પરમ સમીપે/૫૪
આ અમારી કેવી દુર્બળતા છે, પ્રભુ,
કે સંસારમાં ઘણી વસ્તુઓ મિથ્યા છે
તેવું સાચેસાચ માનીએ છીએ,
છતાં તેને જ શોધીએ છીએ, તેને જ સાચવીએ છીએ
તે ન મળતાં, કે મેળવીને ગુમાવતાં
કાગારોળ મચાવીએ છીએ
અને એ બધોયે વખત અમે તને ગુમાવીએ છીએ
તારી પાસે આવવાનો અવસર ગુમાવીએ છીએ
તેનું તો અમને ભાન પણ થતું નથી.
અમે દેહની, સંપત્તિની, જાતની આળપંપાળ કર્યા કરીએ છીએ
કોઈ જરાક માન ન આપે, ધારેલું જરાક અવળું પડે
કે ઉઝરડાઈ જઈએ છીએ
આકરા પ્રતિભાવો આપીએ છીએ
ઘાવોને સ્મરણમાં જીવતા રાખીએ છીએ
વલણો નક્કી કરીએ છીએ
બંધિયાર બની બેસીએ છીએ.
સંસારની ગલીઓમાં ને રાજમાર્ગ પર
હજાર વેશે, હજાર ચહેરે તું મળી જાય છે
પણ અમે તો એટલાં રોકાયેલાં હોઈએ છીએ
કે અમને થોભવાનો,
તને ઓળખવાનો
સમય નથી હોતો.
જીવનની સ્પર્ધામાં
આગળ નીકળી જવાની આકાંક્ષાથી
પાછળ રહી જવાના ભયથી
સતત દોડતાં રહીએ છીએ.
કોઈક વાર તારો સાદ સંભળાય છે
પણ અમે કહીએ છીએ : ‘પછી, પછી.’
હમણાં સમય ક્યાં છે?
તું માર્ગમાં થોડાં વિઘ્નો મૂકે છે,
કે અમે સહેજ અટકીએ, જરા પાછળ ફરીને જોઈએ;
પણ અમે તો બમણા ઝનૂનથી આગળ વધીએ છીએ.
અમારી હોશિયારી વડે
અમારા પ્રશ્નોના ઉકેલ શોધીએ છીએ.
અને એક દિવસ બધું જ પડી ભાંગે છે.
તે દિવસે ખ્યાલ આવે છે કે
આ તે કેવી મૂર્ખતા!
પ્રેમ તને કરીએ છીએ એમ માન્યું ને મનાવ્યું
પણ દોટ તો બીજી જ વસ્તુ પાછળ મૂકી
આધાર તો બીજાં જ બળોનો લીધો
પછી સાંજ ઢળ્યે સરવૈયું કાઢ્યું
ત્યારે જણાયું કે કેવી તુચ્છ બાબતોમાં જીવન વહી ગયું
વરદાનોનો ધોધ આંગળીઓ વચ્ચેથી સરી ગયો
દિવસ ડૂબી ગયો ને અંતરમાં દીવો થયો નહિ.