પરમ સમીપે/૫૭
અમે બધા પ્રેમ વિશે વાતો કરીએ છીએ, ભગવાન!
પણ આ પ્રેમ ખરેખર શું છે?
એ પ્રિયજનના સાન્નિધ્યનો આનંદ છે?
તેનાં સુખદુઃખને પોતાનાં ગણવાની એકરૂપતા છે?
પોતાના પહેલાં બીજાનો ખ્યાલ કરતી કાળજી છે?
પોતાની અંતરતમ અનુભૂતિઓમાં બીજાને સહભાગી
બનાવતી શ્રદ્ધા છે?
ચોક્કસ, એ સાથે માણેલી મઝાઓ
શરીરનાં સુખો અને ઉષ્માભર્યાં આલિંગનો કરતાં
ઘણું વધારે કંઈક છે.
એ ઊંડી સમજ અને આનંદથી ભરેલું કોઈક તત્ત્વ છે,
જે બધું હૃદય વડે પારખે છે, તર્ક વડે નહિ;
તે લે છે તેથી વધુ આપે છે,
લેવાની ઇચ્છા વગર આપે છે,
આપે છે અને યાદ રાખતો નથી.
તે ભય વગર પોતાનું હૃદય ખુલ્લું કરે છે
અને આક્રમક થયા વિના અંતરનાં ઊંડાણોમાં પ્રવેશે છે.
તે એકીસાથે મૃદુ અને શક્તિશાળી હોય છે,
જીવનને તે વધુ જીવંત બનાવે છે
અને ગમે તે થાય, તજી જતો નથી.
પ્રેમ હોય છે ત્યારે
ઝર ઝર વહેતા ઝરણાની જેમ
જીવન વહેતું અને મધુર બની જાય છે.
તે સામાન્ય ક્ષણોને સુખથી પ્રકાશિત
અને સામાન્ય ઘટનાઓને સોનાકણી જેવી મૂલ્યવાન બનાવે છે.
પ્રેમમાં જે ઉત્તમ હોય તે બીજાને આપીએ છીએ
અને પોતાની પસંદગી બીજા પર ઠોકી બેસાડતાં નથી
પ્રેમમાં માગણી, આગ્રહ, જીદ નથી
કારણકે તે સામા માણસના દૃષ્ટિબિંદુથી જોઈ શકે છે
તેથી તે પોતાની વાત મનાવવાની બળજબરી કરતો નથી.
પ્રેમ એટલે શ્રદ્ધા ને વિશ્વાસ
નિશ્ચલતા અને નિષ્ઠા
પ્રેમ એટલે હળવું મન અને ગીત ગાતા હોઠ
પ્રેમ એટલે હાથમાં હાથ પરોવીને ચાલવું
અને હૃદયથી હૃદય સાથે વાતો કરવી
સાથે સહન કરવું
અને સાથે પ્રાર્થના કરવી.
પ્રેમ સાથે ચડેલાં કપરાં ચડાણ છે
અને ઝંઝાવાતોનો સાથે કરેલો મુકાબલો છે
અને પ્રેમ, એ ઈશ્વરના મુખ ભણી સાથે જોઈ
પ્રસન્નતાથી સાથે ઊંચકી લીધેલો ભાર છે.
અમે અમારી જાતને જ ચાહીએ ત્યારે કેદી બની રહીએ છીએ
બીજાને ચાહીએ ત્યારે અમને પાંખો ફૂટે છે
અમે અમારી જાતને જ ચાહીએ
ત્યારે તમને એટલા ઓછા ચાહીએ છીએ.
પ્રેમ અમને અમારા કૂંડાળામાંથી બહાર લઈ જાય છે
બીજાને ચાહીએ ત્યારે અમે વિશાળ બનીએ છીએ
અમારી અંદર એક ગતિનો સંચાર થાય છે
અંધકાર અજવાળામાં આંખો ખોલે છે.
દુનિયાની દરેક વસ્તુ, દરેક પ્રાણી, દરેક માણસ
માટીનો નાનામાં નાનો કણ પણ
સ્નેહ માટે ઝંખે છે.
બધા અન્યાય ને અત્યાચાર
વેરઝેર ને ધિક્કાર
શોષણ ને હિંસા
પ્રેમના અભાવમાંથી જન્મે છે.
અમે ખરેખર પ્રેમ કરી શકીએ, તો અમારી જાતને બદલી શકીએ
અમે પ્રેમ કરી શકીએ, તો દુનિયાનો ચહેરો બદલી શકીએ.
પૃથ્વી પરના દરેક સીમિત પ્રેમની પાછળ
તમારી અસીમતાનો સૂર છે.
અમે સમગ્ર હૃદયથી જ માત્ર નહિ,
સમગ્ર જીવનથી પ્રેમ કરી શકીએ
તો અમે તમને પણ પામી શકીએ, પ્રભુ!