નીરખ ને/ચોર-ઘરફાડુ અને ઉત્તમ સર્જક

From Ekatra Wiki
Jump to navigation Jump to search

હવે જ્યારે પુસ્તક (Saint Genet) પૂરું થવામાં છે ત્યારે મને શંકા થાય છે કે ઝેનેને મેં પૂરો ન્યાય આપ્યો છે ખરો? મને લાગે છે કે મેં માણસ ઝેનેનો બધા સામે અને ક્યારેક ખુદ ઝેનેની સામે બચાવ કર્યો છે. પણ મેં લેખક ઝેનેનો પૂરો બચાવ કર્યો છે ખરો? આ અભ્યાસ એના સાહિત્યની પ્રસ્તાવનારૂપે છે. પણ એને બદલે લોકોને એ વિમુખ કરી મૂકે તો? ...હું કબૂલ કરું છું કે ઝેને એના વાચકોને સાધન તરીકે ગણે છે. એ બધા વાચકોનો પોતાની સાથે પોતાને વિશે વાત કરવા માટે ઉપયોગ કરે છે અને આ વિલક્ષણતા વાચકો સાથે વિચ્છેદ પણ લાવે. જ્યારે એ પોતાને પૂછે છે : ‘મારે ચોરી કરવી?’ ત્યારે એના જવાબમાં આપણને રસ પડશે એવી અપેક્ષા એ શા માટે રાખે? ઝેને કહે છે : ‘હું જે લખું છું એ માત્ર મારે માટે યથાર્થ (વેલિડ) છે.’ જાહેર પ્રજા પ્રત્યુત્તર વાળે છે : ‘જે વાંચવાની હું જહેમત ઉઠાવું છું એ બધા માટે યથાર્થ હોવું જોઈએ. એ ભલે ચોરીનો ઉપદેશ આપે; આપણે કમ-સે-કમ એની ચર્ચા તો કરી શકીએ; એના દૃષ્ટિબિંદુની તરફેણમાં કે વિરુદ્ધમાં ઊભા રહી શકીએ’ પણ એ કહેતો નથી કે કોઈએ ચોરી કરવી જોઈએ. ઊલટું એને ખબર છે કે એ ચોરી કરે છે એ ખોટું છે, અને ખોટા રહેવા માટે એ ચોરી કરે છે. એ તો આપણને કહેતો પણ નથી કે ખોટા થાઓ; આપણી પાસે એ કંઈ નથી માંગતો. જો કોઈ એના શિષ્ય થવાની યોજના ઘડે તો મને ખાતરી છે કે એ કહેશે : ‘કોઈ મારી જેમ વર્તી શકે જો એ હું ન હોઉં તો?’ આ કવિ આપણી સાથે દુશ્મનની જેમ વાત કરે છે ...મારો કોઈ પોલીસ-રેકોર્ડ નથી, અને મને છોકરાઓ માટે લગાવ નથી. છતાં ઝેનેનાં લખાણોએ મને ચલિત કર્યો છે. એ લખાણોએ જો મને ચલિત કર્યો હોય તો એમને મારી સાથે સંબંધ છે. જો એમનો મારી સાથે સંબંધ હોય તો હું એમાંથી ફાયદો મેળવી શકું.

ઝાઁ પૉલ સાર્ત્ર



ચોર-ઘરફાડુ અને ઉત્તમ સર્જક

એનેઇસ નીન, અમેરિકન લેખિકા, પોતાની રોજનીશીમાં લખે છે : ‘પ્રહાર ઉપર પ્રહાર ઉપર પ્રહાર, રોજનીશી બાળી નાખવાનું ખૂબ મન થઈ આવે છે; હું પૅરિસ નહીં જાઉં અને ઝેનેના ખુલ્લમખુલ્લા ગુન્હેગાર – મોન્સ્ટરના જીવનની જેમ ખુલ્લમખુલ્લા નહીં જીવું તો મરી જઈશ. અમેરિકાનું પ્યૂરિટન, મધ્યમવર્ગીય દંભી, વાસ્તવભીરુ વાતાવરણ પ્રાણવાયુના સદંતર અભાવ સમું છે... મેં બુર્ઝવા-વિશ્વ સાથે નાતો તોડી ન નાખીને અને સદંતર એક કલાકાર તરીકે ન જીવીને કિમ્મત ચૂકવી છે. બધા નિષેધો અને કાયદાઓ જ્યાં પહોંચી શકતા નથી, હું જેવી છું એવી, ઝાઁ ઝેનેની જેમ જે કોઈને પ્રતિબદ્ધ નથી, કોઈને તાબે નથી, મારામાં એવું જીવન જીવવાની પૂરેપૂરી હિમ્મત કેમ નથી? ...એક માત્ર ફ્રાન્સમાં જ ઝેને જેવા લેખકની એક ગુનેગાર તરીકે નહીં, પણ મુખ્યત્વે એક મહાન લેખક તરીકે ગણના થાય.’ આ ઝાઁ ઝેને (Jean Genet) ફ્રાન્સનો નવલકથાકાર, કવિ અને ઉત્તમ કોટિનો નાટ્યકાર ગણાય છે; આર્થિક બાજુએ એની કારકિર્દી ઘણા વખત સુધી, લેખક બન્યા પછી પણ ચોર-ઘરફાડુની હતી. ભારતીય સમાજમાં તો હું કલ્પના કરી શકતી નથી કે આવો કોઈ ગુનેગાર સર્જનવિશ્વની આવી કોઈ પરાકોટિએ પહોંચી શ્રેષ્ઠ સર્જક તરીકેની માન્યતા મેળવી શકે. ગુનેગારોમાં સર્જતા હોવી એ એટલી અસાધારણ વસ્તુ ન હોય. પણ સંસ્કારી દુનિયામાં જે ગુનેગાર ઠર્યો છે એની ટેલંટને માન્યતા-પ્રતિષ્ઠા થવી અસંભવત્ છે. અને આ કોઈ પશ્ચાત્તાપ કરતો કલાકાર નથી, બલ્કે ગર્વપૂર્વક ખોટું જાણીને પણ પોતાના ગુનાઓ સ્વીકારતો, એની કૃતિઓમાં એ ગુન્હાઓની સ્તુતિ કરતો સર્જક છે. કવિતાઓ-નાટકો-નવલકથાઓ લખતા પણ ચોરીઓ કરતો રહ્યો, જેલો ભોગવતો રહ્યો; પછી સમૃદ્ધિની એવી ટોચ પર પહોંચી ગયો કે ચોરી કરવાની એને જરૂર રહેતી નથી, અને રાજ્ય એને માફી બક્ષે છે. સાત્રે એના પુસ્તક, ‘સેંટ ઝેને’માં ઝેનેના માનસનું ઊંડાણપૂર્વક, વિસ્તૃત વિશ્લેષણ કરે છે, અને એની કૃતિઓની બારીકાઈપૂર્વક વેધક આલોચના કરે છે. સૂક્ષ્મ, તીવ્ર-તીક્ષ્ણ નિરીક્ષણો અને પૃથક્કરણ અને વ્યક્તિ માત્ર માટે સમભાવથી ધબકતું સાર્ત્રનું હૃદય આપણને યોગ્ય રીતે અભિભૂત કરે છે. છતાં એક પ્રશ્ન સતત ઘૂમરાતો રહે છે કે આવી વ્યક્તિ જ ઉત્તમ નાટ્યકાર બની શકે તો આખરે આ સર્જન શું છે? એ શું છે કે જેની પાસે આપણે વારંવાર જતા હોઈએ છીએ? સાર્ત્ર બાળક ઝેનેના માનસ-વિશ્વને એના સર્વ પ્રસ્તુત તાણાવાણા સાથે આપણી સમક્ષ ખડું કરે છે. મોટા ઝેનેના સંકુલ વ્યક્તિત્વનું બીજ ત્યાં પડ્યું છે. સાત વર્ષના ઝેનેને નેશનલ ફાઉન્ડલિંગ સોસાયટીએ એક મોરવન ખેડૂત દંપતીની દેખરેખ નીચે મૂક્યો છે. બાપ તો દૂર, એની મા પણ કોણ છે એની ઝેનેને ખબર નથીઃ એ ત્યજી દીધેલું બાળક છે. ખેડૂત ઘરમાં સુખી કહેવાય એવું એનું બાળપણ છે. એ રમે છે; ઘાસ-પાણીમાં આળોટે છે; ટૂંકમાં એ નિર્દોષ છે. ધાર્મિક પરિવેશમાં એ ઊછરે છે. વડીલો પ્રત્યે આદર ધરાવતો, સાલસ, સારો નાનો છોકરો છે; એના સાથી મિત્રો કરતા શરીરે નબળો, કદે છોટો, પણ વધારે બુદ્ધિશાળી છે; વર્ગમાં સૌથી મોખરે છે. એ ગંભીર, વિચારશીલ, મિતભાષી છે. સ્થાનિક પાદરીના મતે ધાર્મિક છે. ટૂંકામાં નગદ સોનું છે. સાર્ત્ર ઉમેરે છે : ‘The Myth of Childhood innocence is a convenient form of the Myth of Paradise Lost. It is the function of children from the age of one to ten, to represent for growups the original state of grace.’ ઘણાં બાળકોને, ખાસ કરીને જે ઘણા સલામત છે – દાખલા તરીકે વિશાળ કુટુંબમાં બધા ભાઈભાંડુઓમાં સૌથી મોટો છે – એમને વડીલો માટે આવા પવિત્ર ભાજન થવાનું લાભકર્તા લાગે છે. પણ કેટલાંક બાળકો એવાં હોય છે કે જેમની સાચી પરિસ્થિતિ જે મિથિકલ ગુણોથી એમને નવાજવામાં આવ્યા છે એની વિરુદ્ધની હોય છે. ઝેને એમાંનો એક છે. એનામાં એવી માન્યતા ઊભી કરાઈ છે કે એનો આત્મા શ્વેત છે. મોટેરાંઓની વાત એણે શબ્દશઃ સ્વીકારી છે. પોતે જે છે તે કરતા પોતે બીજા માટે શું છે એ વાત અગ્રેસર છે. દેખીતી રીતે નિર્દોષ અને સુખી હોવા છતાં એક પ્રકારની બેચેની એને સતાવે છે. ધાર્મિક – પવિત્ર – કાનૂની શબ્દોનું પઠન એની પાસે કરાવાય છે, પણ એનો મેળ પોતે જે છે અને પોતે જે અનુભવે છે એની સાથે બિલકુલ બેસતો નથી. એ પોતાને નિર્દોષ કેવી રીતે ગણી કે અનુભવી શકે? – એને મા નથી કે નથી વારસો. એનું માત્ર અસ્તિત્વ પ્રાકૃતિક અને સામાજિક વ્યવસ્થામાં ખલેલ પહોંચાડે છે. એ બનાવટી બાળક છે. પાછળથી એનાં પુસ્તકોમાં સ્ત્રી મા તરીકે જ દેખા દે છે. ઝેને છોકરીઓને અવગણે છે કે સોહામણા ખૂનીઓને એ છોકરીઓ સોંપી દેવામાં આવે છે જે મઝેથી એમને રહેંસી નાખે છે. કાયદેસર રીતે એ વહીવટી સંસ્થાઓનો છે. એથી જ પાછળથી એને રિફોર્મટરિઓ અને જેલો સાથે મળતાપણું લાગે છે. મેટેરે રિફોર્મેટરિને એ મા હોય એમ સંબોધે છે. માના ન હોવાને કારણે એની કોઈ વસ્તુ નથી. બીજાઓ માટે વસ્તુઓ ઉષ્માભરી અને જીવંત છે. પણ એ વસ્તુઓને જો હાથમાં લે તો એ મરી જાય છે. ઝેને માટે પરિસ્થિતિએ કદાચ જુદો જ વળાંક લીધો હોત જો ખેડૂતના ઘરને બદલે એને કોઈ કારખાનાના કામદારને ઘેરે મૂકવામાં આવ્યો હોત તો; તો ત્યાં નાનપણથી જ એ માલિકીના હક્કને પડકાર કરતો સાંભળતો આવ્યો હોત. પણ કમનસીબે એને ખેતરમાં કામ કરવાનું આવ્યું. અને અહીં તમે કાયદેસર વારસ હો તો જમીનના માલિક બની જાઓ છો. તમારો પરિવેશ તમને ઘડે છે. એટલે આપણો ભાવિ ઘરફાડુ મિલકત માટે પૂર્ણ આદર સાથે શરૂઆત કરે છે. નાનપણની એની બે રમતો હતી – એક સંતની અને બીજી વસ્તુઓની તફડંચી કરવાની. શબ્દ સેંટલિનેસ – સાધુચરિત્રતા-નું એને અદમ્ય આકર્ષણ હતું; પાછળથી એ ફ્રેન્ચ ભાષાનો એને અત્યંત સુંદર શબ્દ ગણાવે છે. એને લાગે છે કે કોઈ માણસ વધસ્તંભ ઉપર હોઠ ઉપર રમતા સ્મિત સાથે મૃત્યુને ન ભેટે તો એ નાલાયક છે. એવાં બાળકો હોય છે જેમની મહેચ્છા સૌપ્રથમ – અગ્રેસર રહેવાની હોય છે; લોકો એમની મહાનતાને સ્વીકારે એવા મહાન ઉદ્યોગપતિ કે મહાન ડૉક્ટર એમને થવું હોય છે. પણ ઝેનેના રહસ્યવાદમાં માનવીય વ્યવસ્થાનો સંપૂર્ણ ઇન્કાર દેખાય છે. જે છોકરાઓ ઈશુ ખ્રિસ્તને અનુસરવા માટે માબાપ છોડે છે એનો એ મોટો પ્રશંસક છે. પોતાના શરીર માટે તિરસ્કાર હોવાને કારણે વૈરાગ્ય – એસેટિઝમ – એને માટે સહેલો છે. એની બીજી રમત ચોરી કરવાની છે. આ ઊગતો સંત પાલક માબાપોને અને ક્યારેક પડોશીઓની ચીજોની તફડંચી કરે છે. પણ આ પ્રવૃત્તિ એની સંત થવાની રમતને અટકાવ્યા વગર, પૂરી નિર્દોષતામાં પશ્ચાત્તાપ કે શરમ વગર થાય છે. આવી ક્ષુદ્ર ચોરીઓની એની દૃષ્ટિમાં કોઈ ગણના નથી. ઝેનેને, અલબત્ત, ભૂખ્યા નથી રહેવું પડતું કે ઠંડીમાં થથરવું નથી પડતું. ભેટો પણ જોઈએ એ કરતા વધુ એની પાસે છે; બધું જ ભેટ છે. જે હવા શ્વસે છે એ પણ. નાનામાં નાની ભેટ પણ કોઈ ઉદારતાની ધૂનમાં મળી હોય તો તેનો પણ આભાર માનવો પડે છે. એ જોઈ શકે છે કે એને દત્તક લેવાની કે એને ખવડાવવાની એ લોકોને કોઈ ફરજ નહોતી. એને કંઈ પણ ન આપવા માટે એ લોકો મુક્ત છે; પણ એ ન સ્વીકારવા માટે મુક્ત નથી; ટૂંકમાં એ એમનો દીકરો નથી. સાચા દીકરાને આભારનો દેખાડો નથી કરવો પડતો. એને ઉછેરવાની એના પિતાની ફરજ છે. ઝેનેએ પાછળથી નીચી કક્ષાના લોકોને દેખાડાતી ઉદારતા પ્રત્યે પોતાનો ધિક્કાર વ્યક્ત કર્યો છે. ઝેને રમતમાંથી સાચી રીતે ચોરી તરફ વળે છે; ચોરીઓ વધતી જાય છે. આસપાસના લોકો વિમાસે છે કે ‘આ ઝેને તેજસ્વી, તન્દુરસ્ત, મોહક દૃષ્ટિ ધરાવતો, નિખાલસ સ્મિતવાળો દેવદૂત સમ હતો. અમારા મગજમાં જ પહેલા ઊતર્યું નહીં. પછી અમે ખરેખર દુભાયા. ખરેખર એણે અમને મૂર્ખ બનાવ્યા, એ દંભી છે. એણે પ્રમાણિકતાનો આંચળો ઓઢ્યો જેથી એ વધારે સારી રીતે છેતરી શકે.’ લોકોની આંખમાં એના ગુણો પણ ગુનાઓ બની ગયા. એના મનના જે બે એર-ટાઈટ ભાગ પડી ગયા છે તે આપણને દેખાતા નથી; એ પોતાના ગુણોને તફડંચીથી જુદા પાડે છે. આપણને દેખાતું નથી કે એ એક સાથે બે સ્તર ઉપર જીવે છે. ચોરીને અલબત્ત એ વખોડે છે. પણ જ્યારે એ એકલો હોય છે, અને ગુપ્તપણે એ જે અપરાધ આચરે છે એ અને એણે જે વખોડવું છે એ બન્ને એક છે એ એ જોઈ શકતો નથી. એ જે મેળવવા મથે છે એ તો નિયતિની વિરુદ્ધ જઈને પણ પદ્ધતિસરનો દરજ્જો, માબાપ, મિલકત છે. એ મથે છે પોતાની ગુપ્ત ગુનાહિત લાગણીને ઘટાડવા, અને જેમનો એ પ્રશંસક છે એની વધુ પાસે જવાને, ખરેખર એ શું શોધે છે? બીજા જેવા થવાનું, વધુ કશું નહીં. કેટલીક વાર અસ્પષ્ટપણે એનામાં કોઈક ઊંડું દર્દ ઊઠી આવે છે. એ ચોરે છે કે જેથી એને જે દર્દ ઊઠ્યું છે તે ઓછું થાય. જ્યારે કેક કે ફળ ગુપ્તતામાં ખાય છે ત્યારે એનું એ દર્દ ચાલ્યું જાય છે. ફરી પાછા એ પ્રમાણિકતાની કાયદેસરની સૂર્યપ્રકાશિત દુનિયામાં આવી જાય છે. એને મન આ દુનિયાનું જ મહત્ત્વ છે : બીજું તો દુઃસ્વપ્ન છે. એને માટે ઈશ્વર એની ગેરહાજર માનું સ્થાન લે છે; ચોરી મિલકતની અવેજીમાં છે; નાની ચોરી અહીં કે નાની ચોરી ત્યાં એના આંતરિક સમતોલપણા માટે પૂરતી છે. પણ નિર્દોષતામાં જ્યારે એ ચોરી કરે છે ત્યારે એને ખબર નથી કે એ એની નિયતિ ઘડી રહ્યો છે. ઝેને લખે છે કે ‘ગુનાએ મને જે બનાવ્યો તે બનવાનું મેં નક્કી કર્યું. જે નિયતિમાંથી એ છટકી શક્યો નહીં એ બનવાનું એણે નક્કી કર્યું. ભગવાન ઉપર પણ – એમ કહીને કે તેં મને બનાવ્યો છે માટે તું ગુન્હેગાર છે – દોષ ઓઢાડી દેવાનું શક્ય નહોતું. ઝેને ગુન્હેગાર થવા માટે મુક્ત હતો, પણ એને બદલાવું હોય તો એ માટે મુક્ત નહોતો, જેલ અને પિનલકોલોની ઝેનેના ભાવિમાં લખાયેલા છે. ઝેને જિંદગીમાં બીજો મોટો નિર્ણય કવિ થવાનો કરે છે. ચોર થવાનું નક્કી એણે એની અપ્રગલ્ભ દશામાં કર્યું છે. કવિ થવાનું એની યુવાવસ્થામાં, લગભગ ૨૮ વર્ષની ઉંમરે કરે છે. એનો આ નિર્ણય એનો મુક્તિદાતા બને છે. પણ આ નિર્ણય એને માટે સહેલો નથી. લખવું એટલે સંક્રમણ કરવું. એણેે જો સમાજને અનુરૂપ ઉચિત વિચારનારા લોકોને પોતાનાં સ્વપ્નોનો ચેપ લગાડવો હોય તો એમના મસ્તિષ્કમાં શું ચાલી રહ્યું છે એનો એણે વિચાર કરવો પડે. અત્યાર સુધી એને મન આ લોકો માત્ર ઠપકો આપવા નિર્માયેલા પવિત્ર આભાસો હતા. હવે આ લોકોને માણસ તરીકે એણે જોવા પડશે. બીજાંઓની સાથેના સંબંધનું આ રૂપાંતર એની પાસે ઘણો આયાસ માંગી લેશે. ઝેને સોળ વર્ષનો હતો ત્યારે એક જાણીતા ગીત-લેખક પાસેથી એને થોડી તાલીમ મળી છે. રમતા રમતા એક થોડાં ગીતો લખ્યાં છે. એ રીતે છંદો અને લયના નિયમોથી એ થોડો પરિચિત થયો છે. પછી જ્યારે વીસ વર્ષનો હતો ત્યારે એ પહેલી કવિતા લખે છે – દસ વર્ષ પહેલાં જે કન્યાને એ ચાહતો હતો એની મૃત્યુતિથિ હતી એ નિમિત્તે. એ લખે છે, ‘I wrote the verses in order to be moved.’ પછી લખવામાં મોટો ગાળો પડી જાય છે. પણ એ જાણતો હતો કે એ કવિતા લખી શકે છે. એની આ બૌદ્ધિક શ્રેષ્ઠતાની લાગણી કટોકટીની પળે નિર્ણય કરવામાં મદદરૂપ બને છે. અને નિર્ણય કરવાની એ ઘડી આવી પહોંચે છે. ગુન્હેગાર કેદીઓ બડાઈઓ મારતા, પડકારો ઝલીતા, સ્પર્ધાઓમાં ઊતરતા અપુખ્ત – કિશોરો જેવા હોય છે. ઝેને લખે છે : “મને એક જેલની કોટડીમાં ધકેલવામાં આવ્યો. ત્યાં ઘણા કેદીઓ નાગરિક લેબાશમાં હતા; મને ભૂલમાં કેદીનો વેશ આપવામાં આવ્યો હતો. એમણે મારો તિરસ્કાર કર્યો. એમાંના એક કેદીએ એની બહેન ઉપર થોડી કવિતાઓ લખી હતી. – તદ્દન બેવકૂફીભરેલી અને રોતલ; એમની એ લોકો પ્રશંસા કરતા હતા. આખરે ચીડમાં મેં એમને કહ્યું કે આવી કવિતા, હું પણ લખી શકું છું. એમણે મને પડકાર્યો અને મેં ‘Condemned Man’ લખી; એમની સમક્ષ મેં એ વાંચી અને એમને મારે માટે વધુ તિરસ્કાર વસ્યો. મેં કવિતા વાંચવાનું એમનાં અપમાનો અને ઠેકડીઓ વચ્ચે પૂરું કર્યું. જ્યારે જેલની બહાર હું આવ્યો ત્યારે એ કવિતા પૂરી કરવાનું મેં ખાસ નક્કી કર્યું; તિરસ્કૃત બની હતી એટલે એ કવિતા મારે માટે ખાસ મૂલ્યવાન બની ગઈ હતી.” તિરસ્કાર માટે તિરસ્કાર દ્વારા ઝેનેને પોતાની કવિતાનું મૂલ્ય લાગે છે. તુચ્છકારથી ઝળકતી તિરસ્કૃત કવિતાનું સૌન્દર્ય માત્ર ઝેને સમક્ષ પ્રગટ થાય છે. ઝેને બીજા માટે લખતો નથી. છતાં એને બીજાને નાખુશ કરવા છે, અને બીજાને નાખુશ કરવા માટે પણ એણે વાચકોને ચલિત કરવા પડે. જો એને પોતે પસંદ કરેલા વિષયથી બીજાનો ક્રોધ જગાડવો હોય તો પોતાની નિષ્ક્રિયતા છોડી દેવી પડે. અનિષ્ટથી આઘાત પહોંચાડવો – એની પ્રશંસા પણ બીજાને સમજાવી જોઈએ. એટલે પ્રત્યાયનને રિજેક્ટ કરવાની એની ઊંડી ઇચ્છા જ એને સંક્રમણ કરવાની કંઈ નહીં તોયે દેખાવ પૂરતી ફરજ પાડે છે. ઝેને કવિતાથી ગદ્ય તરફ વળે છે. નવલકથાઓ લખે છે. ઊંચા દરજ્જાનાં નાટકો સર્જે છે. અન્તઃપ્રેરિત લેખક કરતાં એ ઊલટો છે. વાક્યવિચારની બધી યુક્તિપ્રયુક્તિઓ સાથે એ કામ પાડે છે; રસળતી એની શૈલી છે. પણ એ સાથે એનામાં સહજસ્ફૂર્ત રીતે જે ધ્વનિએકમો જાગતા હોય છે અને મંત્રમુગ્ધતાથી સાંભળ્યા વગર રહી શકતો નથી. લખવા પછળનો એનો પ્રેરણાસ્રોત છે ધિક્કાર, દુઃખ અને અધમતા. એવા કલાકારો છે જે આકારનું સૌંદર્ય આહ્લાદદાયક ઉત્તેજના દ્વારા વધારે છે, અને એમના મોન્સ્ટરો પણ આરસપહાણમાં કોતરે છે. ઝેને આપણને બધો આનંદ નકારે છે. આપણને જે હીરો (ડાયમંડ) એ બક્ષે છે એ ગળફામાં કે થૂંકમાં શોધવો પડે છે; એનો ચળકાટ આપણને જેટલો આકર્ષે છે એટલી જ એની લાળ ધૃણા પેદા કરે છે. જાણે કે એ કહેવા માંગે છે કે સૌન્દર્ય બધે છે – આરસપહાણ, સોનામાં છે એટલું જ કાદવ અને પરુમાં છે. તેને માટે સૌંદર્ય સદ્ગુણીઓને એમણે જ સ્વીકારેલી ભૂમિકા ઉપર મારવા માટેનું આક્રમક હથિયાર છે. અપરાધી સૌંદર્યને પોતાની ઑથોરિટી તરીકે લઈ અપીલ કરે તો બધું પલટાઈ જાય. એક મૂલ્યની સામે બીજું મૂલ્ય મુકાયું છે. સારો માણસ અસ્વસ્થ બની જાય છે. સૌન્દર્યનાં ધોરણોએ મૂલ્યાંકન થવું જોઈએ એવું જ્યારે અપરાધી માંગે ત્યારે ચોથા પરિમાણમાં એ સરકી અને છટકી જાય છે. જોકે એ નોંધવું જોઈએ કે ઝેને સૌન્દર્યમીમાંસાને પૂરેપૂરી વળગી રહેતો નથી. સૌન્દર્યમીમાંસાને જે વરેલો હોય છે તે પ્રચલિત નીતિને પડકારે છે, અને પોતાના નિયમોથી મૂલ્યાંકન કરવાની માંગ કરે છે. ઝેને નીતિશાસ્ત્રને પૂરેપૂરું જાળવી રાખે છે; પોતે સજાપાત્ર છે એમ ગણાવવામાં એ રાજી છે એટલું જ નહીં, પણ સજાપાત્ર ગણાવવું એને માટે જરૂરી છે. સૌન્દર્યની સહાય તો માત્ર એની એક કવિતામાં કહે છે એમ “makes emergency exits open in his darkness’ – કટોકટીની પળે છટકબારી છે. એના અનિષ્ટનો આપણને ચેપ લગાડી ઝેને પોતાને મુક્ત કરે છે. એનું દરેક પુસ્તક વિરેચન-પ્રક્રિયા છે. સાહિત્યનાં એનાં દસ વર્ષ મનોવિશ્લેષણીય ઇલાજ સમાં છે.’ સાર્ત્ર સર્જક ઝેનેની સાર્ત્ર જ કરી શકે એવી વિશિષ્ટ – વિલક્ષણ તરફદારી કરે છે. ઝેને હોમો-સેક્સ્યુઅલ વિશે, ચોર વિશે આપણને કદી વાત કરતો નથી હોતો, બલ્કે હોમો-સેક્સ્યુઅલ તરીકે, ચોર તરીકે આપણી સમક્ષ આવે છે. આપણે જોવાને બદલે ભાગ લઈએ છીએ. આપણને લાગે છે કે “We have escaped only by an incredible stroke of luck from the vices that repel us most in others; we recognise with horror a subject. He is our truth as we are his; our virtues and his crimes are interchangeable.’ સાર્ત્ર ખૂબ જોરદારપૂર્વક અપીલ કરે છે કે આપણે ઝેનેનો, આપણા સાથીદારનa, આપણા ભાઈનો અવાજ સાંભળવો જોઈએ. આપણું પ્રચ્છન્ન, મહોરું પહેરેલું એકાંત છે એને એ અંતિમે લઈ જાય છે. એ આપણી નિષ્ફળતાઓને ફુગાવીને વિનાશના બિંદુએ લઈ જાય છે. આપણી અપ્રમાણિકતાને એવી ટોચે પહોંચાડે છે કે આપણે માટે અસહ્ય બની જાય છે. એ આપણા અપરાધભાવને ખુલ્લા દિવસના પ્રકાશમાં દેખાડે છે. આપણા પછી જે સમાજ આવશે એના વાચકો ઝેનેનો વિરોધ કરવાનું ચાલુ રાખશે, કારણ કે એ બધા સમાજોનો વિરોધ કરે છે. પણ બરાબર એટલા જ માટે આપણે એના ભાઈઓ છીએ. એવો પણ સમય હતો કે જ્યારે લોકોને એવું લાગતું નહોતું કે પોતે ભવિષ્યથી કપાઈ ગયા છે. એમને તો લાગતું હતું કે એ ભવિષ્ય રચી રહ્યા છે જેમાં એમનાં બાળકો મેળ મેળવી રહેશે. પણ ક્રાન્તિઓ હવે અશક્ય છે. સૌથી વધુ બેવકૂફીભર્યા લોહિયાળ યુદ્ધો આપણા શિર ઉપર તલવારની જેમ લટકે છે. મિલકત ધરાવતો વર્ગ પોતાના હક્કો માટે હવે એટલો ચોક્કસ રહ્યો નથી, અને કામદાર વર્ગ પાછળ હઠી રહ્યો છે. અન્યાયો માટે પહેલા કદીયે હતા એ કરતા આપણે વધારે જાગ્રત થયા છીએ, પણ એમને ઠીક કરવા માટે આપણી પાસે નથી સાધનો કે નથી ઇચ્છા. વિજ્ઞાનના પૂરઝડપી વિશ્વાસે ભવિષ્યની સદીઓને ઠોસ વર્તમાનના આંગણે લાવી દીધી છે; ભવિષ્ય અહીં છે. વર્તમાન કરતા પણ વધુ હાજર. લોકો ચંદ્ર ઉપર જશે, કદાચ જીવન પેદા કરવામાં આવશે. આપણો યુગ એ ભાવિ આંખો માટે વસ્તુ બની જશે. એ આપણી નિષ્ફળતાઓ અને અપરાધભાવને ખુલ્લાં કરશે. આપણો યુગ ક્યારનો મરી ગયો છે, વસ્તુ બની ગયો છે – જોકે આપણને જીવવું પડે છે. ઇતિહાસમાં આપણો યુગ એકાકી છે, અને આ ઐતિહાસિક એકાંત આપણા પરિપ્રેક્ષ્યોને નક્કી કરે છે. આપણે જે જોઈએ છીએ એ રહેવાનું નથી. ભાવિના લોકો આપણા અજ્ઞાન ઉપર હસશે, આપણી ભૂલો માટે ગુસ્સે થશે. આપણી પાસે કોઈ માર્ગ ખુલ્લો છે? મને એક માર્ગ દેખાય છે. હમણાંની ક્ષણમાં આપણી જાતને ખૂંપી દેવી; અને હારેલાની જીદથી અવગણનાપૂર્વક સંકલ્પ કરવો; જે સિદ્ધાંતો અદૃશ્ય થઈ જવાના છે અને જે સત્યો ભૂલો ગણાવાની છે એને ટકાવી રાખવા યુક્તિવાદ ઉપજાવવો. એટલા માટે સૉફિસ્ટ ઝેને આ યુગનો એક નાયક છે. આપણી આંખો સમક્ષ અને અપકીર્તિરૂપે ધરવામાં આવ્યો છે – જેવી રીતે ભાવિ સદીઓની નજર સમક્ષ આપણે છીએ. સદ્ગુણી – જસ્ટ એને દોષ દેવામાંથી અટકશે નહીં અને ઇતિહાસ પણ આપણા યુગને દોષિત ઠરાવવામાં પીછેહઠ નહીં કરે. ઝેને આપણે છીએ. એટલે આપણે એને વાંચવો જોઈએ. વાત સાચી છે કે જે ભૂલો આપણે નથી કરી, સ્વપ્ને પણ કરવાનું નથી ધાર્યું તે એ આપણા ઉપર ઢોળી દેવા માંગે છે પણ એથી શું? તેને આપણી સમક્ષ દર્પણ ધરે છે; એ દર્પણમાં આપણે જોવું જોઈએ અને આપણને નિહાળવા જોઈએ. સાર્ત્રનો તદ્દન ફાર-ફેરડ લાગતો છતાં ઝેને માટેનો ઊંડે અનુકંપાભર્યો, જોરદાર બચાવ આપણા મગજને ચકરાવામાં નાખી દે છે. શું છે આ સાહિત્યસર્જન, સર્જનનું સૌંદર્ય? એ શું સાચાખોટાથી તદ્દન નિરપેક્ષ છે? ગુનેગાર પણ એના વિકૃત માનસ દ્વારા ઉત્તમ કલાકૃતિ આપી શકે? ફ્રાન્સમાં ટેલંટને કારણે ઝેનેના ગુનાઓ માફ થયા છે અને એને ઉત્તમ સર્જક તરીકે માન્યતા મળી છે. આવું કદાચ ફ્રાન્સમાં જ બને અથવા તો ફ્રાન્સમાં પણ અપવાદ હોય. સાહિત્યસર્જનની રસિક વાચકવર્ગના મન ઉપર કેવી તો અદમ્ય પકડ હોય છે! એમની એ કઈ જરૂરિયાત સંતર્પે છે, કયા સહજસ્ફૂર્ત સત્યથી એમને જ્ઞાત કરે છે કે ચોર-ઘરફાડુના સાહિત્યમાં એના ચિર પ્રદાનને કારણે બધા ગુના માફ ઠરે છે? આપણે તો વિસ્મયથી સાર્ત્રે આપણી સમક્ષ ધરેલું ઝેનેનું ચિત્ર નિહાળવા સિવાય બીજું કંઈ કરી શકતા નથી.

[નવેમ્બર, ૧૯૮૭