પરમ સમીપે/૩૧
Jump to navigation
Jump to search
૩૧
આ જીવનમાં આ વખતે જો તમને જોવા ન પામું,
હે પ્રભુ! તો તમને હું પામ્યો નથી એ વાત હંમેશાં
મને યાદ રહો, એ હું કદી ભૂલી ન જાઉં, શયનમાં
સ્વપ્નમાં એની વેદના ખૂંચ્યા કરો.
આ સંસારના હાટે મારા જે દિવસો જાય,
ધનથી મારા બેઉ હાથ ભરાઈ જાય, ત્યારે
હું કશું જ પામ્યો નથી એ વાત મને હંમેશાં
યાદ રહો, હું કદી ભૂલી ન જાઉં, ઊંઘમાં
સ્વપ્નમાં એનું શલ્ય રહ્યા કરો.
આળસભાવે હું રસ્તાને કાંઠે બેસી પડું
જતન કરીને ધૂળમાં હું પથારી પાથરું
ત્યારે, આખોયે પથ હજી બાકી છે એ વાત મને
યાદ રહો, હું કદી ભૂલી ન જાઉં, ઊંઘમાં સ્વપ્નમાં
મને એનું શલ્ય વાગ્યા કરો.
હાસ્યની છોળો ઊડે, ઘરમાં બંસી વાગે, મહેનત
કરીને ઘર સજાવું, ત્યારે તને ઘરમાં લાવી શક્યો
નથી એ વાત મને હંમેશાં યાદ રહો, કદી ભૂલી ન જાઉં,
શયનમાં સ્વપ્નમાં એ વેદના કોર્યા કરો.
રવીન્દ્રનાથ ટાગોર