આત્માની માતૃભાષા/પત્ર
– ભગવતીકુમાર શર્મા
દિગ્ગજ સૉનેટ કવિ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર કવિતામાં ગેયતાના અતિરેકના વિરોધી હતા તે વાત જાણીતી છે. તેમનો એ મત આત્મપ્રતીતિમાંથી બંધાયો હતો, તે વિશે પણ શંકા ન કરીએ. કવિતામાં ગેય તત્ત્વ જો લટુડાંપટુડાંની હદે વર્ચસ્વ ધરાવતું હોય તો તે કાવ્યતત્ત્વ માટે હાનિકારક જ નીવડે. એવાં લટુડાંપટુડાંયુક્ત ગીતો અને તેના રચનારા કવિઓથી આપણે અજાણ નથી. બ. ક. ઠા.એ પોતાના પ્રતીતિજન્ય મતના અનુસંધાનમાં મુખ્યત્વે પૃથ્વી છંદમાં સૉનેટો લખ્યાં. તેમાંનાં કેટલાંક સૉનેટ કાવ્યતત્ત્વની દૃષ્ટિએ ચિરંજીવ સિદ્ધ થયાં છે. તે સાથે બ. ક. ઠા.ની કાવ્યબાનીની બરછટતા પણ પ્રસિદ્ધ છે. જોકે પૃથ્વી છંદ પૂરેપૂરો અગેય નથી. સુરતમાં ત્રણેક મહિના પૂર્વે યોજાયેલા સૉનેટવિષયક એક કાર્યક્રમમાં સ્થાનિક એમ.ટી.બી. આટ્સ કૉલેજમાં સંસ્કૃતનાં અધ્યાપિકા નીના ભાવનગરીએ એક સૉનેટનું સફળ ગાન કર્યું હતું. અલબત્ત, એ વાત સ્વીકારી શકાય કે શાર્દૂલવિક્રીડિત, વસંતતિલકા, મંદાક્રાન્તા, શિખરિણી ઇત્યાદિ સંસ્કૃત વૃત્તોની સુગેયતા સદીઓથી વિખ્યાત છે. તેટલી પૃથ્વીની ન જ હોય. એક રીતે કહીએ તો બ.ક. ઠા.એ સામે પૂરે તરવાનો પ્રયત્ન કર્યો હતો, કારણ કે, લય એ આ બ્રહ્માંડની જીવાતુભૂત, અપરિહાર્ય, શાશ્વત તત્ત્વ છે. લય વિનાના બ્રહ્માંડની કલ્પના ન થઈ શકે. બ્રહ્માંડની લીલાને કોઈકે મહારાસ તરીકે વર્ણવી છે. રાસ કદી લય-સૂર-તાલ વિનાનો સંભવી શકે ? સાહિત્ય સંદર્ભે વાત કરીએ તો જગતભરનું લોકસાહિત્ય ગેયતા પર આધારિત છે. લોકસાહિત્યમાંથી લોકગીતોની બાદબાકી ન થઈ શકે. લોકવાર્તાઓ પણ ઘણે અંશે લયાન્વિત હોય છે. સૌરાષ્ટ્રના લોકગાયકો અને લોકવાર્તાકારોની પ્રસ્તુતિ આ સંદર્ભે ઘણી આસ્વાદ્ય હોય છે. સાવ અભણ આદિવાસીઓ પણ ગીત અને નર્તન વિનાના લગભગ જીવી જ ન શકે, તેટલી હદે તેઓમાં સૂર-તાલ-લયનું મહત્ત્વ હોય છે. કવિમનીષી ઉમાશંકર જોશીએ એક વાર ક્યાંક કહ્યું હતું કે આપણી પાસે પ્રત્યેક પ્રસંગને અનુરૂપ ગીતો હોવાં જ જોઈએ. આપણે સહુ જાણીએ છીએ કે આપણી પાસે અને બધી પ્રજાઓ પાસે એવાં કેટલાં ગીતો છે જ. આપણા બધા ઉત્સવો તેનો ખ્યાલ આપવા માટે પૂરતા છે. માત્ર લગ્નનો પ્રસંગ લઈએ તોપણ તેમાં હજી હમણાં સુધી આદિથી અંત પર્યંત પ્રસંગોચિત ગીતો જ ગીતો હતાં. હવે યંત્રો અને આધુનિક જીવનશૈલીએ આપણી ઘણી બહેનોના કંઠમાંથી ગીતો છીનવી લીધાં છે તે વાત જુદી છે, છતાં કૅસેટ અને સી.ડી. દ્વારા તો તે મળે જ છે. એ બધું પણ આપણું ગેયપ્રધાન લોકસાહિત્ય છે. આપણા આદિ કવિ નરસિંહ મહેતાની કાવ્યસમૃદ્ધિને ગેય પદો વિનાની કલ્પી શકાય ખરી ? મહાકવિ પ્રેમાનંદ તો પોળના ચોકઠામાં ગેય સ્વરૂપે આખ્યાન કાવ્યો રજૂ કરીને તે સમયના લોકોને કવિતા, ગાન અને ધર્મવિષયક સંસ્કારોની ત્રિવિધ અનુભૂતિ કરાવતા. રસકવિ દયારામની ગરબીઓનું ગેયતાસભર લાલિત્ય ઘણું રમણીય છે. છેક નર્મદ-દલપત પહેલાના સમય સુધી ગુજરાતી ભાષામાં ગદ્ય વિકસ્યું નહોતું અને પદ્ય ગેયતાપ્રધાન હતું. ગાઈ ન નહોતું અને પદ્ય ગેયતાપ્રધાન હતું. ગાઈ ન શકાય કે ગવાતા ન હોય તેવા ગરબાઓ કોણ સાંભળે ? હવે તો વિપશ્વિત વિદ્વાનોનો પણ એવો મત બંધાયો છે કે જેને આપણે અછાંદસ કે ગદ્ય કવિતા કહીએ છીએ તેમાં પણ અંતર્નિહિત કશોક લય રહેલો હોય છે અને એ લય ઉત્તમ ગદ્યકાવ્યનું પ્રાણતત્ત્વ નીવડે છે. આપણી કવિતાને લયતત્ત્વ સુધી લાંબા કાળપર્યંત ચાલ્યું હોય તેવું બન્યું નથી. સાંઠના દાયકામાં અને તે પછી ગુજરાતી કાવ્યક્ષેત્રે અછાંદસનું પ્રબળ મોજું આવ્યું તો તેની સમાંતરે રમેશ પારેખ જેવા પ્રખર ગીતકવિનો પ્રાદુર્ભાવ થયો જ અને તેનો પ્રભાવ અદ્યાપિપર્યંત અનુભવાય છે. અલબત્ત, ફૂટકળ ગીતોની કશી વિસાત ન જ હોય. તેવું જ ગઝલોનું. ગઝલ પણ મૂલત: અને સદા માટે ગેય કવિતાનો એક પ્રકાર રહી છે. ઊર્મિકવિતામાં બાહ્ય કે આંતર ગેયતા ન હોય એવું બની શકે ખરું ? ગઝલની ગાયકીની તો એક સમૃદ્ધ ગઝલગાયિકા બેગમ અખ્તરની ગાયેલી ઘણી ગઝલ એમાં કવિતા અને સંગીત ઉભયની રસાનુભૂતિની સહોપસ્થિતિ પમાય છે. કવિ ગુલઝારના એક ગદ્યકાવ્યનું પણ ફિલ્મ સંગીતકાર રાહુલદેવ બર્મને સફળ, ભાવપૂર્ણ સ્વરાંકન કર્યું છે અને પાર્શ્વગાયિકા આશા ભોંસલેએ તેનું હૃદયસ્પર્શી ગાન કર્યું છે. એ ચમત્કાર જેટલો કવિતાનો એટલો સ્વરનો. અલબત્ત, બિલાડીના ટોપ જેવાં ગઝલગાયક-ગાયિકાઓની વાત કરવાની ન જ હોય. આપણી કવિતા જ નહીં વેદ-ઉપનિષદનાં મંત્રો, શ્લોકો, મહાકાવ્યો અને પુરાણકાવ્યો બધું કંઠોપકંઠ સચવાઈને સમૃદ્ધ પરંપરા રૂપે આજેય ઉપલબ્ધ છે. તે ઉત્તમ કવિતા તો છે જ. ગેયતા વિના આ સંભવ હોત ખરું ?
તા. 15-12-2010
– ભગવતીકુમાર શર્મા