પરમ સમીપે/૨૭
Jump to navigation
Jump to search
૨૭
વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,
પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે.
દુઃખ અને સંતાપથી ચિત્ત વ્યથિત થઈ જાય ત્યારે
મને સાંત્વના ન આપો તો ભલે,
પણ દુઃખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.
મને સહાય ન આવી મળે તો કાંઈ નહિ
પણ મારું બળ તૂટી ન પડે,
સંસારમાં મને નુકસાન થાય
કેવળ છેતરાવાનું જ મને મળે,
તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.
મને તમે ઉગારો — એવી મારી પ્રાર્થના નથી,
પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.
મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો
પણ એને હું ઊંચકી જઈ શકું, એવું કરજો.
સુખના દિવસોમાં નમ્ર ભાવે તમારું મુખ હું ઓળખી શકું,
દુઃખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય
ત્યારે તમે તો છો જ — એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.
રવીન્દ્રનાથ ટાગોર