આત્માની માતૃભાષા/49
રઘુવીર ચૌધરી
માઈલોના માઈલો મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ.
પેલા દૂર ડુંગર સરી જાય અંદર,—ડૂબી જાય
મજ્જારસમાં, સરિતાઓ નસોમાં શોણિતના
વહેણમાં વહેવા માંડે, સરોવરો
પહોળી આંખોની પાછળ આખાં ને આખાં
ડબક ડબક્યાં કરે. લહેરાતાં
ખેતરોનો કંપ અંગઅંગે ફરકી રહે.
જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ, — આંગણાં ઓકળી-લીંપેલાં,
છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઈ બેઠેલું પતંગિયું…
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઈ રહે.
માઈલોના માઈલો મારી આરપાર પસાર થયાં કરે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થાય છે.
ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ.
એકમેકની આસપાસ ચકરાતા ક્વાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ,—ચાલ્યાં આવે.
હરણ્ય મારી ભીતર કૂદી. પૂંઠે વ્યાધ, લાંબોક વીંછુડો…
અવકાશ બધો પીધાં કરું, તરસ્યો હું. ઝંઝાનાં તાંડવ,
ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,
વસંતલ પરિમલ — અંદર રહ્યું કોઈ એ બધુંય ગટગટાવે.
અનંતની કરુણાનો અશ્રુકણ? — કોઈ ખરતો તારો;
ધરતીની દ્યુતિ-અભીપ્સા? — કોઈક ઝબૂકતો આગિયો;—
સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઈ રહે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.
દિલ્હી, ૧-૯-૧૯૭૯
‘રાજસ્થાનમાં પસાર થતાં —’ અને ‘માઈલોના માઈલો મારી અંદર —’ — આ બંને કાવ્યો ઘણી વાર એકસાથે યાદ આવ્યાં છે. પ્રથમ કાવ્ય અમદાવાદથી દિલ્હી જતી ગાડીમાં સને ૧૯૬૩માં રચાયું છે, જ્યારે બીજું કાવ્ય દિલ્હીમાં ૧૯૭૯માં રચાયું છે. એમાં પણ દોડતી ગાડીનો ઉલ્લેખ છે. સરોવરો, હરિયાળી વગેરેના સંદર્ભો રાજસ્થાનને બદલે બીજા કોઈ ફળદ્રુપ પ્રદેશમાં સવિશેષ જોવા મળે. છતાં કોણ જાણે કેમ આ બંને કાવ્યો મારી રાજસ્થાન સાથેની આત્મીયતાને સંકોરી અંદર-બહાર વિસ્તારે છે. વળી, આ બંને કાવ્યોમાંથી કશું બાદ કરવા જેવું મને લાગ્યું નથી. ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાળાને ‘માઈલોના માઈલો મારી અંદર —’ ગમેલું. મેં એનો હિન્દી અનુવાદ કરેલો, કદાચ તેથી કે અકારણ પણ અમારી વચ્ચે વાત થયેલી. ડૉ. ટોપીવાળા રાજી હતા. તા. ૩-૧૨-૧૦ને દિવસે વડોદરામાં ‘અક્ષરા'ના ઉપક્રમે બોલતાં એમણે કહ્યું કે પોતે અમુક પંક્તિઓ ઓછી કરવા ઉમાશંકરભાઈને સૂચવેલું. પ્રસન્નતા દાખવતો એમનો પત્ર કવિને યાદ હતો પણ પછી ગ્રંથસ્થ થયેલા કાવ્યમાંથી કશું બાદ થયેલું જોવા મળ્યું નહીં. આ ક્ષણે મને થાય છે કે ડૉ. ટોપીવાળાને પૂછું: કંઈ પંક્તિઓ વિના તમને ચાલે એમ છે? પણ નથી પૂછતો. શક્ય છે પંક્તિઓ બદલાઈ જાય, શક્ય છે ડૉ. ટોપીવાળાનો અભિપ્રાય વધતોઓછો બદલાયો હોય. એ ખુલ્લા મનના તો છે જ. જાણે છે કે દરેક ભાવક નોખો હોઈ શકે, એક ભાવક પણ કાલક્રમે નોખો થઈ શકે. મારે આ કાવ્યને છે એ રૂપે અક્ષરશ: માણવું છે. જેટલી વાર વાંચ્યું-સાંભળ્યું એટલી વાર માણ્યું છે. હું ઉમાશંકરની કવિતાને એમાં રહેલાં વિધાનો — ‘સ્ટેટમેન્ટ્સ’ સાથે માણતો આવ્યો છું. મને કબીર-તુલસીના દોહા ગમતા હોય તો ઉમાશંકરની સૂત્રાત્મક પંક્તિઓ કેમ ન ગમે? ‘શુદ્ધ કવિતા'ના ધોરણે કે કલ્પન-પ્રતીકના મોહ સાથે કવિતા વિશે વાત કરવાનો ઉમળકો મેં પણ ઘણી વાર અનુભવ્યો છે, ખાસ કરીને સાતમા દાયકામાં. ‘ચોખૂણિયું મારું ખેતર’ આ કવિની સને ૧૯૬૫ની રચના છે. હું અને ભોળાભાઈ કવિને ઘેર બેઠા હતા. એમણે કેટલાંક નવાં કાવ્યો સંભળાવ્યાં. એમાં ‘ચોખૂણિયું મારું ખેતર’ પણ હતું. મેં પૂછ્યું: ‘સંગ્રહમાં આ કાવ્ય લેવાના છો?’ પછી તો ‘અભિજ્ઞા’ (૧૯૬૭)માં આ રચના જોવા મળી. તાજેતરમાં કવિશ્રી લાભશંકર ઠાકરે એને વિશે લખેલો વિસ્તૃત લેખ જોવા મળ્યો — આ ક્ષણે રચનાને ફરી એક વાર વાંચી લીધી છે. રૂપક અલંકારના દૃષ્ટાંત તરીકે, સરવાળે સધાયેલા સાંગ રૂપક તરીકે એનું વિશ્લેષણ થઈ શકે. અહીં કશું ગોપિત કે વ્યંજિત નથી. ‘વાવણી ક્ષણની, લણો અનંતતા’ જેવી પંક્તિઓ મહાકવિઓની ઉત્તમ રચનાઓ વિશે પણ ઉચ્ચારી શકાય. અને આ ખેતર એકલા ઉમાશંકરનું નથી. કોઈ પણ સર્જકના કવિકર્મની કેફિયત બની શકે એમ છે. તેથી એની મુખરતા બાધક થવાને બદલે સાધક ગણાય. ભલે એ ‘શુદ્ધ કવિતા’નું દૃષ્ટાંત બની ન શકે. ‘પંખીલોક'નો વ્યાપક સ્વીકાર થયો છે. પણ એમાં કેટકેટલાં ‘સ્ટેટમેન્ટ્સ’ આવે છે? મને બાધ નથી. હું ઉમાશંકરને એ સાથે સ્વીકારતો — પામતો રહ્યો છુ.ં હિન્દીમાં ‘સપાટબયાની'નો મહિમાયુગ આવ્યો એનો ઉલ્લેખ અહીં અપ્રસ્તુત પણ લાગે. ઉમાશંકરનાં બધાં સૂત્રો સપાટ નથી, જગાડનારાં છે. ‘વિશાળે જગવિસ્તારે’ કે ‘માથે ધરું ધૂળ વસુંધરાની’ એ શરતે વિશ્વમાનવી થવા જેવાં સૂત્રો ગુજરાતની આજની નવી પેઢીને પણ યાદ રહી જાય એવાં છે. ‘રાજસ્થાનમાં પસાર થતાં —’ કાવ્યમાં દૃશ્ય અને ધ્વનિને સંયોજતો લય આસ્વાદ્ય છે તો ‘માઈલોના માઈલો મારી અંદર—'માં બહારની સૃષ્ટિ આંતરવિશ્વને ઉઘાડે છે. આ બેઉ કાવ્યોનો સ્મૃતિમાં અન્વય સાધી આપનાર તત્ત્વ છે છંદ. મુક્ત છંદ લાગે એટલી સહજ સરળતા આ વનવેલીની ચાલ ધરાવતા લયમાં છે. કાવ્યનાયક પ્રગટપણે ગાડીમાં ‘સ્થિર અચલ’ છે પણ એનું ચિત્ત અનન્ય અને અપૂર્વ ગતિ અનુભવે છે: જોજનલાંબી જીવંતતા જાણે કે ભીતર પસાર થઈ રહી છે. ‘માઈલોના માઈલો’ ગદ્યાળુ શબ્દપ્રયોગ છે, વિભાષી છે, એ બધું લયમાં ગતિમય બનીને ચમત્કાર સર્જે છે. પછી સ્મૃતિના એક જ તાંતણે બહારની વિશાળ જીવંત સૃષ્ટિનાં ઘટકો પરોવાય છે અને દૃશ્યાવલિ ભાવકના વિમલ ચિત્તમાં ઝિલાય છે. દૂરના ડુંગરોનું અંદર સરી જવું, મજ્જારસમાં ડૂબવું, નસોના શોણિતમાં સરિતાઓ સાથે સરોવરોનું વહેવું, સ્થળ અને જલના આ આંતરયોગ પછી ખેતરોનું લહેરાવું, પેલાં આંખો પાછળ ડબકતાં સરોવરો અને આ ખેતરોનો અંગેઅંગે ફરકતો કંપ બાહ્ય અને આંતર અસ્તિત્વને એકમેકના પર્યાય બનાવી રહે છે, બલ્કે પિંડ-બ્રહ્માંડના એકત્વનો અનુભવ પ્રેરે છે. જે કવિએ દિશ દિશની બારી અને વિરાટની અટારીએ ગીત ગોત્યું હોય એ અવશ્ય કહી શકે: ‘જાણે હથેલીમાં રમે પેલાં ઘરો.’ હજી કવિ ઝીણી નજરે જુએ છે: ઝૂંપડીઓ અને ઓકળી-લીંપેલાં આંગણાં. ઝૂંપડી છે તો એના છાપરે ચઢેલો વેલો પણ દેખાય. વેલા પછી વેલબુટ્ટો. કવિતામાં શબ્દ શબ્દને કેવી રીતે જોડે છે એનું આ દૃષ્ટાંત છે: ‘ત્યાં પાસે વેલબુટ્ટો થઈ બેઠેલું પતંગિયું…’ કવિના સમાનધર્મા મિત્ર શ્રીધરાણીની પંક્તિનું સ્મરણ થાય: ‘પતંગિયું ને ચંબેલી, એક થયાં ને બની પરી.’ ઉમાશંકરની કવિતામાં આવતી બાલિકાઓ, કન્યાઓના સંદર્ભો લઈને પણ એમની ભાવસૃષ્ટિના એક મહત્ત્વના ઘટક વિશે આસ્વાદલેખ થઈ શકે. વત્સલતાનો એ વિકાસ આદર જગવે છે. ૧૪ પંક્તિના પૂર્વાર્ધ પછી ૧૨ પંક્તિનો ઉત્તરાર્ધ આરંભાય છે. શબ્દ બદલાય છે. ‘માઈલ’નું સ્થાન ‘વિશ્વ’ લઈ શકે એની ભૂમિકા પૂર્વાર્ધમાં આત્મસાત્ થયેલી સૃષ્ટિએ તૈયાર કરી આપી છે. હવે કવિએ કલ્પનો ઉપરાંત અર્થસમર્પક વિધાનોનો વિનિયોગ પણ કરવો છે: ‘ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ’ — આ સમ છે ઉમાશંકરની કવિતાનો. ‘માથે ધરું ધૂળ વસુંધરાની’ અને ‘ઉટજ ઉટજે સૌમ્ય ગૃહિણી રચે સન્ધ્યાદીપ’ — ‘ભલે શૃંગો ઊંચાં અવનિતલ વાસો મુજ રહો!’ જેવી પંક્તિઓ માટીની આ શૃંખલાની અદૃશ્ય કડીઓ છે. માટીનું આ આત્મીય બંધન પ્રમાણ્યા પછી કવિ ઊંચાં ઉડ્ડયન ભરે છે: નિહારિકાઓ અને આકાશગંગાઓ તો નિબંધમાં પણ પોતાનું તેજોદીપ્ત સ્થાન પામી શકે, પણ અહીં તો ચાલ્યાં આવે છે ‘નક્ષત્રોનાં ધણ’. હવે ‘ટેક-ઑફ'નો — ઉડાનનો આધાર પૃથ્વીને બદલે આકાશ બને છે. વિવિધ નક્ષત્રો પરિચિત પ્રાણીઓની જેમ આકાશનું મેદાન સર કરે છે. વ્યાધ પછી ઝંઝાના તાંડવ વિશે જાણવા ભાવકનું ચિત્ત સજ્જ બને છે. ‘ઘુર્રાતાં વાદળો’ — શબ્દપ્રયોગ ધ્યાન ખેંચે છે. તેજને ભય નથી. ઉનાળુ લૂ અને વસંતલ પરિમલ — અભય ચેતના માટે પેય બને છે. ખરતો તારો કવિને અનંતની કરુણાનો અશ્રુકણ લાગે છે. જાણે કે દ્યુતિ પામવાની ધરતીની અભીપ્સા છે એની સમાંતર ઝબૂકતો આગિયો! આગિયા દ્વારા ધરતી જે અભીપ્સા સૂચવે છે એ વાસ્તવમાં કવિની છે. હવે નામ પાડીને કવિ — માટીની શૃંખલાથી બદ્ધ કવિ માગે છે: ‘વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.’ પદરચના વર્તમાન અને ભવિષ્ય બેઉ કાળને જોડે છે. વિશ્વમાનવી થવાની ભાવના ગળથૂથીમાં પામેલ કવિને આટલું તો જોઈએ જ ને! હે બહિરંતર વિશ્વો, તમે મને તમારાથી સૂનો રહેવા ન દેતાં. ધરાતલ અને બ્રહ્માંડ બેઉના ગૌરવની સહોપસ્થિતિનું ગાન છે આ કાવ્ય. અહીં અનેક સૌંદર્યો મળીને વિકસિત કવિચેતનાનું દૃષ્ટાંત પામે છે. કવિનું નિવેદન રૂબરૂ રજૂ થતું હોય એવી ભાષિક સંરચના સધાઈ છે. કવિએ જીવનભર કેળવેલી લયસૂઝનો અહીં સર્વાધિક હિસાબ મળી રહે છે.
તા. ૧૧-૧૨-૨૦૧૦