zoom in zoom out toggle zoom 

< પરમ સમીપે

પરમ સમીપે/૫૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૨

મને કશાનો ભય નથી, ભગવાન!
કારણકે તમે સદૈવ મારી રક્ષા કરો છો.
મારી યાત્રા સરળ છે
કારણકે આખોયે માર્ગ
તમે મારી જોડાજોડ ચાલો છો.
જીવનની ચડતીપડતી ને તડકીછાંયડી
એ તો એક ખેલ છે.
એ ખેલમાં હું આનંદભેર ભાગ લઉં છું.
જય ને પરાજય, હાસ્ય ને રુદન
બધું આ ખેલનો ભાગ છે.
બધું ક્ષણભંગુર, મર્યાદિત, પસાર થઈ જનારું છે.
વિવિધ પરિસ્થિતિમાં મને મૂકીને
તમે મારું ઘડતર કરો છો.
સંઘર્ષ કે સમસ્યાથી હું ગભરાતી નથી.
એવી કઈ સમસ્યા છે, જે તમારી કૃપાથી ઊકલી ન શકે?
એવો કયો ભાર છે, જે પ્રાર્થનાથી હળવો ન થાય?
એવી કઈ કસોટી છે, જે તમારા અનુગ્રહથી પાર ન કરી શકાય?
પહેલાં, સુખ આવે ત્યારે હું સુખી થતી હતી
અને દુઃખ આવે ત્યારે દુઃખી થતી હતી.
હવે સુખ ને દુઃખ બંનેની પાછળ તમારો ચહેરો ઝલકે છે.
આનંદના દરિયામાં હવે મારું જહાજ નિઃશંક થઈને તરતું જાય છે.