આત્માની માતૃભાષા/52
રાજેશ પંડ્યા
એક પંખીને કંઈક કહેવું હતું,
માનવીની પાસે આવતાં ખમચાતું હતું;
ઊડી ગયું દૂર, ટેકરી પર, ઊંચા વૃક્ષની ટગડાળે,
આગળપાછળ જોયા વિના, ભૂખ-થાક-વિરહ-ઑથાર નીચે
કંઈક બબડી નાખ્યું એણે. સરતી સરિતાએ
સાંભળી લીધું, ‘હું એને પહોંચાડી દઈશ, રસ્તે
મળી જશે કદાચને!’ ગબડતી, મેદાનોમાં રસળતી,
લોથપોથ સમંદરમાં ઢબૂરાઈ ગઈ બુદ્બુદરવે કંઈક
કહેવા કરતી. ‘કાંઈ નહિ, દુનિયાના ચોગમ કિનારાઓ પર
પહોંચાડીશ’ કહેતોક સમુદ્ર ઊપડ્યો,
દિનરાત અનવરત ખડકો પર મસ્તક અફાળતાં
સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી બેઠો.
એક પંખીને કંઈક કહેવું હતું…
નવી દિલ્હી
૨૭-૮-૧૯૭૯
ઉમાશંકર જોશી વિશે એક વાત વારંવાર કહેવાઈ છે કે, ઉમાશંકર જોશીની કાવ્યયાત્રા ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો'થી શરૂ થઈ ‘છિન્નભિન્ન છું'ના મુકામે પહોંચે છે. એના અનુસંધાનમાં એમ પણ કહેવામાં આવે છે કે તેમની કવિતા બદલાતા સમય સાથે બદલાતી, પરિવર્તન પામતી રહી છે. આ બંને કાવ્યોની આરંભપંક્તિઓ સાથલગી વાંચીએ તો એમાંનો વિરોધાભાસ તરત દેખાય. આ દેખીતા વિરોધાભાસ અને પરિવર્તનની વચ્ચે પણ તેમની કવિતામાં એક સૂક્ષ્મ સાતત્ય, પહેલેથી તે છેક સુધી, જળવાઈ રહ્યું છે. એ સાતત્ય કયું અને તે કઈ રીતે ‘એક પંખીને કંઈક —’ કાવ્યમાં વિસ્તરે છે અને વિકસે છે તે પહેલા જોઈએ.
‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’ સાંભળીને જ કવિ કાવ્યલેખનની શરૂઆતમાં જ વિશ્વશાંતિનો અનુભવ શબ્દબદ્ધ કરે છે તે શાંતિમય ‘મંગલ શબ્દ'ના ઘડતરમાં બીજા ઘણા શબ્દો (words નહીં, sounds) પણ ભળ્યા છે. આ શબ્દબહુલતાથી કોઈ ‘દેકારો’ કે ‘ગોકીરો’ જેવો વિસંવાદ ઊભો થતો નથી. બલકે, એ શબ્દસમૂહના વિવિધસ્વરો વચ્ચેનો સુમેળભર્યો સં-વાદ જ એકવચન ‘શબ્દ'ની આગળ ‘મંગલ’ વિશેષણને લઈ આવે છે. પછી તો એ બંને જોડાજોડ રહી એકબીજાને અજવાળે છે. આ અર્થપ્રકાશ જે શબ્દપ્રકાર પર નિર્ભર છે તે પંક્તિઓ કંઈ? એમ કોઈ પૂછે તો તરત વિશ્વશાંતિમાં પોતાના વિવિધ સ્વર ઓગાળી દેતી આ પંક્તિઓ ચીંધી શકાય: વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી: પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!
કવિના બાળગોઠિયા કથાલેખક પન્નાલાલ પટેલની કથાકૃતિ ‘માનવીની ભવાઈ'માં છેલ્લે જતાં એક સંવાદ આવે છે: ’…ભલી છે પરથમી કે સરવને હેંડવા દે છે!’ માત્ર માનવી નહીં, માનવીની સાથોસાથ પશુ, પંખી અને વનસ્પતિ સુધ્ધાં ભળે તો ‘સરવ’ બને. એ બધાં વિના માનવી તો એકલો. અને એનું જગત પણ એકલવાયું. સાંકડું. આ ‘સર્વ'થી જગ વિશાળ છે. આ બધાંના વિસ્તાર (ને વસ્તાર)થી જે જગ જીવંત બને છે, તે પૃથ્વી કાંઈ એકલા માનવીની બાપીકી જાગીર નથી. બીજાં પ્રજીવો-સજીવોનો પણ પૃથ્વી પર માનવી જેટલો જ હક્ક છે. કદાચ માનવીથી પણ અદકો અધિકાર છે કેમકે એ બધાં પૃથ્વી પર મનુષ્ય કરતાં પણ પહેલાં ને વહેલાં આવ્યાં છે. આ બધાંના સુમેળને લીધે જ પૃથ્વી એની ધરી પર સમતોલ રહી ગતિ કરી શકે છે. આ બધ્ધાંનાં સહઅસ્તિત્વથી જૈવિક સમતુલા જળવાય છે. એ સમતુલા જો જોખમાય તો તુલાની દાંડી સમ પર ન રહે. એ સમભંગ તાલભંગ અને લયભંગમાં પરિણમે. પરિણામે પૃથ્વીની ધરી આ કે તે બાજુ નમી જાય. અસમતુલા ઊભી થાય. આવી અ-સમતુલાથી કોઈ પણ સંવેદનશીલ મનુષ્ય જેમ કવિ પણ ચિંતિત થઈ જાય. એવું ચિંતાશીલ, નહીં કે ચિંતનશીલ, કવિહૃદય જે સમસંવેદન અનુભવે છે તેનું કાવ્ય છે: ‘એક પંખીને કંઈક —’
‘એક પંખીને કંઈક કહેવું હતું’ એ પહેલી પંક્તિના ‘કંઈક’ શબ્દ દ્વારા પંખીને શું કહેવું હતું? અને કોને કહેવું હતું? એવા પ્રશ્ન થાય. પછીની બીજી પંક્તિ ‘માનવીની પાસે આવતાં ખમચાતું હતું’ દ્વારા એના ઉત્તર મળે. કવિ, પંખીનો ઉલ્લેખ કોઈ વિશેષનામે નહીં પણ જાતિવાચક સામાન્યનામે કરે છે. એ રીતે કાવ્યગત માનવી પણ સમગ્ર મનુષ્યજાતિનું પ્રતિનિધિત્વ કરે છે. આમ, આરંભની આ બે પંક્તિઓ વડે કવિને પંખી અને મનુષ્ય વચ્ચેનો સંવાદ અભિપ્રેત છે તેનું સૂચન થાય છે. આ સંવાદ શક્ય બને તેટલી નિકટતા હોવી જોઈએ. માનવજાતે પંખીઓમાં હજી સુધી એવો ભરોસો ઊભો કર્યો નથી કે પંખીઓ નિર્ભયતાથી માનવીની સંનિકટ આવે. માનવીથી ભરોસાને બદલે ભય અનુભવતું પંખી ‘માનવીની પાસે આવતાં ખમચાતું હતું’ એટલે ‘ઊડી ગયું દૂર.’
૫.‘મને (એટલે કે એક માનવીને) જોઈને ઊડી જતાં પક્ષીઓને’ લીધે કવિ કલાપીએ વિહ્વળહૃદયે એક પંક્તિ લખી: ‘પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું.’ આ માત્ર સાદી ઉપમા નથી. તેમાં તો જે રાજવી છે તેવા મનુષ્યના અહંનું વિગલન પણ સૂચવાય છે. અને એટલે જ ગાયનો ઉલ્લેખ પહેલા આવે છે અને હું-નો પછી. પંક્તિમાં છેક છેલ્લે. મનુષ્યના અહંનું આટલું સ્વરૂપાંતર થયું તેમ છતાંય પંખીઓનો વિશ્વાસ જીતી શકાયો નહીં. પશુ-પંખીઓ અને અન્ય જીવસૃષ્ટિ જેટલી સહજતાથી એકબીજા પર વિશ્વાસ મૂકે છે તેટલો માનવી પર મૂકતા નથી. ભેંસની પીઠ પર કૂદાકૂદ કરતા દેડકાને કવિ રાજેન્દ્ર શાહે જોયા અને ક્યારેય ભૂલી ન શકાય એમ કાવ્યમાં અમર કર્યા. [: ‘ત્યાં પંક માંહી મહિષીધણ સુસ્ત બેઠુંદાદૂર જેની પીઠપે રમતાં નિરાંતે] આવી નિકટતા મનુષ્ય અને પંખી વચ્ચે નથી તેથી કવિ કલાપી અને કવિ ઉમાશંકર બંને ગ્લાનિ અનુભવે છે. ઓગણીસમી સદીના અંતમાં, કલાપીના કાવ્યમાં, મનુષ્યને જોઈ દૂર ઊડી જતાં પક્ષીઓ, વીસમી સદીને અંતે ફરી મનુષ્ય પાસે આવે છે ઉમાશંકરના આ કાવ્યમાં. કંઈક કહેવા. સંવાદ સાધવા. આખી સદી વીતી ગઈ. છતાં એ બંને વચ્ચેનું અંતર ઘટ્યું નથી. ‘કહેવું હતું’ અને ‘ખમચાતું હતું’ દ્વારા કવિએ પંખી અને મનુષ્ય વચ્ચેનું અંતર હજીય એવું ને એવું જ છે તે સૂચવી દીધું છે. આ અંતર પછીની પંક્તિએ પંક્તિએ વધુ ને વધુ વધતું જાય છે.
ત્રીજી પંક્તિ: ‘ઊડી ગયું દૂર, ટેકરી પર, ઊંચા વૃક્ષની ટગડાળે'માં એ અંતર કેટલું બધું વધી ગયું છે તે દર્શાવવા કવિએ અંતરમાપનનાં બંને પરિમાણ- (લંબાઈ અને ઊંચાઈ)ને પ્રયોજ્યાં છે. માત્ર ‘ઊડી ગયું’ એમ નહીં. પરંતુ ‘ઊડી ગયું દૂર’ — દૂર એટલે આઘે અને ઊંચે એ બંને અર્થમાં. આઘેનું અંતર સૂચવવા કવિએ ‘દૂર’ શબ્દનો જ લંબાતો જતો ધ્વનિ ખપમાં લીધો. જ્યારે ઊંચાઈસૂચક વિશેષણ ટેકરી આગળ મૂકવાને બદલે વૃક્ષ આગળ મૂકીને તેમજ સૌથી ઊંચી ડાળ માટે ‘ટગડાળ’ શબ્દ યોજીને ક્રમશ: વધતી જતી ઊંચાઈનો કવિએ નિર્દેશ કર્યો છે. હવે માનવીથી પંખી ક્યાંય દૂર. સલામત અંતરે. જોકે આ સલામત સ્થાને પહોંચવા માટે પંખીએ ભૂખથાક ગણકાર્યા વિના સતત ઊડ્યા કરવું પડ્યું છે. છતાં ભયનો ઓથાર સાવ દૂર થયો નથી. એ ઓથાર નીચે જ જે ‘કંઈક કહેવું હતું’ તેને બદલે (ભળતું જ) ‘કંઈક બબડી નાંખ્યું એણે.’ આમ પંખીને જે કહેવું હતું તે બહાર તો માત્ર બબડાટ રૂપે જ પ્રગટ થયું. પંખીનો મધુર કલરવ ભયના ઓથારને લીધે બબડાટમાં રૂપાંતરિત થયો. પંખીના મૂળ સંદેશનું આ પહેલું પાઠાંતર.
પંખીનો આ બબડાટ નદીએ સાંભળી લીધો. એમાંનો સંદેશો ગ્રહણ કરવામાં એને મુશ્કેલી ન નડી. એટલું જ નહીં. એ સંદેશ માનવી સુધી પહોંચાડવામાં હવે નદી માધ્યમ બની. બીજી રીતે કહીએ તો, પંખીનો સંદેશો નદીના સંદેશામાં બદલાઈ ગયો. પંખીનો બબડાટ નદીના ખળભળાટમાં પરિવર્તિત થઈ અને પ્રતિધ્વનિત થઈ આગળ વધ્યો. અટક્યો નહીં. છેવટ નદી પણ ‘ગબડતી, મેદાનોમાં રસળતી, લોથપોથ સમુંદરમાં ઢબૂરાઈ ગઈ બુદ્બુદરવે કંઈક કહેવા કરતી.’ જેમ પંખીનું ‘કંઈક કહેવું’ બબડાટમાં બદલાઈ ગયું'તું તેમ નદીનો ખળખળ જળરવ આખરે બુદ્બુદરવમાં પલટાઈ જાય છે. પંખીના મૂળ સંદેશનું આ બીજું પાઠાંતર.
હવે સંદેશ પહોંચાડવાની જવાબદારી સમુદ્રને માથે આવી. નદીનો સંદેશો હવે સમુદ્રનો સંદેશો બની ગયો. પંખીનું ‘કંઈક કહેવું’ પહેલા બબડાટમાં ફેરવાયું. એ બબડાટ પછી ખળખળાટમાં ફેરવાયો ને ખળખળાટ હવે ઘુઘવાટમાં. પંખીના મૂળ સંદેશનું આમ ત્રીજું પાઠાંતર થયું. પહેલા પંખી, પછી નદી, પછી સમુદ્ર આ બધાં પ્રાકૃતિક તત્ત્વો કાવ્યમાં એક પછી એક સહજ રીતે પ્રવેશે છે. પ્રકૃતિનાં આ તત્ત્વો વચ્ચે સંદેશાની આપલે માટે કોઈ અવરોધ નથી. એ તો સરળતાથી સંદેશો ગ્રહણ કરી લે છે. (માત્ર માનવી જ એ ગ્રહણ કરી શકતો નથી.) એ સંદેશો માનવી સુધી પહોંચાડવા સંદેશવાહકો બદલાતા રહે છે પણ સંદેશો બદલાતો નથી, પાઠાંતરો પામીને પણ મનુષ્ય ભણી ગતિ કરતો રહે છે. જોકે પાઠાંતરોને લીધે એ સંદેશ કંઈક ઝાંખો ને ઝાંખો થતો છેવટ એના મૂળાક્ષર પણ ગુમાવી દે છે. પંખીને (જે) ‘કંઈક કહેવું હતું’ તેનો ધ્વનિ, તેનો મર્મ, તેનો અર્થ એ જ તેનો મૂળ અક્ષર. મૂળાક્ષર. રાતદિવસ અનવરત ઊછળતા સમુદ્રના મોજાંથી માત્ર કાંઠાના કાળમીંઢ ખડકોનું જ કાળક્રમે ધોવાણ થાય છે એવું નહીં, સંદેશાના મૂળાક્ષરો પણ ધોવાતા, ભૂંસાતા, ભુલાઈ જાય છે. કવિએ ખડકોના ધોવાણનું આરોપણ સંદેશાના મૂળાક્ષર પર કરીને સમયના વહેણની તીવ્રતા દર્શાવી છે. આમ ‘એક પંખીને કંઈક કહેવું હતું’ એવા આરંભમાં, પ્રકૃતિ અને માનવી વચ્ચે, સંવાદની એક શક્યતા હતી. એ શક્યતાનો ‘સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી બેઠો’ એ પંક્તિ સાથે અંત આવે છે.
હવે મનુષ્ય અને કુદરતના સંબંધો પરસ્પર વધુ સંવેદનશીલ બને એ માટેની ભાષા અને ભૂમિકા નવેસરથી શોધવી રહી. કેમકે, ‘એક પંખીને કંઈક કહેવું હતું…’ એ તો હજી માનવીએ કાન દઈ સાંભળ્યું નથી. અને ‘પંખીલોક'ના કવિ કહે છે તેમ ‘કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે.’
થોડી વાત રચનાકળાની: આ કાવ્ય પંખી, નદી અને સમુદ્ર એ ત્રણ વિશેનાં ત્રણ વાક્યમાં વિસ્તરે છે. એ સૂચવતાં માત્ર ત્રણ જ પૂર્ણવિરામો કવિએ કાવ્યમાં મૂક્યાં છે. જેમાં બે તો પંક્તિ અધવચ છે, ત્રીજું જ પંક્તિને અંતે છે. બાકીની પંક્તિઓ એકબીજાના સાતત્યમાં સંકળાતી ચાલે છે. આ સાતત્યથી સંદેશાનું સાતત્ય પણ સૂચવાયું છે. અછાંદસમાં પણ આવી પ્રવાહી પંક્તિયોજનાનો વિચાર, સફળ છાંદસકાવ્યોના કવિને સૉનેટની પ્રવાહી પંક્તિ-રચના પરથી સૂઝ્યો હશે, કદાચ. r પંખીની વાણી જે સંવાદની અપેક્ષા રાખે છે તે સ્વાભાવિક રીતે લયવાહી સંવાદ જ હોય. [પ્રથમ પંક્તિમાં એનો કૈંક સંકેત પણ છે. ચંદ્રકાન્ત ટોપીવાળાએ આ સંકેત સરસ રીતે સ્પષ્ટ કર્યો છે: ‘એક પંખીને કંઈક કહેવું હતું’ (ગાલગાગા ગાલગાગા ગાલગા)] પરંતુ એ માટે કવિએ છાંદસ લય-અભિવ્યક્તિને બદલે અછાંદસનો સ્વીકાર કર્યો છે. તેમાં આ પરંપરાગત લયસંવાદ તૂટ્યાનું અને પુન: નવો લયસંવાદ રચવાનું ઇંગિત જોઈ શકાય. r આ કાવ્યની કાળયોજના પણ રસપ્રદ છે. એક પંખીને કંઈક કહેવું ‘છે’ એમ હોવું જોઈએ તેને બદલે કહેવું ‘હતું’ એવા નિરૂપણને લીધે રચના આરંભની પંક્તિથી જ ભૂતકાળમાં સરે છે. આવા કાળપરિવર્તન દ્વારા કથનાત્મકતાને અવકાશ મળ્યો છે. એથી આખી ઘટના જાણે હમણાં, નજીકના સમયમાં જ બની ગઈ હોય અને તેની રજૂઆત થતી હોય તેવી કથનશૈલી શક્ય બની છે. એવી કથનશૈલીના અનુસંધાને જ બાળવાર્તા અને પ્રાણીકથામાં હોય તેવાં પ્રાકૃતિક તત્ત્વો પાત્ર તરીકે આવ્યાં અને તેમની ઉક્તિલઢણો પણ શક્ય બની. r પંખી, નદી અને સમુદ્ર એ ત્રણેના સંદેશપાઠ શ્રાવ્ય છે. પરંતુ એ દરેકના શ્રાવ્યગુણ જુદાજુદા છે. એટલું જ નહીં, શ્રાવ્યતાનો અનુભવ પણ જુદો છે. કવિએ કાવ્યની પદાવલિ-યોજનામાં એનો સર્જનાત્મક લાભ લીધો છે. r કાવ્યમાં ક્યાંય, પંખીનો મૂળસંદેશ શું છે તે કવિએ સ્પષ્ટ કર્યું નથી. ‘કંઈક’ શબ્દથી એ સંગોપિત રાખ્યું છે. પંખી કહે અને માનવી સાંભળે તો જ કંઈક એટલે શું? તે સ્પષ્ટ થાય. કાવ્યમાં તો એ બંને વચ્ચે કહેવા-સાંભળવાની ઘટના ઘટતી નથી. પ્રત્યાયન થતું નથી. કાવ્યાન્તે તો સંદેશાના મૂળાક્ષર પણ ભુલાઈ, ભૂંસાઈ જાય છે. છતાં, એ ‘કંઈક’ સંદેશ શું હોઈ શકે તેનું સહૃદય ભાવક સુધી પ્રત્યાયન જરૂર થાય છે. ત્યારે ‘કાવ્ય’ એ જ ‘સંદેશો’ બની રહે છે. આ જેટલો કાવ્યવ્યાપારનો ચમત્કાર છે તેટલો ભાવનવ્યાપારનો ચમત્કાર પણ છે.