પરમ સમીપે/૬૪

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૬૪

આમ તો રોજેરોજ અમે
તમારી પાસે કંઈક ને કંઈક માગતાં જ હોઈએ છીએ, પ્રભુ!
પણ આજે હું કશું માગવા નથી આવી
હું તો માત્ર, આ શાંત અંધારી રાતે, એકાંતમાં
તમારી પાસે નિરાંતે બેસવા આવી છું.
અને આમ બેસવામાં મને કેટલું ઊંડું સુખ છે
તે કહેવા આવી છું.
કોઈ પણ સ્થૂલ પ્રાપ્તિમાં જાણી ન હોય
એવી એક અસીમ અવર્ણનીય શાંતિ
મારી પર ઊતરે છે.
એક ઊંડી કૃતજ્ઞતાથી મારું હૃદય ભરાઈ જાય છે.
તમને ચાહવાનું આ કેવડું મોટું સુખ
તમે અમને આપ્યું છે!
મારાં નેત્રો તમને નિહાળી શકતાં નથી
પણ મારું અસ્તિત્વ તમારાથી વ્યાપ્ત છે.
મારા મસ્તક પર હું તમારો હાથ મુકાતો અનુભવું છું.
મારા મોંને અડતી આ હવામાં
તમારો વત્સલ સ્પર્શ પામું છું.
મારી કોઈ માગણી નથી,
મને કશાની જરૂર નથી,
હું માત્ર પ્રેમનું નિવેદન કરવા આવી છું.
આ સભર એકાંતમાં, ભગવાન!
તમે છો ને હું છું.
આનંદ અને તૃપ્તિની આ નીરવ શ્રદ્ધામય ક્ષણોમાં
પરમ પિતા,
હું તમારે ચરણે મારું હૃદય મૂકું છું.