નીરખ ને/એટમ અને સેલ્ફ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કોઈ નિરભ્ર કૃષ્ણરાત્રીએ, અવકાશરૂપી દેવોના કાવ્યના રસમાં મગ્ન એવા કોઈ ઋગ્વેદી ઋષિના હૃદયમાં પ્રશ્ન સ્ફૂર્યો હશે કે દેવોએ રત્નમંડિત અવકાશના ફલક પર કાવ્ય તો લખ્યું પણ એ કાવ્યનો કોઈ ગૂઢાર્થ હશે ખરો? આ કાવ્યનું સર્જન કરનાર દેવ કયો? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા તેમણે પ્રદીર્ઘ ચિંતન અને મનન કર્યું હશે અને એ ચિંતન-મનનને અંતે પણ જ્યારે તેમને એ પ્રશ્નનો ઉત્તર નહીં સાંપડ્યો હોય ત્યારે તેમણે પોતાના હૃદયનો સંક્ષોભ નીચેની ઋચામાં ઠાલવ્યો હશે : “ખરેખર કોણ જાણે - કોણ કહે કે આ વિવિધ સૃષ્ટિ ક્યાંથી ઉત્પન્ન થઈ, ક્યાંથી ફંગોળાઈ? દેવો તો સંભવતઃ આ વૈવિધ્યમય સર્જન પછીની નીપજ પણ હોય. તો પછી આ સૃષ્ટિ ક્યાંથી આવી તે કોણ જાણે? આ વિવિધ સૃષ્ટિ ક્યાંથી આવી અને સ્થિતિમાં છે કે નહીં તે તો પરમવ્યોમમાં આનો જે અધ્યક્ષ છે તે જ જાણે – અરે, અથવા તે પણ કદાચ ન જાણે!” આ ઋગ્વેદના ઋષિને જેમ બ્રહ્માંડના સર્જન અંગે જાણવાની તાલાવેલી હતી તેમ જ આજના વિજ્ઞાનઋષિઓને પણ આ બધું સર્જન કેમ થયું તે જાણવાની તાલાવેલી છે, અને અર્વાચીન વિજ્ઞાનની સહાયથી એ જાણવાની દિશામાં તેમણે ઠીક ઠીક પ્રયત્ન પણ કરેલો છે... બ્રહ્માંડનાં સર્જન, સ્વરૂપ અને સંચાલન અંગે આજના વિજ્ઞાનીઓ વચ્ચે અનેક પ્રકારનાં મત-મતાંતરો છે અને તેથી જ તો વિખ્યાત ખગોળવિજ્ઞાની વિલિયમ ફાઉલરે કહ્યું છે, “ધર્મમાં કે વિજ્ઞાનમાં દૃઢીભૂત થયેલી શ્રદ્ધા – કહો કે અંધશ્રદ્ધા જેમનામાં હોય તેઓ જ સર્જનના ઉદ્ભવ કે એના સ્વરૂપના પ્રશ્નની ચર્ચામાં ઝુકાવે”, અને તેથી જ ફિઝિક્સનું નોબેલ પારિતોષિક મેળવનાર વિજ્ઞાની ડૉ. સ્ટેવેન વાઈનબર્ગરે પણ કહ્યું છે કે, “મેં આ બધું લખ્યું છે તો ખરું પણ મને ખબર નથી કે એ બધું સાચું છે કે માયા જ છે!”... આપણા જ દેશના અગ્રણી વિજ્ઞાની ડૉ. રાજા રામન્ના કહે છે કે, “આપણે એક ચોક્કસ મંચ પર ઊભા રહીને બ્રહ્માંડનું નિરીક્ષણ કરીએ છીએ, અને તેથી બ્રહ્માંડનું એક સ્વરૂપ આપણને દેખાય છે. સંભવ છે કે નિરીક્ષણ માટેનો બીજો કોઈ મંચ હોય અને એ મંચ પર ઊભા રહીને બ્રહ્માંડનું નિરીક્ષણ કરનારને બ્રહ્માંડનું કોઈ જુદું સ્વરૂપ દેખાતું હોય.” ડૉ. રામન્નાના આ વિધાનમાંથી સહેજે પ્રશ્ન ઉપસ્થિત થાય કે તો પછી સાચું સ્વરૂપ શું? (કો અદ્ધા વેદ

મનુભાઈ મહેતા



એટમ અને સેલ્ફ

એક કાળે જગતનાં સજગ, બુદ્ધિનિષ્ઠ યુવકોનાં જીવન રાજકીય આદર્શવાદોથી છવાઈ ગયેલાં હતાં; એમનાં માનસ ઉપર સૌથી વધુ પ્રભુત્વ માર્ક્સવાદનું હતું. આપણા દેશમાં ગાંધીજીનું વ્યક્તિત્વ અને એમનો પ્રેર્યો આદર્શવાદ સર્વત્ર છવાઈ ગયો હતો. માર્ક્સવાદનાં પણ પગરણ મંડાયા હતાં. દેશને આઝાદ કરવા માટે થોડાક આદર્શવાદી યુવકોએ હિંસક માર્ગો અપનાવી ખફા થઈ જવાની તમન્ના બતાવી હતી. કાળ ઉત્સાહ અને આશાનો હતો. આજે રાજકીય ક્ષેત્રે સર્વત્ર હતાશા છે. માર્ક્સવાદની નિષ્ફળતા અને ટૅક્નોક્રસીથી થતા જતા અમાનવીકરણ સાથે આદર્શવાદનાં પાણી ઓસરવાં લાગ્યાં. પશ્ચિમી વિચારણાને પ્રભાવે વિચાર-સ્વાતંત્ર્યનો પવન ફૂંકાવા લાગવાથી સાંપ્રદાયિક ધર્મોની પકડ પણ ઢીલી થઈ. અસ્તિત્વનો પ્રશ્ન જાણે કે મોં ફાડીને લોકો સમક્ષ ખડો થઈ ઊઠ્યો. પ્રવાહ ધીમે ધીમે વિજ્ઞાન અને અધ્યાત્મ તરફ વળતો દેખાય છે. આજે આપણાં મોટા ભાગનાં બુદ્ધિનિષ્ટોનો અધિષ્ઠાતા દેવ વિજ્ઞાન અને બુદ્ધિવાદ છે; એઓ પશ્ચિમી ભૌતિકવાદી અભિગમ સ્વીકારી પોતાનાં ક્ષેત્રોમાં કાર્યરત છે; પોતાનાં ક્ષેત્રોનાં પ્રશ્નો એમનો જીવનમંત્ર છે – એ દ્વારા એ લોકો અસ્તિત્વનો પ્રશ્ન હલ કરવા મથે છે. થોડા સાહિત્યકાર મિત્રોને જાણું છું કે જેમને સાહિત્ય દ્વારા જ સત્ને પામવાની ખેવના છે, અથવા તો ઊંચી સાહિત્યકૃતિ જ એમનું સત્ છે. અસ્તિત્વના પ્રશ્ન પ્રત્યે ભૌતિક (મટિર્યાલિસ્ટિક) અને અધ્યાત્મવિદ્યાકીય (મેટાફીઝિકલ) એમ બે મુખ્ય અભિગમો જોવા મળે છે. ભૌતિકવાદીઓ માટે જડતત્ત્વ (મેટર) વિશ્વનો સિદ્ધાંત છે. જડતત્ત્વ શાશ્વત છે, કારણ કે જડતત્ત્વમાંથી બધા જન્મે છે અને જડતત્ત્વથી બધા હસ્તી ધરાવે છે અને જડતત્ત્વમાં પાછા ફરે છે અને નષ્ટ થાય છે. મન કે સાયકી જડતત્ત્વથી જુદાં નથી. જડતત્ત્વ બધું છે, સેલ્ફ આડ-પેદાશ છે – epiphenomenon છે. આધ્યાત્મિકો માટે ચૈતના જડતત્ત્વ કરતા કંઈક વિશેષ છે. અરવિંદ ઘોષ કહે છે કે “જન્મ ભૌતિક વિશ્વનું પ્રથમ આધ્યાત્મિક રહસ્ય છે અને મૃત્યુ બીજું છે જે જન્મના રહસ્યની મૂંઝવણને બેવડાવે છે. જીવન આમ તો હસ્તીની સ્વયંસ્પષ્ટ હકીકત હોત, પણ આ બે(જન્મ અને મૃત્યુ)ને કારણે એ રહસ્યમય બની જાય છે. લાગે તો એમ છે કે જન્મ અને મૃત્યુ જીવનનો આરંભ અને અંત છે – છતાં અનેકગણી રીતે આપણને પ્રતીતિ થાય છે કે એ આરંભ અને અંત નહીં, પણ ગુહ્ય પ્રક્રિયાની વચગાળાની અવસ્થાઓ છે. In the birth of life there is something more that participates in the emergence - there is an element which is no longer material, a strong upsurging of some flame of soul, a first evident vibration of the spirit. જન્મનાં બધાં જાણીતા સંજોગો અને પરિણામો જન્મ પહેલાનાં Unknown તરફની પૂર્વધારણા તરફ લઈ જાય છે. મૃત્યુમાં રહેલી અનિર્ણયાત્મકતા (ઇનકન્ક્લુઝિવનેસ) એના પછીના Unknownને તાકે છે. જન્મ પહેલા આપણે શું હતા અને પછી આપણે શું છીએ એ પ્રશ્નો માણસની બુદ્ધિએ આરંભથી પૂછ્યા છે અને હજી પણ એનો આખરી ઉકેલ નથી આવ્યો. ‘The intellect indeed can hardly give the final answer; for that must in its very nature lie beyond the data of the physical consciousness and memory, whether of the race or individual, yet these are the sole data which the intellect is in habit of consulting with something like confidence.’ ભૌતિક અને આધ્યાત્મિક અભિગમોના સંદર્ભમાં પ્રો. ડી. એસ. કોઠારીનું ‘એટમ અને સેલ્ફ’ વિષય પરનું વ્યાખ્યાન રસપ્રદ અને રોમાંચક સાબિત થઈ ઊઠે. વિજ્ઞાન માટેની મારી અસજ્જતા અને પ્રો. કોઠારીએ વિજ્ઞાનકીય હકીકતોમાંથી દોરેલાં આધ્યાત્મિક તારણો વિશે કહી શકવા હું શક્તિમાન નથી. માત્ર અપાર કુતૂહલથી અને સમજવાની જિજ્ઞાસાથી પ્રેરાઈ પ્રો. કોઠારીના વ્યાખ્યાનની કેટલીક વાતો હું અહીં રજૂ કરું છું. ‘અહીં જે વાતો કરવાની છે એ માત્ર ભૌતિકશાસ્ત્રની નથી, પણ એની પારની પણ છે. વિષય છે ‘એટમ અને સેલ્ફ.’ એટમ ભૌતિકશાસ્ત્રમાં આવે અને સેલ્ફ મૂળભૂત રીતે અધ્યાત્મવિદ્યાનો વિષય છે. આધુનિક ભૌતિકશાસ્ત્રને એટમ વિશે શું કંઈ નવું કહેવાનું છે? વીસમી સદીમાં ન્યૂટનને જેમ હતી એવી એટમની અધ્યાત્મવિદ્યાકીય હસ્તી રહી નહીં. ન્યૂટનની એટમની વિભાવના અધ્યાત્મવિદ્યાકીય હતી. એટમનું શા માટે વિભાજન થઈ શકે નહીં એના ઉત્તરમાં ન્યૂટન લખે છે, ‘What God made as one no man can put asunder.’ “વીસમી સદીમાં એટમ ભૌતિકશાસ્ત્રનું અંગ બની ગયું. આપણે કહેતા હોઈએ છીએ કે એટમને કેટલીક ઊર્જાની કક્ષાઓ કે અવસ્થાઓ હોય છે. જ્યારે એટમ એકદમ નીચેની કક્ષામાં હોય છે ત્યારે એનામાં અમુક ઊર્જા હોય છે; જ્યારે પ્રક્ષોભિત અવસ્થામાં હોય ત્યારે એની જુદી ઉચ્ચતર ઊર્જા હોય છે, અને આ આખી પદ્ધતિ બિનસાતત્યની છે – એટલે કે ઊર્જા પહેલી અવસ્થામાંથી બીજી અવસ્થામાં અને ત્રીજી અવસ્થામાં જાય, પણ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જતા વચમાં જોડતી કક્ષા નથી. આ એટમની ઊર્જાની ઘટના અને વિચારની ઘટનામાં સામ્ય છે. જ્યારે મારા મનમાં એક વિચાર આવે છે, અને બીજી ક્ષણે બીજો વિચાર આવે છે ત્યારે એ સંક્રાન્તિ કેવી રીતે સધાય છે? એ એક કૂદકો છે – એટમના જેવો ક્વૉન્ટમ કૂદકો. વિચાર-પ્રક્રિયામાં સાતત્ય નથી, નહીં તો એ સંભવિત જ ન બને. જો સંક્રાન્તિમાં લીટી ઉપરના બિંદુઓમાં હોય છે તેમ સાતત્ય હોત તો અનંતસંખ્યી વિચારો વચમાં વચમાં દરમ્યાનગીરી કરત અને આપણે બિલકુલ વિચાર કરી શકત નહીં. વિચારપ્રક્રિયામાં અચાનક કૂદકાઓ ગર્ભિત છે. આ કૂદકાઓ કેવી રીતે થાય છે એનું વિશ્લેષણ વિચાર પોતે કરી શકતું નથી. આનો અર્થ એ થાય કે રીઝનથી એનું વિશ્લેષણ થઈ શકતું નથી. એટલે એક વિચારથી બીજા વિચારમાં થતી મનની સંક્રાન્તિમાં અબુદ્ધિવાદી (ઈરરેશનલ) તત્ત્વો છે. એટલે કે વિચારપ્રક્રિયા બુદ્ધિવાદ અને અબુદ્ધિવાદનું વિચિત્ર મિશ્રણ છે. જો આ વિચાર હું આગળ ચલાવું તો સુપરમાઇન્ડની કે જુદાં જુદાં મનોના પ્રત્યાયનની સંભાવના વિચારક્રમની આ અબુદ્ધિવાદી અવસ્થામાં હમેશાં રહેલી છે. ‘એટમ અને સેલ્ફ વચ્ચે – જડતત્ત્વ અને મનની વચ્ચે એકબીજા ઉપર થતી ક્રિયા (ઇન્ટરએક્શન) એ સૌથી મોટું રહસ્ય છે. હું અહીં મગજથી જુદો ‘મન’ શબ્દનો ઉપયોગ કરું છું; મગજ એટમોનો જથ્થો માત્ર છે – જો કે ખૂબ જટિલ અને સંકુલ છે. અવકાશ અને સમયમાં એટમ બદ્ધ છે, એનું ઊર્જામાં અને ગતિમાં વર્ણન શક્ય છે. પણ અવકાશ-સમયમાં મનની હસ્તી નથી. એ જડતત્ત્વ – ઊર્જાની વિભાવના નથી – એ ભૌતિક વિશ્વની બહાર છે. આનંદ અને દુઃખને, પ્રેમ અને ધિક્કારને વિજ્ઞાનની વિભાવનાઓમાં ઘટાડી ન શકાય. અવકાશ, સમય અને જડતત્ત્વ ઊર્જા વિજ્ઞાનની પાયાની વિભાવનાઓ છે, અને આપણે સેલ્ફની વિશિષ્ટતાઓ જેવી કે સુખ, દુઃખ કે હેતુલક્ષી વિચારનું વિજ્ઞાનની વિભાવનાઓ લઈ અર્થઘટન કરી શકીએ નહીં. હું જો એમ પૂછું કે તારાઓ શેના બન્યા છે? તો એ પ્રશ્ન એટમને લાગેવળગે છે. પણ જો હું એમ પૂછું કે આકાશમાં તારાઓ શા માટે છે? અથવા આકાશ શા માટે સુંદર છે? – તો વિજ્ઞાન મારા પ્રશ્નોનો જવાબ આપી શકતું નથી. સૌન્દર્યને વિજ્ઞાન સમજાવી શકતું નથી. એટલે વિશ્વમાં એવી ઘણી ચીજો છે જે વિજ્ઞાનના પ્રદેશની નથી, પણ મન કે સેલ્ફની છે. “પ્રશ્ન ઊઠે છે – એટમનું સેલ્ફ સાથે કેવી રીતે ઇન્ટરએક્શન થઈ શકે? બન્ને પરસ્પરને અસર કરે છે એ તો દેખીતું છે. આપણે બોલીએ છીએ ત્યારે મનને એક ચોક્કસ સ્વતંત્રતાની સેન્સ હોય છે, કારણ કે આપણે ધારીએ તો બોલતા બંધ થઈ શકીએ છીએ. આપણે માનીએ છીએ કે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે મન વાક્યને નક્કી કરે છે. પણ વાક્ય તમે સાંભળો છો એ નાદતંત્રી (વોકલ કોર્ડસ્)ના કંપને કારણે, વાયુની ગતિને કારણે શક્ય બનતું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો મન જડતત્ત્વને પ્રભાવિત કરે છે એ સામાન્ય ઘટના છે. અને છતાં સેલ્ફ અને જડતત્ત્વ વચ્ચેની આ અરસપરસ ક્રિયા કેવી રીતે થાય છે એ સૌથી વધુ રહસ્યમય ઘટના છે. “બીજો મુદ્દો મારે એ કહેવો છે કે ભૌતિકશાસ્ત્રમાં અધ્યાત્મવિદ્યાને સ્થાન નથી, કારણ કે ભૌતિકશાસ્ત્રમાં રીઝન એકહથ્થુ સત્તા ભોગવે છે, અને પ્રયોગ, નિરીક્ષણ, ગણિત જ તારણોને – પરિણામોને નક્કી કરે છે, છતાં એ પણ સ્વીકારાયું છે કે ભૌતિકશાસ્ત્રનો વિકાસ – ખાસ કરીને એને જ્યારે પાયાના માળખામાંના ફેરફાર સાથે નિસ્બત હોય છે ત્યારે મહદ્ અંશે અધ્યાત્મવિદ્યાકીય પરિસ્થિતિથી સજગ હોવાથી થાય છે. ભૌતિકશાસ્ત્ર જેમ પ્રગતિ સાધતું જાય છે એમ વધુ ને વધુ આધ્યાત્મવિદ્યાકીય પ્રદેશો એનામાં સમાવેશ પામતાં જાય છે. ન્યૂટનનો એટમ એક વખત અધ્યાત્મવિદ્યાકીય હતો તે આજે ભૌતિકશાસ્ત્રનો અંશ બની ગયો છે. ભૌતિકશાસ્ત્ર અને અધ્યાત્મવિદ્યા માણસ માટે જરૂરી છે એ સ્પષ્ટ છે. “જેમ જેમ કુદરત વિશેની સમજણ વિકસતી જાય છે એમ એમ સ્વયં સમજણની વિભાવનામાં ફેરફાર થતો રહે છે. જડતત્ત્વના વાસ્તવની જ વિભાવના જુઓ. એક દૃષ્ટાંત આપું. મારી પાસે ચોકનો એક ટુકડો અને બે ખાનાંઓ છે. હું બે ખાનાંમાંથી એકમાં એ ચોકનો ટુકડો મૂકી શકું છું. પણ પ્રાયોગિક પુરાવો આપણને એવું માનવા માટે ફરજ પાડે છે કે જ્યારે આપણે નાની વસ્તુઓ સાથે કામ પાડીએ છીએ ત્યારે – જેમ કે ઇલેક્ટ્રોન – ત્યારે એવી પરિસ્થિતિની શક્યતા છે કે એક જ વસ્તુ એકસાથે બન્ને ખાનામાં હોય. આ ગાંડપણ લાગે, પણ આમ છે. સામાન્ય ભાષા આપણા રોજ-બ-રોજના અનુભવને વર્ણવવા માટે છે – એટલે કે એ મોટા પદાર્થો સાથે કામ પાડે છે. આ ભાષા સૂક્ષ્મ સ્તરે તદ્દન અપૂર્ણ છે – ત્યાં માત્ર ગણિત વસ્તુસ્થિતિનો ફોડ પાડી શકે. “આ પરિસ્થિતિથી આપણી સેલ્ફ વિશેની સમજણ વિકસી શકે. હું એમ કહેવાનો પ્રારંભ કરી શકું કે આપણે સેલ્ફને પ્રદેશબદ્ધ કરી શકતા નથી; એક જ સેલ્ફ એક જ સમયે બધે હોઈ શકે છે વગેરે. એટલે કે વાસ્તવની સમજણના જુદા જુદા સ્તરો છે. એક આપણી પરિચિત ન્યૂટોનિયન દુનિયા છે. પછી સાપેક્ષતાનું આઈન્સ્ટાઇનિયન વિશ્વ છે જ્યાં નિરપેક્ષ સમયની વિભાવના નષ્ટ થઈ જાય છે. જે ક્ષણે આપણે નિરપેક્ષ (એબ્સોલ્યુટ) સમયની વિભાવનાને નષ્ટ કરીએ છીએ કે પરિવર્તનનો ખ્યાલ પણ અદૃશ્ય થઈ જાય છે, અને ભ્રમ બની જાય છે – આની સાથે વેદાન્ત જેવી અધ્યાત્મવિદ્યાકીય પદ્ધતિનો મેળ ખાય છે. પછી આપણી પાસે ક્વૉન્ટમ ભૌતિકશાસ્ત્રની આંખે જોયેલું વાસ્તવ છે. જ્યાં એક જ વસ્તુ અહીં અને ત્યાં એકસાથે છે – તદ્દન નવી વિભાવના. આપણે જેમ જેમ વાસ્તવની ઊંચી ને ઊંચી અવસ્થા ઉપર આગળ વધીએ તેમ કદાચ એવા તબક્કે પહોંચીએ જ્યાં સાયકીની સીધી અનુભૂતિ શક્ય બને.” અંતમાં પ્રો. કોઠારી કહે છે કે ‘ભૌતિકશાસ્ત્રની નવી પ્રગતિઓ અને વાસ્તવની ઉચ્ચતર કક્ષાઓના મૂલ્યાંકનનો આધાર આપણને કેટલાં ઘેલાં – ક્રેઝી વિચારો આવે છે એ ઉપર છે. વિજ્ઞાની બ્હોરે એક વખત કહ્યું હતું કે ઘણાં ભૌતિકશાસ્ત્રવિદોની મુશ્કેલી એ છે કે એમના વિચારો ઘેલા છે ખરા, પણ પૂરતા પ્રમાણમાં નથી. હું એમ કહેવાનું સાહસ કરું કે અધ્યાત્મવિદ્યા આજે એટલી રોમાંચક નથી. એટલું ક્વૉન્ટમ ભૌતિકશાસ્ત્ર છે. કારણ કે અધ્યાત્મવિદ્યાએ પોતાના કેટલાક ઘેલા વિચારોને તિલાંજલિ આપી છે, અને એનાં નવાં વિચારો પૂરતા પ્રમાણમાં ઘેલાં નથી.” પ્રો. કોઠારી કહે છે કે ભૌતિકશાસ્ત્ર અને અધ્યાત્મવિદ્યા બન્નેની આપણને જરૂર છે – વાત સાચી છે. જે અસ્તિત્વના પ્રશ્નનો ઉકેલ ઝંખે છે એ બન્નેમાંથી એકેયને નકારી શકે એમ નથી. જેમ વિજ્ઞાનને છોડીને ગમે તેવી આધ્યાત્મિક વિચારણાથી છેતરાવવું નથી, ભ્રમમાં નથી રહેવું, એમ માત્ર વિજ્ઞાનને સ્વીકારી અતિ સાવધ રહી સાચી લાગતી અનુભૂતિઓ નકારવી પણ પાલવે એમ નથી. અલમ્.


[ઑગસ્ટ, ૧૯૮૯