પરમ સમીપે/૧૫
સાધકો તીર્થોમાં ઈશ્વરને શોધતા ફરે છે, પણ તેઓ જાણતા નથી કે તેઓ જ તે છે.... હે આત્મા, તું જ પરમાત્મા છે. પરમાત્મા આપણી અંદર જ વ્યાપ્ત છે. તમે જેટલા પોતાની જાતથી અળગા થતા જશો, એટલું જ લીલું ઘાસ દેખાશે.
મેં જે કાંઈ કર્મ કર્યાં તે પૂજા છે, મેં જે પણ કાંઈ કહ્યું તે મંત્ર છે. હું પૂજા અને મંત્રનું પ્રતીક બની ગઈ છું. શાસ્ત્રનું આ જ સારતત્ત્વ છે.
હું જે કાંઈ કામ કરી શકું તેની પૂર્તિની જવાબદારી મારી જ ઉપર છે, પણ અર્જન અને ફળ બીજાના હાથમાં છે. હું જો નિષ્કામ ભાવથી કર્મો પરમાત્મા-મહાદેવનાં ચરણોમાં સમર્પિત કરી દઉં, તો હું જ્યાં પણ જઈશ ત્યાં દરેક સ્થિતિમાં તે મારી સાથે જ રહેશે.
મને કોઈ હજાર ગાળ ભલે દે, મારા હૃદયમાં પરમ શિવની નિર્મળ ભક્તિ હશે તો મારા ચિત્તમાં અશાંતિ ક્યારેય નહિ પ્રવેશે. શ્વાસની રજથી દર્પણની સ્વચ્છતા થોડી જ નાશ પામે છે?
આત્મજ્ઞાન જ સર્વશ્રેષ્ઠ પ્રકાશ છે. આત્મામાં લીન રહેવું તે જ પરમ પવિત્ર તીર્થ છે. પરમાત્મા જ સર્વોત્તમ બંધુ છે. ઈશ્વરમય થવું તે પરમ સુખ છે.
સમુદ્રમાં કાચા તાંતણા વડે નાવ ખેંચી રહી છું. મારા પરમ પ્રિયતમ પ્રભુ સાંભળશે, તો મને પાર ઉતારશે.
લલ્લેશ્વરી