આત્માની માતૃભાષા/20
મહેન્દ્રસિંહ પરમાર
મારી સાબરને કાંઠડે રમતો રાજ વનરા તે વનનો વણજારો
કાંઈ ઊંચેરી ભેખડનો મોરલો રાજ વનરા તે વનનો વણજારો
એને ડુંગરડે રમણે જાતો રાજ વનરા તે વનનો વણજારો
કાંઈ કાળી કુવેલડી પજવતો રાજ વનરા તે વનનો વણજારો
બબે પાવા બજાવતો ડોલે રાજ વનરા તે વનનો વણજારો
છોટી સાબરનો છોટેરો ગોઠિયો રાજ વનરા તે વનનો વણજારો
એક ઉનાળે મેવલિયો રૂઠ્યો રાજ વનરા તે વનનો વણજારો
કાંઈ સાબરનાં ધાવણ સૂક્યાં રાજ વનરા તે વનનો વણજારો
ઊંચા ડુંગરને કીધી સલામો રાજ વનરા તે વનનો વણજારો
એક ટહુકો લીધો ને દીધો રાજ વનરા તે વનનો વણજારો
કાંઈ નદીએ નદીએ ઊતર્યો રાજ વનરા તે વનનો વણજારો
કાંઈ ગામડે ને કસબે રખડ્યો રાજ વનરા તે વનનો વણજારો
ક્યાંઈ સાબરનો પાલવ ન મેલ્યો રાજ વનરા તે વનનો વણજારો
ઠેઠ અમ્દા તે વાદ જઈ થંભ્યો રાજ વનરા તે વનનો વણજારો
આંહીં શહેરની તે લ્હેર્યો શી કહેવી રાજ વનરા તે વનનો વણજારો
કાંઈ ગલીએ ગલીએ ઘૂમ્યો રાજ વનરા તે વનનો વણજારો
કાંઈ શેરીએ શેરીએ રવડ્યો રાજ વનરા તે વનનો વણજારો
ભાઈ ભૂંગળે ભૂંગળે ભટક્યો રાજ વનરા તે વનનો વણજારો
ક્યાંક પ્હેર્યાની પાઘડી આલી રાજ વનરા તે વનનો વણજારો
કાંઈ વીરા કલાલી! એક પ્યાલી હો રાજ વનરા તે વનનો વણજારો
પૂર સાબરનાં બાવડે દોડ્યાં રાજ વનરા તે વનનો વણજારો
ક્યાંક જંતરમાં જીવ જોતરાણો રાજ વનરા તે વનનો વણજારો
એનાં ઓઢ્યાનાં હાડચામ દોહ્યાં રાજ વનરા તે વનનો વણજારો
એને ચીપિયે ચીપિયે ચૂંટ્યો રાજ વનરા તે વનનો વણજારો
એને નાનીશી પ્યાલીમાં ડૂબવ્યો રાજ વનરા તે વનનો વણજારો
એને નિચોવી બ્હારો ફગવિયો રાજ વનરા તે વનનો વણજારો
ફરી હાટડિયે વાટડિયે રઝળ્યો રાજ વનરા તે વનનો વણજારો
ફરી ગલીએ બંગલીએ ઘૂમ્યો રાજ વનરા તે વનનો વણજારો
બધી શેરીએ ને ડેલીએ રવડ્યો રાજ વનરા તે વનનો વણજારો
ભાઈ ભૂંગળે ભૂંગળે ભટક્યો રાજ વનરા તે વનનો વણજારો
કાંઈ કોટનું માદળિયું વેચ્યું રાજ વનરા તે વનનો વણજારો
એક છેવાડું પાવળું ઢીંચ્યું રાજ વનરા તે વનનો વણજારો
જઈ કીધું સાબરને વીનવી રાજ વનરા તે વનનો વણજારો
એક છોરુની આટલીક અરજી રાજ વનરા તે વનનો વણજારો
મારા ડુંગરને આટલું કહેજો રાજ વનરા તે વનનો વણજારો
મારા ડુંગરડા એવું તો દૂઝો રાજ વનરા તે વનનો વણજારો
મારી કુવેલડી એવું તો રોજો રાજ વનરા તે વનનો વણજારો
ભૂંડાં ભૂંગળાંની ડૂબે ટોચો રાજ વનરા તે વનનો વણજારો
— માડી સાબર, સદાય તારે ખોળે રાજ વનરા તે વનનો વણજારો
એમ ક્હૈને ખંખોળિયું ખાધું રાજ વનરા તે વનનો વણજારો
જરી સાબર સવળીને વળી દોડી રાજ વનરા તે વનનો વણજારો
ભૂંડા! નદીઓ વળતી તે હશે પાછી શે રાજ વનરા તે વનનો વણજારો
કાંઈ છેટા છેટા રહ્યા ડુંગરા રાજ વનરા તે વનનો વણજારો
છેટી છેટી કુવેલડી ર્હૈ ગૈ રાજ વનરા તે વનનો વણજારો
મુંબઈ, ૧૮-૧૦-૧૯૩૫
વીરેન : આજે સાહેબ નથી આવ્યા. સાહેબ નથી તો કાંઈ નહીં, ભણવું તો છે જ. વર્ગમાં બેસવાને બદલે બહાર જઈએ. મજા આવશે. વરસાદી વાદળિયું ઘેરાઈ છે ને આપણાં કૅમ્પસની ડુંગરમાળાના વચલા ડુંગરે જઈને બેસીએ. નવેક મિત્રો છીએ તો ચાલો ભેગાં મળી કવિતા વાંચીએ. કવિતા ઉકેલીએ. જિજ્ઞા : વાહ! આ ક્લાસરૂમ કેવો સારો! આ ડુંગરા, આ ભેખડો, આ ઢાળ, આ પ્હાડ! આ મોરલાના ટહુકા, આ તેતરના તાલ! આંહી જ કાયમ ભણવાનું હોય તો જામે કે નહીં! ‘વર્ગમાં સ્વર્ગ’ માનનારા ઉમાશંકરની કવિતા તો… અંકિત : જિજ્ઞા, વર્ગમાં સ્વર્ગ માનનારા આપણા સાહેબ નથી આવ્યા. ને તું તો કવિતા જ રચી કાઢીશ એવું લાગે છે. તને ખબર છે, ભાયાણીસાહેબે મજાક કરેલી, સાહેબ તો વર્ગમાં સ્વર્ગસ્થ થઈ જતા હોય છે. સતીશ : આપણા સાહેબ કાંઈ વર્ગમાં સ્વર્ગસ્થ નથી હોતા! અને સાહેબને ‘સ્વર્ગસ્થ’ કરવામાં આપણોય કાંઈ ફાળો તો ખરો ને? સાહેબ વાચનશિબિરમાં ગયા છે તો આપણેય વાચનશિબિર કરીએ. ‘સમગ્ર કવિતા’ હું સાથે લાવ્યો જ છું.
વંૃદા : ઓહોહો! આટલી મોટી ચોપડી? આ કવિઓ આટલી બધી કવિતાઓ ક્યારે લખતા હશે?
વીરેન : | ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, |
જંગલની કુંજ કુંજ જોવી હતી; |
જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા, |
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. |
જિજ્ઞા : વાહ વીરેનકુમાર, તમે તો ગાવા જ માંડ્યું! ઉમાશંકરની કવિતામાં આવી જ ભેખડો, ડુંગરા, નદી, ઝરણાંની રસળતી વાતો આવે છે. પણ કવિ ઝરણાને ‘રોતું’ શું કામ રાખતાં હશે? ઉમેશ : રોવા-કકળવાની વાત મૂકો. આ ‘સાબરનો ગોઠિયો’ કવિતા વાંચો મારા ગોઠિયાવ! નહીંતર ‘વિષયાંતર’ થઈ જશે પાછું! સાહેબના જેવું! સતીશ : એવું ન હોય ઉમેશ, વિષયાંતરમાં પણ એક વિષય તો હોય જ. એક કામ કરીએ આખી કવિતા આપણે સાથે — ‘મિલે સૂર’ કરીને વાંચીએ. બધાં : “મારી સાબરને કાંઠડે રમતો રાજ વનરા તે વનનો વણજારો
- કાંઈ ઊંચેરી ભેખડનો મોરલો રાજ વનરા તે વનનો વણજારો”
મોનિકા : આ તો માળું લોકગીત જેવું છે. આપણે બધાંએ એક સૂરમાં વાંચ્યું. પણ એમાં તો ધડબડધડ થઈ ગયું. એલા હાલો જોઈ ગાઈએ! બીજી કડી આપણે ગાઈએ. થોડું નવું થશે. બધાં : હા, હા, ચાલો. વૃંદા : પણ કયા ઢાળમાં ગાશું? ‘બાર બાર વરસે નવાણ ગળાવ્યા, નવાણે નીર તે દિ’ નાવ્યાં રે લોલ'વાળો ઢાળ કે ‘એક વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી'વાળો ઢાળ? જિજ્ઞા : એમાં જોખમ છે. એના કરતાં આપણા ગળામાં એની મેળે ગોઠવાઈ જાય એવા ઢાળમાં ગાઈએ. લાવો હું પ્રયત્ન કરું તમે એમાં ધીમે-ધીમે જોડાતાં જજો… કાં તો એક હું ને એક તમે એવું કરીએ… “એક ઉનાળે મેવલિયો રૂઠ્યો રાજ વનરા તે વનનો વણજારો” બધાં : “કાંઈ સાબરનાં ધાવણ સૂક્યાં રાજ વનરા તે વનનો વણજારો” જિજ્ઞા : “ઊંચા ડુંગરને કીધી સલામો રાજ વનરા તે વનનો વણજારો” બધાં : “એક ટહુકો લીધો ને દીધો રાજ વનરા તે વનનો વણજારો” સતીશ : …એલાં આ તો જામી! ‘એક ટહુકો લીધો ને દીધો’ જેવું થ્ય્ું આ તો! વૃંદા : પણ આમાં કવિ કહેવા શું માગે છે ઈ તો કોઈક ક્યો! અંકિત : કવિ તો કાંઈક કહેવા માગતા હશે તો જ કવિતા લખતા હશે ને! પણ આ ‘વનરા તે વનનો વણજારો', ‘વનરા તે વનનો વણજારો’ એમ વારેઘડીએ બોલવાને બદલે બધી લીટોઓને કૌંસમાં ‘વનરા’ એટલું લખ્યું હોત તો? સતીશ : તો આ કવિતા પણ સ્વર્ગસ્થ થઈ જાય મારા ભૈલા! લોકગીતની જેમ આમાંય કવિએ આવર્તન કર્યું છે. જિજ્ઞા : એ આવર્તનની સાંકળીમાં આખું ગીત બાંધ્યું છે. એને લીધે શું થાય કવિતામાં? અંકિત : તું તો સાહેબની જેમ સવાલ પૂછવા માંડી! એના કારણે એક તો એ થાય કે કવિતાનો પોતાનો લય રચાય! વૃંદા : માત્ર લય જ ના રચાય. કવિતાની ભાવસૃષ્ટિ દૃઢ થાય. ઉમેશ : ભાવનો વૈવિધ્ય માટે પણ તક રચાય… સતીશ : આ ગીત તો આમેય કથાગીત જેવું છે. કથામાં જેમ તાન-પલટાઓ આવે એમ આમાંય આવશે એમ લાગે છે. એ તાન-પલટાની પાછળ ‘રાજ વનરા તે વનનો વણજારો’ મુકાતું આવે, ને એમ વક્રતા ને વ્યંજના — આપણાં સાહેબ કહે છે તેમ — રચાતાં-રસાતાં આવે. મનીષ, તું ક્યારનો મૂંગો મૂંગો સાંભળે છે તે કાંક તો બોલ! મનીષ : સૉરી હોં! મારું ધ્યાન આ મોરલો બોલતો'તો ને, એમાં હતું! વૃંદા : મોરલો મરત લોકથી આવ્યો ને પાછો બોલ્યોય ખરો! અલ્યા, આ કવિતામાં જ ઊંચેરી ભેખડનો મોરલો આવે છે. એનેય જરા સાંભળને! મનીષ : હુંય એ જ વિચારતો'તો. માળો એ વનરા વનનો વણજારો છે, ને ઊંચેરી ભેખડનો મોરલોય છે, એ કાળી કુવેલડીને પજવે છે ને પાછો બબે પાવાય વગાડે છે. ‘રમતો', ‘રમણે જાતો', ‘ડોલતો', ‘છોટી સાબરનો છોટેરો ગોઠિયો’ ને બબે પાવા વગાડવાની પ્રસન્નતા તો સમજાણી, પણ કાળી કુવેલડીને પજવવી એ તે વળી શું? આમાં કુવેલડી આવી ને પાછી કાળી! એ શું હશે? વૃંદા : કોઈ વનસ્પતિનું નામ લાગે છે! એલોવેરા! કુંવારપાઠું? પણ એ તો લીલું હોય! ‘છોટેરો ગોઠિયો’ એને પજવે શું કામ? વિરલ, તને કાંઈ સૂઝે છે? વિરલ : કૌન બનેગા કાવ્યભાવક! મને તો હેલ્પલાઇન સૂઝે છે. ફોન અ ફ્રેન્ડ! ચાલો, સાહેબને જ ફોન કરી પૂછીએ! બધાં : હા. એ બરાબર. એ બહાને સાહેબનો અવાજ પણ સંભળાશે! વિરલ, તું જ ફોન લગાવ — વિરલ : (ફોન લગાવીને) હલો સર! ગુડ મૉર્નિંગ! અમે ડુંગરે બેઠા ઉમાશંકરની કવિતા ‘સાબરનો ગોઠિયો'નો આસ્વાદ કરીએ છીએ! સાહેબ : અરે વાહ! એ કવિતા ખરી તમારા હાથમાં આવી! તમે એની સાથે ‘સાબરદર્શન’ અને ‘સાબરની ગોઠણ’ કવિતા પણ વાંચજો. બોલો, મને એ માટે જ ફોન કર્યો હતો? વિરલ : સર, એમાં એક શબ્દનો અર્થ નથી સમજાતો. સાહેબ : કયો શબ્દ છે? વિરલ : કુવેલડી. આખી પંક્તિ છે: ‘કાંઈ કાળી કુવેલડી પજવતો રાજ… સાહેબ : વનરા તે વનનો વણજારો.’ હમ્, દોસ્તો એ ઉત્તર ગુજરાતનો શબ્દ છે. ‘કાળી'થી તમે પકડી ન શક્યા? કુવેલડી એટલે કોયલ! સરસ ચિત્ર છે. વનરા વનનો વણજારો વનમાં રમણે ચઢ્યો છે ને કાળી કોયલને પજવે છે. કોયલ કાગડાની વહુ… કૂરુ… એટલે કોયલ પણ સામે કરે કૂ…કૂ…! બધાં : થેંક્યુ સર! અરે આ તો કોયલની સાથે રમત કરવાની આપણી જ રીત! જિજ્ઞા : જોયું, ઘરડાં ગાડાં વાળે! આપણે સાહેબને વચ્ચે લાવવા જ નહોતા ને તોય કેવા આવી ગયા! ઋષિતા, બીજા ખંડમાં તને શું લાગ્યું? ઋષિતા : ઉનાળો કારમો પડ્યો, મેહુલો રૂઠ્યો, સાબરનાં ધાવણ સુકાયાં એટલે ઊંચા ડુંગરને સલામો કરી વણજારો નીકળી ગયો. એને નીકળી જવું પડ્યું. ‘સલામો’ કરીને એ ગયો ક્યાં? જિજ્ઞા : એ તો હવે આગળના ત્રણ ખંડ ગાશું એટલે તરત ખબર પડશે. ચાલો સાથે જ ગાઈએ…
બધાં : | કાંઈ નદીએ નદીએ ઊતર્યો રાજ વનરા તે વનનો વણજારો |
કાંઈ ગામડે ને કસબે રખડ્યો રાજ વનરા તે વનનો વણજારો |
એને નાનીશી પ્યાલીમાં ડૂબવ્યો રાજ વનરા તે વનનો વણજારો |
એને નિચોવી બ્હારો ફગવિયો રાજ વનરા તે વનનો વણજારો” |
જાહ્નવી : વખાનો માર્યો વણજારો શહેરમાં આવ્યો. ગામડું છોડીને શહેરમાં આવતા ગામડિયાની દશા આમાં તો બરાબર દર્શાવી છે ને કાંઈ! સરસ્વતી : નદીએ નદીએ ઊતરતો, ગામડે-કસબે રખડતો આવે છે, પણ સાબરનો પાલવ ક્યાંય છોડતો નથી વણજારો, ને ઠે…ઠ અમદાવાદ થંભે છે. જાહ્નવી : અમદાવાદ નથી. કવિતામાં કવિએ ‘અમ્દા તે વાદ’ કર્યું છે. એ ખાલી લય માટે કર્યું હશે કે… જિજ્ઞા : હા એવું ખરું પણ અમ્દાવાદ કરીને ગ્રામીણ છાપ પણ જળવાય છે. સાહેબે ‘સાબરદર્શન’ કવિતા યાદ કરાવેલી ને, એમાં વળી બીજો નાયક સાબરને સંગ નીકળી પડ્યો છે. એ કવિની જ આપવીતી છે. જુઓ સંભળાવું:
“લાડકડી, ધપતી ડુંગરડા છોડી તું, ત્યમ હુંય;
પ્રવાસિની, મારેય કેડી-દર-કેડી ખેડવી ભૂંય,
મળીશું રાજનગરને તીર,
સંતની જ્યાં જગજ્યોત કુટીર.”
— આપણો કવિ પણ ગામથી શબ્દ લઈને નીકળી ગયેલો. પણ ‘રાજનગરને તીર’ એને તો આશ્વાસન છે ‘સંત'ની જગારા મારતી કુટીરનું. આ સંત કોણ એ તમે કહી શકો? સતીશ : જેનો મંગલ શબ્દ કવિએ જગતને સંભળાવ્યો તે મહાત્મા. જિજ્ઞા, આપણા વણજારાની દશા તો કવિ કરતાં નોખી છે. કરુણ છે. ‘શહેરની લ્હેર્યો'નો કટાક્ષ ન સમજાય એટલા ‘સ્વર્ગસ્થ’ તો આપણે નથી હોં! અંકિત : ‘શી કહેવી’ કરીને કહી દીધું કવિએ, ‘ગલીએ ગલીએ ઘૂમ્યો', ‘શેરીએ શેરીએ રવડ્યો',… ઉમેશ : મને તો ‘ભૂંગળે ભૂંગળે ભટક્યો'માં રસ પડ્યો. સાબરનો ગોઠિયો ભૂંગળામાં ભેરવાયો. અમદાવાદની મિલોના ધુમાડાએ એના ફેફસામાં ભરાયેલી ઇડરિયા હવાની સાથે ધીંગાણું મચાવ્યું હશે બરોબર! જિજ્ઞા : આ ખંડોમાં ‘રાજ વનરા તે વનનો વણજારો'ની ધ્રુવપંક્તિ કેવો વિરોધ રચે છે! એ વિરોધ પછીના ત્રણે ખંડમાં અખંડ વહેતો રહ્યો છે. ચાલો, હવેના ખંડોની પૂર્વપંક્તિ હું બોલીશ. ઉત્તરપંક્તિ, ધ્રુવપંક્તિ તમે સૌ બોલજો.
- — “ક્યાંક પ્હેર્યાની પાઘડી આલી રાજ…
બધાં : …વનરા તે વનનો વણજારો જિજ્ઞા : …કાંઈ વીરા કલાલી! એક પ્યાલી હો…રાજ, બધાં : વનરા તે વનનો વણજારો
- (આ પ્રમાણે જિજ્ઞા અને બધાં — ‘ભાઈ ભૂંગળે ભૂંગળે ભટક્યો રાજ…’ સુધીની પંક્તિઓનું પઠન કરે છે.)
જિજ્ઞા : ભાઈ ભૂંગળે ભૂંગળે ભટક્યો રાજ… બધાં : …વનરા તે વનનો વણજારો.” સતીશ : વનરા તે વનનો વણજારો, વનરા તે વનનો વણજારો, વનરા તે વનનો… અંકિત : ક્લાસમાં તો આપણો આ સતીશ વણજારો ઝોલે ચડ્યો હોય ને અત્યારે જુઓ ગાણે ચડ્યો છે. ભઈલા, હવે હાઉં! સતીશ : માળું આમાં તો ઊંઘ ઊડી જાય એવું છે. ગોઠિયાની તો બરાબરની રેવડી દાણાદાર થઈ! એની પાઘડી-એટલે ગૌરવ-એટલે એની ઓળખ ઠામૂકી ગઈ! વૃંદા : કલાલી એટલે શું? પાછો એ વીરો શેનો? ફોન અ ફ્રેન્ડ કરવું પડશે? અંકિત : ના ના, કલાલી એટલે દારૂ વેચનારો. આપણો હીરો દારૂના રવાડે ચડ્યો. કેમ તો કે શેરીએ-શેરીએ, ગલીએ-ગલીએ, ભૂંગળે-ભૂંગળે ઘૂમ્યો, રવડ્યો, ભટક્યો ને જંતરમાં જીવ જોતરાણો પણ કાંઈ ઠર્યો નહીં. ક્યાં પેલું બબે પાવાનું જંતર વગાડતો ‘જંતરવાળો જુવાન', ને ક્યાં જંતરમાં — એટલે યંત્ર-સંસ્કૃતિમાં જોતરાતો આ જુવાન! યંત્રવિજ્ઞાન ખરું પણ મંત્રાકવિતા? ગઈ! જિજ્ઞા : આ ત્રણે ખંડોનાં ક્રિયાપદો જોરદાર છે. પહેરવા-ઓઢવાનું કાંઈ રહ્યું નહીં, ચીપિયે ચીપિયે ચૂંટાણો અને નાની એવી પ્યાલીમાં બિચારો ડૂબ્યો-રઝળ્યો, ઘૂમ્યો, રવડ્યો ને ફરી ભૂંગળે ભૂંગળે ભટક્યો! વીરેન : ચાલો હવે બીજો પીરિયડ શરૂ થવાને દસ મિનિટ જ રહી છે. જિજ્ઞા : આગળનું હું જ ગાઉં! મારો અવાજ સારો છે ને મને મજાય આવે છે! વીરેન : તને દિવાળીબેન થાવાની હોંશ બહુ જિજ્ઞા! રઘુવીરભાઈએ સર્ટિફિકેટ આપ્યું કે તારો અવાજ સારો છે એટલે માની લેવાનું? કાળી કુવેલડી જેવો નહીં; તારો અવાજ તો કાબરની હરીફાઈ કરે એવો છે! રાજુ, તારો લોકગીતની હલકનો અવાજ છે. તું જ ગા બાકીની કવિતા. રાજુ : મારો વારો આવ્યો ખરો. આ વખતે ‘વનરા તે વનનો…’ તમે હારે જ બોલજો.
- “કાંઈ કોટનું માદળિયું વેચ્યું રાજ વનરા તે વનનો વણજારો
- એક છેવાડું પાવળું ઢીંચ્યું રાજ વનરા તે વનનો વણજારો”
… … … …
- કાંઈ છેટા છેટા રહ્યા ડુંગરા રાજ વનરા તે વનનો વણજારો
- છેટી છેટી કુવેલડી ર્હૈ ગૈ રાજ વનરા તે વનનો વણજારો.”
જિજ્ઞા : રાજુ તેં તો ગીતનો ઢાળ બદલી નાખ્યો, પણ ઢાળની જેમ જ મિજાજ પણ હવે બદલાઈ ગયો. પહેલા ખંડની મધુરી ચિત્રમાળા હવે જાણે નવા રૂપ ધારણ કરીને આવી ગઈ! છેલ્લું છેલ્લું માદળિયુંય વેચાયું, છેવટનું પાવળું ઢીંચાયું ને… અંકિત : છેલ્લો આશરો મા સાબરનો. જેનો પાલવ પકડીને વણજારો આવેલો. લાચાર-પરવશ નાયક ખંખોળિયું ખાય છે સાબરમાં. પણ સાબરનો જવાબ તો જુદો છે. વૃંદા : પેલી કુવેલડીને એવું રુદન કરવાનું કીધું કે ભૂંગળાની ટોચો ડૂબી જાય! વાહ, ‘ગુજરીની ગોદડી’ વાર્તામાં ટાઢ ઊડાડવા બધીય ચોપડીઓનો ભડકો કરી દેનારા વાર્તાકાર, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જગાડનાર કવિ અહીં આ રીતે વ્યક્ત થયો. કોયલના રુદનથી ભૂંગળાની ટોચો ડુબાવી દેવાની વાત કદાચ આખી કવિતામાં મને સૌથી વધુ ગમે છે. અંકિત : એ કદાચ, સૌથી વધુ બોલકીય છે. આટલા બધા બોલકા થવાની શું જરૂર? જિજ્ઞા : ક્યારેક કલાકારે બોલકાય થવું પડે! વીરેન : પણ નદી બોલી તો કેવું બોલી! એ પાછી ‘સવળીને વળી દોડી!’ ‘ળ'કારનું સંગીત મારા કાને પકડ્યું. નદી તે પાછી વળતી હશે? વિરલ : છેટા છેટા રહ્યા ડુંગરાની આગળ ‘કાંઈ’ આવ્યું ને મને તો ચચરાટી થઈ આવી. કોયલડીય છેટી રહી ને ડુંગરાય છેટા રહ્યા. વીરેન : “એકલા આકાશ તળે ઊભીને એકલો
- પડઘા ઉર બોલના ઝીલવા ગયો;
- વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
- એકલો અટૂલો ઝાંખો પડ્યો.”
જિજ્ઞા : વીરેનને આ ‘ભોમિયા વિના’ ભારે હૈયે વસેલી છે. એણે કેવી જોડી દીધી! પણ ભાઈ, આમ બીજી-ત્રીજી કવિતા ભેળી ગૂંથતા જાશું તો વેણીનો થશે મોટો હાર. બાકી તો હુંય ‘એના એ ડુંગરા'વાળું ગીત પાછું સંભળાવું, સૂતાં ઝરણાંનું ગીત ફરી સંભળાવું, ‘રોતાં ઝરણાંની આંખ લ્હોવી જરી'વાળુંય ભેગું સંભળાવું. બધાં : એ ના હો. આટલું ઘણું. વાંધો એ કવિતાનો નથી. તારા ‘કર્ણપ્રિય’ અવાજનો છે. જિજ્ઞા : ઠીક, કાંઈ વાંધો નહીં. પણ આ કથાગીત ૯ ખંડોમાં વહેંચાયું, એમાં ૭ ખંડ ૪ પંક્તિના, એક ખંડ ૬ પંક્તિનો અને એક ખંડ ૧૦ પંક્તિનો. કુલ ૪૪ પંક્તિ થઈ. શબ્દો ગણીએ તો ૩૫૦થી વધારે. આપણને પરીક્ષામાં કહેવામાં આવે કે ૬૦૦ શબ્દોમાં આસ્વાદ લખો! કેમ થાય? અંકિત : બધું કાંઈ પરીક્ષાને ધ્યાનમાં રાખીને જ કરવાનું હોય? વીરેન : ‘ગાણું અધૂરું મેલ્ય મા’ જેવાં ગીતો ક્યારેક લોકગીત તરીકે ઓળખાય. ઉમાશંકરની એવી કવિતાઓ આપણે ભેગી કરવી, જેમાં લોકસંસ્કારો હોય. ચાલો, સાહેબ નહીં હોય, ત્યારે આના આ ડુંગરે આવી આપણે આવો જલસો કરીશું. સૂતા ઝરણાને જગાડી ઉછીનું ગીત માગીશું. ટેકરીના ઢાળે ઢાળે પાછા પહોંચી જઈએ વર્ગમાં. સ્વર્ગમાં. વૃંદા : સ્વર્ગ, તો આ સ્વર્ગ નથી? સતીશ : આય સ્વર્ગ ને વર્ગ પણ સ્વર્ગ! હવે હાલો. સાહેબ આવશે ત્યારે આ મારા મોબાઇલમાં આખું રેકોર્ડ કર્યું છે તે સંભળાવશું. જિજ્ઞા : હા! અને રેકોર્ડ કરેલું લખીને ‘પરબ'માંય મોકલશું. હાલો હવે વરસાદ પડવા માંડ્યો છે ને બીજા વર્ગનો સમય પણ થઈ ગયો છે. હાલો હવે હાલો ઝટ્. બધાં : (ટેકરી ઊતરતાં)
- “કાંઈ છેટા છેટા રહ્યાં ડુંગરા રાજ વનરા તે વનનો વણજારો
- છેટી છેટી કુલેવડી ર્હૈ ગૈ રાજ વનરા તે વનનો વણજારો”
- છેટા… છેટા…
- છેટા… છેટા…
- છેટા…
- છેટી…