પરમ સમીપે/૫૩
રાત પડી છે અને દીવા બુઝાઈ ગયા છે
બધા જીવો અંધકારની ગોદમાં વિશ્રાંતિથી પોઢી ગયા છે.
તમને પ્રાર્થના કરવા હું મારા હૃદયને શાંત કરું છું
મારા હૃદયના ઊંડાણમાંથી શબ્દો પ્રગટ થાય છે.
અલબત્ત, તમને શબ્દોની કોઈ જરૂર નથી,
તમે તો બધું જાણો જ છો.
અમારા શબ્દો તો અમારા ભાવોની સ્પષ્ટતા માટે છે
પછી કદાચ એની જરૂર ન રહે.
અનાદિકાળથી અમે પિંજરમાં પુરાયેલાં છીએ
અજ્ઞાન અને ઇચ્છાઓનાં બંદી છીએ
સીમાઓ બાંધી અમે જાતને સલામત માની છે
દુન્યવી પ્રાપ્તિઓને ચરમ સિદ્ધિ ગણી છે.
આ બધું પરિવર્તનશીલ છે, આજે ઊગીને કાલે આથમી જનારું છે
તે જાણીએ છીએ, છતાં વ્યવહારમાં તેથી જુદું જ માનીને ચાલીએ છીએ.
જીવન તો છે એક નિરંતર વહેતી નદી
કોઈ ઘાટે, કોઈ કાંઠે તે અટકી રહેતી નથી.
પણ અમે વસ્તુમાં, વિચારમાં, વલણોમાં અટકી પડીએ છીએ
ત્યારે સ્થગિત બની જઈએ છીએ
મૃત્યુના પ્રદેશમાં મલિન બનીને રહીએ છીએ.
સકળ દૃશ્યમાન જગત એક આનંદપૂર્ણ લીલા છે
અમે અમારા કેન્દ્રમાંથી બહાર નીકળી
જીવન સાથે વહી શકીએ
તો આ લીલાના ભાગીદાર બની શકીએ;
પછી બધી જ ઘટના એક ખેલ બની રહે,
સુખ આપો ને દુઃખમાંથી બચાવો તે તમારી કૃપા છે,
તો સંકટ આપો ને દરિયામાં ડુબાડી દો તે પણ
તમારી જ કૃપા છે એમ સમજી શકીએ,
અમને વિશ્વાસ રહે કે બધું તમારી દૃષ્ટિમાં જ છે.
સત્તાસ્થાને વિરાજતા મનુષ્યમાં
અને રસ્તે રઝળતા ઢોરમાં
તમે જ રહેલા છો.
અમારા અજ્ઞાન અને ઇચ્છાના અંધ પડદાને સળગાવી મૂકો
અમારા કોચલાને તોડી નાખો
અમે ગમે તેટલા ક્ષુદ્ર હોઈએ, તમે સમર્થ છો
તમારી ભક્તિ અમને સામર્થ્યવાન બનાવે છે.
કોઈ ઘર એવું દરિદ્ર નથી, જ્યાં તમારાં પગલાં ન પડે
કોઈ હૃદય એવું જડ નથી, જ્યાં તમારું નામ ન સ્પંદે
કોઈ ક્ષણ એવી સામાન્ય નથી, જે તમારા સ્મરણથી આલોકિત ન થાય.
આ નીરવ રાતે સમય શાંત છે
મને ભાન થાય છે કે હું એકાકી નથી
કોઈના સમીપ હોવાનો હું સઘન અનુભવ કરું છું
એ કોઈ તે તમે છો, ભગવાન!