આત્માની માતૃભાષા/46
ભગવતીકુમાર શર્મા
હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુ જન મંગલ મન મારું ઉલ્લાસી.
હું…
અર્બુદ-અરબસમુદ્ર વચાળે
ધરતીના આ આઉ દુધાળે,
આવી વળગી હર્ષ-ઉછાળે
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી.
હું…
ધન્ય ધરા આ, કૃષ્ણ વસ્યા જ્યાં,
વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો જ ચિત્ત ઉપાસી.
હું…
અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત
ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત
મંત્ર મધુર ગુંજે અવિશંકિત:
‘સર્વ ધર્મ ઠ્ઠ(૮૭૧૯)જ્(૮૭૧૯), સર્વ ધર્મ જ્(૮૭૧૯)જ્(૮૭૧૯).'— ઉર એ રહો પ્રકાશી.
હું…
ગિરિચટ્ટાન સમાણી છાતી
જલધિતરંગ નાથે મદમાતી,
રમે વિદેશે સાહસ-રાતી.
સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી
હું ગુર્જર ભારતવાસી.
અમદાવાદ, ૨૯-૪-૧૯૬૦
‘વ્યક્તિ મટી હું બનું વિશ્વમાનવી', એવું કવનાર કવિશ્રી ઉમાશંકર જોશીનો ચેતોવિસ્તાર બામણા અને ઈડરથી હિરોશીમા-નાગાસાકી પર્યંત વિકસેલો પ્રતીત થાય છે. એ રીતે કવિ વિશ્વમાનવી સુધી વિસ્તરી શક્યા હતા. કવિની ગુર્જરભક્તિ સુવિખ્યાત છે અને તે તેમની એકાધિક કાવ્યરચનાઓમાં વ્યક્ત થયેલી છે, પણ ‘વિશ્વમાનવી’ બનવાની આકાંક્ષા સેવનાર કવિની ચેતના એમ ગુજરાતની માત્ર ભૌગોલિક તેમ ભાવાત્મક સરહદો પૂરતી મર્યાદિત શી રીતે હોય? ‘એ કેવો ગુજરાતી જે કેવળ હો ગુજરાતી?’ એ રચના તેના એક વધુ પ્રમાણરૂપ છે. આસ્વાદ હેઠળની રચનામાં કવિની ચેતના ગુજરાત અને ભારતવર્ષ સાથે પૂર્ણ એકરૂપતા સાધે છે. ‘સર્વજનના મંગલમાં ઉલ્લાસ’ પામનાર કવિની વિશાળ માનવપ્રીતિ અપ્રગટ શી રીતે રહી શકે? કાવ્યની પ્રથમ કંડિકાથી કવિ ગુજરાતની ભૌગોલિક વિવિધતાને ભારત સાથે સાંકળે છે. ‘અર્બુદ’ અને ‘અરબી સમુદ્ર'માં માત્ર વર્ણસગાઈથી કશુંક વિશેષ છે. પર્વતની ઊંચાઈ અને સમુદ્રની ગહરાઈ વચ્ચેનું વિરોધાભાસી સાયુજ્ય અહીં સાર્થક છે. ‘ધરતીના આઉ'ની કવિકલ્પના નાવીન્યસભર અને રોમાંચક જ નહીં, અર્થવાહી પણ છે. ગુજરાતમાં આવી વસેલી વિવિધભાષી પ્રજાઓ વચ્ચેની સંવાદિતાને સૂચવવા માટે એ પ્રજાઓ સાથે કવિએ ‘સુહાસી’નું જોડેલું વિશેષણ સૂચક અને યથાર્થ છે. ધરતીના સહિયારા થાનને વળગીને વસતી પ્રજાઓની વાત ઘણી માર્મિક છે. બીજી કંડિકામાં ગાંધીયુગના અને ગાંધીપ્રભાવને ઊંડાણથી ઝીલનારા આ મૂર્ધન્ય કવિ ગુજરાત સંદર્ભે ગાંધી અને કૃષ્ણની સહોપસ્થિતિ સાધે તે સ્વાભાવિક તથા કાવ્યોત્કર્ષ સિદ્ધ કરનારું તત્ત્વ છે. ગાંધી સુદામાનગરી પોરબંદરમાં જન્મ્યા. કૃષ્ણ ઉત્તર ભારતથી ગુજરાતની દ્વારિકા આવી ત્યાંના અધીશ બન્યા. કૃષ્ણે અર્જુન-પ્રીત્યર્થે ગીતાનું ગાન કર્યું. તો એ ગીતાને ગાંધીએ હૃદયમાં સ્થાન આપ્યું. કૃષ્ણે આતતાયીઓને સંહારી વિષદગ્રસ્ત જનોને છત્ર ધર્યું, ગાંધીએ તેમના કરુણાપ્રેર્યા સ્મિતથી કૃષ્ણના જીવન-સંદેશને આચારસ્થ કર્યો. યુદ્ધભૂમિ ત્યજી બુદ્ધિશરણે ગયેલા અશોકનો શિલાલેખ ગુજરાતમાં ગિરનાર પર જ નહીં, કવિના હૈયામાં પણ અંકિત છે. કવિ અહીં ગુજરાતમાં સહઅસ્તિત્વ ધરાવતી બધી કોમોનો, સર્વધર્માવલંબીઓનો સહેતુક ઉલ્લેખ કરે છે. પારસી અને જૈન જેવી સંખ્યાદૃષ્ટિએ નાની જાતિઓને પણ તેઓ વીસર્યા નથી. ગુજરાત પર આ સર્વનો અમીટ સાંસ્કૃતિક પ્રભાવ છે જ. આના અનુસંધાનમાં તેમની કવિચેતના સર્વધર્મ સમભાવ અને સર્વધર્મ મમભાવના આદર્શ સુધી માત્ર વિસ્તરતી નથી, તેમાંથી ઉજાશ પણ પ્રાપ્ત કરે છે. કવિને અહીં પુન: ગિરિની ઉત્તુંગતા, સમુદ્રનું ઊંડાણ અને સાગરખેડુઓની સાહસવૃત્તિ સાંભરે છે. પ્રાચીન કાળથી ગુજરાતીઓ તેઓની સમુદ્રસાહસવૃત્તિ માટે સુખ્યાત છે. દેશમાં સૌથી લાંબો સમુદ્રતટ ધરાવનાર ગુજરાતની પ્રજામાં સાગરી સાહસિકતા ધરબીને પડેલી હોય તેમાં શું આશ્ચર્ય? પણ, આ માત્ર દરિયાઈ વેપાર-વણજ માટેની ખેપ નથી; સાગરખેડુ ગુજરાતીઓએ તે દ્વારા સિદ્ધ કરેલી વૈશ્વિક વિશાળતા પણ છે. અહીં ગુર્જર, ભારતીય અને વૈશ્વિક અસ્મિતાનો અદ્ભુત, રમણીય તથા કાવ્યોપમ સમન્વય, કહો કે સહઅસ્તિત્વ સિદ્ધ થાય છે. તે દ્વારા જ ‘વ્યક્તિ મટી હું બનું વિશ્વમાનવી'ની કવિ-મનીષી ઉમાશંકર જોશીની જીવન-ખેવના મૂર્તિમંત થયેલી અનુભવાય છે.