પન્ના નાયકનો વાર્તાવૈભવ/ક્યુટિપ
શ્રેયા બાથરૂમમાં જવા ઊઠતી. મધરાતની આસપાસ એને જવું પડતું. એ લાઇટ કરતી નહીં. કામ પતાવી બાથરૂમની બારીમાંથી અચૂક બહાર જોતી. ક્યારેક પૂનમનો ચાંદ, ક્યારેક વરસતો સ્નો, ક્યારેક સૂસવતા પવનમાં ઊડતાં પાંદડાં, ક્યારેક બાજુના ઘરના ઢળેલા પડદા એ ક્ષણેક ઊભી રહેતી. શ્રેયાએ બારી બહાર જોયું. બાજુના ઘરમાં વિલિયમ ટીવી જોતો હતો. નાગો નાગો. બારી પાસે એકાદ ક્ષણ ઊભી રહેતી શ્રેયા એ રાતે ખાસ્સું ઊભી રહી. એ અને સિદ્ધાર્થ આ ઘરમાં રહેવા આવ્યાં ત્યારનો વિલિયમ બાજુના ઘરમાં રહે છે. વિયેટનામ વૉર વેટરન છે. કેમિસ્ટ છે. પરણ્યો નથી. બાળકો એને ગમતાં નથી. એણે એના અને શ્રેયા-સિદ્ધાર્થના ઘરની વચ્ચે ઍલ્યુમિનિયમની જાળીવાળી વાડ નંખાવી દીધી છે. વિલિયમનાં મા દસેક વરસ પર ગુજરી ગયાં છે. છેલ્લાં પાંચ વરસથી એણે અરલી રિટાયરમેન્ટ લઈ લીધી છે. સવારે ચાર સુધી ટીવી પર લેઇટ શો જોઈને સૂએ છે અને બપોરે બાર વાગ્યે ઊઠે છે. એ બપોરે વિલિયમ ઘાસ કાપતો હતો. પચાસની આસપાસની ઉંમરનો વિલિયમ, છ ફૂટ ઊંચો વિલિયમ, ગોરો ગોરો વિલિયમ, ભૂરી આંખોવાળો વિલિયમ, ભૂખરા વાળવાળો વિલિયમ, પૂરાં કપડાંમાં સજ્જ થયેલો વિલિયમ, હાથમાં લૉનમોવરવાળો વિલિયમ, રાતે જોયેલા નિરાવરણ વિલિયમ કરતાં સાવ જુદો લાગતો હતો. જાણે ઓળખાતો નહોતો. 'હાય, શ્રેયા.' વિલિયમે કહ્યું. 'હલ્લો વિલિયમ.’ 'ઇઝન્ટ ઇટ અ નાઇસ ડે?' 'સ્પ્લેન્ડિડ.' 'હાઉ ઇઝ સીડ?’ વિલિયમ સિદ્ધાર્થને સીડ કહેતો. ‘ઓ.કે. બિઝી ઍઝ યૂઝવલ.’ શ્રેયાને આખો દિવસ વિલિયમના વિચારો આવ્યા. એણે સિદ્ધાર્થ અને વિલિયમની સરખામણી કર્યા કરી. સિદ્ધાર્થ ઘઉંવર્ણો છે. શાર્પ ફીચર્સ છે. એનાં ચશ્માંના નંબર વધવા માંડ્યા છે. વાળનો રંગ મીઠુંમરી છાંટેલો થવા માંડ્યો છે. ફાંદ થોડી વધવા માંડી છે. રોજની જેમ રાતે સિદ્ધાર્થે પ્રેમ કર્યો. હાથ લંબાવી લાઇટ કરવા ગયો અને પાણીનો ગ્લાસ છટક્યો. ‘રાતે પાણી પીને સૂવાનું ક્યારનું શરૂ કર્યું?’ સિદ્ધાર્થે પૂછયું. 'રોજ આઠ ગ્લાસ પાણી પીવું જોઈએ.’ શ્રેયા ઊઠી. ઢોળાયેલું પાણી લૂછી નાંખ્યું બીજો ગ્લાસ પાણી લાવીને પીધું. કાનમાં ખંજવાળ આવતી હતી એટલે બાથરૂમમાંથી રૂ વીંટેલી લાકડાની સળીઓવાળા 'ક્યુટિપ્સ' લખેલા બૉક્સમાંથી એક ક્યુટિપ કાઢી કાન ખણ્યો. સિદ્ધાર્થ કપડાં પહેરીને પથારીમાં પડ્યો. ‘તું કપડાં પહેર્યા વિના સૂએ ખરો?’ ‘કેમ, મારાં કપડાં કરડે છે તને?’ સિદ્ધાર્થ પડખું ફરીને સૂઈ ગયો. શ્રેયાએ નિસાસો નાંખી એનાં કપડાં પહેરી લીધાં. સીલિંગ સામે તાકતી પથારીમાં પડી. એને વીતેલાં વર્ષો યાદ આવ્યાં. સિદ્ધાર્થ એને પૂછતો ‘આજે ‘કાર્યક્રમ' છે ને?’ એ ‘માથું દુઃખે છે', 'થાક લાગ્યો છે’, ‘શરદી જેવું છે' જેવાં ‘બહાનાં' કાઢતી. એનું કશું ચાલતું નહીં. પછી તો સિદ્ધાર્થે પૂછવાનું છોડી દીધું. રોજ રાતે સિદ્ધાર્થનો હાથ એની છાતી પર પડતો. સિદ્ધાર્થને બદલે વિલિયમ પ્રેમ કરતો હોત તો? કેવો હશે એનો સ્પર્શ? કેવાં ચુંબનો કરતો હશે? ભીનાં ભીનાં? ફોરપ્લે કરતો હશે? વિલિયમનું ઘર છોડીને ત્રીજા ઘરમાં હેધર રહે છે. એ સિંગલ છે. વિલિયમ અને હેધર ભેગાં કેમ નથી થતાં? શ્રેયા હેધરને કોઈ કોઈ વાર ગાડીમાં રાઇડ આપે છે. મધરાતની આસપાસ શ્રેયાને ઊઠવું પડતું. બારીમાંથી વિલિયમની બારી પર અચૂક નજર કરતી. કેટલીક વાર વિલિયમ સોફા પર નિર્વસ્ત્ર પડ્યો હોય. કેટલીક વાર સોફા ખાલી હોય. સોફા ખાલી હોય ત્યારે વિલિયમ શું કરતો હશે? જમતો હશે? એનું ઘર કેવું હશે? વ્યવસ્થિત, અવ્યવસ્થિત? ટેલિફોન પર વાત કરતો હશે? કોની સાથે? કોણ હશે એના મિત્રો? વાત કરતાં હસતો હશે? સામેનાને હસાવતો હશે? શ્રેયાના ઘરમાં નવો સોફા આવ્યો. ફર્નિચર કંપનીવાળાએ જૂનો સોફા ખસેડીને નીચેના ઓરડામાં ન મૂકી આપ્યો. નીચે મૂકવા માટે મદદની જરૂર હતી. ‘વિલિયમને બોલાવી લે ને.' શ્રેયાએ કહ્યું. 'ના. પ્રદીપ મદદ કરશે.' શ્રેયા શાવર લઈને બહાર નીકળી. ટુવાલ શરીર પર વીંટાળ્યો. જમણા હાથની આંગળી ગાલ પર ટેકવી. એને એકલા હોવાનો આનંદ થયો. એને એના સિવાય કોઈ જ જોતું નહોતું. એણે અરીસા સાથે મસલત કરી. સાપ કાંચળી ઉતારે એમ એણે પહેરવાનાં તમામ કપડાં બારણા બહાર ફગાવી દીધાં. ટુવાલને શરીર પરથી સેરવી દીધો. બાંધેલા વાળ છોડી નાંખ્યા. ખુલ્લા વાળ ડોક પર પથરાઈ ગયા. એણે એનાં સ્તનો અરીસામાં જોયાં. પછી એનાં પર હાથ ફેરવ્યો. એમાં એને પુરાયેલાં પંખીઓનો કલબલાટ સંભળાયો. ક્યાંય સુધી એણે એના નિર્વસ્ત્ર શરીરને જોયું. એણે ક્યુટિપની ડબ્બીમાંથી એક ક્યુટિપ ખેંચી. કાનના ભીના ગોખલામાં નાંખી. ચુસાયેલી ક્યુટિપને હાથમાં રમાડી. પછી એને વેસ્ટપેપર બાસ્કેટમાં ફેંકવાને બદલે બાથરૂમની બારી ખોલી વિલિયમની બારી તરફ એનો ઘા કર્યો. હજી સવાર હતી. વિલિયમ સૂતો હશે. બિચારી ક્યુટિપનું શું ગજું કે બારણે ટકોરા દે? શ્રેયાને તીવ્ર ઇચ્છા થઈ આવી કે એની નિરાવરણ કાયાને માત્ર બાથરોબથી ઢાંકી એ વિલિયમ કને દોડી જાય. એ એમ કરી શકી નહીં. સિદ્ધાર્થના મહાભિનિષ્ક્રમણની જાણે એને પ્રતીક્ષા કરવી રહી.
*
અચાનક સિદ્ધાર્થની મિત્રપત્ની અવસાન પામી. મિત્રને દિલાસો આપવા સિદ્ધાર્થને બહારગામ જવું પડ્યું. મધરાતે નિર્વસ્ત્ર વિલિયમ ટીવી જોતો હતો ત્યારે શ્રેયાએ એને ફોન કર્યો. ‘વિલિયમ, ધિસ ઇઝ શ્રેયા. આઈ એમ સ્કૅર̖ડ.' 'વૉટ હૅપન્ડ?' ‘સીડ હૅઝ ગૉન આઉટ ઑફ ટાઉન ઍન્ડ સમવન ઇઝ ડાઉનસ્ટેર્સ. મે બી અ રૉબર. પ્લીઝ કમ. હેલ્પ મી પ્લીઝ.’ ‘આઈ હૅવ ટુ ગેટ ડ્રેસ્ડ. ગિવ મી ટુ મિનિટ્સ.' 'નો, નો, કમ ઍઝ યુ આર.' 'હેધર, લેટ અસ બોથ ગો. શ્રેયા નીડ્સ હેલ્પ...’