નીરખ ને/સમાજને શાળાઓથી મુક્ત કરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ન્યૂ યોર્કમાં આજે જે જીવન છે એ શું છે અને શું થઈ શકે એનું એક અત્યંત વિચિત્ર દર્શન આપણી આંખ સામે ખડું કરે છે, અને આ દર્શન વગર ન્યૂ યૉર્કમાં જીવન અશક્ય છે. ક્યારેય જે વૈજ્ઞાનિક રીતે વિકસાવાઈ નથી, બનાવાઈ નથી કે આયોજાઈ નથી એવી ચીજને ન્યૂ યૉર્કના રસ્તાઓ ઉપરનું બાળક ક્યારેય અડતું નથી. વૃક્ષો પણ ત્યાં એટલા માટે છે કે પાર્કસ ડિપાર્ટમેન્ટે ત્યાં રાખવાનું નક્કી કર્યું છે. બાળક ટેલિવિઝન ઉપર જે રમૂજી ટુચકાઓ સાંભળે છે તે કાર્યક્રમ પણ ઊંચા દરે ઘડવામાં આવ્યો હોય છે. હાર્લેમની શેરીઓમાં એ જે કચરામાં રમે છે તે તૂટેલા અને બીજાઓએ વાપરેલા પૅકેજિસનો બનેલો હોય છે. તૃષ્ણાઓ અને ભીતિ પણ સંસ્થાકીય આકાર પામ્યાં છે. સત્તા અને હિંસાને સંગઠિત અને નિયંત્રિત કરવામાં આવી છે : ટોળકીઓની વિરુદ્ધ પોલીસ, શિક્ષણ સ્વયં આયોજિત અને પુરસ્કૃત અભ્યાસક્રમોનું ફલસ્વરૂપ છે, અને એ રીતે વ્યાખ્યાયિત થયું છે. જે કંઈ સારું છે એ કોઈ વિશિષ્ટ સંસ્થાની પેદાશ છે. સંસ્થાએ પેદા ન કરેલી કોઈ વસ્તુ માંગવી એ બેવકૂફી કહેવાય. શહેરનું બાળક સંસ્થાકીય પ્રક્રિયાના વિકાસમાં શક્ય ન હોય તેવી કોઈ પણ વસ્તુની અપેક્ષા ન રાખી શકે. એની સ્વૈરકલ્પના(ફેન્ટસી)ને પણ વિજ્ઞાન માટે પ્રોત્સાહિત કરાય છે. બિનઆયોજિત કાવ્યપરક વિસ્મયનો અનુભવ માત્ર ગંદવાડ, ભૂલ કે નિષ્ફળતાના મુકાબલામાં જ કરી શકે છે; ગટરમાં પડતી નારંગીની છાલ, શેરીમાંનું પાણીનું ખાબોચિયું, કોઈ વ્યવસ્થા, કાર્યક્રમ કે યંત્રમાં ભંગાણ – બસ આ જ એના સર્જનાત્મક તરંગનો ટેકઑફ. જે આયોજિત નથી તે ઇચ્છનીય નથી એટલે શહેરનું બાળક તરત નિષ્કર્ષ ઉપર આવે છે કે આપણી દરેક જરૂરિયાત માટે આપણે હમેશાં સંસ્થા ઊભી કરી શકીશું. પોતાની જે કોઈ માંગ છે એ ઉત્પાદન વગરની નથી એમ જે માણસ જાણે છે એ તરત અપેક્ષા રાખતો થાય છે કે જેનું ઉત્પાદન થયું છે એ માંગ વગરનું ન રહી શકે. જો ચંદ્ર ઉપર જવાનું વાહન બનાવી શકાય તો ચંદ્ર ઉપર જવાની માંગ પણ ઊભી થઈ શકે. જ્યાં જઈ શકાય ત્યાં ન જવું એ વિદ્રોહાત્મક કહેવાય. સર્વશક્તિશાળી ઓજારોથી ઘેરાયેલો માણસ પોતાનાં ઓજારોનું ઓજાર બની ગયો છે... સતત વધતી જતી માંગનું વિશ્વ એ માત્ર અનિષ્ટ નથી – એને નરક જ કહી શકાય.

ઇવાન ઇલિચ



સમાજને શાળાઓથી મુક્ત કરો

‘સમાજને શાળાથી મુક્ત કરો’ એવી જબરદસ્ત વાત ઑસ્ટ્રિયન અમેરિકાવાસી ચિંતક ઇવાન ઇલિચે એમના પુસ્તક ‘ડિસ્કૂલિંગ સોસાયટી’માં કરી છે. આપણે જાણીએ છીએ કે ગાંધીજીએ ક્યારેય પ્રવર્તમાન શાળા-ભણતર ઉપર એમની માન્યતાનો સિક્કો લગાવ્યો નહોતો. મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈને શાળા-ભણતરમાંથી બાકાત રાખવામાં એ સફળ રહ્યા હતા. આપણા કવિ રાજેન્દ્ર શુક્લ આજે પણ એમના બંને દીકરાઓને શાળામાં નહિ મોકલી મોટો પ્રયોગ કરી રહ્યા છે. એમની હિંમત દાદ માંગે છે. માત્ર ભય લાગે છે કે એવું તો ન બને ને કે શાળામાં થતા માનસપલોટની જગ્યા માબાપની માન્યતા-વિચારધારા લે અને જુદી જાતના માનસપલોટના ભોગ બને? સ્વતંત્ર વિચારશક્તિ ખીલે એવી ત્યાં પણ ગુંજાયશ ન હોય? વિવાદાસ્પદ છે આખી વસ્તુ. બાળકોને મુખ્ય પ્રવાહથી વિખૂટાં પાડી દુષ્કર સામાજિક વાસ્તવિકતાથી દૂર રાખવાનું એમને માટે કેટલું હિતાવહ? તાતા-બિરલા જેવા બહુરાષ્ટ્રીય કંપનીઓના ભયાનક અર્થતંત્રવાળા અને એને સંલગ્ન દૂષણોનો સામનો કરવાનો આવે ત્યારે કેટલી સ્વસ્થતાપૂર્વક એ કરી શકે? છતાં સામાજિક ધોરણોથી ઊફરા જઈ આવું સાહસ જે કરતા હોય છે એમને સલામ... પણ પ્રશ્ન આખરે એક બાળક કે બાળકોનો નથી. આખું શિક્ષણનું માળખું પાયાનો ફેરાફાર માંગે છે. ઈવાન ઇલિયે અમેરિકી બુર્ઝવા યંત્રોદ્યોગ પ્રભાવક સમાજને ધ્યાનમાં રાખી શાળા-શિક્ષણના પ્રશ્નને તપાસ્યો છે. લેખક ભારપૂર્વક કહે છે કે આજની શાળાઓ ઉપભોગકાર સમાજ(કન્ઝ્યુમર સોસાયટી)ની જાહેરખબર એજન્સીઓ માત્ર છે, વધુ ને વધુ પેદાશ અને વધુ ને વધુ માંગ – પ્રવર્તમાન સમાજની આ લઢણનું શાળા-ભણતર પ્રતિબિંબ છે. આ લશ્કરી શરીર-હત્યાઓ કરતાં પણ વધુ ભયાનક છે, કારણ કે શાળા-ભણતર આધ્યાત્મિક આત્મઘાત છે. શિક્ષણ ઉત્પાદન, વેચાણ અને ઉપભોગની ચીજ બની જાય છે. સ્થાપિત હિતોએ શાળા-ભણતર નામનો ક્રિયાકાંડ ઊભો કર્યો છે. અહીં ભણતર(ટીચિંગ)ને વિદ્યા (લર્નિંગ) મનાય છે; ઉત્તીર્ણ થઈ પછીના વર્ગમાં જવું તેને કેળવણી (એજ્યુકેશન) મનાય છે; પદવી(ડિપ્લોમા)ને સંપન્નતા (કોમ્પિટન્સ) મનાય છે; વાક્પટુતા(ફ્લૂઅન્સી)ને કંઈક નવું કહેવાની શક્તિ મનાય છે. વિદ્યાર્થીની કલ્પનાશક્તિને એવી રીતે કેળવે છે કે વિદ્યામૂલ્યની જગ્યાએ ભણતરને નોકરી કરવાનું સાધન માને છે. શાળાના અભ્યાસક્રમો અને પ્રમાણપત્રો સિવાય પણ જ્ઞાન હોઈ શકે એ કલ્પનામાં આવતું નથી. ઇલિચે ફરજિયાત શાળા-ભણતરની જગ્યા લઈ શકે એવું પ્રવાહી શિક્ષણ-તંત્ર ઊભું કરવાની હિમાયત કરી છે. ઘણાં લોકોને શાળા સિવાય વિદ્યા-પ્રાપ્તિની બીજી કોઈ રીત હોઈ શકે કે કેમ એ માટે શંકા આવતી હોય છે. પણ તમે જો થોડું દબાણ લાવીને પૂછો કે તમે જે જાણો છો અને તમને જેની કિંમત છે એ તમે કેવી રીતે મેળવ્યું? ત્યારે એ લોકો તત્કાળ કબૂલ કરતા હોય છે કે શાળાની અંદર નહીં એટલું બહારથી શીખ્યા છે. હકીકતો વિશેનું જ્ઞાન, જીવન અને કાર્ય વિશેની એમની સમજણ એમને મૈત્રી કે પ્રેમ દ્વારા, ટીવી દ્વારા કે પુસ્તકો દ્વારા કે સાથીદારોના દૃષ્ટાંતોમાંથી કે રસ્તાઓમાં કરવા પડતા મુકાબલામાંથી મળ્યું છે. સારી કેળવણીને લગતી પદ્ધતિના ત્રણ હેતુઓ હોવા જોઈએ : (૧) કોઈપણ માણસને ક્યારેય કંઈ શીખવાની ઇચ્છા થાય તો પ્રાપ્ત સાધનો એને ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા શિક્ષણપદ્ધતિએ કરવી જોઈએ. (૨) જે લોકો બીજાને આપવા લાયક કંઈ જાણતા હોય તેમને બીજા જે એમની પાસેથી જાણવા માગતા હોય તેમની શોધ કરવાની સત્તા આપવી. (૩) જાહેર જનતા સમક્ષ જે કોઈ કાંઈ રજૂ કરવા માંગતું હોય તેને રજૂ કરવાની – પોતાના પડકારને ઘોષિત કરવાની તક મળવી જોઈએ. શીખનારને ફરજિયાત અભ્યાસક્રમને અનુસરવું પડે એમ ન હોવું જોઈએ. અથવા તો શીખવનારની પાસે પદવી કે પ્રમાણપત્ર છે કે નહીં એવો ભેદભાવ પણ ન હોવો જોઈએ. સાચા શિક્ષણ માટે ત્રણ જાતના વિનિમયોમાં બધા સાધનો આવી જાય છે. બાળક ચીજોની દુનિયામાં મોટો થાય છે અને જાતજાતનાં કૌશલ્ય દાખવતા લોકોથી ઘેરાયેલો છે. એના સાથીદારો પાસેથી પણ દલીલો, સ્પર્ધા, સહકાર અને સમજણથી ઘણું શીખે છે. એ નસીબદાર હોય તો અનુભવી મોટેરાંઓની ટીકાનો પણ એને લાભ મળે છે. કૌશલ્યપ્રાપ્તિ માટે લાગતાવળગતા કારીગરો કે નિષ્ણાતો પાસેથી તાલીમ મેળવવાની બધાને તક હોવી જોઈએ. એ માટે એ ચાર નેટવર્કની હિમાયત કરે છે. આપણે અહીં એમાં વિગતે નહીં જઈએ. માત્ર એક કિસ્સો આ સંદર્ભમાં નોંધવો રસપ્રદ ઠરશે. ઇલિચ કહે છે કે ૧૯૫૬માં પ્યૂર્ટો રિકન્સ સાથે સંક્રમણ સાધી શકાય એ માટે ઝડપથી સ્પેનિશ ભાષા શીખવવાની જરૂરિયાત ઊભી થઈ. ઇલિચના મિત્ર ગેરી મૉરિસે સ્પેનિશ રેડિયો-સ્ટેશન ઉપરથી જાહેર કર્યું કે હાર્લેમમાંથી પ્યૂર્ટો રિના મૂળ વતનીઓની મારે જરૂર છે. બીજે દિવસે બસો કિશોરોની લાઈન લાગી ગઈ. એમાંના ઘણા અધવચ્ચેથી શાળા છોડી દેનારા હતા. મૉરિસે એમાંથી પચાસેકની પસંદગી કરી. એમને યુ.એસ. વિદેશ સેવા ભવનની ભાષાશાસ્ત્રીઓએ તૈયાર કરેલી સ્પેનિશ ભાષાને લગતી હાથપ્રતનો કેવી રીતે ઉપયોગ કરવો એની તાલીમ આપવામાં આવી. અઠવાડિયામાં આ શિક્ષકો તૈયાર થઈ ગયા. દરેકને ભાગે ચાર ન્યૂ યૉર્કના વતનીઓ જેમને સ્પેનિશ બોલવું હતું એ આવ્યા. છ મહિનામાં તો ઉદ્દેશ પાર પડ્યો. કોઈ શાળાનો અભ્યાસક્રમ આવું પરિણામ લાવી શક્યો ન હોત. ઇલિચ એક બીજી અત્યંત મહત્ત્વપૂર્ણ વાત તરફ આપણું ધ્યાન દોરે છે : એ ભારપૂર્વક કહે છે કે આપણું ભાવિ આપણે કઈ જાતની સંસ્થાઓ પસંદ કરીએ છીએ એના ઉપર અવલંબે છે. આપણે એવાં ધોરણોની જરૂર છે કે જેથી આપણે વ્યસન(addiction)ને નહીં પણ વ્યક્તિગત વિકાસને ઉત્તેજન આપતી સંસ્થાઓને ઓળખી શકીએ. આપણે તદ્દન બે વિરુદ્ધ દિશાની સંસ્થાઓમાંથી પસંદગી કરવાની રહેશે. જો કે એક જાતની સંસ્થાએ સમાજને એટલો આવરી લીધો છે કે એ વડે જ સમાજની વ્યાખ્યા બાંધી શકાય. આ પ્રભાવક જાતની સંસ્થાને તરકટી (મેનિપ્યુલેટિવ) સંસ્થાઓ કહીશું. બીજી જાતની સંસ્થા અલબત્ત હસ્તી ધરાવે છે, પણ રામભરોસે છે. આપણે જેવા ભવિષ્યની ઇચ્છા રાખીએ છીએ એમાં આ જાતની સંસ્થાઓને નમૂના તરીકે લઈશું. આવી સંસ્થાઓને પ્રસન્નતાભિમુખ (કન્વિવિઅલ) સંસ્થાઓ કહીશું; સંસ્થાકીય રંગપટ (સ્પેક્ટ્રમ) ઉપર એમને ડાબી બાજુ ઉપર મૂકીશું. તરકટી જાતની સંસ્થા રંગપટની જમણી બાજુએ રહેશે. ખૂબ પ્રભાવ ધરાવતી આધુનિક સંસ્થાઓ રંગપટની જમણી બાજુએ ખડકાઈ છે. કાયદાપાલન શેરિફના હાથમાંથી ખસતા એફ. બી. આઈ. અને પેન્ટેગોનના હાથમાં જતાં જમણી બાજુ જઈને બેઠું છે. બીજી જમણી બાજુની સંસ્થા આધુનિક યુદ્ધસંચાલન એ ખૂબ મોટો ધંધો બની ગયું છે જેનું કામ હત્યા કરવાનું છે. એ હદે વાત વધી ગઈ છે કે એની કાર્યક્ષમતા એટલે કેટલાં શરીર ખતમ કર્યા એના ઉપર આધાર રાખે છે. આ જ જમણી બાજુના છેડે લશ્કરની જેમ કેટલીક સામાજિક એજન્સીઓ છે, જેમ કે જેલો. ગુનેગારોને પાંજરામાં પૂરવાથી એમના ચારિત્ર્ય અને વર્તન ઉપર લાભકારી અસર થશે એવી માન્યતા હતી. આજે ઘણાંને ખ્યાલ આવ્યો છે કે જેલોથી ગુનેગારોની સંખ્યા વધી છે અને ગુનાઓ વધુ ઘાતક થયા છે. ગાંડાઓની હૉસ્પિટલો, અનાથાશ્રમો વગેરેનું પણ આવું જ છે. સંસ્થાકીય રંગપટના બીજા ડાબા અંતિમે એવી સંસ્થાઓ છે જે એમના સહજસ્ફૂર્ત ઉપયોગને કારણે જુદી પડે – જેમને આપણે પ્રસન્નતાભિમુખ કહી છે. ટેલિફોનજોડાણો, ભૂગર્ભવાહનવ્યવહાર, મેઈલ ગાડીના માર્ગો, જાહેરબજારો, ટપાલખાતું વગેરનો ઉપયોગ માણસ સહજ રીતે કરે છે; ગ્રાહકોને આકર્ષવા માટે આ સંસ્થાઓએ ઢોલનગારાં સાથે નાની-મોટી જાહેરાતો નથી કરવી પડતી. ગટર-વ્યવસ્થા, પીવાનું પાણી, જાહેર બાગો કે પગથીઓનો ઉપયોગ માણસ આપમેળે કરે છે. આ એમને લાભદાયક છે એવી સંસ્થાકીય ખાતરી એમને આપવી પડતી નથી. સંસ્થાકીય રંગપટના બંને અંતિમે સેવા-સંસ્થાઓ છે, પણ જમણી બાજુએ (જેમ કે ગાંડાઓની ઇસ્પિતાલો, અનાથાશ્રમો, જેલો વગેરે) સેવા ઠોકી બેસાડેલું તરકટ છે. ડાબી બાજુની સેવાસંસ્થાઓ નિયત સીમામાં વિસ્તારેલી તક છે અને સેવા લેનાર મુક્ત એજન્ટ છે. જમણી બાજુની સંસ્થાઓ ખૂબ સંકુલ, મોંઘીદાટ ઉત્પાદન પ્રક્રિયાઓવાળી છે. મોટાભાગનો ખર્ચો આ કે તે પેદાશ કે સેવા વગર વપરાશકારો (કન્ઝયુમર્સ)ને નહીં ચાલી શકે એવી ખાતરી કરાવવા માટે ફાળવવા આવ્યો હોય છે. કેટલીક સંસ્થાઓ એવી છે કે જે કાં તો જમણી તરફ ઢળેલી હોય છે કે ડાબી તરફ ઢળેલી હોય છે, અને કેટલીક કેન્દ્રમાં હોય છે. બધી જ સંસ્થાઓ છેક એક અંતિમે કે બીજે અંતિમે નથી હોતી. નાની હાથે ચલાવાતી લોન્ડ્રીઓ, હજામતની દુકાનો, બેકરીઓ વગેરે પોતાના ક્ષેત્રમાં બીજા સાથે સ્પર્ધા કરતા હોય છે, પણ જાહેરાતમાં મોટે ભાગે બહુ પડતા નથી. આ એકદમ ડાબી બાજુની સંસ્થાઓ નથી, પણ એ તરફની છે. મોટા ભાગના વપરાશકાર – માલ બનાવનારાઓ જમણી બાજુ ઢળી ગયા છે. જનરલ મોટર્સ અને ફોર્ડ જાહેર જનતાને માટે વાહનો બનાવે છે, પણ સાથે બંને એવી રીતે જનતાની રુચિ તરકટપૂર્વક ઘડે છે કે જાહેર બસો કરતાં ખાનગી મોટરકારો માટે માંગ ઊભી થઈ જાય છે. બીજી એક રસપ્રદ સંસ્થા છે – લાંબા અંતરો પર આવવા-જવા માટેના હાઈ વે. આમ જોવા જાઓ તો એ ડાબી બાજુની સંસ્થા લાગે પણ હકીકતમાં આ સુપર હાઈ વે ખાનગી માલિકીહિતની સુરક્ષા કરે છે; એના ખર્ચનો થોડો ભાગ પ્રજા ઉપર ઠોકાયો છે. સાચું પૂછો તો સર્વલક્ષી માર્ગો જાહેર ઉપયોગિતા ધરાવે છે. હાઈ વે બધાને હાથવગું બનતું નથી. જેમને જરૂર હોય એ ટેલિફોન અને ટપાલતંત્રનો લાભ લઈ શકે છે; જ્યારે મોટરકાર પોતાની માલિકીની હોય તેવા જ મોટે ભાગે હાઈ વે તંત્રનો ઉપયોગ કરી શકે છે. ટેલિફોન અને ટપાલ સાચા અર્થમાં જાહેર સેવાતંત્રો છે. જાહેર સેવા-સાધનો લોકવ્યવહાર માટે હસ્તી ધરાવે છે. હાઈ વે બીજી જમણી બાજુની સંસ્થાઓની જેમ એક પેદાશ માટે હસ્તી ધરાવે છે. કારના કારખાનેદારો કાર અને એની માંગ પેદા કરે છે; સાથે સાથે હાઈ વે માટે પણ માંગ પેદા કરે છે. બધા જ દેશો પરિવહન (ટ્રાન્સપોર્ટેશન) સુધારવા માટે – ગરીબમાં ગરીબ પણ હાઈ વે પદ્ધતિની યોજના કરતા હોય છે. લઘુમતી ધરાવતા ઉત્પાદકો અને વપરાશકારોની ઝડપ સભાનતાને ધ્યાનમાં રાખી આ હાઈ વે યોજાતા હોય છે. આ અભિગમને ન્યાયી ઠરાવવા એવી દલીલ કરવામાં આવતી હોય છે કે દાક્તરોનો, શાળાના ઇન્સ્પેક્ટરોનો કે જાહેર વહીવટકારોનો સમય બચતો હોય છે. આ વ્યક્તિઓ અલબત્ત એ જ લોકોની સેવા કરે છે જેમની પાસે કાર હોય છે કે થોડા વખતમાં આવવાની હોય છે. સ્થાનિક કરો અને અલ્પ આંતરદેશીય ચલણ ખોટી જાહેર સેવાઓ માટે વપરાય છે. વિકસતા દેશોમાં કે ઘણા ગરીબ દેશોમાં તો દાણોપાણી, ઢોર કે માણસોને લઈ જવા મોટરલોરીઓ ચાલી શકે તેવા રસ્તાઓની જરૂર હોય છે. આવા પ્રકારના દેશોએ પોતાનાં ટાંચા સાધનોનો ઉપયોગ સર્વ હેતુ સારનારા રસ્તાઓનું નેટવર્ક ઊભું કરવામાં કરવો જોઈએ. અને આવા રસ્તા ઉપર ઓછી ઝડપે હેરફેર કરી શકે એવાં ખૂબ ટકાઉ વાહનોની જરૂર છે. આમાં સ્પેરપાર્ટ અને વાહનોની દેખભાળ ખૂબ સરળ થઈ જશે. આવાં વાહનો આજે બજારમાં નથી કારણ કે એ માટે માંગ નથી. આવી માંગ કડક કાયદા હેઠળ કેળવવી પડશે. હમણાં તો આવી માંગનો સહેજ પણ નિર્દેશ થાય તો તરત એને વિરુદ્ધની જાહેરાતથી બુઝાવી દેવામાં આવે છે. અમેરિકાને તો આખી દુનિયામાં એવાં યંત્રોનું વેચાણ કરવું છે જેમાંથી અમેરિકી કરદાતાઓએ સુપર હાઈ વે બાંધવા માટે આપેલા પૈસા નીકળી આવે. ગરીબ દેશોને અદ્યતન ટેકનૉલૉજી આપવામાં આવે છે. એ ત્રણ જાતની છે – માલસામાન, એનું ઉત્પાદન કરનારાં કારખાનાં અને સેવાસંસ્થાઓ મુખ્યત્વે શાળાઓ. સેવાસંસ્થાઓનું કામ ઉત્પાદકો અને વપરાશકારો બનાવવાનું છે. મોટા ભાગના દેશો પોતાનાં અંદાજપત્રોની સારી એવી રકમ શાળાઓ માટે વાપરે છે. શાળાઓમાંથી બહાર પડેલાઓ પછી ઔદ્યોગિક પાવર, હાઈ વે, આધુનિક ઇસ્પિતાલો અને હવાઈ મથકોની માંગ ઊભી કરે છે; આ પછી સમૃદ્ધ દેશોના માલ માટે બજાર ઊભું કરે છે અને વખત જતાં આવો માલ પેદા કરવા માટે કાળગ્રસ્ત (obsolescent) કારખાનાંઓની આયાત કરવાનું વલણ ઊભું થતું દેખાય છે. બધી ખોટી સેવાસંસ્થાઓમાં શાળા સૌથી દગાબાજ છે. હાઈ વે પદ્ધતિ માત્ર કારોની માંગ ઊભી કરે છે. પણ શાળાઓ સંસ્થાકીય રંગપટની જમણી બાજુ જે બધી સંસ્થાઓ આવી છે એ બધા માટે માંગ ઊભી કરે છે. માણસ હાઈ વે માટેની જરૂરિયાત વિશે પ્રશ્ન કરશે તો તરત જ એને રંગદર્શી કહી જાકારો દઈ દેશે. અને માણસ જો શાળાની જરૂરિયાત વિશે પ્રશ્નો પૂછશે તો તરત જ એ હૃદય વગરનો છે, સામ્રાજ્યવાદી છે કહી એની ઉપર તૂટી પડશે. ઇલિચે ખૂબ તારસ્વરે અને પ્રતીતિપૂર્વક શાળાઓમાંથી સમાજને મુક્ત કરવાની વાત કરી છે અને એમ કરતાં મહત્ત્વની સંસ્થાઓનું સહજસ્ફૂર્ત અને તરકટી વિભાગોમાં વર્ગીકરણ કરી સર્વગ્રાહી નકશો રજૂ કર્યો છે. આપણું ઊજળું ભવિષ્ય આપણે કઈ જાતની સંસ્થાઓ પસંદ કરીએ છીએ એમાં છે. મૂડીવાદી કે સામ્યવાદી વિચારસરણીઓની ઠાલી વાતો કરનારા કરતાં ઇલિચનો આ અભિગમ વધુ ક્રાન્તિકારી કે પાયાનો ફેરફાર કરનારો ઠરે તો નવાઈ નહીં. શાળાની જગ્યાએ ઇલિચે સૂચવેલ શિક્ષણ-પ્રાપ્તિની પ્રક્રિયા-પદ્ધતિ કાર્યાન્વિત બને કે ન બને, પણ આ દિશામાં વિચાર કરતા પણ થવાય તો ચિંતન સ્તરે એક સ્વસ્થ તાજગીપ્રદ વાતાવરણ જરૂર ઊભું થઈ શકે. આપણા દેશમાં તો વળી શિક્ષણક્ષેત્રે માધ્યમનો પ્રશ્ન પણ ઘણો ઉગ્ર છે. ગાંધીજીએ બ્રિટિશ શાસન વખતના શિક્ષણતંત્રની ત્રણ ખૂબ મોટી ખામીઓ બતાવી હતી : (૧) ભારતીય કેળવણી વિદેશી સંસ્કૃતિ ઉપર આધારિત છે. (૨) એ હૃદય અને હાથના વિકાસને બિલકુલ ઉવેખે છે, અને માત્ર મસ્તિષ્કના વિકાસ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. (૩) સાચી કેળવણી વિદેશી માધ્યમ દ્વારા અશક્ય છે. વધુમાં એમણે કહ્યું કે આપણે આપણું બધું ચિત્ત બાળકોના મનમાં બધી જાતની માહિતીઓ ઠાંસીને ભરી દેવામાં લગાડયું છે. પણ ક્યારેય એ મનને ઉત્તેજવામાં કે વિકસાવવામાં ચિત્ત લગાડયું નથી. ગાંધીજીએ શિક્ષણમાં શારીરિક શ્રમનો ઘણો મોટો મહિમા કર્યો છે. સાધારણ રીતે ઉપલા વર્ગના અને મધ્યમવર્ગીય ભારતીયોને શારીરિક શ્રમ માટે તિરસ્કાર છે, નીચલી કક્ષાનું ગણે છે. શિક્ષણમાં શારીરિક શ્રમને સ્થાન આપી એનું ગૌરવ પુનઃ સ્થાપિત કરી શકાય; વળી એ શ્રમિકો સાથે તાદાત્મ્ય સાધવાનું મોટું હથિયાર છે. ઇલિચના પુસ્તકનું છેલ્લું પ્રકરણ ગ્રીક પુરાકથાઓ લઈને લખાયેલું છે – ખૂબ સુંદર છે. અહીં એની ખૂબ થોડી વાતો કરી વિરમીશું. લેખક કહે છે કે આધુનિક માણસનો ઇતિહાસ પેન્ડોરાના પુરાકથાની અવનતિનો છે. એ ઇતિહાસ ઝાંખી થતી આશાનો અને ઊભી થતી અપેક્ષાઓનો છે. આશા એટલે પ્રકૃતિના સારાપણામાં અતૂટ શ્રદ્ધા; અપેક્ષાનો અર્થ માણસે યોજેલા અને નિયંત્રિત કરેલાં પરિણામો ઉપર અવલંબન. મૂળ પેન્ડોરા પ્રાગ્ઐતિહાસિક માતૃપરક ગ્રીસમાં સર્વદાત્રી પૃથ્વીદેવી હતી. એણે પોતાના પાત્રમાંથી બધાં અનિષ્ટો જવા દીધાં, પણ આશા જાય એ પહેલા ઢાંકણું બંધ કરી દીધું. આ આશાના વિશ્વમાં આદિમાનવ જીવતો હતો. પ્રશિષ્ટ ગ્રીકે એમનાં વૃત્તાંતમાં પેન્ડોરાએ ઇષ્ટ અને અનિષ્ટ બન્ને છોડી મૂક્યાં એમ બતાવ્યું. એ ભૂલી ગયા કે એ સર્વદાત્રી આશાની પણ રખેવાળી હતી. પ્રશિષ્ટ ગ્રીકે આશાની જગ્યાએ અપેક્ષા સેવવા માંડી. છેવટે પ્રકરણના અંતભાગમાં લેખક કહે છે કે આપણને હવે જે અપેક્ષા કરતાં આશાનું મૂલ્ય કરતા હોય એવા લોક માટે નામ જોઈએ છે; પેદાશો કરતાં જેમને લોકો માટે પ્રેમ હોય એવા લોકો માટે નામ જોઈએ છે; જ્યાં દરેક જણ બીજાને મળી શકતો હોય એવી પૃથ્વીને ચાહતા હોય એવા લોકો માટે નામ જોઈએ છે. પછી યેવતુશેંકોની નીચેની પંક્તિઓ ટાંકે છે : And if a man lived in obscurity making his friends in that obscurity, obscurity is not uninteresting. ઇલિચનું સૂચન છે કે આવા આશાભર્યાં ભાઈઓ અને બહેનોને એપિમિથીઅન મનુષ્યો કહેવાં. ગ્રીક પુરાકથાશાસ્ત્રમાં પ્રમથીઅસ અને એપિમિથીઅસ બે ભાઈઓની કથા છે. એપિમિથીઅસ પ્રેમથીઅસનો વિરોધ છતાં પેન્ડોરાને પરણ્યો. નીતિવાન અને સ્ત્રીદ્વેષ્ટા પ્રશિષ્ટ ગ્રીકોને આ પ્રથમ સ્ત્રીનો ડર લાગ્યો. એમણે તર્કસંગત એકહથ્થુ સમાજ રચ્યો, અને એમનો આદિ પુરુષ પ્રમથીઅસ બન્યો. પ્રેમથીઅસ દેવો પાસેથી અગ્નિની ચોરી કર્યા પછી ટેક્નૉલૉજીઓની સાંકળે બંધાયો. ઇવાન ઇલિચની નિસ્બત – કન્સર્ન આપણી નિસ્બત બની રહો.

[મે, ૧૯૮૮