નિરંજન/૨૭. સાન આવી?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૭. સાન આવી?

જીવન-ચોપડામાં મોડી રાતે મેળ મળી ગયો. તેલ તો ઘણું બળી ગયું. આંખોય જલી ઊઠી. રોમાવલીએ બેહદ પરસેવો નિતાર્યો. હૈયું નિચોવાઈ ગયું. પણ એ બધાંને અંતે નિરંજન ફારેગ થઈ ગયો. સ્વજનના અગ્નિદાહ પછીનું પહેલું સ્નાન જે ટાઢક કરવાની સાથોસાથ કોઈક સદાને માટે ચાલ્યું ગયું હોવાની ચોક્કસ સાન જન્માવે છે, તે શીતળતા અને તે સાન નિરંજનને પણ સાંપડ્યાં. પ્રેમની અટપટી વાટ પર એણે ઝાંપો ભીડ્યો. એ વાટનાં યશોગાન એને પોકળ ભાસ્યાં. `અથવા તો મારા પોતાના જ પ્રેમમાં હતી એ પોકળતા!' – નિરંજને વિશ્વના પ્રેમતત્ત્વની બદનક્ષી ન કરતાં પોતાની જ નાલાયકી સ્વીકારી લીધી. પહેલી વધાઈ આપવા એ ઓસમાન ટપ્પાવાળાની પાસે ગયો. ઓસમાન ટપ્પો જોડીને ઊભો હતો. ``આજ તો, ઓસમાનકાકા! એણે પ્રફુલ્લ અવાજે કહ્યું, ``મારું મન ટપ્પો હાંકવાનું થયું છે. મને શીખવશો? ``કેમ ભાઈ! ઓસમાને રમૂજ કરી, ``મારો ધંધો તોડી નાખવો છે શું? ભણવું મેલીને ભાડાત ટપ્પો હાંકવાનો મનસૂબો કર્યો છે કે શું? ``તોય શું વાંધો છે, કાકા? એક ગ્રેજ્યુએટના જેટલો તો પગાર પડી રહેશે. ને તમામ લોકો જોડે તેમ જ આ મૂંગા જાનવર જોડે મહોબત બંધાશે એ તો વધારાનું – ``ઈથીય વધુ એક લાભ છેને, બાપા! ઓસમાને અવાજ ધીરો પાડ્યો, ``તમારી ઘોડાગાડીએ તો ફૂલફૂલ જેવાં પાસિન્જરો બેસવા દોડશે. ``ફૂલફૂલની વાતો તો હવે મૂકી દીધી, કાકા! ``અરે, શું વાત કરો છો! ``સાચું કહું છું. ``મારા સાંભળવામાં તો કાંક નોખું જ આવેલું હતું, હો ભાઈ! ``ને તમે સાચું માની લીધેલું? ``સાચા-ખોટાની વાત તો નો'તી વિચારી, પણ મારા અલારખાની જે વલે થઈને ભાઈ, એવી જ ભૂંડી વલે મારા શ્રીપતરામભાઈના ડાયા છોરુની થાશે એવો ડર લાગેલો. અલાના કસમ! પેટછૂટી કહી દીધી તમને, મારા દીકરા! ``તો હવે ધરપત કરજો, ઓસમાનકાકા! મેં તો સ્નાનસૂતક પણ કરી નાખ્યું. ``તો હાલો મારી સાથે સે'લ કરવા. ``ક્યાં જશું? ``પંજાપીરને તકિયે જાવું છે. આજ ભાડું નથી કરવું. ચાર દનૈયાં ઠીક ઠીક પાક્યાં છે, એટલે મેં કાલે ઠેશણેથી વળતાં રસ્તામાં જ ઘોડાને બોલ દીધો'તો કે, બાવળા, કાલ તને ભાડે નહીં જોડું. તને પંજાપીરને તકિયે ઢેલડીના ઘૂનામાં ધમારવા લઈ જઈશ... હાલવું છે? આજ સુધી નિરંજનને ક્યાંય જવું ગમતું નહીં. તાપને લીધે એ ભીનું પંચિયું શરીરે ચાંપતો ચાંપતો પડ્યો રહેતો. છાપરાનાં નળિયાં જોતો જોતો પણ તરંગે ચડતો. પાડોશીને ઘેર કાળે બપોરે ગ્રામોફોન ઉપર સાયગલ–ઉમાશશીની ગીત-થાળી પચીસ વાર ચડતી ને `પ્રેમનગર મૈં બનાઊંગી બનમેં'ના સૂરોમાંથી નિરંજન નકામો નકામો વેદનાનું રસપાન કરતો. મા કહેતાં કે, ``ભાઈ, ક્યાંઈક બહાર તો નીકળ! બાપુજી ઘણું ઘણું વીનવતા કે, ``ભાઈ, અહીં આવ, મારી પાસે તારી કેળવણીની વાતો કર! પણ નિરંજનને કશામાં રસ નહોતો. ઘવાયેલા કુરંગ-શો એ પડ્યો રહેતો. કોઈ મળવા આવે તો એને ગમતું નહીં, ને જમવા બોલાવ્યે ચિડાતો. એ બધી ગધાપચીશીને આજે પાર કરી ગયો હોય તેવો નિરંજન ઓસમાનકાકાના ટપ્પા પર ચડી બેઠો, ને ગામબહાર નીકળી એણે ઘોડાની લગામ હાથમાં લીધી. ટપ્પાવાળાઓ જેટલાં નખરાં કરતા હોય છે તે તમામ નખરાંની નકલ કરતો નિરંજન પંજાપીરના વૃક્ષઘટાએ છાયેલા રસ્તા પર ટપ્પો હાંકી ગયો. આજે એનો આત્મા બંધનમુક્ત બન્યો હતો. માથા પરની ઘટા એને કેવળ શીતળતા આપનારી જ સાદીસીધી ઘટા બની રહી. એ ઘટાની કોયલોના ટહુકાર એને કોઈપણ પ્રિયજનનું સ્મરણ કરાવી શક્યા નહીં. એ ટહુકારાની મીઠાશ જેવી સહુને સારુ હતી તેવી જ નિર્મળ એ નિરંજનને મળી. મોરલાની કળામાં એણે રૂપરંગની કુદરતી માધુરી નિહાળી. કલ્પનાએ હૈયાફૂટી બનીને એ સુંદરતામાંથી કશુંક ગ્લાનિજનક તત્ત્વ ન ખેંચ્યું. માર્ગની બંને બાજુ બળબળતી લૂના કટોરા પીતા પીતા સાંતી હાંકતાં ખેડુજુવાનોને જોઈ એણે ઓસમાનકાકાને પૂછ્યું: ``હેં કાકા, આ જુવાનિયાઓને દિલનાં દુ:ખ નહીં હોય? ``શેનાં – ઇશકનાં દુ:ખ? ``હા. ``હોય તો ખરાં, પણ અટાણે સંભારે તો સાંતી ઊંધાં જ પડે ને! `જગતનો પ્રત્યેક જુવાન જો કૉલેજિયન બને તો શી વલે થાય જગતની?' નિરંજન પોતાના હૃદયને પૂછી રહ્યો, `આ મરદબચ્ચા ખેડૂતો જે દિવસે કૉલેજને ઉંબરે ચડશે તે દિવસે હિંદની ગુલામી વજ્રલેપ બનશે. તેઓ કારકુનો બની જશે એનો બહુ વાંધો નથી; પણ તેઓ મારી માફક પોતાની બધી ચાલાકી, બધી નિપુણતા, વાક્પટુતા, ને વીરતા એકાદ કોઈક કૉલેજ-કન્યાની કલ્પનાને મુગ્ધ કરવામાં જ વાપરતા થશે, ને પછી `ગજલું' જોડી જોડી રસાતલમાં ઊતરી જશે. `કૉલેજોથી અળગા એ આજે કેવું પૌરુષભર યૌવન ભજાવે છે! લૂના ફાકડા ભરે છે; સાંતીનો ચાસ ચૂકતા નથી; વડલાની ઘટામાં કોસ ચલાવતા ખેડુ-કુમારો મીઠા ટહુકારે ગાય છે ખરા, કે – વાવલિયા વાયા રે, પિયુ, વૈશાખના, રજ ઊડે ને મારુ માણેકડું રોળાય જો. `પણ એ ગાનનો રસ એમનો એકેય ફેરો ચુકાવીને ઊંડા નિ:શ્વાસો નાખવા થંભાવી દેતો નથી. સુનીલા તો આવા જ કોઈકની હજો!' પંજાપીરનું થાનક પાંચ ઝાડવાંની ઘટામાં આવેલું હતું. લીલી સોડ ઓઢાડેલી પાંચ લાંબી કબરો પાસે અખંડ લોબાન બળતો હતો. કૂકડાં, કૂતરાં, બિલાડાં, ને કોઈ કોઈ વાર તો હરણાં પણ ત્યાં ભેળાં જ રમતાં. જગ્યાનો મુંજાવર પીરના તકિયાની ચોપાસ દિવસમાં ત્રણેક વાર ચોગાન વાળ્યા કરતો. પછવાડે ઢેલડી નદીનો પ્રવાહ ચાલતો હતો. એક ઘોડાગાડી ત્યાં ઊભી હતી. નદીમાં ઊતરવાનો માર્ગ રોકીને સ્ટેટના પટાવાળા બેઠા હતા. તેઓએ પુરુષોને જતાં અટકાવ્યા. ``કેમ? નિરંજને પૂછ્યું. ``દીવાન-બંગલેથી નાવા આવેલ છે. નદીની ભેખડો નીચેથી હાસ્યધ્વનિ, તાળીઓના અવાજ ને સામસામી થપાટો સંભળાતી હતી. નિરંજન તાણીને બોલી તો ન શક્યો, પણ ઓસમાનકાકાની પાસે બબડી રહ્યો: ``આ સ્ત્રીની જાત તો જુઓ! જ્યાં જાઓ ત્યાં હડફેટે ચડે. ``ચડે નહીં, ભાઈ મારા! ચડાવે. ઓસમાન હસ્યો. ``બીજો કોઈ ધરો છે કે નહીં, હેં કાકા? ``છે. પણ અર્ધા ગાઉ ફેરમાં છે. ``તો ચાલોને ત્યાં. એક પટાવાળો બોલ્યો: ``ઝાઝી વાર થઈ ગઈ છે. હવે હમણાં જ નીકળશે. સરયુબેન છે ને સુનીલાબેન છે. પટાવાળાએ જાણીબૂજીને નામ લીધાં જણાયાં. નિરંજન કશું બોલ્યો નહીં. એણે ને ઓસમાને ત્યાંથી ચાલતી પકડી. નિરંજને મોટી જીત મેળવી. એ ગયા પછી પટાવાળો ને કોચમેન વાતોએ ચડ્યા: ``જાણીબૂજીને આવેલ કે? ``હા, ઈ તો ખબર પડી ગઈ હશેને, ભાઈ! ``બખડજંતર હાલ્યું જ જાય છે દુનિયાનું. ``દુનિયાનું ડીંડવાણું તો એવું જ ને, ભાઈ! ``ઈ તો જાય બિલાડી મોભામોભ! આવા શબ્દપ્રયોગોમાં રાજના એ બુઢ્ઢા નોકરોને મોજ આવતી હતી. મોજ ઉપરવટનો કોઈપણ અર્થ કે ભાવ એ વાર્તાલાપમાં નહોતો ભરેલો.