નીરખ ને/ઝેન અને અચેતન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ભારતમાં ધર્મ અને તત્ત્વજ્ઞાન વચ્ચે તફાવત નહોતો. દરેક તત્ત્વજ્ઞાનવિષયક પદ્ધતિ ધર્મ પણ હતી, અને દરેક ધર્મ તત્ત્વજ્ઞાનવિષયક પદ્ધતિ હતો. હિંદુઓ માટે તત્ત્વજ્ઞાન તાર્કિક સૂક્ષ્મતાનો દેખાડો નહોતો; આવો દેખાડો તો સામાન્યતઃ વાક્છલની જાળમાં અટવાઈ જતો હોય છે. તત્ત્વનિરૂપણ કરવા પાછળનો એમનો ઉદ્દેશ તો અસ્તિત્વનું રહસ્ય અને માનવતાની નિયતિ અંગે સૂક્ષ્મ બૌદ્ધિક દૃષ્ટિ પ્રાપ્ત કરવાનો હતો. અંધશ્રદ્ધાથી કશું એ માનતા નહીં, અને માત્ર પરંપરાનું હોવાને કારણે સ્વીકારતા નહીં. આ લાક્ષણિકતા બુદ્ધમાં સુપેરે પ્રતિધ્વનિત થાય છે : બુદ્ધ કહે છે, ‘બુદ્ધે ઉપદેશ આપ્યો છે માટે ન અનુસરતા, પણ સત્ય સાથે એનો મેળ ખાય છે કે નર્સી એ જોશો.’ આ આત્મનિર્ભરતા અને આત્મ-મુક્તિની ભાવના પાછળથી બૌદ્ધદર્શનની વિશિષ્ટતા બની ગઈ... માત્ર એમ કહેવું, ‘Love your enemy’ એ હિંદુ માનસ માટે તૃપ્તિકર નહોતું : શા માટે એ પ્રશ્ન પૂછી એ પાછળ કારણ જોવાની ઇચ્છા રાખતું. અને જેવી બૌદ્ધિક પ્રીતીતિ એ લોકોને બેસી જતી કે પોતાના પંથનો જાનને જોખમે પણ બચાવ કરતા... એટલે એમાં કશું આશ્ચર્ય નથી કે બુદ્ધે પોતાના સંદેશાની પ્રથમ ઘોષણા ‘Repent for the kingdom of heaven is at hand’ એમ ન કરી, પણ ચાર મૂળભૂત પાયાનાં સત્યો સ્થાપીને કરી. એકની અપીલ લાગણીને છે, જ્યારે બીજાની અપીલ બુદ્ધિને છે. બુદ્ધિની જેની અપીલ હોય એ સ્વાભાવિક જ ઓછું આવેગમય લાગે; પણ સાચું પૂછો તો, બુદ્ધિના આધાર વગરની લાગણી ઝનૂન તરફ દોરી જાય અને ધર્માંધતા અને વહેમને શરણે જાય. નિર્વાણનો સિદ્ધાંત ખ્રિસ્તી ગોસ્પેલના પ્રેમ કરતાં બેશક વધુ બૌદ્ધિક છે.

ડૉ. સુઝુકી



ઝેન અને અચેતન

‘આપણી સમક્ષ બે જ વિકલ્પો છે – ગાંડપણ કે જાગૃતિ (enlightenment). આ વિધાન આઘાતજનક લાગે, પણ મારે મતે આ દેખીતી હકીકત છે, કેટલાક લોકો પાગલ બની જાય છે એની મનોચિકિત્સાશાસ્ત્રને ફિકર છે. પણ ખરેખર પ્રશ્ન તો એ હોવો જોઈએ કે મોટા ભાગના લોકો પાગલ કેમ નથી થઈ જતા? આ દુનિયામાં માણસની સ્થિતિ જોતાં, એનું અળગાપણું, એકાકીપણું, નિરાધારતા અને આ વિશેની એની સજગતાને કારણે કોઈને પણ લાગે કે આ બધાંનો ભાર એ સહન કરી શકે એ કરતાં ઘણો વધારે છે; અને આ અસહ્ય ભાર નીચે એ તૂટી પણ જાય તો એની નવાઈ નહીં. આ પાગલપણાથી બચવા માટે મોટા ભાગના કોઈ ને કોઈ પ્રયુક્તિ (mechanism) શોધી કાઢે છે – રોજિંદા જીવન(રુટિન)માં દટાઈ જવું, ગાડરિયા પ્રવાહને અનુરૂપ રહેવું; સત્તા, પ્રતિષ્ઠા અને ધન પાછળ દોટ મૂકવી; સંત-મહાત્માઓની પ્રતિમાઓ(idols)નું અવલંબન લેવું અને આત્મ-ત્યાગ અને આત્મપીડન-વૃત્તિમય જીવન જીવવું કે આત્મરતિના ફુગાવામાં લીન થવું – ટૂંકમાં પંગુ બની જવું. આ બધી પ્રયુક્તિઓ ચાલે ત્યાં સુધી અમુક હદ સુધી શાણપણ ટકાવી રાખે, પણ આપણામાં રહેલા સુપ્ત પાગલપણાનો પાયાનો ઉકેલ તો આપણો વિશ્વ પ્રત્યેનો પૂર્ણ સર્જનાત્મક પ્રતિભાવ જેનું ઉચ્ચતમ સ્વરૂપ જાગૃતિ હોય એ છે.’ એરિક ફ્રૉમની આ વાતનું તથ્ય ઊડીને આંખે વળગે એવું છે, અને એને અવગણી શકાય એવી આપણી સ્થિતિ નથી. વાસ્તવની સહજસ્ફૂર્ત સમજ એ આપણા શાણપણ (sanity) માટેની તાતી જરૂરિયાત છે. આ સંદર્ભમાં ઝેન બૌદ્ધધર્મ-દર્શનના સૌથી શ્રેષ્ઠ પ્રમાણભૂત જાપાની ચિંતક ડૉ. સુઝુકીના પૂર્વ અને પશ્ચિમ ઉપરના વ્યાખ્યાનની કેટલીક રસપ્રદ વિગતો જોઈએ. પૂર્વ અને પશ્ચિમનો વિવાદ તો ઘણો ચાલ્યા કર્યો છે, પણ સુઝુકી કહે છે કે બહુ થોડા એવા પૌર્વાત્ય લેખકો છે જેમણે પોતાના મતો પૌર્વાત્ય તરીકે આપ્યા હોય. સુઝુકી પૂર્વ અને પશ્ચિમનું પ્રતિનિધિત્વ કરતી એક એક કવિતા લઈ છણાવટ કરે છે, અને ઝેનને અચેતન એટલે શું અભિપ્રેત છે એનો નિર્દેશ કરે છે. પ્રથમ ૧૭મી સદીના જાપાની કવિ બાશોનું હાઇકુ ટાંકે છે : When I look carefully I see the nazuna blooming By the hedge! બાશો કોઈક ગ્રામ-માર્ગેથી પસાર થતો હશે ત્યારે એક વાડ પાસે કોઈક ઉપેક્ષિત વસ્તુ એની નજરે પડી. પાસે જતાં એણે જોયું તો રાહદારીઓની આંખે જલ્દી ન ચઢે એવો એક નજીવો જંગલી છોડ ઊગી નીકળ્યો હતો. આ સાદીસીધી હકીકત કોઈ ખાસ કાવ્યત્વમય ઊર્મિ વગર હાઇકુમાં વર્ણવી છે. પણ કવિનો વિસ્મય એની પૂરી કવિત્વશક્તિથી હાઇકુના અંતે આવતા આશ્ચર્યચિન્હમાં વ્યક્ત થયો છે. બાશો ઘણા પૌર્વાત્ય કવિઓની જેમ પ્રકૃતિ-કવિ છે. પ્રકૃતિને આ લોકો એટલી હદે ચાહે છે કે એમનો એક એક ઘબકાર પ્રકૃતિની નાડીમાં ધબકે છે. બાશો જ્યારે ક્ષુદ્ર નિરુપદ્રવી, કોઈની આંખે ચઢવાની બિલકુલ તમા વગરનો નઝુના-છોડ જુએ છે ત્યારે એનો પ્રકૃતિપ્રેમ ઝંકૃત થઈ ઊઠે છે. નઝુનાની કેવી તો કુમાશ, દૈવી પ્રભા! એનું નજીવાપણું, એનું નિરાડંબરી સૌન્દર્ય જ નિષ્ઠાપૂર્ણ પ્રશંસા જગાવી જાય. કવિ નઝુનાની એક એક પાંખડીમાં અસ્તિત્વનું ગૂઢતમ રહસ્ય વાંચે છે. જાપાની કવિની વિશિષ્ટ બક્ષિસ છે કે તુચ્છ વસ્તુઓમાં એમને મહાનતા દેખાય છે જે સામાન્ય માપદંડોને વટાવી જાય છે. આ પૂર્વ છે. આવી પરિસ્થિતિમાં પશ્ચિમને શું આપવાનું છે? સુઝુકી ટેનિસનને પસંદ કરે છે. ટેનિસન દૂરના પૌર્વાત્ય દેશના કવિ સાથે સરખાવી શકાય એવો કદાચ પશ્ચિમનો વિશિષ્ટ કવિ નથી, પણ અહીં પસંદ કરેલી એની નાની કવિતા બાશોની કવિતા સાથે ગાઢ સંબંધ ધરાવે છે . Flower in the crannied wall, I pluck you out of crannies; Hold you here, root and all, in my hand, Little flower - but if I could understand What you are, root and all, and all in all, I should know what God and man is. ટેનિસન ફૂલને ચૂંટે છે અને એના મૂળિયા સાથે હાથમાં પકડી જુએ છે. બાશોને નઝુનાને જોઈ જે ઊર્મિ થઈ એવી જ ઊર્મિ ફૂલને જોતા ટેનિસનને થઈ હોય એમ બને. પણ બન્ને વચ્ચે ફેર આ છે : બાશો ફૂલને ચૂંટતો નથી. એ માત્ર એને જુએ છે. એ વિચારમાં લીન છે. એ માત્ર આશ્ચર્યચિન્હને એને જે બધું કહેવું છે તે કહેવા દે છે. કારણ કહેવા માટે એની પાસે શબ્દો નથી. એની લાગણી એટલી તો સંપૂર્ણ, ગાઢ છે કે એને વિચારમાં મૂકવાની (conceptualise કરવાની) એની ઇચ્છા નથી. જ્યારે ટેનિસન પ્રવૃત્તિશીલ છે. વિશ્લેષણ-તત્પર છે. એ ફૂલને એ જે ધરતીમાં ઊગ્યું છે તેનાથી અલગ કરે છે – મૂળિયા સહિત છોડને તોડે છે. એનો અર્થ એ થાય કે છોડ મરી જાય. પણ ફૂલની નિયતિની જાણે કે કવિને દરકાર નથી. એની જિજ્ઞાસા સંતોષાવી જોઈએ. બાશો તો નઝુનાને અડતો પણ નથી, માત્ર એને જુએ છે, ધ્યાનપૂર્વક જુએ છે. બાશો તદ્દન નિષ્ક્રિય છે, ટેનિસનની ગતિશીલતાથી તદ્દન જુદો. પૂર્વ મૂક છે, જ્યારે પશ્ચિમ વાચાળ છે. પણ ઘણીવાર પૂર્વનું આ મૌન શબ્દો જેટલું જ વાચાળ થઈ ઊઠે છે. પશ્ચિમને શબ્દાળુતા ગમે છે. ટેનિસન પછી શું કરે છે? ચૂંટેલા ફૂલને જોઈને, એ ઘણે ભાગે કરમાવા લાગ્યું હશે, એ પોતાની અંદર પ્રશ્ન ઊભો કરે છે, ‘Do I understand you?’ બાશો જરાય જિજ્ઞાસુ નથી. એને લાગે છે કે નમ્ર નઝુનામાં જે રહસ્ય પ્રગટ થયું છે એ સારા અસ્તિત્વના સ્રોત સુધી પહોંચી ગયું છે. આથી ઊલ્ટું, ટેનિસન પોતાનો બુદ્ધિવાદ ચલાવે છે : ‘If I could under stand you, I should know what God and man is.’ એની સમજણને જે અપીલ છે તે લાક્ષણિક રીતે પશ્ચિમની છે. બાશો સ્વીકારે છે, જ્યારે ટેનિસન પ્રતિકાર કરે છે. ટેનિસન ઈશ્વર કે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધતો નથી. એ હંમેશાં એમનાથી અલગ છે. એની એવી સમજણ આજકાલ કહેવાય છે એવી વૈજ્ઞાનિક રીતે વસ્તુલક્ષી છે. બાશો તદ્દન આત્મલક્ષી છે. પૂર્ણ આત્મલક્ષિતા છે જેમાં બાશો નઝુનાને જુએ છે અને નઝુના બાશોને જુએ છે. અહીં અનુકંપા કે તાદાત્મ્ય પણ નથી. ઝેનનો અભિગમ વસ્તુની તદ્દન અંદર પ્રવેશવાનો છે અને એને જાણે કે અંદરથી જોવાની છે. ફૂલને જાણવું એટલે ફૂલ બનવું, ફૂલની જેમ ખીલવું અને સૂર્યપ્રકાશ તેમજ વર્ષા માણવી. જ્યારે આમ થાય ત્યારે ફૂલ મારી સાથે વાત કરે, અને હું એનાં બધાં રહસ્યો, આનંદો અને દુઃખો જાણું. એટલું જ નહીં પણ ફૂલ વિશેના મારા ‘જ્ઞાન’ને લીધે હું વિશ્વનાં તમામ રહસ્યો જાણું અને આ રહસ્યોમાં મારાં પોતાનાં પણ બધાં રહસ્યો આવી જાય. અત્યાર સુધી મારાં રહસ્યો મને હાથતાળી આપતાં રહ્યાં હતાં, કારણ કે મેં મારી જાતને દ્વન્દ્વમાં વિભાજિત કરી હતી — રહસ્યો જાણવા ઉત્સુક હું અને જે રહસ્યો જાણવા તે. હવે ફૂલને જાણતાં હું પોતાને જાણું છું. વાસ્તવ તરફનો આ અભિગમ Zen Way છે. આ રીતે વાસ્તવને જોવાની કે ઓળખવાની રીતને સર્જનાત્મક (conative કે creative) પણ કહી શકાય. વિજ્ઞાન અમૂર્ત વિચારણા (abstractions) સાથે કામ લે છે, અને એમાં કોઈ ક્રિયા નથી. ઝેન સર્જકતાના સ્રોતમાં ઝંપલાવે છે અને એમાંથી બધું જીવન પીએ છે. આ સ્રોત તે ઝેનનું અચેતન છે. વિજ્ઞાની હત્યા કરે છે, જ્યારે કળાકાર પુનઃ સર્જન કરવાનો યત્ન કરે છે. એ જાણે છે કે વાઢકાપ કરવાથી વાસ્તવ પમાતું નથી એટલે એે કેન્વાસ અને બ્રશ લે છે અને ચિત્ર દોરે છે અને પોતાના અચેતનમાંથી સર્જવાનો પ્રયત્ન કરે છે. જ્યારે આ અચેતન વૈશ્વિક (કૉસ્મિક) અચેતન સાથે તાદત્મ્ય સાધે છે ત્યારે કળાકારનાં સર્જનો સાચાં બને છે. એણે ખરેખર કંઈક સર્જ્યું છે; અને કૃતિ કોઈનું અનુકરણ નથી; એ ફૂલ ચીતરે છે – એ જો એના અચેતનમાંથી ખીલે છે તો નવું ફૂલ છે અને નિસર્ગનું અનુકરણ નથી. સુઝુકી કહે છે કે એ જેને અચેતન કહે છે, અને મનોવિશ્લેષણને જે અભિપ્રેત છે એ બન્ને જુદાં હોય એમ બને. આ વસ્તુ લઈને એરિક ફ્રૉમે ‘મનોવિશ્લેષણ અને ઝેન બૌદ્ધદર્શન’ના એના વ્યાખ્યાનમાં વિસ્તૃત ચર્ચા કરી છે. આ બધી ચિંતન-વિચારધારાઓને આપણે સમજવા યત્ન કરીએ ત્યારે વિજ્ઞાન અને ફ્રોઇડે આપણા જીવનમાં જે આમૂલ ક્રાંતિ સર્જી છે તેથી ઊંધી દિશામાં જવાનું સૂચન નથી. વિજ્ઞાન તો એનાં ઊંચાં શિખરો સર કરશે જ – એનાં બધાં ભયાવહ પરિણામો સાથે. વિજ્ઞાનથી મળેલી સુવિધાઓ વગરનું જીવન કલ્પવું હવે આપણા માટે મુશ્કેલ બન્યું છે. છતાં મનની સ્વસ્થતા માટે વાસ્તવને એની અખિલાઈમાં – પોતાના સ્વરૂપ સમેત – પામવા સિવાય બીજો ઉપાય દેખાતો નથી. આપણો ઘણો સમય ખોટા-કૃતક પ્રશ્નો ઊભા કરી એના જવાબો આપવામાં જતો હોય છે. અને એથી એટલું ધૂંધળાપણું સર્જાતું હોય છે કે ખરી પરિસ્થિતિ શી છે એ જોયા વગર હવામાં તલવારો વીંઝ્યા કરીએ છીએ. ખાસ કરીને આવું પૌરાણિક અને ઐતિહાસિક પાત્રોની આસપાસ થતં હોય છે. રામે સીતાનો ત્યાગ કર્યો અને બુદ્ધ પોતાની પત્ની છોડી દીધાની વાત વળી પુરુષ નારીવાદીઓ વધુ જોરશોરથી કરે છે. રામે જો સીતાનો કદાચ બીજી સ્ત્રી માટે ત્યાગ કર્યો હોત કે બુદ્ધ બીજી કોઈ સ્ત્રી સાથે ચાલી નીકળ્યા હોત તો આ બુદ્ધિવાદી જીવો ફ્રોઇડના મનોવિશ્લેષણની મદદથી એમની નબળાઈઓ સમજાવી શક્યા હોત – જેમ આપણી પોતાની નાની નાની બેવફાઈઓ આપણે આ મનોવિશ્લેષણથી સમજી શકીએ છીએ – અને એમને માફ પણ કરી શક્યા હોત. પણ આપણી મર્યાદિત બુદ્ધિશક્તિને કશુંક અસામાન્ય ક્ષુભિત કરી નાખે છે, અને આપણે તાણીતુંસીને આ મહાન ગણાતી વિભૂતિઓને નીચે લાવવાના bravadoના કામમાં લાગી જઈએ છીએ. ઉમાશંકર જોશીએ યોગ્ય રીતે જ સીતાત્યાગ વગેરે debating societyના વિષયો ગણાવ્યા છે, પણ વિદ્યાર્થીઓ ઉપર પણ ક્યાં સુધી આપણે આવા કૃતક પ્રશ્નો ઝીંક્યા કરીશું? ગાન્ધારીની વાત કરતા દર્શકે (મનુભાઈ પંચોળી) કાર્લ માર્ક્સને ટાંકીને કહ્યું કે કોઈ પણ જમાનામાં સંસ્કૃતિ કેટલી મહાન છે તેની કસોટી તે જમાનામાં સ્ત્રીઓ કેટલી સ્વતંત્ર છે એ છે. આના ઉદાહરણમાં વક્તા મહાભારતનું પાત્ર ગાન્ધારી લે છે. લોકમાનસમાં ગાન્ધારી પતિપરાયણા સ્ત્રી તરીકે પ્રતિષ્ઠિત છે, પણ ખરેખર તો એ મહા તેજસ્વી અને ન્યાય તથા ધર્મભાવનાની પ્રતિષ્ઠા કરનારી નારી હતી. એક-બે તેજસ્વી પૌરાણિક સ્ત્રી-પાત્રોથી એવા તારણ ઉપર આવવું કે ત્યારે સ્ત્રી-સ્વાતંત્ર્ય વિપુલ પ્રમાણમાં હતું તો એ મને ભ્રામક લાગે છે. આવાં વિધાનો કરવાનો લોભ આપણે ખાળી શકતાં નથી. મને તો દૂર સુધી આપણા દેશના ઇતિહાસમાં નજર કરતાં સ્ત્રી-સ્વાતંત્ર્યના ખાસ એંધાણ દેખાતા નથી. કદાચ એવો ઇતિહાસ લુપ્ત થયો હોય એમ બને. ખરેખર તો આજે આ કાળમાં જ પ્રથમવાર સ્ત્રી-સ્વતંત્રતાના મંડાણ થયાં છે, અને એમાં વળતાં પાણી આવે એમ લાગતું નથી. વાસ્તવને છે એવો જોવા માટે આપણે આપણાં મનનાં ઘણાં જાળાંઓ સાફ કરવા પડે.

[ફ્રેબ્રુ., ૧૯૮૫