ્થિતિનો તાગ જરા અમથો પણ સામી વ્યક્તિને લેવા ન દેવો એ આવડત અઠંગ ખેલાડીઓનાં લોહીમાં ભળી ગઈ હોય છે એમાં નવાઈ નથી ! સીટી સાઈડ ક્લબ એટલે શહેરના પોશ વિસ્તારમાં આવેલી અને શહેરની માત્ર ચરમ રઈસીને જ બેય હાથ પસવારી આવકારીને ખોબલે ખોબલે યજમાન પદ નિભાવવા આતુર એવી ધમધમતી ક્લબ ! શહેર હજુ વિકાસની અવસ્થામાં હતું એ સમયે શહેરની ભાગોળે આ ક્લબ નવી નવી બની હતી. સમય વહ્યો અને ગામડાઓ પણ શહેરોની તરક્કીના તળાવમાંથી આચમની લેવા તલપાપડ થતાં શહેરો ભણી વળ્યાં. શહેરની વસ્તી અને વિકાસ બન્ને વધ્યાં. એમાં આ ક્લબ ધીમે ધીમે શહેરના મધ્ય વિસ્તારમાં આવી ગઈ. પરંતુ નામનું શું છે? અહીં તો જેને જે નામ ફળી ગયું એ જ એની ઓળખનું મહોરું બની એને જીવનભર ચોંટી ગયું. સીટી સાઈડ ક્લબ પણ શહેરની સાઈડમાંથી વચ્ચે આવી ગઈ હોવા છતાં સીટી સાઈડ ક્લબ જ બની રહી. માણસ નામનું એક જ પ્રાણી આ આખી દુનિયામાં સૌથી અળવીતરું જ રહ્યું છે અને રહેવાનું છે. આદિ માનવે ચક્રની શોધ શું કરી લીધી એનાં પગને પૈડાં આવી ગયાં જાણે, તે ક્યાંય સુખે ટકીને બેસતો જ નથી ને ! બે પાંદડે થયેલો માણસ પહેલાં તો બે ટંક પેટનો ખાડો પૂરવાની વ્યવસ્થાને જીવનનો મુખ્ય ધ્યેય બનાવી ચાલવાની શરૂઆત કરે અને જીવતે જીવત જો આ ધ્યેય પૂરો થઈ જાય તો એ જ પળે અવળા વિચારે ચડે કે જીવનનો ધ્યેય આ નહીં બીજો કોઈ હોવો જોઈએ. એટલે ફરી નવા ધ્યેયની શોધની શરૂઆત અને એક નવી દોડ પણ શરૂ થાય ! આ દોડમાં પાછાં લક્ષ્મીજીની કૃપા પણ સાથ આપવા લાગે ત્યારે તો આ માણસ નામના પ્રાણીને પૈસાથી આખું જગત ખરીદી પોતાના ખિસ્સામાં ભરી દેવાનો નવો સંકલ્પ અને નવું ધ્યેય બનાવવામાં પળનો પણ વિલંબ ન લાગે ! બસ, આવાં આવાં ધ્યેયોને લઈને દોડવાવાળા ખંધા માણસોનો એક આખો વર્ગ એટલે આપણી આ સીટી સાઈડ ક્લબના બધા સભ્યો ! એક એક માથા અતરંગી, એક એક ચહેરાઓ એવી એવી નોટ જેને વટાવવી એ કંઈ ખાવાના ખેલ તો નહીં જ ! કોનો છેડો ક્યાં અડતો હોય એ કોકડું તો ઉકેલો એમ ગૂંચવાય ! આ કલબની અંદર પ્રવેશો અને જેટલી વ્યક્તિ સામે મળે એ વાસ્તવમાં જે છે એ જ છે કે કેટલાં મહોરાં ચડાવી તમારી સામે ઊભી છે એ નક્કી કરવા કદાચ જન્મારો ઓછો જ પડે ! જેની જેની ઓળખમાં સીટી સાઈડ ક્લબના સભ્યપદનું છોગું લાગેલું હોય એનું તો વણકહ્યે સમજી જ જવાનું કે એ ઊંડા જળની માછલી છે. જેવા તેવાનું તો કામ જ નહીં કે અહીંની હવામાં શ્વાસ પણ લેવા મળે ! ટૂંકમાં, સીટી સાઈડ કલબમાં પ્રવેશ ફી પણ એવી કે જેવી નહીં કે તેવી ! અને ચાલો, થોડી વાર માટે માની લો કે કદાચ તમે એટલા સક્ષમ પણ છો કે આ કલબમાં પ્રવેશ મેળવવા જેવી માતબર કમાણી કરી એક મરતબો પણ ઊભો કરી લો છો તો પણ તમે કેટલાં અદૃશ્ય મહોરાં ચડાવી જાણો છો, એટલે કે તમારી પ્રતિષ્ઠાનાં મૂળ કેટલા ઊંડાં જાય છે એ આકલન ઉપર જ અહીં સભ્યપદ મળી શકવાનો બધો જ દારોમદાર રહેલો છે. મને તો મારો સાથી કર્મચારી કહેતો પણ ખરો કે યાર.. ભલે ને વેઇટરની નોકરી હોય, એ રીતે તો એ રીતે, આપણે આ ક્લબની ઝાકમઝોળ નજીકથી જોવા તો પામ્યા ! સીટી સાઈડ કલબમાં ત્રિકમ તંબુરાનું સભ્ય તરીકે આગમન અને મારું વેઈટરની નોકરીમાં જોડાવું આ બન્ને ઘટનાઓ એકદમ જબરી નાટકીય ઢબથી થયેલી ! બાકી એનો બાહ્ય દેખાવ જોવો તો પરગ્રહવાસી જીવો માટે પેલો અંગ્રેજી શબ્દ વપરાય છે ને... શું?...હા... એલિયન...! હા, ત્રિકમ તંબુરાને કોઈ પહેલી નજરે જોવે તો પળવાર તો શંકા કરે જ કે આ માણસ એલિયન તો નથી ને ! ત્રિકમ એકદમ બેઠી દડીનો ચાર ફૂટીયો માણસ. મોં પર બે કાળા કોડા જડેલા હોય એવી એની સહેજ બહાર તરફ નીકળેલી આંખો. પૃથ્વી ઉપર ઊગતું અનાજ એને નહીં સદતું હોય એવું હશે કે? કે એના માટે બીજા ગ્રહ પરથી કોઈ અલગ વિશેષ ભોજન આવતું હશે? શું ખબર, પણ એની ચામડી સીધી હાડકાંઓ સાથે જડી દીધી હોય અને એને કારણે જ એના ગાલનાં બાચાં અંદર તરફ એકદમ બેસી ગયેલાં અને ગળાનો હૈડ્યો તો ઊપર નીચે થતો ચોખ્ખો દેખાય એવો એનો દેખાવ ! શેના આધારે એનું શરીર ચાલતું હશે એ એક રહસ્ય ! મૂળ તો ગામડા ગામનો માણસ એટલે કદાચ પહેલેથી જ એની બાએ તેલથી ચપટ્ટ ચોંટાડી માથા પર બાજુમાં પટીયો પાડી વાળ ઓળતા શીખવ્યું હશે અને આ ભાઈને વાળ બાબત કંઈ વધુ વિચારવા જેવું પણ નહીં લાગ્યું હોય તે બાળપણથી પડેલી એ જ હેયર સ્ટાઇલ જાળવી રાખેલી. કપડાં પણ ખાસ આકર્ષણ ઉપજાવે એવા તો નહીં જ, પરંતુ ઠીકઠાક વ્યવસ્થિત ધારણ કરતો એ નવાઈ હતી. નક્કી એનો દરજી એના શરીરની એલિયન આકૃતિ ઘાટઘૂંટને સમજવામાં સફળ થઈ ગયો હોવો જોઈએ ! ટૂંકમાં, ત્રિકમ તંબુરો કોઈ વિશિષ્ટ આકર્ષણવાળું વ્યક્તિત્વ તો નહોતું જ, નામ પણ વિચિત્ર, છતાં વિચારવા જેવી વાત એ હતી કે એ સીટી સાઈડ ક્લબનો માનદ સભ્યોમાંનો એક હતો ! ખેર... ત્રિકમ તંબુરાના સીટી સાઈડ કલબમાં નાટકીય આગમનની હું વાત કરતો હતો. તો થયું એવું કે ત્રિકમ તંબુરાએ કેટલાક કોઠા કબાડા કરી રાજકારણ અને અંધારી આલમ સાથે સાંઠગાંઠ વધારી રૂપિયા અને નામ જમાવ્યુ એટલે ભાઈને થોડો ફાંકો થઈ ગયો કે પોતે કંઈક વિશિષ્ટ છે. હવે ત્રિકમ તંબુરાની નજર પણ ઘણા દિવસથી સીટી સાઈડ ક્લબમાં સભ્યપદ મેળવવા તરફ હતી, પરંતુ હજી અંદર પ્રવેશ મળે એટલી લાયકાત નહોતી થઈ. એમ તો એ એટલો શાણો માણસ કે સમજી ગયો હતો કે રાજકારણ, અંધારી આલમ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો ત્રિવેણી સંગમ સીટી સાઈડ કલબની અંદર જ થાય છે અને પછી એ ત્રિવેણી પ્રવાહ ભળીને એક થઈ ત્યાંથી જ પસાર થતો આગળ ક્યાંક જાય છે. આ માણસ દેખાવે જેટલો સૂગ ચડે એવો હતો એટલો જ એનાં કરતબને લીધે બધા માટે જરૂરી થઈ પડ્યો હશે અને એમાં પેલો પોતે કંઈક હોવાનો ફાંકો પણ ભળ્યો એટલે તે સાંજે ભાઈએ નવી ખરીદેલી સ્કોર્પિયોમાં બિરાજીને કલબમાં જોડાવાના હેતુથી ક્લબના મુખ્ય પ્રવેશદ્વાર પાસે દર્શન દીધા. બરાબર એ જ સમયે સામેથી શહેરના પી.એસ.આઈ.ની ગાડી પણ કલબની બહાર જવા નીકળી. કિસ્મતનું કરવું કે મારો પણ કલબની નોકરીમાં જોડાવાનો પહેલો દિવસ હતો એટલે હું મારા નાનકડા થેલા સાથે મુખ્ય દરવાજે હજુ આવ્યો જ. હવે દરવાજામાં જ આ બન્ને ગાડી આમને સામને થઈ ગઈ. કોઈ એક જણ પોતાની ગાડી પાછળ લ્યે તો બીજાની આગળ પસાર થઈ શકે એવો ઘાટ થયો. ત્રિકમ તંબુરો જેનું નામ... સ્કોર્પિયોમાં અંદર બેઠાં બેઠાં તુમાખીથી બોલ્યો, "આ ગાડી ત્રિકમ તંબુરાની છે, સામે પી.એસ.આઈ. તો શું એનો બાપ ઊભો હોય તો ય પાછી નહીં વળે !" આ સાંભળીને પી.એસ.આઈ.ની કમાન પણ એવી છટકી કે ત્રિકમ તંબુરાને ગાડીમાંથી બહાર ખેંચી સરખાઈનો ત્યાં ને ત્યાં જ લમઢારીને કાબરો કરી નાખ્યો. આ બધા ખેલનો એ સમયે સાક્ષી હું જ ત્યાં હાજર હતો. મેં વળી હિંમત કરી દોડી જઈ પી.એસ.આઈ.નાં સકંજામાંથી ‘ભાઈ સાહેબ બાપા’ કરીને ત્રિકમ તંબુરાને બચાવ્યો. જો એ સમયે હું દોડી ન ગયો હોત તો આ ભાઈના રામ રમવાના બાકી હતા. જોકે, બીજે દિવસે જ, મારી નોકરી લાગી ગઈ અને ત્રિકમ તંબુરાને પણ પાછલા બારણેથી કલબમાં પ્રવેશ મળી ગયો હતો. જરૂર આ કાગડો કંઈક તો કળા કરવી જાણતો જ હશે ! પછી તો મારા સાંભળવામાં આવ્યા મુજબ પેલા પી.એસ.આઈ.એ ત્રિકમ તંબુરાની માફી પણ માગી હતી. પી.એસ.આઈ. કક્ષાના માણસે માફી શા માટે માગી એ વળી એક રહસ્ય જ તો ! ક્લબમાં પ્રવેશ મળ્યા પછી ત્રિકમની ગાડી આગળ જ દોડી હતી એ વાત પણ નકારી શકાય એવી નહોતી. ત્રિકમ તંબુરો નસીબમાં બહુ માનતો હશે તે એને મેં બચાવ્યો એ વાતને પોતે પોતાનું સદ̖નસીબ માની લીધું હતું. હવે એના મત મુજબ હું એનાં નસીબનાં બંધ દ્વાર ખોલનારો હતો. ક્લબમાં એ આવ્યો હોય અને એની કોઈ બાજી અટવાતી દેખાય એટલે મને બોલાવે ! "નોરબુ... હાથ અડાડ...!" આ એક જ વાકય એને બોલવાનું આવે ! ભલે, આજ સુધીની આ નવાઈ જ હતી કે એ બાજી ત્રિકમની જ થાય... પણ મને દર વખતે અંદર ફાળ રહેતી કે જો કોઈક દિવસ આ માણસ પીટાઈ જાશે તો મનેય ભેગો લેતો જાશે ! મારી જાણકારી પ્રમાણે "ત્રિકમ તંબુરો" આવા વિચિત્ર નામ પાછળ પણ વાર્તા હતી. ત્રિકમ એના પરિવારમાં એકલો જ વિચિત્ર દેખાવની સાથે વિચિત્ર ખોપડીવાળો માણસ એટલે નાનપણથી જ ઘરના લોકો આને સાવ હલકામાં લેતા. ત્રિકમ પણ ધીરે ધીરે થોડો રખડેલ થઈ ગયેલો. આખો દિવસ ગામના લોકોને સળીઓ કરવી અને હેરાન કરવા એમાં સમય ખપાવ્યા કરતો. એવામાં ગામને પાદર મંદિર પાસે કોઈ સાધુ મહાત્માએ ઝૂંપડી નાખી. મહાત્માજી પાસે એક તંબુરો હતો. સવાર સાંજ મહાત્માજી તંબુરો વગાડવામાં તલ્લીન રહેતા. ત્રિકમ એની બાજુમાં પલાંઠી વાળી બેસી રહેતો. મહાત્માજી અને ત્રિકમની જુગલબંધી પણ સારી જામી. એમ કરતાં ત્રિકમ પણ તંબુરો વગાડતા શીખી ગયો. જોકે ઘરના લોકો માટે આ વાત કંઈ ખાસ મહત્ત્વની નહોતી. ત્રિકમ મોટો થયો અને બાપાએ પેટિયું રળવા આને શહેર ધકેલ્યો ત્યારે મહાત્માજીનો દીધેલો તંબુરો એની સાથે જ હતો. કહેવાય છે, શહેરમાં આવીને ત્રિકમની સંગત કોઈ નશીલી દવાઓના ખેપિયા સાથે થઈ ગઈ અને એક દિવસ તો અંધારી આલમની એક બહુ મોટી કરોડોની ખેપ ત્રિકમે આ તંબુરામાં માલ ભરીને વિસ્મયકારી રીતે સફળતાપૂર્વક પાર પાડી દીધી ! એમાં તો આખી અંધારી આલમમાં જબરો ખળભળાટ થયો અને માફિયાઓની રહેમ નજર નીચે પણ આવ્યો. આ ઘટના બાદ એ ત્રિકમ તંબુરો તરીકે જાણીતો થઈ ગયો હતો. એમ તો પછી, કરેલી કાળી કમાણીને ઊજળી કરવા ત્રિકમ તંબુરાએ ઘણા કાયદેસરના ધીકતા ધંધા પણ જમાવ્યા. ત્રિકમ તંબુરાની સામે બેઠેલા ગુરુની ટૂંકમાં ઓળખ આપવી હોય તો એમ જ કહી શકાય એ એના જેવો ગુરુ ઘંટાલ કોઈ હજી તો નહીં જ પાક્યો હોય ! ગુરુ એટલે પોતે ન રમે પણ બીજાને રમાડવાવાળો માણસ ! આમ ‘ગુરુ’ નામ એના માટે એકદમ યોગ્ય પણ હતું. માણસ ભણેલો એટલો જ પાકો ગણતરીબાજ પણ ખરો ! એટલે જ્યારે લોટરી અને સટ્ટાનો જમાનો એકદમ ચરમ પર હતો બરાબર એ સમયમાં ગુરુનો પ્રવેશ થયો એ જોરદાર ફળી ગયું. પછી એ શેર બજારમાં આવ્યો, એમ તો ક્રિકેટમાં પણ હાથ અજમાવ્યો, એ પછી એમ.સી.એક્સ. અને વરલી મટકામાં પણ આવ્યો. આ બધામાં એના મોટા માથાઓ સાથે સાંઠગાંઠના છેડા પણ દેશ વિદેશ સુધી વધ્યા અને કમાણી તો પછી અબજોમાં જ હોય...! ગળામાં સોનાની ચેઇન, બન્ને હાથની દસેય આંગળીઓમાં રત્નજડિત સોનાની વીંટીઓ, હસે ત્યારે દેખાતી શ્વેત બત્રીસીમાં દેખાતો એક સોનાનો દાંત તેમજ એ જ બત્રીસી માટે સોનાની દાંત ખોતરણી પણ સાથે ખરી જ, પાંચ ફૂટ નવ ઈંચની કાયા પર સફેદ પેન્ટ-શર્ટની સાથે મેચિંગ સફેદ બૂટ, માથાના વાળ પણ ભૂખરી સોનેરી ઝાંયવાળા, સફેદ શર્ટના ખિસ્સામાં ખોસેલી કાર્ટીયરની સોનાની બોલપેન, ડાબા હાથમાં સોનાની રોલેક્સ ઘડિયાળ -ગુરુનો આવો કાયમી દેખાવ ! એનાં કાંડ-કૌભાંડ અને કોર્ટ કેસ એટલાં હતાં કે કાયમ અન્ડરગ્રાઉન્ડ જ રહેતો ગુરુ ક્યારેક જાહેરમાં અલપઝલપ દેખાઈ જતો. તે દિવસે પણ ઘણા સમય પછી અચાનક જ ક્લબમાં દેખાયો એ પણ રમાડવા નહીં, જાતે ગંજીફો રમવાના મૂડમાં ! ક્યુબીકલ તેત્રીસ સીટી સાઈડ ક્લબનાં ઇતિહાસમાં સોનેરી અક્ષરે છાપ છોડવા જઈ રહ્યું હતું. બન્ને પક્ષે નોટોનાં બંડલમાંથી હવે સોનાનાં બિસ્કિટ અને ત્યારબાદ કિંમતી મિલકતોનાં દસ્તાવેજી કાગળો વડે છલોછલ છલકી ચૂકેલું ટેબલ અબજોની કિંમતનું ધણી હતું અને હવે એનું ધણી ત્રિકમ તંબુરો કે ગુરુ, આ બન્નેમાંથી કોણ બનશે એ દિલધડક ઘટનાનો રોમાંચ સગી આંખે જોનારા માટે પણ અસહ્ય થવા લાગ્યો હતો. કદાચ ત્રિકમ પાસે હવે દાવમાં મૂકી શકાય એવું કશું બચ્યું નહીં હોય તે ઉધાર પર આવ્યો. હવે વિચારમાં પડવાનો વારો ગુરુનો હતો અને અંદરખાને તો ગુરુનું દિમાગ હલી પણ ગયું હતું. આ ક્ષણ એવી હતી કે ત્રિકમ જે રીતે લગભગ ખાલી જ થઈ ગયો હતો છતાં નમવાનું નામ નહોતો લેતો, તો એની બાજીમાં નક્કી વજન હતું જ એ માનવું પડે. છટપટી ગયેલા ગુરુએ મનોમન ઘણી ગણતરી કરી. ત્રિકમ તંબુરા જેવા અલેલટપ્પુ સામે હવે બાજી ખેંચવી એ મુર્ખામીમાં જ ખપે. ગુરુને તો શો આપવામાં પણ પૈસા બગાડવા જેવું લાગ્યું અને ચીડ અને ગુસ્સા સાથે પેક બોલી એનાં ત્રણેય પતા ટેબલ પર ફેંકી જ દીધા. જોનારાઓનાં મોંમાંથી એક સાથે હાયકારો નીકળી ગયો... સીધા પડેલા એ ત્રણેય પત્તા ત્રણ રાણી હતી. ગુરુએ ત્રણ રાણી ફેંકી દીધી હતી ! તો પછી ત્રિકમની બાજીમાં શું ત્રણ રાજા કે ત્રણ એક્કા હતા? શો નહોતો અપાયો એટલે ખબર પણ કેમ પડે? પરંતુ બધાનાં આશ્ચર્ય વચ્ચે ત્રિકમે એક પત્તુ ખોલ્યું. કાળીનો એક્કો...! ઓ...! ત્રણ એક્કાની બાજી હતી? હા કે નહીં? શુ હતું? ત્રિકમે બીજું પત્તુ ખોલ્યું. કાળીની તીડી...! હવે તો બધાનાં મોંમાંથી નીકળતો ગણગણાટ અરર...વાળા ડચકારા સાથે મોટા અવાજોમાં પરિવર્તિત થયો. ઓ બાપરે... કાળીની પાકી રોન હતી...! જેવું ત્રિકમે છેલ્લું પત્તું સીધું કર્યું કે ક્લબમાં હાજર મોટા ભાગના લોકોએ હૃદય બેસી જવાની બીકે પોતાની છાતી પર હાથ રાખી દીધા. ઓ ભગવાન... અરર... કચ...કચ...કચ કરતાં ડચકારાથી વાતાવરણ ગૂંજી ગયું. પાયમાલ ગુરુ તો માથે હાથ દેતો સડક ઊભો થઈ ગયો. મારા સહિત કેટલાયની આંખો ફાટી રહી ગઈ અને મોં ખુલ્લાં રહી ગયાં. એ ચોકટની તીડી હતી ! એક્કો બે તીડી ત્રણ રાણી સામે જીતમાં હતા ! ક્યુબીકલ તેત્રીસમાં બે તગડાએ માની ન શકાય એવો તગડો ખેલ પાર પાડ્યો હતો. ત્રિકમે શાનથી મંદ હાસ્ય સાથે મારી સામે જોયું. બે હાથ વડે ટેબલ પર પડેલો કેટલોક માલ ઉસેટયો અને મારા હાથોમાં થમાવ્યો, જે મને કરોડપતિ બનાવવા માટે પૂરતો હતો. બાકીનો માલ ત્રિકમે એના બાઉન્સર્સ પાસે ઉપડાવ્યો જે સમજો ને કે નાની માછલી સામે વ્હેલ માછલી બરાબર હતો. શાસ્ત્રીય સંગીતની કોઈ ધૂન ગણગણતો અને તંબુરો વગાડવાની હાથની આંગળીઓની મુદ્રા રચતો ત્રિકમ તંબુરો મોજથી ક્લબમાંથી રવાના થઈ ગયો. સૌ મોં વકાસી એને જોતા રહી ગયા ! સમય વીત્યો. મેં તો એકાદ મહિનામાં જ કલબની નોકરી છોડી દીધી અને આજે વતનમાં વેપાર જમાવ્યે પણ દાયકો નીકળી ગયો. ત્રિકમ તંબુરો પણ ત્યારબાદ કલબમાં દેખાયો નહોતો. જોકે એની વાતો તો ઘણા દિવસો સુધી લોકો માટે ચર્ચાનો ગરમાગરમ વિષય બનીને રહી હતી. ત્રિકમ માટે સાંભળ્યું હતું કે એણે એની બધી જ ગાડીઓ પાછળ A33 છપાવ્યું હતું. જીત્યા પછી શરૂનાં વર્ષોમાં ત્રિકમ તંબુરાની નાની મોટી ખબર મળતી રહેતી પરંતુ પછીના સમયમાં એ ક્યારે અંધારી આલમના અંધારામાં ક્યાં ગરક થઈ ગયો એ મારા સહિત કોઈ નહોતું જાણતું. આજે સવારમાં જ મારા નામે એક અનામી ચિઠ્ઠી આવી. કુતૂહલ સાથે વાંચવા ખોલી તો એમાં બરાબર વચ્ચોવચ એક વાક્ય લખ્યું હતું, "નોરબુ... હાથ અડાડવા આવીશ?" નીચે ઝીણા અક્ષરે A33 અને એક સરનામું છાપેલું હતું !
❖