પરમ સમીપે/૫૦
હજારો વસ્તુઓમાં તમારા અંશને પ્રગટ કરી
તમારી સત્તાને તમે ગુપ્ત રાખી છે.
આકાશની નીલિમા, મેઘની શોભા, પરોઢનો ઉજાસ
અને સંધ્યાના રંગોમાં, સૂર્યચંદ્રતારા નક્ષત્રોમાં,
પ્રગાઢ અંધકારના ઉચ્છ્વાસમાં, પૃથ્વીની ગતિમાં અને
તારાવિશ્વોની નિ:સીમ રમણામાં
તમે તમારા જ અંશને પ્રગટ કર્યો છે.
ઘટછાયાં વૃક્ષો, રંગસુગંધનાં નીરવ ગીત સમાં ફૂલો,
પગ તળેનું નરમ ઘાસ, બેઉ કાંઠે ભરેલી નદીનો કિલકાર,
જ્વાળામુખીનો લાવા, બરફનાં પૂર, વાવાઝોડાં ને ધરતીકંપ
આ બધાંમાં તમારો જ રમ્ય ને રૌદ્ર અંશ પ્રગટ થયો છે.
અનંત જીવોથી ભરેલી આ સૃષ્ટિ
જન્મ જીવન મૃત્યુનો આ ખેલ
વિવિધ ચહેરા ને વિવિધ વાણી
ચૈતન્યનો અખંડ પ્રવાહ અને
ચિરકાળથી મનુષ્યે સહેલી યાતનાઓ વચ્ચે
અનેક વાર ઝળહળી ઊઠેલી અદ્ભુત આત્મશક્તિમાં
તમે જ અંશરૂપે પ્રગટ થયા છો.
તમને અમે જોઈ શકતા નથી.
પણ આ બધું જે અમે જોઈએ છીએ, તે તમે જ છો.
તમે આ પણ છો અને તે પણ છો.
ઈસુને શૂળીએ ચડાવનારાઓથી માંડી
મનુષ્યના કલ્યાણ અર્થે રાજપાટ છોડી જનાર બુદ્ધ સુધીના
સર્વ આવિર્ભાવો તમારા જ છે.
મારા નાનકડા જીવનનાં નાનકડાં સુખો તમે છો,
મારા લઘુક જીવનનાં દુઃખ, શોક ને નિષ્ફળતા પણ તમે જ છો.
મારું જીવન તમારા ભણીની અણથંભી યાત્રા છે,
મારું મૃત્યુ તમારા સાન્નિધ્યની પરમ શાંતિ છે.
જીવવાનું મને મીઠું લાગે છે, મરવાનો મને ભય નથી,
કારણકે, જે કાંઈ છે તે બધું તમારા વડે વ્યાપ્ત છે.