નારીસંપદા : ટૂંકી વાર્તા/નાની અને મોટી
કામિની સંઘવી
‘તારી નાની તો બહુ હાડેતી નીકળીને બેન...’ માસી મમ્મીને કહી રહી ત્યાં તરત જ મમ્મી બોલી, ‘મારી મોટી પણ સરસ છે. નાનીથી થોડી ઊજળી છે. કોલેજથી આવવા દે, જોઈશ એટલે ખબર પડશે.’ આવી મોટી મોટીને ઊજળી કહેવાવાળી. તું પોતે પાછી બહુ ગોરી. મને કહેવાનું મન થયું ! પણ માસી હતાંને એટલે બોલી નહીં. માસી કાંઈ કહે તે પહેલાં તો હંમેશની જેમ જ મમ્મી મોટીના વખાણે ચડી, ‘એવી સરસ રસોઈ બનાવે કે આંગળા ચાટતા રહીએ, વળી ભરત–ગૂંથણમાં પણ હોશિયાર. આ વર્ષે જ સિવણમાં ડિપ્લોમા લીધું. હવે બી.કોમ. કરે છે.’ …પણ હું જ જાણું છું કે મોટીને કેટલું અને શું આવડે છે! ને હું મમ્મી સામે મોં ચડાવીને મારાં એટલે કે મારાં અને મારી મોટી બહેનનાં સહિયારા રૂમમાં જતી રહી. બસ મમ્મીને હંમેશા મોટીના જ વખાણ કરતા આવડે. જ્યારે જુઓ ત્યારે મોટી મોટી અને મોટી. ઉતારો આરતી મોટીની. છટ્... અહીં કોને પડી પણ છે હેં! હજુ તો આઠમા ધોરણમાં છું છતાં મોટી કરતાં બે ઈંચ ઊંચી છું. ભલે ઘઉંવર્ણી રહી પણ મારા જેવી નમણી તો તે નહીં જ તેવું તે દહા‘ડે ફૈબા આવ્યાં ત્યારે તે કહેતાં હતાં ને ! ને શેરીમાં મારા જેવો સાતોડિયો કોઈ રમી શકે? થપ્પામાં પણ મારી ટીમને ચપટીમાં જીતાડી દઉં. સ્કૂલમાં બેન પણ મારા વખાણ કરે કે મારાં જેવું ચિત્રકામ કોઈનું નહીં. તે અમથા મને નોટિસ બોર્ડ પર ચિત્ર કરવાનું કહેતાં હશે? પ્રાર્થના ગાવામાં પણ હું છું. મારો અવાજ કેવો સરસ છે તે સંગીતના સર કહે જ છે ને ! રોટલી પણ પાતળીને સરસ વણું છું. ને મોટી તો ખાલી ભણવામાં જ હોશિયાર બાકી બધામાં ઢ તેવું પપ્પા પણ કહે છે. પણ મમ્મીને આ બધું ક્યાં દેખાય છે? માસી ગઈ તેવો જ મેં હોબાળો મચાવ્યો. ‘આજે મગની દાળ કેમ બનાવી? હવે હું જમવાની જ નથી...’ મમ્મી બિચારીએ મને બહુ સમજાવી પણ સમજું તો હું શેની? મને મનાવવા કેટલાય કાલાવાલા કર્યા, ‘તને પૌંઆ બનાવી દઉં? બટેટાવડાં ખાઈશ?’ પણ મારી નાની હા તે થાય? અંતે કંટાળીને મમ્મી સૂતી. બે વાગ્યા ને પેટમાં બિલાડાં બોલવા લાગ્યાં. હવે ખાઈશ નહીં તો સાંજે સતોડિયો કેમ રમીશ? અને આજે તો સીમાડી પર લિદંરપિદંરમ દાવ લેવાનો છે. મમ્મી ખાટ પર સૂતી હતી ને હું મમ્મીની બાજુમાં લપાઈ, ‘ભૂખ લાગી છે, શીરો બનાવી દઈશ?’ ‘મારી રોઈને માલપૌંઆ જ ભાવે છે.’ મમ્મી મને ગાલ પર ચીંટ્યો ભરતી ઊઠીને શીરો બનાવી રહી ત્યાં મેં જરા દયામણા સ્વરે કહ્યું, ‘મમ્મી... પાપડ.’ ‘હા...પાપડ શેક્યો જ છે. તે વગર તો તને શીરો કેમ ગળે ઊતરે? સાસુ પે સવાઈ છે... મારી રોઈ !’ હું ખાતી હતી ત્યારે મારી બાજુમાં ઝોંકા ખાતી મમ્મી બેઠી. પણ હું ડઠ્ઠર એમ પીગળું! ‘મમ્મી થોડાં દાળ–ભાત આપ ને !’ મમ્મીએ ઊભા થઈને દાળ ગરમ કરી. દાળ-ભાત ખાઈ રહી ત્યારે છેવટે મને દયા આવી, ‘જા સૂઈ જા. હું ઢાંકો ઢૂંબો કરી દઈશ.’ મમ્મીએ મને ગાલે પપી કરી, ‘મારી ડાહી દીકરી..’ અને પાછી સૂઈ ગઈ અને પાંચ મિનિટમાં તો નસકોરાં પણ બોલાવવા લાગી. હંમેશની જેમ મને તેના નાકમાં રૂમાલનો છેડો ખોસવાનું મન થયું. પણ પેટમાં શીરો પડ્યો હતો એટલે આજે મમ્મીને મેં ના વતાવી. હવે શું કરવું એકલાં એકલાં? આ મોટીને પરીક્ષા સમયે શું કામ બેનપણીને ઘેર વાંચવા જવાનું સૂઝતું હશે? ઘરે બેસીને વાંચતા કાંટા વાગે છે? મોટી વાંચતી હોય તો મને વાંચવું ગમે. હું મોટેથી મારી કવિતા પાકી કરું, ‘ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એકે નથી વાદળી...’
*
ને એને વાંધો પડે. ને બસ અમારાં વચ્ચે તું તું મૈં મૈં થાય, ને હું તો પે’લેથી જ કાઠી તેવું ફૈબા કહે છે એટલે હું તો રડું જ નહીં. પણ મોટી રડે એટલે મમ્મી રોટલી વણતી વણતી હાથમાં વેલણ લઈને આવે ને હું ચૂપચાપ ડાહી ડમરી થઈ વાંચવા માંડુ ને મમ્મી ગુસ્સે થાય, ‘માંગણાવાળીઓ, હારે રે‘વા મળે છે તો રો’ ને ! પછી તો એક જાશે પૂરબમાં ને એક પશ્ચિમમાં.’ હું અકબર-બિરબલની ચોપડી કબાટમાંથી કાઢતી હતી ને મને પેલી નવલકથા દેખાઈ, જે મોટી વાંચ્યા કરતી હોય. મને બહુ વાંચવાનું મન થાય પણ મમ્મી કહે, ‘ના હોં... હજુ એવી પ્રેમલા–પ્રેમલીની વાત વાંચવા માટે તું નાની કે‘વાય.’ રામ જાણે હું તેને ક્યારે મોટી થઈ ગઈ તેમ લાગશે? બસ હરી ફરીને અકબર-બિરબલ, વિક્રમ-વૈતાળ ને છકો-મકો. તેને એમ છે કે મને કાંઈ ખબર નથી પડતી પણ મને બધી સમજણ પડે છે. એક દિવસ મેં અને સીમાડીએ ચોરીછૂપીથી ઘરે એકલાં હતાં ત્યારે એ નવલકથામાંથી થોડાં પાનાં વાંચ્યાં હતાં. તેમાં એક શબ્દ વારંવાર આવતો હતો ‘કંચુકી..’ આમ તો સીમાડીને આવું બધું બ’વ નોલેજ, પણ તે દા’ડે તો તેને ખબર ન’ઈ પડી કે કંચુકી કંઈ બલા છે. છેવટે એ એની ફઈને પૂછીને મને સ્કૂલમાં પ્રાર્થના ગાતાં ગાતાં કાનમાં કહ્યું ત્યારે ખબર પડી કે ઓત્તારી, આ તો પેલું જ. તે દા’ડે મમ્મી મોટી માટે લાવી હતી ને! ને તે પે’રવા મેં કેટલા ધમપછાડા કરેલા ! સાતમા ધોરણમાં હું શિક્ષકદિને ટીચર બની હતી ને મેં સાડી પહેરી હોવા છતાં મને મમ્મીએ બ્લાઉઝ નીચે હાથે સીવેલો કમખો જ પહેરાવેલો. મેં કેટલા કજિયા કર્યા પણ મમ્મી માને? ‘હજુ તું નાની છે. તારે આ બધું નો પે’રાય.’ જોકે મોટી કરતાં હું હાડેતી છું તેવું તેને બધાં જ કહેતાં હોય છે પણ મમ્મીને તે ક્યારે દેખાશે? મોટીએ જયા-પાર્વતીનું વ્રત કરેલું તે બધી બહેનપણી જોડે સાડી પહેરીને ફરવા ગઈ હતી. મને તે રોજ કરતાં કંઈક અલગ લાગતી હતી. મોટી ફરીને પાછી આવી ત્યારે રેડિયો પર બિનાકા ગીતમાલા પકડતી હતી ને વાંકી વળી ઊભી હતી ને મેં જરા તેની પીઠ પર હાથ ફેરવી લીધો. ખાતરી થઈ કે એણે મમ્મી લાવી તે જ પહેર્યું છે. જો હું તે પહેરું તો મોટી કરતાં ક્યાંય સારી દેખાઉં. પણ મમ્મી ઇચ્છતી જ નથી કે હું મોટી કરતા સારી દેખાઉં. મમ્મીને તો બસ મોટીને જ વહાલ કરતા આવડે છે. બહેનબા તો બહુ નાટક કરે ! પેટમાં દુ:ખે છે, દુ:ખે છે કરીને ઘર ગજાવે. પલંગ પર ટૂંટિયું વાળીને સૂઈ રહે. પપ્પા તેના પલંગની સામે ટેબલ ફેન ગોઠવી આપે. મમ્મી થાળી લઈને પલંગ પર બેસીને બે’નબાને ખવડાવે. બે-ત્રણ દિવસ કૉલેજ પણ જાય નહીં. તો પણ મમ્મી તેને ખિજાય નહીં. ઊલટાની કહે, ‘તને ઠીક લાગતું ન હોય તો કૉલેજ ન’ઈ જતી.’ ને હું કહું કે મને પેટમાં દુ:ખે છે, મારે પણ સ્કૂલે નથી જવું; તો સોડા પીવડાવીને મને તો પરાણે તગેડે. ‘એમ ખોટી રજા ન પડાય.‘ મોટી આવા ગાંડા કાઢે એટલે હું મમ્મીને પૂછું કે એને શું થયું છે? તો મમ્મી હંમેશની મુજબ, ‘તું નાની છે. મોટી થાય એટલે ખબર પડશે.’ મમ્મીને એમ કે મને કાંઈ ખબર નથી પણ મેં સીમાડીને પૂછેલું, ‘મોટીને શું થાય છે?’ ‘લે તને એટલી ખબર નથી? મોટી ટાઈમમાં બેસે છે.’ ઓહ, તેની મમ્મી ટાઈમમાં હોય છે ત્યારે એક જગ્યા પર એકલી બેઠી રહે છે ને તે બધાં તેમને અડતાં નથી તે જ વળી. સીમાને ત્યાં હું આમ તો બહુ ઓછી રમવા જાઉં છું પણ જ્યારે જાઉં ત્યારે મને થાય કે તેની મમ્મી એકલી બેઠી ન હોય તો સારું. સીમાને એના નાનાભાઈને અમારી સાથે રમાડવા લઈ આવવો પડે ને અમારો સમય રમવા કરતાં તેને સાચવવામાં જ જાય. ‘સીમા... ટાઈમમાં આવે ત્યારે શું થાય?’ સીમાડી કાનમાં ગુસપુસ અવાજે બોલી, ‘ચણિયો લાલ લાલ થઈ જાય.’ ‘હેં ! બધાને થાય?’ ‘હા, બધી છોકરીઓને થાય. મારી ફૈઈને થાય છે ને !’ ‘મને તો નથી થતુ.’ સીમાડી જોરથી હસી પડી, ‘મોટા થયા પછી થાય.’ આજે મોટી નથી એટલે સીમાને ત્યાં રમવા જવું પડશે. ઓત્તારી, સીમાડી તો તેના ફૈઈના લગ્નમાં ગઈ છે. હવે? ઘડિયાળમાં જોયું તો હજુ ત્રણ જ થયા હતા. શું કરું? મમ્મીના રૂમમાં ડોકિયું કરી આવી. મમ્મીનું નસકોરાંનું બ્યુગલ ચાલુ હતું. અને મેં મારા રૂમનો દરવાજો બંધ કરી મોટીના કબાટમાંથી પેલી કંચૂકીવાળી નવલકથા કાઢીને વાંચવા માટે પત્તું ફેરવ્યું તે સરરરર દઈને તેમાંથી એક કાગળ પડ્યો. મોટીના નામનો. કાગળમાં મમ્મીની ભાષામાં કહું તો પ્રેમલા-પ્રેમલીની વાત હતી. ને છેલ્લે રોજની જગ્યાએ રોજના ટાઈમે મળીએ તેવું લખ્યું હતું. વાંચીને મને કંઈ કંઈ થયું. દોડીને પપ્પાને દેખાડું અને કહું, જો મમ્મીની મોટીના પરાક્રમ. મમ્મી ને મોટીની હાલત કેવી થાય? તે જ લાગનાં છે. કાયમ મને મમ્મી કહેતી હોય છે ને – મારી મોટી બહુ ઊજળી ! હું રાહ જોઈને બેઠી કે પપ્પા ઑફિસથી આવે એટલે તરત આ કાગળ દેખાડું, જુઓ મમ્મીની મોટીના પરાક્રમ. મારા ફ્રોકના ખિસ્સામાં પેલો કાગળ સળવળ સળવળ થાય છે. એટલે બીજા કશામાં જીવ લાગતો નથી. મમ્મી સૂઈ, ઊઠીને, ચા પીને બાજુવાળાં માસીના ઓટલે બેસવા ગઈ છે. મોટી હજુ આવી નથી. પપ્પા જલદી આવી જાય તો સારું. પપ્પા ચિઠ્ઠી વાંચીને ચિંતા કરશે? પણ પપ્પા તો મોટી જરાક કૉલેજથી મોડી આવે તો પણ કેવા ચિંતા કરવા લાગે છે. વારંવાર મમ્મીને પૂછતા હોય છે, મોટી કેટલા વાગે ઘરે આવવાનું કહીને ગઈ છે? આજે કેટલા પિરિયડ હતા? કોની સાથે ગઈ છે? હવે આ કાગળ પપ્પાના હાથમાં આવે તો? સીમાની ફઈએ કોઈને કાગળ લખ્યો હતો તે સીમાના પપ્પાએ સીમાની ફઈને કેવી મારી હતી. પપ્પા પણ મોટી કે મમ્મીને મારે? સીમાડીની ફઈના હાથ પર કેવાં ચકામાં પડી ગયાં હતાં. મોટીની ઊજળી કાયા પર ડાઘા? મેં ફરી પેલો કાગળ ખિસ્સામાંથી કાઢીને વાંચ્યો. પપ્પા આ વાંચીને શું કરે? મોટીને ઘરની બહાર કાઢી મૂકે? કે પછી કૉલેજ ન કરવા દે? જેમ સીમાડીના પપ્પાએ એની ફઈને કર્યું હતું, પપ્પા મોટીને ભણતી ઊઠાડીને તેના લગન કરી નાખે? એવું થાય તો પછી મોટીના ગ્રેડ્યુએટ થવાના સપનાનું શું થાય? પણ મમ્મીને મન તો મોટી જ ઊજળી છે ને. હું તો... છટ્. આજ તો મોકો છે કે હું મમ્મીને બતાવી દઉં, લે તારી ઊજળીનાં કામ! શું કરું? પણ પપ્પાને તે દિવસે જરાક કાકા સાથે બોલાચાલી થઈ હતી તો પણ રાતે કેવો છાતીમાં દુ:ખાવો થયો હતો. મમ્મી કેવી ગભરાઈ ગઈ હતી. ને મોટી લગભગ રડવા જ માંડેલી. એ તો હું કાઠી તે દોડીને બાજુવાળા ડોકટરકાકાને બોલાવી લાવી. હવે હું જો પપ્પાને મોટીનો કાગળ આપું ને પપ્પાને છાતીમાં દુ:ખાવો ઊપડે તો? મમ્મી તો છે જ પોચકી તે ગભરાઈ જશે. ને મોટી તો તરત પીલુડાં પાડવા માંડશે. તો ડોકટરકાકાને બોલવવા કોણ દોડશે? મારા સિવાય કોઈ કાઠું તો છે જ નહીં ને ઘરમાં! ને પપ્પાને કાંઈ થઈ ગયું તો? પેલા અમુકાકાને છાતીમાં દુ:ખાવો થયો ને હોસ્પિટલ લઈ ગયા હતા. તે બીજા દિવસે મમ્મી પપ્પાને કે’તી હતી કે અમુકાકા તો ગુજરી ગયા. હાય હાય ! પપ્પાને મોટીનો કાગળ વાંચીને એમ જ થાય તો? પણ મમ્મીને તો મોટી જ ઊજળી લાગે છે ને હું તો લાગતી જ નથી ને! ને પછી કયારે આવો લાગ મળે? હે રામ! સીમાડી આજે જ નથી. નહીં તો એને જ પૂછી લેત કે આ કાગળનું શું કરવું? પાંચ વાગ્યા અને પપ્પા ઑફિસથી આવ્યા તેવી જ મમ્મી ઘરમાં આવી. મારું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. પપ્પા સોફા પર બેઠા ને પગમાંથી બૂટ–મોજાં કાઢવા લાગ્યા. મમ્મી રસોડામાં ચા બનાવવા ગઈ. શું કરું? પપ્પાને કાગળ આપી દઉં? ને મેં ખિસ્સામાં કાગળ કાઢવા હાથ નાખ્યો ને પપ્પાએ કહ્યું, ‘એક ગ્લાસ પાણી આપજે બેટા. મોટી ક્યાં ગઈ છે?’ પપ્પા તેમના ચશ્માંના જાડા કાચમાંથી મારી સામે જોઈ રહ્યા. મેં પપ્પાને હાથમાં પેલો મોટીનો પ્રેમલા પ્રેમલીવાળો કાગળ આપ્યો. પપ્પાએ તે વાંચ્યો અને મમ્મીના નામની ત્રાડ પાડી. પપ્પા ગુસ્સાથી લાલચોળ હતા. મમ્મી થરથર ધ્રુજતી રસોડામાંથી દોડીને આવી. ‘જો આ તારી ઊજળીનાં કારનામાં...?’ પપ્પાએ કાગળનો મમ્મી પર ઘા કર્યો. ‘મોટી કાલથી કૉલેજ નહીં જાય...’ મમ્મીએ થરથર ધ્રુજતા હાથે કાગળ પકડ્યો ને તે વાંચીને ગભરાઈ ગઈ. ‘બહેનપણીના ઘરે વાંચવાનું કહીને આવાં કામ કરે છે ને તને ખબર પણ નથી પડતી?’ પપ્પાનો અવાજ મોટો થતો જતો હતો. મમ્મીએ ધ્રુજતાં ધ્રુજતાં કશું બોલવાનો પ્રયત્ન કર્યો પણ ગભરાટને કારણે તેના મોંમાંથી અવાજ બા’ર જ નહોતો આવતો. ત્યાં મોટી આવી ને પપ્પાએ હાથમાં લાકડી લીધી. ને મને મોટીના હાથ પર સીમાડીની ફઈના હાથ પર હતા તેવા ડાઘા દેખાયા. મોટી રડતી હતી પણ મને સમજાયું નહીં કે તેનું કારણ તેનું ગ્રેડ્યુએટ થવાનું સપનું તૂટી ગયું તે હતું કે તેના હાથ પરના ડાઘા? પપ્પા હજુ પણ બહુ ગુસ્સે હતા. મમ્મી પપ્પાને રડતી રડતી કે’તી હતી, તમે ગુસ્સો ન કરો. તમને છાતીમાં દુ:ખશે. તમે ચિંતા ન કરો. હું મોટીને સમજાવી લઈશ. પપ્પા મમ્મીનું સાંભળતા ન હતા ને ગુસ્સાથી થર થર કાંપતા હતા ને ત્યાં પપ્પાએ હાથમાંની લાકડી ફેંકી ને છાતી પર હાથ દાબીને સોફા પર બેસી પડ્યા. મમ્મી ને મોટી જોર જોરથી રડવા લાગ્યાં. પણ ડોકટરકાકાને બોલાવવા કોઈ દોડ્યું નહીં. ને પપ્પા... મારું દિલ ધબકારો ચૂકી ગયું. મેં પપ્પા સામે જોયું તો પપ્પા તેમના જાડા કાચના ચશ્માંમાંથી મારી સામે જ રાહ જોઈ રહ્યા હતા. ‘શું વિચારે છે દીકા, મેં તને પૂછયું કે મોટી ક્યાં છે?’ ‘એ તો એની બહેનપણીને ત્યાં વાંચવા ગઈ છે.’ ને હું હડી કાઢતી રસોડા તરફ પાણી લેવા દોડી ને ખિસ્સામાંથી કાગળ કાઢી કટકા કરીને રસોડાની બારીની બહાર ફેંકી દીધો.
❖