પરમ સમીપે/૨૧
હે નિત્ય નવીન અનાદિ સૌંદર્યના મૂળ અધિષ્ઠાન પરમેશ્વર,
મારા સમયનો મોટો ભાગ ખોઈ નાખ્યા પછી મેં તમને
મારા પ્રેમપાત્ર તરીકે સ્વીકાર્યા છે. તમે તો હંમેશાં મારી
અંદર વિદ્યમાન હતા, પણ હું જ તમારાથી દૂર હતો.
તમે મને તમારી પાસે બોલાવ્યો, સાદ પાડ્યો અને
મારું બહેરાપણું નષ્ટ કર્યું. તમે મને સ્પર્શ કર્યો અને
મારા મનમાં તમારા પ્રેમ-આલિંગનની આકાંક્ષા જાગી.
પોતાના મનમાં જે, તમારી પૂજા માટે ન હોય એવી
અન્ય વસ્તુઓની પણ અભિલાષા રાખે છે, તેનો
તમારા માટેનો પ્રેમ ઊણો છે.
હે પ્રેમસ્વરૂપ પરમેશ્વર, અનન્ત-શાશ્વત જ્યોતિસ્વરૂપ દેવતા,
કૃપા કરીને મારા હૃદયમાં તમારી અવિનશ્વર
પ્રેમજ્યોતિ ભરી દો.
મારે માટે વિપત્તિમાં રહેવાનું જ શ્રેયસ્કર છે. હું
વિપત્તિમાં સ્વસ્થ રહું છું, કારણ કે પરમેશ્વરે જ મારે
માટે એવું વિધાન કર્યું છે. આપણે એની ઇચ્છાથી
વિપરીત સ્થિતિનું વરણ કરીએ તો અપરાધી ઠરીએ.
ઈશ્વરે તો આપણે માટે એની સત્ય સમજણથી જે યોગ્ય
અને ન્યાયપૂર્ણ છે, તે સ્થિતિની જ વ્યવસ્થા કરી છે.
સંત ઑગસ્ટિન