નીરખ ને/સાહિત્યકાર પોતાના જ મોરચા ઉપર સજ્જ થઈને લડે
યંત્રવિદ્યાના છેલ્લા દોઢ સૈકાના વિકાસે સમસ્ત યંત્રવિજ્ઞાનની તાંત્રિક બાજુને બે સ્વરૂપે બહાર આણેલ છે. ઝીણામાં ઝીણો શ્રમવિભાગ અને શ્રમ કરનાર માનવીની પોતાની વધારે ને વધારે નિરૂપયોગિતા કે અનુપસ્થિતિ... તે વસ્તુ કેમ પેદા થાય છે, શા માટે પેદા થાય છે, તે તો જાણી શકતો જ નથી – પણ વસ્તુને તે જોઈ પણ શકતો નથી; વસ્તુના હજારમા ભાગનો કોઈક અંશ તે પોતાની સામે બનતો જુએ છે, પણ વસ્તુને નહિ... માણસ પોતે હેતુલક્ષી પ્રાણી છે. આમ તો બધા જીવો હેતુલક્ષી છે, નાની કીડી કે ઊધઈ પણ. પણ મનુષ્ય સિવાય બીજા જીવોનો હેતુ વૃત્તિગત હોય છે અને તે જીવવા અને નવા જીવો જન્માવવા પૂરતો મર્યાદિત છે... માણસ જેનો હેતુ સમજે છે તેમાં ઓછોવત્તો આનંદ લઈ શકે છે, પણ જેનો હેતુ કે ઉપયોગ જીવવા અને નવા જીવો જન્માવવા પૂરતો મર્યાદિત છે... જેનો હેતુ કે ઉપયોગ જાણતો-સમજતો નથી તે પ્રક્રિયા તેને બોજારૂપ થઈ પડે છે. આગળ જતાં પ્રક્રિયા તેના પર કાબૂ જમાવે છે, અને આખરે તે, ઉત્પાદનથી વિરક્ત બની વિરોધી થઈ જાય છે... આને માર્ક્સ એલિઅનેશનની પ્રક્રિયા કહી છે... યંત્ર ચલાવતાં ચલાવતાં માનવી પોતે જ યંત્ર બની જાય છે... પણ મનુષ્યને યંત્ર બનવાનું અંદરથી પસંદ નથી, છતાં તે યંત્રનો નાશ કરવાનું પણ સામર્થ્ય ધરાવતો નથી, પણ તેને સમગ્ર રચના અર્થહીન લાગે છે. ઉત્પાદન-વિતરણ, ઉપભોગ કશું તેને સમજાતું નથી. એમાંથી આ બધું એબ્સર્ડ લાગે છે... પશ્ચિમી સાહિત્યમાં આ એબ્સર્ડવાદ એ ઉત્પાદન-વિતરણની અતિ યાંત્રિક પદ્ધતિની પ્રતિછબી છે.
મનુભાઈ પંચોળી
સાહિત્યકાર પોતાના જ મોરચા ઉપર સજ્જ થઈને લડે
શ્રી દર્શકે હૈદરાબાદની ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકમાં એમના અધ્યક્ષીય પ્રવચનમાં સાહિત્યકારોની સામાજિક જવાબદારીની વાત કરી છે. આ સામાજિક જવાબદારી એટલે સરઘસમાં કે મોરચામાં જોડાવું એ નહીં, પણ સાહિત્યકાર પોતાના જ મોરચા ઉપર – એટલે કે કોઈક સાહિત્ય સાથે સંબંધ ધરાવતા પ્રશ્ન ઉપર સજ્જ થઈને લડે એમ સૂચન કર્યું છે. દૃષ્ટાંતરૂપે એમણે ‘ખેમી’ની વાર્તા પાઠ્યપુસ્તકમાં ન લેવાય તેવું કેટલાક હરિજનોએ કહ્યું તે અને રાવણદહનની વાત વખતે કેટલાક દલિત જુવાનોએ રામાયણને ઉત્તરના ઉજળિયાતોના દક્ષિણના પછાત લોકો પરના વિજય તરીકે બતાવવાનો પ્રયત્ન કર્યો એ બે વાત ટાંકી. મને આના પશ્ચાદ્ભૂનો બરાબર ખ્યાલ ન હોવાને કારણે મેં કવિ શ્રી ચંદુભાઈ મહેરિયાને દલિતોએ ‘ખેમી’ વાર્તાને પાઠ્યપુસ્તકમાં લેવાનો વિરોધ શા કારણે કર્યો અને રાવણદહનના વિરોધ પાછળ કયો તર્ક કામ કરતો હતો એ લખી પુછાવ્યું. એમણે ઉત્તરમાં ‘ખેમી’ વાર્તા માટે લખ્યું : “ ‘ખેમી’ નવલિકા ગુજરાતમાં માધ્યમિક કક્ષાના એટલે કે એસ.એસ.સી.ના પુસ્તકમાં હતી. ‘ખેમી’ નવલિકાનું કથાવસ્તુ ઉત્તમ છે. પરંતુ એમાં જે કેટલાક શબ્દોના પ્રયોગો હતા તેને લીધે વર્ગમાં આ નવલિકા ભણાવવામાં આવે ત્યારે દલિત વિદ્યાર્થીઓ ક્ષોભ અનુભવે છે, અને નવલિકામાં દલિતોને ખાસ કરીને ભંગીઓને ઉદ્દેશીને જે સંવાદો હતા તેને લીધે તેમને સ્વમાનભંગ જેવું કે અપમાનિત થવા જેવું લાગે છે એવી દલીલથી કેટલાક કૉંગ્રેસી ધારાસભ્યોએ સરકારને હાયર સેકન્ડરીનો અભ્યાસક્રમ ઘડાય તેમાં ‘ખેમી’ નવલિકાને ન લેવા માંગણી કરી અને સરકારે સ્વીકારી.” રાવણદહન અંગે શ્રી મહેરિયાએ ‘જનસત્તા’માં આવેલી ચર્ચાના તરણો મોકલી આપ્યા. કૉંગ્રેસી ધારાસભ્યો અને સરકાર મતમાં સમજે, ‘ખેમી’ને સમજવાની કે વાંચવાની દેશની સેવા કરવામાંથી ફુરસદ ક્યાંથી મેળવે? દલિત સાથીઓને કહેવાનું મન થાય કે ભાઈ, તમે આ રાજકારણીઓથી ચેતો; આત્મનિર્ભર બની, આત્મદયા છાંડી, આત્મવિશ્વાસપૂર્વક નિર્ણય લો. ‘ખેમી’ જેવી વાર્તા તો જ્ઞાતિની સીમા તોડે છે. કયા સવર્ણને ખેમી જેવી પત્ની મેળવવાનું મન ન થાય? દલિત સમાજના પરિવેશને વફાદાર રહીને લેખક આવું ખેમી જેવું જીવતું જાગતું વહાલસોયું પાત્ર ઘડી શક્યા એ લેખકની સંવેદનશીલતા અને સર્જકતાને કારણે જ તો. ‘ખેમી’ વાર્તા જાણે ઊભે પગે દલિતોના કોઝ માટે ખડી છે! આ વાર્તા તો બરાબર, દલિતોના તરફદારીની વાર્તા છે. પણ ધારો કે કોઈક સર્જન દલિતવિરોધી પક્ષ લાગે, તોપણ શોષિતોએ પૂરેપૂરા લેખન-સ્વાતંત્ર્યને સમર્થન આપવું જોઈએ. તમે કોઈકનું સ્વાતંત્ર્ય ઝૂંટવવાનો પ્રયત્ન કરો તો એ તો બેધારી તલવાર છે, લપસણી ચીજ છે. ક્યાં જઈને અટકશે એની ખબર ન પડે. વિજય તેંડુલકરના મરાઠી નાટક ‘ઘાસીરામ કોટવાલ’નો મુંબઈમાં શિવસેનાએ વિરોધ કર્યો. શા માટે? કારણ કે એમાં પેશ્વા રાજા નાના ફડણવીસને લંપટ ચીતર્યો હતો! વર્ષો પહેલાં ભારતીય વિદ્યાભવને એકાદ પુસ્તકમાં મહમ્મદ પયગંબર વિશે કંઈક એવું લખ્યું હતું કે અમુક મુસલમાનોને એ પસંદ ન પડ્યું. એમણે વિરોધ કર્યો. પુસ્તકની ગુણવત્તા તપાસ્યા વગર જવાહરલાલ નહેરુ મુસલમાનોને ખુશ રાખવા માટે પુસ્તક ઉપર પ્રતિબંધ લઈ આવ્યા. સરકારની હમેશાં આ પરંપરા રહી છે. એમની આંખ સમક્ષ નિરંતર મતપેટી રહી છે. દલિત યુવાનોને હાથે ચાલતી ‘માસ મૂવમેન્ટ’ નામની સંસ્થાએ ખૂબ રસપ્રદ પરિસંવાદ રાવણદહન ઉપર ગોઠવ્યો. એમ કહેવું જોઈએ કે જે મંદિરોનાં દ્વાર બંધ થયાં હોય એ દેવદેવતાઓ માટે દલિતોને દ્વેષ હોય તો એમાં નવાઈ જેવું કશું નથી. અને એને કારણે જ રાવણ એમને જ્ઞાતિબંધુ લાગે અને એની સાથે દલિતો તાદાત્મ્ય સાથે તો એ પણ કદાચ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. આમ તો કેટલાયે પંડિતોએ, બુદ્ધિજીવીઓએ રામાયણનાં પાત્રો ઉપર મતમતાંતરોની તલવારો ખખડાવી છે. બંગાળના માઇકલ મધુસૂદન દત્ત જેવાને રામ દંભી અને રાવણ નિખાલસ લાગ્યા હતા. આ બધું બોલવા પૂરતું, લખવા પૂરતું સીમિત રહે ત્યાં સુધી વાંધો ન હોઈ શકે. પ્રજામાનસ માટે તો કહેવું જોઈએ કે બહુ સીધી વાત છે. રાવણ અનિષ્ટ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને રામ ઇષ્ટ તત્ત્વનું. રાવણદહન ઇષ્ટ તત્ત્વનો અનિષ્ટ તત્ત્વ ઉપર વિજય છે. આ ભાવના ઉપર વધારે અર્થો લાદી જ્ઞાતિવિગ્રહની ખાઈ ઊંડી કરવાથી લાભ શો? રાવણદહન ન થાય તો આકાશ તૂટી પડવાનું નથી એ ખરી વાત છે. પણ જે પ્રથા વર્ષોથી ચાલી આવી હોય એને કોઈ ખાસ વજૂદ વગરનાં કારણોથી અટકાવવા જતાં કંઈક વલયો ઊભા થશે. અને વિરોધની પ્રાપ્તિ શી? આ બીનઅગત્યની બાબત પાછળ શક્તિ વેડફી દેવાથી શો લાભ? આ સાથે સવર્ણો માટે પ્રાયશ્ચિત્ત કરવાનો સમય પાકી ચૂક્યો છે એમ અફર દૃઢતાપૂર્વક કહેવાનું જરૂરી બને છે. હજી પણ દલિતો સામે બેફામ અત્યાચારો અને અન્યાયો થતા રહે છે. એ સામે વિરોધનો સૂર ઊઠવો જોઈએ. અનામતવિરોધી આંદોલન વખતે દલિતોનું એક કવિતાસામાયિક ‘આક્રોશ’ જપ્ત થયું અને એના સંપાદક અને પ્રકાશકને પકડી લેવામાં આવ્યા. શ્રી દર્શકની પરિભાષામાં કહેવું હોય તો સાહિત્યકારોનો એ મોરચાનો વિષય બનવો જોઈતો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદની એ સરકારી કૃત્ય વખોડી કાઢવાની ફરજ હતી. દલિતો ‘મનુસ્મૃતિ’ બાળે તો આપણને એ સમજાવું જોઈએ કે પાછળ પાંચ હજાર વર્ષોની અસ્પૃશ્યોની પીડા અને આક્રોશ છે. ૧૯૩૪માં બિહારમાં જ્યારે ધરતીકંપ થયો ત્યારે ગાંધીજીએ જાહેર કર્યું હતું કે અસ્પૃશ્યતાના પાપની સજારૂપે આ ભૂકંપ થયો હતો. નહેરુને ગાંધીજીના આવા નિવેદનથી આઘાત લાગ્યો હતો એ પણ એટલું જ બરાબર હતું. કોઈ પણ ભૌગોલિક હકીકતને વૈજ્ઞાનિક દૃષ્ટિથી સમજાવવાને બદલે આવું અતાર્કિક કારણ આપવું એ તો પ્રજાના વહેમોને પોષવા બરાબર હતું એમ કહી શકાય. છતાં ગાંધીજીની વિચારધારામાં આ અસ્પૃશ્યોનો પ્રશ્ન કેવો તો કેન્દ્રસ્થાને પડ્યો હતો એની આ નિવેદન ચાડી ખાય છે, અને હરિજનોને અપનાવી હિંદુઓએ પોતાનાં કુકર્મોનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ એવું પણ ધ્વનિત કરે છે. ગાંધીયુગીન ભાવનાઓથી રંગાયેલા જીવનલક્ષી સાહિત્યના પ્રતિભાવમાંથી શુદ્ધ સાહિત્યની આધુનિક ચેતના વિકસી. શુદ્ધ સાહિત્ય માટેની અતિ સંરક્ષણ ભાવનામાં કેટલાક ઉત્સાહીઓએ ગાંધીયુગીન સાહિત્યિક વિભાવનાઓ સાથે ગાંધીજીનો પણ છેદ ઉડાડી દીધો. આવી મહાન પ્રતિભાને સમજવાનું કુતૂહલ તો દૂર રહ્યું, પણ એક પ્રકારની વિમુખતા આવી ગઈ. સાહિત્યની શુદ્ધતા જાળવવાની ચિંતામાં આવા ઉત્સાહીઓએ બીજા વિષયોનો અભ્યાસ વર્જ્ય ગણ્યો અથવા અભિરુચિ જ ન રહી. શ્રી દર્શકે એમના પ્રવચનમાં જેમ સાહિત્યકારોની સામાજિક જવાબદારી પ્રત્યે અંગુલિનિર્દેશ કર્યો છે એમ એમણે સાહિત્યકારોની શાસ્ત્રસજ્જતા કેળવવાની જરૂરિયાત પ્રત્યે ધ્યાન દોર્યું છે. એઓ ભારપૂર્વક કહે છે, ‘સાહિત્યકારે અનેક શાસ્ત્રોનું અધ્યયન અને ક્યાંક આચમન તો અવશ્ય કરવાં પડશે.’ અર્થશાસ્ત્ર, રાજકારણ, માનસશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર અને ઇતિહાસનો અભ્યાસી સંસ્પર્શ કેળવવા અને આવા અભ્યાસ માટે જેમને તરસ હોય તેમને માટે વ્યવસ્થા અને સગવડ સાહિત્ય પરિષદ કરે તેવું એમણે સૂચન કર્યું. આગળ જતાં એમણે લોકાનુભવની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો, અને એની સગવડ પણ સાહિત્ય પરિષદ પૂરી પાડે એમ સૂચવ્યું. એમણે પ્રશ્ન કર્યો, ‘બદલાતા-અમળાતા લોકસમાજનાં હર્ષ, ક્લેશ, સુખદુઃખ... આ બધાનો પ્રતીતિકર અવતાર કેમ નથી થયો? પછી એમણે જ પ્રત્યુત્તર આપ્યો છે, ‘કારણ આપણે આ અનાદિપુરુષ, લોક પાસે નમ્રભાવે જવાનું અઢી શતકથી બંધ કરી દીધું છે.’ પ્રશ્ન એમ થાય છે કે એક વ્યક્તિની વાત જો સમર્થ રીતે કહેવાઈ હોય તો શું એમાં વિશ્વ પ્રતિબિંબિત નથી થતું? બહોળા સમાજને વિશાળ ફલક ઉપર સમર્થ રીતે નિરૂપતી કથા જરૂર આપણને અવશ કરી મૂકે, એ મહાન નવલકથા હોય. પણ વિશાળ ફલકવાળી નવલકથા જ વધુ ચઢિયાતી એમ કહી શકાય ખરું? દરેક કાળે કેટલાક પ્રકારો વધુ પ્રચલિત હોય એમ બન્યું છે. એમાં કેટલે અંશે સામાજિક પરિબળો કામ કરતાં હોય એ તપાસનો વિષય બની શકે. પણ આ શાસ્ત્રસજ્જતા, લોકાનુભવ એટલું જ બસ નથી. શ્રી દર્શક કહે છે, ‘અને માત્ર આટલેથી જ અટક્યે ચાલશે નહીં. આજની દુનિયા નાની થઈ ગઈ છે, અને હજુ પણ નાની થશે – પણ તેની જોડે જ અપરિચય રહે તો? અમેરિકન હેમિંગ્વે ‘For Whom The Bell Tolls’ સ્પેનિશ આંતરવિગ્રહની ચોટદાર નવલકથા – યથાતથા લખી શકે... તો ગુજરાતી સર્જક કુલુ-કુમાઉં, રાજસ્થાન કે સાંતાલોની કથા કેમ ન લખી શકે? અને ત્યાં શા સારુ અટકે? ડાન્યુબના કાંઠે ઝૂકેલી અંગુરવાડીઓની કથા લખવાની સગવડ ગુજરાતી સર્જકોને કેમ ન મળે? કે અમેરિકન આંતરવિગ્રહમાં જેણે ગુલામીનું કલંક નાબૂદ કર્યું તે મહામના લિંકનની કથા લખવા ધીરુબહેન કે એકાદ રઘુવીર કે પન્નાલાલને સગવડ કેમ ન મળે?” પ્રમુખશ્રીએ ગુજરાતી સાહિત્ય પરિષદને બે-ત્રણ સૂચનો કર્યાં તેમાં એકનો ઉમેરો કર્યા વગર રહી શકતી નથી. ભાષાકર્મ અને ટેક્નિક ઉપર ભાર આપતું આધુનિક સાહિત્ય ભાવક પાસે ખાસ પ્રકારની સજ્જતા માંગી લે છે. એ સજ્જતા કેળવવા માટે માતબર સાંપ્રત કૃતિઓના રસદર્શન અર્થે પણ વધુ ને વધુ કાર્યક્રમો યોજાય – ખાસ તો એવી કૃતિઓના પઠન દ્વારા એમનો સીધો પરિચય કેળવાય તો ધીરુબહેન, રઘુવીર કે પન્નાલાલ સાથે સાથે એકાદ સુરેશ જોષી પણ ભાવકોમાંથી ઊભા થાય. આવો પડકાર ઝીલી શકે – એવી સગવડ ગુજરાતી સાહિત્ય પરિષદ જરૂર આપી શકે.
[ફેબ્રુ. ૧૯૮૨