પરમ સમીપે/૩૨
Jump to navigation
Jump to search
૩૨
સાચા શબ્દો અને માયાળુ વચન
નિઃસ્વાર્થ મનમાંથી નીકળતા વિચાર
ત્વરાથી કરેલી સેવા અને અટકાવી રાખેલી ઈજા
ગુપ્ત રાખેલો શોક અને વહેંચી લીધેલો આનંદ
આજ સંધ્યાસમયે તારા કરમાં પ્રસન્ન વદને મૂકવા માટે
આવાં ફૂલો હું સંઘરી શકું એવી મારી ભાવના છે.
અફળ ઠરેલી આશાની કબરમાંથી નવી ઉત્પન્ન થતી આશા
સમગ્ર જગતના કલ્યાણ માટે મથતી સંકલ્પશક્તિ
એક પરમેશ્વરને પ્રગટ કરવા પ્રયત્ન કરતા
અનેક મનુષ્યો પર સ્નેહ ઢોળતો પ્રેમ
સર્વ દુઃખોથી મુક્ત એવાં ભવિષ્યનાં સ્વપ્ન
આજ સંધ્યાસમયે તારા કરમાં પ્રસન્ન વદને મૂકવા માટે
આવાં ફૂલો હું સંઘરી શકું એવી મારી ભાવના છે.
સી. જિનરાજદાસ