નિરંજન/૨૬. બાપડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૬. બાપડો

ફડાકાના અવાજથી બીધેલ નાનું બાળ જ્યારે પોતાની ભીરુતા ઉપર શરમ અનુભવે છે, ત્યારે બીજા અવાજની સામે ટકી રહેવા માટે એ બહાદુરીની બનાવટ કરે છે. એવી બનાવટી હિંમત ધરીને નિરંજન દીવાન-બંગલે જઈ પહોંચ્યો. હંમેશની જેમ સરયુ અને સુનીલા બેઉ જોડે જ ઓરડામાં બેઠાં હતાં. નિરંજનને જોતાં સુનીલા બોલી ગઈ: ``ત્યારે તો તમે આવ્યા ખરા! ``કેમ, નહીં આવું એમ માનેલું? ``મેં બહુ સતાવેલા ખરા ને! ``કંઈ નહીં, એ તો મેં મારો મેળ મેળવી જોયો છે. ``એ વળી શું? ``એમ, કે આપણે મિત્રો બનીને જ રહીએ. ``પણ મેં ક્યાં કહેલું કે આપણે શત્રુઓ છીએ? સરયુ હવે છૂટ લેવા લાગી હતી. એણે જરી લહેર કરી: ``સુનીલાબહેનને તો ઘણાય મિત્રો છે. ``એમાં ભલે એકની વૃદ્ધિ થતી. સુનીલા જાણે કે કશુંક સહન કરી લેતી હોય તેવી બેજવાબદાર રીતે બોલી. ``હું એ બધાની જોડે ખપવા નથી ઇચ્છતો. ``તમે સર્વત્ર જુદા જ તરી નીકળવા શા માટે ઇચ્છો છો? ``બીજાઓને મન મૈત્રી બહુ સસ્તી વસ્તુ છે; મારે મન મૈત્રીમાં પ્રયોજન છે. ``મારા મનથી પણ કાલે બોર પાડવાનું પ્રયોજન હતું. તમે એને હાંસીમાં ઉડાવ્યું. એ પછી અભ્યાસના પાઠ પૂરા થતાં સરયુ બહાર ગઈ ત્યારે નિરંજને સુનીલાને પૂછ્યું: ``તમે અહીં શા માટે આવ્યાં? ``તમારી પાછળ. ``કેમ? ``તમે મારી અવગણના કરીને ચાલ્યા આવેલા, તે માટે. ``મેં અવગણના નહોતી કરી; અવગણના કરી શકું તેવો મારો સ્વભાવ નથી. ``હું ઇચ્છું છું કે તમે મારી અવગણના ને મારો તિરસ્કાર સુધ્ધાં કરો. ``શા માટે? ``મને એમાં મીઠાશ છે. તમે ગઈ કાલના અપમાન પછી અહીં ન આવ્યા હોત તો જ ઠીક થાત! ``તો તમે રાજી થાત? ``હું તમારે ઘેર તમને મનાવવા આવત. પોતે એક સોનેરી અવસર ખોયાનું નિરંજનને ભાન થયું. સુનીલાએ કહ્યું: ``પણ તમે બહુ સોંઘા છો, ને મારો સ્વભાવ જ એવો પડી ગયો છે કે સોંઘાં તો મને શાક પણ ભાવતાં નથી – માનવી તો કેમ જ ભાવે? નિરંજન જવા ઊઠ્યો ત્યારે સુનીલાએ એને એક બીડેલ પરબીડિયું આપતાં આપતાં કહ્યું: ``આ ટપાલમાં નાખી શકશો? ``જરૂર. ``ટપાલ નીકળી ગઈ હશે તો? ``તો સ્ટેશને જઈ નાખી આવીશ. ``હા, બહુ જરૂરી છે. કવર લઈને નિરંજન ગયો ત્યારે સુનીલાએ મોટી હતાશા અનુભવી ને પોતાના અંત:કરણને કહ્યું: ``બાપડો દયા ખાવાને જ લાયક છે! સુનીલાના હસ્તાક્ષરો જોવાની લાલચ નિરંજન ન ત્યજી શક્યો. એણે ગજવામાંથી પરબીડિયું કાઢીને સરનામું વાંચ્યું. વાંચતાં જ એના મોં પર શાહી ઢળી ગઈ. એ નામઠામ પેલા ક્લબના સેક્રેટરીનું હતું. એવા દુર્જન જોડે પત્રવ્યવહાર! એ કહેતો હતો કે, સુનીલા મારી છે, તે શું સાચું? કાગળમાં શું લખ્યું હશે? કાગળ ફોડું? બીજાની ચોરી-લબાડી ઉપર જાસૂસી કરનારો ભૂલી જાય છે કે પોતે જ ચોર-લબાડોના સંઘમાં ઉમેરો કરી રહેલ છે. નિરંજને સુનીલાના કાગળ પ્રત્યે શંકા કરી, રોષ કર્યો, ઘૃણા કરી. પવિત્રતાનો દંભ કરનારી એવી કુમારિકાને એના સાચા સ્વરૂપમાં નિહાળી જ લેવી જોઈએ, એનાથી સાવધાન બની જ જવું જોઈએ, એવા એવા પ્રકારની દલીલબાજી પોતાના હૃદયની જોડે કરીને એણે આખરે એ કાગળ ફોડ્યો. ફોડતાં ફોડતાં એણે અનેક આંચકા ખાધા. આવું કૃત્ય એ આજે જીવનમાં પહેલી વાર કરી રહ્યો હતો. પરજીવનની ચિરાડોમાં ડોકિયાં કરવાનું પાપ એ સમજતો હતો. પણ એ સમજણ ઉપર એણે આજે પુણ્યપ્રકોપનું બનાવટી ઢાંકણ પહેરાવી દીધું. એની દસેય આંગળીનાં ટેરવાં ખાતર પાડવા જતા દસ ચોરની માફક ગભરાટ પામ્યાં. પરબીડિયાના લીસા આસમાની કાગળે એને ચટકા ભર્યા. મોટરનું હોર્ન વાગતું તે પણ જાણે એના આ દુરાચરણ સામે પોકાર પાડતું હતું. શોફરની સામે નાની આરસી ચોડેલી હતી, તેમાં પોતાની લીલા પ્રતિબિંબિત થઈ રહેલ છે ને શોફર ત્યાં તાકી રહ્યો છે, એવો ધ્રાસકો એને પડ્યો. છાતી થડક થડક થતી હતી. જાણે કોઈ આગગાડીનાં ચક્રો એના દિલ પર થઈને ચાલ્યાં જતાં હતાં. છતાંય કાગળ ફોડ્યો. અંદર જોયું. કાગળ ઉખેળ્યો. કાગળ કોરો હતો. ફેરવી ફેરવીને કાગળ તપાસ્યો. ઊંચે રાખીને નીરખી જોયું. કોઈ નિગૂઢ અક્ષરો – લીંબુના રસથી પાડેલા અક્ષરો – તો નહીં હોયને? સૂંઘી જોયું. કશું જ નહોતું. સુનીલાના અટ્ટહાસ્ય જેવો સફેદ, શુષ્ક અને કઠોર એ કોરો કાગળ નિરંજનના હાથમાં ખૂંચ્યો. એની ગડીઓ સરખી ન સંકેલી શકાઈ. કોઈ વાદી પોતાના સાપને કરંડિયામાં ચાંપીને પૂરી દે તેવી ઘાતકી રીતે નિરંજને કાગળ પરબીડિયામાં પેસાડી દીધો. ઉપર જોયું. જરા ધારીને નિહાળી જોયું, તો સરનામા ઉપર જે અક્ષરો હતા તે સુનીલાના હસ્તાક્ષરો નહોતા જણાતા. એ અક્ષરો કોઈક શિખાઉ હાથના હતા. કદાચ સુનીલાએ ડાબા હાથે કાઢેલા હશે. કદાચ ગજાનનની પાસે એનું સરનામું કરાવ્યું હશે. સરનામાની અંદર સ્થળ પણ બનાવટી લખ્યું હતું. ગમે તેમ હશે. પણ નિરંજનને પોતાની પરીક્ષા તો હવે ખતમ થઈ ગઈ લાગી. ``શોફર! એણે લગભગ સ્ટેશનની લગોલગ ગયા પછી કહ્યું, ``ગાડી ઘેર જ લઈ લે. ઘેર જઈને એણે એ જ પરબીડિયામાંથી કાગળ કાઢીને એ કોરા કાગળ પર લખ્યું: ``ઘી કકડી ગયું છે. આટલી આકરી તાવણ કાં કરી? ફરી કદાપિ મોં નહીં બતાવું. ``શોફર! આ કાગળ સુનીલાબહેનને જ દેજો. એટલું કહીને પોતાની જ ફાંસીની સજાનો ફેંસલો પોતે લખી મોકલાવ્યો.