નીરખ ને/નર્મદનું મૂલ્યાંકન : માર્ક્સવાદી અભિગમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આજે નર્મદને યાદ કરીએ છીએ ત્યારે એની કઈ છબિ આપણી સામે તરવરી રહે છે? નર્મદની આગળ અત્યાર સુધીમાં ઘણાંબધાં વિશેષણોનો ખડકલો આપણે કર્યો છે. સ્વદેશ અને અભિમાન એ બે શબ્દો તો આપણી ભાષામાં હતા જ, પણ એ બેને ભેગા કરવાથી જે શબ્દ બની આવ્યો તે તો નર્મદની જ સરજત કહેવાય. આજેય પરદેશી સત્તાના આક્રમણના તોળાઈ રહેલા ભય નીચે આપણે જીવીએ છીએ ત્યારે ‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે’નો ગાનાર આપણને સહજ જ યાદ આવી જાય છે... આમ છતાં એના જમાનાથી આપણે કેટલા આગળ વધ્યા? વિધવાવિવાહ, બાળલગ્ન વગેરે કુરૂઢિઓ હવે રહી નથી એ ખરું છતાં જે વહેમજવન સાથે એણે બાથ ભિડાવેલી તે હજી કોઈ ને કોઈ રૂપે આપણી સામે આવીને ઊભો જ રહે છે. શેરસટ્ટા, ગરીબી – આ બધું આજે પણ રહ્યું જ છે. ને તેમ છતાં નર્મદના જમાનાથી આપણે ખૂબ દૂર નીકળી ગયા છીએ એ પણ એટલું જ સાચું છે. યન્ત્રયુગ પણ હવે પાછળ રહી ગયો છે. માનવી પોતે જ શોધેલાં સાધનોના ખડકલામાં નગણ્ય બની ગયો છે. પૃથ્વી પરથી હવે તેણે પગ ઉપાડ્યો છે ને અવકાશયાનમાં બેસીને એ હવે નક્ષત્રો ભણી મીટ માંડે છે. આમ છતાં જુદે જુદે રૂપે એની એ જડતા, ભય અને પરતંત્રતા હજી આપણે અનુભવીએ છીએ. કદાચ દરેક જમાનાને એના આગવા નર્મદની અપેક્ષા રહેતી હશે.

સુરેશ જોષી



નર્મદનું મૂલ્યાંકન : માર્ક્સવાદી અભિગમ

‘નર્મદ અને તેનો જમાનો’ (ફા.ગુ.સ. ત્રૈમાસિક, અંક ૪, ૧૯૮૦) વિનાયક પુરોહિતના માર્ક્સવાદી અભિગમને કારણે અને એની પોતાની angularitiesને કારણે એક સુસંગત સુરેખ ચિત્ર બન્યું છે અને એથી આહ્લાદ અને આકર્ષણ બન્ને અનુભવાય છે. બુદ્ધિપૂર્વકની તર્કપૂત દલીલો અને સરલીકરણો, દસ્તાવેજી હકીકતો આપણને ભ્રમિત કરે છે. વધારે વિચાર કરતાં ભાવનાનું આરોપણ થતાં સંપૂર્ણ વાસ્તવિક ચિત્ર અળપાઈ ગયું છે એમ પણ લાગ્યા વગર રહેતું નથી. આપણો રાષ્ટ્રપ્રેમ આજે એટલી નીચલી પાયરીએ છે કે તે વખતે નર્મદને તેમ આજે વિનાયકને એટલા જ જુસ્સાપૂર્વક સ્વદેશાભિમાનની વાતને ગાજતી કરવાની ફરજ પડી છે. આજે જ્યારે સ્વભાષાની જગ્યાએ અંગ્રેજી ભાષાનું માધ્યમ સર્વત્ર છવાતું જાય છે અને લોકો જ્યારે એને વધાવતાં હરખથી સમાતા નથી ત્યારે રાષ્ટ્ર તો શું પોતે અને પોતાનું પરિવાર ભયો ભયો એ પરિસ્થિતિમાં લેખકનો આ સ્વદેશાભિમાનનો રણકો ગમી જાય એવો છે. પણ ભાઈ, આથી કરીને ૧૯મી સદીના મધ્યમાં રાષ્ટ્રભાવના શોધવા જવી એથી વધુ મિથ્યા વાત એકે નથી. આપણી સમાજશાસ્ત્રીય વિચારધારા મહદ્ અંશે પશ્ચિમાધારિત રહી છે અને એટલે જ્ઞાતિપ્રથાએ આપણી ભાવના અને વિચારને કેવાં તો કુંઠિત કરી નાખ્યાં છે એનું જોઈએ એવું ગંભીર મૂલ્યાંકન થયું નથી. મને નવાઈ તો એ લાગે છે કે એવા બંધિયાર, સ્થગિત, ડહોળાયેલા સમાજના પાણીમાં જ્યારે જગતને જાણવાનાં માધ્યમો ટાંચાં હતાં અને વિનાયક પુરોહિતને માર્ક્સવાદથી જગતને પેખવાનો જે લાભ મળ્યો. એથી વંચિત વાતાવરણમાં યા હોમ કરીને પડો પુકારતો નર્મદ પાક્યો. નર્મદના અંગ્રેજો પ્રત્યેના પ્રશંસાના ઉદ્ગારો વિનાયક પુરોહિતને અસ્વસ્થ કરી મૂકે છે. એ નર્મદને ટાંકે છે, ‘અંગ્રેજી વિદ્યાના પ્રતાપે આપણા દેશમાં હજારો નવા વિચારોને તથા લાગણીઓને જન્મ આપ્યો છે’; ‘જેટલું સારું તે બધું જ આપણે અંગ્રેજો પાસેથી ઉછીનું લીધેલું’; ‘અંગ્રેજ પ્રજા અને સંસ્કૃતિ તે જ વિશ્વભરમાં સર્વશ્રેષ્ઠ.’ વિનાયક લખે છે કે આ લઘુગ્રથિવાળા માનસની સૂચક છે. લઘુગ્રંથિવાળું માનસ કહેવાથી જ પરિસ્થિતિ હતી એ તો ગાયબ નથી થઈ જતી. એ વખતની અરાજક-અંધાધૂંધીભરી પરિસ્થિતિમાં અંગ્રેજ રાજ્ય લોકોને રાહતરૂપ લાગ્યું હોય. કદાચ એમને માટે ડૉ. રમેશ શુક્લ લખે છે એમ દિલ્હીથી આવતા મુસલમાન સૂબાઓ કે પૂનાથી આવતા મરાઠા સૂબાઓ અંગ્રેજો જેટલા જ પરદેશી હતા. વિદ્યાના ક્ષેત્રમાં પણ કંઈક એવું જ બન્યું હશે. ધૂળી નિશાળનું શિક્ષણ, પંડિતાઈ પણ લગભગ એકાદ વિષય પૂરતી સીમિત, એ પરિસ્થિતિમાં પાશ્ચાત્ય કેળવણી નવી હવા જેવી લાગે તો એ અસ્વાભાવિક નથી. આગળ જતાં વિનાયક આવેશપૂર્વક કહે છે કે ‘નર્મદ અને તેના દોસ્તદારો છાતી ઠોકીઠોકીને કહેવા લાગ્યા કે સ્વદેશાભિમાન, દેશપ્રેમ આ બધું જ આપણે અંગ્રેજો પાસેથી શીખ્યા હતા. પણ સ્વરાજ્ય શબ્દ તો શિવાજીએ પ્રચલિત કરેલો.’ આચાર્ય જાવડેકર એમના પુસ્તક ‘આધુનિક ભારત’માં આને માટે રસપ્રદ વાત કરે છે : ‘ધર્માભિમાનથી પ્રેરાઈને શિવાજી મહારાજે સ્વરાજ્યની સ્થાપના કરી એમ આપણે માનીએ છીએ; અને બનવાજોગ છે કે કોઈ કાળે સ્વધર્મ વિષેની ભાવનાએ આધુનિક જમાનાની રાષ્ટ્રનિષ્ઠાનું કાર્ય કર્યું હોય, પણ અઢારમા સૈકાના હિંદુઓમાં સ્વરાજ્યનિષ્ઠા અને સ્વધર્મનિષ્ઠા એ બે વચ્ચે કશો સંબંધ છે એનું જરા સરખું ભાન દેખાતું નથી.’ વળી આગળ વિનાયક કહે છે. ‘૧૮૫૭નું ભવ્ય આંદોલન તો નર્મદની સામે થયેલું અને એમ કહેવું કે કુંવરસિંહ, તાત્યા ટોપે, લક્ષ્મીબાઈ, મંગલ પાંડે આ બધા જ સ્વદેશપ્રેમથી વંચિત રહી ગયા હતા અથવા તો એમ આગ્રહ રાખવો કે તેમને પણ દેશ પ્રત્યેનો પ્યાર અંગ્રેજોએ જ શિખવાડેલો એ તો અંગ્રેજોની ગાંડી ખુશામત કરવાની વૃત્તિ જ દર્શાવે છે.’ અહીં શંકા પડે છે કે બે-ચાર-પાંચ વાક્યો અહીં-ત્યાંથી જોડી distorted picture ૨જૂ થયું છે. ૧૮૫૭ માટેની નર્મદની આ ચાર પંક્તિઓ દાદ માંગી લે છે :

રણજોદ્ધો પ્રખ્યાત, તાતિયા ટોપે ટેડો;
ગભરાવ્યા અંગ્રેજ, લઈ એઓનો કેડો.
બલિહારી છે ગાઉં, ઝાંસિની રાણી તૂંને;
કર્યું પરાક્રમ વીર, તૂંથિ છે જસ હિંદુને.

ઈ.સ. ૧૮૩૦ના સમયની વાત કરતાં આચાર્ય જાવડેકર લખે છે, ‘આપણો સ્વામીનિષ્ઠાનો ગુણ પણ એ વખતે લગભગ અલોપ થયો હતો અને ઉપલા વર્ણના અને કુળના સરદારો સ્વામીદ્રોહી બન્યા હતા એમ કહેવું પડે છે. આપણી ધર્મનિષ્ઠા જેમ સંકુચિત અને હીન બની હતી અને પરદેશી અને પરધર્મી રાજ્યકર્તાઓ પાસેથી આપણા ધાર્મિક આચારોમાં હાથ નહિ નાખવામાં આવે અને આપણાં મંદિરો પાડવામાં નહિ આવે એવું આશ્વાસન મળતાં તેમને મદદ કરવા આપણે તૈયાર હતા, તે જ પ્રમાણે આપણી સ્વામીનિષ્ઠા એટલી સંકુચિત થઈ હતી કે આપણો નિકટનો ઉપરી લશ્કરી અધિકારી આપણને વહાલના બે બોલ સંભળાવે તો આપણે મરણિયા થઈને તેની સેવામાં પ્રાણ પાથરવા તૈયાર થઈ જતા. એ સ્વામી આપણા ગામનો, ધર્મનો કે રાજ્યનો જ હોવો જોઈએ એવી ભાવના સમાજના કેવળ કનિષ્ઠ વર્ગમાં જ નહિ, પણ વરિષ્ઠ ગણાતા વર્ગમાં પણ જાગ્રત ન હતી. એટલે કે રાષ્ટ્રીયતાની દૃષ્ટિથી બધા જ વર્ગો શૂદ્ર અથવા દાસ બન્યા હતા. આપણા ધર્મના કે સંસ્કૃતિના રક્ષણને માટે સ્વરાજ્ય જરૂરી છે એનું ભાન પણ તેમનામાં રહ્યું ન હતું. ટૂંકમાં, ધર્મનિષ્ઠા અને સ્વામીનિષ્ઠા એ ગુણને લીધે પણ સ્વરાજ્યસંસ્થાપન અથવા સ્વરાજ્યસંરક્ષણ થઈ શકે એવી આપણી સ્થિતિ રહી ન હતી. આપણામાં કેવળ વ્યક્તિગત સદ્ગુણો હતા. પણ રાષ્ટ્રઘડતર તેમજ સ્વરાજ્યસંસ્થાપનને માટે આવશ્યક સદ્ગુણોનો પૂરેપૂરો લોપ હતો.’ આ પશ્ચાદ્ભૂમાં વિનાયકને સત્યજિત રાયની ‘શતરંજ કે ખિલાડી’ દેશપ્રેમનું ઉઘાડે છોગ અપમાન કરતી ફિલ્મ લાગે છે એ દયનીય લાગે છે. સ્વમાનનો આ તે કેવો વિચિત્ર ખ્યાલ! પોતાની નબળાઈઓ જાણવી એનો અર્થ દેશદ્રોહ થાય? સંપૂર્ણ સ્વરાજ્ય માંગવા જેટલી ભાવના જ્યારે વિકસી નહોતી ત્યારે પણ નર્મદને લાગ્યું જ હતું, જે વિનાયકે જ આગળ જતાં ટાંકી બતાવ્યું છે, ‘યુરોપના કારખાનાએ આપણા કારીગરોને રઝળતા કર્યા છે.’ ગાંધીજીએ બોઅરયુદ્ધ દરમિયાન અને ૧૯૦૬ના યુદ્ધ વખતે બ્રિટિશરોને મદદ કરેલી એ વાત પણ વિનાયક કરે છે. ગાંધીજીને તો શાહીવાદના દૂત ગણી શકાય એમ નથી કારણ કે એ જ ગાંધીજીએ ૧૯૪૨માં ‘હિંદ છોડો’નું સૂત્ર આપ્યું હતું. પણ તે વખતની પરિસ્થિતિ જેવી હતી તેવી દીસે તો ગાંધીજીના અભિગમને પણ સમજવો મુશ્કેલ નથી. વિનાયક સાચું જ કહે છે, ઇતિહાસ દોષારોપણની શોધ માટેનો અખાડો નથી. ઇતિહાસ તો કેવળ સમજવાની અને સર્જવાની વસ્તુ છે, જે એક વખત થઈ ગયું તે હવે પછી કોઈ પણ રીતે બદલાવાનું નથી. ફક્ત એટલું જ થઈ શકે કે જે બની ગયું તે વિશેની સમજણ બદલવાથી ભવિષ્યનો માર્ગ, એટલે કે હવે પછી ઘડાવાના ઇતિહાસ પર અસર પાડવાનો રસ્તો સ્પષ્ટ કરી શકાય.’ પણ વિનાયકે પોતે જ પોતાની આ વાત દેશપ્રેમની આંધળી ભાવનામાં ભૂલી ન જવી જોઈએ. સમાજસુધારા વિશે વાત કરતાં વિનાયક કહે છે કે સુધારો આપણા દેશની બહુસંખ્ય પ્રજાને સ્પર્શતો સવાલ નહોતો. ‘બાળલગ્ન, છૂટાછેડા અને વિધવાવિવાહ પરના પ્રતિબંધો, પરદેશગમનનિષેધ અને અનેક પત્ની રાખવાના રિવાજો – આવી જાતના પ્રશ્નોનો બહુસંખ્ય પ્રજાના જીવન સાથે ગાઢો સંબંધ નહોતો. બાળલગ્ન ગરીબ પ્રજામાં અનેક કોમોમાં ઘણું કરીને થતાં જ નહિ, છૂટાછેડાની બહુધા છૂટ રહેતી, વિધવાવિવાહ અને નાતરાની સગવડ સામાન્ય રીતે મળતી, પરદેશમાં જવામાં કોઈ ખાસ બાધ નહોતો, સતી એમનામાં થતી નહિ. અનેક પત્ની કરવાનું એમનું ગજું નહોતું.’ રાજા રામમોહનરાયે પોતાની ભાભીને ચિતા ઉપર સતી થતાં જોયાં ત્યારે જો એમણે વિનાયકની જેમ વિચાર કર્યો હોત કે આને બહુજનસંખ્ય સાથે લાગતુંવળગતું નથી તો એમનું હૃદય કકળી ન ઊઠ્યું હોત. આ ક્રાન્તિકારી થવાની બહુ સહેલી રીત છે કારણ કે પછી કંઈ કરવાનું જ રહેતું નથી. પણ જે પોતાની આજુબાજુનો અન્યાય સહન નથી કરી શકતો એ એમ વિચાર કરવા નથી બેસતો કે એ કેટલા લોકોને સ્પર્શે છે. એક વ્યક્તિને થતો અન્યાય પણ એને પ્રવૃત્ત કરવા માટે બસ છે. પછી વિનાયક પોતે જ સભાન થઈને ફૂટનોટમાં નર્મદને ટાંકે છે કે ‘પોતાની નાતને ઉચ્ચ કક્ષામાં મૂકવાની હુંસાતુંસીને પરિણામે કોઈ કોઈ ગરીબ કોમોમાં ઉપર જણાવેલી બદીઓ દાખલ થઈ હતી.’ આમ જ બને છે. ઉચ્ચ અને મધ્યમ વર્ગ એ નાનો પણ vocal class છે. અને એનું અનુકરણ નીચલા વર્ગ-જાતિમાં થતું હોય છે. આજે દલિતોમાં પણ જ્ઞાતિઓ દાખલ થઈ છે. અમુક અર્થમાં ક્રાન્તિ કરવા કરતાં પણ સમાજસુધારો કરવો બહુ દુષ્કર છે. લેખની છેવટે મઝાની વાત તો એ છે કે વિનાયક લગભગ પોતાનો જ વિરોધ કરીને નર્મદ માટે એકદમ ઊર્મિશીલ બની જાય છે અને એ ઊર્મિશીલતા આપણને સ્પર્શે છે. લખે છે, ‘આપણે એક લેખકના જમાનાનો અભ્યાસ પણ એટલા જ માટે કરીએ છીએ, કારણ કે એના લખાણમાં સત્ત્વ હતું. જો એ લેખક, લેખક તરીકે જ નોંધપાત્ર ન હોય તો તેના જમાનાનો અભ્યાસ કંટાળાભરી વિદ્વત્તાનું નર્યું પ્રદર્શન બની જાય... જેમ પોતાની ભાષા માટે નર્મદને ગર્વ હતો, તેમ તેની માતૃભૂમિ પ્રત્યે પણ તેની અનન્ય લાગણી હતી... મોટામાં મોટી નર્મદની ગુજરાતી સાહિત્યને ભેટ હતી તે તેના ઇમાન, તેની સચ્ચાઈનો રણકાર. આ એને ‘મારી હકીકત’ લખવાની અજોડ સિદ્ધિ તરફ લઈ ગયો. આપણા દેશની બધી ભાષામાં હું માનું છું કે આ સૌથી પહેલી આત્મકથા હતી જે એક પ્રખર સાહિત્યકારે લખી હોય. ખેદની વાત એટલી જ છે કે હિંમત હૈયે ધરીને નર્મદે ૧૮૬૬માં લખી તો નાખી પણ ઠેઠ ૧૯૩૩માં તે સરખી રીતે છપાઈ. પણ આ એના જમાનાનો દોષ હતો, નર્મદનો નહિ.’ ખરી વાત છે દોષ જમાનાનો હતો, નર્મદનો નહિ.

[મે, ૧૯૮૧