પરમ સમીપે/૬૧
આજે મને સમજાયું છે પ્રભુ, કે
તારી સ્તુતિ કરતાં પહેલાં
મારી વાણીને મારે શુદ્ધ કરવી જોઈએ,
જે વાણી વડે હું તારી સાથે વાતો કરવા ઇચ્છું
તે વાણી સત્યપૂત, પવિત્ર, મૃદુ હોવી જોઈએ.
જુઓ તો પ્રભુ,
કેટકેટલા દોષોથી અમારી વાણી ખરડાયેલી હોય છે!
જોખમના ભયથી કે લાભની આશાથી
અને ક્યારેક માત્ર સામા પર રુઆબ પાડવા
અમે જૂઠું બોલીએ છીએ
એકબીજા વચ્ચે ફૂટ પડાવીએ છીએ
ટીખળ ને ઉપહાસ કરીએ છીએ
વાદવિવાદ કે ચર્ચામાં ઊતરી પડીએ ત્યારે
અમારો અવાજ છરીની ધાર બની જાય છે,
કટાક્ષ, કઠોરતા કે ક્રોધથી અમારા શબ્દો દઝાડે છે.
ઉતાવળ, અધીરતા અને અણસમજથી
અમે ગમે તેમ બોલી નાખીએ છીએ
અને બીજાના હૃદયને આઘાત કરીએ છીએ,
ભાવ ને નિષ્ઠા વિનાના, જેમાં અમે હૃદય મૂક્યું નથી તેવા
ઠાલા શબ્દો ઉચ્ચારીએ છીએ,
વચન આપીને પાળતા નથી.
અમારા શબ્દો
અહંકાર અને આત્મપ્રશંસામાંથી
ઈર્ષ્યા અને ગુપ્ત ઘૃણામાંથી
બીજાની નિંદા અને પોતાની સરસાઈના ભાવમાંથી પ્રગટ થાય છે.
સમય પસાર કરવા અમે નિરર્થક વાતોમાં
અનર્ગળ શક્તિ વેડફીએ છીએ
અમારી ખામીઓ તો જાણતા નથી
ને બીજાની ખામીઓની ટીકા કરીએ છીએ
અભિપ્રાય આપીએ છીએ
સરખામણી કરીએ છીએ
તેઓ શું કરે છે ને શું નહિ, તેની નકામી પંચાતમાં ઊતરીએ છીએ.
વાક્પટુતાને જોરે અમે ખોટી વાતોનું પ્રતિપાદન કરીએ છીએ
વાચાળ બની જરૂર વગર બોલતાં રહીએ છીએ
અજાગૃતિમાં એકની એક વાત ફરી ફરી કરીએ છીએ
બીજાની વાતો ક્યારેય તલ્લીનતાથી, એકચિત્તે સાંભળતા નથી
પ્રશ્ન પૂછીને, જવાબ સાંભળ્યા વિના, પોતાની વાત
ઉત્સુકતાથી કહેવા માંડીએ છીએ
અમારી સઘળી વાતોનું અમે જ કેન્દ્ર બની રહીએ છીએ.
પણ હું જો અંદરથી જરા શાંત બનું,
તો એક સમર્થ સાધનને કેવી વ્યર્થ બાબતોમાં હું ખર્ચી નાખું છું
તેનું મને ભાન થાય,
અને હું મૌનનો મહિમા સમજી શકું.
તો પછી હું આવેગથી, અભાનપણે જે-તે બોલી ન નાખું
જરૂરી લાગે ત્યારે જ, સાચું લાગે ત્યારે જ બોલું
દલીલના જોશમાં નહિ, પણ સામાને વાત પહોંચે એમ હોય
તો જ બોલું
ચર્ચા-વિચારણામાં મારો ફાળો આપું, પણ મારી જ વાત સાચી
ને બીજા ખોટા, એવો આગ્રહ ન રાખું.
પછી મારી વાણી સત્ય અને પ્રેમમાંથી જન્મશે
તે તિરાડ પાડનારી નહિ પણ સાંધનારી બનશે
મારા શબ્દો મધુર અને હિતકર હશે
મારી વાણી શુદ્ધ બનશે.
પછી એ વાણી વડે હું તારી સાથે વાતો કરી શકીશ,
પ્રભુ!
મને વિશ્વાસ છે કે તું એ સાંભળશે.