પન્ના નાયકનો વાર્તાવૈભવ/વાર્તાકાર પન્ના નાયક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાર્તાકાર પન્ના નાયક

શરીફા વીજળીવાળા

28-12-1933ના રોજ મુંબઈ મુકામે જન્મેલાં પન્ના નાયક મૂળે કવિ જીવ. થોડીક વાર્તાઓ, લેખો રૂપે ગદ્ય ખેડ્યું પણ એમનો Comfort Zone તો કવિતા જ. કવિતા અને કાવ્યસંગ્રહોની સંખ્યા પણ એ વાતની સાહેદી પૂરશે. 1960થી અમેરિકા જઈને વસેલાં પન્ના નાયકની વાર્તાઓની વાત કરતાં પહેલાં જરાક ડાયસ્પોરા સાહિત્ય વિશે બે વાત. ‘ડાયસ્પોરા’ સંજ્ઞા, જેનાં મૂળિયાં બે ભૂમિમાં રોપાયેલાં છે તેવી વ્યક્તિ કે પ્રજા માટે પ્રયોજાય છે. આ સંજ્ઞામાં એક જગ્યાએથી ઉખડીને નવી ભોંયમાં મૂળિયાં રોપવાનો અર્થસંકેત રહેલો છે. દેશ કે વતન છોડવાનાં કારણો અલગ અલગ હોય. દા.ત. સોલ્ઝેનિત્સિન જેવાને દેશવટો દેવાયો હોય. યહૂદીઓને જર્મની છોડીને ઈઝરાયલ જવું પડ્યું હોય... સ્થળાંતર કરે કે દેશવટો દેવાય – મૂળિયાં બંને ઘટનામાં ઉખડે જ છે પણ નોકરી, વ્યવસાય કે પોતીકી ઇચ્છાથી મૂળ વતન કે દેશ છોડીને પરદેશ જતી વ્યક્તિ કે પ્રજા માટે પણ આપણે ડાયસ્પોરા સંજ્ઞા જ વાપરીએ છીએ. મૂળમાં વતનથી વિચ્છેદ થવાની, કેન્દ્રથી ચ્યૂત થવાની જે અર્થચ્છાયા હતી આ સંજ્ઞામાં તે હવે સ્વેચ્છાએ થતા પરદેશગમનમાં અદૃશ્ય થતી જાય છે. આપણે કહી શકીએ કે ગુજરાતી ડાયસ્પોરા સ્વૈચ્છિક ડાયસ્પોરા છે. આપણા દેશમાંથી 1960-’70ના દાયકામાં અમેરિકા ગયેલા લોકો અમેરિકાના મોહમાં ગયા હતા, એમને અહીંથી કોઈએ જાકારો નો’તો દીધો. આ પેઢી વર્ષોથી પોતાની ઇચ્છાથી અમેરિકામાં રહે છે અને એમણે છોડેલા ભારતના એ સમયના રીતરિવાજો, વિધિવિધાનોને તેઓ જળોની જેમ ચોંટી રહ્યા છે. એમને કાળા લોકો નથી ગમતા, બિનગુજરાતી ભારતીય, મુસ્લિમો સામે એમને પ્રશ્નો છે, પણ એમના પછીની પેઢી અમેરિકામાં જ જન્મી અને મોટી થઈ એટલે એમને એમની જૂની પેઢી સામે પ્રશ્નો થાય છે. નવી પેઢીને ધોળા-કાળા, નાત-જાત એવા કોઈ વાડા નથી સ્પર્શતા. ‘જેવો દેશ તેવો વેશ’ જૂની પેઢી નથી સ્વીકારી શકી પણ નવી પેઢીએ સ્વીકારી લીધેલું છે. પન્ના નાયકની લગભગ બધી વાર્તાઓનો પરિવેશ અમેરિકન છે. એમની વાર્તાઓમાં ઉપર કહી તે બંને પેઢીનાં પાત્રો છે. અહીં ‘થેંક્સગિવિંગ ડે’ ઉજવનારાઓ પાછા ઘરમાં પાક્કા ભારતીય રિવાજો પાળે છે. બીજાને ત્યાં જાય ત્યારે કામમાં મદદ કરવાની હોય એવું સમજનારા પાછા ઘરમાં ભારતીય સ્ત્રી-પુરુષની જેમ જ વર્તે છે. જો કે, પતિ-પત્ની બંને મળીને મોટેલ સંભાળે એ પણ સમયનો તકાદો છે. સ્ત્રીઓ કામ કરે છે, મોટર ચલાવે છે, ભૌતિકવાદી જીવનધોરણ જીવે છે પણ બાળકો, પતિ કે સગાઓ સાથેના એમના વ્યવહારો બિલકુલ જ ભારતીય છે. આમ તો પન્ના નાયકે કુલ 28 વાર્તાઓ લખી છે. એમાંથી દસ-બાર વાર્તાઓ ચર્ચા ખમી શકે એવી છે. આપણે 3-4 સારી વાર્તા લખનારનો જયજયકાર કર્યો હોય તો આઠ-દસ સારી વાર્તા લખનારની વાત થવી જોઈએ એવું હું માનું છું. વર્ષોથી ભારત છોડીને અમેરિકામાં વસી ગયેલાઓને ભારત પાછા આવવું નથી. ત્યાં જ રહેવું છે પણ એમને ભારતીય અસ્મિતા નથી છોડવી. ’70ની આસપાસ ગયેલા લગભગ તમામ ભારતીયની આ પ્રકારની માનસિકતા ‘લેડી વીથ અ ડૉટ’ વાર્તામાં પડઘાય છે. આ વાર્તાની અલ્પા અમેરિકા માટે ‘આ મારો દેશ છે.’ એવું પોતાની જાતને કહે છે. સમાંતરે એ વિચારે છે, ‘હું ભારતીય છું અને અમેરિકામાં રહું છું એનો અર્થ એવો નહીં કે મારે શું પહેરીને ક્યાં જવું એ બીજા નક્કી કરે. અમારે ભારતીય સ્ત્રીઓએ સાડી પહેરવી છે, પંજાબી ડ્રેસ પહેરવો છે, ચાંલ્લો કરવો છે. એ અમારી ભારતીય અસ્મિતા છે.’(20) એના કપાળ પરના ચાંલ્લાને ‘ડૉટ’ કે ‘બ્લીડિંગ ફોરહેડ’ કહેનારા અમેરિકન ટીનએજર પર અકળાતી, ગરમ થતી અલ્પાને એનો પતિ રાજીવ, બિલકુલ સાચી વાત કહે છે : ‘ઈન રોમ યુ શુડ ડુ વોટ રોમન્સ ડુ.’ ધારો કે ટૂંકા સ્કર્ટ અને છાતી દેખાડતા શર્ટ્સ પહેરીને અમેરિકન સ્ત્રીઓ આપણે ત્યાં ફરે તો આપણા ટીનએજર કે રખડું છોકરાઓ શું વિવેકપૂર્ણ વ્યવહાર કરવાના? નહીં, એ પણ અર્ધી ઉઘાડી ફરનારી સ્ત્રીઓ સાથે અવિવેકી વર્તન જ કરવાના. આ પ્રશ્ન બે દેશની સંસ્કૃતિ, રહેણીકરણી, પહેરવેશનો છે. ને એની વચ્ચે ફસાયેલા લોકોનો પ્રશ્ન છે જેમને વતનનો મોહ છૂટતો નથી પણ એમને રહેવું તો અમેરિકામાં જ છે. ‘અમેરિકા મારો દેશ છે.’ એવું બોલનારાઓને રહેણીકરણી, રહનસહન, પહેરવેશ બધું ભારતીય રાખવું છે. આ એમનું બેવડું ધોરણ છે કે પછી દ્વિધાના દ્વીપ પર ઊભેલાઓની, સંક્રાન્તિકાળના લોકોની આ અવઢવ છે? મને દ્વિધા ઓછી અને બેવડું ધોરણ વધારે લાગે છે. વાર્તાના અંતે અલ્પાના ચાંદલાની મજાક ઉડાડનાર દુકાનવાળા છોકરાની આંખમાં મરચું નાખતી અલ્પા ભલે એવું વિચારતી હોય કે એણે એ છોકરાને પાઠ ભણાવ્યો કે મજાકનો બદલો લીધો પણ એવું છે નહીં. આ પ્રશ્નનો ઉકેલ અલ્પા કે વાર્તાના સર્જક માને છે એટલો સહેલો નથી. આ ડાયસ્પોરિક પ્રજાનો પ્રશ્ન છે. તમે પસંદગીથી બીજા દેશના નાગરિક બન્યા છો તો હવે મૂળિયાંને પકડી રાખવાનો, અસ્મિતા, સંસ્કાર, સંસ્કૃતિ વગેરેની વાત કરવાનો ઝાઝો અર્થ નથી. Yes, ઈન રોમ યુ શુડ ડુ વોટ રોમન્સ ડુ. કોઈ ચોખા મૂકવા તો આવ્યા નહોતા કે તમે તમારો દેશ, સંસ્કૃતિ બધું છોડીને અમારે ત્યાં આવો. અલ્પાએ જે પગલું ભર્યું એને સ્ત્રીના પ્રોટેસ્ટ તરીકે બિરદાવવાની જરૂર મને નથી લાગતી. મને આ વાર્તામાં નારીવાદી કહી શકાય એવું પણ કશું નથી લાગ્યું. તમને અપમાન લાગ્યું અને તમે એકદમ બાલિશ રીતે બદલો લીધો. બસ, વાત આટલી જ છે. પન્ના નાયકની ‘નિત્યક્રમ’ કે ‘નૉટ ગિલ્ટી’ વાર્તા લગ્નેતર સંબંધની છે. આ વાર્તાઓથી આપણને આઘાત એટલા માટે લાગે છે કે આપણે પરણેલો પુરુષ અન્ય સ્ત્રીના પ્રેમમાં પડે, એને મળવા જાય એવું જોવા-સ્વીકારવા જ ટેવાયેલા છીએ. ક્યારેક આ પ્રકારના સંબંધ માટે પુરુષ પાસે જેન્યુઇન કારણ હોય, ક્યારેક કોઈ જ કારણ વગર પુરુષ અન્ય સ્ત્રી પાસે ગયો હોય એવી વાર્તાઓ પણ આપણે ત્યાં છે. પણ પન્ના નાયકની વાર્તાઓમાં પરણેલી, સુખી નાયિકાઓ અન્ય પુરુષ પાસે ગઈ છે. ‘નૉટ ગિલ્ટી’ વાર્તાની ચિત્રા પરણેલી છે, સુખી છે, એક દીકરી છે અને છતાં હવે એ દર શુક્રવારે જિતેન્દ્રને મળે છે. 36મા શુક્રવારે કપડાં પહેરતી ચિત્રાને જિતેન્દ્ર પૂછે છે : ‘તને ગિલ્ટી ફીલ થાય છે?’ ચિત્રા ના પાડે છે. જિતેન્દ્ર વિશે ચિત્રાને કોઈ કુતૂહલ, પ્રશ્નો નથી થતા. પણ જિતેન્દ્રને કુતૂહલ છે. ચિત્રા એના પતિ નીલેશને શું કહેતી હશે? અહીંથી જઈને દીકરી-પતિ સાથે કેવી રીતે વર્તતી હશે? મૂળમાં જિતેન્દ્ર ઇચ્છતો હતો કે ચિત્રા ગિલ્ટી ફીલ કરે, પતિ સાથે નથી ફાવતું, દીકરીના કારણે એણે પતિ સાથે રહેવું પડે છે – એવો કકળાટ કરે એવું જિતેન્દ્ર ઇચ્છે છે. પણ ચિત્રા, એવો કોઈ કકળાટ નથી કરતી. જિતેન્દ્ર પ્રશ્ન કરે છે : ‘તું નીલેશને ચાહે છે?’ ચિત્રાનો જવાબ ‘હા’ છે. જિતેન્દ્રને સમજાઈ ગયું કે ચિત્રાને જિતેન્દ્રનું કુતૂહલ નહીં, એના સવાલો નહીં, દલીલો કરતું એનું મન નહીં, માત્ર દર શુક્રવારે મળતો ભરપૂર પ્રેમ જોઈએ છે... અને જિતેન્દ્રને થાય છે કે, ‘આવતા શુક્રવારે જમતી વખતે એ ચિત્રાને કહી દેશે કે એમનો પ્રેમ પૂરો થયો છે.’ આનો અર્થ એ થાય કે પુરુષ પત્ની-બાળકો સાથે સુખી હોવા છતાં અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખી શકે છે પણ જો સ્ત્રીને એવી ઇચ્છા થાય તો સમાજ તો ઠીક પણ એ સ્ત્રીના પ્રેમમાં પડેલો પુરુષ પોતે પણ આ વાત સ્વીકારી નથી શકતો. એને સ્ત્રી દુઃખી હોય, બિચારી-બાપડી હોય તો એને સાંત્વના આપવા કે સહાનુભૂતિ દાખવવા એની સાથે પ્રેમ કરવાનું ગમે છે. વાર્તા આટલે અટકી હોત તો પણ સમાજને પ્રશ્ન પૂછનારી વાર્તા તરીકે એનું મૂલ્ય હોત જ. પણ વાર્તાની છેલ્લી ચાર-પાંચ લીટી એને એક જૂદો વળ ચડાવે છે. આ વાર્તા લખનાર ફાલ્ગુની એના ક્રિએટીવ રાઇટિંગના પ્રૉફેસર ડૉ. જોષીને વાર્તા વાંચવા આપે છે. તેઓ કહે છે : ‘જુઓ, આ હજી વાર્તા નથી બનતી. માત્ર વિચાર જ રહે છે. એમાં સચ્ચાઈ ખૂટે છે... તમે સ્ત્રીની જગ્યાએ પુરુષપાત્રને મૂકી જુઓ. સ્ત્રી સિંગલ હોય અને પુરુષ પરિણીત.’ ફાલ્ગુની ચમકે છે : પોતે પરિણીત પુરુષના પ્રેમમાં છે એની ડૉ. જોષીને કેવી રીતે ખબર? ફાલ્ગુનીના જીવનમાં એવું જ છે જેવું ડૉ. જોષીએ વાર્તા માટે કહ્યું. માત્ર વાર્તામાં એણે ઊંધી કલ્પના કરી. બધી રીતે સુખી સ્ત્રી માત્ર શરીરના સંતોષ માટે કોઈ અન્ય પુરુષને પ્રેમ કરતી હોય તો? ફાલ્ગુનીને સમજાયું કે વાસ્તવિક જગત તો ઠીક, પણ કલ્પનાના જગતમાં પણ કોઈ આ પ્રકારના સંબંધને સ્વીકારી શકતું નથી. વાર્તા પન્ના નાયકની હોય કે ફાલ્ગુનીની – પુરુષ એકલી રહેતી સ્ત્રી પાસે જતો હોય એવું જ સ્વીકાર્ય બને. અહીં તો ચિત્રા જિતેન્દ્ર પાસે જાય છે ! પાછી ચિત્રા ગિલ્ટી ફીલ પણ નથી કરતી ! પતિને ચાહે છે, સુખી છે એટલે જિતેન્દ્રનો ઈગો ઘવાય છે. ભલેને જિતેન્દ્ર અમેરિકા જેવા મનની મોકળાશવાળા દેશમાં રહેતો હોય, એની વિચારવાની આદત તો Typical ભારતીય પુરુષ જેવી જ છે. ‘નિત્યક્રમ’નો વાર્તાનાયક પરણેલો છે. એને ચાર વર્ષનો દીકરો છે. એ પ્રેરણાને પત્ની, દીકરા વિશે, પોતાના વ્યવસાય વિશે, પોતા વિશે લંબાણથી વાત કરે છે. પ્રેરણાની દીકરી કૉલેજમાં ભણે છે. પતિ ડાયમન્ડ મર્ચન્ટ છે. એ દર બુધવારે મેટિની શોમાં એકલી મૂવી જોવા જાય છે એ વાતથી કથકને આશ્ચર્ય થાય છે. પણ એને પ્રેરણા ગમી ગઈ છે. જાત પરથી કાબૂ ગુમાવ્યો હોય એમ એ પ્રેરણાને મળવાની કોશિશ કરે છે. મૂળે એ ડરપોક છે. પત્ની કે બોસ પાસે એ ખોટું નથી બોલી શકતો. પણ પ્રેરણાને મળવું જ છે એટલે એનું નિમંત્રણ સ્વીકારે છે. પ્રેરણા એને બેડરૂમમાં ખેંચી જાય છે. કથક ક્ષોભ સાથે એને પ્રેમ કરે છે. એણે કદી પરસ્ત્રીને પ્રેમ કર્યો નથી. પણ પતિ અરુણ સાથે ફોન પર વાત કરતી પ્રેરણા કથાનાયકનો હાથ પંપાળતી ઠંડે કલેજે અરુણને કહે છે : ‘અત્યારે શું કરું છું? તું એટલું વહાલ કરે છે કે મને સુખના સોજા આવ્યા છે. બ્લાઉઝના આંતરસેવા ખોલું છું.’(30) થરથર કાંપતા કથાનાયકને પેશાબ થઈ જાય એવો ભય લાગે છે. એના મનમાં ભયાનક અપરાધભાવ જાગે છે. પણ પ્રેરણા તો પતિને પૂછી રહી છે : ‘જમવામાં શું બનાવું?’ કથક જલ્દીથી ભાગી છૂટે છે. પણ એને પ્રેરણાનો સાથ ગમ્યો હતો. એને નવાઈ લાગે છે. પ્રેરણા માટે આ કેટલું સહજ હતું? આંખ પલકારવા જેવું સહજ, સવારે ઊઠીને બ્રશ કરવા જેટલું સહજ. કથકને પ્રશ્ન થાય છે : ‘આવી સહજતા કેવી રીતે આવતી હશે? પોતાના ઘરમાં અંધારામાંય દાદર મળી જાય એ માટે પગને ટેવાવું પડે છે. એટલે સવાલ ટેવનો છે. પત્ની કે બોસ પાસે ખોટું બોલતા કથકને લાગે છે કે પહેલીવાર ખોટું બોલવું કે ખોટું કરવું અઘરું છે. પણ પછી ટેવાઈ જવાય, કોઠે પડી જાય, સહજ બની જાય. આંખ પલકારવા જેટલું સહજ.’ (31) અને એ બીજા બુધવારની રાહ જોવા માંડે છે. હવે એ સહજ થવા જેટલો તૈયાર થઈ ગયો છે. મણિલાલ હ. પટેલ આ વાર્તા વિશે લખે છે : ‘માની શકો છો કે પ્રેરણા ગુજરાતી વાર્તાનું સ્ત્રીપાત્ર છે? પૂર્વે તો આવાં પાત્રો કલ્પવાં અઘરાં હતાં. ને આજે પણ ગુજરાતીમાં આવી ‘બોલ્ડનેસ’થી કહેવાયેલી વાર્તાઓ કેટલી છે? ભાગ્યે જ એક-બે...!’ (પન્ના નાયકનો વાર્તાલોક-11) આવું વિધાન કરતી વખતે મણિલાલ પટેલ ભૂલી જાય છે કે આ ગુજરાતી ભાષામાં લખાયેલી અમેરિકન પરિવેશની વાર્તા છે. ગુજરાતમાં કુટુંબજીવન-સમાજજીવનનું માળખું હજી ટકેલું છે એટલે આવો સંબંધ બાંધનારી ધારો કે હોય તો પણ એ કબૂલ ન કરી શકે. હજુ આપણે ત્યાં લગ્નજીવન કે પરંપરાગત મૂલ્યોનો મૃત્યુઘંટ નથી વાગ્યો, એટલે સ્વાભાવિકપણે જ આવી boldness ન હોય અને એટલે એવી વાર્તા પણ ન હોય. અને આવી ગુજરાતણ ન હોય એનો મને જરાય અફસોસ પણ નથી. ‘નિત્યક્રમ’ અને ‘નૉટ ગિલ્ટી’ વાર્તાની નાયિકાઓનાં વર્તનથી આપણને આઘાત એટલા માટે લાગે છે કે જેમ આપણે ત્યાં આવા સંબંધ બાંધતો પુરુષ કોઈ જાતનો મનોસંઘર્ષ નથી અનુભવતો એમ આ સ્ત્રીઓ પણ એમના અન્ય પુરુષ સાથેના સંબંધ સંદર્ભે કોઈ મનોસંઘર્ષ નથી અનુભવતી. આપણે મનોવિજ્ઞાન કે ફ્રોઈડની વાત કર્યા વગર આ વાત સમજી શકીએ. માનવસ્વભાવનો, એની પ્રકૃતિ કે વર્તનનો પાયો સામાજિક અને સાંસ્કૃતિક ઘટકોમાં રહેલો છે, જૈવિક ઘટકોમાં નહીં. માણસ ક્યાં રહે છે, કોની વચ્ચે, કયા પરિવેશમાં મોટો થાય છે એ મુજબ જ એ વર્તવાનો, એટલે આ નાયિકાઓનાં વર્તન બદલ આઘાત પામવાની કે રાજી થવાની જરૂર નથી. અહીંથી ગયેલાઓની બીજી પેઢી એટલે જ કાળાઓના પ્રેમમાં પડી, લીવ ઈનમાં રહી વગર લગ્ને બાળકો પેદા કરવાની વાત પિતા સાથે કરી શકે છે. દા.ત. ‘રીઅલ ભાગ્યોદય’ વાર્તા. પન્ના નાયકની એક કરતાં વધારે વાર્તામાં ચમત્કૃતિભર્યો અંત છે. ક્યાંક એ ઓ. હેન્રી પ્રકારની ચમત્કૃતિ છે. દા.ત. ‘વળાંક’ કે ‘ક્યુટિપ’. તો ‘કથા નલિનભાઈની’ જેવી વાર્તામાં અંતની ચમત્કૃતિ પાત્રો માટે નથી પણ વાંચનાર માટે છે. ‘કથા નલિનભાઈની’ વાર્તા સ્ત્રી-પુરુષની Sex Psychology ને સ્પર્શે છે. વાર્તા અમેરિકન પરિવેશમાં ઊઘડે છે. જો કે, વર્ષો સુધી અમેરિકામાં રહ્યા પછી પણ અહીં નજરે ચડતા તમામની વિચારસરણીમાં, રીતરિવાજોમાં ભારતીયતા એવી ને એવી જળવાઈ રહી છે. ‘શનિવારની મધરાતે નલિનભાઈ વીસીઆર પર ‘કમ ઍન્ડ ગેટ ઈટ’ ફિલ્મ પૂરી કરી ઝોકા ખાવા લાગ્યા.’ વાર્તા આ પ્રથમ વાક્યથી જ સ્વપ્નપ્રદેશમાં સરી ગઈ છે. જો કે, આ રહસ્ય તો અંતે જતા ઊઘડે છે. અંતે પહોંચીને આ વાર્તાને ફરીવાર વાંચવાની જરૂર નહીં પડે. કારણ કે, અહીં શુદ્ધ ઓ. હેન્રી પ્રકારની ચમત્કૃતિ છે. વિજયાબહેનના મતે, નલિનભાઈ ગંદી ફિલ્મો જોવા અને અશ્લીલ મૅગેઝીન વાંચવા સિવાય કશું કરતા નથી તો નલિનભાઈના મતે, વિજયાબહેનને સ્વાધ્યાય અને ગીતાપાઠ સિવાય કશું સૂઝતું નથી. પથારીમાં બેઉ વચ્ચેની ખાસ્સી જગ્યા નલિનભાઈની અકળામણનું કારણ છે. નલિનભાઈની માગણીના જવાબમાં વિજયાબહેન હંમેશા બહાનાં ધરે છે, શિખામણો આપે છે... ‘દીકરાને ત્યાં દીકરો છે. ગંદી ફિલ્મો જોવાની બંધ કરી માળા જપો...’ વગેરે વગેરે. આ કથા રોજની છે એટલે ઉશ્કારાયેલા નલિનભાઈએ વિજયાબહેન તરફ ધસી મોઢા પર ઓશિકું દબાવી દીધું. અજાગ્રત મનમાં પડેલી આ એમની ઝંખના છે જે સ્વપ્નમાં સાકાર થતી દેખાઈ રહી છે. વિજયાબહેનનાં મરણના સમાચારે ભેળા થયેલા સંબંધીઓ નલિનભાઈ વિશે જે પ્રકારની ચિંતા વ્યક્ત કરે છે એમાં એક વાત સ્પષ્ટ થાય છે. સાથીદારના જવાથી ઊભી થતી ચિંતાઓ માત્ર સામાજિક જ હોઈ શકે. એકલા પડેલા સાથીને ખાવાપીવા સિવાયની સમસ્યા હોઈ શકે એવું સ્વીકારવા આપણે જાણે તૈયાર જ નથી. ભેળી થયેલી બહેનોએ નલિનભાઈને જમવાની મુશ્કેલી નહીં પડે એવી ખાતરી આપી. (સપનું નલિનભાઈનું છે એટલે એમને ગમતી દિશામાં જ જાય એ સહજ, સ્વાભાવિક છે.) બહેનોની ઑફર સાથે જ નલિનભાઈ મનગમતા ખ્યાલો ચગળવા માંડે છે. વારાફરતી કોણ કોણ આવશે? કેટલા વાગે આવશે?... આભાર માનવા એ માથું ધુણાવશે, હાથ મિલાવશે કે ઔપચારિક આલિંગન આપશે? જોઈ શકાય છે કે વ્યવહારુ પ્રશ્નો ઉકેલાઈ રહ્યા છે ત્યારે પણ નલિનભાઈનું મન તો એમની પોતીકી સમસ્યામાં જ રમમાણ છે ને એટલે જ આ કથા છે. આ કંઈ એક નલિનભાઈની વાત થોડી જ છે? આવા કેટલાય નલિનભાઈઓની સહિયારી કથા છે આ. શોકસભામાંથી ઘરે આવતા નલિનભાઈને વિજયાબહેનની કચકચ વગરનું ઘર ગમે છે. નલિનભાઈની જિંદગી બહેનોને સહારે શાંતિથી ચાલવા માંડી ત્યાં એક સાંજે ખાવાનું લઈને આવેલાં જયવતીબહેન પૂછે છે : ‘તમને રોજ રોજ દાળ-ભાત-રોટલી ખાઈને કંટાળો નથી આવતો?’ આ પ્રશ્ન ક્યારેક હોટલમાં ખાવા જેવો ઈશારો છે. જયવતી બહેન કહે છે : ‘તમે કોઈની સાથે બહેનપણાં કરોને, તમે કાંઈ ઘરડા નથી થયા.’(37) પુરુષ માટેનું આબાદ સત્ય છે આ, Sex બાબતે એ કદી ઘરડો થતો જ નથી ને સ્ત્રી વહેલી પરવારી જાય છે. એમાંથી આરંભાય છે કથા નલિનભાઈઓની... જયવતીબહેનના ગયા પછી નલિનભાઈ ચગળવી ગમે એવી કલ્પનાઓ પર ચડી જાય છે. ને જયવતીની રાહ જોતા, રૂપાળા થઈને બેઠેલા નલિનભાઈને ટી.વી. જોતાં જોતાં ઝોકું આવી જાય છે. બારણું ખટખટાવવાના અવાજથી જાગીને બારણું ઉઘાડે છે ત્યાં ‘કેમ આટલી વાર લાગી? રવિવારની મોડી સવારેય પેલી ફિલમ જોતા’તા કે શું? કેવા ધણી સાથે પનારો પડ્યો છે મારો? સ્વાધ્યાય માટે ઘર બહાર પગ મૂક્યો નથી ને અહીં ફિલમ શરૂ થઈ નથી...’(38) પત્નીના આવા કકળાટ સાથે વાર્તા પૂરી થાય છે. આ કકળાટ જ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. એક ઝોકાથી બીજા ઝોકા સુધીની સફરમાં નલિનભાઈ કેવી સરસ ફિલ્મ જોતા હતા એની પત્નીને ખબર પડે તો? પત્નીનો પ્રવેશ નલિનભાઈના સુંદર સપનાનો ભાંગીને ભૂક્કો કરી નાખે છે. પન્ના નાયકની વાર્તાઓમાં કથનરીતિનું રસ પડે એવું વૈવિધ્ય છે. એમની ‘નિત્યક્રમ’ અને ‘ખલનાયક’ વાર્તા મધુરાયની ‘ધારો કે’ વાર્તાની જેમ જ સંબોધન શૈલીમાં કહેવાયેલી છે. ‘વળાંક’ વાર્તા નાયિકા દ્વારા કહેવાઈ છે. કથનશૈલી એ પ્રકારની છે જાણે એ કોઈ સાથે વાત કરતી હોય. સામેના પાત્રના સવાલના જવાબ આપતી હોય એ રીતે વાર્તા આગળ વધે છે. વાર્તાકથક જે કંઈ કહે, જુએ, અનુભવે, પ્રતિક્રિયા આપે એમાંથી આપણે વાર્તાને ગ્રહણ કરવાની. સામેનું પાત્ર શું બોલ્યું હશે એના વિશે કથકના જવાબ પરથી આપણે અનુમાન કરવાનું. દા.ત. દીકરી અને એની બહેનપણીઓને નાયિકા કહે છે : ‘સ્કૂલમાં શું કહે છે? ફોરહેડ બ્લીડિંગ? તો તમારે સમજાવવાનું અને એમ કહેવાનું કે એ આપણો રિવાજ છે. અમેરિકામાં શા માટે? એમ કહેવાનું કે આપણે આપણી આઈડેન્ટિટી મેઈન્ટેઇન કરવી છે. બધા હસે છે? તો એમ કહેવાનું કે બ્યુટીમાર્ક છે...’(40) આખી વાર્તા આ જ શૈલીમાં કહેવાઈ છે. કદાચ આવી કથનશૈલીને કારણે અંતે થતો રહસ્યસ્ફોટ પ્રભાવક બન્યો છે. દીકરી નિધિ અને એની બહેનપણીઓ પૂર્વા અને કેયાને શારદાબેનના ઘરે ઉતારી વાર્તાકથકને પંડિત જસરાજના કોન્સર્ટમાં પહોંચવું છે. પતિને અચાનક કોન્ફરન્સ આવી પડી અને શારદાબેન લેવા આવી શકે એમ નહોતાં એટલે ન છૂટકે એણે ત્રણેય બહેનપણીઓને ઉતારવા શારદાબહેનને ત્યાં જવું જ પડે એમ હતું. એ કોન્સર્ટમાં જવાની હતી એની એના પતિને ખબર હતી. નિધિ, પૂર્વા, કેયાએ કહ્યું કે કોઈ ગાડી પીછો કરી રહી છે, ગન બતાવે છે એટલે ગાડીની ઝડપ વધારતી વાર્તાકથક કહે છે : ‘અહીંના કેટલાય માણસોને થાય છે કે આપણે ઈન્ડિયનો બહુ કમાઈએ છીએ. પૈસા બનાવીએ છીએ ને મોટાં ઘરોમાં રહીએ છીએ. કામ કેટલું કરીએ છીએ એ ક્યાં જોવા આવે છે?’ અમેરિકામાં રહેતા ભારતીયોની આ સાચી ફરિયાદ છે. એમણે કાળી મજૂરી કરી આ જાહોજલાલી ઊભી કરી છે જેની હવે અમેરિકનોને ઈર્ષા થાય છે. બીજી વાર્તામાં પણ આવો ઉલ્લેખ છે. કથક દીકરીઓને પૂછે છે : ‘શું? પોલીસ સાયરન વાગે છે? આપણને બાજુ પર ઊભી રાખવાનું કહે છે?’ છોકરીઓને કાચ, દરવાજો લૉક કરવાની સૂચના આપ્યા પછી એ પોલીસ અધિકારી સાથે વાત કરે છે. એને મોડું થાય છે. એણે માણસોને બરાબર જોયા પણ નથી તો એણે શા માટે પોલીસ સ્ટેશન જવાનું? પોલીસના કહેવાથી છોકરીઓને ઉતારીને એ પોલીસ સાથે જાય છે. હવે આપણને એની પોલીસ સાથેની વાતચીત સંભળાય છે. ‘મારા હસબન્ડને ખબર છે? શાની? કોન્સર્ટની? હાસ્તો. પણ મારે આ છોકરીઓને ઉતારવા જવું પડશે એની એને ખબર નહોતી... ઑફિસર બહુ મોડું તો નહીં થાય ને? મારે કોન્સર્ટમાં જવાનું છે. અરે ઑફિસર ! સામેથી આવે છે એ તો મારા હસબન્ડ છે. એને તમે ક્યારે ખબર આપી? અરે, એના હાથમાં બેડી કેમ પહેરાવો છો? આ તો મારા હસબન્ડ છે. એને એરેસ્ટ કેમ કરો છો? એણે પેલા માણસોને પૈસા આપેલા? મને મારી નાખવા? હોય નહિ ઑફિસર. આ મજાકનો વખત નથી. એવું બને જ નહીં. વી આર હેપિલી મેરીડ... તમે ભૂલ કરો છો... તમારી પાસે પ્રૂફ છે? ઓહ માઈ ગોડ…’(45) પતિ પાસે આવું કરવા માટે કારણ હશે... વાર્તા એની નથી. વાર્તા પત્નીને લાગતા આઘાતની છે. હેપિલી મેરીડનો એનો વહેમ કેવો ખોટો પડ્યો તેની છે. અને આ આઘાત તીવ્ર બન્યો છે આ પ્રકારની કથનશૈલીને કારણે. ‘ક્યુટિપ’ પણ ચમત્કૃતિભર્યા અંતવાળી વાર્તા છે. જો કે, આ ચમત્કૃતિ વાર્તાની નાયિકાને છોભીલી પાડી દે અને વાંચનાર મલકી ઉઠે એ પ્રકારની છે. શ્રેયા-સિદ્ધાર્થની પડોશમાં પચાસેકનો વિલિયમ રહેતો હતો. એ નિવૃત્ત હતો, અપરિણીત હતો. એને બાળકો નો’તાં ગમતાં. એ લોકો વચ્ચે દૂરથી હાઈહલ્લો કરવાનો સંબંધ હતો. અડધી રાતે ટીવી જોતા સાવ ઉઘાડા વિલિયમને જોયા પછી શ્રેયાને સતત એના જ વિચાર આવ્યા કરે છે. શ્રેયાની ઇચ્છા હોય કે ન હોય તોય પતિ તો રોજ ધરાર પ્રેમ કરતો. બેઉ વચ્ચેના સંબંધમાં શ્રેયાની ઇચ્છાને કોઈ સ્થાન નહોતું. શ્રેયાને પડ્યા પડ્યા થાય છે કે સિદ્ધાર્થને બદલે વિલિયમ પ્રેમ કરતો હોત તો? એનો સ્પર્શ, એના ચુંબનો કેવા હશે? ફોરપ્લે કરતો હશે? આના પરથી સમજવાનું કે સિદ્ધાર્થ નહીં કરતો હોય. શ્રેયા વિચારે છે કે બાજુના ઘરે હેધર એકલી જ રહે છે તો આ બંને ભેગાં કેમ નહીં રહેતાં હોય? રોજ મધરાતે ઉઠી જતી શ્રેયા સોફા પર પડેલા નગ્ન વિલિયમને જોતી, એના વિશે વિચારતી. પોતાની નગ્ન કાયાને અરીસામાં જોતી શ્રેયાને વિલિયમ પાસે દોડી જવાની ઇચ્છા થતી. એકવાર સિદ્ધાર્થને મિત્રપત્નીના અવસાન અંગે બહાર જવાનું થયું એટલે શ્રેયા નિર્વસ્ત્ર થઈને ટીવી જોતા વિલિયમને ફોન કરે છે : ‘અહીં આવ. નીચે કોઈ હોય એવું લાગે છે. મને ડર લાગે છે.’ વિલિયમ : ‘આઈ હેવ ટુ ગેટ ડ્રેસ્ડ. ગીવ મી ટુ મિનિટ્સ.’ ‘નો, નો. કમ એઝ યુ આર.’ ‘હેધર, લેટ અસ બોથ ગો. શ્રેયા નીડ્સ હેલ્પ.’ ઓ. હેન્રી પ્રકારનો અંત ધરાવતી આ વાર્તાનું શીર્ષક ‘ક્યુટિપ’ શા માટે એવો પ્રશ્ન મારી જેમ બીજાને પણ થઈ શકે. ‘ક્યુટિપ’ એટલે રૂ વિંટાળેલી કાન સાફ કરવાની સળી. જો કે, ‘ક્યુટિપ’ અને પછી આવતી વાર્તા ‘બીલીપત્ર’ – બંનેને જો Phallic Symbols તરીકે લઈએ તો શીર્ષક માટે પ્રશ્ન નહીં થાય. ‘થૅન્ક યુ, મિસિસ ડેસાઈ’ વાર્તામાં શોભાનો પતિ ગિરીશ સાવ નજીવી બાબતે પત્નીને ઉતારી પાડે છે. તને કંઈ ન આવડે, ખબર ન પડે, તારું માઢું જોયું છે અરીસામાં? વગેરે... કહેતા પણ એ નથી અચકાતો. કાળા પાસે કામ ન કરાવાય એવો ગિરીશનો મત છે પણ ઘર રંગવા આવેલો કાળો જ્હોન શોભાને આદર આપે છે. એને નાનાં-મોટાં કામ શીખવી એનો આત્મવિશ્વાસ વધારે છે. એને મૉલમાં લઈ જઈ ખરીદી કરાવડાવે છે. કામ પૂરું કરીને જતા જ્હોનને શોભા જોઈ રહે છે. આટલા દિવસમાં જ્હોને એના વ્યક્તિત્વને બદલી નાખ્યું એ બદલ મનોમન એનો આભાર માને છે. અહીં પણ ઓ. હેન્રી પ્રકારનો અંત છે. સાંજે રડમસ ચહેરે ઘરે આવેલા ગિરીશને નોકરીમાંથી કાઢી મૂકાયેલો. ‘કાળી છોકરી સાથે અડપલાં કરવા બદલ મિસ્ટર ગિરીશ દેસાઈને છૂટા કરવામાં આવે છે.’ કાળાની મજાક કરતો ગિરીશ હકીકતે મનથી કાળો હતો એ વાર્તાનો અંત કહે છે. અહીં પારકા પુરુષ પ્રત્યેના પ્રેમ કે શારીરિક આકર્ષણની વાત નથી પણ પતિ તરફથી થતા સતત અપમાનની સામે પારકા પુરુષે આપેલ આદરની વાત છે. સ્ત્રી-પત્ની એટલો આદર તો ડિઝર્વ કરે છે પણ ગિરીશ જેવા પુરુષો એવું સમજતા જ નથી. અહીં ગિરીશના મતે અસંસ્કારી કાળા સામે સંસ્કારી ગિરીશને બાજુમાં મૂકીને સર્જકને જે કહેવું હતું એ આપોઆપ જ કહેવાઈ ગયું છે. પુરુષ પત્નીને વારેવારે ઉતારી શા માટે પાડતો હશે? એ પ્રશ્ન ‘સુઝન અને વિવેક’ વાર્તામાં પણ છે. કોન્ફરન્સ માટે અમેરિકા આવેલી એમી અનાયાસ ઊભા થયેલા સંજોગોને કારણે સુઝન-વિવેકના ઘરે આવી છે. સુઝન-વિવેક વચ્ચે સતત ચાલતા ઝઘડા, વિવેકની દરેક ક્ષણે ચાલતી કચકચ, વાતે વાતે તોછડાઈથી સુઝનને ઉતારી પાડતો વિવેક... આ બધાની સાક્ષી થતી એમી આવી જ કચકચમાંથી પસાર થઈ ચૂકી છે. એણે છૂટાછેડા લઈને શાંતિ ખરીદી છે. એટલે જ એને વિવેક-સુઝનને જોઈને લાગે છે કે, ‘પડદા પર ફિલ્મ ચાલે છે. પહેલાની ફિલ્મમાં એ કલાકાર હતી, હવે પ્રેક્ષક છે. અત્યારની ફિલ્મમાં એ ભાગ લઈ શકે એમ નથી ને એને લેવો પણ નથી. એને થયું કે એ પ્રેક્ષાગાર છોડીને ચાલવા માંડે.’(65) જો કે, એના જવાથી સુઝનના પ્રશ્નો પૂરા નથી થવાના. એનો રસ્તો સુઝને જ કાઢવો પડે. પણ એવું કરી શકે એટલી અને એવી એ મજબૂત નથી. ‘બા’ જરાક ચરિત્રચિત્રણ બાજુ સરી ગયેલી વાર્તા છે. વાર્તાકથક સોનલ એની બેનપણી સરલાનાં જાજરમાન વ્યક્તિત્વ ધરાવતાં સાસુની વાત કરે છે. બાને જિંદગી ઠાઠમાઠથી માણવી ગમે છે પણ એમના શબ્દોમાં ‘મારા રસિકલાલ સાવ અરસિક’(67). સોનલને ત્યાં રહેવા ગયેલાં બા સોનલનો પંજાબી ડ્રેસ પહેરી ચાંલ્લો કરે છે અને કહે છે : ‘પૂછ તો ખરી કે ચાંલ્લો કેમ કર્યો છે?’ જવાબમાં સોનલ કહે છે : ‘બાપુજી તમારા હૃદયમાં હજી જીવંત છે એટલે...’ પણ બા ફટાક દઈને કહે છે : ‘ચાંલ્લો રસિકલાલ માટે નથી. ચાંલ્લો અમેરિકા આવવાના સૌભાગ્ય માટે છે.’(69) સોનલ પૂછે છે : ‘તમને વિચારવાની સ્વતંત્રતા હોત તો તમે શું કરત?’ જવાબ છે બાનો : ‘રસિકલાલ સાથે મેં છૂટાછેડા લીધા હોત.’ ‘બીલીપત્ર’ વાર્તાના ભગવાનદાસ જેવા રસિકજનને સાવિત્રી જેવી અરસિક પત્ની મળે અને બા જેવા શોખીનને રસિકલાલ જેવા અરસિક જીવ ભટકાય એનું નામ જ જિંદગી. જોડાં બનાવનાર ઈશ્વર ખરો રમૂજી જીવ હશે એવું લાગે. રસિકલાલ નપૂંસક હતા એવું કહેતાં બા સોનલને કહે છે : ‘રસિકલાલ બહારગામ જતા. મને કેટલીયવાર થયેલું કે એમને લેવા ગયેલી ગાડી ખાલી પાછી આવે ને ડ્રાઇવર મને કહે કે, ‘બા, શેઠ તો પ્લેઇન ક્રેશમાં મરી ગયા.’(69) ભારત જઈને આવેલી સોનલ છ મહિના પછી બાને જુએ છે તો : કડક સાડલામાં જાજરમાન લાગતાં બા પંજાબી ડ્રેસમાં, ટૂંકા પણ કાળા વાળ, હાથમાં પિત્ઝાની સ્લાઈસ સાથે દેખાય છે. છ જ મહિનામાં સંપૂર્ણપણે રૂપાંતરણ... બાને તો આવી જ જિંદગી જીવવી હતી પણ રસિકલાલે જવામાં મોડું કર્યું. ‘મેટ્રિમોનિયલ્સ’ વાર્તાના નિરંજનને પત્ની પ્રભાના અચાનક અવસાન પછી બાર-ચૌદ વર્ષનાં દીકરી-દીકરાને એકલા હાથે ઉછેરવાનું બહુ જ અઘરું લાગે છે. નિરંજન પ્રભા સાથે માણેલી દરેક ક્ષણને યાદ કરે છે. બંને રસપૂર્વક મેટ્રિમોનિયલ્સ જોતાં, ચર્ચા કરતાં, હસતાં એ બધું એને યાદ આવે છે. મિત્ર અશોક-સુનિતાની એનિવર્સરી પાર્ટીમાં નિરંજન ઉષાને મળ્યો હતો. ઉષા સિંગલ હતી પણ નિરંજનને તો સિંગલ હોવું એટલે શું એ હવે સમજાયું છે. નિરંજન ફોન પર ઉષાને કહે છે : ‘આઈ મિસ પ્રભા વેરી મચ. પ્રભા હતી ત્યારે બીજી સ્ત્રીનો વિચાર પણ નહોતો આવ્યો.’ નિરંજનની વાતો પરથી એવું લાગે કે, ઘર કે સંતાનોને જરૂર હોય એના કરતાં એને સ્ત્રીની વધારે જરૂર છે. સ્ત્રીની નહીં પણ સ્ત્રીના દેહની. આ વાત ઉષાની નથી, નિરંજનની છે. ઉષા વિચારે છે : ‘હા પાડું તો એ મને પ્રેમ કરશે કે પ્રભાને?’(77) ઉષાના ઘરે જતાવેંત, ઉષા બારણું બંધ કરે એ પહેલાં ઉષાને વળગી પડતો નિરંજન ઉષાને પ્રેમ કરતો હતો કે પ્રભાને? ઈટ જસ્ટ ડિડ નોટ મેટર. Yes, આ નર-નારી છે એનાથી આગળ-પાછળ કંઈ નથી વિચારવાનું. ‘બીલીપત્ર’ અને ‘બુક-કેસ’ બંને વાર્તામાં વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા દીકરાને ત્યાં આવતાં માતા-પિતાની વાત છે. જો કે, બંને વાર્તા એકબીજીથી સાવ જુદી છે. ‘બીલીપત્ર’ વાર્તામાં નિવૃત્તિ પછી દીકરાના ઘરે અમેરિકા જતા ભગવાનદાસ દેસાઈ સુરતની કૉલેજમાં ભણાવતા. ઘરરખ્ખુ પત્ની સાવિત્રી સાથે નિરાંતની જિંદગી જીવેલા ભગવાનદાસની ઉંમર થઈ છે પણ એ સ્વીકારી નથી શકતા. વારેવારે 62 ના આંકડા ઊંધા થઈ જાય તો? એવું વિચારતા ભગવાનદાસ ન્યૂજર્સીમાં મોટેલ ચલાવતા મિત્ર કેશુભાઈને મળવા જઈ ચડે છે. ભલભલા ધોળિયા-કાળિયા સાથે પનારો પાડનાર, અમેરિકન છોકરીઓને નોકરીએ રાખનાર લક્ષ્મીબેન પૂછે છે : ‘કીદાડે આઈવા?’ કેશુભાઈ મોટેલની કમાણી સમજાવતા કહે છે : ‘કેટલીકવાર તો એક રૂમ દિવસમાં ચારવાર વપરાય. કેટલાક માણસો તો બે-ચાર કલાક માટે આવે, કામ પતાવે, ચાલતા થાય...’(81) ભગવાનદાસ પૂછે : ‘આવનારા બધા અમેરિકનો જ હોય?’ ‘હાસ્તો, ધોળા ને કાળા. કોઈ દેશી થોડો અહીં આવવાનો હતો ! ગલ્લા પર અંબાજીની છબિ અને ડેસ્ક પર અંબા જેવી લક્ષ્મીને જુએ એટલે બે પગમાં પૂંછડી દબાવીને ભાગે જ ને? આપણા દેશી તો હાવ ગટલેસ.’(81) દેશી રહે છે અમેરિકામાં પણ હજુ ભારતીય સંસ્કૃતિને પકડી રાખી છે એટલે ‘ગટલેસ’ની ગાળ ખાવી પડે છે. જો કે, ‘રીઅલ ભાગ્યોદય’ વાર્તા કહેશે કે એ પહેલી પેઢી માટે જ સાચું હતું. પછીની પેઢી તો લીવ ઈનમાં રહેતી, કાળિયા-ધોળિયાના ભેદને ન ગણકારતી, વગર લગ્ને બાળક પેદા કરતી થઈ ગઈ છે. એમણે પણ ક્યાંક મોટેલ જ વાપરી હશે ને? ભગવાનદાસને જે ઇચ્છાઓ થાય છે તે અધૂરી રહી ગયેલી ઇચ્છાઓ છે. મોટેલમાં કામ કરતી ગોરી લીસાના લિસ્સાં સ્તન જોવાં, એને બ્રાથી ઢાંકવા, બ્રા પર હાથ ફેરવવો – આ બધું ક્યાંક મનમાં પડ્યું જ હશે. લીસાને મન ભગવાનદાસ વડીલ છે, ગુરુ છે. પણ ભગવાનદાસ તો એની પાસે કંઈક બીજું જ સાંભળવા ઇચ્છતા હતા. લીસા ભલી લાગણીથી એમને ઘરે બોલાવે છે પણ ભગવાનદાસ તો લીસાના ઘર, એના બેડરૂમ અને એના પલંગ સુધીના વિચાર કરી નાખે છે. બાંધણી પહેરી, ચાંલ્લો કરેલી લીસાને જોઈને એક ડગલું પણ ન ભરી શકતા, ઉંબર પર જ ઊભા રહી જતા ભગવાનદાસને કોણે રોક્યા? લીસાના પરિધાનમાં ભારતીય સંસ્કૃતિ ડોકાઈ એનાથી રોકાઈ ગયા? ‘બુક-કેસ’ વાર્તામાં દીકરાને ત્યાં અમેરિકા આવતાં મા-બાપ પાસે પોતાની જિંદગીનો સંઘર્ષ, કરકસરયુક્ત રહેણીકરણી છે. એમને અમેરિકન દીકરા-વહુની રહેણી-કરણી ઉડાઉ લાગે છે. દરેક પળે દોડતાં રહેતાં વહુ-દીકરા પાસે મા-બાપની વાતો સાંભળવા માટે અવકાશ જ નથી. મમ્મીના મૃત્યુ પછી એકલા આવેલા ઉમેશભાઈને સાચવવા મહેશ-સરલાને વધારે અઘરા લાગે છે. માંદા પડશે તો દોડશે કોણ? મૃત્યુ પામશે તો? અહીં મૃતદેહને અવલમંજિલે કઈ રીતે પહોંચાડવો એના વિશે મહેશને કશી ખબર નથી. પોતે પપ્પાની વાત નથી સાંભળતો એવી એને ગ્લાની થાય પણ પાછો હતો એનો એ. બધેથી કપાઈ જતા ઉમેશભાઈને કોઈ ગુજરાતી નથી બોલતું એ વાતની ચીડ છે. પૌત્ર પણ અંગ્રેજી બોલે છે. પત્ની સાથે હતી ત્યાં સુધી આવું નહોતું લાગતું પણ હવે દીકરા-વહુથી, પોતીકા પરિવેશથી, પોતીકી ભાષાથી કપાઈ ગયેલા ઉમેશભાઈ અચાનક જ બધું ભૂલી જવાની દિશામાં જતા રહ્યા. તું કોણ? તારી પત્ની? એવું દીકરાને પૂછવા લાગ્યા. બધું ભૂલી જતા ઉમેશભાઈ દીકરો અઢારનો થયો ત્યારે અઢાર સૉનેટ લખી હસ્તપ્રત તૈયાર કરી હતી એ વાત નથી ભૂલ્યા ! દીકરો ભૂલી ગયો હતો મા-બાપનો સંઘર્ષ કે આ સૉનેટની વાત. પ્રશ્ન થાય કે ભૂલવાનો રોગ ખરેખર કોને લાગુ પડ્યો છે? બાપને કે દીકરાને? ‘ઊડી ગયો હંસ’ વાર્તાની હંસા બિલ ક્લિન્ટનની ચૂંટણીમાં વૉલન્ટિયર રહી, ક્લિન્ટન જીત્યા અને હંસા સાથે હાથ મિલાવ્યા એ ક્ષણથી એને ક્લિન્ટન સિવાય કંઈ દેખાતું જ નથી. એને લાગે છે કે, પોલિટિકલ સાયન્સ ભણાવતા પતિ બાલકૃષ્ણ કરતાં પોતાને પોલિટિક્સ વધારે સમજાય છે. સપનામાં બબડતી કે ફોન પર વાત કરતી હંસાની વાતો સાંભળીને બાલકૃષ્ણને શંકા પડે છે કે હંસા કોઈના પ્રેમમાં પડી છે. પણ કોના? એ નથી સમજાતું. એ હમણાંની ‘બિલ્લુ’ કહીને પ્રેમ કરતી હતી એના પરથી તાળો બેસે છે કે હકીકતે એ બિલ ક્લિન્ટનને પ્રેમ કરતી હતી. હવે બાલકૃષ્ણ હસે છે. એમને પત્નીના આવા વાયવી પ્રેમથી કોઈ ફરક નથી પડતો. ‘બહાર અંધારું ઓસરતું હતું...’ એ વાત બાલકૃષ્ણના મનની મૂંઝવણ દૂર થઈ એને પ્રતીકાત્મક ઢબે વ્યક્ત કરે છે. હંસા એટલી હદે ક્લિન્ટન પાછળ ઘેલી થઈ છે કે એને એના અન્ય સ્ત્રી સાથેના સંબંધની વાત પણ સાચી નથી લાગતી. નેતા-અભિનેતા પાછળ ઘેલી થતી સ્ત્રીઓની હંસા પ્રતિનિધિ લાગે. ‘રીઅલ ભાગ્યોદય’ વાર્તા એક રીતે સંબંધોની ગૂંચની વાર્તા છે. તો બીજી રીતે અહીંથી અમેરિકા ગયેલાઓની બીજી પેઢી વર્તન બાબતે બિલકુલ અમેરિકન થઈ ગઈ છે એની વાત કરે છે. આ વાર્તામાં અસ્સલ અમેરિકન પરિવેશ છે. પરણેલાં હોય છતાં બીજી સ્ત્રી ગમવી, ન જેવી વાતમાં છૂટાછેડા, પત્ની બીજાને પરણી જાય, સંતાન વિશે કોઈ ન વિચારે, દીકરી પણ 15-17ની થાય એટલે કોઈપણ કાળા-ધોળા સાથે રખડતી થઈ જાય, સેક્સ સાવ સામાન્ય બાબત ગણાય. કુટુંબજીવનની જે જાળ હજી આપણે ત્યાં ટકી છે એ જાણે કે અહીં છે જ નહીં એવું લાગે. વાર્તાકથક રાજેશ પંડ્યા માર્ગારેટની વાર્તાઓ સુધારતો. પછીથી એ વાર્તાઓ છપાવી. વાર્તાકથકને પુસ્તક અર્પણ કરી માર્ગારેટ પ્રકાશક સાથે પરણી ગઈ ! પણ માર્ગારેટ સાથેના સંબંધોને કારણે પત્ની બીના પતિથી દૂર સરી ગઈ. બંને પરસ્પર સમજૂતીથી છૂટાછેડા લે છે. બીના બીજા કોઈ સાથે પરણી ગઈ. કથકે ઘર એને આપી દીધું. એની નોકરી છૂટી ગઈ. મામા પાસેથી પૈસા ઉધાર લઈને દીકરીની ફી ભરે, પોતાનું ઘર ચલાવે. ને વળી 43ની ઉંમરે ભારતથી આવેલી 26 વરસની સ્મિતા સાથે પરણે છે. કથકના ઘરે જ બેસી રહેવાથી, કંઈ કામ ન કરવાથી કંટાળીને સ્મિતા પણ જતી રહે છે. કથક જ્યોતિષીઓની સલાહ લે છે. શનિની મહાદશામાં માને છે. દીકરી નીના એના કાળિયા દોસ્તને લઈને મળવા આવે ત્યારે એ મા બનવાની હોય છે. દીકરી લગ્ન વિશે કોઈ વાત નથી કરતી. વાર્તાકથક રાજેશ પંડ્યા વિચારે છે કે પોતે ગ્રાન્ડ ફાધર બનવાના છે અને હજી પોતાને માર્ગારેટના વિચારો આવે છે. વળી એની ટેકો કે આધાર શોધવાની આદત મુજબ એ વિચારે છે કે નીનાનું આ સંતાન એના માટે ભાગ્યોદય લાવશે. અહીં પરિવેશ, પાત્રોનું વર્તન વિદેશી છે પણ આશાના તાંતણે લટકવાની ટેવ, જ્યોતિષના આશરે જઈ શનિની પનોતી ને ભાગ્યોદય જેવી વાતો બિલકુલ ભારતીય માનસિકતા દર્શાવે છે. દીકરીના બાપ તરીકે વિચારે ત્યારે કથક પાક્કો ભારતીય લાગે પણ સ્ત્રીઓ વિશે વિચારે ત્યારે પાછો અમેરિકન થઈ જાય... વાર્તાની મજા જ સંબંધોની અને વર્તનની આ ગૂંચમાં છે. ‘સુષમા’, ‘ગેરસમજ’, ‘ફ્લેમિન્ગો’ જરાક વિખરાઈ ગયેલી વાર્તાઓ છે. ‘થેન્ક્સગિવિંગ’માં સંપૂર્ણ અમેરિકન પરિવેશમાં મોટી થયેલી નવી પેઢી એમની જૂની પેઢીને પ્રશ્નો પૂછે છે : ‘સ્વામી નારાયણ મંદિરમાં સ્ત્રી પુરુષોને કેમ છૂટાં બેસવાનું?... આ સ્વામીઓને સ્ત્રીઓના હાથની રસોઈ ખાવાનો તો વાંધો નથી આવતો...’ ‘આપણને કાળાઓ પ્રત્યે કેમ સુગ છે?’ ‘આપણે મળીએ ત્યારે કેમ પૈસા બનાવવાની જ વાતો કરીએ?’... આ પ્રશ્નોના જવાબ જૂની પેઢી પાસે નથી. આપણે પન્ના નાયકની વાર્તાઓને ગુજરાતી ભાષામાં લખાયેલી અમેરિકી પરિવેશની વાર્તાઓ કહી શકીએ. અહીં કોઈ વતનઝુરાપો નથી. અહીં પરદેશનું બધું જ અપનાવી, ભારતીયતા જાળવી રાખવાની પાત્રોની મથામણ જોઈ શકાય છે. આમ પણ ગુજરાતી ‘ડાયસ્પોરા’ સ્વૈચ્છિક ડાયસ્પોરા છે. પન્ના નાયક લખે છે : ‘દાયકાઓના આપણા વિદેશ વસવાટ પછી પણ આપણને ઘરઝુરાપાનું સાહિત્ય મળ્યું નથી એનું મુખ્ય કારણ એ છે કે આપણે સ્વેચ્છાએ દેશ છોડ્યો છે. અને આપણને પરદેશની સુખ-સગવડભરી જિંદગી સદી ગઈ છે. આપણે દેશમાં પાછા જવું નથી. આપણે ભલે દેશભક્તિની વાતો કરીએ અથવા દૂર બેઠા દેશના ગુણગાન ગાઈએ પણ ત્યાં જઈને ત્યાંનું રોજબરોજની હાડમારીભર્યું જીવન આપણે જીવવું નથી... હું ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ પાસેથી દેશઝુરાપાનું કશું નોંધપાત્ર સાહિત્ય મળે એવી શક્યતા જોતી નથી.’ (પાંદડાં પરદેશી-40) એમની આ નિખાલસ કબૂલાત ‘ડાયસ્પોરા લિટરેચર’ના ફુગ્ગાની હવા કાઢી નાખે છે. પન્ના નાયકની વાર્તાઓમાં અમેરિકન પરિવેશ છે પણ કોઈ પ્રકારનો વતનઝુરાપો નથી એટલે એને સ્વૈચ્છિક ગુજરાતી ડાયસ્પોરાની વાર્તાઓ કહી શકાય.

સંદર્ભ : 1. પાંદડા પરદેશી : પન્ના નાયક, નવજીવન પ્રકાશન, અમદાવાદ, પ્ર. આ. 2023 2. પન્ના નાયકનો વાર્તાલોક : સં. મણિલાલ હ. પટેલ, ડિવાઇન પબ્લિકેશન્સ, અમદાવાદ, પ્ર. આ. 2010 3. ફ્લેમિન્ગો : પન્ના નાયક, ઈમેજ પ્રકાશન, અમદાવાદ, પ્ર. આ. 2003. સં. આ. નવજીવન પ્રકાશન, 2024