zoom in zoom out toggle zoom 

< પરમ સમીપે

પરમ સમીપે/૬૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬૨

ભગવાન,
આજે તેં મને ખૂબ સુખસામગ્રી આપી છે
પણ કાલે તું એ બધું લઈ લે — એમ બને.
આજે તેં ભરપૂર શક્તિ ને તંદુરસ્તી આપ્યાં છે
પણ કાલે મારો દેહ દુર્બળ ને રોગગ્રસ્ત થઈ જાય — એમ બને.
આજે તેં મને મીઠા સંબંધો આપ્યા છે
પણ કાલે મારાં પ્રિયજનો મને છોડી જાય — એમ બને.
આજે તેં મને પદપ્રતિષ્ઠાસંપત્તિ આપ્યાં છે
પણ કાલે હું સાવ રંક, અસલામત બની જાઉં
ઝંઝાવાતમાં ફેંકાઈ જાઉં
લોકો મારી હાંસી ઉડાવે ને મારું અપમાન કરે — એમ બને.
તેથી જ પરમાત્મા, હું પ્રાર્થના કરું છું કે
મારા સુખમાં મત્ત બની હું કોઈની અવજ્ઞા ન કરું
સ્વજનોના સ્નેહને સ્વત:સિદ્ધ અધિકાર ન માની લઉં
સાનુકૂળતાના જોર પર મારી જાતને અજેય્ય ગણી
મને કોઈ દિવસ કાંઈ થવાનું જ નથી, એવા ભ્રમમાં
ફસાઈ ન જાઉં
બધું સવળું ચાલતું હોય ત્યારે,
એને મારી હોશિયારી ને આવડતનું પ્રમાણ લેખી
તારી કાંઈ જરૂર જ નથી એમ માની ન બેસું.
અને જ્યારે બધું જ અવળું પડે
ધારેલું ન મળે, અને મળ્યું હોય તે છિનવાઈ જાય
ત્યારે એ તારી અવકૃપા છે
એમ સમજવાની મોટી ભૂલ પણ ન જ કરું.
કારણકે ભગવાન,
બધું આપવા પાછળ તારો હેતુ છે
બધું લઈ લેવા પાછળ પણ તારો ચોક્કસ હેતુ છે.
બંનેમાં તારી કૃપા જ કામ કરે છે.
માર્ગ ફૂલનો હોય કે કાંટાનો
એના પર ચાલીને હું તારા ભુવનમાં પહોંચું,
જ્યાં સંપત્તિ સંપત્તિ નથી ને વિપત્તિ વિપત્તિ નથી
જ્યાં બાહ્ય આવરણો અને આભાસો ખરી પડે છે
જ્યાં સર્વ કાંઈ તારી જ લીલાનો આનંદ છે;
બધી પરિસ્થિતિઓમાંથી, હળવાશથી પસાર થઈ
આ નિત્ય આનંદના લોકમાં પહોંચું
એવી મને સ્થિરતા આપજે
એવી મને ગતિ આપજે.