નારીસંપદા : ટૂંકી વાર્તા/માછલી
પલ્લવી કોટક
રૂખસાર દરિયા કિનારે આવીને પથ્થર પર જડવત્ બેઠી. દરિયા પરથી આવતા ખારા પવનથી એના ગૂંચવાયેલા, લાંબા, વાંકડીયા વાળ વધારે ગૂંચવાઈ ગયા. એણે ખોલવા પ્રયાસ ન કર્યો. ગૂંચ છૂટે એમ નહોતી લાગતી. આમ તો એને ખુલ્લા, મુક્ત લહેરાતા વાળ જ ગમતા. પણ છેલ્લા એકાદ વરસથી રોજ એમાં ગૂંચો પડી જતી, એ છોડવાની હિમ્મત કરતી પણ થાકી જતાં મૂકી દેતી. દરિયા કિનારે ઘણી બધી માછલી પકડવાની જાળો પણ એકબીજામાં ગૂંચવાઈને પડી હતી. રૂખસાર એકીટશે જોઈ રહી. વિશાળ, અનંત દરિયો અને ક્ષિતિજ. મામદનેય બધું વિશાળ જોઈતું હતું. મોટું ખોરડું, મોટો ધંધો. એ એના માટે કંઈ પણ કરી શકતો. રૂખસાર વિચારતી, આટલો મોટો દરિયો પણ કામનો શું? નકરી ખારાશ! એક ટીપાંનીય તરસ ન બુઝાવે. એ બેઠી હતી ત્યાંથી થોડે જ દૂર મામદ અને બીજા માછીમારો દરિયામાં જાળ નાખીને માછલીઓ બહાર ખેંચી રહ્યા હતા. માછલીને એના ઘરથી, જિંદગીથી, શ્વાસથી દૂર કરી રહ્યા હતા. રૂખસારના પગ પાસે એક મોટું મોજું આવ્યું, પથ્થરથી અથડાઈને ફીણફીણ થઈ ગયું. થોડી માછલીઓ પણ કિનારે આવી ગઈ. એને થયું, આ દરિયો માછલીનું રક્ષણ કેમ નહીં કરી શકતો હોય? માછલીઓ પોતાની જાતને દરિયાની છાતીમાં છુપાવવા ફરી અંદર ડૂબકી મારી જતી, પરંતુ મોજું પાછું કિનારે ફંગોળી જતું. બિચારી માછલીઓ! દરિયા પાસે એનું ગજુ શું? એનાય કેવા કરમ! કિનારે તરફડતી હોય અથવા તો કોઈએ નાખેલી જાળમાં. તરફડવું જ એમનું નસીબ હતું, કદાચ. અગાધ પાણીમાં રહેતી હોવા છતાં, કોણ જાણે કઈ તરસ એને જાળ સુધી ખેંચી લાવતી હશે? કે પછી પાણીમાં પોતાની મસ્તીમાં રહેતી માછલી, એ સુંદર મજાની રંગબેરંગી, સોનેરી જાળના ભ્રમમાં જાતે જ ફસાતી હશે! ‘કુબૂલ હૈ, કુબૂલ હૈ, કુબૂલ હૈ’ રૂખસારની અંદર પડઘાયું. વરસ પહેલા, કસરતી બદનવાળા, દેખાવડા, સોનેરી ઝુલ્ફો ધરાવતા, પૂરા છ ફૂટ ઊંચા અને વસ્તીમાં સૌથી સારું ખોરડું ધરાવતા મામદ સાથેના નિકાહ વખતે પોતે બોલી હતી. એની આંખોમાં ભેજ ઊતરી આવ્યો. ઘડીક એને માછલીનું રક્ષણ ન કરી શકતા દરિયા પર દાઝ ચડી તો વળી, લાલચું માછલી પર પણ ગુસ્સો આવ્યો. "મૂઈ તરસ!" પોતાને જ સંભળાય એમ એ બબડી. માછલી એની અંદર પેસી ગઈ હતી, તરસી માછલી. એ જે પથ્થર પર બેઠી હતી એના પર એણે અમથો જ વહાલથી હાથ ફેરવ્યો, મામદના ચહેરા જેમ. ખરબચડા પથ્થરથી હાથમાં છોલાવા જેવું થયું. એના ગળામાં તરસ જેવું કંઈક અટવાયું, એણે પરાણે ગળા નીચે થૂંક ઉતાર્યું. રૂખસારની આંખમાં જાળમાંથી સૂંડલામાં ઠલાવતી જતી માછલીઓ પછડાઈ, ત્યાંથી એ માછલીઓ મોટા સૂંડલામાં અને પછી કોઈ વાહનમાં ચડાવીને બજારમાં. ત્યાંથી કોઈ ખરીદીને એને પોતાને ઘેર લઈ જશે. ના ના, એમ સીધેસીધું કોઈ નહીં લઈ જાય. માછલીની જાત, રૂપ, રંગ, કદ જોયા પછી વેચવાવાળા ગ્રાહક સાથે ભાવતાલ કરશે. "આ માછલીના આટલા રૂપિયા, પેલી માછલીના તેટલા, અરે વાહ! આ માછલી તો કેવી હૃષ્ટપુષ્ટ છે!" રૂખસારના ચહેરાની રેખાઓ આતંકિત થઈ. એણે પવનથી લહેરાઈને માથા પરથી સરી ગયેલ ઓઢણીને પીઠ પરથી વિંટાળીને છાતી ફરતે શાલ જેમ ઓઢી લીધી. બંને હાથને ઓઢણીની અંદર લઈને શરીર સંકોચી લીધું, એની હૃષ્ટપુષ્ટતા કોઈ જોઈ ન જાય એમ. ગ્રાહકના ચહેરા પર એક હાસ્ય આવશે, એ માછલીની લિસ્સી ચામડી પર હાથ ફેરવશે. અભાનપણે જ રૂખસારે પોતાનો એક હાથ, બીજા હાથ પરથી, ગરદન પરથી, કશુંક ઝાટકતી હોય એમ ઝાટક્યો. માછલીને આખેઆખી ગળી જવી હોય એવા હાસ્ય સાથે ગ્રાહક, "હમ્મ બહુ સરસ..." એવું કંઈક બબડીને એને લઈ જશે. મોટી સુંદર ચમકતી માછલીને જોઈને એની લાળ ટપકશે. પછી! આગળ વિચારતાં હાંફ ચડી હોય એમ પથ્થર પર બેઠાંબેઠાં જ એની છાતીમાં શ્વાસ ભરાયો. ખચ્ચ, મસમોટું ખંજર ખોસી દેશે એની લિસ્સી ચામડીમાં. આહ! પીડાથી રૂખસાર કણસી ગઈ. એ ખંજર લોહીલુહાણ કરી જાય, અંદર સુધી ચૂંથી જાય, રોજ એક નવું ખંજર. રૂખસારનું ધ્યાન જાળમાં ફસાયેલી એક મોટી માછલી પર ગયું. માછલી જાણે જાળમાંથી નીકળવાનો પ્રયાસ કરી રહી હતી. એ તરફડતી હતી, એના શરીરમાં દરિયાનું મોજું ઊતરી આવ્યું હોય એમ એ આખેઆખી અમળાતી હતી. એ તરફડાટ અસહ્ય હતો, શ્વાસ ન લઈ શકાય એવી રૂંધામણ, છૂટવાના પ્રયાસો, અર્થ વગરનાં હવાતિયાં, ચારે બાજુ અંધારું જ અંધારું. એ બંધાઈ ગઈ હતી, એક છૂટી ન શકાય એવા બંધનમાં. એ બોલી શકતી હોત તો ચીસો પાડત, ગળું ફાટી જાય એવી ચીસો. એનેય ખબર હતી કે કોઈ બચાવવા નહીં આવે તોય, મરણિયા પ્રયાસો અને અંતે એ ચીસો અટકી જાત, પેલી તરસની જેમ ગળામાં, છાતીમાં, અને પછી ખંજર ખચ્ચ, ખચ્ચ, ખચ્ચ... એક મૂંગી ચીસ સાથે રૂખસાર પથ્થર પરથી ઊભી થઈ ગઈ. છાતી ધમણની જેમ ઊપર નીચે થવા લાગી, થોડીવારે ઊંડો શ્વાસ લઈને ફરી બેઠી. એ જોઈ રહી, એ માછીમારનું હાસ્ય, જેની જાળમાં એ મોટી સુંદર માછલી ફસાઈ ગઈ હતી, એ વિકૃત સંતોષનું હાસ્ય. એને થયું, એ દોડીને જાય અને માછીમારને ધક્કો મારી, એના હાથમાંથી જાળ ખેંચીને માછલીને પાછી દરિયામાં નાખીને મુક્ત કરે. ‘મુક્ત કરે?’ અચાનક એની આંખોમાં ચમક આવી. "હેં! એમ થઈ શકે? છૂટી શકાય એ ગૂંચળાવાળી જાળમાંથી?" જાતને પૂછતી હોય એમ મનમાં બોલી. "રૂખડી ઓ રૂખડી, ક્યાં મરી ગઈ? હાલ બજારનો ટેમ થઈ ગયો." સૂસવાટા મારતો પંચાતિયો પવન મામદની બૂમ રૂખસાર સુધી લઈ આવ્યો. એ ભડકીને ઊભી થઈ ગઈ, ઝડપથી દોડીને કિનારે આવેલ ખોરડાં તરફ ભાગી. માછલીના ટોપલા લઈને બંને મચ્છી બજાર ગયાં. હજી બપોર ચડેલી હતી, એટલે બજારમાં ચહલ-પહલ ઓછી હતી. મામદ અહીં આવવા ખાસ આ સમય પસંદ કરતો. સૂમસામ બજારમાં છૂટી છવાઈ દુકાનો હતી. બહાર ફૂટપાથ પર થોડા માછલી વેચવાવાળા બેઠા હતા. સાંજ પડતા ભીડ વધી જતી. જુદા જુદા સૂંડલા, પ્લાસ્ટિકની મોટી ટોપલીઓ અને અલગ અલગ જાતની માછલીઓ. ગ્રાહકની આશાએ મામદ રસ્તાને તાકી રહ્યો. રૂખસારની નજર મામદને તાકી રહી. આમતેમ નજર ફેરવતા મામદની નજર એના પર પડી. એ નજરમાંથી એક તીર આવ્યું, ‘માછલી અને રૂખસાર’ સનન સન, રૂખસારને વીંધી ગયું. તડકામાં રૂખસારની ચોખ્ખી ગુલાબી ત્વચા લાલાશ પકડી ગઈ. રૂખસાર રોજ મનોમન અલ્લાહની ઈબાદત કરતી, ‘ગ્રાહક જ ના આવે તો!’ એને તો એવું મન થતું કે એ માછલીનેય બચાવી લે. ‘પણ તો પછી એ લોકો ખાય શું?’ એ વિચાર પણ આવી જતો. ધીરેધીરે મામદની ભૂખ વધતી જતી હતી, એને ઘણું બધું જોઈતું હતું. "આ ખોરડું! આ કાંઈ ઘર કે’વાય? હટ્! મારે તો એયને પાક્કું છતવારું ઘર બનાવું સે." મામદ કહેતો અને પછી હડપચીથી પકડીને ઝટકાથી રૂખસારનો ચહેરો ઊંચો કરતો. એની આંખમાં આંખ નાખીને ફરી કહેતો, "એ રૂખડી મને આવડા રૂપિયા, ને વિલાયતી જોવે, હા હા હા, શું સમજી?" દેશીના નશામાં એ વિલાયતીનાં દિવાસ્વપ્નો જોતો વિકૃત હસતો, અને રૂખસાર એની આંખમાં રહેતા પાક્કા ઘર હેઠળ દબાઈ જતી, કચડાઈ જતી. સામેથી એક ગ્રાહક આવતો દેખાયો. નજીક આવીને વારાફરતી અલગ અલગ સૂંડલામાં રાખેલી માછલીઓ પર હાથ ફેરવતાં એ પૂછતો ગયો. "આ કેટલામાં આપી?" રૂખસાર મામદની પાછળ થોડે દૂર જઈને એક મૂંઢા પર બેસી ગઈ. થોડીવારે એ ગ્રાહક માછલી લઈને ચાલ્યો ગયો. પછી બીજો, ત્રીજો એમ આવતા ગયા. સાંજ ઢળવા લાગી હતી, ધીરે ધીરે બજારમાં આવ-જા વધવા લાગી. મામદ માથું ખંજવાળતો ક્યાંક દૂર તાકી રહ્યો. થોડાક ગ્રાહકો બાદ કોઈ એક ગ્રાહક સાથે કંઈક વાત કર્યા પછી એના જાડા હોઠ પર હાસ્ય આવ્યું, એણે થોડે દૂર બેઠેલી રૂખસાર સામે જોયું. મામદના હાસ્યમાં દેખાતા પીળા દાંત રૂખસારના ચહેરા પર પીળાશ લીંપી ગયા. એણે મામદને પોતાની તરફ આવતો જોયો. ચાલીસ પચાસ કદમ દૂર બેઠેલી રૂખસાર થડકી ગઈ, મામદ ઉતાવળે ડગલાં ભરતો આવી રહ્યો હતો. રૂખસારના ચિત્તમાં દૃશ્યો ભજવાવા લાગ્યાં. છાતીમાં તોફાની મોજાં ઊઠ્યાં, ડૂબી જવાય એવાં. સવારે જોયેલી માછલીની તડપ, વેદના એના ચહેરા પર ઊતરી આવી. જાળમાંથી નીકળવા મથતી પરંતુ નીકળી ન શકતી માછલી, અસહ્ય મૂંઝારો અને લાચારી. હમણાં છાતી ફાટી પડશે એવું એને લાગ્યું. હાથ પગ ઢીલા પડી ગયા, એ મૂંઢા પરથી ઢળી જ પડશે એવું લાગ્યું. અચાનક જ એના મગજમાં ‘છૂટી શકાય? છૂટી શકાય જાળમાંથી?’ એવો પ્રશ્ન અફળાયો. મોજાંની વચ્ચે ક્યાંકથી ફૂટી નીકળતા લાકડાના થડ જેવા પ્રશ્નને પકડીને એ મૂંઢા પરથી ઊભી થઈ. પાંચ સેકન્ડ, દસ સેકન્ડ, અને બધું શાંત થયું. શું કરશે, એ ખાસ સમજાયું નહીં પણ દરિયો શાંત પડી ગયો. હાથ પગમાં જોમ આવ્યું. બરાબર એ જ વખતે મામદે આવીને કશું જ કહ્યા વગર એને હાથ પકડીને ઊભી કરી. હોઠ પીસીને રૂખસાર બળપૂર્વક હાથ છોડાવીને ભાગી. ક્યાં જવું છે, શું કરવું છે, કંઈ જ સમજ્યા વગર. "એએએ... એય રૂખડી ક્યાં જાય છે? ઊભી રે..." મામદે રાડ પાડી. "અરે કમજાત! ઘરાક આવે ઈ ટાણે જ તું...!" એક ગંદી ગાળ સાથે એ ગ્રાહક પાસે પાછો ગયો, કંઈક સંતલસ કરી અને રૂખસાર ગઈ હતી એ દિશામાં ચાલવા લાગ્યો. રૂખસાર ઝનૂનપૂર્વક બજાર વચ્ચેથી દોડતી રહી. વચ્ચે આવતા સૂંડલાને ટપતી ભાગતી રહી. રસ્તામાં એની નજર કોઈ સૂંડલાની બાજુમાં પડેલા માછલી કાપવાના ખંજર પર પડી. એ સ્થિર થઈ ગઈ. ક્ષણ, બે ક્ષણ, અને એ ખંજર એને ચીરીને આરપાર થઈ ગયું. એણે ઝાપટ મારીને એ ઉપાડી લીધું અને કોઈ અકળ કારણોસર પોતાના ઈજારના ખિસ્સામાં મૂકીને ફરી દોડી, બજાર વટાવી ગઈ. એને પોતાને કશું સમજાય એ પહેલાં એના પગ આપોઆપ દરિયા બાજુ વળી ગયા. ક્યાં જાય છે એનું મહત્ત્વ નહોતું. બસ છૂટવું હતું, એ જાળમાંથી, કંઈક એવામાંથી જે હવે નહોતું સહેવાતું. મુક્ત થવા તરફની દિશા ચોક્કસપણે ખબર નહોતી પણ એ દિશા મામદના ઘર તરફની નહોતી એટલી ખબર હતી. એ પાછી દરિયા કિનારે એ જ પથ્થર પાસે આવીને થંભી. પવનમાં વાળની ટૂંકી લટો એના કપાળ પર લહેરાઈ ગઈ, ઊંડા શ્વાસ લેતી, હાંફતી દરિયા સામે જોતી ઊભી રહી, ક્ષિતિજની પેલે પાર જોવું હોય એમ. થોડીવારે એણે આજુબાજુ જોયું અને ફરી એક દોટ મૂકી, જે પહેલો માછીમાર પાણીમાંથી માછલી ભરેલી જાળ ખેંચી જતો દેખાયો એના હાથમાંથી જાળ ઝૂંટવી લીધી, થોડી ખુલ્લી કરીને જોરથી ઉલ્લાળીને પાછી પાણીમાં ફેંકી. છપાક... જાળ પાણીમાં પડી અને રૂખસારના મોઢા પર પાણી ઊડ્યું. એના ચહેરાની તંગ રેખાઓ ઢીલી થઈ. એ હસી પડી, એણે કિનારાના છીછરા પાણીમાં જોયું તો, તરફડતી માછલીઓને પાણી મળતા એ ઊછળકૂદ કરતી, ઊંડા દરિયા બાજુ જવા લાગી. એ શ્વાસ વગર અમળાતી માછલી અને આ ગેલમાં ઊછળતી માછલી! રૂખસાર ખિલખિલ હસી પડી. માછલીઓને જોવામાં મશગુલ રૂખસાર પણ માછલીઓની પાછળ ઊંડા પાણીમાં જવા લાગી. એમની એક પણ મુક્ત ક્ષણ જોવાની ચૂકી ન જવાય એ રીતે. એની આંખો માછલીઓ પર જ હતી, પગ આપોઆપ ચાલતા હતા. "એ છોરી, આ શું કર્યું? ક્યાં જાય છે? પાણી ઊંડું છે." જેના હાથમાંથી રૂખસારે જાળ લઈ લીધી હતી એ ગિન્નાયેલા માછીમારને રૂખસારનું વર્તન ન સમજાતા એણે બૂમ પાડી. પણ રૂખસારને કશું સંભળાતું નહોતું, સમજાતું નહોતું. હવા જેવો સ્વતંત્ર, અલ્લડ આનંદ એનામાં ભરાવા લાગ્યો, એ આગળને આગળ ચાલતી ગઈ. એટલીવારમાં મામદ ત્યાં પહોંચી આવ્યો. એણે રૂખસારની દિશામાં દોટ મૂકી. પાછળથી રૂખસારનો હાથ પકડ્યો અને ખેંચવા જાય એ પહેલાં એક મોટું મોજું, અને રૂખસાર પડી ગઈ, હાથ છૂટી ગયો. એ પ્રવાહ સાથે વધારે જ દૂર જવા લાગી. મોજાંમાં આમતેમ ફંગોળાતી રૂખસારના ચહેરા પર ડૂબવાનો ડર કે બચવા માટેનાં હવાતિયાં, કશું જ નહોતું. એના ચહેરા પર હતું એક નિર્ભેળ, નિર્ભિક, આઝાદ હાસ્ય, છુટકારા તરફ પ્રયાણનું ધ્યાનસ્થ હાસ્ય. પરંતુ, દૂર દરિયામાં નેપથ્યના હાહાકારને મંચ પર લાવવાનો જ હોય એમ ક્ષિતિજ પરથી સૂરજ ધીરે ધીરે વિદાય લઈને અંધકાર માટે જગ્યા કરી રહ્યો હતો. મામદની નજર સામે એનાં મોટાં સપનાં, મોટું ઘર પાણીમાં તણાવા લાગ્યું. "રૂખસાર..." રાડ પાડતાં એણે રઘવાયા થઈને ફરીથી રૂખસારને બચાવવા ઝંપલાવ્યું અને બમણા જોરથી રૂખસારનો હાથ પકડીને એને બહાર ઘસડવા લાગ્યો. મામદના સ્પર્શથી અચાનક જાગી હોય એમ રૂખસારના ચહેરા પરનું હાસ્ય વિલાઈ ગયું. એણે હાથ છોડાવવા મથામણ કરી પરંતુ મામદના મજબૂત બાવડાના બળનો એને અનુભવ હતો. મામદ એને કિનારે લાવે એ પહેલાં પાણીમાં જ એણે ઇજારના ખિસ્સામાં હાથ નાખ્યો, નાજૂક હાથમાં હતી એટલી તાકાત એકઠી કરીને મામદના બાવડામાં ખંજર ભોંક્યું, ખચ્ચ ખચ્ચ... હાથ પર ચીરા પડતા મામદ ચીસ પાડી ઊઠ્યો. એના હાથમાંથી રૂખસારનો હાથ છૂટી ગયો. અને ફરીથી એ તણાવા લાગી, આ વખતે મામદના હાથમાં એને રોકવાની તાકાત ન રહી. એ લાચારીથી એને જતી જોઈ રહ્યો. પહેલી વાર એવું બન્યું કે મામદની નજર સામે એ એની ઇચ્છાથી વિરુદ્ધ ગઈ. મામદની લાચાર આંખોમાં રૂખસારને પોતાની આંખોનું પ્રતિબિંબ દેખાયું. એ હસી, ખડખડાટ હસી અને એ મુક્ત આનંદની ભાવસમાધિમાં પાણી સાથે સરી જતાં એણે આંખો બંધ કરી લીધી. મામદના રક્તથી લાલ થયેલું પાણી પણ ક્ષિતિજના રંગ સાથે એકરૂપ થવા આગળ નીકળી ગયું.
❖