નીરખ ને/આંગળિયાત અને પ્રતિબદ્ધતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

માનવજાતિ સંકુલ છે. એક જ ઢાંચાની નથી બનેલી – એ સ્વીકારવું જ જોઈએ – અને સરલીકરણ અને regimentation માટેનો પ્રત્યેક પ્રયત્ન, દરેકેદરેક વસ્તુ અને વ્યક્તિને એક જ માપદંડે માપવાનો બહારનો હરેક યત્ન ધિક્કારપાત્ર, દુષ્ટ અને ભયાનક છે. સામાન્ય નાગરિક માટે હોય તેના કરતાં પણ કળાકારો માટે તો આ પરિસ્થિતિ વધુ કુટિલ છે. હું માનું છું કે સર્જકનું સાચું મૂલ્ય એના વિપ્લવી જોમમાં રહેલું છે અથવા તો વધુ ચોક્કસ રીતે કહેવું હોય તો – કારણ કે હું એેવો બેવકૂફ નથી કે બૌદ્ધિક અને કલાત્મક શક્તિઓ માત્ર ડાબેરીઓમાં જ છે એમ માનું – એના વિરોધના ગુણમાં છે. મહાન કલાકાર અનિવાર્યપણે વિ-સમરૂપી (nonconformist) હોવાનો અને એ એના સમયના પ્રવાહની સાથે જ તરવાનો.

આન્દ્રે જિદ



‘આંગળિયાત’ અને પ્રતિબદ્ધતા

આજે કોઈ પણ નાના શહેરની નાની વીશી પાસેથી પસાર થાઉં છું તો મને ઉદાસીન રહેવું મુશ્કેલ પડે છે. ખૂબ રસપૂર્વક મારી નજર એ વીશી તરફ જાય અને એનો રસોઈયો કોણ હશે એવું કુતૂહલ જાગે. વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની ‘આદર્શ હિંદુ હોટેલ’ વાંચી, એક નાની હોટેલનો કારભાર, અને એ હોટેલનો દિવાસ્વપ્નોમાં રાચતો રસોઈયો એવી તો મન ઉપર છાપ મૂકી ગયા કે પહેલાં નીરસ અને જડ લાગતી વસ્તુ પ્રત્યે મારી સંવેદના જાગ્રત થઈ, કહો કે ચેતના વિસ્તાર પામી. મહાશ્વેતાદેવીના ‘હજાર ચોરાશીર મા’નો નકસલવાદી યુવક કે રાધેશ્યામ શર્માના ‘સ્વપ્નતીર્થ’નો પિતા માટે ઝૂરતો below average નાયક-છોકરો નવીન આવી જ રીતે નક્સલવાદી યુવક અને નગણ્ય લાગતા કિશોરના માનસ પ્રત્યે હંમેશ માટે રસ જગાડતા ગયા. આજ કશું કામ સર્જનને કરવાનું નથી હોતું? જૉસેફ મૅકવાનની ‘આંગળિયાત’ નવલકથા વાંચતાં જાણે કે હું એક જુદી જ સૃષ્ટિમાં પ્રવેશ પામી, જેનું પ્રવેશદ્વાર આજ સુધી મારે માટે બંધ હતું. નવલકથાનું પહેલું વાક્ય ‘મળસ્કે ઊઠતાંવેંત ટીહાએ જોયું તો હજી વાલજી નહોતો આવ્યો’થી માંડીને ફકરો પૂરો થતાં તો તમે નવલકથામાં ગરકાવ થઈ જાઓ, અને આ સહજ રીતે ઊઘડતી આવતી નવલકથા તમારો રસ છેક સુધી જાળવી રાખે છે. ચરોતરની વણકર કોમમાં બોલાતી ચરોતરી ભાષા જેના કેટલાક શબ્દોના અર્થની પણ ખબર તમને નથી – અરે, ખુદ ‘આંગળિયાત’ શબ્દનો અર્થ પણ તમને મોડો સમજાય છે – છતાં એ વાંચવામાં રસભંગ તો નથી જ કરતી પણ કેટલીક વાર એકવિધતા અને શબ્દાળુતામાં સરી પડતી શિષ્ટ ભાષાના મુકાબલામાં તાજગીભરી વર્તાય છે. લેખકની સહજસ્ફૂર્ત અને ટૂંકામાં ઘણું સૂચવતી ભાષાભિવ્યક્તિ એ આ નવલકથાનું ધ્યાનાર્હ પાસું છે. એક-બે દૃષ્ટાંતો જોઈએ – ‘બન્ને જણા મેંઢા– મૂઢ બની બેઠા હતા;’ ‘સવારે ઊઘડતા આકાશની જેમ મન થોડાં મોકળાં થઈ ગયાં હતાં, પણ હવે સૂરજના તેજે રાતની વાતોના ઓછાયા ચહેરાની રેખાઓમાં ભળ્યા ચોખ્ખા વર્તાતા હતા;’ ‘એ પીઠીની જગ્યાએ ભભૂત ચોળાવી દે એમાંના.’ દલિત સાહિત્યના આક્રોશ અને આત્મદયાથી ઊંચેરી ઊઠતી આ નવલકથામાં પહેલી વાર આત્મવિશ્વાસ અને સંકુલ માનવ-પરિસ્થિતિનાં દર્શન થાય છે. અફાટ અનુભવ-વિશ્વ લેખક પાસે પડ્યું છે અને એમાં ભળી છે માણસના આંતરમનને પામવાનું લેખકનું સદૈવ જાગ્રત કુતૂહલ અને એની સમાજિક ચેતનાને લાગ્યો છે સર્જકત્વનો પાસ. અહીં કોઈક વિરલ સંયોગ સધાયો છે. પ્રથમ વાર જ કહેવાની પછાત અસ્પૃશ્ય કોમના જીવતાજાગતા માણસો એમનું સમસ્ત ભાવવિશ્વ લઇને આપણી સમક્ષ ખડા થઈ જાય છે. ટીહો, વાલજી, મેઠી, દાનો, જીવણ જેવા ખમીરભર્યા, આગવી કોઠાસૂઝ ધરાવતા, પોતાની જ અંતઃસ્ફુરણાને અનુસરતા ઉદાત્ત માનવીઓ છે. તો રામલો, ભીખો, વા’લી, ચુંથીયો જેવી તામસી પ્રકારની વ્યક્તિઓ છે. અને ઉજમ-મોતી જેવા ભલા – લાગણીભર્યા પણ કટોકટી વખતે ડર અને સ્વાર્થના માર્યા નિર્મમ બની જતું પાત્રો ય છે. મેઠી અને કંકુ બન્ને પોતાનું નિજી વ્યક્તિત્વ ધરાવે છે અને જેમ જેમ જીવનમાં દારૂણ પ્રસંગોનો સામનો કરવાનો આવે છે એમ એ ઊઘડતું આવે છે. મેં તો ગુજરાતી નવલકથાઓમાં જવલ્લે જ આવા સ્ત્રી પાત્રનું નિરૂપણ જોયું છે. પછાત- અભણ સ્ત્રીઓની આંતરસમૃદ્ધિ પ્રતીતિકર બની રહે છે. આખી આ વણકર કોમ થોડા અપવાદો સિવાય ઉજળિયાત વર્ગના કાળઝાળ અત્યાચારો સામે ભીરુ-કાયર બની રહેલી લેખકે બતાવી છે. સંસારમાં બધે એમ અહીં પણ અંદર અંદરના ઈર્ષા-વેર મોટાઈ -ઉદારતા, ક્ષુદ્રતા ધબકે છે. લેખક કહે છે એમપોતાની જ જાંઘ ઉઘાડી કરવાનું ક્રૂર કર્તવ્ય બજાવ્યું છે. બીજી બાજુ સવર્ણોનો આ કચડાયેલી જાતિ પ્રત્યે ભયાનક દ્વેષ, ગુમાન, નામર્દાઈ અને ખંધાપણાનો પણ ચિતાર એની સર્વ સંકુલતામાં સુપેરે થયો છે. ખૂબ નાના પ્રતિકારની કિમ્મત પણ આ પછાત જાતિનાં લોકોને જાનની બાજી લગાવીનીને ચૂકવવી પડતી હોય છે પણ આ કથા માત્ર પછાત અને ઉજળિયાત કોમની સહપરિસ્થિતિની નથી. માસ્તર અને ભવાનકાકા જેવાં પાત્રો કથાનાં પટવિસ્તારને નવું પરિમાણ બક્ષે છે. માસ્તર આ ઉવેખાયેલી પ્રજાની સામાજિક ચેતના સંકોરવાનું કામ કરે છે તો તાત્કાલિકતાને અતિક્રમી જઈ સમગ્ર અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નની પછીતે ભવાનકાકા બનતી ઘટનાઓને નાણતા રહે છે, માર્ગદર્શન આપતા રહે છે. આમ આ વિશિષ્ટ કથા હોવા છતાં અનેકસ્તરીય બૃહદ્ માનવની કથા બની રહે છે. લેખકે પ્રાસ્તાવિક નિવેદન લખ્યું છે અને એની પોતાની રીતે એ અત્યંત રસપ્રદ છે. છતાં આપણે તો કૃતિમાં જે નિષ્પન્ન થાય છે એ જ તપાસવું ઘટે. કૃતિમાં જે સહજસ્ફૂર્ત હોય એ કેટલીક વાર લેખકનાં રુચિ-વલણો કથા બહાર અભિવ્યક્ત પામતાં મર્યાદિત કરી મૂકે. અહીં એનું એક દૃષ્ટાંત આપી શકાય અને તે કંકુના પાત્રનું. લેખક કહે છે એમ કંકુમાં સામે મોઢે યથાર્થનો સ્વીકાર કરવાનું ખમીર છે – સાચી વાત. પતિ વાલજીના મૃત્યુ પછી કંકુ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી દાનજી સાથે દિયરવટું આચરે છે. પણ નિવેદનમાં લેખક સાચી કંકુને ટાંકવાનો લોભ નથી રોકી શક્યા, કારણ કે જુનવાણી સવર્ણોનું આ પછાત કોમને મહેણું છે કે તમારે ત્યાં તો સ્ત્રીઓ એક ભવમાં બે ભવ કરનારી છે. (પણ નારીવાદી સ્ત્રીઓ તો આને કેટલું આવકારે!) નિવેદનમાં કંકુ પોતાના દીકરા જગુને કહે છે કે દાનાએ એની સાથે પરણ્યા પછી સંસાર નહોતો માંડ્યો. સારા નસીબે યથાર્થનો સ્વીકાર કરતી કંકુને નવલકથામાં આમ કહેતી નથી બતાવી. લેખક નવલકથામાં એક પ્રતિબદ્ધ વ્યક્તિ કરતાં સર્જક તરીકે વધુ પુરવાર થયા છે. કલ્પનાશક્તિ એ કોઈ બૂરી વસ્તુ નથી. પણ એ સર્જનની એક અનિવાર્ય શરત છે. લેખક લખે છે કે ‘ટીહો એની ચાદર અને ચોકધાનને લોભામણાં બનાવવા વાણાના રંગ પૂરતો એમ જ આ કથામાં મેં રંગપૂરણી કરી છે. છતાં હું કહીશ કે કલ્પના આમાં બહુ ઓછી ખપ લાગી છે.’ અને છતાં કલ્પનાશીલતા વગર ‘આંગળિયાત’ સરસ નવલકથા ન બની હોત. કલ્પનાશક્તિ કલ્પિત પાત્રો કે પ્રસંગો સર્જવામાં જ સીમિત નથી. હકીકતોને ચૂંટવામાં અને એને અભિવ્યક્તિ આપવામાં પણ ભારે કલ્પનાશીલતાની જરૂર પડે છે. સર્જક આ બધું સભાન સ્તરે જ કરતો હોય છે એમ નહીં – પણ એક સહજસ્ફૂર્ત સૂઝ-સર્જકત્વથી એ પામતો હોય છે. આમ જો ન બન્યું હોત તો આખી નવલકથા ચાલુ હિંદી ફિલ્મી અવાસ્તવિકતામાં સરી પડી હોત કે એને અતિરંજકતાનો પાસ લાગ્યો હોત. પ્રતિબદ્ધતાનો પ્રશ્ન હંમેશ પડકારરૂપ અને વિવાદનો રહેવાનો. છતાં એક વાત નિશ્ચિત છે કે તમારી કોઈ પણ પ્રતિબદ્ધતાને કથામાં ઢાળવી હોય તો એને રૂપબદ્ધ કરવી રહી, કારણ કે સીધીસાદી વાત છે કે રૂપ આપણને આનંદ આપે છે. જૉસેફ મૅકવાન આ વાતે પૂરા જાગ્રત છે. એક જગ્યાએ એ કહે છે, ‘શોષાતાં, રિબાતાં, વલવલતાં ને તોયે ખુમારી ના છોડતાં જીવતરોને મેં એમના જીવનપ્રણયમાં રસાઈને અનુભૂત્યાં છે; આજેય અજંપો આપતી અને કલમ ગ્રહાવતી એ જ યંત્રણાઓ મને જંપવા નથી દેતી. બસ, આથી વધીને કોઈ મોટું મારું પ્રદાન નથી, નથી કોઈ ચોક્કસ દર્શન કે તત્ત્વજ્ઞાન. હું જે છું તે મારા સર્જનમાં જ વ્યક્ત થઈ રહ્યો છું.’ સાહિત્યમાં ચીની સૂત્ર વાપરીને કહીએ કે Let hundred flowers bloom. આધુનિક પ્રયોગશીલ સર્જન અને ઉચ્ચ કોટિની સર્જકત્વ પામેલી ‘આંગળિયાત’ જેવી નવલકથા સાથે સાથે નભી શકે; એક્બીજાથી સમૃદ્ધ બની શકે. એક પાસેથી craft પ્રત્યેની સભાનતા મેળવવાની હોય છે તો બીજા પાસેથી જીવનને સમજવાનું – એને સમગ્રતામાં પામવાનું અપાર કુતૂહલ કેળવવાનું હોય છે. એકને નકારીને બીજા અંતિમે પહોંચી જઈશું તો જનતાના સંસ્કારઘડતરને નામે કે માત્ર ભાષાકર્મને નામે નિમ્ન કોટિનું કે છીછરું સાહિત્ય રચાતું જશે. જૉસેફ મૅકવાનને મારા હૃદયપૂર્વકના અભિનંદન. આશા રાખીએ કે એ નવી નવી શક્યતાઓને તાગતા રહે. એક બીજી વાત પણ કહેવી જરૂરી લાગે છે. ભાઈ, સર્જનમાં સહેલા રસ્તા સ્વીકારશો નહીં. એનો પડકાર ઝીલી લેજો. આ હું ઊંચા મંચ ઉપરથી નહીં, પણ ચિંતા થાય છે અને તમારે માટે ઘણી આશા ઊભી થઈ છે એટલે કહું છું.

[ઑગસ્ટ, ૧૯૮૬