પન્ના નાયકનો વાર્તાવૈભવ/થૅન્ક યુ, મિસિસ ડેસાઈ
‘આપણું ઘર હવે જૂનું થવા માંડ્યું છે...’ શોભા થોડા કંટાળા સાથે બોલી. ‘તે?’ ગિરીશે એને અધવચ અટકાવી. ‘આપણે રિપેર કામ કરાવવું જોઈએ. પાછલા બેડરૂમમાં પાણી ગળી ગળીને સીલિંગ પર ધાબાં પડી ગયાં છે. ડિશવૉશર ચાલતું નથી. ફેન્સ પાસેનો થાંભલો તૂટી ગયો છે. એટલે બારણું બંધ થતું નથી...’ ‘બોલ, બોલ, આગળ બોલ, હજી કેટલી મોટી યાદી છે?’ ‘ગિરીશ, તને રસ જ નથી ઘરની બાબતમાં.’ ‘તો તું શું કરે છે? બોલાવી લે કોઈ માણસને અને ઘર રિપેર કરાવી લે. મને ઘરમાં ભેરવીશ નહીં. મારે ઑફિસનું કામ ઘણું છે. જુએ છે ને મોડું થાય છે ઘેર આવતાં...’ ‘હું થોડી ઘેર બેઠી છું? આ બંને જણે ભેગા થઈને વિચારવાની વાત છે. રિપેર કરનારો માણસ ભરોસાપત્ર તો હોવો જોઈએ ને?’ ‘કેમ, તને કોઈ ખાઈ જવાનું છે કે ઉપાડી જવાનું છે આ ઉંમરે? અરીસો જોયો છે હમણાંનો?’ ‘તારાં આ વાક્યો હર્ટ કરે છે, ગિરીશ !’ શોભાએ નક્કી કરી નાખ્યું કે એ જ ઘર રિપેર કરાવશે. એણે ચાર જણને પૂછ્યું. બાજુવાળી રોબર્ટાએ જ્હોન કાર્પેન્ટર નામનો હેન્ડીમેન મેળવી આપ્યો. ‘આઈ વિલ ચાર્જ યુ ટુ હન્ડ્રેડ ડૉલર્સ અ ડે, મિસિસ ડેસાઇ, ઇઝ ઇટ ઓ.કે? આઈ ગેરન્ટી, યુ વિલ બી વેરી હેપી વિથ માઈ વર્ક.’ બધા અમેરિકનો ‘દ’ની જગ્યાએ ‘ડ’ બોલે એમ જ્હોને ‘ડેસાઈ’ કહ્યું. ‘હાઉ મેની ડેઝ વિલ ઇટ ટેઇક?’ કામની યાદી બતાવી શોભાએ પૂછ્યું. ‘ઇટ ડિપેન્ડ્સ વન્સ આઈ સ્ટાર્ટ.’ ‘ઓ.કે. સ્ટાર્ટ ઓન સેટરડે.’ શોભાને થયું કે શનિ-રવિ ગિરીશ ઘરમાં હોય ત્યારે જ્હોન આવે તો સારું. શનિવારે જ્હોન એની લાલ વેન લઈને આવ્યો. વેનમાંથી જોઈતાં ઓજારો કાઢ્યાં. લોન્ડ્રી રૂમમાંથી અંદર આવવાના બારણા પાસે ગોઠવ્યાં. બાજુમાં એની લન્ચબૅગ અને પીવાનું પાણી. ‘યુ ડિડન્ટ હેવ ટુ બ્રિન્ગ યોર લન્ચ.’ ‘થૅન્ક યુ, મિસિસ ડેસાઈ.’ જ્હોને પાછલા બેડરૂમમાં ખાટલા પર, કમ્પ્યુટર પર અને બુકશેલ્ફ પર ચાદરો ઢાંકી દીધી. સીડી પર ચડી સીલિંગ સેન્ડ કરી, એક પ્રાઇમર લગાડ્યો. પ્રાઇમર સુકાય ત્યાં સુધી ફેન્સના થાંભલા પર કામ કર્યું. ‘આ તારો હેન્ડીમૅન બ્લેક છે.’ ગિરીશે કહ્યું. ‘તે?’ ‘કલ્લુને ઘરમાં ઘલાતો હશે? કાલે ઊઠીને ચોરી કરશે તો? હું નહીં હોઉં ત્યારે તારી સાથે અડપલું કરશે તો?’ ‘ગિરીશ, કાળા માણસો એટલે ખરાબ જ એવું કેમ માની લે છે? અને કાળાને ‘કલ્લુ’ કહેવો એ આપણને શોભતું નથી. રોબર્ટાએ એને માટે ભલામણ કરી એટલે જ હાયર કર્યો છે.’ ‘તો તું જાણે. પછી કહેતી નહીં કે મેં તને વૉર્ન નહોતી કરી.’ શોભાએ જોયું કે જ્હોન મૂંગો મૂંગો કામ કરતો હતો. એક વાગે એણે એની વેનમાં બેસીને સેન્ડવિચ ખાધી. કોક પીધો. પાછું કામ શરૂ કર્યું. ‘કેન આઈ ઑફર યુ અ કપ ઑફ ટી ઓર કૉફી?’ શોભાએ ફેન્સ પાસે જઈને પૂછ્યું. ‘નો થૅન્ક યુ, મિસિસ ડેસાઈ.’ જ્હોન ખાસ્સો ઊંચો હતો. નાક ચપટું. જાડા હોઠ. તેજસ્વી આંખો. આછા થતા જતા ભૂંગળીવાળા વાળ. પહેરવેશમાં ચોખ્ખું ટી શર્ટ અને ભૂરું જીન્સ. આવે ત્યારે જૅકેટ પહેરીને આવે ને પછી બારણા પાસેના ક્લોઝેટના નૉબ પર લટકાવે. ‘મિસિસ ડેસાઈ, કમ એન્ડ સી ધ પોલ આઈ હેવ ફિક્સ્ડ.’ શોભાએ જોયું કે થાંભલો હવે મજબૂત હતો. ફેન્સનું બારણું વ્યવસ્થિત બંધ થતું હતું. ‘આઈ વુડ ગેટ ધ આઉટસાઇડ રેઇલિંગ પેઇન્ટેડ ઇફ આઈ વર ચુ.’ ઘરને પાંત્રીસ વરસ થયાં. રેઇલિંગ કટાઈ ગઈ હતી. ઠેકઠેકાણે રંગ ઊખડી ગયો હતો. ‘યસ જ્હોન. ગુડ આઈડિયા લેટ અસ ગેટ ઇટ પેઇન્ટેડ.’ ‘જ્હોન એમ કરી કરીને પૈસા પડાવશે. કાલે કહેશે આખો બાથરૂમ નવો કરી આપું.’ ગિરીશે રેઇલિંગ રંગવાની વાત સાંભળીને કહ્યું. ‘તો ખોટું પણ શું છે? મને નવો બાથરૂમ ગમશે.’ ‘હા, હા, વ્હાય નોટ ! તારી બહેનપણીઓને વાદે વાદે...’ ગિરીશ વાક્ય પૂરું કરે એ પહેલાં શોભા ખસી ગઈ. રવિવારે સાંજે ગિરીશ અને શોભા ગ્રેજ્યુએશન પાર્ટીમાં ગયાં. ડ્રિન્ક્સ હતાં અને પછી જમવાનું. ઘેર આવીને શોભાની તબિયત બગડી. સોમવારે ઘરે રહેવું પડ્યું. રોબર્ટાને બદલે એણે જ બારણું ખોલ્યું. ‘આરન્ચ્યુ ફીલિંગ વેલ, મિસિસ ડેસાઈ? કેન આઈ ડુ એની થિંગ?’ ‘યસ, ઈફ યુ ડોન્ટ માઇન્ડ. કેન યુ ગેટ મી ધ મેડિસીન ફ્રોમ ધ ડ્રગ સ્ટોર?’ શોભાને સારું લાગ્યું. લંચ ટાઈમે એણે જ્હોનને રસોડામાં બેસીને સેન્ડવિચ ખાવા કહ્યું. જ્હોનને વાંધો ન હોય તો એની વાત કરવા કહ્યું. જ્હોનનું કુટુંબ આફ્રિકાથી, ગુલામ તરીકે આવેલું. એના વડવાઓ નૉર્થ કેરોલાઇનમાં કપાસના ખેતરોમાં કામ કરતા. એ થોડું ભણ્યો. હેન્ડીમૅનનું કામ શીખ્યો. વિલ્મીંગ્ટન, નૉર્થ કેરોલાઇનમાં બહુ કામ મળે એમ નહોતું. એટલે એના કાકાને ત્યાં ફિલાડેલ્ફીઆ આવ્યો. ડોના નામની કાળી છોકરીના પ્રેમમાં પડ્યો. પરણ્યો. બાળકોમાં જેક અને જેનેટ દીકરો-દીકરી. ડોના મુસ્લિમ થઈ ગઈ અને જ્હોનને છોડી દીધો. છોકરાંઓને લઈને એ વર્જિનિયા સ્ટેટમાં ચાલી ગઈ. જ્હોન છોકરાંઓને મહિને એક વાર મળે છે. હવે જ્હોન ટરીસા નામની છોકરી સાથે રહે છે. ટરીસા ડર્ગ અડીક્ટ હતી. જ્હોનની અસરથી ‘ક્લીન’ થવા માંડી છે. જ્હોન સિગારેટ કે દારૂ પીતો નથી અને બીજું કોઈ વ્યસન નથી. ‘મિસિસ ડેસાઈ, આઈ હેવ ઓબ્સવ્ડ ધેટ યુ ઇન્ડિયન્સ હેવ મેઇડ ઇટ હિયર ઇન સચ એ શોર્ટ ટાઇમ, આઈ એમ રિઅલી હેપી.’ શોભાએ એને કહ્યું કે ઇન્ડિયન પ્રજા ઉદ્યમી છે. એ પ્રજા કુટુંબવ્યવસ્થા અને શિક્ષણ પર ભાર મૂકે છે. ‘હાઉ અબાઉટ યોર ચિલ્ડ્રિન? આર ધે ઇન કૉલેજ?’ ‘યસ.’ ‘મિસિસ ડેસાઈ, ઇટ સીમ્સ ધેટ મિસ્ટર ડેસાઈ ડઝ નોટ લાઇક મી. ઇઝ ઇટ બિકોઝ આઈ એમ બ્લેક?’ ‘ઓહ, જ્હોન ! ધેટ્સ નોટ ટ્રુ. હી ઇઝ જસ્ટ પ્રીઓક્યુપાઇડ વિથ ઑફિસ વર્ક.’ શોભાએ એને પૂછ્યું કે એના બીજા કસ્ટમર્સ એને ઘર સોંપે છે ખરા? જ્હોને કહ્યું કે કસ્ટમર્સ એના પર પૂરો વિશ્વાસ મૂકે છે. આખું ઘર સોંપી દે છે, પણ જ્હોને કોઈ દિવસ કોઈની એક વસ્તુને હાથ લગાડ્યો નથી. ‘માણસ સચ્ચાઈથી જીવે તો જીવવા જેટલું ભગવાન આપી જ રહે છે. હું ચોરી કરું કે કોઈને હર્ટ કરું તો લોર્ડ જીસસ મને ચાહવાનું છોડી દે.’ શોભા બપોરે છાપું વાંચતી હતી ત્યાં જ્હોન આવ્યો. ‘મિસિસ ડેસાઈ, આઈ એમ ગોઇંગ ટુ ‘હોમ ડીપો.’ વુડ યુ વાઇક ટુ ગો?’ શોભા કોઈ દિવસ પરપુરુષ સાથે શૉપિંગ કરવા ગઈ નહોતી. એને થ્રીલ થઈ આવી. ‘વ્હાય નોટ?’ ‘ડુ યુ ગો શૉપિંગ ફોર હોમ આઇટમ્સ વિથ મિસ્ટર ડેસાઈ?’ વેનમાં જ્હોને પૂછ્યું. ‘નો. માઈ હસબન્ડ ડઝ ઓલ ધ શૉપિંગ. હી થિન્ક્સ આઈ કેનોટ ચેઇન્જ ઇવન એ લાઇટ બલ્બ.’ શોભાથી બોલાઈ ગયું. જ્હોન મોટેથી હસવા લાગ્યો. ‘મિસિસ ડેસાઈ, એવરીથિંગ લૂક્સ ડિફિકલ્સ અ ફર્સ્ટ ટાઇમ. આઈ વિલ ટીચ યુ.’ ‘હોમ ડીપો’ જોઈને શોભા હેબતાઈ ગઈ. બે બ્લોક જેટલી લાંબી પહોળી વખાર એણે ક્યારેય જોઈ નહોતી. આપમેળે ઘર બાંધવા માટેના અથથી ઇતિ સુધીનો સામાન વ્યવસ્થિત ગોઠવાયેલો હતો. જાતજાતની ડિઝાઇનના રસોડા, બાથરૂમ, ફિક્સચરો, કાર્પેટ, અધધધ !!! જ્હોને રેઇલિંગ માટે રંગ લીધો. ‘ડુ યુ નીડ એનીથિંગ, મિસિસ ડેસાઈ?’ જ્હોને પૂછ્યું. શોભાએ સ્વિચીસ, ઇસ્ત્રી, ઇસ્ત્રીના ટેબલ માટે પેડ અને કવર, બારી માટે વિનિશિયન બ્લાઇન્ડ્સ વગેરે ચીજો લીધી. ‘જ્હોન યુ વિલ હેવ ટુ હેલ્પ મી ફિક્સ ઓલ ધીઝ.’ ‘અફ કોર્સ.’ પાછા વળતાં જ્હોને બહુ જ જાણીતી ‘સ્ટારબક કૉફી’ પાસે વેન ઊભી રાખી. અંદર જઈ બંને માટે કૉફી અને પેસ્ટ્રી લઈ આવ્યો. વેનમાં બેસીને બંનેએ પેસ્ટ્રી ખાધી અને કૉફી પીધી. ‘હું ટોલ્ડ યુ ઑલ ધીસ? આઈ એમ સો ટચ્ડ.’ ‘યુ ડિઝર્વ ઇટ, મિસિસ ડેસાઈ.’ શોભાએ ઑફિસમાંથી વધારે દિવસોની રજા લઈ લીધી. ‘તને જ્હોન સાથે ફાવી ગયું છે.’ ગિરીશે કહ્યું. ‘ગિરીશ, પ્લીઝ !’ ‘મિસિસ ડેસાઈ, પેઇન્ટ આમ થાય, સ્વિચીસ આમ નંખાય. બ્લાઇન્ડ્સ આમ ટિંગાડાય, વૅક્યૂમ ક્લીનરની બૅગ આમ બદલાય. કાર્પેટ શૅમ્પૂ આમ કરાય, ઇસ્ત્રીના ટેબલ પર પેડ આમ ફીટ કરાય, ટાઇટ કવર આમ ચડાવાય...’ શોભાએ જ્હોનને કહ્યું કે એણે આ બધું શીખવવાના ક્લાસ કાઢવા જોઈએ. ‘હું વિલ કમ ટુ માઈ ક્લાસ એક્સેપ્ટ યુ?’ જ્હોન હસ્યો. કામ પૂરું થતાં બાર દિવસ થયા. ‘લેટ મી મેક શ્યોર ધ બેડરૂમ સીલિંગ ઇઝ ઓ.કે.’ છેલ્લે દિવસે જ્હોને સીલિંગ તપાસી. ‘એવરીથિંગ ઇઝ ફાઇન, મિસિસ ડેસાઈ, યોર હાઉસ ઇઝ ઇન ગુડ શેઇપ નાઉં.’ જ્હોનના હાથમાં ચેક મૂકી શોભા એને ભેટી પડી. ‘જ્હોન, યુ આર એ ગુડ વર્કર ઍન્ડ આ વેરી નાઇસ પર્સન.’ ‘મિસિસ ડેસાઈ, નેવર હેઝીટેટ. કૉલ મી ઇફ યુ નીડ મી. આઇ એમ ઓન્લી આ ફોન કૉલ અવે.’ શોભા જ્હોન કાર્પેન્ટરને એની લાલ વેનમાં બેસીને જતો જોઈ રહી. બારણું બંધ કર્યું ત્યારે જોયું કે જ્હોન એનું જૅકેટ ભૂલી ગયો હતો. શોભા નવા રંગાયેલા રસોડામાંથી ડોગ્વુડ અને ચેરી બ્લોસમ્સથી લચેલાં વૃક્ષોને જોતી અને જ્હોને શીખવાડેલા સમારકામને યાદ કરતી કરતી ચા પીતી ક્યાંય સુધી બેસી રહી. પછી ઉપર જઈ ઇસ્ત્રીના ટેબલ પર નવી ઇસ્ત્રીથી જ્હોનના જૅકેટને ઇસ્ત્રી કરતી કરતી મનમાં બોલી, ‘થૅન્ક યુ, જ્હોન કાર્પેન્ટર.’
*
સાંજે રડમસ ચહેરે ગિરીશ ઘેર આવ્યો. શોભાએ કારણ પૂછ્યું. ગિરીશે જૅકેટના ખીસામાંથી પરબીડિયું કાઢી શોભાના હાથમાં મૂક્યું. શોભાએ એમાંથી કાગળ કાઢ્યો. લખ્યું હતું : ‘કાળી છોકરી સાથે અડપલાં કરવા બદલ મિસ્ટર ગિરીશ દેસાઈને નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે...’