પરમ સમીપે/૫૫
કેટલાક લોકો માને છે કે ભગવાન જેવું કાંઈ છે જ નહિ
અને આ વિરાટ વિશ્વની રમણા
એક સ્વયંસ્ફૂર્ત સ્વયંસંચાલિત લીલા છે.
તેઓ માને છે કે
મનુષ્યે પોતાના આશ્વાસન અને આધાર માટે
ઈશ્વરની શોધ કરી છે,
જેથી તે, ન સમજાતી બાબતોના ખુલાસા આપી શકે
અને સંકટો વચ્ચે ટકી રહી શકે.
પણ ભગવાન, હું તો જાણું છું કે તમે છો,
તમે છો તેથી તો હું છું,
અને તેથી તો છે આ માધુર્યની અજસ્ર ધાર.
લોકો પોતાનામાં ડૂબેલાં રહે છે
પોતાથી વીંટળાઈ રહે છે
પોતાને જ જુએ છે ને પોતાના જ વિચાર કરે છે
તેથી તેમને તમારો સ્પર્શ મળતો નથી.
તેઓ પોતાની વેદનાની વાતો કરે છે
અને પોતાને માટે રડે છે;
પણ તમારે માટે છાની રાતે કોણે આંસુ વહાવ્યાં છે?
તમે તો ચોતરફ આવી રહેલા છો.
અમે જો અમારી જાતમાંથી જરાક બહાર નીકળીએ
અમારી શતસહસ્ર કામનાઓ, વેગો, ઉત્પાતોને બાજુએ મૂકીએ
અમારા મનનો કોલાહલ શાંત કરીએ
અને તમારો ઝીણો સ્વર સાંભળવા કાન માંડીએ
એક દિવસ નહિ, થોડા દિવસ નહિ
રોજેરોજ
વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમથી તમારા ભણી ઉન્મુખ થઈએ
પવિત્ર ને પ્રેમાળ
નિરહંકારી ને નિર્દંભ બનીએ
તો અમને જાણ થાય,
ચોક્કસ જ જાણ થાય, ભગવાન!
કે તમે તો સાવ નજીક છો
હૃદયના ધબકાર જેટલા નજીક
શરીરને અડતી હવા જેટલા સ્પર્શ્ય
અમને જાણ થાય કે
અમારા પર તમારી કૃપા વરસાવવા
તમે પણ અમારી રાહ જોઈ રહ્યા છો.
પણ સંસારના રાજમાર્ગ પરથી પસાર થતા
લાખો-કરોડો લોકોને અચાનક અટકાવીને હું પૂછું :
જીવનમાં તમને શું જોઈએ છે?
તો કોણ મને પ્રેમભરપૂર સ્વરે જવાબ આપશે કે
મને બીજું કાંઈ નથી જોઈતું
માત્ર ભગવાન જોઈએ છે?