પરમ સમીપે/૫૮
વહેલી સવારે હું સૂર્યને ઊગતો જોઉં છું ત્યારે
તેમાં મને તારો ચહેરો દેખાય છે
અંધારી રાતે ઝબકી ઊઠતા તારાઓમાં
હું તારાં જ, પ્રેમથી ચમકતાં નેત્રો નિહાળું છું.
સરોવરના શાંત પાણીમાં હું તારી છાયા જોઉં છું
સાગરના ઘુઘવાટમાં હું તારો સંદેશ સાંભળું છું
લીલાં તરણાં અને રૂપેરી ઝરણાં
તારું હાસ્ય ઝીલવાને લીધે જ આટલાં કોમળ અને મધુર છે.
ફૂલોના રંગો, વૃક્ષોની ઘટા, પંખીના ટહુકાર અને
વસંતની શોભામાં
મને તારી અનંત લીલાનાં દર્શન થાય છે.
ભવ્ય હિમાદ્રિશિખરો અને ધૂળના નાનામાં નાના કણમાં
તું જ વિલસી રહ્યો છે.
આખું જગત તારાથી વ્યાપ્ત છે
અને તારામાં આવી રહેલું છે.
પૃથ્વી પરના આનંદ અને વિષાદ
ઉત્થાન અને પતન
મૌન અને ગીત
ખરી પડતાં પાન અને નવા જન્મતાં શિશુ
સર્વત્ર હું તને જોઉં છું, તને સાંભળું છું
અને તને ચાહું છું.
કેવી અદ્ભુત રીતે તેં જીવનને વિસ્મય અને સમૃદ્ધિથી
ભરી દીધું છે!
પ્રત્યેક વસ્તુમાં
પ્રત્યેક વ્યક્તિમાં
રોજિંદા જીવનની નાનીમોટી પ્રત્યેક ઘટનામાં
હું તારું પ્રાગટ્ય જોઉં છું.
હવે દુઃખ એ દુઃખ નથી, અને શોક એ શોક નથી
દરેક મુશ્કેલી એક સંકેત છે
અને દરેક સંકેત છે એક ઉઘાડ.
મારી અંદર એક નવા પ્રેમે જન્મ લીધો છે,
મારા શ્વાસની માળામાં હવે તારા નામનો મણિ
સદૈવ પરોવાયેલો રહે છે.