પરમ સમીપે/૫૯
આજે રાતે, ઊંઘમાં પોઢી જતાં પહેલાં
મને મારા એ સેંકડો બાંધવો યાદ આવે છે,
જેમની આંખમાં ઊંઘ નથી;
જિંદગીએ જેમને લોહિયાળ ઘાવ કર્યા છે,
સમાજના દ્વેષ અને સંકુચિતતાથી જેમના
હૃદયમાં ચીરા પડ્યા છે,
જેમનો તેમનાં પ્રિયજનોએ જ દ્રોહ કર્યો છે,
સમગ્ર ચાહનાથી ઇચ્છેલી વસ્તુને પામવામાં જેઓ
નિષ્ફળ ગયા છે,
જેમના પ્રેમને પ્રતિસાદ મળ્યો નથી,
યાત્રાની અધવચ્ચે જેમણે પોતાના સાથીને ગુમાવ્યા છે
જેમની શક્તિઓને સાર્થક થવાની તક મળી નથી
જેમના કાર્યની મહત્તાનું ક્યારેય પૂરતું મૂલ્ય અંકાતું નથી,
પોતાના કાર્ય માટે જેમને આભાર કે પ્રશંસાના બે
શબ્દો સાંભળવા મળતા નથી,
હૃદયની વાત કરી શકાય, એવા જેમને મિત્રો નથી
જેઓ હંમેશાં થાકેલા, વિષાદથી ભરેલા હોય છે,
જેમના ઉમદા ભાવોની કોઈ કદર થતી નથી,
જેઓ ઘણી મહેનત કરે છે ને ઓછું વળતર પામે છે
આ બધા બાંધવો માટે
આજે મારું હૃદય પ્રેમ અને પ્રાર્થનામાં વહી જાય છે
પ્રભુ,
એમના દુઃખમાં એમને આશ્વાસન આપો
એમને હિંમત અને માર્ગદર્શન આપો
ઉલ્લાસ અને પ્રોત્સાહન આપો
શક્તિ, આનંદ અને પ્રેમ આપો
બધાં બારણાં બંધ હોય ત્યારે,
તેમાંના કોઈક બારણાની પાછળ તમે આવી ઊભેલા છો,
એવી તેમને પ્રતીતિ આપો;
જેથી તેઓ ગમે તેવો કાંટાળો માર્ગ પણ
એવા વિશ્વાસ સાથે પસાર કરી જઈ શકે
કે, માર્ગને કોઈક વળાંકે
તમારા અનંત સામર્થ્યયુક્ત બાહુ
તેમને બધી પીડામાંથી ઉપર ઊંચકી લેવા તત્પર છે.