નારીસંપદા : ટૂંકી વાર્તા/સ્ટિયરિંગ વ્હીલ પર ચાંદલો

સ્ટિયરિંગ વ્હીલ પર ચાંદલો

ગીની માલવિયા

એક દૂર દેશ ના દેજો રે દાદા... ઊંચા સ્વરમાં ગાઈને રૂજુતાએ તેની સખી નમ્રતાની કેડમાં ચૂંટલો ભર્યો. ‘આઉચ’ના સીસીકારા સાથે નમ્રતાએ રૂજુતાની સામે એવી અંગારભરી નજરે જોયું કે રૂજુતા હમણાં જ બળીને કોલસો થઈ જાય. નમ્રતાના દાદા નહી પણ મમ્મી પપ્પાએ પરદેશથી આવેલા મૂરતિયા સાથે નમ્રતાની સગાઈ કરી હતી. થોડા જ સમયમાં ઘડિયા લગનની કંકોત્રી છાપખાને છપાઈને ઘેર ઘેર પહોંચી પણ ગઈ હતી. રૂજુતાએ નમ્રતાને પૂછ્યું, “કેમ રે! આટલી અમથી મુલાકાતમાં તમને શું સમજાયું ગોરાંદે કે આ તમારા આ ભવના ભરથાર છે? આવતા ભવના તો કાર્તિક, આર્યન કે સિદ્ધાર્થ મલ્હોત્રા છે ને?” નમ્રતાએ એના નામ જેવો જવાબ આપ્યો નમ્રતાથી, “ઓ જી સખી, એ એમ.બી.એ. ભણેલો છે. ન્યૂયોર્કની ફાઇનાન્શિયલ કંપનીમાં જોબ કરે છે, કુંટુબ જાણીતું છે અને હા...”, આંખ મીંચકારતા ઉમેર્યુ, “હેન્ડસમ ય છે ને!” “ઓહો, ગોરાંદે, તો તમે રૂપને મોહ્યાં.” રૂજુતાએ હસતાં હસતાં નમ્રતાના મોંમાં બ્રાઉનીનો ટુકડો ખોસ્યો. મોઢામાં બ્રાઉની અને હાથમાં મહેંદી ચીતરેલી નમ્રતાની તસવીર રૂજુતાના ફોનમાં ઝિલાઈ ગઈ. જે હમણાં ઇન્સ્ટાની પોસ્ટ પર આવશે. મંગળાષ્ટક ગવાયાં, જવતલ હોમાયાં, મર્સિડિઝનું પૈડું સિંચાયું અને નમ્રતા રાજનને પરણી ગઈ. અખંડ સૌભાગ્યવતીના અઢળક આશીર્વાદ અને સોશિયલ મીડિયા પર એટલી જ સંખ્યામાં લાઇક્સ્ અને ઈમોજીસ મળ્યાં. વીઝા, ખરીદી અને સગાં વહાલાને મળવાનો લાંબોલચક અંતરાલ પૂરો થયો. બેગોમાં કપડાં, ઘરેણાં, મસાલા-અથાણાં સાથે શહેરની યાદો અને મમ્મીનાં ખુશીનાં આંસુ પણ પેક થયાં. હા, પપ્પાનાં ક્યાંથી હોય? એ તો એકાંતમાં વહેતા હોયને. મહુરતનો સમય જાળવ્યા વગર નમ્રતાબેને મેનહાટનના અપાર્ટમેન્ટમાં કંકુપગલાં નહીં પણ મોજાંપગલાં કર્યાં. અને શરૂ થયો સાસરિયા કે મેલ્ટીંગ પોટ જેવા ન્યુયોર્કમાં સમાવાનો પ્રયાસ અને પ્રયોગ. ડ્રાઇવિંગ, ગ્રોસરી શોપિંગ અને લોન્ડ્રી તો જન્મજાત શીખીને આવી હોય એમ હસ્તગત થઈ ગયાં. ન્યૂયોર્કની ગલીઓ કે રાજરસ્તા પર ડ્રાઇવિંગ કરવું થોડું કુનેહનું કામ, પણ નમ્રતાબેન તો સિંકદરના પાઠમાં હતાં એટલે દુનિયા નહીં પણ ન્યૂયોર્ક જીતી લેવાના મિજાજમાં. જીતની ધજાપતાકા અપાર્ટમેન્ટની છતમાં લહેરાતી હતી અને નમ્રતાબેન રાજનની જિંદગીમાં જિગસૉના ટુકડાની જેમ માપોમાપ ગોઠવાઈ ગયાં. કોઈ પણ નવપરિણીત જોડાની હોય એવી જ જિંદગી હતી, રાજન અને નમ્રતાની. રંગ-રાગથી ભરી ભરી. વારંવાર થતી બાર, રેસ્ટોરન્ટ અને લોન્જરી સ્ટોરની મુલાકાત. રાજન નમ્રતાને ચાહતો પણ નમ્રતાના મનમાં ક્યાંય ઊંડે સુધી કંઈ એવું કુતૂહલ હતું કે જે પારખાંના દરવાજે આવી ઊભું રહેતું. રાજન નમ્રતાને ચાહે છે કે તેની આવડતને કે તેનાં અસ્તિત્વને? આ પ્રશ્ન વારંવાર સપાટી પર આવી જતો. એક વાર નમ્રતાના મનમાં ઊગ્યો પણ ખરો અને રાજનના વાક્ચાતુર્યમાં ઊગ્યો એ સાથે વઢાઈ પણ ગયો. નમા, આજે પેલી સ્ટ્રેપલેસ બેબીડોલ પહેરજે. શનિવારની સાંજ, ટકીલા શોટ અને બ્લેક લોન્જરીમાં તું. તું છે તો ન્યૂયોર્કની રાત અને સાંજ જીવવા જેવી છે. રાજનની માંગણીઓ એવી તો લાગણીમાં તરબતર થઈ આવતી કે નમ્રતા એ વચ્ચેની પાતળી ભેદરેખા પારખી શકતી નહી. ટકીલા શોટ અને શાંગ્રિયામાં ન્યૂયોર્કની રાતો ઓગળતી રહી અને વધી તે ડિસેમ્બરની ઠંડીમાં લપેટાઈ. હિમવર્ષા અને ઠંડીથી બચવા ન્યૂયોર્કવાસીઓએ પાર્ટી અને શોપિંગ મૉલની હૂંફ શોધી. રાજનની ઑફિસમાં હોલીડે પાર્ટી હતી. રાજન ખૂબ ખુશ હતો. બોનસ કે પાર્ટી, રાજનની આટલી બધી ખુશી શેના માટે તે સમજાયું નહીં નમ્રતાને. રાજને નમ્રતાને નવો ઈવનિંગ ગાઉન ખરીદી લેવા કહ્યું અને રાજનની પરિભાષા મુજબ તૈયાર થઈને નમ્રતા રાજન મેનહાટનની રેસ્ટોરન્ટ/હોટલમાં પાર્ટી માટે પહોંચ્યાં. ડિઝાઈનર ગાઉન, જ્વેલરી અને મેકઅપમાં શોભતી રાજનની મહિલા સહ-કાર્યકરો તો સોહામણી હતી તો સૂટ-બ્લેઝરમાં, વેલ્ડટ્રીમ્ડ બીયર્ડમાં મોંઘા પરફ્યુમથી મહેકતા તેના મેલ કલિગ્સ પણ કંઈ ઓછા આકર્ષક નહોતા. કલિગ્સ અને તેમના પાર્ટનરથી બેન્કેવેટ હૉલ ઊભરાતો હતો. રાજને એક હાથમાં ડ્રિંક અને બીજા હાથમાં નમ્રતાનો હાથ પકડીને તેના કલિગ્સ સાથે ઓળખાણ કરાવવા માંડી. સામેની વ્યક્તિ રાજન સાથે હાથ મેળવતી કે ખભાથી જકડી હળવું આલિંગન આપતી. અને એ જ શિષ્ટાચાર નમ્રતા સાથે થોડી સલૂકાઈપૂર્વક થતો. પરફ્યુમ, ડ્રિંક અને એપિટાઈઝરની સુગંધમાં વાતો અને હસવાનો રંગ ચડતો રહ્યો તે સાથે પાર્ટીની મદહોશીનો કાળો રંગ પણ ચડતો રહ્યો. રાજને તેના કોઈ કલિગ મિસ્ટર કપૂર સાથે નમ્રતાની ઓળખાણ કરાવી. તેમણે નમ્રતાને ખભાથી જકડતા સામાન્ય શિષ્ટાચારના ચોકઠાથી બહારનું અભિવાદન કર્યું. ચહેરા પર ચહેરો હળવેથી અડાડી હોઠનો મરોડ કોઈ બીજી દિશામાં ફંટાઈ ગયો. નમ્રતાએ શિષ્ટતા જાળવી ચહેરા પર બનાવટી સ્મિત ફરકાવી દીધું. પણ તેનું સમગ્ર વ્યક્તિત્વ અસ્તિત્વ જરા ચલાયમાન અને કંઈક અંશે ક્રોધિત થઈ ગયું. મન મનાવી પાર્ટી પૂરી કરી ઘરે જતાં નમ્રતાએ રાજનને પૂછ્યું, “તારા આ મિસ્ટર કપૂરને કંઈ શિષ્ટાચારનું ભાન છે?” રાજને હસીને કહ્યું, “ઓ મારી એન્શિયન્ટ એરા ગર્લ, આજના યુગમાં તો લોકો આમ જ મળે છે, એમાં શું?” નમ્રતાને કપૂરની વર્તણૂક કરતાં રાજનની વર્તણૂક નવાઈભરી લાગી. નમ્રતા કંઈ રૂઢીચુસ્ત માન્યતામાં જીવતી નથી. આધુનિક હોવા સાથે તેને તેના સંસ્કાર પર પણ ગૌરવ છે. સંસ્કારનો એક એવો ઉંબરો કે જેને સ્વેચ્છાએ ઓળંગવાની મનાઈ છે. નમ્રતાએ રાજન સાથે દલીલ કર્યા વગર અડધી રાતે જાગતા રહેતા ન્યૂયોર્ક શહેરના રસ્તા પર નજર વાળી. ન્યૂયોર્ક પાસે બધું હતું, કાળો અંધકાર અને આંખોને આંજતી રોશની. રસ્તા ત્યાં જ હતા, સમય આગળ દોડતો હતો. મનગમતા બોનસથી સમય સાથે મન અને ઘરની પણ કાયાપલટ થતી રહી. પાસપોર્ટ પર વિદેશોની આવન જાવનના સિક્કા વધતા રહ્યા. નમ્રતાને એવી કોઈ કારકિર્દી બનાવવી હતી કે કારકિર્દીના મોહમાં ઘર, વર અને આવનારાં સંતાનોને અન્યાય ન કરે. અને એટલે જ તેને રિયલ્ટરની નોકરી પસંદ કરી. રાજનની કારકિર્દી અને સફળતાનો આંક ગુજરાત રાજ્યની ગરમીના પારાની જેમ વધતો હતો. જેની સાથે રિયલ્ટર નમ્રતા સહજતા અને સરળતાથી જિંદગીને સમથળ રાખી શકતી હતી. એ દિવાળીનો દિવસ હતો. નમ્રતાએ નવી સાડી પહેરી ઉંબરા પૂજ્યા. કંકુથી સાથિયા સાથે લક્ષ્મી દેવીની ખંપાળી પણ ચીતરી. જિમમાંથી પાછો આવેલો રાજન કંકુભીના હાથે લાલચટક બાંધણીમાં સજેલી નમ્રતાને જોઈને જ હસી પડ્યો. “આ શું મારી એન્સીયન્ટ એરા ગર્લ! આ શું કર્યું છે ડોર પાસે?” રાજનને સાથિયો ખબર છે પણ ખંપાળી તેના માટે વિષય બહાર પૂછાયેલા પ્રશ્નપત્ર જેવો હતી. નમ્રતાએ ચીડને મનના પાછલા ભાગમાં બંધ કરતા હસીને જવાબ આપ્યો, “અરે, આજે દિવાળીનો સપરમો દિવસ છે. લક્ષ્મીજીને ઘરમાં આમંત્રણ આપવું પડશેને! જો, આ ખંપાળી છે. તેના થકી ઘરમાં સંપત્તિ આવશે.” રાજનને કંઈ સમજાયું કે નહીં તે નમ્રતા સમજી નહીં અને રાજન જિમબેગ ઉછાળતો બેડરૂમ તરફ છટક્યો. એ જ દિવસે સાંજે મંદિરથી પાછાં જતાં નમ્રતાને યાદ આવ્યું કે પ્રિન્ટરની કાર્ટ્રિજ લેવાની હતી. સ્ટોર બહાર કાર પાર્ક કરતા રાજને પૂછ્યું, “તું આવે છે નમા?” મંદિર જવા લાલ કુર્તી અને લાલ બિંદીમાં સજેલી નમાને જોઈને રાજને કંઈ કર્કશ લાગે એવો સવાલ કર્યો. જવાબ આપ્યા વગર દરવાજો ખોલતી નમ્રતાને જોઈને રાજને એ કર્કશ સ્વરને ઊંચો કરતાં કહ્યું, “ઓ હલો હેલો, આ લાલ બટન સાથે ક્યાં ચાલ્યાં? મંદિર નથી, આ સ્ટોર છે.” કોઈ પણ હાવભાવ બદલ્યા વગર સપાટ ચહેરે નમ્રતાએ ઊતરતાં પહેલા સ્ટિયરીંગ વ્હિલ પર ચાંદલો લગાવી દીધો. સ્ટોરમાં ચાલતાં ચાલતાં નમ્રતા વિચારતી રહી કે તે કેટલી ભૂમિકા જીવી રહી છે? એક જે મમ્મીના સંસ્કારથી તેનું ઘડતર થયું છે, એક જે અમેરિકાના જીવનમાં ગોઠવાવા માટે વિપરીત સંજોગો સામે લડતી-શીખતી રહી છે. એક જે રાજન ઇચ્છે એવી નમ્રતા. નાટકનો કલાકાર એક પાત્રમાંથી વિરુદ્ધ એવા બીજાં પાત્રમાં ક્ષણભરમાં બદલાઈ જાય એવી રીતે. સ્ટોરમાંથી લીધેલી કાર્ટ્રિજના રંગ કાગળ પર પ્રિન્ટ થઈ ઊતરતા રહ્યા. સાથે સમયના રંગોય બદલાતા રહ્યા. ન્યૂયોર્ક શહેર તો એમ જ હતું પણ ન્યૂયોર્ક રાજ્યમાં પાનખર આવી ગઈ હતી. ટીવીમાં આવતા પાનખર અને લીફ પીપરના સમાચાર જોતાં જોતાં નમ્રતાએ રાજનને કહ્યું કે પાનખર જશે અને સ્નો આવશે, પછી આવશે સ્પ્રિંગ. ઝાડ પર નવાં પાંદડાં આવશે. ઋતુચક્રનો આ નિયમ આપણી જિંદગીમાં ક્યારે આવશે? રાજને હળવેથી નમ્રતાના નાક પાસે ચપટી વગાડતાં હસીને કહ્યું, “તું કહે ત્યારે બેબી!” “પણ બેબી, આપણું બેબી આવશે પછી આ ટકીલામાં મદહોશ થતી સાંજનું શું?” નમ્રતાએ બહુ જ સંયમિત સ્વરમાં રાજનને કહ્યું, “રાજનજી, દરેક ઉંમરને તેનો પડાવ આવે છે. હવે સમય છે કે આપણી પાસે આપણી પ્રતિકૃતિ જેવું એક બાળક હોય.” બ્રહ્માંડ પણ ઝીલે છે વિચારોની સકારાત્મકતાને અને એટલે જ થોડા સમયમાં ઘરમાં ટકીલાને બદલે બેબી ફોર્મ્યુલાની બોટલો આવવાના ગ્રહો એનાં ખાનાંમાં આવી ગયા. ખૂબ ખુશ હતી નમ્રતા. રાજન તેનું ધ્યાન રાખતો હતો, જે પહેલાં તો ક્યારેય હતું નહીં, એની જિંદગીનાં પાનાં પર. લાયબ્રેરીમાંથી આવતાં બાળઉછેરનાં પુસ્તકોએ ઘરમાં આપમેળે જગ્યા શોધી લીધી હતી. ગાયનેકોલોજીસ્ટની એક રૂટીન અપોઇન્ટમેન્ટ દરમ્યાન નર્સે નમ્રતાને થોડા સવાલ પૂછ્યા, જેમાં એક સવાલ એવો હતો કે, કેટલાં સેક્સ પાર્ટનર છે? નમ્રતા અવાક થઈ ગઈ. અરે! પરણેલી છું. પતિ સિવાય બીજા કેટલા સેક્સ પાર્ટનર હોય? નમ્રતાને થયું, નર્સનો શું વાંક? આ દેશમાં આવું તો બને, બનતું હોય અને બની રહ્યું છે. તું તો માત્ર આ દેશની તાસીરને આધારે રચાયેલા રૂટીન પ્રશ્નપત્રનો એક ભાગ છે. એણે સ્વસ્થ થઈને થોડું હસીને જવાબ આપ્યો, “એક જ. મારો હસબન્ડ.” બેબી શાવર અને સીમંત ઊજવાયું અને પૂરા મહિને વ્રતકથામાં વર્ણન કર્યું હોય એવી દેવના ચક્કર જેવી દીકરી અવતરી. રાજા રાણીની વાર્તામાં દિવસે ના વધે એટલી રાતે અને રાતે ના વધે એવી કુંવરી જેવી જ હતી નમ્રતા-રાજનની સીયા. આજે સીયા જાતે ઊંધી પડી, આજે પહેલો શબ્દ બોલી, લાઈટ! અને રાજન નમ્રતાની જિંદગીમાં અજવાળું અજવાળું થઈ રહ્યું. આજે પ્રિસ્કૂલનો પહેલો દિવસ, આજે મ્યુઝિક રિસાઈટલ અને આજે પેરેન્ટ ટીચર કોન્ફરન્સ. સીયાકુંવરીની કૂચકદમ કિંડરગાર્ટનથી હાઈસ્કૂલ, ગ્રેજ્યુએશન સુધી એવી ઝડપે ભાગી કે બીન્જ વોચ કરેલી કોઈ સિરીઝ. સીયાકુંવરીને મમ્મી ડેડીનો ભારતીય પરિવાર પરંપરા મુજબ એન્જિનિયરિંગ કે મેડીકલ કૉલેજમાં ધકેલે એ પહેલાં, સીયા બહેને પેન્સિલવેનિયા કૉલેજમાં એક્ચુરિયલ બનવાના નિર્ણય સાથે એડમિશન લઈ લીધું. પછી? પછી શું? નમ્રતા રાજનની જિંદગીનું કેન્દ્રબિંદુ તો ન્યૂયોર્કથી પેન્સિલવેનિયા ખસી ગયું. પણ ન્યૂયોર્કની જિંદગી જેમ આ શહેરની સબવે જેમ રોજ એક જ સમયે ઊપડે અને અટકે એવી જિંદગી થઈ ગઈ. થોડાં અમેરિકાનાં નાનાં વેકેશન, દિવાળી પાર્ટી કે ઈન્ડિયાથી આવતા મહેમાનો. એ સિવાય કોઈ નવી ઘટના ઘટતી નહોતી, રાજનની જિંદગીમાં ટકીલા શોટને બદલે વાઈન આવ્યો હતો પણ લોન્જરીમાં નમ્રતાને જોવાની ઇચ્છા તો હજીય સળવળીને સપાટી પર આવી જતી. નમ્રતાને મળેલા સંસ્કાર મુજબ પતિની ઇચ્છા સામે પોતાની નામરજીની તલવાર ઉગામતી નહીં પણ રાજનને થતું કે નમા પહેલાં જેવી નથી. કાર્બન ડાયોક્સાઇડ બનેલી જિંદગીને થોડી બહલાવવા, થોડી રંગીન બનાવવા કપલ કાઉન્સેલિંગ નહીં પણ સાથે મળીને કોઈ એક પ્રવૃત્તિ કરવાની હતી. એવી પ્રવૃત્તિ જેમાં બંને ઊલટભેર ભાગ લઈ શકે. આમ તો લોકોનું કેરીઓકે કે મંદિરમાં થોડા કલાકો કામ કરતાં હોય, રાજન અને નમ્રતાએ આવી કોઈ પ્રવૃત્તિમાં ઊંડાં ઊતરવાનું વિચાર્યું નહોતું કે વિચાર્યું હોત તો ગમ્યું પણ ના હોત. તેમના વિચારોની અસમાનતાને લીધે. પણ કંઈ નહીં, બંનેને કશું સાથે ગમે એવા વિચાર માટે બ્રહ્માંડ તો તૈયાર જ હોય છે, દંપતી પર આશીર્વાદ આપવા. રાજનની જોબ પર કોઈ નવી જોડાયેલી પૂનમ સહાની પાસે જાણવા મળ્યું કે આ ઉંમરે એકધારી થયેલી હેલ્થક્લબની નિયમિતતા લાવવા આ ઉંમરના લોકોનું એક ગ્રુપ હતું. જેમાં પાંચેક જેટલાં કપલ હતાં. દરેક કપલને હેલ્થ અને કસરતનું એક લક્ષ્ય આપવામાં આવતું. જેમાં દરેક કપલ પોતે કરેલી કસરતની નોંધ રાખે અને મહિનાને અંતે કોઈના ઘરે મળીને વિજેતા નક્કી થતા. સ્પર્ધામાં જીતવા બધા સ્પર્ધકોએ પોતાની સ્માર્ટ વોચને કામે લગાડી દીધી. આટલાં ડગલાં ચાલ્યાં અને આટલાં બાવડાં કસ્યાં. શનિવારની ઉજવણી પછી થોડા લોકો રવિવારે પણ મળતા. નમ્રતા રાજનની જિંદગીમાં થોડી સ્ફૂર્તિ આવી ગઈ, કસરત નિયમિત થઈ અને એનો ગમતો પુરસ્કાર પણ મળી જતો, મહિનાના અંતે. શનિવારે મળતી આ કસરતી મંડળીમાં મોટા ભાગે ૫૦થી વધારે વયના જ લોકો હતા. વાતચીતની કેડી કસરત-કથાથી ઊતરી રાજકારણ, બ્રોડવે શો અને હોલિવુડ મૂવીના માર્ગે ચડી જતી. હા, એમ જ હોય એ તો. પણ નમ્રતાને નવાઈ એ લાગતી કે દરેક કપલની અન્ય પાર્ટનર સાથે થોડી વધુ નિકટતા રહેતી અને વાતોમાંય બંધ દરવાજે થતી પોતીકી વાતો સહજતાથી બહાર આવી જતી. નમ્રતા હવે એન્સિયન્ટ એરાગર્લ નથી એટલે ચલાવી લે છે આવી નહીં ગમતી નિકટતા. રવિવારે જોડાતા ગ્રુપમાં બંને હજી જોડાયાં નહોતાં. જોકે ડામાડોળ થતો પતંગ આ હવામાં થોડો સ્થિર થયો હતો. મહિનાનો એ છેલ્લો શનિવાર હતો, દરેક જણ ખુશખુશાલ હતા, ઓક્ટોબર મહિનાની ઠંડીમાં અને તહેવારોની મોસમમાંય બધા નિયમિતપણે લક્ષ્યને ચુસ્તપણે અનુસરતા હતા. મેનહટ્ટનના આઠમા માળે પૂનમના ઘરમાં જામેલી પાર્ટી માહોલમાં દરેકની જિંદગીમાં ઓક્સિજન શ્વસતો હતો. ફ્રિજમાંથી ડિઝર્ટ કાઢવા ગયેલી પૂનમને નમ્રતા મદદ કરાવતી હતી. અને એમ જ પૂનમે વાતના કોઈ અનુસંધાન વગર પૂછી લીધું કે રવિવારે કેમ તું અને રાજન અમારી સાથે જોડાતાં નથી? અરે! શનિવારે તો મળીએ જ છીએ ને! રવિવારે કંઈ ખાસ તો હોતું નથી પણ જસ્ટ હાઉસહોલ્ડ ચોર્સ! નમ્રતાનો આ જવાબ. પૂનમ હસી પડી, માર ગોળી એને તું. આવી જા, અમારા રવિવારનાં રોક એન્ડ રોલમાં. તને વગર દારૂએ નશો ચડશે. નમ્રતાને પૂનમની વાત સમજાઈ નહીં કારણકે નશા શબ્દ પર મૂકાયેલો ભાર કોઈ એવા પ્રદેશમાં જતો હતો કે જ્યાંનો નકશો કે દિશા બંને એની વિચારશક્તિનાં પરિઘની અંદર નહોતા. નવેમ્બર ગયો અને ડિસેમ્બર મહિનો થોડી રોશની લઈ આવ્યો મોમ ડેડની જિંદગીમાં, કારણકે ક્રિસમસની રજાઓમાં સીયા ઘરે આવી અને ઘર હોટ ચોકલેટ જેવી મીઠાશ અને હૂંફથી ભરાઈ ગયું. સીયા સાથે આખુંય ઘર રણઝણતું અને ધમધમતું રહેતું. અને એ રણકાર જાન્યુઆરીમાં એની સાથે જ એની બેગમાં પુરાઈને જતો રહેતો. એની સાબિતી ફોનની ફોટો ગેલેરીમાં એમ જ રહેતી કે જેમ દિવાલે ચહેકતાં સાસરે વળાવેલી દીકરીના કંકુથાપા. જાન્યુઆરીની ઠંડી રાજન-નમ્રતાની જિંદગીમાં ઊતરતી જતી હતી, વધુ અને વધુ ઊંડે. રવિવારની એક ઊતરતી સાંજે નમ્રતા અને રાજન વાઇનનાં ગ્લાસમાં એમની પોતપોતાની એકલતા ઓગાળી રહ્યાં હતાં. રાજને નમ્રતાને પૂછ્યું કે “પૂનમનાં ગ્રુપમાં થતાં રવિવારનાં ગેટટુગેધરમાં જોડાઈએ આપણે તો કેવું?” મેરલો વાઈનનો એક ખટમધુરો અને તૂરો ઘૂંટ ઉતારતાં નમ્રતાએ રાજનની સામે વાઇનના ગ્લાસમાંથી જોતાં જવાબ આપવાનું ટાળ્યું. મૌનને હા માની લેવાની ભૂલ કે શિરસ્તો સહુ કોઈ કરે તો રાજન વળી ક્યાં વિનસ કે માર્સ પરથી આવેલો તે નામરજી સમજી શકે! અને આવી ગયો એ રવિવાર. રાજને કહ્યું કે “રવિવારનું આ ગેટટુગેધર કોઈ એક કપલની હોલિડે હેપ્પીનેસ હોટલમાં છે. રાજન્ કારમાં વાગતાં હિન્દી ગીત સાથે તાનમાં આવી વ્હિસલ વગાડી રહ્યો હતો. સાથે સાથે નમ્રતાના ખભા કે પગ પર તાલ પણ આપતો જતો હતો. નમ્રતાએ જરાક અમથું મલકીને આંખનાં ખૂણેથી નોંધ્યું કે પતિદેવ આજે પૃથ્વીની પાર કોઈક દુનિયામાં છે. હોલિડે હેપ્પીનેસ હોટેલના પાર્કિંગમાં નમ્રતાએ પૂછયું, “અહીં છે બેન્ક્વેટ હોલ?” રાજને કહ્યું, “ઓ મારી એન્સિયન્ટ એરા વુમન! પાર્ટી બેન્ક્વેટ હોલમાં નથી. પણ હોટલના રૂમમાં છે. એટલે જુદાં જુદાં રૂમમાં, એટલે કે, તું સમજ નમા.” નમ્રતા પહેલી ક્ષણે તો સ્તબ્ધ થઈ ગઈ, પછી સ્તબ્ધતા પળભરમાં વિખેરાઈ અને ગુસ્સાથી તેનો ચહેરો નહીં પણ આખુંય વ્યક્તિત્વ તમતમી ગયું. શનિવારની પાર્ટીમાં દરેક કપલની અજૂગતી નિકટતા હવે જરા પણ ધૂંધળી નહીં પણ સ્થિર જળમાં દેખાતા પ્રતિબિંબ જેવી ચોખ્ખી હતી. એનો ગુસ્સો હવે આંખોથી વહેવા લાગ્યો. હતપ્રભ દિમાગ પાસેથી કોઈ હુકમ નહોતો મળતો વાચાને કે કંઈ પણ બોલી શકાય. ક્યાં જવું અને શું કરવું? અહીં વોલ્વો કારની લેધરસીટ ધગધગતી હોય એવું લાગ્યું. આ ક્ષણે જાણે ભઠ્ઠીમાં તપતી હોય એવી દાહ ફરી વળી. ગુસ્સો, પીડા, આત્મસ્ખલન થવાની ક્ષણને એ સહી ના શકી. આ એ જ રાજન હતો જેને પરણીને એ બધું છોડીને આવી હતી? કેટલાં કેટલાં રૂપમાં જીવી હતી, આ દેશમાં નવા જીવનમાં ગોઠવાઈ જવા માટે. અને હવે આ રૂપમાં જીવવાનું બાકી હતું? એને થયું કે આજે સ્ટિયરિંગ પર ચાંદલો નહીં પણ પોતાનું સ્વમાન, પોતાનું અસ્તિત્વ મૂકી દીધું છે. એ ક્ષણે નમ્રતા જોરથી કારનો દરવાજો ખોલી બહાર નીકળી ગઈ. રાજને સ્ટિયરિંગ વ્હીલ પર જરા તાર ચોંટી રહેલાં ચાંદલાના ઓઘરાળા પર નજર સ્થિર કરી.